રાતભર વરસાદ/૫: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading| ૫ | }} {{Poem2Open}} પરોઢ થતાં બંનેને ઊંઘ આવી ગઈ. તેઓ મોડા ઊઠ્યા. વાદ...") |
(No difference)
|
Revision as of 21:18, 15 January 2022
પરોઢ થતાં બંનેને ઊંઘ આવી ગઈ. તેઓ મોડા ઊઠ્યા. વાદળો જતાં રહ્યાં હતાં અને બહાર સૂર્યથી ઝગમગતો દિવસ હતો. સવારની ચા પીવા બેઠા. બારીમાંથી સૂર્યનો તડકો ત્રાંસો ટેબલ પર પડતો હતો. સફેદ ચકચકાટ કપ મૂક્યા હતા. દુર્ગામણિ ચા લઈને આવી. નયનાંશુએ છાપું ખોલ્યું. ‘દુર્ગામણિ, અમે મોડા ઊઠ્યા છીએ. તું તરત જ બજારમાં જઈ આવ.’ ‘દ ગૉલ હવે ધાર્યું કરાવતા જાય છે. અરે હા, આજે મારે ઑફિસે જવાનું નથી. આજે મહોરમની રજા છે.’ (તેને રજા છે. આજે મારે કાંઈ કામ શોધી કાઢવું પડશે. આખો દિવસ મારે કામમાં રહેવું પડશે. કબાટમાંથી સાડીઓ કાઢી, સરખી વાળીને પાછી મૂકીશ. દીવાલ પરથી જાળા સાફ કરાવીશ. પંખા સાફ કરાવીશ. રસોડું ધોવડાવીશ. બાથરૂમ ધોવડાવીશ. બારીના કાચ ભીનાં છાપાંથી સાફ કરાવીશ – ચકચકાટ કરી નાંખીશ. સામે ઊભી રહીને આ બધું કેશ્ટો પાસે કરાવીશ. ના, ના, હું જાતે જ કરીશ. જાત મહેનત સૌથી સારી! કાંઈ પણ વિચારવાનો સમય જ નથી. મનમાં જે પણ હોય તેને વાળીઝૂડીને કાઢી નાંખ – ભૂખ, થાક, ઊંઘ. ઝૂંપડપટ્ટીમાં રહેતી બાઈઓ કદી પ્રેમની ચિંતા કરે? તે તો રોજ સવારથી સાંજ એક પછી એક ઘરમાં કચરા, પોતા, વાસણ, કપડા કરવાની કમરતોડ મજૂરી કરતી હોય છે. તે મજૂરીના ભાર નીચે સાસુની લાતો, વરની ગાળો અને બાળકોનો આંકડોે અને તેમનાં અકાળ મોતની કોઈ નોંધ જ નથી લેવાતી. સુખ કે દુઃખનો વિચાર કરવાનો સમય જ ક્યાં હોય છે? મહેનત, એ જ સૌથી સારો ડૉક્ટર છે.) ‘આ પાઈનેપલ જામ સરસ છે. તારે ચાખવો છે?’ ‘ના. બીજો ટ્રેન અકસ્માત. શું થવા બેઠું છે?’ ‘આજનો દિવસ શરદ જેવો છે.’ માલતીએ બહારથી નજર અંદર ફેરવતાં કહ્યું. આછી લીલી દીવાલો, કબાટમાં ગ્લાસ અને રકાબીઓ, કોઈકે ચીતરેલું સૂરજમુખીનું ચિત્ર – બધું જ આખી રાતના વરસાદ પછીના તડકામાં ચમકતું હતું. ‘તારે રજા છે?’ ‘મારે રજા છે.’ (મારે રજા છે. હું કફોડી સ્થિતિમાં મૂકાઈ ગયો. આખો દિવસ ઘરમાં બેસીને હું શું કરીશ? માલતી અને હું. એક જ ઘરમાં, એકલાં, આખો દિવસ. હું શું કરીશ? છૂટાછેડા? કોર્ટમાં? ઉફ! માત્ર નાટક! નાની વાતનું મોટું સ્વરૂપ! પણ માલતીની ઇચ્છા હોય તો? તેને ઇચ્છા હશે? પછી તેને એવું શું મળશે જે અત્યારે નથી મળતું? આ તો મોહ છે – જતો રહેશે. જયંત – તે પણ એક દિવસ જતો રહેશે. એને પણ પત્ની, બાળકો, કુટુંબ – બધું જ છે. અને માલતી પાસે બેબી છે, પિયર છે, સાસરું છે! અને આ બધાં પછી લોકો શું કહેશે તેની ચિંતા! અને હું – ના, આ અસહ્ય છે. મારે નીચું જોવું પડે છે – દિવસોના દિવસો – અપમાન, જુલમ, શરમ. હું આ સહન નહીં કરું. હું ચાલવા નહીં દઉં. હું વેર લઈશ. છૂટાછેડા. હું બેબીને નહીં આપું. હું ખોરાકી પણ નહીં આપું. બેબીને શીખવીશ કે તારી મા ખરાબ છે. તારી માને તારે ભૂલવી પડશે. તેને જ્યાં જવું હોય ત્યાં જાય. ભલે તે કૂતરા-કાગડાના મોતે મરતી. ભલે તે ફરી પરણતી. મને કાંઈ પડી નથી. હું મારું વેર લઈને જ રહીશ.) ચા પીતા પીતા નયનાંશુને હેડકી આવી. માલતીએ કહ્યું, ‘લે, આ પાણી પી લે.’ નયનાંશે એક ઘૂંટડો પીને છાપાનું પાનું ફેરવ્યું. ‘કલકતાના રસ્તાઓ પર બીજી પાંચસો ટૅક્સીઓ મૂકવાના છે. સારું.’ ‘મેં ઘણા વખતથી બેબીને ઝૂમાં લઈ જવાનું કહ્યું છે. પણ નીકળાતું જ નથી.’ (સરસ. આપણે બહાર જઈશું. બેબીને ઝૂમાં લઈ જઈશું. અંશુની સાથે – અને જયંત. એમાં શું ખોટું છે? એનો વાંધો નહીં. અંધકાર, અનિદ્રા અને વરસાદનો અવાજ – બધું કેટલું પ્રચંડ! કાલે હું ગભરાઈ ગઈ હતી. મને એમ લાગ્યું કે કોઈ અજાણી જગામાં હું ખોવાઈ ગઈ છું. પણ આજે આ શરદ જેવા તડકામાં બધું એટલું સીધું સાદું અને સહજ લાગે છે. શું થયું છે? ખરેખર કાંઈ જ નથી થયું. જયંત નયનાંશુનો મિત્ર છે અને મારો પણ. બેબીને જયંત બહુ ગમે છે. જયંત આસપાસ હોય ત્યારે હું સુરક્ષિત છું એમ મને લાગે છે. ઘરના કામમાં પણ તેની ખૂબ મદદ હોય છે. અને આ કોનું ઘર છે? નયનાંશુનું!) ‘ચૌરંઘી પરનું દરભંગા હાઉસ તોડીને એક બહુમાળી મકાન બનવાનું છે.’ ‘હું વિચારતી હતી કે તેને આજે જ ઝૂમાં લઈ જઈએ તો? આજે ગરમી પણ નહીં હોય અને વરસાદ પણ.’ ‘સરસ. બેબીને લઈ આવવા કેશ્ટોને મોકલ.’ ‘મેં એને મોકલ્યો જ છે. બેબી આવતી જ હશે. તને પ્રાણીઓ જોવા ગમે છે. તું આવીશ?’ ‘હું? ના રે, હું નથી આવવાનો.’ (શરમ જ નથી! ‘તું આવીશ?’ તેની આંખોથી, તેના હોઠથી, તેના દરેક હાવભાવથી તે જૂઠું બોલે છે! પણ હું તેને માફ નહીં કરું. હું માફ નહીં કરું. હું તેને હેરાન કરીશ, પજવીશ, રિબાવીશ – દિવસોના દિવસો સુધી, વર્ષોના વર્ષો સુધી – આજીવન! હું ભૂલીશ નહીં. હું તેને છોડીશ નહીં. હું તેને માફ નહીં કરું. હું પણ પીડાઈશ અને તેને પણ પીડીશ – આખી જિંદગી. બેબી મોટી થઈને તેની મા પાસેથી સાંભળશે કે તેનો બાપ ક્રૂર, લહેરી અને જુલમગાર છે. બેબીને હું નહીં ગમું. બધાં જ તેનો પક્ષ લેશે કારણ કે તે એક સ્ત્રી છે. ને તે સ્ત્રી છે તેથી હું ક્યારેય એક શબ્દ પણ બોલી નહીં શકું. આખી જિંદગી મારે મારું મોં બંધ રાખવું પડશે. મારે મારી પત્નીનું ગૌરવ જાળવવું જ રહ્યું. અને આપણે સ્ત્રીને અબળા કહીએ છીએ! અબળાનું બળ કેટલું જીવલેણ હોય છે અને પુરૂષો કેટલા લાચાર – જો તે સદ્ગૃહસ્થ હોય તો!) ‘હવે ઝૂમાં એક સફેદ રીંછ આવ્યું છે. બરફમાં રહે છે. આવીશ કે નહીં?’ ‘મારે બીજું કામ છે. જયંતને કહેડાવને. તે બેબીને ખભા પર બેસાડીને બધું બતાવી શકશે.’ ‘જયંતભાઈને અત્યારે સમય હશે?’ ‘તારે બોલાવવો પડશે. કેશ્ટોને મોકલી આપ.’ સવારે ઊઠ્યા પછી પહેલી વાર તેમની આંખ એકબીજાની સાથે મળી. બે નજરો અથડાઈને તરત જ પાછી ફરી. (મારે આમ કહેવાની શું જરૂર હતી? એ મૂર્ખામી હતી. ના, આ જ છે મારું વેર. તારે જે જોઈએ છે તે જ હું તને આપું છું. હું તને મુક્ત કરું છું. અને છતાં ખરેખર નથી કરતો. હું તને પજવીશ, ચતુરાઈથી પજવીશ – દિવસોના દિવસો, વર્ષોના વર્ષો – તેથી જ તો મને તારી જરૂર છે. ફક્ત એટલે જ? બીજી કોઈ યાદો નથી? પણ તે બધી જ યાદોને હું મારા મનમાંથી ભૂસી નાંખીશ. ઉખેડીને પગ નીચે કચડી નાંખીશ. પણ જો હું તેને હજી પણ ચાહતો હોઉં તો? આ બધું થઈ જવા છતાં, ચાહત? કોઈ આશા, કોઈ બદલા વિના, બધી જ પીડા ભૂલી જઈને? એ શક્ય નથી? બધું જ શક્ય છે, જો ઇચ્છા હોય તો. પ્રેમ કરવાની ક્ષમતા એ પણ સુખનો જ એક પ્રકાર છે. બીજું કાંઈ સ્પષ્ટ ન હોય તો હું પ્રેમને જ પ્રેમ કરી શકું. પણ ના, હું મારી ઇચ્છાને બીજા જ માર્ગે લઈ જઈશ. હું વૃક્ષને જડમૂળથી ઉખેડી નાંખીશ – જે વૃક્ષને એક દિવસ ફૂલ અને ફળ બેઠાં હતાં, તે જ વૃક્ષનો સર્વનાશ કરીશ. એક એક પાંદડાને મારા હાથે ફાડી નાંખીશ. હું કચડી નાંખીશ ફૂલ, ફળ, પાંદડાં અને મૂળ પણ. એ જ જમીનમાંથી ફૂટી ઊઠશે મારી વેદના, મારી ઘૃણા – કોઈ વિચિત્ર, મહાકાય વિદેશી ફૂલની જેમ. થોર જેવું સુંદર અને કાંટાથી ઘેરાયેલું, કીમતી થોરના ફૂલ જેવું, નાગની ફેણ જેવું, સુંદર અને જીવલેણ. એ જ છે મારું વેર.) નયનાંશુ બેઠકના રૂમમાં આવીને સોફા પર બેઠો અને આર્ટ એન્ડ પબ્લિસિટી નામના સામયિકના પાનાં ઉથલાવવા માંડ્યો. (અમેરિકામાં કેટલાં સુંદર પુસ્તકોનાં કવર બને છે હવે! ચોમાસામાં સિગરેટ સાવ હવાઈ જાય છે. મારે મારી પેન રીપેર કરાવવાની થઈ છે. હજી મેં દાઢી નથી કરી. દાઢી કરું? જવા દે. આજે રજા છે. પણ દાઢી ન કરવાથી ખણજ આવે છે. ભલે આવતી. તો પછી હું દાઢી ન કરું? હા, ના, હા, ના. ચાલો આજે આખો દિવસ વાંચવામાં પસાર કરું. નવલકથા? નાટક? કોઈ જીવનચરિત્ર? જીવનચરિત્ર સારું રહેશે. ના, નવલકથા. સેન્ડલ અને આ કધોણાં લેંઘા-ઝભ્ભામાં બહાર જઈ આવું? ના, આજે ઘણો તડકો છે. મને વાદળિયા દિવસો, પડછાયા, વરસાદ, સાંજ – બધું ગમે છે. મને શહેર, વરસાદ, બે માળની બસ, નીઑં લાઈટ ગમે છે અને ઝાંખું શહેર, ઝાંખા લોકો, ઝાંખો દિવસ.) તેણે ઊંચું જોયું તો માલતી તેની સામે ઊભી હતી. તે નાહીને સીધી જ આવી હતી. એના વાળ પીઠ પર પથરાયેલા હતા અને તેના હાથમાં કાંસકો હતો. અચાનક નયનાંશુ જાણે સમયનું ભાન ગુમાવી બેઠો – તેને લાગ્યું કે આ કોઈ બીજો જ દિવસ હતો, ઘણા સમય પહેલાંનો. તે આંખો ફાડીને માલતીને જોતો રહ્યો. ‘ત્યાં બેઠો બેઠો તું ઊંઘી ગયો.’ ‘સાચે જ?’ ‘મને થાય છે હું બેલઘાટ જઈ આવું.’ ‘કેમ એકદમ બેલઘાટ?’ ‘તારી કાકીની ખબર કાઢવા.’ તેની કાકીનું નામ આવતાં જ નયનાંશુ પાછો ભાનમાં આવી ગયો. ‘ઝૂમાં જવાનું શું?’ ‘બીજા કોઈ દિવસે જઈશું.’ ‘બેબી આવે ત્યારે તેને સાથે લેતી જજે.’ ‘હા, બેબીને તો હું ચોક્કસ લેતી જઈશ. તારું શું છે?’ ‘હું?’ ‘તારે આવવું છે?’ ‘ઝૂ?’ ‘ના, બેલઘાટ. તું આવીશ?’ ‘હું ગઈકાલે જ ગયો હતો.’ ‘આજે પણ આવી શકે.’ ‘ના, હું આજે નહીં આવું.’ (એ નહીં આવે? ચોક્કસ આવશે. હું બે-ત્રણ વાર મીઠાશથી કહીશ અને આંખોથી વિનંતી કરીને કહીશ, ‘ચાલને હવે.’ કદાચ તેના વાળમાં મારી આંગળી ફેરવીશ અને પછી તે ધીરેથી ઊભો થશે. પુરૂષો – એક સ્ત્રી, તેનામાં જો થોડી પણ બુદ્ધિ હોય તો દસ પુરૂષોને સાચવી શકે. એનાથી વધારે મૂર્ખ કોઈ પણ બેપગું પ્રાણી ઈશ્વરે ઘડ્યું નથી! શરમ આવવી જોઈએ! હું શું વિચારી રહી છું? અંશુએ મને કાંઈ પણ નુકસાન તો નથી પહોંચાડ્યું – આમ તો તે સારો માણસ છે. પણ તેની સારપનો કાંઈ અર્થ નથી – એ જ મુશ્કેલી છે. અર્થ નથી – એટલે શું? મેં તેને છોડી દીધો છે? કે છોડી શકીશ? કે તે જ મને એક દિવસ કહેશે, ‘ચાલી જા.’ ના. કોઈએ એવી કલ્પના પણ ન કરવી જોઈએ કે હું આ કુટુંબને વીખેરી નાંખીશ. એવું તે કેવી રીતે થાય? આખરે તો હું બેબીની મા છું. એક દિવસ મારો જમાઈ આવશે. બીજાં સગાં – એ લગ્નથી અને પછી પૌત્રો, પૌત્રીઓ. આ કુટુંબ મારું છે, ધીરે ધીરે કરીને મેં જ એને ઊભું કર્યું છે, પોષ્યું છે, શણગાર્યું છે. હું અંશુની પત્ની છું, અને હંમેશા રહીશ. બધું જ જાણીને, બધું જ સમજીને અંશુએ મારા પતિનો ભાગ ભજવવાનો જ રહ્યો. આ તેની સજા છે. આ મારી સજા છે અને આમાં જ શાંતિ પણ છે.) ‘સાંભળ, હું આખો દિવસ બેલઘાટ રહીશ. કેટલા વખતે જાઉં છુંને.’ (ઝૂ, બેલઘાટ, ચિંગરીહાટ, ઉલ્ટાડંગા. હું ફરીથી ઊંઘી ગયો? ના, ઊંઘી ગયે નહીં ચાલે. મારે વિચાર કરવો પડશે. જયંત સાંજે આવીને તેને મળ્યા વિના પાછો જાય કે નહીં, તેણે તો અત્યારે બેલઘાટ જવું જ જોઈએ. તેની ફરજ બજાવવામાં તે પાછી નહીં પડે. કદાચ તેને આજે જયંતને ન પણ મળવું હોય. કદાચ હું પણ ખોટો હોઉં. કદાચ ન પણ હોઉં. કદાચ હું બધું વધારે પડતું ધારી લેતો હોઉં. કદાચ હું માનું છું એમ ન પણ હોય. અને કદાચ હોય પણ. તેથી શું? જે થવાનું હોય તે ભલે થતું. હવે મને કાંઈ જ ફરક નથી પડતો. હું જવા માટે સંમત થઈશ તો પણ કાંઈ ફરક નથી પડવાનો. જયંત, માલતી અને હું – અમે સાથે બેબીને ઝૂ લઈ જઈશું. સરસ. હું જાઉં કે નહીં, બધું સરખું જ છે. કાંઈ જ ફરક નથી. હું દાઢી કરી નાહીને તૈયાર થઈને આખો દિવસ બેલઘાટમાં કુટુંબ સાથે ગાળું તો કેવું? ખરેખર તો હું જાઉં કે ન જાઉં, કાંઈ જ ફરક નથી પડતો. આ કાંઈ ફ્રેન્ચ રેવોલ્યુશન કે રશિયન રેવોલ્યુશન કે વિશ્વયુદ્ધ થોડું છે? પચાસ વર્ષ પછી આને લીધે કાંઈ ફરક પડશે? પાંચ વર્ષ પછી કાંઈ ફરક પડશે? જીવન એક સ્ટીમરોલર છે – ભયંકર, માફ ન કરનારું અને લહાણી કરનારું! એ તો ચાલ્યા જ કરે છે. એક દિવસ તેઓ તેમના સ્વપ્નમાંથી જાગશે – માલતી અને જયંત. અને નયનાંશુ પણ. પછી ન કોઈ વેદના, કામનાનો અંત આવશે, શરીરનો પણ ક્ષય અને આ સળગતા ગુસ્સાની મુઠ્ઠીભર રાખ રહી જશે. એમ જ થશે. મારો ગુસ્સો તો શાંત થઈ જ ગયો છે. આ તડકો, છાપું, ટ્રામનો અવાજ – બધું કેટલું સામાન્ય, સહજ છે. રોજ આ જ તડકો, આ જ ટ્રામનો અવાજ, છાપું – રોજ અને રોજ અને રોજ – પછી એક દિવસ ધામધૂમથી બેબીને પરણાવશો – માલતી અને તું – પછી ધીરે ધીરે તમારી ઉંમર થશે – અસંખ્ય, લાખો લોકો – દૃષ્ટિહીન, વિચારહીન, અબુધ-ની જેમ તમે પણ વર્ષોનાં વર્ષો જીવશો. પણ ક્યારેય આ ના ભૂલતા – એક તૂટેલા તારને ક્યારેય સાંધી શકાતો નથી, ખોવાયેલી બંદીશ ક્યારેય પાછી મળતી નથી. – તમે માત્ર રહેશો – તમારી ઉંમર વધતાં સાથ મળશે તેનો જે તમને પ્રેમ નથી કરતાં અને તમે જેને પ્રેમ કરતાં ભૂલી ગયા છો. પણ કહો, શું ફરક પડે છે? પ્રેમ કાંઈ એટલો અગત્યનો નથી. પતિ-પત્નીનો સંબંધ અગત્યનો છે. જીવન અગત્યનું છે અને આપણે એ જીવવું જ રહ્યું. માણસો એક હાથ ગુમાવીને કે એક ફેફસું કઢાવીને પણ જીવી શકે છે – તેની સરખામણીમાં આ તો એક નાનીસરખી ભૂલ, એક તુચ્છ ઘટના. ભૂખરું – કાળું પણ નહીં અને સફેદ પણ નહીં – નહીં હિંસક, નહીં ઉદાત્ત, નહીં સુંદર, નહીં ક્રૂર, નહીં સન્યાસી કે નહીં લંપટ – માત્ર જીવન – લાખો અને કરોડો લોકો – અંતહીન, બુદ્ધિહીન, અક્ષય. તું કોઈ મહાપુરૂષ છું જેને માટે જુદી વ્યવસ્થા હોય? ઊઠ, નયનાંશુ. બહાર જો. એક ખૂબસુરત દિવસ તમારા નવજીવનનું અભિવાદન કરે છે.)