હિમાંશી શેલતની વાર્તાઓ/નાયકભેદ: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading| નાયકભેદ | }} {{Poem2Open}} એ પાંચેય હસતા હતા. આંખમાં પાણી આવી જાય એટ...") |
(No difference)
|
Revision as of 05:33, 5 March 2022
એ પાંચેય હસતા હતા. આંખમાં પાણી આવી જાય એટલું બધું, ગુટખાનો વિયોગ ખમી ન શકનારા દાંત આમ ખડખડાટ હસતી વેળા કેવા દેખાશે એની ચિંતા છોડીને હસવું માંડ શમ્યું એટલે વાત આગળ ચાલી. – તે સોક્રેટીસની પત્ની વિશે આવું કહેવાય છે એમ? – નહીં ત્યારે? એમ કંઈ મફતમાં ફિલૉસૉફર નથી થવાતું. ડફણાં ખાવાં પડે છે! – મેં બી વાર વાંચેલું પણ માનેલું નહીં. મને એમ કે સાલા ઇતિહાસવાળા તો વધારી વધારીને કહે.
– અરે, આટલું જો લખાયું તો મૂળ એ બાઈનો કકળાટ કેવો હશે, જસ્ટ ઇમેજીન!
– મારે ઘેર નેહાનો કકળાટ કંઈ ઓછો નથી, યાર! ભીનો ટુવાલ ખાટલા પર કેમ છે ને નૅપકિન ખુરશી પર કેમ છે, આપણું ઘર તે કંઈ ફાઇવ સ્ટાર હોટલનો રૂમ છે? XXX જ્યાં મન થાય ત્યાં ફેંકીએ વળી! – અરે, તારી છોડને! મમતાયે કંઈ કાચી માયા નથી. કપ અહીં કેમ રાખ્યો અને મોજાં ત્યાં કેમ ફેંક્યાં, છાપાનાં પાનાં ક્યાં ગયાં ને કપડાં હૅન્ગર પર કેમ નથી, શી જસ્ટ ગોઝ ઑન ઍન્ડ ઑન... – તમે લોકો મારો રસ્તો અપનાવો. હું તો જયના મોં ખોલે, આઇ મીન બોલવા માટે મોં ખોલે કે તરત જ કહી દઉં કે બાપા, ભૂલ થઈ ગઈ! બોલવાનું કે ભૂલ થઈ ગઈ, પણ ટૉન એવો રાખવાનો કે ભૂલ આપણી નહીં, એની જ થઈ છે. મેઈક હર ફીલ ગિલ્ટી... પછી એ ચૂપ થઈ જશે. – ના, હોં. ચારુને કંઈ એમ સહેલાઈથી ગિલ્ટીબિલ્ટી લાગે નહીં. એ તો સરકારી અફસર છે. એકદમ લોખંડી માથું. મેં તો એને કહી દીધું કે મને કારકૂનની જેમ ટ્રીટ કરવાનો નથી. – પછી એણે શું કહ્યું? – કહેશે. ધૂળ! – વંદના સાથે મારું એ બાબતે સારું છે. એકંદરે, હું તો એને બોલવા દઉં. છો બોલતી, અપન કો ક્યા? તુમ બકતી રહે... – તું તો યાર, જૂનો જોગી કેટલાં થયાં? પંદર? – પંદર પર બે. તમારા કરતાં આપણી જેલ જૂની ખરી! ફરી પાછું ખડખડાટ હસવાનું ચાલ્યું. પછી એકદમ ચાવી ઊતરી ગઈ હોય એમ પાંચેનું હાસ્ય અટકી ગયું. ખાનગી મસલત કરવાની તૈયારીમાં પાંચેય માથાં જરા નીચાં નમ્યાં. હજામ પાસે જાય ત્યારે જેટલાં નમાવવાં પડે એટલાં. – મને એવું લાગ્યા કરે છે કે ચાર સુપિરિયોરિટી કૉમ્પ્લેક્સથી પીડાય છે. આ એવું છે કે કોઈને કહેવાય નહીં છતાં મને બહુ સ્ટ્રૉન્ગલી લાગે છે કે... – એટલે શું કરે છે ચારુ? કેવી રીતે વર્તે છે. કાયમ? ઍરોગન્ટ? ઇવન ઇન બૅડ? – હવે એમ ચોખ્ખું ફોડ પાડીને કહેવાય નહીં, પણ આમ મને અંદરથી એવું લાગ્યા કરે કે એને મારે માટે બહુ રિસ્પેક્ટ જેવું નથી. બંધા ગંભીર થઈ ગયા. ત્રણ જણે મોંની ગુફા ખોલી અંદર પડીકીઓ પધરાવી, એ સાથે જ ચહેરા પર રોનક આવી ગઈ. બેએ સિગારેટ સળગાવી, મસ્ત અદામાં. આખી દુનિયા ફૂંકી મારવાની હોય એ રીતે ધુમાડો છોડ્યો, પછી એ ગૂંચળાં જોવા લાગ્યા, ચિંતક-મુદ્રામાં – સિરિયસ બાબત કહેવાય. વાઇફમાં આવો કૉમ્પ્લેક્સ હોય તો પરિણામ ગંભીર આવે. – જો, હું કહું મને કેમ આવું લાગ્યું. કોઈ એક કૉન્સ્ટેબલે બળાત્કાર કર્યો. વાંચેલું તમે છાપામાં? – કોના પર? – હવે બાઈ પર જ તો. આપણે ઓછા જાણીએ છીએ એને? – ભલે ભલે હવે આગળ બોલ. – તે ચારુ છાપામાં એ સમાચાર વાંચી મારી આગળ એની ચર્ચા કરવા બેઠી. મેં કીધું કે બાઈઓ એવા કૉન્સ્ટેબલની હડફેટમાં આવે જ શું કરવા કે એવો એ બળાત્કાર કરે? પછી જસ્ટ એટલું જ બોલ્યો કે છોકરીઓ બી કંઈ ઓછી નથી. હવે આમાં હું કંઈ કૉન્સ્ટેબલને ડિફેન્ડ કરતો’તો? તમે જ બોલો, મારે શા માટે એનો બચાવ કરવાની જરૂર હોય? – નહીં જ વળી. તે ચારુભાભી શું કહે? – અરે, એ તો તૂટી જ પડી મારી ઉપર. કહે કે બળાત્કારને જસ્ટીફાય કરવાની અથવા તો એને અપરાધ ન ગણવાની આ જૂની રીત છે! – પછી તેં શું કહ્યું? – મેં ટફ સ્ટૅન્ડ લીધું. કીધું કે ફર્સ્ટ તો વિથ ડ્રો યોર વડ્ર્ઝ, હું કલ્ચર્ડ માણસ છું. સ્ત્રીઓ પર અત્યાચાર થાય તે જસ્ટીફાય કરું એવો હલકટ નથી. શી મસ્ટ નો મી ધેટ મચ. એને સ્નબ કરી બરાબરની, એટલે ચૂપ થઈ ગઈ. સવારે તો નોકરબોકર હોય એટલે એ જખ મારીને બોલે નહીં. એને પાછું ડેકોરમ ને ડિગ્નિટીનું બહુ! – પતી ગયું ને આટલામાં, આ તો કંઈ નથી! – ના પતી નથી ગયું. આખો દિવસ બોલી નહીં. રાતે આગલા રૂમમાં જ પડી રહી, ખાધું બી નહીં, વાત કરવા ગયો તો ના પાડી દીધી ચોખ્ખી. કહે કે મારે વાત નથી કરવી... – આ જ સાલી તકલીફ છે. આપણે તો વીમેન્સ લિબમાં માનીએ છીએ તોયે આ લોકો આપણને દોષી ઠરાવે અને આપણી જોડે જ પંચાત કર્યા કરે, બહાર નોકરી કરે, બે જણ હાથ નીચે કામ કરે તે મગજમાં ધુમાડી ભરાઈ જાય એ લોકોમાં. – અરે, એકવાર હું ચોપડીનું પાર્સલ બનાવતો હતો, છાપાનો કે એવો કંઈ પ્રિન્ટેડ કાગળ લીધેલો મમતા ત્યાંથી પસાર થતી હતી તે ફટ દઈને બોલી કે એડ્રેસ લખવા માટે તારે ઉપર સાદો કાગળ ચોંટાડવો પડશે. ડૉન્ટ આય નો ધેટ? મને એટલી ખબર નહીં પડે કે? – ભાભી તો અમથી જ બોલી હશે, તેં નકામું વતેસર કર્યું. આપણે એ લોકોના કામમાં ક્યારેક કીચકીચ નથી કરતા? – ના, એટલું સીધું નથી આ. અને મારી કૉમન સેન્સમાં જ ભરોસો નથી. મેં કેટલાંયે પાર્સલ કર્યાં છે આટલાં વરસમાં... – આ તો તમે એકલાં હો ત્યારે ને! ચારુ તો અજાણ્યા માણસોની હાજરીમાં જ એવું વર્તે છે કે મને તો ઝાળ લાગી જાય એકદમ! – મતલબ કે... – યસ, જેને જરાયે ઓળખતાં ન હોઈએ એવા માણસો – ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, સુથાર, દુકાનદાર, મળવા આવેલો કોઈ પણ માણસ.. કોઈની પણ સામે શી મેઇક્સ મી ફીલ સો સ્મૉલ... – એટલે કંઈ બોલીને કે પછી તારું ઇન્સલ્ટ કરીને? – એ એવી રીતે બોલે ને વર્તે જાણે એ પેલા લોકોના પક્ષમાં જ છે અને મારી બધી રીત ખોટી છે, વિચારવાની વર્તવાની, બધી જ... – આ તો સાલું બહુ વિચિત્ર કહેવાય! – તારે એને તે ઘડીએ જ કહી દેવું જોઈએ કે ડૉન્ટ ટૉક ટુ મી લાઇક ધીસ... – તે કંઈ મેં નહીં કહ્યું હોય? – ત્યારે એ શું બોલે છે? – એમ કહે કે સાચું હોય તેના ટેકામાં બોલવાનો મારો નિયમ છે. તને પરી એટલે કંઈ તું કરે તે સાચું એવું નથી થઈ જતું! – ચારુભાભી સાથે જીવવાનું તો સાચ્ચે જ ડિફિકલ્ટ લાગે છે! – આ તો શરૂઆત છે. આવતે વરસે તો એ હજી ઊંચે જવાની છે. એની કંપનીને તો શી વાત કે. ચારુ... – મેં બી સાંભળેલું કોઈને મોંએ. થયું કે સાલો ફાવી જવાનો! બૈરી ટોપ પર હોય એટલે તો... – મને કંઈ પડી નથી. આપણે તો ઘર સરખું ચાલે એટલે બસ. શૉફર ડ્રીવન કાર મળે એટલે કંઈ સાતમે આસમાને પહોંચી જવાય છે? ખુશામત કરી હોત તો આપણેય ક્યાં નાં ક્યાં... હું કંઈ એમ અંજાઈ જાઉં એવો નથી. મને કંઈ પડી નથી. એવી, ખરેખર જ. – મેં તો નેહાને એટલે જે ના પાડી. કીધું કે બહાર કામ કરવામાં થાકી જવાશે. ઘરમાં જ ઑફિસ બનાવી દે અને વર્કિંગ અવર્સ નક્કી કરી દે એટલે વાંધો નહીં. માની ગઈ તરત! સી. એ. છે તે એને મનથી સંતોષ થાય કે ચાલો આવડત કામમાં આવે છે ને કમાણીની કમાણી! – સારું ચાલતું હશેે નેહાભાભીનું, નહીં કે? – અરે, સારું એટલે કેવું? કોઈ વાર તો આપણા પગારથીયે વધારે લૅટ હર ફીલ હૅપી... આપણે ક્યાં ગુમાવવાનું છે? એક આ ટુવાલ-નૅપકિનવાળો કકળાટ કરે નહીં એટલે બસ... – અલ્યા સૉક્રેટિસની બૈરીની વાતમાંથી આપણે ક્યાં પહોંચી ગયા! આપણો આ પ્રોફેસર કંઈ ઇતિહાસની વાત કરતો હતો તેમાંથી... – નામ શું એનું? ઝેન્થિપી ને? – હવે ઝેન્થિપી હોય કે જયના, શો ફરક પડે છે? બાઈઓ મોર ઓર લેસ સરખું જ વિચારે અને કચકચ બી એક જ લેવલની કરે, પછી સી.એ. હોય કે બી.એ.! – પણ ચારુભાભીવાળી બાબત લાઇટલી લેવા જેવી નથી. એ જેમ જેમ ઊંચા હોદ્દા પર જતાં જશે તેમ તેમ.. તારી લાઇફ ખલ્લાસ થઈ જશે એનો ખ્યાલ છે તને? – છે જ તો. એમાં તો આજે વાત કરી તમને... મારા મનમાં એ જ ચાલે છે અને ટૅન્શન છે એનું. છોકરાં પાછાં મને સંભળાવે છે કે મમ્માની કોઈ વાત અનરિઝનેબલ હોતી જ નથી... દાખલો આપે સિગારેટ છોડવાનો. xxxx એક જ તો વ્યસન છે, પેલા નરેનની જેમ પીતો તો નથી ને! – એ, નરેનની ખબર પડી તને? – ના, કેમ કંઈ નવું થયું? – એ ડિવોર્સ લેવાનો છે! – તે લે જ ને, એનું તો પેલી લેક્ચરર સાથે ચાલતું હતું ને? – બોલ, આમાં તો એની વાઇફની પૂરેપૂરી જવાબદારી છે, નરેન જેવા હેન્ડસમને પરણીને પછી પોતાની જાતની જરાયે કાળજી લીધી એણે? ચાર વરસમાં કેટલું વજન વધારી દીધું! કમસેકમ નરેનને જોઈને તો એણે વિચાર કરવો જોઈએ! ક્યાં સુધી પેલો આવી આ જોડે ભેરવાઈ રહે? ટેલ મી... – એમ તો પેલા જતીનની વાઇફ પણ... – લખી રાખો અત્યારથી, જતીનનું પણ એ જ થશે જે નરેનનું થયું.... – જતીન પણ પીએ તો છે જ! – ગમ ભૂલવા માટે પીવું જ પડે. ઑફિસનાં ટેન્શન, ઘરનાં ટૅન્શન અને આ સાલી કટ થ્રોટ કૉમ્પિટિશન, માણસ ભાંગી પડે એમાં કોઈ નવાઈ નથી, ઉપરથી બાઈઓ જો... – સાચી વાત છે, પીએ નહીં તો શું કરે? – પણ જવાબદારીપૂર્વક વર્તીએ અને જરા કન્સર્ન દેખાડીએ તો બધું સ્મુધલી ચાલે... – તારું ચાલ્યું કે શું સ્મુધલી? કહેજે હં યાર, આપણાથી સંતાડતો નહીં... – એનું એટલે પેલી ઇન્ટિરિયર ડેકોરેશનવાળી જોડે કે? – એ જ તો. – વધે છે ધીમે ધીમે આગળ. આપણે ક્યાં ઉતાવળ છે. – એ તો ધીમે જ સારું. ફાસ્ટમાં રીસ્ક. આ નિકુંજ જેવું નહીં કે ઉતાવળમાં બાજી બગાડવાની.. – પણ પેલીને તારામાં ઇન્ટરેસ્ટ છે એ નક્કી. તે દિવસે તારી ઑફિસ પર આવેલો તે હું તો તરત જ પામી ગયેલો.. ને છે પણ એકદમ કૉન્ફિડન્ટ અને લિબરેટેડ... – એ તો ખરું જ, વધારામાં જબરદસ્ત ટૅલેન્ટેડ... – ને બ્યુટીફુલ તો ખરી જ! માપનું હાસ્ય હવામાં સહેજસાજ પ્રસર્યું. – પણ એક ઍડવાઇઝ છે આપણી. ઘર ફૂંકી મારતો નહીં. ભાભીને સાચવજે અને છોકરાંઓને પણ. નહીં તો એ લોકો જ તારી સામે થઈ જશે. – એક વાત છે. નેહાનું ગમે તે હશે છતાં મારામાં વિશ્વાસ બહુ. ટોટલ ટ્રસ્ટ જેને કહેવાય તેવું. – તો તો વાંધો નહીં. બાકી ઘરની લાઇફ ડિસ્ટર્બ થાય એવું નહીં કરવાનું. આપણે તો અનુભવથી શીખ્યા. – તારો ક્યો? પેલી સુજાતા પંડ્યાવાળો કે? – એ જ તો. આપણે તો એક જ પૂરતો છે! – હવે તમારી જૂની વાતો છોડો તો આપણા આ ઇતિહાસના વિદ્વાનના તાજ્જા રોમાન્સની વિગતો આપી શકાય! – શું કહે છે, યાર! આ તો ખબર જ નહીં અમને કોઈને, આ તો વળી એકદમ છુપો રૂસ્તમ... – તમે સાંભળશો તો ભેજું ચક્કર ખાઈ જશે! ને એની સ્વીટહાર્ટનું નામ સાંભળશો તો દાંતમાં આંગળાં નાખવા પડશે તમારે... – હવે વાત અમસ્તી અમસ્તી વધાર નહીં. ફોડ પાડીને કહે, ક્યારનો ગોળ ગોળ ફેરવે છે! પાંચેય ચહેરા પર રહસ્યભર્યું સ્મિત આવી ગયું અને પછી વિસ્તરતું ગયું. ચહેરા પર ઉન્મુક્ત આનંદ છલકે એ પહેલાં ઘોડાપૂરની ઝડપે આડીઅવળી રેખાઓ અંકાતી ગઈ અને પછી ઉલ્લાસ વિસ્ફોટ બની ગયો, છાપરું ઊડી જાય અને દીવાલો ફસકી પડે એવો પ્રચંડ.