સ્વાધ્યાયલોક—૮/જયન્તિભાઈ: Difference between revisions
Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જયન્તિભાઈ}} {{Poem2Open}} જયન્તિભાઈ સમૃદ્ધ નાગરિક બુદ્ધિના સર્જક...") |
(No difference)
|
Revision as of 15:03, 23 April 2022
જયન્તિભાઈ સમૃદ્ધ નાગરિક બુદ્ધિના સર્જક અને સરલ ઉદાર હૃદયના સજ્જન હતા. સમૃદ્ધ એટલે વાચનમનનચિંતને સમૃદ્ધ. જગતની કેટલીક ઉત્તમ કૃતિઓ–નાટક, નવલકથા, ટૂંકી વારતા, નિબંધ આદિનું વાચન એમનું એક પ્રિય વ્યસન હતું. એ કૃતિઓ વિશે શક્ય એટલું મનનચિંતન કરવાનો એમનો સહૃદય પ્રયત્ન હતો. અને એટલાથી સંતોષ ન થાય તો કૃતિનો અંગ્રેજીમાંથી, અંગ્રેજી દ્વારા ગુજરાતીમાં અનુવાદ કર્યા વિના એમનાથી રહેવાતું નહિ. એમનું પ્રથમ પ્રકાશન ‘બળવાખોર પિતાની તસવીર’ (૧૯૩૮) એ ‘Portrait of a Rebel Father’નો અનુવાદ છે. ત્યાર પછી એમણે નાની-મોટી અનેક કૃતિઓનો અનુવાદ કર્યો હતો. ટૉલ્સ્ટૉય, ડિકીન્સ, ઇસ્કીલસ, ડૉસ્ટૉયવાસ્કીની નવલકથાનો અનુવાદ ‘કરમઝોવ બંધુઓ’ અને ગૉગૉલની ટૂંકી વારતાઓનો અનુવાદ ‘નાક અને જામો’ હસ્તપ્રતમાં છે. અંતિમ વર્ષોમાં ગ્રીક નાટકો–મુખ્યત્વે સોફોક્લિસનાં નાટકો અને તેમાંય વિશેષ તો ‘ઇડિપસ’–ના અનુવાદોનું કામ સતત ચાલતું હતું. છેલ્લું મળ્યા — એક મિત્રને ઘેર, બેત્રણ ગ્રીક અતિથિઓ આવ્યાં હતાં એ નિમિત્તે — ત્યારે એમની સાથે એકાદ કલાક સતત ગ્રીક નાટકો વિશે સંવાદ થયો હતો. કોઈ પણ કૃતિનો અનુવાદ કરવો એ કૃતિનો સર્જનાત્મક આનંદ પામવાનો એક ઉત્તમ માર્ગ છે. આ અનુવાદો એ ગુજરાતની પ્રજાને અને તેમાંય વિશેષ તો ગુજરાતી ભાષા સિવાયની અન્ય કોઈ ભાષાનું જ્ઞાન જેમની પાસે નથી એવા ગુજરાતની પ્રજાના બહુમતી વર્ગને જયન્તિભાઈની એક અમૂલ્ય ભેટ છે. તો વળી માત્ર વાંચીને કે ન રહેવાય ત્યારે અનુવાદ કરીને જ નહિ પણ અનેક કૃતિઓ અનેક આત્મીય, પરિચિત, અલ્પપરિચિત, ક્યારેક અપરિચિત એવા અનેક મિત્રોને વંચાવીને પોતાના આનંદમાં એમને સહભાગી બનાવીને કે એમના આનંદમાં પોતે સહભાગી બનીને એ કૃતિના આનંદને એમણે બેવડાવ્યો હતો. ૧૯૫૧માં એક વાર બલ્લુકાકાએ પૂછ્યું હતું કે અમદાવાદમાં પુસ્તકોનો સૌથી મોટો ખાનગી સંગ્રહ કોની પાસે છે? અલબત્ત, ત્યારે મારી જાણમાં હોય એવાં બે નામ મેં આપ્યાં હતાં : જયન્તિ દલાલ અને નીરુ દેસાઈ. સમૃદ્ધ એટલે લેખને સમૃદ્ધ. ૧૯૩૯માં ‘ઝબૂકિયા’થી આરંભ અને અંતિમ દિવસો લગી સતત લેખન. લાગલાગટ ત્રણ દાયકામાં કેવું વૈપુલ્ય તથા વસ્તુવિષયનું અને શૈલીસ્વરૂપનું કેટલું વૈવિધ્ય! એક ધર્મના અપવાદ સિવાય જીવનના સૌ અનુભવો સમાજકારણ, અર્થકારણ, રાજકારણ વગેરેના વસ્તુ વિષય પર એમણે સર્જન કર્યું છે. ભલે ધર્મના વસ્તુ વિષય પર એમણે સર્જન ન કર્યું પણ અન્ય વસ્તુવિષય પરના એમના સર્જનમાં એમની ધાર્મિકતા પ્રતીત થયા વિના રહેતી નથી. એક કવિતાના અપવાદ સિવાય સાહિત્યનાં સૌ સ્વરૂપો — નાટક, નવલકથા, ટૂંકી વારતા, નિબંધ, વિવેચન–માં એમણે સર્જન કર્યું છે. ભલે કવિતાના સ્વરૂપમાં એમણે સર્જન ન કર્યું પણ અન્ય સ્વરૂપોમાંના એમના સર્જનમાં એમનું કવિત્વ પ્રગટ થયા વિના રહેતું નથી. એમના સર્જનની સૌથી મોટી સિદ્ધિ મને લાગે છે કે ટૂંકી વારતાના સ્વરૂપમાં છે અને તેમાંય વિશેષ તો ‘આ ઘેર પેલે ઘેર’ની કેટલીક ટૂંકી વારતાઓમાં આ સિદ્ધિ એવડી મોટી છે કે જ્યાં લગી ગુજરાતી ભાષા જીવશે ત્યાં લગી જયન્તિભાઈની કેટલીક ટૂંકી વાર્તાઓ વંચાશે. પેઢીએ પેઢીએ કે સમયે સમયે જ્યારે ગુજરાતી ભાષાની ઉત્તમ ટૂંકી વારતાઓનો સંચય થશે ત્યારે એમાં જયન્તિભાઈની કઈ અને કેટલી ટૂંકી વારતાઓ હશે એ તો નથી જાણતોપણ એટલું જાણું છું કે એમાં જયન્તિભાઈની ટૂંકી વારતાઓ અવશ્ય હશે. રસરુચિમાં અને પ્રજાજીવનમાં ગમે તેવાં અને ગમે તેટલાં પરિવર્તનો થશે પણ એની વચમાં જયન્તિભાઈની કેટલીક ટૂંકી વારતાઓ વંચાશે, જીવશે. જયન્તિભાઈનું સર્જન એ નાગરિક બુદ્ધિ(urban mind)નું સર્જન છે. આખુંયે આયુષ્ય એમણે અમદાવાદને અનન્યપણે અર્પણ કર્યું. અમદાવાદને એમણે લોહીના બુંદેબુંદથી ચાહ્યું છે, પ્રાદેશિકતાના પામર અહંકાર રૂપે નહિ પણ વૈશ્વિકતાના અંતર્ગત અંશ રૂપે. અમદાવાદ અને અમદાવાદી માનસ-માણસ પર એ જીવનભર પેટભરીને હસ્યા પણ છે, તે પણ આ પ્રેમના બળે, વાત્સલ્યના અધિકારે. જોકે જયન્તિભાઈ સૌથી વધુ પોતાની જાત પર હસ્યા છે. અમદાવાદમાં અખા પછી કંઈક અખાના જેવો કોઈ સર્જક જન્મ્યો, જીવ્યો હોય તો તે જયન્તિભાઈ. અલબત્ત, જયન્તિભાઈના સર્જનમાં અખાના સર્જનમાં ક્યારેક હોય છે એવી ભવ્યતા નહિ હોય એટલો ભેદ. જેમ ડિકીન્સ વિશે કહેવાય છે કે ડિકીન્સના સમયનું લંડન હવે શૂન્યશેષ છે છતાં એ લંડન ડિકીન્સની નવલકથાઓમાં હંમેશ માટે એવું ને એવું સજીવ છે તેમ કંઈક અંશે જયન્તિભાઈ વિશે કહી શકાય કે એમના સમયનું અમદાવાદ જ્યારે શૂન્યશેષ થશે, અને આજની જીવનગતિ એવી જલદ ત્વરિત છે કે ટૂંક સમયમાં થશે, ત્યારે એ અમદાવાદ જયન્તિભાઈના સર્જનમાં હંમેશ માટે એવું ને એવું સજીવ રહેશે. સવિશેષ તો એમની એક વિચિત્ર કૃતિ (એને ટૂંકી વારતા કહીશું? નિબંધ કહીશું? નગરચરિત્ર કહીશું? રેખાચિત્રો કહીશું? શું કહીશું?) અને મને લાગે છે કે એક સળંગ કૃતિ રૂપે, ઐક્યયુક્ત કલાકૃતિ રૂપે, ગ્રંથ રૂપે એમની સર્વશ્રેષ્ઠ કૃતિ ‘શહેરની શેરી’માં. એમની આ નાગરિક બુદ્ધિ એમના સર્જનમાં વસ્તુવિષયની પસંદગીમાં પ્રગટ થાય છે. અને એથીયે વિશેષ તો જે શૈલીસ્વરૂપમાં એમણે એમનું સર્જન કર્યું છે એ શૈલીસ્વરૂપમાં પ્રગટ થાય છે. જીવનભર અમદાવાદની વચ્ચે એ જે પ્રેમથી, વાત્સલ્યથી વસ્યા-હસ્યા એ અનુભવમાંથી એમની બુદ્ધિએ નાગરિકતા (urbanity) મેળવી-કેળવી હતી. એમની બુદ્ધિ એ નાગરિક બુદ્ધિ હતી. એમાં નગરવાસીની સંસ્કારિતા (urban culture) હતી. એથી એમનું સર્જન નાગરિક બુદ્ધિનું સર્જન છે, નગરસંસ્કૃતિનું સર્જન છે. એકાન્તમાં દર્શન સિદ્ધ થતું હશે, બ્રહ્મજ્ઞાન સિદ્ધ થતું હશે પણ હાસ્ય તો સામૂહિક જીવનમાંથી, નગરજીવનના અનુભવમાંથી જ સિદ્ધ થાય. જયન્તિભાઈની નાગરિક બુદ્ધિ એમના ગદ્યમાં જે ભાષાભંગિઓ, શબ્દપ્રયોગો, લય, લહેકા, લઢણો, પ્રતીકો છે એમાં પ્રગટ થાય છે. અને આ સૌના સરવાળા રૂપે એમનો જે અવાજ છે એમાં પ્રતીત થાય છે. આથી જ કટાક્ષ, નિઃસ્વાર્થઅને નિર્દોષ કટાક્ષ–જે જગતભરના સાહિત્યમાં આજની નગરસંસ્કૃતિના સંદર્ભમાં સૌથી વધુ અનુરૂપ અને અનુકૂળ સર્જકતત્ત્વ છે તે જયન્તિભાઈના સર્જનની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. જયન્તિભાઈ સરલ ઉદાર હૃદયના સજ્જન હતા. સરલ એટલે બાળક જેવા સરલ અને તોય સંકુલતાસહિતના, સંઘર્ષસહિતના સરલ. સરલ થવું એ સરલ નથી. આથી જ જયન્તિભાઈમાં સાહસ હતું. પણ તે નિઃસ્વાર્થ સાહસ. નિર્દોષ સાહસ, અભયનું સાહસ. સાહસ જે ભયો — આક્રમકતા, ક્રૂરતા, દ્વેષ, વેર, હિંસા આદિ — સર્જે છે એની પ્રત્યે પણ એમનામાં અભય હતું, અભયનું સાહસ હતું. એથી જ એ એક વીર્યવંત વીરપુરુષનું જીવન જીવી ગયા. પ્રતીતિનું જીવન જીવી ગયા. જીવવું તો પોતાની શરતે જીવવું. કોઈનીયે શેહશરમ વિના જીવવું. નિ:સંકોચ, નિશ્ચલ, નિર્ભય જીવવું. મરદાનગીથી જીવવું. મુક્ત જીવવું. મૃત્યુમાં જીવવું. મરજીવવું. પોતાને જે સાચું અને સારું લાગ્યું — પછી ભલે બીજાને એ ગમે એટલું ખોટું અને ખરાબ લાગ્યું હોય — એને સંપૂર્ણપણે સ્વીકારીને જીવવું. વિચાર, વાણી અને વર્તનના અભેદથી, ઐક્યથી જીવવું. બૌદ્ધિક પ્રામાણિકતાથી જીવવું. ગાંધીજીનો સત્યાગ્રહ હોય કે સ્વયંસંચાલિત મહાગુજરાત આંદોલન હોય, સમાજવાદ હોય કે ગુજરાતી સાહિત્ય પરિષદ હોય — પ્રજાજીવનમાં જયન્તિભાઈનું જે કર્મ હતું એ સાહસનું કર્મ હતું. સ્વાર્થનું, સ્વરક્ષણનું કે સગવડિયા સમાધાનનું કર્મ ન હતું. આથી જ પ્રજાજીવનમાં જયન્તિભાઈના કર્મની જે અસર છે એ માત્ર બે આંખે જોનારને ન જ જણાય એવી અગોચર છે, પણ ત્રીજી આંખે જોનાર તરત જોઈ શકે કે એ કેટલી અનહદ છે. એ ધન કે સત્તાને બળે આજના યુગમાં આપણા સમાજમાં અતિસુલભ એવી ક્ષુદ્ર, ક્ષુલ્લક ને ક્ષણજીવી લાલચુ પ્રસિદ્ધિની અસર નથી (ધન કે સત્તા–સફળતાનું એકેય લક્ષણ જયન્તિભાઈમાં હતું જ ક્યારે? અને સફળતાની નિષ્ફળતાનું, નિ:સારતાનું જ્ઞાન જયન્તિભાઈમાં ક્યારે ન હતું? અને એ જ્ઞાન જેટલું એમનામાં હતું એટલું અન્ય કેટલાં મનુષ્યોમાં હશે?) પણ સૂક્ષ્મ અને સાત્ત્વિક છે. અંગત જીવનમાં કુટુંબમાં, મૈત્રીમાં પણ જયન્તિભાઈનું જે કર્મ હતું એ સાહસનું કર્મ હતું. ઉદાર એટલે આવા કર્મથી પ્રજાજીવનમાં કે અંગત જીવનમાં કદાચ ક્યારેક કોઈને જાણે–અજાણે પણ કંઈ દુઃખ થયું હોય તો એ દુઃખે પોતે બેવડા દુઃખી થાય અને એ દુઃખ શમે-શમાવે ત્યારે જ એમના જીવને શાંતિ થાય એટલા જ ઉદાર નહિ, પણ નિષ્કારણ ઉદાર, અહેતુક ઉદાર. ‘રેખા’ અને ‘ગતિ’ એ એમના ઉદાર હૃદયનું પ્રજાકીય પ્રતીક હતું. તો એમના લાક્ષણિક અવાજમાં ‘કેમ?’ પ્રશ્ન — જેમાં એમનું આતિથ્ય અને એમનું સ્વાગત પ્રગટ થતું એ–માં એમના ઉદાર હૃદયનું અંગત પ્રતીક હતું. ‘રેખા’ માસિકનાં પાનાંઓ — એના એક પૂંઠાથી બીજા પૂંઠા લગીનાં બધાં જ પાનાંઓ એ ક્યારેક અનિલ ભટ્ટ, ધરમદાસ ફરદી, મનચંગા એવાં એવાં ઉપનામે પોતે જ એકલે હાથે ભરે એ અપવાદ સિવાય — ગુજરાતના બુદ્ધિજીવીઓનું મિલનસ્થાન હતું. કોઈ પણ તીવ્ર, તીક્ષ્ણ, સૂક્ષ્મ બુદ્ધિના વાચકને સંતોષી શકે એવું ગુજરાતી ભાષામાં એકમાત્ર માસિક એ સમયે ‘રેખા’ હતું. ભદ્રમાં ‘રેખા’ની ઑફિસ એ લગભગ એક યુનિવર્સિટી હતી. સહેજ અંગત વાત કહું તો ૧૯૪૪–૪૬માં રોજ સાંજે બે-ત્રણ કલાક ‘રેખા’ની ઑફિસમાં ખૂણામાં પાટલી પર મૂંગા-મૂંગા બેસીને હું જેટલું ભણ્યો છું એટલું યુનિવર્સિટીની બે કૉલેજોમાં ભણ્યો નથી. ત્યાં એ સમયના અમદાવાદના સૌ બુદ્ધિજીવીઓ– કેટલાં નામ ગણાવું? — બી.કે., એસ.વી., એસ.આર, દાંતવાલા, ઘીવાલા. નીરુભાઈ રોજ સાંજે આવે. ઉમાશંકર અને સુન્દરમ્ અવારનવાર આવે. ગપ્પાં મારે, ઠઠ્ઠામશ્કરી કરે, દેશના અને દુનિયાભરના પ્રશ્નોની ચિંતા તથા જાતભાતના વિષયો પરનાં પુસ્તકોની ચર્ચા કરે. અલબત્ત સાથે ચા-પાણી હોય, ઋતુ ઋતુનાં ફળ — કેળાં, જાંબુ, ફાલસા હોય, કંઈ ન હોય ત્યારે મગફળી — જેને જયન્તિભાઈએ ‘શ્રમફળ’નું હુલામણું નામ આપ્યું હતું તે — તો હોય જ. ‘લેખક-મિલન’ની ઑફિસ ત્યાં જ. ‘લેખક-મિલન’ની સભાઓ થાય. વાચનવ્યાખ્યાનોના કાર્યક્રમો થાય. આમ, ‘રેખા’ની ઑફિસ એ હૃદય અને બુદ્ધિની કેળવણીનું કેન્દ્ર હતું. અને એનો આત્મા હતા જયન્તિભાઈ. જયન્તિભાઈ પોતે વાંચે-લખે એમાં જ ઇતિશ્રી માને તો જયન્તિભાઈ નહિ. અનેકને વંચાવે — આ વાંચ્યું? તે વાંચ્યું? પેલું વાંચ્યા વિના તો જિવાય જ કેમ? અનેકને લખાવે — આ લખી આપો! તે લખી આપો! પેલું નહિ લખી આપો એ તો ચાલશે જ નહિ! પોતાનું લખ્યું છાપે એની તો એમને હોંસ હોય પણ ‘ગતિ’ પ્રકાશનમાં પન્નાલાલ, ઉમાશંકર, સુન્દરમ્ વગેરેનું લખ્યું છાપવાની એમને એથીયે વધુ હોંસ. અંગત જીવનમાં એમના ઉદાર હૃદયનો જે અનુભવ થયો છે એ અનિર્વચનીય છે. એ વાણીમાં પ્રગટ કરવો અશક્ય છે. એટલે એ વિશે મૌન. સજ્જન એટલે જે મનુષ્યનાં વિચાર, વાણી અને વર્તનમાં અભેદ, ઐક્ય હોય અને એમાંથી એનું જે ચારિત્ર્ય પ્રગટ થાય એની અન્ય મનુષ્યો પર કંઈક અસર હોય તે સજ્જન. જયન્તિભાઈ તો પહેરવેશમાં પણ સજ્જન હતા. સાદી સફેદ કફની, સાદો સફેદ લેંઘો, ઠંડી હોય ત્યારે ગરમ બંડી અથવા ગરમ કોટ, બહુ ઠંડી હોય ત્યારે ગરમ શાલ, સાદા ટૂંકા વાળ, સાદી કાળી ફ્રેઇમનાં ચશ્માં, સાદી કાળી ચંપલ. ગૌરવભરી ગતિ, ગૌરવભરી દૃષ્ટિ, ગૌરવભર્યું હલનચલન, ગૌરવભર્યું બોલવુંચાલવું. સજ્જન. એટલે જે મનુષ્યની હાજરીમાં કશુંય હીણું વિચારવું, ઉચ્ચારવું કે આચરવું અશક્ય હોય તે સજ્જન. અન્યત્ર હીણું વિચારે, ઉચ્ચારે કે આચરે એવાં મનુષ્યો જયન્તિભાઈની હાજરીમાં કશુંય હીણું ન વિચારવું, ઉચ્ચારવું ને આચરવું એવી જાણે કે એમની પ્રતિજ્ઞા હોય અને છતાં હળવા ફૂલ જેવા હોય એમ થયું છે. એમના ભયને કારણે નહિ, એમના પ્રેમને કારણે. એક સર્જકના મૃત્યુથી સાહિત્યને ખોટ નહિ પડે. એકસઠ વર્ષનું આયુષ્ય બહુ લાંબું ન હતું તો બહુ ટૂંકું પણ ન હતું. અને જયન્તિભાઈ એમનું જે કંઈ ઉત્તમ હતું તે એમના ત્રણ દાયકાના સતત સર્જનમાં મને લાગે છે કે પૂરેપૂરું આપી ચૂક્યા હતા. સર્જક હવે આપણી વચ્ચે નથી. પણ એમનું સર્જન આપણી પાસે છે. જ્યારે ઇચ્છા થાય ત્યારે એમનું કોઈ પણ પુસ્તક ખોલીને વાંચી શકીએ છીએ. પણ એક સજ્જનના મૃત્યુથી જીવનમાં સાચ્ચે જ ન પૂરી શકાય એવી ખોટ પડી છે. વિશેષ તો એમની આત્મીયતા જેમણે અનુભવી છે એવાં અનેક મનુષ્યોના જીવનમાં કદી ન પૂરી શકાય એવી ભારે ખોટ પડી છે. ફરી જીવવાનું મળે તો જીવ્યા એથી જરીયે જુદું કે વધુ સારું જીવન ન જીવે એવું જીવન જયન્તિભાઈ જીવી ગયા છે.
૨૮ ઑગસ્ટ ૧૯૭૦