વીનેશ અંતાણીની વાર્તાઓ/લેખકનો પરિચય: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લેખકનો પરિચય|}} {{Poem2Open}} કચ્છ જિલ્લાનાં દૂર્ગાપુર ગામમાં જન્...") |
(No difference)
|
Revision as of 11:29, 8 March 2022
કચ્છ જિલ્લાનાં દૂર્ગાપુર ગામમાં જન્મેલા શ્રી વીનેશ અંતાણીનું પ્રાથમિક શિક્ષણ દૂર્ગાપુરમાં, માધ્યમિક શિક્ષણ નખત્રાણામાં ને ઉચ્ચ શિક્ષણ ભુજની લાલન કૉલેજમાં થયું. ત્યાંથી જ ગુજરાતી વિષયમાં એમ.એ.ની ઉપાધિ મેળવ્યા પછી ભુજની કૉમર્સ કૉલેજમાં થોડો સમય ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્યરત રહ્યા પછી તેઓ આકાશવાણીમાં જોડાયા. ને ત્યાં વિવિધ હોદ્દાઓ ભોગવ્યા પછી કેન્દ્ર નિયામક તરીકે નિવૃત્ત થયા. ‘ઇન્ડિયા ટુડે’માં ગુજરાતીનાં સિનિયર કોપી રાઇટર તરીકે અને સાહિત્યિક વિશેષાંકના સંપાદક તરીકે પણ કામ કર્યું. તેમણે ‘પ્રિયજન’, ‘કાફલો’, ‘ધૂંધભરી ખીણ’ જેવી ઉત્તમ નવલકથાઓ, સાતેક જેટલાં વાર્તાસંગ્રહો, નિબંધો, રેડિયો નાટકો અને અનુવાદો જેવાં ગુજરાતી સાહિત્યના લગભગ સાહિત્યસ્વરૂપો ઉત્તમ રીતે ખેડ્યાં. આકાશવાણીનાં વ્યવસાયે તેમનાં સર્જનને મૌલિક ઘાટ આપ્યો. સાહિત્યનાં વિદ્વાન અભ્યાસી તરીકે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, કેન્દ્રીય સાહિત્ય અકાદમી જેવી વિવિધ સાહિત્યિક સંસ્થાઓમાં તેમણે મહત્ત્વની વિભિન્ન ભૂમિકાઓ ભજવી. તેમની સર્જકપ્રતિભા વિવિધ સન્માનોથી પોંખાઈ છે. જેમાં ‘મુનશી ચંદ્રક’, ‘ધૂમકેતુ ઍવોર્ડ’, ગુજરાત સાહિત્ય અકાદમીના વિવિધ પારિતોષિકો, સાહિત્ય પરિષદના પારિતોષિક, ‘ર. વ. દેસાઈ ઍવોર્ડ’, ‘ડૉ. જયંત ખત્રી–બકુલેશ ઍવોર્ડ’, તેમજ કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હીના પારિતોષિકનો પણ સમાવેશ થાય છે. એમની વાર્તા-નવલકથાનાં અન્ય ભાષાઓમાં અનુવાદો પણ થયાં છે. તેમનું લેખન સાંપ્રત સમય સંદર્ભમાં પણ કચ્છ પ્રદેશ અને જીવનનાં વ્યાપક સંદર્ભમાં ઊંડળમાં લઈને અદ્યાપિ સાતત્યપૂર્ણ રીતે ગતિમાન રહ્યું છે.