ચિલિકા/જિંદગી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જિંદગી|}} {{Poem2Open}} {{કળાકાર શબ્દ જ્યારે જ્યારે હવે સાંભળું છું...") |
(No difference)
|
Revision as of 05:10, 31 January 2022
{{કળાકાર શબ્દ જ્યારે જ્યારે હવે સાંભળું છું ત્યારે મારી નજર સામે રેમ્બ્રા, રવિશંકર, પિકાસો, બાખ, બિથોવન, જસરાજ, યામિનિ રૉયનાં નામોની પંગત સાથે તેમની પ્રતિભાથી નહીં પણ તેમની Passion – લગન, આરતથી બે કળાકારો હંમેશા હક્ક કરી બેસી જાય છે. એ કોઈ બહુ મોટા પ્રતિભાસંપન્ન નામી કલાકારો નથી, છતાંય એક કલાકાર તરીકે એક અમીટ છાપ છોડી ગયા છે. '૯૪ના નવેમ્બરમાં વૈષ્ણોદેવી, ચંડીગઢ, સિમલાની ટુર વખતે અચાનક જ તેમને મળી ગયો. તેમનાં નામ ક્યાંક ટપકાવીને વિગતો સાચવી રાખેલી, પણ અતિ સંભાળથી રાખેલી વસ્તુઓ ડાબા હાથે એવી રીતે મુકાઈ જાય કે જડે જ નહીં તેમ તે નામો જડતાં નથી અને સ્મરણમાં માત્ર એક નામ જ યાદ નથી બાકી બધું યાદ છે. નામ પાડીને વાત કરી શકાય તો સારું તેવી મારી ઇચ્છા હતી પણ પછી થયું – અલગારી, ઓલિયા જેવા, તેમની કળાની ફાકામસ્તીમાં જ મસ્ત એ કળાકારો તેમનું નામ ઘોળી-ઓગાળીને પોતે જ પી ગયા છે તો તેમના નામની ગઠરી હું ક્યાં શોધું? તેઓ તો જાણે નિર્લેપ અપૌરુષેય ભાવથી કળાને આગળ કરી પોતે તો નેપથ્યમાં જ રહ્યા છે. '૯૪ના નવેમ્બરમાં વૈષ્ણોદેવીની જાત્રા કરી હતી. આ જાત્રા પર્યટન જેટલી આહ્લાદક બનશે તેવી આશા ન હતી. દક્ષિણના તિરૂપતિનું માહાત્મ્ય જાણ્યું, જોયું હતું, પણ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં વૈષ્ણોદેવીનું આટલું બધું મહત્ત્વ હશે તે તો ત્યાં ગયા પછી ખબર પડી. જમ્મુથી કટરાનો રસ્તો જંગલ, પહાડ, ઝરણાંથી રળિયામણો. કટરા એ જે ત્રિકૂટ પર્વતમાળામાં વૈષ્ણોદેવીનું તીર્થધામ આવેલું છે, તેની તળેટી પરના સામાન્ય ગામ જેવું હોટલો-ધર્મશાળાથી ભરેલું ગામ. વૈષ્ણોદેવી જેવી વ્યવસ્થા ભાગ્યે જ ક્યાંય જોવા મળે. આપણાં હિન્દુ મંદિરોમાં તો તે વિરલ જ ગણાય. ચૌદ કિલોમીટરના પાકા ઢાળવાળા પર્વતીય રસ્તે ક્યાંય ગંદકી, ધક્કામુક્કી કે દુકાનોની ભરમાર કે લૂંટાલૂંટ નહીં. તળેટીમાંથી એટલા જ લોકોને પ્રવેશ મળે કે જેથી રસ્તામાં અને ઉપર મંદિરે ગિરદી ન થાય. યાત્રિકોની સગવડ સચવાય અને રસ્તો પ્રાકૃતિક રહે તેટલી જ દુકાનો અને કૉફીબાર. ટટ્ટુઓ લાદ કરે તો ફરજ પરના સફાઈ કામદારો તરત જ સાફ કરી દે. બધું વાજબી ભાવે મળે. રસ્તામાં ઇમરજન્સી હૉસ્પિટલ અને સગવડભરી ધર્મશાળા ટેમ્પલ કમિટીએ જ રાખી છે. ટટ્ટુઓ કે ડોલી બધું નિયત કરેલ વ્યાજબી ભાવે. દર્શન માટે બ્લૉક પ્રમાણે એન્ટ્રી મળે. અંદર ગયા પછી પગના પાણી ઉતારતાં તપ કરતાં ઊભા રહેવાનું નહીં, લાઇનબંધ બેસીને રાહ જોવાની. ત્રિકૂટ પર્વતમાળા પાઈનનાં જંગલોથી લીલી. ઉપર ચડતાં સામે હિમાલયની અનેક પર્વતશ્રેણીઓ દેખાય, રસ્તામાં ધીમે ધીમે ટેકે ચાલતાં વૃદ્ધો, અપંગો કે સ્ટ્રેચર પર દરદીઓ મળે ત્યારે આ જગામાં કેટલી શ્રદ્ધા-આસ્થાનું સિંચન થયું છે તે સમજાય. પેલા જાપાનિઝ હાઇકુમાં આવે છે કે “અન્ડર ચેરી ટ્રી ધેર આર નો સ્ટ્રેન્જર્સ’ – ચેરી વૃક્ષ નીચે કોઈએ ય અપરિચિત નહીં. તેમ અહીં કોઈ યાત્રિક અપરિચિત નહીં. જે કોઈ સામે મળે સામેવાળાને કહે “જય માતા દી’ સામેથી પડઘો પડે જ ‘જય માતા દી’. એ એક જ દિવસમાં સેકડો માણસોને મેં કહ્યું હશે ‘જય માતા દી.’ રસ્તામાં વળી ‘પ્રેમસે બોલો જય માતા દી, પ્યાર સે બોલો જય માતા દી, જોર સે બોલો જય માતા દી’ કહેતી ઉલ્લાસિત ટોળીઓ મળે. ડોગરા રેજિમેન્ટના રોમન શિલ્પ જેવા ઘાટીલા નાકનકશાવાળા પૌરુષ છલકાતાં ડોગરાઓનું એક ટોળું જાડા વાંસ વચ્ચે બાંધેલા વિશાળ ઘંટને બાંધી, બંને તરફથી ખભે પાલખીની જેમ ઊંચકી ગાતાં ગાતાં ઉપર લઈ જતા હતા. વૈષ્ણોદેવીને ઘંટના અર્પણનો એ અનેરો વિરલ ધાર્મિક વિધિ હતો. રસ્તામાં બધા ઘંટારોહણમાં પોતાનો ખભો દેતા જાય. થોડી થોડી વારે પુણ્ય લાભ લેવા ખભા બદલાતા રહે. રસ્તે ડોગરી ગીતોનો આનંદ છલકાતો હતો. વચ્ચે એ ટોળી રોકાય અને દસબાર જુવાનિયાઓ ભાંગડા જેવી લોકશૈલીમાં તાલે તાલે ઊછળીને મસ્તીમાં નાચે. બીજા દસબાર જુવાનોને તાન ચડે અને તેય અંદર ભળે. આખા ટોળાને છાક ચડે; સિસોટી, કિલકારી, પોરસાવતા અવાજોથી એ નૃત્ય ટોળી નાચતી જાય. ફરી જાંઝ-પખાજ વગાડતું ડોગરી ગીતો ગાતું ટોળું ઉપર ચડે. નીચે ઊતર્યા ત્યારેય એ જ ટોળીએ ઠેકઠેકાણે નાચી-નચાવી ખુશનુમા વાતાવરણને હિલ્લોલિત નાચતું કરી દીધું. વૈષ્ણોદેવીનો દર્શનપ્રસાદ પામી એ ઉત્સાહ આનંદ અને થોડા થાક સાથે પાછો ફરતો હતો. હવે તો ઊતરવાનું હતું. પહાડના વળાંકદાર રસ્તાના ઢાળ પર શરીરને છોડી ધસમસતા ગબડતા દોડવાનું, ધીમે ધીમે દોડવાનું, રોકાઈ ઊભા રહી ઢાળવાળા રસ્તા પર ફરી દોડવાનું. મારામાંનું બાળક જાણે જીવતું થઈ ગયું. દર્શનની કૃતાર્થતા, પહાડી વન-પરિવેશનો આનંદ અને લોકોની શ્રદ્ધા, ભક્તિ અને આનંદને રગેરગમાં અનુભવી નીચે ઊતરતો હતો ત્યાં અચાનક એક જગ્યાએ મારા પગ રોકાયા. સાથીદારોને અને પત્નીને આગળ જવા દીધાં. ઉપર છાપરાવાળી ખુલ્લી જગ્યામાં નાની પીઠિકા પર સુંદર શિલ્પો પ્રદર્શનની જેમ રાખેલાં હતાં. શિલ્પોનું જાણે કાયમી પ્રદર્શન! પરંપરિત અને આધુનિક સિમેન્ટ તથા પથ્થર આરસની નાનીમોટી શિલ્પાકૃતિઓ. એમાં કૃષ્ણ, કોઈ નારી અને એબ્સ્ટ્રેક્ટ શિલ્પોય ખરાં. લયાન્વિત સંવાદી આકારોની એક રૂપસૃષ્ટિ. નજીકની ચાની દુકાને પૂછ્યું કે આ શિલ્પો કોણે બનાવ્યાં છે તો તેણે એ ખુલ્લા પ્રદર્શન અને પ્લૉટની બાજુની ઓરડી તરફ આંગળી ચીંધી કહે, કલાકાર ત્યાં જ રહે છે. ત્યાં તો ચાવાળાની નજર ઓરડી પાસેની બગીચાની મેંદીની વાડ પાછળ પડી. દેખાડીને કહે, ‘ઉન્હોંને હી યે સબ બનાયા હૈં.” જુનવાણી પૂજારી જેવા એકવડિયા બાંધાના, ધોતિયું પહેરેલા અને બ્રાહ્મણ જેવા લાગતા આધેડ ઉંમરના એ ભલા આદમીને જોઈને લાગે નહીં કે એમણે જ એ મૂર્તિઓ બનાવી હશે! તેઓ પૂજા માટે ફૂલ તોડતા હતા. મેં નજીક જઈ વાડની આ તરફથી કહ્યું, “આપ હી હૈં ઇનકે શિલ્પકાર?” તો કશા ગૌરવ વગર કહે, “હાં, મેં હી હૂં.’ મેં એ સુંદર શિલ્પોના વખાણ કર્યા તો ય વાડની પેલી તરફ રહ્યા રહ્યા ફૂલો તોડતાં તોડતાં મારી સાથે વાતો કરતા રહ્યા. મારી વાતોમાં તેમને સાચો રસ અને ઉત્સાહ દેખાયા ત્યારે તેમની મારા પ્રત્યેની ઉદાસીનતા ઉત્સાહમાં પરિણમી અને દીવાલ સરસા સરકી વાડમાંથી બહાર આવી તેમની ઓરડી બહાર મારી સાથે વાતો માંડી. આ જ વિસ્તારના બ્રાહ્મણ છે. વરસો પહેલાં વૈષ્ણોદેવીના મંદિરની વંશપરંપરાગત પૂજા તેમના પૂર્વજો વડવાઓ પાસે હતી. તેમનો જ તે હક્ક ગણાતો. એ હક્ક બહારના બ્રાહ્મણોએ આવી છીનવી લીધો તેનો રંજ હતો. અહીં નજીકની જ સ્કૂલમાં કલાશિક્ષક છે. શિક્ષણની સાથોસાથ આત્મસૂઝ અને આનંદથી શિલ્પો કર્યા કરે છે. એ વખતના કાશ્મીરના ગવર્નર જગમોહને તેમનાં શિલ્પોને બિરદાવેલાં. તેમણે વૈષ્ણોદેવી અને કાશ્મીર માટે જે કર્યું તેનાં વખાણ કર્યાં. જમ્મુમાં અને કટરામાં શિલ્પ-પ્રદર્શનો યોજાયાં છે. બીજાં પ્રદર્શનોમાં પણ ભાગ લીધો છે. કાશ્મીર સરકારે પ્રોત્સાહન આપવા વચન આપેલું પણ તંત્રમાં કાંઈ વળ્યું નહીં. તેમને તેનો અફસોસ નથી, એ તો શિલ્પ સર્જ્યા જ કરે છે. વૈષ્ણોદેવી છોડીને ક્યાંય જવું નથી. એ જ તેમનું બાપીકું વતન છે. તેમને દુઃખ તો એક જ વાતનું છે કે રોજના હજારો યાત્રિકો અહીંયાં આવે-જાય છે. કોઈનું અહીં ધ્યાન જ જતું નથી. કોઈને એમાં રસ જ નથી. કોઈને પડી નથી કે અહીં જુએ. થોડી જ વાર પહેલાં પૂજા માટે ફૂલો વીણતા એ પવિત્ર બ્રાહ્મણ દુર્વાસા થઈ તેમની કુળદેવી જેવા વૈષ્ણોદેવીની આમન્યા ઉથાપી કળાદેવી માટે બોલી ઊઠ્યા, ‘ઉપર જા કે પથ્થર કે આગે સબ માથા ટેકતે હૈં, યહાં પથ્થરો મેં જાન ડાલી હૈ, વો દેખને કી કિસીકો ફુરસત નહીં હૈ. કિતને અરસોં કે બાદ આપને પૂછને કી તસ્દી લી, ગૌર સે દેખા. બાકી કિસ કો પડી હૈ?” તેમણે મને તેમનું એક બ્રોશર-પૅમ્ફલેટ આપેલું. તેમાંય પ્રચાર કરતાં ઉત્સાહ જ વધારે દેખાતો હતો. પછી તો એ પૅમ્ફલેટની સાથે તેમનું નામ અનામ થઈ ખોવાઈ ગયું છે તોય તેમનો ઉત્સાહ, સાત્ત્વિક રોષ અને શિલ્પો હજી યે યાદ છે. વૈષ્ણોદેવી ચડતાં ચરણપાદુકા અને આદિકુવારી સ્થળ વચ્ચે તેમની જગ્યા છે. કોઈ રસિકજન વૈષ્ણોદેવીની યાત્રામાં જાય ત્યાં તે શિલ્પો જોશે અને તેમને મળશે તો તેમની સાથે સાથે મનેય આનંદ થશે. એ જ યાત્રામાં વળતાં ચંડીગઢ ગયા ત્યારે ત્યાંની શિવાલિક હિલ્સની તળેટીમાં આવેલો પિંજોર ગાર્ડન જોવા ગયા હતા. લોકલ ટૅક્સી ડ્રાઇવર સરદારજીએ કહ્યું કે ઢળતી સાંજ પછી રાત્રે પિજોર ગાર્ડનમાં મૈસૂરના વૃંદાવન બાગની જેમ રંગીન ફુવારાઓ અને રોશની થાય છે. મોડી સાંજે પહોંચ્યા ત્યારે એક તરફ ધીરે ધીરે સૂરજ ડૂબી રહ્યો હતો અને બગીચાનાં વૃક્ષોના પડછાયા લંબાતા જતા હતા. પિંજોર ગાર્ડન મુગલ ગાર્ડનની શૈલીમાં બંધાયેલો છે. બહુ વિશાળ નહીં પણ સુઆયોજિત છે. તળેટીના ઢોળાવ પર પાઘડીપને એક પછી એક ઊતરતા તલ-લેવલનો બગીચો. વચ્ચે દરેક લેવલે પાણી માટે ઢાળ. ઝરણાં અનેક આકારે ઢોળાવો નીચે ઊતરતા જાય. રોશનીમાં દરેક બગીચાના હોજના ફુવારા, ઝરણાં અવનવા રંગોના ફુવારાઓ અને ઝરણાં બની જાય. ચાર-પાંચ લેવલના એ બગીચામાં સહુથી ઉપરના બગીચામાં બે તરફ મિનાર અને વચ્ચે મોટા ખુલ્લા નાના ગવાક્ષો, કમાનો, બુરજોથી શોભિત ઉદ્યાન હવેલી. એ મુગલાઈ સ્થાપત્યો રંગબેરંગી રોશનીમાં તેના સુવર્ણકાળનો અસબાબ પહેરી લે. સહેજ અંધારું વધતાં રોશની માણવા આવેલા સહેલાણીઓ વધ્યા. અમે વચ્ચેના બગીચામાં ચોતરફ હોજ વચ્ચે બાંધેલા ગાર્ડન રેસ્ટોરાંના ટેબલે બેઠાં બેઠાં આ નઝારા જોઈ રહ્યા હતા. ગાર્ડન રેસ્ટોરાંવાળો પસંદ કરી ‘તાજમહેલ’, ‘જહાંઆરા'નાં ગીતોય મૂકતો હતો. એ રોશની, મુગલાઈ સ્થાપત્ય અને એ ગીતોથી એશોઐયાસી રંગરાગના મુગલોના અને રાજા રજવાડાના જમાનાના દિવસો ઉજાગર થઈ જતા હતા. ઊઠવાનું મન થતું ન હતું પણ ચંડીગઢ પહોંચી આઠ-નવ વાગે તો ટૅક્સી છોડી દેવાની હતી તેથી ઊઠવું પડે તેમ જ હતું. વળતાં પેલી ઉદ્યાન હવેલી પાસે પહોંચ્યા, ત્યાં જ દૂરથી આવતો કણદાર, કસકભર્યો બુલંદ અવાજ સંભળાયો. સંગીતનો જરા જેટલોય શોખ હોય તો તે અવાજ તરફ ન ખેંચાય તેમ બને જ નહીં. મારા પણ કાન અને પગ તે તરફ ખેંચાયા. એક સુરીલી ગઝલ મને જાણે તેની દિશામાં વીંટી રહી હતી. ઉપર જઈ જોયું તો પાથરેલી ચાદર પર સફેદ લાંબી દાઢીવાળો એક ઓલિયો ફકીર ખુલ્લા ગળાએ ગઝલ ગાઈ રહ્યો હતો. સફેદ ઝભ્ભો, સફેદ લેંઘો અને ભરાવદાર ચહેરા પર સફેદ દાઢી. અવાજ જેવો બુલંદી તેવી જ પડછંદ સહેજ ધૂળ ભરેલી કાયા. ખુલ્લા શાહી દીવાનની દીવાલની પીઠે ચાદર પાથરી આરામથી મસ્તીથી ઘડીમાં વાંસળી વગાડે તો ઘડીમાં શુંય સૂઝી આવતાં જરાય તરડાયા વગર બુલંદ અવાજે પ્રલંબ સૂરે સ્પષ્ટ ઉચ્ચારો અને ઉર્દૂ લહેજા સાથે વશીભૂત કરે એવી આરત અને આરઝૂભર્યા અવાજે સુરીલી બંદિશમાં ગઝલ ગાય. આસપાસ બ્લૂ, બ્રાઉન, બ્લેક સૂટમાં, સજ્જ પુરુષો; રંગબેરંગી સાડીઓ, પંજાબી ઓઢણી પહેરેલી સ્ત્રીઓ; નાનાં છોકરાં અને જુવાનિયાઓથી ઘેરાયેલો એ સુફી ફકીર કશી દાદ કે વાહની અપેક્ષા વગર નિજાનંદની મસ્તીમાં એક પછી એક ગઝલ-નઝમ ગાઈ રહ્યો છે. પાથરેલી ચાદર પર ખુશ થઈ બક્ષિસ તરીકે મૂકેલા, ફેંકેલા, ઘરેણાં પૈસા પડ્યાં છે. કોઈ ખુશ થઈ પાકીટમાં હાથ નાખી નાના છોકરાને પૈસા મૂકી આવવા કહે છે. કોઈ તમાશો જાણી ઊભા રહ્યા છે તો મારા જેવા તો ત્યાં ખોડાઈ જ ગયા છે. બે-પાંચ મિનિટ ઊભા રહી ફરી ચાલવા લાગતાં એ ફ્લોટિંગ ઑડિયન્સનાં મોજાં વચ્ચે એ ફકીર તો તેના મૂલાધારમાં સ્થિર થઈ બેઠો છે. તેના ગાયન-વાદનમાં તેણે બીડીના કશ લેવા થોડો વિરામ લીધો ને બધા વિખેરાયા. સંકોચ છોડીને સહેલાઈથી વાતો કરી શકાય તેવું તેમનું વ્યક્તિત્વ. મેં પૂછ્યું તો મારા જેવા અનેકોને જે પોતાની કથા કરી હશે તે મને કરી. મૂળ પાકિસ્તાન લાહોરના પંજાબી બ્રાહ્મણ – શર્મા. ઉર્દૂ માતૃભાષા જેવી જ. ભાગલા પછી અહીં જ પિંજોરમાં રહે છે. જે ગઝલો-નઝમો ગાય છે તેના શાયર પણ તેઓ જ છે. સિંગિંગ પોએટ ઑફ પિંજોર – પિંજોરના ગાયક કવિ તરીકે ઓળખાય છે. કોઈ ટી.વી. કાર્યક્રમમાં એ વિશે તેમની મુલાકાત આવી ગયેલી છે. સડસઠ-અડસઠ વરસેય અવાજની બુલંદી કાયમ છે. તેમની શાયરી-ગઝલની કક્ષાય ઉત્તમ. કશું છપાવ્યું નથી, છપાવવું નથી. કશું રેકર્ડ કર્યું નથી, કરવું નથી. છતાં આ વિસ્તારના અને પિંજોરના અનધિકૃત છતાં અધિકૃત સ્વીકૃત લોકપ્રિય ગાયક. કલાકો સુધી તેમની ગઝલો પછી ગઝલો, બંદિશો પછી બંદિશો, ધૂન પછી ધૂન સાંભળવાની ઇચ્છા હોવા છતાં જીવને તરસતો છોડી ઊઠવું પડ્યું. છેલ્લે તેમણે જે ગઝલ ગાઈ ‘જિંદગી બંદગી હૈ, બંદગી જિંદગી હૈ’ની બંદિશના પ્રલંબ સ્વરોમાં આકાશ સુધી પહોંચતી અઝાનની આરત હતી. રસ્તામાં સરદારજી ડ્રાઇવર પાસેથી જાણવા મળ્યું કે વરસોથી પિંજોર ગાર્ડનમાં ગાવાનો તેમનો નિત્યક્રમ છે. અહીંથી મળેલા પૈસામાંથી તે બાળકો માટે કે અબોલ પ્રાણીઓ માટે વસ્તુ ખરીદી વહેંચી દે છે. પોતે તો નાનકડા સાદા ઘરમાં સાધુ-ફકીરની જેમ જ રહે છે. પિંજોર ગાર્ડનની દીવાલોમાં, શિવાલિકની ટેકરીઓમાં પડઘાતા સૂરો, ‘જિંદગી બંદગી હૈ'માં કથની અને કરનીનું સાયુજ્ય હતું. મને તેમાં કબીરની સહજ જીવનમાં વણાયેલી ભગવત ભાવનાનું અનુરણન સંભળાયું.
સાધો સહજ સમાધિ ભલી
આંખ ન મુંદું, કાન ન રુંધું,
કાયા કષ્ટ ન ધરું,
ખુલે નૈન મેં હંસ હંસ દેખું સુંદર રૂપ નિહારું
કહું તો નામ સૂનું સો સુમિરન, જો કુછ કરું તો પૂજા,
ગિરહ ઉદ્યાન એક સમ દેખું, ભાવ મિટાઉં દૂજા
જેંહ જેંહ જાઉં સોઈ પરિકરમા, જો કુછ કરું તો સેવા,
જબ સોઉં તબ કરું દંડવત પૂજું ઔર ન દેવા.
ઘણી વાર ફરી એક વાર પિંજોર ગાર્ડન તેમને સાંભળવા જવાનું મન થાય છે — જિંદગી બંદગી હૈ.'
}}