સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ૩. 
વાડામાં લીલા | }} {{Poem2Open}} મહાદેવની પાછળ વાડામાં થોડા દિવ...")
(No difference)

Revision as of 19:21, 17 May 2022


૩. 
વાડામાં લીલા

મહાદેવની પાછળ વાડામાં થોડા દિવસ થયા મોગરો, ગુલાબ, ચંપો અને એવાં એવાં ફૂલની વાડી જેવું બનાવાતું હતું. મૂર્ખદત્તનો એક સૂતળીનો ભરેલો ઊંચાનીચા પાયાવાળો ખાટલો વચ્ચોવચ પડ્યો રહેતો. અલકકિશોરી અને કુમુદસુંદરીએ વાડામાં આ બેઠક શોધી કાઢી અને એક બાજુ પર બેઠાં. સાહેલીઓ માથા અને પાંગઠ આગળ બેઠી. અલકકિશોરીએ ફૂલ તોડી સૌને વહેંચી આપ્યાં. ‘કહો ભાભીસાહેબ, કયું ફૂલ લેશો?' ‘તમે આપો તે.’ બધી બાબતમાં એમ કરશો તો તમને ભારે પડશે.’ ‘આખા સારા તમારા આપેલા ભાઈને લીધા તો હવે એમ શા મેળે કહો છો?' ‘લ્યો ત્યારે આ શાહાળી લ્યો. તમારાં જેવાં નાજુક ને તમારાં જેવા રંગવાળાં.’ હસતાં હસતાં કુમુદસુંદરીએ નાજુક હથેલીમાં ફૂલ લીધાં. લાંબા કરેલા, રૂપેરી પાણીવાળી નદી જેવા હાથમાં લ શ્વેત કમળ જેવાં લાગવા માંડ્યાં.

વનલીલા  ‘તમે આ ફૂલ આપ્યાં પણ એવાં ફૂલની વેણી ગૂંથાવી આપો અને અંબોડે ઘલાવો. આ વસંતના દિવસ છે.'

રાધા  ‘વસંતે નવો અને એ પણ નવાં.’
વનલીલા  ‘ને ચંપા ને મોગરાના ગજરા કરજો.’
અલકકિશોરી  ‘ને ભાભી, મારા ભાઈ પાસે મુજરા કરજો.’
કૃષ્ણકલિકા  (હસી પડી) ‘મરો, મુજરા તો ગુણકા કરે.'
અલકકિશોરી  ‘મેર, મેર, બોલનારી ન જોઈ હોય તો લાજ.’

કાળી અને શીળીના ડાઘાવાળા મોંવાળી પણ શક્કાદાર કૃષ્ણકલિકા ઓછી બુદ્ધિની અને વર્તણૂકમાં શિથિલ હતી, એટલે આ ઠપકો નકામો ગણ્યો. પણ એનું વચન સાંભળી કુમુદસુંદરીનું મોં ઊતરી ગયું. પોતાનાં પ્રિય પુસ્તકો સાંભર્યાં, સરસ્વતીચંદ્રના ગુણ સાંભરી આવ્યા, હૈયું ભરાઈ આવ્યું અને રોવા જેવી થઈ ગઈ. સર્વેયે જાણ્યું કે કૃષ્ણકલિકા પર ખોટું લાગ્યું અને એને ઠપકો દેવા તથા કુમુદસુંદરીને સમજાવવા મંડી ગયાં. કુમુદસુંદરીએ આંખો લોહી નાખી, કૃષ્ણકલિકા પર ખોટું નથી લાગ્યું એવું કહ્યું. સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી માત્ર એક જ વખત મળ્યાં હતાં અને પ્રમાદધન સાથે તો આટલો સંબંધ થયો હતો – તે છતાં બિચારીના મનમાં એ ચંદ્ર જેવાના સ્મરણનો સ્પર્શ થતાં, ચંદ્રકાન્તમાંથી રસ ઝરે તેમ શોકમય રસ ઝરતો. સરસ્વતીચંદ્ર રૂપવાન છે કે નહીં તેનો વિચાર પણ નહોતો થયો; માત્ર તેના પત્રવ્યવહાર અને વચનામૃત ઉપરથી મોહ પામી હતી. પ્રમાદધન કાન્તિવાળો હતો તે છતાં આ મોહ ખસતો ન હતો. વયમાં અને શરીરમાં તેમજ વિદ્યા, બુદ્ધિ, ડહાપણ, ચતુરાઈ અને રસિકતામાં ધણી કરતાં સ્ત્રી ચઢતી ન જોઈએ. એવી સ્ત્રી કજોડાનું દુ:ખ ભોગવે છે. પતિથી તૃપ્ત થઈ શકતી નથી. કુમુદસુંદરીમાં ઈશ્વરે કુલીનતા વાવી હતી, માબાપે ઉછેરી હતી અને વિદ્યાએ ફળફૂલવાળી કરી હતી. પણ પાણી વગર માછલી તરફડે તેમ વિદ્યા વગરના ઘરમાં વિદ્યાચતુરની બાળકી વલોપાત કરતી હતી. એટલામાં કૃષ્ણકલિકાનાં વચનથી સરસ્વતીચંદ્ર પાછો સાંભર્યો. તેણે મોકલેલા શ્લોકવાળો કાગળ કમખામાં હતો, તે સૌના દેખતાં કઢાયો તો નહીં પણ એમાં મન ભરાયું. શરીરમાં ચમકારા થયા અને રૂંવેરૂવાં ઊભાં થયાં. પરંતુ આ સર્વ તેણે એકલીએ જ જાણ્યું. સૌ પાછાં વિનોદમાં પડ્યાં.

એક પાસ અલકકિશોરી ને કૃષ્ણકલિકા વાતો કરતાં હતાં. બીજી પાસ કુમુદસુંદરી અને વનલીલા છાનાંમાનાં ફરતાં હતાં અને વનલીલા ઝીણે રાગે ગાતી હતી 

‘આશાભંગ થઈ ભામિની,
રુવે સ્તુતિ કરે સ્વામિની.

પોતે પણ ‘આશાભંગ' થઈ હતી તે કુમુદસુંદરીને સાંભળ્યું. વનલીલાવાળી કડી ફરી ફરી ગાતાં એક નવી કડી એનાથી જોડાઈ – ગવાઈ ગઈ.

‘ગયો ચંદ્ર ક્ષિતિજ તજી ક્યાંય?
પડ્યું તિમિરે કુમુદ મીંચાય!'

ચિત્તવૃત્તિ આમ સળગ્યા જતી હતી અને તેનો ભડકો કલ્પનાના રાતાપીળા રંગધારી વધ્યા જતો હતો. જાગ્રત અવસ્થામાં સ્વપ્નની પેઠે કુમુદસુંદરીના મગજમાં સરસ્વતીચંદ્ર આબેહૂબ ખડો થયો. પળવાર એક મોટા અરણ્યમાં, બીજી પળે એક ગામડાની ભાગોળે કોઈ કણબીના ખાટલા પર, વળી એક મહાનગરના ધોરી રસ્તા પર ભીડમાં, થોડી વારમાં માંદો પડેલો ધર્મશાળામાં – એમ વિવિધ સ્થળે વિવિધ રૂપે દેખાયો. પોતાની પાસે વેશ બદલી ઊભો રહ્યો હોય અને પોતે ઠપકાભરી આંખે જોતી હોય એમ લાગ્યું. આ અવસ્થા – પતિવ્રતાધર્મથી વિરુદ્ધ તેને ઘણી વાર અનુભવવી પડતી હતી. સાસરે આવ્યા પછી આ આધિથી તે દૂબળી થઈ ગઈ હતી અને મન પણ નબળું પડ્યું હતું. એટલામાં વનલીલા છૂટી પડી હતી તે ગાતી ગાતી પાસે આવી ‘ભાભીસાહેબ, આ તો જુઓ!’ એમ બૂમ પાડી. ‘ભાભીસાહેબ, આ તો જુઓ!' એમ ફરી કહ્યું, ટકટક જોઈ રહી, કુમુદસુંદરી જાગી હોય તેમ બોલી, ‘હા, શું કહો છો?' ‘આ કૌતુક જોવું હોય તો આ ઓટલા પર કો'ક સૂતું છે. ચોપડી વાંચતાં વાંચતાં સૂતું હશે, તે ચોપડી છાતી પર પડી ગઈ છે. લોકો શું કરે છે? તળાવપરે ચોપડી!' ‘હશે આપણે શું?' પણ કલાંઠી બદલતાં કે ઊઠતાં તળાવમાં પડશે તો?' ‘જગાડો ત્યારે.’ ‘અરે ઓ ભાઈ, ઓ ભાઈ!' નવીનચંદ્ર જાગ્યો અને પાછું જોયું, ‘જરા સંભાળીને ઊઠજો. પાસું બદલતાં તળાવમાં પડાય માટે જગાડ્યા છે.' સારું કર્યું, બહેન.’ નવીનચંદ્ર બેઠો થયો. એની અને કુમુદસુંદરીની પળવાર ‘મળી દોદષ્ટ.’ નવીનચંદ્રની આંખ તો આ સહેજ હોય એમ પાછી ફરી. રાણો જતો હશે તેનો પોકાર સાંભળ્યો એટલે ચોપડી ત્યાં જ મૂકી જોવા ઊઠ્યો. ગરીબ બિચારી કુમુદસુંદરી! પોતે અને વનલીલા પાછાં ફર્યા તોપણ આંખ પાછી ફરી નહીં અને એક બાજુ આંખ અને બીજી બાજુ શરીર એમ ચાલ્યાં. ‘શું એ જ સરસ્વતીચંદ્ર? ભમતા ભમતા અહીંયાં આવ્યા હશે? મારી કેવી દશા થઈ તે જોવા અહીંયાં આવ્યા હશે? ના ના, અમે એ મારા દુ:ખની મશ્કરી કરે એવા નથી. પણ છે તો એ જ!' – નિઃશ્વાસ નાખી મન સાથે બોલી, ‘મારો હવે એની સાથે શો સંબંધ છે? એ હોય તોયે શું ને બીજો કોઈ હોય તોયે શું? ઈશ્વરે જેની સાથે પાનું પાડ્યું તે ખરો, બીજા સૌ ખોટા.’ નરમ બની મરજી ઉપરાંત વનલીલા સાથે ચાલી. વળી વિચાર થયો – ‘પણ એ જ હોય તો સારું. મારે બીજો કાંઈ સ્વાર્થ નથી, મારી પ્રીતિનો કળશ તો લગ્નથી રેડાયો તે રેડાયો. પણ અહીંયાં રહેશે તો કોઈ વખત કોઈની સાથે પણ વાત કરશે તે એકલી બેઠી બેઠી સાંભળીશ. જો એ જ હશે તો એની વિદ્યા ઢાંકી નહીં રહે. આ અવિદ્યાના દેશમાં, આ અરણ્યમાં કોઈક વખતે પણ તેનાં ઝરણ ઝરશે.’ ‘ના, ના, પણ એટલોયે સંબંધ ખોટો.' ‘પણ શાથી જાણ્યું કે આ તે જ?' ‘એ જ મુખારવિંદ. વળી પુસ્તક પાસે હતું. એ તો અમથું હોય – કોણ જાણે શું હશે... પણ એ અહીંયાં રહે તો સારું. એની સાથે બોલીશ-ચાલીશ નહીં. એના સામું જોઈશ નહીં. માત્ર એનું ક્ષેમકુશળ જાણી મને ચિંતા નહીં રહે.’ વિચારમાળાનો મેર આવ્યો. અલકકિશોરી પાસે આવી અને બોલી  ‘કેમ ભાભીસાહેબ, આજ આમ કેમ છો? કહો પિયર સાંભર્યું છે કે મારો ભાઈ સાંભર્યો છે?' ‘ઈશ્વર જાણે શાથી, આજ હું થાકી ગઈ હોઉં તેવી છું.’ એટલામાં વાડાનાં બારણાં ઊઘડ્યાં, આગળ બુદ્ધિધન અને પાછળ મૂર્ખદત્ત – અંદર આવ્યા. અલકકિશોરી, કુમુદસુંદરી, વનલીલા અને કૃષ્ણકલિકા સૌ અમાત્યની સામે ટોળું બની વીંટાઈ વળ્યાં. રાધા એકલી ફરતી હતી તેણે ઓટલા પર ચોપડી પડી દીઠી. કુમુદસુંદરીએ એના હાથમાંથી ચોપડી લઈ જોઈ. ‘શાની ચોપડી છે?' બુદ્ધિધને પૂછયું. રાધા  ‘એ તો પેલે ઓટલે પડી હતી કોકની, તે મેં આણી.’ મૂર્ખદત્ત  ‘આપણી ધર્મશાળામાં ઊતરેલા છે તેમની ચોપડી છે. એ ખોળતા હશે.’ બુદ્ધિધને ચોપડી હાથમાં લીધી અને નવીનચંદ્રે વાડામાં બોલાવવા કહ્યું. તપોધન દોડ્યો. બન્ને જણ આવ્યા. નવીનચઢે નમસ્કાર કર્યા, બુદ્ધિધને ગંભીરતાથી સ્વીકાર્યા, સ્ત્રીવર્ગ છેટે ઊભો રહ્યો, કુમુદસુંદરી ધ્રુજવા લાગી; સૌની પાછળ ઊભાં રહી બધાં પોતાને દેખે નહીં એમ નવીનચંદ્રનું મુખ ન્યાળતી હતી. તેના મનમાં એમ હતું કે જો મારી શંકા ખરી હશે તો એ મારો દૃષ્ટિપાત ખમતાં ક્ષોભ પામશે. બુદ્ધિધન  ‘તમે કયાંના વતની છો? અહીંયાં કાઈ પ્રયોજને આવવું થયું હશે.' નવીનચંદ્ર: ‘મુંબઈ ભણીથી આવું છું. રજવાડો નજરે ન્યાળવાના હેતુથી આણીપાસ આવ્યો છું.’ ‘તમે મુંબઈમાં કાંઈ ધંધો કરો છો?' ‘કહેવાય છે કે અન્નપૂર્ણા કોઈને ભૂખ્યું મૂકી સૂતી નથી; તે અનુભવવા ઇચ્છું છું. મુંબઈમાં વિદ્યાર્થી હતો. હવે અનુભવાર્થી છું.' ‘તો કાંઈ ધંધો કરો.’ ‘એક ધંધામાં એક જ જાતનો અનુભવ આવે છે. મારે સૌ જાતનો અનુભવ જોઈએ છે.’ બુદ્ધિધનને આ માણસ વિચિત્ર લાગ્યો અને કાંઈક હસવું આવ્યું. ‘તમે એ કાર્ય શી રીતે પૂરું પાડશો?' હું બોલ્યા વગર જોઈ શકું છું. કાને સાંભળેલું મનમાં રાખી શકું છું. જાતે રંગાયા વિના સૌ રંગ જોઈ શકું છું.’ બુદ્ધિધને મહામહેનતથી હસવું ખાળી રાખ્યું. એણે વિશેષ વાતચીતમાં જાણ્યું કે નવીનચંદ્ર અંગ્રેજી અને સંસ્કૃત જાણે છે ને વળી પોતાની જ જ્ઞાતિનો છે. એટલે કહ્યું  ‘અત્રે રહો ત્યાં સુધી આપણે ઘેર જમજો. ‘જેવી ઇચ્છા.’ કુમુદસુંદરીની ચિત્તવૃત્તિને ગમ્યું, તેની પતિવ્રતાવૃત્તિને ન ગમ્યું.