આત્માની માતૃભાષા/4: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 36: | Line 36: | ||
કવિએ લખ્યું છે: ‘તત્ત્વજ્ઞાન કરતાં વધુ સર્વસુગમ અને હૃદયંગમ રીતે મનુષ્યજીવનને અજવાળવાનું કવિતાને ફાવે છે. એટલે તો કવિના અર્પણ અંગે દુનિયા ઓશિંગણભાન દાખવે છે.’ ‘જઠરાગ્નિ'ના કવિ, અમે ખરે જ તારા ઓશિંગણ છીએ. | કવિએ લખ્યું છે: ‘તત્ત્વજ્ઞાન કરતાં વધુ સર્વસુગમ અને હૃદયંગમ રીતે મનુષ્યજીવનને અજવાળવાનું કવિતાને ફાવે છે. એટલે તો કવિના અર્પણ અંગે દુનિયા ઓશિંગણભાન દાખવે છે.’ ‘જઠરાગ્નિ'ના કવિ, અમે ખરે જ તારા ઓશિંગણ છીએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 3 | |||
|next = 5 | |||
}} |
Revision as of 09:18, 18 December 2021
ડૉ. નીરવ પટેલ
રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા!
રચો, રચો ચંદનવાટિકાઓ,
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે!
અંતર-રૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ન લાધશે!
‘જઠરાગ્નિ’ કવિતાનો જિકર થાય ત્યારે એક આખો કાળખંડ અને એક યુગપુરુષની પ્રેરણાથી દીન-દલિત પ્રત્યે પ્રતિબદ્ધ થયેલા ગુજરાતી લેખકો-કવિઓ જે ઉમાશંકરના સમકાલીન હતા તે સૌ સાંભરે. પણ મને સવિશેષ તો મેઘાણીની ‘અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે’ અને પછી આવતી ટેકપંક્તિઓ — ‘ત્યારે હાય રે હાય, કવિ! તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે! તને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે! તને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે!’ તથા આ અદ્ભુત કવિતાના ટોનથી જુદેરા ટોનમાં પણ એ જ નિસબત પ્રગટ કરતી કરસનદાસ માણેકની કવિતા ખાસ સાંભરે: ‘દરિદ્ર, દુર્બળ, દીન અછૂતો અન્ન વિના અડવડતા, દેવદ્વારની બહાર ભટકતા ટુકડા કાજ ટળવળતા, તે દિન આંસુભીનાં રે, હરિનાં લોચનિયાં મેં દીઠાં!’ આ ત્રણે કવિતાઓ ગાંધીયુગની ચેતનાની નિપજ છે એ નિ:શંકપણે કહી શકાય. ગુજરાતી સાહિત્યના એ સુવર્ણયુગનો સર્જકધર્મ શો હતો? મેઘાણી લખે છે: ’…પ્રત્યેક લેખક નવયુગની રચનામાં રોકાયેલો મજૂર છે. એ ખરા દિલની મજૂરી કરે: પછી ભલે એને કોતરકામ આવડતું હોય તો નકશી કરે, ને નહિ તો સાદા પથ્થરો ફોડે. ચાહે એ મહાકાવ્ય રચે, કે દૈનિક છાપાની અંદર રિપોર્ટ લખે; પણ એનું નિર્મિત કાર્ય તો એ કરે જ કરે. ન કરનારને નવરચનામાં સ્થાન નહિ.’ અને જાણે ઉમાશંકર ‘નકશીકામ’ આવડતું હોવા છતાં એને બાજુએ મૂકી ‘જઠરાગ્નિ’ કાવ્યની રચના થકી પથ્થરો ફોડવાનું કવિકર્મ પસંદ કરે છે. અને એટલે જ વિચાર, સંવેદન અને નિસબતના સંમિશ્રણ સમી આ કવિતા સીધી (direct), સાદી (simple) અને સચોટ (true) અભિવ્યક્તિ લઈને આવી છે. એ એટલી સુબોધ છે કે એને ભાગ્યે જ સમજાવવી પડે! આજના અર્વાચીન કે અનુઆધુનિક યુગના ગુજરાતી કવિની નિસબત હજી ભક્તિગાન, પ્રકૃતિગાન કે હાઇકુ-તાન્કાની પ્રયોગખોરીથી આગળ વિસ્તરી નથી. અને એ જોઈને દલિતકવિ પ્રવીણ ગઢવી એના ‘રોટી’ કાવ્યમાં કહે છે: રોજ-બ-રોજની જરૂરિયાત જેવી રોટીની કવિતા કરતાં આધુનિક કવિઓ શરમાય છે! પણ ઉમાશંકરના આ કાવ્યમાં જે અંતિમ અલ્ટિમેટમ, જે ચરમ ચેતવણી ઉચ્ચારાઈ છે એ કદાચ ગાંધીયુગી ચેતનાથી પણ એક ડગલું આગળ છે. (સ્વામી સચ્ચિદાનંદની આવી જ એક ચેતવણી સાંભરે છે — ‘આ છેલ્લી ટ્રેઇન છે'?) A History of Indian Literatureમાં શિશિરકુમાર દાસ એનું પગેરું માર્ક્સવાદી અસરમાં ઇંગિત કરે છે. એ લખે છે કે ગાંધીએ છેડેલા સ્વાધીનતા આંદોલનમાં કેટલાક ગુજરાતી કવિઓ જોતરાયા હતા અને તેઓ ઘણા માર્કસવાદીઓના પરિચયમાં આવ્યા હતા. અને એની અસર તેમનાં કાવ્યોમાં આટલી મુખરતાથી વર્તાય છે. ખરે જ, ઉમાશંકરે આ કાવ્ય મહારાષ્ટ્રના વીસાપુરની જેલમાં ૧૯૩૨માં લખેલું. અને આપણે ઇતિહાસને યાદ કરીએ તો આ એ ગાળો છે જેમાં ગોળમેજી પરિષદમાં દલિતોના પ્રશ્ને ગાંધી-આંબેડકરનો ઐતિહાસિક વૈચારિક ટકરાવ થાય છે. અને આપણને આશ્ચર્ય થાય તેવો એક કવિ અને એક લોકનાયકનો દીન-દલિતોના પ્રશ્ને વૈચારિક સામ્ય અને દૂરદર્શિતાનો યોગાનુયોગ: જેની ફલશ્રુતિ ઉમાશંકરની ‘જઠરાગ્નિ’ કવિતા અને ડૉ. આંબેડકરે ૧૯૪૯ની બંધારણસભામાં કરેલું સંભાષણ: ‘૨૬ જાન્યુ. ૧૯૫૦ના રોજ આપણે વિરોધાભાસોથી ભરેલા જીવનમાં દાખલ થઈ રહ્યા છીએ: રાજકારણમાં સમાનતા અને સામાજિક તથા આર્થિક જીવનમાં અસમાનતા! આપણે ક્યાં લગી આ અસમાનતાઓ ચાલુ રાખીશું? આપણે આપણા ભોગે જ તેમ કરીશું. કારણ કે સમાનતાથી વંચિત લોકો એક દિવસ મહામહેનતે મળેલી આ રાજકીય આઝાદીને ફૂંકી મારશે. ઉમાશંકર પણ બરાબર આ જ મતલબની વાત કરે છે ‘જઠરાગ્નિ'માં. અલબત્ત કવિએ તો આ વાત ઘણી વહેલી, છેક ૧૯૩૨માં કરી દીધી છે: દરિદ્રની ઉપહાસલીલા જેવી અંબરચૂંબી ઇમારતો એમનાં અંતર-રૂંધતી શિલાઓ જેવી મુઠ્ઠીભર ધનિકોના ભોગવિલાસ માટે ભલે રચો. પણ ‘એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે?’ અને આજે જાણે કવિની આ ભવિષ્યવાણી સાચી પડતી હોય તેમ નક્સલવાદી દાવાનળ રૂપે એ ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગ્યો છે ને દેશ સળગી રહ્યો છે! કવિની ચરમ ચેતવણી ન ગણકારવાનાં કેવાં માઠાં પરિણામ દેશે ભોગવવાનાં આવ્યાં છે! ગાંધીવાદ, માર્ક્સવાદ કે આંબેડકરવાદ જેવા કોઈ વાદમાં કવિ માને કે ન માને; એ સૌંદર્યવાદમાં તો જરૂર માને. હા, દલિત કવિ પણ એમાં અપવાદ ન હોઈ શકે. પૃથ્વી સમેતના પર્યાવરણમાં એ જન્મે છે, જીવે છે ને ન કેવળ એના સૌંદર્યને માણવા ને જાળવવા માટે, બલ્કે એમાં વધારો કરવાના પ્રયાસમાં પોતાને અને હરકોઈને જોતરાયેલાં જોવાં એને ગમે. પર્લ બર્ક જેવાં લેખિકા તો આ પૃથ્વી પરના અપ્રતિમ સૌંદર્યને માણવા માટે સ્વર્ગની કલ્પનાને પણ ઠુકરાવે છે. કદાચ એટલે જ ઉમાશંકર જોશી નામનો યુવાન કવિ મેઘધનુષના સૌંદર્યથી વંચિત રહી જતા ધોબી અને નરી વૈજ્ઞાનિક ઘટના રૂપે જોતા અને એ રીતે સૌંદર્યબોધ ચૂકી જતા વૈજ્ઞાનિકને પોતાની એક કવિતામાં પાત્રો બનાવે છે! સૌંદર્યવાદની હિમાયત કરતા આ કવિને, બલ્કે હર કોઈ એવા કવિને સૌંદર્યનું સર્જન કરતા, સૌંદર્યનું સંવર્ધન કરતા, સૌંદર્યનું સંરક્ષણ કરતા હર પરિબળ — હર વ્યવસ્થા પ્રત્યે પ્રેમ હોય છે. અને એથી ઊલટું, પૃથ્વીના સૌંદર્યને કલુષિત કરતા, એનો નાશ કરતા હર કોઈ પરિબળ-વ્યવસ્થાને એ ધિક્કારે છે. પણ શાને કારણે આ પૃથ્વી સુંદર છે? જેમાં રહેવા અપ્સરાઓ પણ સ્વર્ગનાં સુખો છોડી દેવા લલચાય છે! માનવીને વારસામાં મળેલું પ્રાકૃતિક જગત અને એણે પોતે પેદા કરેલું સામાજિક પર્યાવરણ આ પૃથ્વીને સુંદર બનાવે છે. ભૂખ, ગરીબી, શોષણ, દમન, ભેદભાવ આ પૃથ્વીને અસુંદર બનાવે છે અને ન્યાય, પ્રેમ, ભ્રાતૃભાવ, કરુણા આ પૃથ્વીને સુંદર બનાવે છે. વિશ્વશાંતિ અને વિશ્વબંધુત્વમાં માનતા આ સૌંદર્યપ્રેમી કવિએ એટલે જ તો આ ચરમ ચેતવણી ઉચ્ચારી છે: ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે તો સંસ્કૃતિ માત્રનો નાશ થઈ જશે. કવિએ લખ્યું છે: ‘તત્ત્વજ્ઞાન કરતાં વધુ સર્વસુગમ અને હૃદયંગમ રીતે મનુષ્યજીવનને અજવાળવાનું કવિતાને ફાવે છે. એટલે તો કવિના અર્પણ અંગે દુનિયા ઓશિંગણભાન દાખવે છે.’ ‘જઠરાગ્નિ'ના કવિ, અમે ખરે જ તારા ઓશિંગણ છીએ.