ચિલિકા/ગ્વાલિયર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગ્વાલિયર




સાંભળો: ગ્વાલિયર — યજ્ઞેશ દવે


ગ્લાલિયર નામ પ્રથમ ક્યારે સાંભળેલું તે તો યાદ નથી પણ મારા મનમાં તે દૃઢીભૂત થયેલું ગ્વાલિયર ઘરાનાને લીધે અને પ્રતિવર્ષ યોજાતા તાનસેન સમારોહને લીધે. કાકાસાહેબે ગંગા માટે કહ્યું છે ને કે ગંગાએ બીજું કશું ન કર્યું હોત તોપણ ભીષ્મને જન્મ આપવાથી જ તે આર્યજાતિની માતા તરીકે પૂજાતી હોત. એવું જ ગ્વાલિયર વિશે કહી શકાય. ગ્વાલિયરે સિંધિયા શાસકો, પ્રતિહારો કે કછવાહા રાજવંશ ન આપ્યા હોત તોપણ માનસિંગ તોમર, મિયાં તાનસેન અને બૈજુ બાવરાને લીધે તે આજે પણ પ્રસિદ્ધ હોત. આ એક નગર એવું છે જે રાજપૂત, મરાઠા અને મુગલ સ્થાપત્ય, ઇતિહાસનું સંઘર્ષસ્થળ — સંગમસ્થળ છે. ગ્વાલિયર જોવાની ઇચ્છા અચાનક જ ફળીભૂત થઈ. દિલ્હી ટ્રેનિંગમાં વચ્ચે મળેલી બે દિવસની રજામાં ગ્વાલિયર અને ઓરછાની યાત્રા થઈ ગઈ. દિલ્હીથી રાત્રે નીકળ્યો’તો ગ્વાલિયર જવા ને રસ્તામાં જ નિર્ણય બદલ્યો. ઓરછા જવાની પ્રબળ ઇચ્છા ગ્વાલિયર પર હાવી થઈ ગઈ અને ઓરછા ખેંચાઈ ગયો. વહેલી સવારથી બપોર સુધીમાં ઓરછાની યાત્રા થઈ ગઈ. ઓરછાની બેતવા નદી, મંદિરો અને મહેલોના પાશમાંથી છૂટવું મુશ્કેલ હતું, છતાં ગ્વાલિયર બોલાવતું હતું. ઓરછાને મનના નેપથ્યમાં જાળવી રાખી ગ્વાલિયરને મંચ પર રમવા દેવાનો નિર્ણય કર્યો ને બપોરે ગ્વાલિયર ઊતર્યો. ઝાંસીથી ગ્વાલિયર નજીક આવતાં ટ્રેનમાંથી જ ગ્વાલિયરનો કિલ્લો દેખાયો – પ્રોન્નત પીઠ પર ઊભેલો. પહાડી શિલાના બદામી પીળા રંગ સાથે ભળી જતી કિલ્લાની પીળી દીવાલ, બુરજો, કાંગરા, ચોકીઓ, છત્રીઓ, ઝરૂખાઓ નજીક આવતાં દેખાયાં. કિલ્લો દૂરથી જ બોલાવતો હતો. કહે છે કે આઠમી સદીમાં સરદાર સૂરજસેનને કોઈ ભયંકર રોગ લાગુ પડ્યો અને અહીં ગ્વાલિયા સાધુએ તેનો રોગ મટાડ્યો. ગ્વાલિયા સાધુના આદરમાં સૂરજસેને અહીં એક ગામ વસાવ્યું. નામ રાખ્યું ગ્વાલિયર. એ પછી તો એક પછી એક શાસકો આવ્યા. પ્રતિહાર, કછવાહ, તોમર, રાજપૂતથી માંડી મરાઠા, પેશ્વા, સિંધિયા શાસકો સુધી. ઊંચી એક પહાડી પર બાંધેલા કિલ્લામાં મંદિરો, મહેલો, સ્મારકો સ્થાપત્યો બંધાતાં ગયાં. નગર વિકસતું રહ્યું. સ્થાપત્યો, સ્મારકોનું સ્થૂળ નગર તો ત્યાં જ રહ્યું પણ રાજા માનસિંગ તોમર દ્વારા સંવર્ધિત વ્રજભાષાનાં ધ્રુપદો, તાનસેનના સૂરો અને ગ્વાલિયર ઘરનાની ગાયકી સ્થળકાળના સીમાડા ઓળંગી દૂર સુધી પહોંચ્યાં. ગ્વાલિયર આકાશવાણીના સ્ટેશન ડાયરેક્ટર કસાનાજીને અગાઉથી જ વાત કરી રાખી હતી. એમણે તો મહેમાનગતિમાં સ્ટેશને ગાડી મોકલી. આકાશવાણી પહોંચ્યો. શનિવારની રજામાંય સ્ટેશન ધમધમતું હતું. પોતે ય સ્ટેશન પર હાજર હતા. કસાનાજી થોડો સમય વડોદરા આકાશવાણીમાં હતા તેથી તેમની સાથે ગુજરાતની અને જૂના સાથીદારોની વાતો કરી. એ ગૂર્જર મુસ્લિમ સજ્જન ગુજરાત પર ફિદા હતા. કાશ્મીરની આતંકિત લોહિયાળ અશાંતિ વચ્ચે ગુજરાતે તેમને શાંતિ આપી હતી. બપોરના ત્રણેક તો થયા’તા. રાતનાં અંધારાં ઊતરે તે પહેલાં જોવાય તેટલું જોવું હતું. તેમણે ગ્વાલિયરના ભોમિયા અને ગ્વાલિયરની છઠ્ઠીના જાણતલ સિનિયર એનાઉન્સર શ્યામ સરીનને મારી સાથે મોકલ્યા. શ્યામ સરીન સાહિત્ય-ઇતિહાસના શોખીન અને ભાવુક. જીપમાં બેઠાં ત્યાં જ તેમની રનિંગ કોમેન્ટ્રી શરૂ. ગ્વાલિયર એક નહીં ત્રણ શહેરનું સંકુલ છે – ગ્વાલિયર, મુરેના અને લશ્કર. કિલ્લો બોલાવતો હતો. કિલ્લા પર જતા પહેલાં મને કહે અહીં બિરલાએ કોણાર્કના સૂર્યમંદિર પરથી પ્રેરણા લઈ બંધાવેલ વિવસ્વાન – સૂર્યમંદિરના દર્શન કરીએ. આમેય સહુથી પહેલાં દર્શન સૂર્યનારાયણનાં જ હોય ને! મુરેનામાં લાલ પથ્થરનું સૂર્યમંદિર નાનું ઘાટીલું અને કોણાર્ક શૈલીનું રથપીઠિકા ધરાવતું મંદિર. પણ કોણાર્કની ભવ્યતા અને સૂક્ષ્મતા અન્યત્ર થોડી ઊતરી શકે? મિનિયેટર જેવું જ હતું. ચાલતી જીપે જે જે સરકારી સંસ્થાઓ, શિક્ષણસંસ્થાઓ અને સિંધિયાનાં સ્મારકો આવતાં જાય તે બતાવતાં જાય. ભગવાન વિવસ્વાન પછી દર્શન અર્ઘ્યનો બીજો અધિકાર હતો, સૂરસમ્રાટ તાનસેનનો. બધો ક્રમ શ્યામે જ નક્કી કરેલો. પહોંચ્યા સૂરસમ્રાટ તાનસેનની સમાધિ પર. કેવી સામાન્ય કબર! જ્યારે તેની બાજુમાં જ અફઘાન રાજવંશી સૂફીસંત મોહમ્મદ ગૌસનો મકબરો નાનો પણ ગુંબજો, કલાત્મક જાળીઓથી ખચિત અને આજેય પૂજાતો. કવિ હોવું પૂરતું નથી. તમારે ગાદીપતિ સંત, મહંત, ઓલિયા, ફકીર હોવું જોઈએ તો જ તમે પૂજાવ અને તમારી સમાધિ પૂજાય. દિલ્હીમાં પણ ખ્વાજા નિઝામુદ્દીન ઓલિયાની દરગાહનાં દર્શને ગયો ત્યારે તેની રોનક, ભવ્યતા અને તે જ પ્રાંગણમાં તેમના શિષ્ય હિંદુસ્તાનના મોટા ગજાના કવિ સંશોધક અમીર ખુશરોની દરગાહની સાદગી અને પાસેની જ ગલીમાં આવેલી ઉર્દૂના ખ્યાતનામ શાયર મિર્ઝા ગાલિબની લગભગ ઉપેક્ષિત કબર જોતાં ગાલિબે પોતાના વિશે લખેલો શેર યાદ આવી ગયો. ‘તુજે હમ વલી સમજતે જો ન વાદાખાર હોતા.’ તાનસેન નજીકના બેહટ ગામમાં પાંડે પરિવારમાં જન્મેલો અને સ્વામી હરિદાસનો શિષ્ય હતો તેમ કહેવાય છે, તો કોઈ ગ્રંથમાં તેણે ગ્વાલિયરના રાજા માનસિંગ તોમર પાસેથી ધ્રુપદ તાલીમ લીધેલી તેમ પણ લખે છે. ખેર! તાનસેનની કબર ભલે નાનકડી હોય, અહીં દર વરસે તાનસેન સમારોહ યોજાય છે ત્યારે દેશના અનેક નામી સંગીતકારો અહીં તેને આદરથી સ્વરાંજલિ આપે છે. મોહમ્મદ ગૌસનું નામ તેના અનુયાયીઓ સિવાય ભાગ્યે જ કોઈ જાણતું હશે. જ્યારે આટલો સમય ગયા પછીય તાનસેનના નામથી કોણ અજાણ હશે? કહે છે અહીં એક આમલીનું વૃક્ષ હતું, તેનાં પાન ચાવવાથી કંઠ સુધરતો, કેળવાતો. કેમ ન કેળવાય? કબરમાં મૂળ ફેલાવી તાનસેનનું સત્ત્વ પી આંબલી ઊછરી હશે. તાનસેનનું મૃત્યુ અહીં નહીં બીજે થયું હતું. કોઈ કહે છે લાહોરમાં. અકબરની ઇચ્છાથી તેમને અહીં તેના પ્રિય નગર ગ્વાલિયરમાં દફનાવવામાં આવ્યા હતા. તાનસેને હિંદુ ધર્મ છોડી, મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો તો કોઈ કહે નહોતો કર્યો. તેની અને તેના ગુરુભાઈ બૈજુ બાવરા વચ્ચેની સંગીતસ્પર્ધા, તેના ગુરુઓ — આ બધું ચારસોવર્ષ પહેલાનું જ છે છતાં તેમાં અનેક વાયકાઓ, કિંવદંતીઓ, કથાઓ સાથે ઇતિહાસ સેળભેળ થઈ ગયો છે. ભવિષ્યમાં કોઈ સંશોધક બધા પુરાવાઓ સાથે કશુંક જુદું જ સિદ્ધ કરે તોપણ આપણું રંગદર્શી જનમાનસ તો એ વાયકાઓને જ સાચી માનશે. આજે તાનસેન તો નથી પણ તેના વંશજોના બે ઘરાના રબાબિયા અને સેનિયા આજેય પ્રચલિત છે. તેણે રચેલા અદ્ભુત રાગ દરબારી કાનડા, મિયાં મલ્હાર કે મિયાં કી તોડીમાં તેને પામું છું. સાંજના નમતા પહોરના હળવા પડછાયાનો નરમ હાથ છે મિયાં તાનસેનની કબર પર. ફરી નમન કર્યું. અકબર ધારત તો તેને દિલ્હીમાં કે સીક્રીમાં દફનાવી શકત, પણ અકબરે તેના પ્રિય મિત્રનું વતનનું ઋણ ચૂકવ્યું. અહીં ગ્વાલિયરમાં સંગીત શીખ્યા પછી રીવા નરેશ રામચંદ્રના દરબારમાં તાનસેન રાજગાયક બન્યો. ત્યાંથી અકબરની નજર પડી ને અકબરના દરબારનાં નવરત્નોમાં સ્થાન પામ્યો. અંતે ગ્વાલિયરની સુરીલી માટી ગ્વાલિયરમાં ભળી ગઈ. હવે અહીંથી કિલ્લા પર જવાનું હતું. ચાલતા જ જવાનું હોત તો કિલ્લો નજીક જ હતો. વાહનમાં જવા માટે ગ્વાલિયરની પ્રદક્ષિણા કરી. કિલ્લાની નજીક જ ગ્લાવિયરનો લશ્કર તરીકે ઓળખાતો વિસ્તાર. મરાઠાકાળમાં અહીં મરાઠા અમલદારો, સેનાપતિઓ રહેતા. અહીં મહારાષ્ટ્રીય સંસ્કૃતિની છાપ સ્પષ્ટ દેખાય. દુકાન, ઘરોના પાટિયા, લોકોના ચહેરા, પહેરવેશથી લાગે કે મહારાષ્ટ્રમાં આવી ગયા કે શું! ગણેશોત્સવનો છેલ્લો દિવસ હતો. તેથી લશ્કર ગામ આખું હેલે ચડ્યું હતું. કિલ્લાના રસ્તે જતાં જ નેરોગેજ લાઇન આવી. હાઈવે કોઈ જાણીતા સ્થળે લઈ જાય ને કેડી અપરિચિત પ્રદેશમાં. એમ નેરેગેજ લાઇન પણ તમને અજાણ્યા પ્રદેશમાં લઈ જાય. આ લાઇન શિવપુરીની હતી. જીપ ગ્વાલિયરના કિલ્લાની ટેકરી ચડી રહી હતી ને મન શિવપુરીનાં જંગલો, મહેલોમાં પહોંચી ગયું હતું. ચડાણ શરૂ થયું ને જીપનો અવાજ વધુ અને ગતિ ઓછી થતી ગઈ. રસ્તામાં જ પર્વતમાં કોતરેલી વિશાળ જૈન પ્રતિમાઓ અને ગુફાઓ જોઈ. ઢાળવાળો રસ્તો અને સમયનો અભાવ તેથી જીપ ઊભી રાખી રોકાઈને નિરાંતે જોઈ શકાય તેવું હતું નહીં, એથી દૂરથી જ જિન પ્રતિમાઓની ઝાંખી કરી દર્શન કરી લીધાં. જીપ સપાટ પ્રદેશ પર આવીને ઊભી રહી ‘અસ્સી ખંભોં કી વાવડી’ પાસે. આપણે ગુજરાતની અડાલજની અને રાણકી વાવ જોઈ હોય એટલે આ વાવ નજરમાં ન આવે. ગ્વાલિયરનો કિલ્લો ગોપાચલ પર્વત ઉપર. પર્વતની જાણે સ્લાઇસ કાપી ઉપર સપાટ બાવ્યો હોય તેવો સમતલ પ્રદેશ – બે કિલોમીટર લાંબો અને અડધો કિલોમીટર પહોળો. અહીં જ, અહીં જ કિલ્લો, મહેલો, વાવો, મંદિરો, ગુરુદ્વારા અને સિંધિયા સ્કૂલ. જીપ જ્યાં ઊભી રહી ત્યાં જ સામે હતો રાજા માનસિંગ તોમરનો મહેલ અને મ્યુઝિયમ. સમય પૂરો થઈ ગયો હતો તેથી મ્યુઝિયમ બંધ થવાની તૈયારી હતી. આમે ય જોવું ન હતું. સજાવેલા સાચવેલા મ્યુઝિયમ કરતાં ખંડેરોમાં વધુ જાન હોય છે – કારણ મ્યુઝિયમની વસ્તુઓ સુંદર કીમતી હોવા છતાં ય પરિસરથી, સંદર્ભથી અને કાળથી વિખૂટી પડેલી હોય છે. રાજા માનસિંહ તોમરનો મહેલ – દીવાલો પર રંગીન કાચની ટાઇલ્સથી અલંકૃત ભાત, ગવાક્ષો, નાના ઘાટીલા બુરજો, સાંજના પ્રકાશનો સોનેરી ઢોળ બધું મનમાં કોરાઈ ગયું. આજે પાંચસો વર્ષ પછીય તેની મૂળ જાહોજલાલીની ઝાંખી કરાવે છે. કલ્પના કરું છું કે તે સમયે તેના ગૌરવકાળમાં આ મહેલ કેવો દેખાતો હશે? મહેલના અંદરના કોષ્ઠ-પ્રકોષ્ઠમાં ગયા. મહેલની અંદર એક ચોક. ચોક પર ઝરૂખા. અહીં રાજા માનસિંહની સંગીતસભાઓ થતી. સામાન્ય ગૂર્જર કન્યામાંથી પોતાના અપરૂપ સૌંદર્ય અને કંઠને લીધે રાણી બનેલી મૃગનયની સાથે ધ્રુપદો ગવાતાં હશે. મૃદંગનો ઘોષ, પ્રતિઘોષ દીવાલોમાં ખંડોમાં ગુંજતો હશે, ધ્રુપદ ગાયકીના પ્રવર્તક માનસિંહે અહીં જ ‘માનકુતૂહલ’ ગ્રંથની રચના કરી હશે. અહીં બૈજુ પાસેથી મૃગનયની ધ્રુપદ શીખતી હશે. અહીં જ ગાતાં ગાતાં લજ્જાભરી આંખે મૃગનયની માનસિંગ તરફ જોઈ રહેલી હશે અને રાજા પ્રેમભરી નજરથી તેને દૃષ્ટિઆશ્લેષમાં લેતા હશે; અહીં વ્રજભાષાનાં અનેક ધ્રુવપદોની રચના થઈ હશે અને ગૂર્જર રમણી શિષ્યા મૃગનયની પર વારી જઈ બૈજુએ ‘ગુજરી તોડી’, ‘હુગલ ગુજરી’, ‘મૃગરંજની તોડી’ જેવા રાગોની રચના કરી હશે. આવી આવી કલ્પનાઓ કરતો હતો ત્યાં જ શ્યામે ઍન્ટિક્લાઇમૅક્સ સરજી. સામે એક બંધ ખંડ બતાવી કહે અહીં હતો રાણીઓનો જૌહરકુંડ. પરાજિત રાજાની હતાશ રાણીઓ કામલાલસી શત્રુઓના હાથમાં પડવા કરતાં અહીં ભડભડતા કુંડમાં ઝંપલાવી જૌહર કરી સતી થઈ પતિ સાથે સ્વર્ગે સિધાવતી. એક નાનો અમથો ફોડલોય સહન નથી થતો તો આ રાણીઓએ કઈ હિંમતથી અગનપછેડી ઓઢી હશે? અનેક ચીસો એ જ્વાળાની સાથે જ ઠરી ગઈ છે. ઉદાસ વિષણ્ણ ચિત્તે બહાર નીકળ્યો. કિલ્લા પરથી પૂર્વ તરફ શહેર અને પશ્ચિમે અસ્તાચળનો સૂર્ય દેખાતો હતો. બધે તેના પીળાશ પડતા કેસરી પ્રકાશની ઉદાસ ભવ્ય રમણા. આ આખો દુર્ગ, આ પરિસર, મહેલો, કાંગરાઓ, દીવાલો, ગવાક્ષો, કોઠીઓ કોઈ માનવસહજ નબળાઈ ભૂલ – ફેલસીને કારણે પરાજિત ધ્વસ્ત થયેલા ટ્રૅજેડીના ઉદાત્ત નાયક જેવા લાગતા હતા. અહીં ચોગાનમાં લાઇટ ઍન્ડ સાઉન્ડ શોમાં ધ્વનિપ્રકાશના સંયોજનથી એ ભવ્ય ભૂતકાળ કલાક માટે સજીવન થતો હશે. પીળી, નીલી, લાલ લાઇટોમાં ભૂતકાળમાં સરી ગયેલા મહેલો ફરી જાજ્વલ્યમાન બનતા હશે ને કલાક પછી એ જ કાળાં તોતિંગ ભીંતડાં ઊભાં રહેતાં હશે. શ્યામની રનિંગ કૉમેન્ટ્રી ચાલુ જ હતી. રેડિયો પર એનાઉન્સર ન હોત તો જરૂર ગ્વાલિયરના ગાઈડ હોત. બધી વિગતો, બધી સાલો-તવારીખો મોઢે. શ્યામ કહે રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજોના મળતિયા થઈ ગયેલા ગ્વાલિયરના મહારાજા જીયાજીરાવ શીંદેને પરાસ્ત કરી આ માનસિંહ તોમરે બંધાવેલા મહેલમાં રહ્યા હતા. આ એક ગુંબજ તૂટેલો દેખાય છે તે અંગ્રેજોએ સાેમની ગરગજ પહાડી પર ગોઠવેલી તોપથી ઊડી ગયેલો. એ દૂર દેખાતી ટેકરી તોપથી ગરજતી રહેતી, તેથી તેનું નામ ગરગજ પહાડી. આ જ મનમંદિર મહેલમાં ઔરંગઝેબે તના ભાઈ મુરાદને કેદ કરી મરાવેલો. અહીં જ શીખોના છઠ્ઠા ગુરુ હરગોવિંદસાહેબને જહાંગીરે બંદી બનાવેલા. પશ્ચાત્તાપ થતાં તેમને માનભેર છોડેલા. છૂટતા પહેલાં હરગોવિંદસાહેબની શરત અનુસાર તેમનો ખેસ પકડી જેટલા સાથી બંદીવાનો બહાર નીકળી શકે તેમને પણ છોડેલા. ગુરુની સ્મૃતિને કાયમ રાખવા શીખોએ ગુરુદ્વારા ‘દાતા બંદીછોડ સાહેબ’ બંધાવ્યું. એક સમયે સાદા ગુરુદ્વારાની જગ્યાએ અત્યારે ભવ્ય ગુરુદ્વારાનું નિર્માણ લગભગ પૂરું થવામાં છે. દૂરથીય તેનો સુવર્ણ ઘુમ્મટ ચળકે છે. આ મનમંદિર મહેલની નીચે કિલ્લાના બીજા દરવાજા પાસે માનસિંહ તોમરે તેની ગૂજરી રાણી મૃગનયની માટે ગૂર્જરીમહેલ બનાવેલો જેમાં આજે સંગ્રહસ્થાન છે. આ સંગ્રહસ્થાનમાં પહેલી સદીની મૂર્તિઓ સંગ્રહિત છે પણ સહુથી કીમતી કલાત્મક મૂર્તિ તો છે શાલની. શાખાને નમાવી શાખા જેવી જ દેહલતાને એક રમણીય વળાંક આપી અદ્ભુત ભંગિમામાં ઊભેલી શાલભંજિકા. ભોળાભાઈ યાદ આવી ગયા. સમય ન હતો તેથી મૂર્તિ મારા માટે તો અમૂર્ત જ રહી અને એટલે જ એ રહી વધુ કલ્પનાપ્રવણ રૉમેન્ટિક. આપણાં મ્યુઝિયમો આમેય ખીચોખીચ ભરેલાં, ચેતનાને ઇતિહાસના ભારથી ચગદી દેનારાં વધારે હોય છે. આથી જ ઝળહળતા સહસ્ર સૂર્યો જેવું ઝુમ્મર, અનેક બેનમૂન કલાકૃતિઓ અને રૉયલ ફર્નિચરથી ખચિત સિંધિયાઓનો જયવિલાસ પૅલેસ અને મ્યુઝિયમ જોવા ન ગયો. જોવાનો સમય પણ ન હતો અને હોત તોપણ અહીંના ખંડેર કિલ્લાઓ, મહેલો, મંદિરો જોવાનું જ, ફીલ કરવાનું જ પસંદ કર્યું હોત. હવે જીપ ચાલી સાસબહૂકા મંદિર તરફ. નવાઈ લાગે કે ગ્વાલિયર શહેરથી ત્રણસો ફૂટ ઊંચે એક પહાડીના સપાટ તલ પર જીપમાં ફરી રહ્યાં છીએ. ‘સાસબહૂકા મંદિર’ નામ ગદ્યાળુ અલંકૃત લાગે તેવું મંદિર ન હતું. અગિયારમી સદીનું ઘાટીલું વિષ્ણુમંદિર, કછવાહા રાજપૂતોએ બનાવેલું. કામ પૂરું થયું. ઈ.સ. ૧૦૯૩માં. આજથી લગભગ નવસો વર્ષ પહેલાં અને ત્યાં ચોડેલી તકતી પ્રમાણે રિપૅર થયું ૧૮૮૧થી ૧૮૮૩ દરમ્યાન. કલારસિક અંગ્રેજોએ રસ લઈ રિપૅર કરાવેલું. ત્યાંથી આગળ ગોપુરમ્ શૈલીના શિખરવાળું ‘તેલી કા લાટ’ તેલીનું મંદિર જોવા ગયા. આ વિષ્ણુમંદિર બંધાયેલું નવમી સદીમાં. આ મંદિરના સ્થાપત્યમાં દક્ષિણની ગોપુરમ્ શૈલીનો સમન્વય થયો છે એમ કહેવાય છે, પણ ઢાંકીસાહેબે કહેલું કે આવાં વલ્લભી શૈલીનાં મંદિરો એક કાળે ઉત્તરમાં હતાં જ. એ તો સંશોધકોનું કામ. આ તેલી શબ્દ સાથે પણ તેલંગણનો કોઈ વિદ્વાન બ્રાહ્મણ અહીં આવીને વસ્યો હતો, રાજાનો પ્રીતિપાત્ર હતો અને તેની સ્મૃતિમાં આ મંદિર બંધાયું તેવી વાયકા પણ છે. મંદિર બહાર એક તકતી જોઈ. આ મંદિરનો જીર્ણોદ્ધાર તત્કાલીન સિંધિયા મહારાજા અને ત્યાંના અંગ્રેજ અમલદારે કરાવેલો. મહારાજાએ અનુદાન આપ્યું તેથી વધારે અંગ્રેજ સરકારે આપેલું. યાદ આવ્યું કે કોણાર્કમાં પણ કોઈ કલારસિક અંગ્રેજ જે પડું પડું થતા ખળભળી ગયેલા જગમોહન મંડપને રિપૅર કરાવી પુરાણ કરી સીલ કરાવેલો. એ ન કર્યું હોત તો મંદિર ક્યારનુંય પડી ગયું હોત. અજંતાની ગુફા પણ કોઈ અંગ્રેજે શોધી અને પ્રકાશમાં આવી. આપણી કલાસંસ્કૃતિ માટે તેમને એક સુસંસ્કૃત પ્રજાને બીજી સુસંસ્કૃત પ્રજા પર હોય તેવો આદર હતો. નહિતર ઉગ્ર ઘાતકી સ્પેનયાર્ડોએ દક્ષિણ અમેરિકામાં ત્યાંની આદિવાસી પ્રજાને મારી માત કરી, મય અને ઇન્કા સંસ્કૃતિનાં અનેક સ્મારકો ધ્વસ્ત કર્યાં તેમ ન કર્યું હોત? બહારની તકતી પાસે માથું નમાવી અંગ્રેજ પ્રજા પ્રત્યે આદરની લાગણી વ્યક્ત કરી. કિલ્લામાં આડેધડ ઊગી નીકળેલી વનસ્પતિ, બાફ અને જમીનની અજબ ગંધ ફૉરી રહી હતી. નીચે બાકસનાં ખોખાં જેવાં ઘરો, વિસ્તરેલું નગર, ક્યાંક ઝાડીમાં ખોવાતાં તો ક્યાંક વૃક્ષવનરાજિમાંથી ડોકાતાં મકાનો, સાંજની ધૂંધળાશ, રાતના અંધકારનો ભરભર ભૂકો ને ઉપર બધું ભુલાવી દે તેવો રમણીય કેસરીચંદ્ર. બધું એવું જ જેવું માનસિંગ તોમારના સમયમાં. કિલ્લા પરનો પહાડી રસ્તો સાંકડો હોવાથી ચડવા-ઊતરવા માટે તેને એકમાર્ગી બનાવાયો છે. લાઇટ થયે – ક્લિયરન્સનું સિગ્નલ મળ્યે જ વાહનો ચડે-ઊતરે. અમારે લાલ લાઇટ હોવાથી કિલ્લા પર સિંધિયા રેસિડન્સી સ્કૂલ પાસે ઊભું રહેવું પડ્યું. એક વખતે રાજા-રજવાડાંના કુંવરો માટે સ્થાપેલી સ્કૂલમાં આજે પૈસાપાત્ર સંતાનો ભણે છે. અંગ્રેજ ઢબની સ્કૂલની આજેય એવી જ શાખ છે. ક્યાં ક્યાંથી છોકરાઓ ભણવા આવે છે! રસ્તો ખૂલવાની રાહ જોતી ઊભેલી અમારી જીપ પાસે કોઈ આવ્યું. વિનિત સ્વરે કહ્યું, ‘નીચે જવા કોઈ રિક્ષા કે વાહન અહીંથી નહીં મળે, આ એક ભાઈને નીચે સુધી લઈ જશો?’ અમે હા પાડી. પાંત્રીસ-ચાલીસ વર્ષના એક પિતા પુત્રને મૂકવા આવ્યા હતા. બાપથી છૂટા પડતા દીકરાના ઢીલા અવાજમાં આજીજી હતી. પિતા પણ લાગણીવશ થઈ ગયા. બારેક વરસના દીકરાને અકસ્માતમાં ઈજા થવાથી બે મહિના ઘરે હતો. હવે સારું થયે ફરી સ્કૂલે જતો હતો. ઘરની સારસંભાળ, હૂંફ, લાડથી છૂટા પડવાની પીડા છોકરો જે રીતે બાપનો હાથ પકડતો હતો, દબાયેલા અવાજે વાત કરતો હતો તેમાંથી ડોકાતો હતો. જીપમાં બેઠેલા હું અને શ્યામ ઉદાસ થઈ ગયા. મને જાણે હું મારા દીકરાને વળાવતો હોઉં તેવું લાગ્યું. રસ્તો ખૂલવાની લાલ લાઇટ થઈ. છોકરો પગે લાગ્યો. બાપ માથે હાથ મૂકી અમારી જીપમાં ચડ્યા. જીપ ચાલી પણ વાતાવરણ ગંભીર – ‘વળાવી બા આવી’ના ભાવ જેવું. બાપ એટલો ઉદાસ – ગંભીર હતો કે વાત કરવાની ઇચ્છા ન થઈ. પછી ‘આપ કા લડકા થા?’થી વાત નીકળી. બાપ બિહારમાં સારા હોદ્દા પર છે પણ વર્ણ-વૈમનસ્યને કારણે શિક્ષકો દ્વારા સવર્ણોનાં બાળકોને હેરાન કરવામાં આવે છે તેથી દીકરાને નાછૂટકે આટલે દૂર ભણવા મૂકવો પડ્યો. આગલી પેઢીએ કરેલાં પાપ તેની સાથે જ ધોવાઈ નથી ગયાં પણ તેના લિસોટા હજી લંબાયા કરે છે ને વાંક વગરની પછીની પેઢીઓને સહન કરવું પડે છે તે ક્યાંનો ન્યાય? આને કયું જસ્ટિસ કહીશું? પોએટિક તો નહીં જ. શ્યામની ઇચ્છા હતી કે મારે ગ્વાલિયરના હાર્દ સમા મરાઠા વિસ્તારો, તેની રજવાડી ઇમારતો, બજારો, સિંધિયા રાજાની સ્મારક-છત્રીઓ બધું જોવું જોઈએ. તેમણે જીપ લશ્કર વિસ્તાર તરફ વાળી. રસ્તામાં બધું બતાવતા જાય. ચાંક, સ્મારકો, ઐતિહાસિક ઇમારતો, વિસ્તારો ને સાથે સાથે તેમની પ્રોફેશનલ રનિંગ કૉમેન્ટ્રી તો ચાલુ જ હોય. ભાદરવાનો ગણેશ ઉત્સવ હતો તેથી ગ્વાલિયર હેલે ચડ્યું હતું. બધે ગણેશસ્થાપન, શણગાર, માઇક પર વાગતાં ભક્તિગીતો, ઉત્સાહિત ગણેશભક્તો ને ઠેર ઠેર મંડપો અને ગણેશવિસર્જન-યાત્રા. એક દબદબાભરી યાત્રા નીકળી ને રોડ બ્લૉક થઈ ગયો. વહેતા ટ્રાફિકનો પ્રવાહ જાણે થંભી ગયો. રસ્તો ખૂલ્યે ટ્રાફિકનો અજગર સળવળી વાંચોચૂંકો ચાલતો થયો. અહીં આવ્યો ત્યારે એક ઇચ્છા હતી સરોદઘર જોવાની. હૅન્ડસમ સરોદવાદક ઉસ્તાદ અમજદ અલીખાનના પિતા હાફિઝ અલીખાન ગ્વાલિયરના રાજસંગીતકાર હતા. મૂળ અફઘાનિસ્તાનમાંથી આવેલા રબાબિયા. સરોદને તેનું વર્તમાન સ્વરૂપ અને પ્રતિષ્ઠા આવવામાં તેમનો પાયાનો ફાળો. લશ્કર – ગામમાં – (હવે તો પરું) આવેલી તેમની નાનકડી પૈતૃક હવેલીને તેમના પુત્ર અમજદ અલીખાને સરોદ અને બીજા ખ્યાતનામ સંગીતકારોનાં વાજિંત્રોના સંગ્રહસ્થાનમાં ફેરવી નાખી છે. ઉસ્તાદ અહમદજાન થિરકવાના તબલાથી માંડી અનેક ખ્યાતનામ વાદ્યકારોનાં વાદ્યો અહીં કાચની પેટીમાં પૂરા સન્માન સાથે સચવાયાં છે. અમે ત્યાં પહોંચ્યા હઈશું રાત્રે આઠેક વાગે. સરોદઘર બંધ થઈ જ ગયું હશે તેની ખાતરી હતી. છતાં થયું કે બહારથી તો જોઈએ. બહારથી તો ઘર જેવું ઘર લાગે, બંધ થવાનો સમય ૬-૦૦ વાગ્યાનો હતો તેથી ડેલો બંધ હતો. ખટખટાવ્યો, અંદરથી એક સુઘડ દરવાન આવ્યો. અમે સરોદઘર જોવા માટે રિક્વેસ્ટ કરી. શ્યામે પોતાની આકાશવાણીની ઓળખાણ આપી. મને આગળ ધરી હું છેક રાજકોટથી આ સરોદઘરનાં દર્શને આવ્યો છું, તે વાત કરી. દરવાનને પણ આ માણસ જેન્યુઇન સાચો રસિક છે, તેવી ખાતરી તો થઈ છતાં સિક્યૉરિટીની ફરજને લીધે અવઢવમાં હતો. એક તો પ્રાઇવેટ મ્યુઝિયમ. તેના રક્ષણની જવાબદારી તેને સોંપી છે તેમાં કોઈ પ્રકારની છૂટ કેવી રીતે દઈ શકે? શક્ય છે આવા જ કોઈ કિસ્સામાં તેની નોકરી પણ જાય. અમે કહ્યું માત્ર એક નજરે બધું જોઈ લેવું છે. તેણે અમારો કેસ જેન્યુઇન જાણી જોખમ લીધું. લાઇટ કરી અંદર આવકાર્યા. ત્રણ માળનું રૂપકડું મકાન. નાનકડા ચોકની ત્રણે તરફ ઓસરી અને તેમાં અંદર ખૂલતા રૂમો, પ્રવેશતાં જ ઉસ્તાદ હાફિઝ અલીખાનસાહેબ અને તેમના ગુરુનો મોટો ફોટો. દરેક રૂમને કાચનાં બારણાં. અંદર કાચની પેટીમાં વાદ્યો સજાવેલાં. એક વખતે કલાકારની આંગળિયે, ભાવે બોલતાં ગુંજતાં વાદ્યો આજે પેટીમાં શાંત પૂર્વજોની દેણગીને અમજદ અલીખાને આદર અને ગૌરવથી સાચવી છે. અમજદ અલીખાન પોતે અહીં રહેતા નથી પણ ઘરને જાળવ્યું છે અને દર વરસે સંગીતસમારોહો કરતા રહે છે. હવેલીમાંથી બહાર નીકળતા ઉસ્તાદ હાફિઝ અલીખાનને તેમની કળા માટે અને પેલા અજાણ્યા ચોકીદારને તેણે કરેલી મદદ માટે આદરથી નમી સલામ કરી જીપ હંકારી આગળ. હવે તો બધું જ જોવાઈ ગયું હતું. બાકી હતું તો કઈ ગલીમાં શ્રી અટલબિહારી વાજપેયીનું પૈતૃકઘર આવેલું તે પણ શ્યામે ચીંધી બતાવેલું. ભાવુક શ્યામ સરીને એક સ્થળે છેલ્લે બાકી રાખ્યું હતું તે રાણી લક્ષ્મીબાઈની સમાધિ. શ્યામ કહે જ્યાં સુધી લક્ષ્મીબાઈની સમાધિ પર માથું ન ટેકવો ત્યાં સુધી ગ્વાલિયર યાત્રા પૂરી ન થાય. સાંજ ક્યારનીય ઢળી ચૂકી હતી. અંધારું થઈ ગયું હતું. અમે સમાધિ પર પહોંચ્યા. નાનકડો સાર્વજનિક બાગ અને મધ્યમાં પીઠિકા પર રાણી લક્ષ્મીબાઈની શ્યામ ધાતુપ્રતિમા. રોડ પરની સોડિયમ લાઇટમાં દૃશ્યમાન હણહણીને ઊંચો ઝાડ થઈ ગયેલો ઘોડો, અશ્વના સાથળના ખેંચાયેલા તંગ પૌરુષભર્યા સ્નાયુઓ, તેની લહેરાતી કેશવાળી. ઊંચકાયેલી પૂંછડી, વીરાંગનાનો ઊંચકાયેલો હાથ, ખેંચાયેલી તલવાર, ચહેરા પરની દેવાંશી પ્રતાપી મુદ્રા, પાછળ કેડે બાંધેલું નમણું કુમળું બાળક, પૌરુષી પરાક્રમ સાથે કુમાશનો અદ્ભુત સમન્વય. મારી તન્મયતાને શ્યામે તોડી. કહે અહીં ૧૮૫૭ના બળવાની મશાલધારી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ૧૮ જૂન, ૧૮૫૮ના દિવસે સ્વર્ણરેખા નદીના કિનારે શહીદ થઈ. તે દિવસનું યુદ્ધ નિર્ણાયક સાબિત થવાનું હતું. સવારના પહોરમાં દાસીસખી મુંદરને અસ્તબલમાંથી જાતવાન ઘોડો લેવા મોકલી. મુંદર એક પડછંદ ઘોડાને લઈ આવી. લક્ષ્મીબાઈએ ઘોડાને જોતાં જ નિસાસો નાખ્યો. મુંદર કહે, ‘બાઈસાહેબ, વાત શી છે! ઘોડો પસંદ ન પડ્યો?’ લક્ષ્મીબાઈએ એક નજરમાં જ ઘોડો પારખી લીધો હતો. અફસોસ સાથે લક્ષ્મીબાઈએ કહ્યું, ‘ઘોડો બેશક પડછંદ છે પણ ડરપોક છે.’ હવે ફરી અસ્તબલમાં જઈ નવા ઘોડાને લાવવાનો સમય ન હતો. એ જ ઘોડો પલાણી પહોંચી અંગ્રેજોના ઘેરા વચ્ચે ઘમસાણ લડાઈમાં ઘેરામાંથી બહાર નીકળી સ્વર્ણરેખા નદી ઠેકતાં અહીં જ ઘોડો ફસડાયો. તલવારનો ત્રાંસો વાર નીંગળી રહ્યો હતો. અહીં બાબા ગંગાદાસની ઝૂંપડી પાસે તેમનો દેહ પડ્યો. બાબાએ ગંગાજળ પાયું. મરતા પહેલાં એક જ ઇચ્છા કે ‘મારા દેહને અંગ્રેજો અડીને અભડાવે તે પહેલાં જ મારો અગ્નિદાહ દઈ દેવો.’ લાકડાં ક્યાંથી કાઢવાં? બાબા ગંગાદાસે ઝૂંપડી તોડીને ચિતા તૈયાર કરી અને અહીં રાણી લક્ષ્મીબાઈ અને સખી મુંદરને અગ્નિદાહ અપાયો.’ અહીં પંચમહાભૂતોમાં ભળી ઇતિહાસનું જાજ્વલ્યમાન પાત્ર દંતકથા થઈ ગયું. શ્યામની વાતો સાથે હું ય દોઢસો વરસ પહેલાંના સમયમાં ખોવાઈ ગયો હતો. જાગ્યો ત્યારે સાંજનો પીળો પ્રકાશ ક્ષિતિજમાં ભળી ગયો હતો અને ગ્વાલિયરના રસ્તા પર સોડિયમ લાઇટનો પીળો ઢોળ ચડ્યો હતો. શરીર તો છ કલાકમાં અહીં આઠદસ કિલોમીટરમાં જ ફર્યું હતું. જ્યારે તાનસેન, માનસિંગ, તોમર, ધ્રુપદથી શરૂ થયેલી મનની યાત્રા સરોદઘરના અનાહત સૂરો સાંભળી લક્ષ્મીબાઈ પાસે પૂરી થઈ હતી.