સ્વાધ્યાયલોક—૭/આત્માનાં ખંડેર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|‘આત્માનાં ખંડેર’}} {{Poem2Open}} ઉમાશંકરે ‘આત્માનાં ખંડેર’ — સૉન...")
(No difference)

Revision as of 20:45, 5 May 2022


‘આત્માનાં ખંડેર’

ઉમાશંકરે ‘આત્માનાં ખંડેર’ — સૉનેટમાલા મુખ્યત્વે ૧૯૩૫માં ચોવીસ વર્ષની વયે મુંબઈમાં બી.એ. માટે હિંદી શરાફી અને ચલણના અભ્યાસ પાછળના આઠદસ કલાક પછીની છુટકારાની પળોમાં ત્રણચાર દિવસમાં રચી હતી એ અત્યંત સૂચક છે. ‘આત્માનાં ખંડેર’ના કેન્દ્રમાં છે વ્યક્તિની અશાંતિ અને એનો સંદર્ભ છે આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિ, ઔદ્યોગિક સમાજ અને ઔદ્યોગિક મનુષ્ય. ‘આત્માનાં ખંડેર’નો સમય છે ૧૯૩૫ અને એનું સ્થળ છે આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિની આગવી સરજત જેવું એક મહાનગર મુંબઈ, અને એની એક ટેકરી મલબાર હિલ. ઉમાશંકરે મુંબઈમાં જે ટેકરી પરથી, મલબાર હિલ પરથી ‘આત્માનાં ખંડેર’ સૉનેટમાલા રચી છે એવી જ એક ટેકરી પરથી સાતેક દાયકા પૂર્વે નર્મદે મુખ્યત્વે ૧૮૬૩માં ત્રીસ વર્ષની વયે ‘નર્મટેકરી અને તે પર કરેલા વિચારોમાંના કેટલાક’ કાવ્યમાલા રચી હતી. ‘નર્મટેકરી’ના કેન્દ્રમાં પણ છે વ્યક્તિની અશાંતિ અને એનો સંદર્ભ છે સમકાલીન શ્રીમંત વ્યાપારી સમાજ. કાવ્યનાયક પ્રીતિદુઃખને કારણે આશ્વાસન માટે એકાન્તની શોધમાં મુંબઈમાં અનેક સ્થળે ફરે છે પણ ક્યાંય આશ્વાસન પ્રાપ્ત થતું નથી એથી ફરતો-ફરતો એક દિવસ (૧૮૬૩ના જૂનની ૧૬મીએ) એક ટેકરી પર આવે છે અને ત્યાં એને ત્યાંની પ્રકૃતિમાંથી આશ્વાસન પ્રાપ્ત થાય છે. કાવ્યનાયક પ્રીતિદુઃખે, સામાજિક દુઃખે દુઃખી તો છે જ પણ નબળી આર્થિક સ્થિતિને કારણે આર્થિક દુઃખે પણ દુઃખી છે. એને અનેક શ્રીમંત વ્યાપારી મિત્રો છે. પણ એ સૌ હાલ શૅરસટ્ટાની ધૂનમાં, ઘેલછામાં છે એથી એની પ્રત્યે બેધ્યાન છે, એની પ્રત્યે એમની ઉપેક્ષા અને ઉદાસીનતા છે. એથી કાવ્યનાયક માત્ર દુઃખમાં નથી, રોષમાં પણ છે. પણ આ ટેકરી પર એ મૈત્રી વિશે, મૈત્રીની દુર્લભતા વિશે (‘મિત્રાઈ’); દુઃખ વિશે, દુઃખના લાભ વિશે (‘આપત્કાળ’); તૃષ્ણા વિશે, ધનની તૃષ્ણા વિશે (‘તૃષ્ણા’); સુખ વિશે, મિથ્યા સુખ અને સાચું સુખ શું છે એ વિશે (‘સુખ’); મિથ્યાગર્વ વિશે, જગતની એકએક વસ્તુ મિથ્યા છે, એનો ગર્વ મિથ્યા છે એ વિશે (‘મિથ્યાગર્વ’); ઈશ્વરશક્તિ વિશે, આ વિશ્વમાં નિયમ છે એ વિશે (‘ઈશ્વરશક્તિ’); શ્રીમંતો વિશે, એમનામાં સુખ અને નીતિના અભાવરૂપી નિર્ધનતા છે એ વિશે (‘પૈસાદારોનો મોટો ભાગ સુખી નથી,’ ‘પૈસાદારોને ગરીબ જેવું સુખ નથી,’ ‘પૈસાદારોનો મોટો ભાગ નીતિમાન નથી’); આશા વિશે, આશા ધૂર્ત છે એ વિશે (‘આશા’); ધીરજ વિશે, ધીરતામાં જે વીરતા છે એ વિશે (‘ધીરજ’) વિચારો કરે છે. એને ટેકરી પરની પ્રકૃતિમાંથી માત્ર આશ્વાસન જ પ્રાપ્ત થાય છે પણ આ વિચારોમાંથી તો જેને મનુષ્યના, મનુષ્યજીવનના યથાર્થનું કંઈક દર્શન જેવું કહી શકાય એ દર્શન પ્રાપ્ત થાય છે. અને એ દ્વારા એને દુઃખ અને રોષ-અશાંતિમાં ધૃતિ પ્રાપ્ત થાય છે અને એ અર્થમાં એને કંઈક સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. ‘કોઈ હોય હાલે મસ્ત, કોઈ હોય માલે મસ્ત, 
કોઈ હોય ઈશ્કે મસ્ત, સુખિયો નર્મદ ખ્યાલે મસ્ત.’ ‘ધીરા થઈને સહેવું પડે તે 
એ ન પરાક્રમ જાણવું જે તે. દુઃખ થયે ન બબડવૂં રે ભાઈ! 
હોય એવું કહી ભણવી ભલાઈ. ‘ભવરણમાં નરમદસિંહ સિપાઈ, 
જોયે ધીરજથી હસીને ભવાઈ.’ ઉમાશંકરે ‘આત્માનાં ખંડેર’ પર જે વિવરણ કર્યું છે એમાં એમણે એનો સાર આપ્યો છે એની સાથે ‘નર્મટેકરી’ના આ સારની સરખામણી કરવાથી પણ આ બે કાવ્યકૃતિઓમાં માત્ર આ ટેકરીનું, સ્થળનું જ સામ્ય નથી પણ એથી વિશેષ વિષય-વસ્તુનું કંઈક અંશે સામ્ય છે એ સ્પષ્ટ થાય છે. ઉપરાંત આ બે કાવ્યકૃતિઓમાં ચિંતનાત્મક ઊર્મિકવિતાનું પણ સામ્ય છે. અલબત્ત, આ બે કાવ્યકૃતિઓમાં સામ્યથી અસામ્ય વિશેષ છે. ‘નર્મટેકરી’નો કાવ્યનાયક એના દુઃખ અને અશાંતિના અનુભવને અંતે આ ટેકરી પર આવે છે જ્યારે ‘આત્માના ખંડેર’નો કાવ્યનાયક આ ટેકરી પર આવે છે પછી એના દુઃખ અને અશાંતિના અનુભવનો આરંભ થાય છે. એ આ બે કાવ્યકૃતિઓના આરંભે જ એક અસામ્ય છે. શૈલીસ્વરૂપનું અસામ્ય તો છે જ. પણ સૌથી મોટું અસામ્ય તો કાવ્યસિદ્ધિનું છે. જોકે ‘નર્મટેકરી’ની કેટલીક પૂર્વોક્ત પંક્તિઓ જેવી પંક્તિઓમાં કાવ્યસિદ્ધિ પણ છે અને એ કારણે એ પંક્તિઓ પ્રસિદ્ધ પણ છે. પણ જેમાં કલાકૃતિમાં જે અનિવાર્ય એવી એકતા હોય એવી એક સુશ્લિષ્ટ, સુગ્રથિત કલાકૃતિ તરીકેની જે કાવ્યસિદ્ધિ, કલાસિદ્ધિ ‘આત્માનાં ખંડેર’માં છે (અને એથીસ્તો એનું સૉનેટમાલાનું સ્વરૂપ છે) તે ‘નર્મટેકરી’માં નથી જ નથી. ‘આત્માનાં ખંડેર’નો કાવ્યનાયક સમુદ્રતટ પરના આ નગરમાં, આ ભૂમિમાં આગંતુક છે, અતિથિ છે. અને આ ભૂમિના વિજેતા થવાની એની મહત્ત્વાકાંક્ષા છે. એ સંદર્ભમાં એ જન્મથી આ ભૂમિથી ભિન્ન એવી ભૂમિનો, ગ્રામપ્રદેશનો અસલ નિવાસી છે. ઇસ્કંદર, બાબર, જોન ઑફ આર્ક, કીટ્સ સાથે એ પોતાનું સ્વરૂપસંધાન (identification) સાધે છે એ પરથી એ પચીસેક વર્ષની વયનો રોમૅન્ટિક યુવાન છે અને ધર્મ, કવિતા, ઇતિહાસનો અભ્યાસી છે એમ સૂચવાય છે. એથી જેમ ‘નર્મટેકરી’નો કાવ્યનાયક નર્મદ પોતે છે અને ‘નર્મટેકરી’ એ આત્મકથાત્મક કાવ્ય છે તેમ ‘આત્માનાં ખંડેર’નો કાવ્યનાયક ઉમાશંકર પોતે છે અને ‘આત્માનાં ખંડેર’ એ આત્મકથાત્મક કાવ્ય છે એમ કહી શકાય, કાવ્યનાયકનું ઉમાશંકર સાથે સ્વરૂપસંધાન સાધી શકાય. પણ એમાં કોઈ કાવ્યલાભ, કવિતાના રસાસ્વાદમાં લાભ નથી, મનોવૈજ્ઞાનિક ગેરલાભનું દુ:સાહસ અવશ્ય છે. ‘આત્માનાં ખંડેર’ના આરંભમાં સમુદ્રતટ પરના નગરની એક ટેકરી પરની ઉષાકાળની પ્રકૃતિની લીલાના અને નગરની સુદૂર વિસ્તરતી લીલાના દૃશ્યથી, એના પ્રથમ સ્પર્શથી જ નગરમાં આગંતુક અને અતિથિ એવા અત્યંત ચિંતનશીલ અને સતત સંવેદનશીલ એવા યુવાન કાવ્યનાયકનું વ્યક્તિત્વ વિહ્વળતા અનુભવે છે અને એનામાં એક દિવસ આ ભૂમિના વિજેતા થવાની મહત્ત્વાકાંક્ષા જન્મે છે : ‘ને ટેકરીશિખર રંગપરાગછાયું 
પ્રેરી રહ્યું ઉરમહીં નવલા જ ભાવ.’ ‘આગંતુકે નીરખી ટેકરી વીંટી ર્‌હેતી, 
લીલા શહેર તણી વિસ્તરતી સુદૂર;’ ‘ગર્જી રહ્યો અતિથિનો પુલકંત આત્મા: 
‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા.’ કાવ્યનાયક એના ‘હું’નો, અહમ્‌નો મહિમા કરે છે. એનો અહમ્ સ્થલકાલમાં, વિશ્વમાં વ્યાપી જવા, વિશ્વનું કેન્દ્ર થવા, વિશ્વરમણા માટે, વિજયપ્રાપ્તિ માટે પ્રબલપણે પ્રવૃત્ત થાય છે : ‘ગુહા અંતર્ કેરી ભરી ભરી અહંઘોષ સ્ફુરતો, 
જવા વિશ્વે વ્યાપી અદકી વધતી આત્મની વ્યથા; 
થતું હૈયાને જે સ્થલ સ્થલ કહું મારી જ કથા’ ‘હતું સૌ : એ સાચું! હતી પણ ખરી હુંની જ મણા; 
વિના હું બ્રહ્માંડે કવણ કરતે વિશ્વરમણા?’ કાવ્યનાયકની મુગ્ધ માન્યતા છે કે એક પ્રકૃતિનો અને એક મનુષ્યોનો એમ બે સમુદ્રો અહીં સામસામે ગર્જે છે એમાં મનુષ્યોનો જે સમુદ્ર છે એને યંત્રનો તાલ છે અને પ્રકૃતિના સમુદ્રના અતલમાં છે તેમ એની અવરિત પ્રવૃત્તિના ગર્ભમાં, ગોપનમાં અનેક રત્નો છે અને પ્રકૃતિનો સમુદ્ર જેમ પૂર્ણિમાના ચંદ્રથી ભરતી અનુભવે છે અને નક્ષત્રોથી એ એની છીપોમાં શુભ્ર મોતી પામે છે તેમ આ મનુષ્યોનો સમુદ્ર પણ પોતે ઉલ્લાસ અનુભવે અને પોતે કંઈક પામે એ માટે કોઈ વિરલ પ્રેરક સત્ત્વપુંજની એટલે કે કાવ્યનાયકની પ્રતીક્ષા કરે છે : ‘ને આ વિરાટ વળી માનવસિંધુ નિત્યે 
ગર્જંત, ઓટભરતી મહીં મસ્ત, લ્હેરે. 
દે યંત્ર તાલ, અણથંભ પ્રવૃત્તિગર્ભે 
છૂપાં કંઈ હૃદયરત્ન ઝુલાવી ર્‌હેતો.’ ‘એવો મહા વિરલ પ્રેરક સત્ત્વપુંજ 
સંક્ષુબ્ધ આ તરલ માનવરાશિ માગે, 
કે કૈં કર્યે જીવન જાગી ચગે હુલાસે.’ કાવ્યનાયક વચમાં વળી ક્યારેક પોતાની આ મહત્ત્વાકાંક્ષા અશક્ય તો નથી ને? — એવો પોતાને પ્રશ્ન પૂછે છે. અને પછી ઇસ્કંદરે, બાબરે, જોન ઑફ આર્કે, કીટ્સે યૌવનમાં જ પોતાની જ વયે વિજય પ્રાપ્ત કર્યો જ હતો ને! એમ ધર્મ, કવિતા, ઇતિહાસમાંથી ઉદાહરણો દ્વારા પોતાને ઉત્તર આપે છે અને પોતાનામાં પણ એ જ ચૈતન્ય છે એથી પોતે પણ વિકાસ દ્વારા ભવિષ્યમાં પ્રજ્ઞાપુરુષ રૂપે પ્રગટશે એમ શ્રદ્ધા અનુભવે છે : ‘શ્વસે હૈયે મારે પણ તણખ એ ચેતન તણી,’ 
‘વિકાસીને આગે પ્રગટ બનું પ્રજ્ઞાપુરુષ હું.’ અને એથી એ વિશ્વજનનીને, મૈયાને એના સ્તનપાનથી પોતાનો ત્વરિતમાં ત્વરિત વિકાસ થાય એવો પયઘૂંટ પાય એ માટે અધીરાઈપૂર્વકની પ્રાર્થના પણ કરે છે : ‘રે! ખોલ, ખોલ, ઝટ છોડ વિકાસધારા, 
ને ના પટાવ શિશુને, બીજું કૈં ન જો’યે 
થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા!’ વળી સમગ્ર પ્રકૃતિ વિશ્વકુલનો પ્રણય ગ્રહવા પોતાને આમંત્રે છે, પોતાને પણ પ્રકૃતિ અત્યંત પ્રિય છે પણ પોતે એ પ્રકૃતિરમણીનાં રૂપોથી, પ્રલોભનોથી લુબ્ધ-ક્ષુબ્ધ નહિ થાય કારણ કે પોતે પોતાનો સમગ્ર પ્રણય મનુષ્યોને અર્પણ કર્યો છે અને મનુષ્યરૂપી અમૃતથી પ્રપૂર્ણ એવી પોતાના હૃદયની કુંજ પોતાને પ્રકૃતિથી વિશેષ પ્રિય છે એવી પણ શ્રદ્ધા અનુભવે છે : ‘મને આમંત્રે સૌ પ્રણય ગ્રહવા વિશ્વકુલનો. નહિ મારે રે એ પ્રકૃતિરમણીનાં નવનવાં 
ફસાવું રૂપોમાં, પ્રણય જગને અર્પણ કર્યો.’ ‘મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે 
મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.’ એથી એને હવે પોતાની સમૃદ્ધિ આ મનુષ્યોને અર્પણ કરીને અકિંચન થવું છે. પણ એમાં વક્રતા એ છે કે આ મનુષ્યોની ભાવનાનાં મોતી સાચાં અને જૂઠાં છે અને આ મનુષ્યોના અનુભવોના કંટકોમાંથી એ પુષ્પો પામ્યો છે એથી એ મોતીની અને પુષ્પોની માલા એ રચી શક્યો નથી. વળી પોતાની અંગુલિના સ્પર્શથી એ પુષ્પો કદાચ સુરભિહીન, વિવર્ણ અને મ્લાન થશે એવો એને ભય અને સંકોચ છે. વળી એ પોતાનું કૌમાર્યપૂર્ણ હૃદય પણ આ મનુષ્યોને અર્પણ કરે એવી આ મનુષ્યોની ઇચ્છા છે પણ એમાં વક્રતા એ છે કે આ મનુષ્યો એના હૃદયને ચંચૂપ્રહાર કરશે એવો એને ભય અને સંકોચ છે. કાવ્યનાયકની મુગ્ધ માન્યતા છે કે પોતે જે સ્થળમાં વસે છે તે સ્થળમાં જ એ ત્રિલોકને, અસીમને અનુભવી શકે છે, પોતે જે ક્ષણમાં જીવે છે તે ક્ષણમાં જ એ ત્રિકાલને, અનાદિ-અનંતને અનુભવી શકે છે. આમ ને આમ કૈંક પ્રાત:, કૈંક મધ્યાહ્ન, કૈંક સાયં, કૈંક મધ્યરાત્રિ, વસંત, વર્ષા, શરદ, દિવસો અને ઋતુઓ, એક વરસ વીતી જાય છે. પણ એને કાળનો કે પ્રકૃતિનો કોઈ સ્પર્શ થતો નથી. વરસને અંતે એ પશ્ચાત્‌દર્શન અને આંતરદર્શન કરે છે. એ અશાંત છે. એથી અહોરાત એ સમયની સુરાનું પાન કરે છે. ફરીથી ઉષા ઊગે છે. ફરીથી તૃષા જાગે છે. પણ અંતે હવે નિરાશા છે, જડતા છે, માયા છે, ભીંસ છે, અશ્રુ છે. જીવનની મદિરાનું પાન એ ક્યાં લગી કરે? એથી અંતે એ વૈર, દોષ, અસિદ્ધિ, પ્રણયવૈફલ્યને કારણે મૃત્યુ ઇચ્છે છે. એ મૃત્યુમાં પુનર્જન્મ, દિવ્ય ઉષા, નૂતન યાત્રા, આનંદયાત્રા આદિ મિથ્યા તર્કોનું આરોપણ નહિ પણ મૃત્યુ, એ જેવું છે તેવું, એના અસલ સ્વરૂપમાં મૃત્યુ ઇચ્છે છે. એ અસંખ્ય મનુષ્યોની વચમાં વસે છે છતાં એકલતા અને મૌન અનુભવે છે એવો સમુદ્ર સમક્ષ એકરાર કરે છે અને સમુદ્રને પોતાની કાયા અર્પણ કરે છે. પણ ‘તું તારા જગતમાં, મનુષ્યોના જગતમાં પાછો જા, મારે તારી સાથે અને એ તારા જગતની સાથે કોઈ સંબંધ નથી’ — એમ સમુદ્ર એનો અસ્વીકાર કરે છે: ‘આંહી લોકે લખલખ જનોમાંય એકાકી ર્‌હેવું; 
મૂગાં મૂગાં સહન કરવું, ના હયાનેય ક્હેવું. ત્યાં તો કાયા ફગવી હડસેલી તરંગો પુકારે : 
‘જા રે તારે જગ, ઉભયથી કૈં ન સંબંધ મારે.” હવે રણ સમું એનું અને સૌ મનુષ્યોનું જીવન છે. એ અને સૌ મનુષ્યો જલની આશામાં વિધિની રેત વ્યર્થ નિચોવે છે અને એ વૃથા પ્રયત્નમાં મૃગજળની રમ્ય ભ્રમણા પણ લુપ્ત થાય છે : ‘સુકાઈ એવું તો રણ સમ થયું જીવન હતું,’ બિચારો નિચોવે મનુજ વિધિની રેત અમથો; 
વૃથા યત્ને ખુએ મૃગજળનીયે રમ્ય ભ્રમણા.’ આમ, સંશયવાદ, નિરાશાવાદ, શૂન્યવાદ, પરાજયવાદ, અસ્તિત્વવાદ, નિ:સારતાવાદ આદિ આપણા યુગના, આધુનિક ઔદ્યોગિક યુગના અનેક અનુભવ એને થાય છે. હવે એને એકે ભ્રમ નથી. હવે એ જગતના જે અસંખ્ય મિથ્યા સુખો છે, અસદ્‌ આનંદો છે, જગત જેની મદિરાનું સતત પાન કરે છે એનો ઉપહાસ કરે છે. હવે એને યથાર્થને કારણે જો અશ્રુ હોય તો એ અશ્રુનું જ મૂલ્ય છે. ભલેને સુખ હોય પણ જો એ જૂઠું હોય તો એનું કોઈ મૂલ્ય નથી. ભલેને દુઃખ હોય પણ જો એ સાચું હોય તો એનું મહાન મૂલ્ય છે : ‘અસત્ આનંદોની પરબ રચી વ્હેંચો ન મદિરા, 
ભલાં શોકપ્રેર્યાં દગજલ યથાર્થે વિહરતાં’ ફરી ઉષા ઊગે છે. હવે ચિત્તમાંથી ધુમ્મસ ઓસરે છે. પાંપણ પરથી રંગભરી જવનિકા સરે છે. હવે કેવુંક છે ચોમેર ટેકરી પરનું દૃશ્ય? હવે ક્યાં છે પેલી પ્રથમની વિરાટ જનતા? ચોમેર આત્માનાં ખંડેર છે. કાવ્યનાયક ક્ષણભર તો હૃદયના ઊર્મિલ વ્યાપારોમાં આશ્વાસન શોધે છે : ‘આત્મા તણાં અરધભગ્ન ઊભેલ અર્ધાં 
ખંડેરની જગપટે પથરાઈ લીલા. 
ને છાંડીને જયમનોરથ, કો ઘવાયા 
પંખી સમું ઉર લપાઈ કહીંક બેઠું 
ખંડેરની કરુણભીષણ ગાતું ગાથા, 
ને ગોતતું અફળ ગાન મહીં દિલાસા.’ પણ કાવ્યનાયકની આ શોધ અફળ છે. અંતે એ એની એકલતા અને અશાંતિનો, અને સાથે-સાથે અન્ય સૌ મનુષ્યોની અશાંતિનો સ્વીકાર કરે છે. દુઃખનો સ્વીકાર કરે છે. યથાર્થનો સ્વીકાર કરે છે : ‘મને અસુખ ના દમે વિતથ સૌખ્ય જેવાં કઠે; 
સુખો ન રુચતાં, યથા સમજ માંહી ઊતર્યાં દુઃખો. 
યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે. 
અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.’ ‘આત્માનાં ખંડેર’નો કાવ્યનાયક ગ્રામપ્રદેશનું, ગોપસંસ્કૃતિનું સંતાન છે. એણે પોતાને એ પ્રદેશમાંથી, એ સંસ્કૃતિમાંથી સ્વેચ્છાએ નિર્મૂલ કર્યો છે. એણે પોતાના સુખદ મધુર શૈશવની સુવર્ણભૂમિનો, એની પ્રિય પ્રકૃતિનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો છે. એણે ‘દિશ દિશ તણા આદર્શો’ સાથે, પ્રણય અને મૈત્રીની મોટી આશાઓ અને મોટી અપેક્ષાઓ સાથે આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિની આગવી સરજત જેવા નગરમાં, નગરસંસ્કૃતિમાં અને એના મનુષ્યોમાં પોતાની શ્રદ્ધાનું આરોપણ કર્યું છે. એણે ‘આંહીં લોકે લખલખ જનોમાં’ એના અહમ્‌ની સ્થાપનાનું, એની મહત્ત્વાકાંક્ષાની સિદ્ધિનું, એના વ્યક્તિત્વના વિકાસનું, એના વિજયનું મહાસ્વપ્ન સેવ્યું છે. અને અંતે એનો પરાજય થાય છે. એના અહમ્‌નો, એની મહત્ત્વાકાંક્ષાનો, એના વ્યક્તિત્વનો, એના સ્વપ્નનો હ્રાસ થાય છે, નાશ થાય છે. ‘આયુષ્યના અનિવાર્ય અનુભવોને અંતે એ શતખંડ’ છિન્નભિન્ન થાય છે. એને પ્રથમ તો એના પોતાના આત્માનાં ખંડેરનું દર્શન થાય છે અને પછી એને જે મનુષ્યોના આત્માની ભવ્યસુન્દર ઇમારત પર કળશ રૂપે બિરાજવું છે એ આત્માના ખંડેરનું પણ એને ચોમેર દર્શન થાય છે. આ મનુષ્યોનું રણ સમું જીવન છે. એની વિધિની રેત અમથીઅમથી નિચોવી-નિચોવીને હવે એમાં એમણે મૃગજળની રમ્ય ભ્રમણા પણ ખોઈ છે. ‘જગમગજના ઝંઝાવાતો’, ‘દલિતઉરના લાવા’, ‘પ્રવાતો વૈરોના’, ‘પ્રપાતો દોષોના’, ‘અસિદ્ધિના ડંખો’, ‘પ્રણય અણમાણ્યા’, ‘અસત્ આનંદો’, ‘વિતથ સૌખ્યો’, નિરાશા, જડતા, માયા, ક્ષુદ્રતા, ક્ષુલ્લકતા, ક્ષણિકતા આદિને કારણે આ મનુષ્યોની કરુણતાનું એને દર્શન થાય છે. આ મનુષ્યો યથાર્થની ઉપેક્ષા કરે છે, અવહેલના કરે છે, યથાર્થની વિડંબના કરે છે, વિસ્મૃતિ કરે છે. ક્ષણભર તો કાવ્યનાયક પણ આ મનુષ્યોની જેમ જ આત્મવંચના અને આત્મપ્રતારણા કરે છે. એ આત્મહત્યા દ્વારા યથાર્થમાંથી પલાયન થવાનો પ્રયત્ન કરે છે. ‘યથાર્થ(Reality)ને ચિત્તના હૃદયના ભાગેડુ વ્યાપારોથી ભૂલવા પ્રયત્ન કરવો ને એ રીતે આનંદમાં રહેવું, અથવા એ યથાર્થ અંગે આંખ આડા કાન કરવા ને અજાણ રહીને જ સુખમય રહેવું, એ તો જીવનના પ્રવાહને આંગળીઓ વચ્ચેથી વ્યર્થ સરી જવા દેવા બરાબર છે. એ યથાર્થને સ્વીકારવો ને સમજવો એમાં જ જીવનની સાચી પકડ લાધવાનો સંભવ છે. આમ, પોચટ આશાવાદને અહીં અવકાશ નથી, પણ જીવનને ખોઈ બેસવાનો પણ ભય નથી. ઊલટું ભ્રમણાઓની પાર થઈને જીવનની સાચી અનુભૂતિની આ રીતે જ કાંઈકે આશા છે.’ એથી કાવ્યનાયક અંતે ભલે રિબાવું પણ સમજવું, જે કંઈ શક્ય હોય તે સમજવું અને માત્ર યથાર્થનો જ સ્વીકાર કરવો એવો નિર્ણય કરે છે. આમ, કાવ્યનાયક અંતે યથાર્થનો સ્વીકાર કરે છે અને આ સ્વીકારને કારણે એમાં જે દુઃખ છે એ દુઃખનો સ્વીકાર કરે છે. આ સ્વીકાર, આ સ્વીકારમાં જે સૂઝસમજ છે, જે યથાર્થનું દર્શન છે એ જીવનનું સારસર્વસ્વ છે, એ જ જીવનની સાચી અનુભૂતિ છે, આધ્યાત્મિક અનુભૂતિ છે અને એથી આ પરાજય એ જ અંતે જીવનનો આધ્યાત્મિક વિજય છે. ‘નર્મટેકરી’ના કાવ્યનાયકમાં, ૧૮૫૪માં મુંબઈમાં પ્રથમ મિલ સ્થાપવામાં આવી પછી હજુ ત્રણ જ મિલો અસ્તિત્વમાં આવી હતી અને શૅરસટ્ટાની ધૂન, ઘેલછા જેમનામાં હતી એવા શ્રીમંતોનો, વ્યાપારી વર્ગનો જ મુખ્યત્વે સંદર્ભ હતો એથી, જે દર્શન નથી જ નથી તે દર્શન, યથાર્થનું દર્શન ‘આત્માનાં ખંડેર’ના કાવ્યનાયકમાં છે. ઉમાશંકરે, જેમાં વિશ્વ રંગભૂમિ રૂપે હોય, નક્ષત્રો-ગ્રહો અને કાળ પાત્રો રૂપે હોય, જેમાં સૃષ્ટિમાં સૌંદર્યની સ્થાપનાનું કાર્ય સિદ્ધિ થયું છે અને હવે વિશ્વમાં પ્રેમની પ્રતિષ્ઠા થવી જોઈએ, માનવજીવનમાં સંવાદનો અને પ્રેમધર્મનો મહિમા થવો જોઈએ એવી સમષ્ટિમાં સમરસ થવાની ઝંખના હોય એવા એક બૃહ્ત કાવ્યનાટકની ઉપપેદાશ જેવું છ ભાગમાં પાંચસોએક પંક્તિનું ખંડકાવ્ય ‘વિશ્વશાંતિ’ ૧૯૩૧માં ગાંધી-ઇરવિન સંધિના સમયમાં અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠની લાંબી અગાસીમાં વહેલી સવારે આંટા મારતાં-મારતાં સ્ફુરે, પછી છ કલાકનું ખાદી અંગેનું કામ કરતાં-કરતાં આખો દિવસ એ મનમાં ઘોળાયા કરે અને ફાજલ સમયમાં પંક્તિઓ લખાય એમ, છઠ્ઠો ભાગ થોડાક દિવસ પછી લખાયો એ અપવાદ સાથે, પાંચ દિવસમાં રચ્યું હતું એ પણ અત્યંત સૂચક છે. ‘વિશ્વશાંતિ’માં એક આદર્શ પ્રતિ અભીપ્સા છે. એમાં જે ભાવનામયતા કાવ્યની એકતા રૂપ છે એ ભાવનામયતાને માનવજાતિએ વાસ્તવિકતા બનાવ્યા વિના છૂટકો નથી એવું દર્શન છે. એમાં, સવિશેષ તો પહેલા, પાંચમા અને છઠ્ઠા ભાગમાં, વિશ્વશાંતિ એ માનવનિયતિ છે એવું દર્શન છે. ઉમાશંકરે ૧૯૩૧માં ‘વિશ્વશાંતિ’ ખંડકાવ્ય રચ્યું પછી વચમાં પ્રેમ, મૃત્યુ અને જગતની અને જગતથી પર અને પારની વાસ્તવિકતાઓની કવિતા રચી અને ચાર જ વર્ષના સમય પછી ૧૯૩૫માં ‘આત્માનાં ખંડેર’ સૉનેટમાલા રચી છે એમાં આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિ, સમાજ અને મનુષ્યની વાસ્તવિકતા છે, એમાં કેન્દ્રમાં વ્યક્તિની અશાંતિ છે. પણ આ વિશ્વશાંતિ અને આ વ્યક્તિની અશાંતિ વચ્ચે વિરોધ નથી. આ અશાંતિનો અનુભવ એ નરક છે પણ એના યથાર્થનો સ્વીકાર શોધન છે અને સ્વીકારને કારણે દુઃખ એ અગ્નિ છે. આ શોધન અને આ અગ્નિ, આ શોધનઅગ્નિ એ જ તો વ્યક્તિ અને સમષ્ટિની શાંતિના, વિશ્વશાંતિના સ્વર્ગનું પ્રવેશદ્વાર છે. વ્યક્તિની અશાંતિના આ યથાર્થના સ્વીકાર દ્વારા જ વિશ્વશાંતિની શક્યતા છે, ન અન્યથા! એથી જ ઉમાશંકરે ૧૯૫૯માં ‘મારે ‘વિશ્વશાંતિ’ ફરી લખવાનું હોય તો?’માં લખ્યું છે: ‘પણ અત્યારે તો વિશ્વ એક હૂંફાળા માળા સમું છે એવો ભાવ દૃઢ થવાને બદલે આપણી સૂર્યમાલામાં માનવે પ્રેરેલો નવો કૃત્રિમ ગ્રહ કૌતુકભરી આશાની સાથે ભીતિનો — અશાંતિનો સંચાર પણ કરે છે. અત્યારે મારે ‘વિશ્વશાંતિ’ ફરી લખવું હોય તો ભાવનામયતાના બુલંદ ઉદ્ગારની સાથે-સાથે વ્યક્તિની અને સમષ્ટિની ગંજાવર અશાંતિના આલેખનો પણ કૃતિમાં સમાવેશ થાય એ જોઉં.’ વળી ઉમાશંકરે ૧૯૪૮માં ‘અંગ્રેજ અમલનું કવિતા-સાહિત્ય’માં લખ્યું છે : ‘…પણ સ્વેચ્છાએ સૌ સ્વાધીન દેશો એક જગતરાજ્યની રચનામાં ભળે તો જ જગત ટકી શકશે એવું હવે સ્વપ્નદ્રષ્ટાઓને જ નહિ, પણ વાસ્તવવાદીઓને પણ પ્રતીત થઈ રહ્યું છે. અર્થકારણમાં પણ દુનિયાના સૌ દેશોનાં પરસ્પર લટિયાં ગૂંથાયેલાં છે અને એક-કુટુમ્બ-ભાવના જેવું કાંઈ નહિ સ્થપાય તો સૌનો નાશ છે એમ પણ સ્વીકારાવા લાગ્યું છે. અને આ તો જગતને ચારે ખૂણે પાયાના માનવધર્મથી પ્રેરાયેલી સર્વોદયસંસ્કૃતિ ફેલાય તો જ શક્ય છે. આ રીતે આજે આપણો દેશ જ નહિ, આખું જગત સાર્વત્રિક સમન્વયના ઉંબર ઉપર ઊભેલ છે. આવતી કાલની કવિતા… આ સાર્વભૌમ સમન્વય ભાવનાનો જ મંગલ મંત્રધ્વનિ હશે…’ ‘વિશ્વશાંતિ’ અને ‘આત્માનાં ખંડેર’ એ સંક્રાન્તિયુગની કવિતા છે. યંત્રવૈજ્ઞાનિક યુગમાં યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિ, સમાજ અને મનુષ્યના સંદર્ભમાં, હવે પછીની કવિતામાં ‘વિશ્વશાંતિ’ અને ‘આત્માનાં ખંડેર’નો સમન્વય થશે. આ બન્ને પ્રકારની કવિતા એક કૃતિ રૂપે એક-આકૃતિ રૂપે સિદ્ધ થશે. અને એ કવિતા યંત્રવિજ્ઞાનના સંદર્ભમાં મંત્રકવિતા હશે. ઉમાશંકરે ૧૯૬૮માં ‘અભિભાષણ’માં લખ્યું છે : ‘કવિતા પરસ્પરાવલંબનના સંબંધોનું આખુંય જાળ પ્રદર્શિત કરે અને અંતર્દૃષ્ટિ અને સહજસ્ફૂર્ત જ્ઞાન દ્વારા માનવ અને માનવેતર વચ્ચેના, શરીર અને શરીરેતર વચ્ચેના, જીવવામાં રહેલી અનિવાર્ય ક્રૂરતા અને પ્રેમ વચ્ચેના સમૃદ્ધ સમન્વયને આલોકિત કરે એ આજે જેટલું જરૂરી છે તેટલું કદાચ ક્યારેય ન હતું. ખરે જ કવિતા નરકથી, શોધનઅગ્નિ (પર્ગેટોરિયો) દ્વારા, સ્વર્ગનો પથ નિર્દેશી શકે.’

૧૯૭૪


*