સ્વાધ્યાયલોક—૮/મુરબ્બી મિત્ર કિશનસિંહ: Difference between revisions
Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મુરબ્બી મિત્ર કિશનસિંહ}} {{Poem2Open}} કિશનસિંહ મરમી માણસ હતા. જગત...") |
(No difference)
|
Revision as of 15:05, 23 April 2022
કિશનસિંહ મરમી માણસ હતા. જગતમાં અને જીવનમાં જે કંઈ સૌંદર્ય છે એમાંથી થોડુંઘણું સૌંદર્ય માણવાની શક્તિ બધા માણસોમાં હોય છે પણ એ સૌંદર્યમાં અને એ સૌંદર્યની પર અને પાર જે સૌંદર્યાતીત છે એ તત્ત્વને જાણવાની શક્તિ તો કોઈક-કોઈક માણસમાં જ હોય છે. કિશનસિંહમાં આ બન્ને શક્તિઓ હતી. એમના પિતાજી નિરાંત સંપ્રદાયના ભક્ત હતા. વળી એમના જીવનના આરંભથી જ નિર્ગુણધારાના મૂળપુરુષ જેવા કબીર સાહેબ પ્રત્યે એમને પ્રીતિ હતી. એથી એમનામાં આ બન્ને શક્તિઓ હોય એ જાણે કે એમનું વિધિનિર્માણ હતું. એમના પૂર્વજીવનમાં અને ઉત્તરજીવનમાં આ બન્ને શક્તિઓનું દર્શન થાય છે. કિશનસિંહનું જીવન એટલે ‘જિપ્સીની આંખે’ ‘જિજ્ઞાસાની યાત્રા.’ કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય કે પછી વિચાર હોય, કિશનસિંહ પલકવારમાં એનો મર્મ પામી જાય. એમની સાથેના લગભગ પાંત્રીસેક વરસના અંગત મૈત્રીસંબંધમાં મારી આ પ્રતીતિ હતી. અન્ય અનેક મિત્રોની પણ હશે જ. કિશનસિંહને પહેલી વાર મળવાનું થયું ૧૯૪૫માં અમદાવાદમાં. એ વરસે લેખકમિલનનું અધિવેશન અમદાવાદમાં એચ. એલ. કૉલેજ ઑફ કૉમર્સના મકાનમાં યોજવામાં આવ્યું હતું. એની વ્યવસ્થામાં હું સ્વયંસેવક તરીકે સક્રિય હતો. કિશનસિંહ લેખકમિલનના એક અગ્રણી સ્થાપક-સંચાલક હતા. એમને ટેલિફોન કરવો હતો. એ માટે કૉલેજના મકાનથી સહેજ દૂર કૉલેજના આચાર્ય સુરેન્દ્ર દેસાઈના ઘરે એમને જવું હતું. હું સાથે ગયો હતો. પણ ઝાઝું બોલ્યોચાલ્યો ન હતો. બોલ્યો હતો એથી વિશેષ ચાલ્યો હતો. ત્યારે હજુ હું કવિતાનો કક્કો ઘૂંટતો હતો. વળી સ્વભાવે શાંત શરમાળ હતો. મારી અ-સંવાદશીલતાને કારણે કોઈ સ્મરણીય કે અત્યારે અહીં ઉલ્લેખનીય સંવાદને માટે ત્યારે અવકાશ ન હતો. સહેજ સામાન્ય સંવાદ થયો હતો. પણ એ દિવસે કિશનસિંહની સાથે જે કંઈ બોલ્યોચાલ્યો એમાં જે કંઈ થોડુંક સાંભળ્યું એથી અને વિશેષ તો જે કંઈ જોયું એથી એક અપૂર્વ અનુભવ થયો હતો. કેવા સ્પષ્ટ ઉચ્ચારો! કેવાં સ્વચ્છ વસ્ત્રો! અને કેવો સુઘડ દેહ! શબ્દેશબ્દનો — બલકે અક્ષરેઅક્ષરનો સ્પષ્ટ ઉચ્ચાર કેટલાંક ચીપીચીપીને સ્પષ્ટ ઉચ્ચાર કરે છે. એવો નહિ પણ સહજ, સ્વાભાવિક, સ્પષ્ટ ઉચ્ચાર. આજ લગી અન્ય કોઈ ગુજરાતીભાષીને મુખેથી આવા સ્પષ્ટ ઉચ્ચારો સાંભળવાનું થયું નથી. એ દિવસે એમણે સફેદ ઝભ્ભો અને સફેદ પાયજામો પહેર્યો હતો. વસ્ત્રો બિલકુલ સ્વચ્છ, સફાઈદાર; પહેરવાની રીત પણ એવી જ સ્વચ્છ, સફાઈદાર. ભૂતકાળમાં અને પછી પણ કેટલોક સમય દેશવિદેશમાં એમણે સૂટ, ટાઇ આદિ વિલાયતી વસ્ત્રો પહેર્યાં હતાં ત્યારે એમને જોઈને કોઈને એલિયટ કે મોલૉટોવનું સ્મરણ થયું હશે; આજ લગીમાં આવાં સ્વચ્છ, સફાઈદાર વસ્ત્રો આવી સ્વચ્છ સફાઈદાર રીતે પહેર્યાં હોય એવા બહુ ગુજરાતીઓને જોવાનું થયું નથી. અને દેહ ઊંચો, પહોળો, ટટ્ટાર. સીધી ડોક, મોટું માથું, તીણા હોઠ, ગોળ નાક, જાડાં ચશ્માં, ઊંડી આંખો, ત્રાંસું કપાળ, લાંબાધોળા આછા વાળ — સમગ્ર દેહ સુઘડ. એક જ માણસમાં આવા સુમેળનો એ પૂર્વે અનુભવ થયો ન હતો. એ પછી પણ થયો નથી. એમના હાવભાવમાં અને હલનચલનમાં, એમના આ સમગ્ર બહિરંગ વ્યક્તિત્વમાં શિસ્ત અને સંયમનો, નાગરિકતા અને સંસ્કારિતાનો, એક અનોખા આભિજાત્યનો અનુભવ થયો હતો. તે દિવસે કિશનસિંહ સાથે, એક જાજ્વલ્યમાન સજ્જન સાથે સાત નહિ પણ સાતસોએક ડગલાંના સખ્યમાં ગૌરવનો અનુભવ થયો હતો. પછીથી લાંબા સમય લગી મેં અને મારા મિત્રો પિનાકિન ઠાકોર, ભાલ મલજી અને મહેન્દ્ર ભગતે કિશનસિંહના આ બહિરંગ વ્યક્તિત્વનું સ્મરણ કર્યું હતું. આજે એનું સ્મરણ કરું છું ત્યારે એવા જ ગૌરવનો અનુભવ થાય છે. ૧૯૪૭ના એપ્રિલથી ‘સંસ્કૃતિ’માં ‘જિપ્સીની આંખે’ શીર્ષકથી અને ‘જિપ્સી’ ઉપનામથી કિશનસિંહનું લખાણ સતત પ્રસિદ્ધ થતું ગયું. આ પૂર્વે એમણે મરાઠી-હિન્દી-બંગાળી ગ્રંથોના અનુવાદો, સાહિત્યિક ઇતિહાસ, કાવ્યવિવેચન, ટૂંકી વારતાઓનો સંગ્રહ ‘કુમકુમ’, નવલકથા ‘ધરતીની પુત્રી’ આદિ લખાણ કર્યું હતું. પણ કિશનસિંહ ‘સંસ્કૃતિ’ના તંત્રીથી ભીંડીબજારના શ્રમિણ વાચક લગી લોકપ્રિય થયા હોય તો તે આ લખાણથી. એના વસ્તુવિષયમાં કેન્દ્રમાં ક્વચિત્ વાસ્તવિક, બહુધા રોમૅન્ટિક આત્મકથન હતું. એમાં ક્વચિત્ ટૂંકી વારતાનું, બહુધા અંગત લલિત નિબંધનું સ્વરૂપ હતું. પણ શૈલી સર્વથા રોમૅન્ટિક હતી. લાંબા સમય લગી મેં અને મડિયાએ શીર્ષક અને ઉપનામ સમેત આ રોમૅન્ટિક શૈલીનો ખાનગીમાં સર્વદા ઉપહાસ કર્યો હતો અને અંતે ૧૯૫૪માં ‘અમાસના તારા’માં એમાંનું કેટલુંક લખાણ ગ્રંથસ્થ થયું પછી ૧૯૫૫માં વડોદરામાં લેખકમિલનની એક સભામાં ‘સુરતથી વડોદરા’ શીર્ષકથી મેં જે વક્તવ્ય કર્યું હતું એમાં કિશનસિંહની ઉપસ્થિતિમાં જ એનો જાહેરમાં પણ ઉપહાસ કર્યો હતો. ઉમાશંકરે એ વક્તવ્યનો ‘આ દોષૈકદૃષ્ટિનું અવમૂલ્યન છે’ એવો ખાનગીમાં પ્રતિઉપહાસ કર્યો હતોપણ પછી જાહેરમાં સમાદર કર્યો હતો, તરત જ ‘સંસ્કૃતિ’માં એ વક્તવ્ય પ્રગટ કર્યું હતું અને કિશનસિંહે જ એમના ચેતના પ્રેસમાં એનું મુદ્રણ કર્યું હતું. વળી પછીથી કિશનસિંહે મને એમના વારતાસંગ્રહ ‘શર્વરી’ અને નિબંધસંગ્રહ ‘સમુદ્રના દીપ’નું બ્લર્બ લખવાનું પ્રેમપૂર્વક આમંત્રણ પણ આપ્યું હતું. બન્ને મુરબ્બી મિત્રોની આ ઉદારતાને આજે વંદન કરું છું. મેં અને મડિયાએ શૈલીનો ભલે આમ ઉપહાસ કર્યો પણ વસ્તુવિષયનો તો ખાનગીમાં અને જાહેરમાં સમાદર જ કર્યો હતો. કારણ કે એ દ્વારા કિશનસિંહના અંતરંગ વ્યક્તિત્વનો પરોક્ષ પરિચય થયો હતો. અને ૧૯૪૫માં અમદાવાદમાં પહેલી વાર એમને મળવાનું થયું ત્યારે એમના જે બહિરંગ વ્યક્તિત્વનો પ્રત્યક્ષ અનુભવ થયો હતો એના રહસ્યનું પણ કંઈક દર્શન થયું હતું. કિશનસિંહના અંતરંગ વ્યક્તિત્વનો પ્રત્યક્ષ પરિચય તો ૧૯૫૧થી ૧૯૬૦ લગીના એક દાયકાના દીર્ઘકાળમાં થયો હતો. ૧૯૫૧–પરમાં મેં ‘એકાંકી’ ચતુર્માસિકનું સંપાદન કર્યું હતું. કિશનસિંહના ચેતના પ્રેસમાં એનું મુદ્રણ થાય એવો મેં નિર્ણય કર્યો હતો. એના મુદ્રણ માટે વડોદરા જવાનું થાય ત્યારે મારે એમની સાથે એમના ઘરમાં જ રહેવું એવો કિશનસિંહે નિર્ણય કર્યો હતો. એથી ૧૯૫૧થી જ્યારે-જ્યારે વડોદરા ગયો હતો ત્યારે ત્યારે છેક ૧૯૬૦ લગી એમની સાથે એમના પ્રસિદ્ધ નિવાસસ્થાન ૮,અલકાપુરીમાં જ રહ્યો હતો, અનેક વાર રહ્યો હતો — ચિ. સાધના અને ચિ. વાસવીને એમના અભ્યાસક્રમમાંની અંગ્રેજી કવિતાનો આસ્વાદ કરવાને નિમિત્તે, ‘છંદોલય’નું મુદ્રણ કરવાને નિમિત્તે, આશિષદાની સાથે મુલાકાત કરવાને નિમિત્તે, ઉમાશંકરની સાથે સંગાથ કરાવવાને નિમિત્તે, ક્યારેક કિશનસિંહ અમદાવાદમાં હોય ત્યારે અથવા રજાઓમાં હું મુંબઈમાં હોઉં અને કિશનસિંહ પણ મુંબઈમાં હોય ત્યારે અમદાવાદમાં અને મુંબઈમાં પણ આત્મીયતાપૂર્વક નિકટથી મળવાનું થયું હતું. એક વાર દેવેન્દ્ર જોશી અને ભાનુ ત્રિવેદી સાથે હતા ને અમદાવાદમાં ‘નિરોસ’માં તથા એક વાર મડિયા સાથે હતા ને મુંબઈમાં ‘વૉલ્ગા’માં મળવાનું થયું હતું ત્યારે એમણે પેટભરીને પેટછૂટી વાતો કરી હતી. એમણે એમનું હૃદય ખોલ્યું હતું. એ ક્ષણો અવિસ્મરણીય છે. એ ક્ષણોમાં એમના અંતરંગ વ્યક્તિત્વનો સવિશેષ પરિચય થયો હતો. ૧૯૬૦માં એક વાર હું વડોદરામાં એમના ઘરમાં હતો અને સવારે એમની સાથે નાસ્તો કરતો હતો ત્યાં એકાએક એમણે એક ખાસ્સો લાંબો વીસેક પાનાંનો પત્ર મારા હાથમાં મૂક્યો અને કહ્યું, ‘આ પત્ર ઉમાશંકરને વંચાવવા માટે લખ્યો છે. તમે પણ વાંચો!’ મેં એ પત્ર વાંચ્યો. એમાં ક્યાંય આત્મદયા કે આત્મરતિ ન હતી, ક્યાંય આત્મપ્રતારણા કે આત્મનિર્ભર્ત્સના ન હતી. એમાં ક્રૂર આત્મનિરીક્ષણ હતું, નિષ્ઠુર આત્મપરીક્ષણ હતું. એમાં જીવનદેવતાની સન્મુખ પ્રાર્થનામય હૃદયનો એકરાર હતો. એમાં એમના જીવનનો સૌથી મહાન નિર્ણય હતો. આજ લગીના જીવનનો અહીં અંત અથવા એનું અન્યત્ર અનુસંધાન, પણ હવે એનું પુનરાવર્તન તો નહિ જ. આમ તો આ નિર્ણયની પૂર્વતૈયારી એમણે ૧૯૫૪થી, આયુષ્યના એકાવનમા વરસથી કરી હતી. વિલાયતી વસ્ત્રોનો ત્યાગ. જાહેર સમારંભોનો ત્યાગ. જાહેર સંસ્થાઓનો ત્યાગ. ૧૯૫૦માં જેનું સ્વયં સર્જન કર્યું હતું અને એક દાયકા લગી સંવર્ધન કર્યું હતું તે ચેતના પ્રેસ સમેત સમગ્ર સંસાર સંકેલ્યો હતો. કિશનસિંહનું પૂર્વજીવન કેવું સભર અને સમૃદ્ધ હતું! કેવું રંગબેરંગી અને ચિત્રવિચિત્ર હતું! ‘અમાસના તારા’ અને ‘જિપ્સીની આંખે’ એનાં સાક્ષી છે. પૂર્વજીવન નિ:સાર કે નિરર્થક ન હતું. છતાં જેના વિના કશાયનો કશો જ અર્થ ન થાય એવું કશુંક એમાં ખૂટતું હતું. કંઈક ખાલીખાલી, કંઈક ઊણુંઊણું લાગતું હતું. જેના વિના જીવનની કૃતાર્થતા, ચરિતાર્થતા ન થાય એવું કોઈ તત્ત્વ એમાં ન હતું. આ અપૂર્ણતાને કારણે એમનામાં અસંતોષ હતો, દિવ્ય અસંતોષ હતો. આ પત્રમાં પૂર્વજીવનનો અનાદર કે અસ્વીકાર ન હતો, પૂર્વજીવન પ્રત્યે તિરસ્કાર કે તુચ્છકાર ન હતો. એમાં પૂર્વજીવનનું પુનરાવર્તન નહિ પણ અન્યત્ર ક્યાંક અનુસંધાન માટેનો મહાન નિર્ણય હતો. આ પત્ર દ્વારા એમના અંતરંગ વ્યક્તિત્વનો સૌથી વિશેષ પ્રત્યક્ષ પરિચય થયો હતો. ૧૯૬૦માં કિશનસિંહે વડોદરાનો ત્યાગ કર્યો અને આલ્મોડામાં શ્રીકૃષ્ણપ્રેમના સાન્નિધ્યમાં નિવાસ કર્યો, ‘અમાસથી પૂનમ ભણી’માં કિશનસિંહે સ્વયં એમના આ ઉત્તરજીવનનું સુરેખ અને સંપૂર્ણ આલેખન કર્યું છે. કિશનસિંહ સાધક હતા. ૧૯૬૦ પછી પણ એમણે અનુવાદ, નિબંધ, પત્રલેખન, આત્મકથન આદિ લખાણ કર્યું હતું છતાં એ સર્જક હતા એનું જાણે કે એમણે વિસ્મરણ કર્યું હતું. કોઈ મિત્ર એનું સ્મરણ કરે-કરાવે તો એને પણ એનું વિસ્મરણ કરવાનો જાણે એમનો આગ્રહ હોય એવો એમનો પ્રતિભાવ હતો. ગાંધીજી, શ્રીઅરવિંદ, રવીન્દ્રનાથ, શ્રીકૃષ્ણપ્રેમ, વિમલાબહેન — આ એમની સાધનાનો ક્રમ હતો. પણ કિશનસિંહ માત્ર સાધક ન હતા. સાધકથી પણ વિશેષ તો એ શોધક હતા. એથી એ સાબરમતીમાં, પોંડિચેરીમાં, બોલપુરમાં, આલ્મોડામાં કે આબુમાં ક્યાંય ઠરી-ઠામ થયા ન હતા. અંતે એ વડોદરા આવ્યા હતા. કિશનસિંહ શોધક હતા એટલે જ ‘અમાસથી પૂનમ ભણી’ પ્રગટ થાય તે પૂર્વે ભાઈ વિજય સાથે ચર્ચા દ્વારા એમને એના સત્યાસત્યની ચિકિત્સા કરવી હતી અને એ ચર્ચા થાય તે પૂર્વે મારે એક તટસ્થ વ્યક્તિએ એની હસ્તપ્રત વાંચવી એવો એમનો આગ્રહ હતો એથી મેં હસ્તપ્રત વાંચી હતી અને એ અંગે મારે એમની સાથે ટૂંકો પત્રવ્યવહાર થયો હતો. છેલ્લાં થોડાંક વરસોથી હૃદયરોગ થયો હતો. સારવારને કારણે અથવા અન્ય કોઈ કારણે કિશનસિંહ અમદાવાદમાં હોય ત્યારે મુખ્યત્વે ઉમાશંકરને ઘરે અથવા ક્યારેક અન્ય મિત્રો–દોલતભાઈ, કલ્યાણભાઈ, સુનંદાબહેન–ને ઘરે વારંવાર મળવાનું થયું હતું. ક્યારેક એ મારી બાને મળવાને માટે મારે ઘરે પણ આવ્યા હતા. મળીએ પછી વિદાયની ક્ષણે જાણે ‘હવે આપણે ન મળીએ તો આ આપણું છેલ્લું મિલન છે’ એવો ભાવ મુખ પર સ્મિત રૂપે પ્રગટ થયો હતો. મૃત્યુ એકબે વાર પાસે આવીને પાછું ચાલ્યું ગયું હતું. એકાદ વરસ પર ભારે માંદગીને કારણે વડોદરાની હૉસ્પિટલમાં હતા. હું એમની ખબર પૂછવા વડોદરા ગયો હતો. વાત કરવાની મનાઈ હતી. વાત કરવી શક્ય પણ ન હતી. ચોવીસે કલાક દેહમાં હાંફ હતી. અલાયદા ઓરડામાં હતા. બહાર બહેન સાધના હતી. વાત નહિ કરવાની ખાતરી સાથે અને બહેન સાધનાની રજા સાથે ઓરડામાં ગયો. અંદર કોઈ ન હતું. બોલ્યાચાલ્યા વિના ખાટલા પાસે ઊભો રહ્યો. આ સ્થિતિમાં પણ કોઈ ઊભું છે એવો ખ્યાલ એમને આવી ગયો. આંખો સહેજ ખોલી મને પૂછ્યું, ‘બહેન કેમ છે?’ અવાજ અલબત્ત મંદ અને ધીમો, પણ બિલકુલ સ્થિર અને સ્વસ્થ. બહેન એટલે મારી બા. હું મારી બાને બહેન કહું છું એટલે એ પણ બહેન કહે. મેં કહ્યું, ‘મજામાં.’ બસ આટલું જ. ‘પછી મળીશું.’ હું એટલું બોલ્યો ને એ પોતાની અંદર ચાલ્યા ગયા અને હું ઓરડાની બહાર ચાલ્યો ગયો. હું મજામાં હતો એ તો એ આંખો સહેજ ખોલી ત્યાં ક્ષણાર્ધમાં જ પામી ગયા હતા. આ સ્થિતિમાં પણ એમને બહેનનું સ્મરણ થયું! કોઈ પણ મનુષ્યની આધ્યાત્મિક સાધનાનું આથી વિશેષ શું પ્રમાણ હોય? ૧૯૭૯માં હૃદયરોગના ભારે હુમલા પછી અમદાવાદમાં સારવારથી એ સ્વસ્થ થયા અને મિત્રોની વચમાં એમના અમૃતમહોત્સવમાં ઉપસ્થિત રહ્યા અને વડોદરા ગયા ત્યારે માત્ર ઉમાશંકર અને હું ગાડીમાં એમની સાથે ગયા હતા. ત્યારે એમના સ્વમુખે એમણે એમના સમગ્ર જીવનનું પશ્ચાદ્દર્શન કર્યું હતું. એમના જીવનની ગતિ spiralling-ચક્રાકારે ઊર્ધ્વગતિ હતી. વડોદરાનું ઘર હોય કે હિમાલયનું શિખર હોય, ખંડખંડ પૃથ્વીની પ્રદક્ષિણા હોય કે એકાગ્ર ધ્યાનનું એકાસન હોય, પન્નાના મહારાજા હોય કે મહાત્મા ગાંધી હોય, મુદ્રણની યાંત્રિક કળા હોય કે સંગીતની માર્મિક કળા હોય — કિશનસિંહ સર્વમાં તન્મય હોય, ઓતપ્રોત અને એકરસ હોય. એ વિપુલ અને વૈવિધ્યપૂર્ણ જીવન જીવ્યા હતા. એ એમના અસ્તિત્વના અણુએ અણુમાં જીવ્યા હતા. વડોદરાથી વડોદરા. એક ચક્ર પૂર્ણ થયું. વડોદરામાં એમણે મિત્રો અને સ્વજનોની વચમાં મૃત્યુનું સ્વાગત કર્યું. સ્વાગતમાં એમણે મારા જેવા અનેક મિત્રોને ધર્યું હતું તેમ અત્તરનું પૂમડું ધર્યું હશે, મૃત્યુના અંગ પર પણ અત્તરનું લેપન કર્યું હશે. કિશનસિંહની જિજ્ઞાસાની યાત્રાનો ત્યાં અંત થયો. હવે એમની અનંતની યાત્રાનો આરંભ થયો છે ત્યારે આ મુરબ્બી મિત્રને એ જ શુભેચ્છા કે એમની એ અનંતની યાત્રા પણ આ પૃથ્વીલોક પરની એમની જિજ્ઞાસાની યાત્રા જેવી જ સભર અને સમૃદ્ધ હજો, ઉજ્જ્વળ અને ઊર્જસ્વી હજો!
૧૯૭૯