સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૯: Difference between revisions
No edit summary |
No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 159: | Line 159: | ||
આટલું બોલતાં બોલતાં ગળગળી થઈ ગયેલી, ઠપકો દેતી હોય તેમ ઉતાવળો ક્રોધકટાક્ષ નાખતી, દુઃખમય બાળા પોતાની મેડી ભણી દોડી. પાછું પણ જોયા વિના દ્વાર વાસી દીધાં, પલંગ પર પડી રોઈ ઊભરો કાઢ્યો અને શાંત કર્યો. શાંત થતાં સરસ્વતીચંદ્રના સઘળા પત્રો – ગઝલવાળો પત્ર – સર્વનો નાશ કરવાનો નિશ્ચય કર્યો અને અગ્નિદાહ દીધો! બળી રહેલા સર્વ પત્રોની ભસ્મ એકઠી કરી કાચની શીશીમાં રજેરજ ભરી, શીશી પર ‘મર્મદારક ભસ્મ’ એવું નામ લખ્યું. શીશી પણ નિત્ય દૃષ્ટિએ પડે એવે સ્થાને મૂકી. સરસ્વતીચંદ્રનો હવે સનાતન ત્યાગ કર્યો ગણી, ઈશ્વરકૃપાએ મહાજય પામેલી કુમુદસુંદરી તપને અંતે અસ્વપ્ન નિદ્રાને વશ થઈ. | આટલું બોલતાં બોલતાં ગળગળી થઈ ગયેલી, ઠપકો દેતી હોય તેમ ઉતાવળો ક્રોધકટાક્ષ નાખતી, દુઃખમય બાળા પોતાની મેડી ભણી દોડી. પાછું પણ જોયા વિના દ્વાર વાસી દીધાં, પલંગ પર પડી રોઈ ઊભરો કાઢ્યો અને શાંત કર્યો. શાંત થતાં સરસ્વતીચંદ્રના સઘળા પત્રો – ગઝલવાળો પત્ર – સર્વનો નાશ કરવાનો નિશ્ચય કર્યો અને અગ્નિદાહ દીધો! બળી રહેલા સર્વ પત્રોની ભસ્મ એકઠી કરી કાચની શીશીમાં રજેરજ ભરી, શીશી પર ‘મર્મદારક ભસ્મ’ એવું નામ લખ્યું. શીશી પણ નિત્ય દૃષ્ટિએ પડે એવે સ્થાને મૂકી. સરસ્વતીચંદ્રનો હવે સનાતન ત્યાગ કર્યો ગણી, ઈશ્વરકૃપાએ મહાજય પામેલી કુમુદસુંદરી તપને અંતે અસ્વપ્ન નિદ્રાને વશ થઈ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૮ | |||
|next = ૧૦ | |||
}} |
Latest revision as of 16:37, 31 May 2022
પતિનો દોષ પતિવ્રતાના મનમાં ન વસ્યો. પ્રમાદધન લીલાપુર જવા નીકળ્યો ત્યાં સુધી તે તેની જ સેવામાં રહી. પ્રમાદધન ગયો એટલે તે નીચે ઊતરી અને નણંદની આસપાસ ભરાયેલી કચેરીમાં ભળી. વરઘેલી બની આટલી વાર બેસી રહી તે વિશે સર્વેએ મશ્કરીઓ કરી અને સર્વના આનંદમાં વધારો થયો. પાછલે પહોરે સૌભાગ્યદેવી કથા કહેવડાવતી હતી. આજે સાવિત્રી – આખ્યાન ચાલતું હતું. કથા ઊઠી એટલે કુમુદસુંદરી છાનીમાની પોતાની મેડી ભણી જવા લાગી. સાવિત્રીની પવિત્ર કથાથી તે શાંત થઈ, પરંતુ કૃષ્ણકલિકાની ઘટના તેના મનમાંથી ખસતી ન હતી. આંસુ ખળાતાં ન હતાં, તે કથારસના આંસુમાં ખપ્યાં. સૌભાગ્યદેવી વહુની મુખમુદ્રા જોઈ વહેમાઈ અને વહુને પાસે બોલાવી. સાસુ પાસે આંસુ પડશે એ બીકે વહુ ઉપર ચાલી ગઈ. પેસી, સાંકળ વાસી, ટેબલ પાસે બેઠી. પુસ્તક લીધાં પણ મન પરોવાયું નહીં. પલંગ ભણી, નવીનચંદ્રની મેડીવાળા દ્વારની સાંકળ ભણી, પોતે મેડી વચ્ચોવચ બેસી રોઈ હતી તે સ્થળ ભણી, આંખે વળવા માંડ્યું. નિઃશ્વાસ ઉપર નિઃશ્વાસ નીકળવા લાગ્યા. અંતે કપાળે હાથ કૂટી, ખુરશી પર બેઠી અને પીઠ પર માથું નાખી દીધું. કલાક બે કલાક વીતી ગયા એટલે બારણું ખખડ્યું ને અલકકિશોરી અને વનલીલા અંદર આવ્યાં. વનલીલાને કુમુદસુંદરીમાં આજે ફેર લાગ્યો. વનલીલા બોલી : ‘ભાભી, આજ આખો દિવસ તમે ઉપર રહ્યાં છો. તમારે અમારા વિના ચાલ્યું પણ અમારે તમારા વિના ન ચાલ્યું.’ કીકી લગી આંસુવાળી કુમુદસુંદરી કંઈ જવાબ દઈ શકી નહીં.અંતે શેતરંજની રમત કાઢી પણ તેમાં જીવ ન પેઠો. રોજ જીતતી ભાભી દાવ પર દાવ ભૂલવા લાગી ને હારી. એટલામાં વનલીલા નવું આવેલું બુદ્ધિપ્રકાશ' લઈ આવી ને તેમાંથી ‘ચંદા' નામની વાંચવા જેવી કવિતા વાંચવા ને સમજાવવા કહ્યું. કુમુદસુંદરી સમજાવવા લાગી. આ કાવ્યમાં આવતા ‘કાળી રાક્ષસી' શબ્દો પરથી કૃષ્ણકલિકા સાંભરી આવી ને કુમુદસુંદરી હબકી ઊઠી. પણ એ ભાવ દાબી રાખ્યો. રાત્રિ પડી ને અલકકિશોરી તથા વનલીલા ગયાં. કુમુદસુંદરી એકલી પડી. ઉપરની કવિતા વારંવાર ગાઈ રહી ને ‘કૃષ્ણકલિકા! કૃષ્ણકલિકા! મેં તારું શું બગાડ્યું હતું?’ એમ કરતી નિદ્રાવશ થઈ. દુ:ખી અબળા નિદ્રામાં ને નિદ્રામાં ડૂસકાં ભરતી હતી. કલાકેક આમ સૂતી હશે ત્યાં પથારી કરવા દાસી આવી ને તેના ઘસારાથી કુમુદ જાગી. ‘ચંદા’ ફરીથી વાંચવા લાગી. ગાતાં ગાતાં આવ્યું : ને એંહ અસ્થિર મેહુલાશું કદી ભરાઉં નવ રીસે!’
એ પદ વારંવાર ગાવા લાગી. પોતે અસ્થિર પ્રમાદધન પર રિસાતી નથી એ સ્મરવા લાગી. તે હવે પ્રિય લાગવા માંડ્યો, તેની જ છબી સામેના તકતામાં જોઈ રહી, પ્રેમથી ગાવા લાગી :‘પ્રમાદધન મુજ સ્વામી સાચા!
એ વણ જુરું સર્વ બીજું!'
વિદ્યાવિનીત કુમુદસુંદરી પતિના દોષને ભૂલી તેના ગુણને જ મનમાં સંભારવા લાગી. ગમે તેવી વસ્તુ મને પોતાની કહી તો પોતાની – ઈશ્વરે જેની કરી તેની જ; ઋણાનુબંધનો યોગ જ્યાં ઘડાયો ત્યાં જ ઘડાય છે, એ આર્યચિત્ત જ સમજે છે.
નિદ્રાવશ થતી કુમુદસુંદરી સૂવાનો વિચાર કરી કમખો કાઢવા લાગી. ત્યાં પેલી સોનેરી અક્ષરવાળી પત્રિકા સરી પડી. ચિત્ત એકદમ ચમક્યું ને સજ્જ થયું. આંખે વાંચ્યું :‘શશી જતાં પ્રિય રમ્ય વિભાવરી!
થઈ રખે જતી અંધ, વિયોગથી;
દિનરૂપે સુભગા બની રહે, ગ્રહી
કર પ્રભાકરના મનમાનીતા!'
આંખ ચમકી, નિદ્રા છટકી, બુદ્ધિ જાગી. હૃદયનો નિઃશ્વાસ હોઠ ઉપર આવ્યો. ‘સરસ્વતીચંદ્ર! સરસ્વતીચંદ્ર!' કરતી ઘેલી કબાટ ભણી દોડી. તેનું મનોબળ થઈ ચૂક્યું ભાસ્યું. પ્રમાદધનમય બનેલું જીવન સરસ્વતીચંદ્રહીન થઈ શક્યું નહીં. એક ભવની પતિવ્રતા બીજા ભવના પતિને ભૂલી શકી નહીં. સરસ્વતીચંદ્રની પત્રિકાથી ઘેલી બનેલી સુંદરીએ કબાટમાંથી પોતાની સોનેરી ભાતવાળા અમ્મરના પડમાંથી પત્રોની રેશમી રૂમાલે બાંધેલી પોટલી કાઢી. તે છોડી, પળવાર પૂર્વાવસ્થામાં લીન થઈ, વર્તમાન સંસાર ભૂલી, સર્વ પત્ર વાંચી રહી છતાં ફરી વાંચવા લાગી. અંતે સરસ્વતીચંદ્રની છબી હાથમાં આવી. તે હાથમાં આવતાં મુગ્ધાનાં નેત્ર ચમકયાં, નવું તેજ આવ્યું હોય તેમ સુંદરતાના ઘૂંટડા ભરવા લાગી. તેની સાથે વાતો કરતી હોય, તેને ઠપકો દેતી હોય, તેના ઉપર ક્રોધ દર્શાવતી હોય એમ છબી જોઈ રહી. ત્યાગ કર્યા પછી ઘણે વર્ષે રામને જોતી સીતાનું હૃદય થયું હતું તેવું જ આનું હૃદય ઉપરાઉપરી નંખાતા નિઃશ્વાસમાં મૂર્તિમાન થતું હતું. આ અવસ્થામાં કલાકેક વીતી ગયો. બુદ્ધિધન હજી ઘેર આવ્યો ન હતો; ઓટલા પર સિપાઈઓ વાતો કરતા હતા. અંતે થાકી એક જણ ગાવા લાગ્યો : ‘મોરા બીલમાં કબુ ઘર આવે?' ‘બીલમા – ઓ બીલમા' કરતી અર્ધી જાગતી અર્ધી ઊંઘતી મુગ્ધા વીલે મોંએ છાનું રોવા લાગી. હૃદયને કાગળ પર ટપકાવવા લાગી. ધરતીમાં તેમ કાગળમાં ઘણા હૃદયમેઘ સમાઈ શાંત થાય છે. આંખમાં ઝળઝળિયાં આણી બોલી : ‘અરેરે સરસ્વતીચંદ્ર! મેં તમારો શો અપરાધ કર્યો હતો? દમયંતીની પણ નળે મારા કરતાં સારી અવસ્થા રાખી હતી.' એટલામાં ઘરમાં પેસતા નવીનચંદ્ર અને બુદ્ધિધનના સ્વર સંભળાયા. નવીનચંદ્રના સ્વરે મુગ્ધા પર કાંઈ નવીન અસર કરી. નવીનચંદ્ર સરસ્વતીચંદ્ર હો કે ન હો, પણ કુમુદના મનમાં ખાતરી થઈ હતી કે એ તો એ જ – બીજું કોઈ નહીં. ‘સરસ્વતીચંદ્ર-નવીનચંદ્ર! આપણો આવો સંબંધ તે ઈશ્વરે શું કરવા ઘડ્યો હશે? અરેરે! દુષ્ટ હૃદય! બાહ્ય સંસારને અનુકૂળ થઈ જતાં તે તને શા ઘા વાગે છે?' અવશ હાથ લખવા લાગ્યો : ‘પરિચિત પ્રિય રહી ઊભો પાસે, નહીં બોલે – નહીં બોલું! ‘એ પદ વારંવાર ગાતી જાય અને રોતી જાય.
હસતો હસતો, શરમાતી મુગ્ધાનો હાથ હાથમાં લેતો સરસ્વતીચંદ્ર, સ્વપ્ન પેઠે કુમુદસુંદરીએ મીંચેલી આંખથી જોયો; અંતરમાં પ્રસન્ન થવા છતાં ગભરાઈ અને ગાવા લાગી :‘ને કરતો મન્દ મન્દ ઘુઘાટ ભર આનંદશું,
ફેંકી તરંગો મુજ ભણી ધીમેધીમે નાચંત શું!'
સરસ્વતીચંદ્રને ‘ચંદા'માં આવતા સિન્ધુનું રૂપ આપતાં ‘ચંદા' જેવી કુમુદસુંદરીનું મુખ શાંત રમણીય સ્મિતથી છલકાવા લાગ્યું. એ-ની એ પંક્તિઓ વળી ગાવા લાગી. બોલતાં બોલતાં મુખ દીન થઈ ગયું. ‘ખરી વાત. મેં તે એવાં શાં પુણ્ય કર્યા હોય કે એવા મહાત્મા સાથે એથી વધારે સંબંધ રહે? એટલું લીંબુ-ઉછાળ રાજ્ય રહ્યું તેટલું ભાગ્ય મારા જેવીને ઓછું ન હતું.’ એવામાં નવીનચંદ્ર મેડીનું બારણું સપટાવ્યું અને સાંકળ દીધી, તેના ખડખડાટથી એ ચમકી. ચમકેલા ચિત્તે-કાને-નેત્ર પર બળાત્કાર કર્યો અને તે બે મેડી વચ્ચેના દ્વાર ભણી વળ્યું, તો સાંકળ ન મળે! કુમુદસુંદરી! નવીનચંદ્ર! સરસ્વતીચંદ્ર છે એ વિચારે તારું મસ્તક ભમાવ્યું? પ્રમાદધન અને કૃષ્ણકલિકાવાળા આજના જ બનાવે તારું પતિવ્રત શિથિલ કર્યું? એકાંત, અનુકૂળતા અને વૃત્તિ ત્રણેનો સંગમ થયો? ગરીબ બિચારી કુમુદ! તે ઊઠી અને ઉઘાડી સાંકળ ભણી ગઈ. બે વાર ગઈ અને બે વાર પાછી આવી. સદ્ગુણના વિચાર કરવા મંડી. ભ્રષ્ટતાની ભયંકરતા કલ્પવા લાગી. ‘એ તો જ્ઞાન મને ગમતું નથી.’ એવું એવું ગાતી વળી ઊઠી. સાંકળે હાથે અડકાડ્યો અને વળી પાછી આવી.
બુદ્ધિધનના ઘરથી થોડે જ છેટે. વનલીલાનું સાસરું હતું. આ પ્રસંગે તે અગાશીમાં સૂતેલા પતિનું માથું ખોળામાં લઈ ગાતી હતી, તે સ્વર કુમુદસુંદરીને કંપાવતા હતા.‘ઊભા રહો તો કહું વાતડી, બિહારીલાલ,
તમ માટે ગાળી છે મેં જાતડી, બિહારીલાલ,
બાંધી પ્રીતડી તે તો સદૈવ પાળિયે, બિહારીલાલ
સલિલ-મીનતણી રીત રાખી રાચિયે, બિહારીલાલ!'
કુમુદસુંદરી ઉપર મદનનું સામ્રાજ્ય થઈ ગયું. નિ:શંક બની તેણે ઉઘાડી સાંકળ ભણી દૃષ્ટિ કરી પગ ઉપાડ્યો.
અધૂરામાં પૂરો વનલીલાનો સ્વર સંભળાયો :‘શરદની રાતલડી અજવાળી રે,
કહાના તારી કીકી કામણગારી રે.’
છેલ્લું પદ ત્રણ વખત સંભળાયું. વાયુના ઝપાટાની ઝાપટથી રમણીય મંદ લીલા કરતી કુસુમલતા હલમલી જઈ અચિન્તી કંપવા માંડે તેમ કુમુદસુંદરીનું આખું શરીર ઊછળવા લાગ્યું. તેના સુંદર પ્રફુલ્લ ગાલસંપટ ચુસાવા લાગ્યા – પકવ બિમ્બોષ્ઠ માઘમાસની ઠંડીને વશ હોય તેમ સંકોચાઈ ગયા. જાણે કે આત્મભાન વિનાનું શબ ન હોય! આત્મભાનની ન્યૂનતા એ જ ઉત્કર્ષની બાધક છે. કુમુદસુંદરી દ્વાર ઉઘાડવા ગઈ. આણીપાસની સાંકળ ઉઘાડવી એના હાથમાં હતી; પેલી પાસની સાંકળ કૃષ્ણકલિકાએ ઉઘાડી હતી. પણ કુમુદસુંદરી! તું સાંકળ કેમ ઉઘાડતી નથી? બારણું કેમ ધક્કેલતી નથી? રસ્તા પરની બારીમાંથી આવતા પવનને લીધે ટેબલ પર કંપતા દીવાએ કુમુદસુંદરીની છાયા ઉઘાડવાની બારી ઉપર જ પાડી હતી. એ છાયાનું કદ કુમુદસુંદરી કરતાં મોટું હતું. દીવાની જ્યોતને અનુસરી છાયા હાલતી હતી. હથેળીની છાયા પણ કશાની ‘ના, ના’ કરતી હોય તેમ હાલતી હતી. સામેનું દ્વાર ઉઘાડવા વિષમય નાગ જેવો હાથ ધસ્યો. હાથમાં જીવ આવ્યો તેની સાથે આંખમાં પણ જીવ આવ્યો. દેશનું અંતર પળવારમાં કાપી પોતાની પ્રિય પુત્રીને ઉગારવા ગુણસુંદરીનો વત્સલ આત્મા છાયારૂપે દોડી આવ્યો હોય, તેમ દ્વાર પરની છાયા પોતાની માતા જેવી લાગી અને ધસેલા હાથને ઝાલવા જાણે છાયાહસ્ત સામો ધાયો. હાથ દ્વારને અડકતાં જ કુમુદસુંદરી ભડકી, નવો જીવ આવ્યો, અને દુર્યોધનની ભરસભામાં અશરણ દ્રૌપદીનું રક્ષણ કરવા દ્વારકાથી કૃષ્ણ આવ્યા ને પાંચાલીને જે હર્ષ થયો હતો, તેનાથી અનેકધા વિશેષ હર્ષ પામતી, પવિત્ર જનનીમૂર્તિ દેખતી બાળા પોતાની લજ્જા ઢાંકવા આવેલી જનની આગળ આંસુની ધારા સારવા લાગી. પોતે શું કહે છે – કોને કહે છે, તેનું ભાન ન રહ્યું : ‘બહેની વિશુદ્ધિ! બચી – તું મરતી – જીવી! ઓ મારી માવડી! અહીંયાં પણ મારી વિશુદ્ધિ તેં સાચવી? હેં!' પવનમાં અને છાયામાં કોઈ પવિત્ર સત્ત્વ ઊભું લાગ્યું. મુખમાં પવિત્ર કોમળ સરસ્વતી ગાનરૂપે આવી ઊભી, દીન વદને ગાયું : ‘અનાથનકે નાથ! ઓ ધાયે! પ્રભુ અનાથનકે નાથ!' એ પદની છેલ્લી લીટીઓ, ઊંચું જોઈ હાથ જોડી બોલતાં, મોં મલકાઈ ગયું, હૃદય નવા ઉમળકાથી ફૂલ્યું, માતાને બાઝી પડતી હોય તેમ છાયા ભણી હાથ પ્રસાર્યા. ઈશ્વર ક્યે માર્ગે રક્ષણ – કરશે તેની કલ્પના ક્ષુદ્ર માનવી ક્યાંથી કરવા પામશે?
નવીનચંદ્રની પવિત્રતા રક્ષવા ગાયેલી કડીઓ, પગ પાસેની સારંગી દેખાતાં, સારંગીના તાર ઉપરથી ઊડી પવનમાં તરવા લાગી – કાન પર વીંઝાવા લાગી :‘શુભ્ર સ્વર્ગમાં વસનારી તે ચળી પડી હરિશિરે,
પડવા માંડેલી પડી પાછી;
ભ્રષ્ટ થયું જરી તેનો શતમુખ વિનિપાત જ નિર્ભેલો!
વિનિપાત જ નિમેલો!'
‘મેં શું કર્યું? હું શું કરવા જતી હતી? પવિત્ર સરસ્વતીચંદ્ર, આવી અપવિત્ર સ્ત્રીથી તારી જોડ ન બંધાત, મારા જેવીનો તેં ત્યાગ કર્યો તે કેવળ ઉચિત જ થયું છે!’ જે પત્રોએ આટલો મોહ પ્રસાર્યો હતો તે પૂર્વની નિર્મળ અવસ્થાના સ્મારક ગણી, સાચવી કબાટમાં પાછા મૂક્યા. પોતે કેવા ઈશ્વરપ્રસાદથી જ ઊગરી તે યાદ કરી ‘અલકબહેન કરતાં હું ગઈ.' વિચારી અભિમાન છોડ્યું. રમતિયાળ, રસીલી, પતિવ્રતા સખી મળી તે મહાભાગ્ય માન્યું. ‘ઓ મારી વનલીલુડી, આ સુખ તને સનાતન છાજજો!' એવો આશીર્વાદ આપ્યો. સાદાં મંગળ ભૂષણવાળી, પતિ વિના જગતમાંની બીજી કાંઈ પણ વાત ન સમજનારી સૌભાગ્યદેવી ‘બાપુ, મારા જેવી જ થજે.' એવો આશીર્વાદ આપતી લાગી. ગુણસુંદરીનો પણ સ્વર સંભળાયો : ‘બહેન, હું તો આજ સુધી તારી પાસે હાજર હતી. પણ હવે તો તારી મેળે જ સંભાળવાનું છે. આટલું નાનું સરખું પણ આખા શરીરનું ભૂષણ નાક તે જાય નહીં. કર – ન – કર – તે તો તું જાણે; પણ હું તો કહું છું.’ માનો હાથ ઝાલવા પાછું જોયું તો ‘કુમુદ! જો બેટા, કોઈ નહીં હોય ત્યાં પણ ઈશ્વર સાક્ષી છે હોં! હું તો ખોટો બાપ છું, પણ મારો ને તારો બેનો ખરો બાપ તો એ છે હોં!' આમ બોલતું વત્સલ પિતાનું મુખ હવામાં દીઠું. તે ચમકી અને ઊભી થઈ તો નવીનચંદ્રવાળી મેડીની બારી આગળ સરસ્વતીચંદ્ર પોતાની પવિત્રતાની પરીક્ષા કરતો જોયો. કુમુદસુંદરી થાકી ગઈ અને ખુરસી પર બેસી રોઈ પડી. અશ્રુસ્નાનથી સંસ્કારી થઈ. હવે હૃદય હલકુંહલકું થતું અનુભવ્યું. કેટલાંક માનવી આવા યુદ્ધ-પ્રસંગ વિના પવિત્ર રહેલાં હોય છે. પ્રસંગ ન આવે તે પણ એક મહાભાગ્ય જ છે. પ્રસંગ આવ્યે શુદ્ધ જળ પામે તે તો વિરલ જ. પોતાની છાયાથી ચમકનાર અને ઉપદેશ લેનારની વિશુદ્ધિનું મહિમન ગવાય તેટલું ઓછું છે. કુમુદસુંદરી ઊઠી અને હવે શું કરવું તે વિચારવા લાગી. ‘સરસ્વતીચંદ્ર સાથે મારે હવે સંબંધ નથી એ આજથી સિદ્ધ મારો પતિ મને છાજે તો ઘણું છે. પણ સરસ્વતીચંદ્રની એક સેવા કરવાનું મારા હાથમાં છે. મુંબઈ જઈ દેશસેવા કરે એટલું એને હું સમજાવી ન શકું? એની પાસે જવામાં ત્રિશુદ્ધિને ભય ખરો? હા. મારોયે વિશ્વાસ નહીં ને એનોયે વિશ્વાસ નહીં. પણ ચંદ્રકાંત આવે છે તે પહેલાં નાસી જશે તો? કાંઈ પણ ઉપાય હોય તો તે આજની રાતમાં જ છે. મારા વિના બીજા કોઈના હાથમાં એ ઉપાય નથી. હવે વિશુદ્ધિ નિર્ભય છે. મારી માતા! તારી પવિત્રતા એ મારું અભેદ્ય કવચ છે. પવિત્ર સાસુજી! તમારો આશીર્વાદ ફરે એવો નથી, ત્યારે મલિન વિચાર જખ મારે છે.' આટલું બોલી ખુરસી પર બેઠી અને જે કાગળ પર પ્રથમ લખવા માંડ્યું હતું તે જ કાગળની પીઠ પર ભૂલથી લખવા માંડ્યું : ‘પર થયેલા સ્વજન!’ તારી સાથે મને બોલવાનો હવે મને અધિકાર નથી, તો ચિત્ત પોતાનો રસ્તો લેખ દ્વારા કરે છે. એ ચિત્ત પર તને કાંઈ પણ અનુકંપા હોય, એ તારે સારુ બળે છે તેમ એને સારુ તારું ચિત્ત રજ પણ બળતું હોય તો મારી છેલ્લી – પહેલી પ્રાર્થના સુણી લે. અને કાંઈ પણ બોલવાને ઠેકાણે સિદ્ધ કર. ઘુવડની દૃષ્ટિ ગઈ તો તે તેનાં કર્મ! પણ દિવસ જોનાર! નયન તારે છે તે તો ઉઘાડ!
અવનિ પરથી નભ ચડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં :ટૂંકું કર્મ ટૂંકું રહેવાને સરજેલું આ ધરતીમા. ૧
નભ વચ્ચોવચ રંગીન થાતાં ગરુડરાજની પાંખ થકી,
સુભગ ઘડીક એ બન્યું : નવાઈ ન, એ દશા જો ના જ ટકી. ૨
પણ ઊંચા નભના સંચારી પક્ષિરાજ, તું આવ્યો આ
ધરતી પર, ત્યાંથી ઊડ પાછો; પક્ષહીનનો દેશ જ આ. ૩
નહીં ઉડાયે પોતાથી – પણ પ્રિયની વિમાનગતિ જોઈ,
રાચવું એટલું રહ્યું ભાગ્ય તે રાખ! નીકર રહીશું રોઈ. ૪
કહેનારે કહેવાનું કહી દીધું; સહેનાર સહેશે-હજી કેટલું સહન કરાવવું – તે તારા હાથમાં છે.’ કાગળ લખી રહી અને હાથમાં લીધો. ‘આ પત્ર હું એમના ખીસામાં મૂકીશ – અને જાગતા હશે તો એમના ઉપર નાખી પાછી આવતી રહીશ. એમની સાથે બોલીશ નહીં, એમના સામું જોઈશ નહીં. અંબા! મારી સાથે ચાલ.’ આટલું બોલી એકદમ ઊઠી અને બારણું ઉઘાડી અંદર આવી ઊભી. આણીપાસ નવીનચંદ્ર બુદ્ધિધનની સાથે મોડી રાત્રે ઘેર આવી મેડીમાં આવ્યો. કાલ શું થવાનું છે તેની કલ્પના, બુદ્ધિધનનું કારભારતંત્ર, પોતાનું ઘર, કુમુદસુંદરી, પોતાનો નીકળવાનો વિચાર, આ સઘળું નવીનચંદ્રના મસ્તકમાં ઊભરાવા લાગ્યું. ખાટલા ઉપર તેને ચટપટી થઈ. તેમાં કુમુદસુંદરીના અવ્યકત સ્વર ને સૂક્ષ્મ રુદનથી તે વધારે ચોંક્યો. ખાટલા પરથી ઊતરી પ્રથમની લખેલી કવિતામાં કેટલીક ઉમેરવા બેઠો સૂતો સૂતો પોતે લખેલું વાંચવા લાગ્યો ને એટલામાં આંખો મીંચાઈ. એવામાં કુમુદસુંદરી અંદર આવી ને નવીનચંદ્રના ખીસામાં પત્ર મૂક્યો. નવીનચંદ્રે તે જોયું. પત્ર મૂકી કુમુદસુંદરીએ પાછું જવાનું કર્યું. પણ નવીનચંદ્રની છાતી પર પત્ર દીઠો. ધીમે રહીને પત્ર ખેંચવા લાગી. કોણ જાણે નવીનચંદ્રની ઇચ્છાથી કે કોણ જાણે કુમુદસુંદરીની ચતુરતાથી આખો પત્ર સરતો સરતો હાથમાં આવ્યો. કુમુદસુંદરીએ અક્ષર ઓળખ્યા. સરસ્વતીચંદ્ર ખરો! એના શરીર પર મુગ્ધ નયન ચોંટ્યાં. જે શરીર પર પોતે અત્યંત ઉલ્લાસથી પિતાને ઘેર છાની છાની જોઈ રહેતી તે શરીર ખરું – માત્ર કૃશ અને વિવર્ણ થયું હતું. છાતી ઉપર પાંસળીઓ સ્પષ્ટ દેખાતી હતી. મુખ પર લાલાશ ન હતી. અને લક્ષાધિપતિનો બાળક ઘરબાર તજી, આમ અનાથ જેવો પોતાને વાસ્તે જ ભમે છે, એ વિચારે સૂતેલું શરીર રોતી રોતી જોવા લાગી.
મનમથ તો કેવળ ભસ્મસાત્ જેવો થયો; પણ પ્રિયદુ:ખ દુઃસહ થઈ પડ્યું. અંતે રોતી રોતી વાંકી વળી પત્ર વાંચવા લાગી; ગઝલ ગાવા લાગી :દીધાં છોડી પિતામાતા, તજી વ્હાલી ગુણી દારા,
ગણ્યા ના મર્મ ભેદાતા : લીધો સંન્યાસ એ, ભ્રાત! ૧
પિતાકાજે તજી વ્હાલી, ન માની વાત મેં તારી!
ગણ્યા ના ગાઢ નિઃશ્વાસ : લીધો સંન્યાસ એ, ભ્રાત! ૨
થયો દારુણ મનમાન્યો, વિફળ થઈ સ્નેહની સાનો,
હવે સુકુમાર ઉર ફાટી જતું જોવું રહ્યું બાકી. ૩
અહો ઉદાર વ્હાલી રે! સતી તું શુદ્ધ શાણી રે!
છૂટે ના તે નભાવી લે! પડ્યું પાનું સુધારી લે! ૪
અહો ઉદાર વ્હાલી રે! ન નિવારાયું ભાવિ રે,
ન ભૂલાતું તું ભૂલી જા! વિધિનું પાયું તે પી જા. ૫
હતી લક્ષ્મી! હતા તાત! હતી વ્હાલી! હતો ભ્રાત!
નહીં! – ત્યારે – નહીં કાંઈ ન લેવું સાથ કંઈ સાહી. ૬
અહો ઓ જીવ મારા રે! દઈ આ દંશ દારાને,
ઘટે ના ભોગ-સંસાર, ઘટે ના શાંત સંન્યાસ. ૭
હવે સ્વચ્છન્દચારી હું! યદૃચ્છાવેશધારી હું!
પતંગો ઊડતી જેવી-હવે મારી ગતિ તેવી.
નહીં ઊંચે-નહીં નીચે મળે આધાર, ધન હીંચે,
નિરાધારા-નિરાકાર હવે મારીય એ ચાલ.
સ્ફુરે પોતે ન દેખાય કુમુદની ગન્ધ ગ્રહી વાય,
અરણ્યે એકલો વાયુ! જીવન એ ભાવિ છે સારું. ૧૦
જહાંગીરી-ફરી એ! લલાટે છે લખાવી મેં!
પ્રજાએ હું ‘નૃપાળ'એ હું! ઉરે, ઓ એકલી તું-તું! ૧૧
કવિતા પર ઠેકાણે ઠેકાણે લખનારનાં આંસુ પડવાથી ઘણાક અક્ષરો ચેરાયા હતા. ઘણેક ઠેકાણે આંસુના ડાઘ ભીના અને તાજા હતા. જેમજેમ વધારે વાંચતી થઈ તેમતેમ કુમુદસુંદરીના મર્મ ચિરાવા લાગ્યા, દુઃખનો પાર રહ્યો નહીં. આંસુનો અવધિ દેખાયો નહીં. અંતે શોકનું શિખર આવ્યું. કવિતા પૂરેપૂરી વંચાઈ રહ્યા પછી કુમુદસુંદરી ત્રિદોષ થયો હોય તેમ એમાંની કેટલીક લીટીઓ ફરી બોલવા લાગી. વીજળી શિર પર પડતાં નાજુક વેલી બળી જાય તેમ મૂર્છા પામી કુમુદ ઢળી પડી; તેનું લોહી ફટકી ગયું. સરસ્વતીચંદ્ર સફાળો ઊઠ્યો : ઊભો થયો. મુંબઈ જવાનો ઉપદેશ કરવા આવેલીને ઉત્તર મળી ચૂક્યો. પોતાના ઉપર સરસ્વતીચંદ્રની નિર્મળ પ્રીતિ, છતાં કરેલો ત્યાગ, ત્યાગ છતાં ન ખસતો હૃદયસંબંધ, સંબંધ છતાં પવિત્ર અને સ્નેહભર ઉપદેશ, કુમુદસુંદરીને આવો ઉપદેશ કરવા છતાં પોતાનો ભીષ્મ સંન્યાસ, એ સંન્યાસ મારા પરની પ્રીતિને લીધે જ છે એ બુદ્ધિ, હવે શું થશે તેની અમંગળ શંકાઓ – એવા અનેક તર્ક-વિતર્કથી હૃદય શોકમૂર્છિત થયું. પરગૃહમાં આ દશા ઉઘાડી પડે – કોઈ દ્વાર ઉઘાડે – તો શી અવસ્થા થાય તેનો વિચાર કરવા અવસર ન હતો. ખાટલાના પાયા આગળ નિર્માલ્ય કુસુમમાળા પેઠે – પડી રહેલી કુમુદસુંદરીના મુખ આગળ સરસ્વતીચંદ્ર બેઠો. લોકવ્યવહાર ભૂલી જઈ તેનું માથું ખોળામાં લઈ આસનાવાસના કેવી રીતે કરવી તે વિચારવા લાગ્યો. પોતાની મેડીમાં કોઈને બોલાવવું પણ શી રીતે? સર્વ ઉપાય પરવશ રહ્યા. ‘કુમુદસુંદરી! કુમુદસુંદરી! ઊઠો ઊઠો! આપણી ફજેતી થશે. અસત્ય આરોપ આવશે. સાચું કોઈ માનશે નહીં!' એમ વારંવાર કહેવા લાગ્યો, પણ કુમુદસુંદરી જાગી નહીં.
ચંદ્રને ઢાંકી ઊભેલી અને તેના તેજથી ચળકતી નાની રૂપેરી વાદળીની પેઠે ખાટલાની ઈસ નીચે કુમુદસુંદરી પડી હતી. કરુણ રસ ચક્રવર્તી થયો. આખરે મહાપ્રયાસે કુમુદસુંદરી જાગી અને સરસ્વતીચંદ્રના ખોળામાં પોતાનું માથું જોઈ એકદમ આઘી બેઠી. જયવંત વિશુદ્ધિ ઉભય ચિત્તમાં શાંતિનો વર્ષાદ વર્ષાવવા લાગી. ઘરથી આઘે રાત્રે કામ કરવા રોકાયેલી મજૂર સ્ત્રીઓ છોબન્ધ ટીપતી ટીપતી રાગ લંબાવતી ગાતી હતી અને નિયમસર ટીપતાં ધબકારા વડે તાલ દેતી હતી.‘અખંડ ર્હો મારી અખંડ રહો આ અખંડ માઝમ રાત.
પિયુ વિના મારો કેમે કર્યો પેલો દિવસડો નવ જાય!’
આ સ્વર સાંભળી કુમુદસુંદરીનાં રોમેરોમ ઊભાં થયાં. પણ રેતીમાં પડેલી રેખા વાયુથી ઘસાઈ જાય તેમ મૂર્છાનો આવેશ અદૃશ્ય બની ગયો. સરસ્વતીચંદ્ર આ પ્રસંગે ખાટલામાં નીચું જોઈ બેઠો બેઠો પળ વાર ઊંડા વિચારમાં ડૂબી ગયો. એટલામાં કુમુદસુંદરીના મુખમાંથી શબ્દ નીકળવા લાગ્યા. કોઈ મંદિરમાં સ્થાપેલી મૂર્તિ બોલી ઊઠતી હોય, રૂપાની ઘંટડીઓ અચિંતી વાગવા માંડતી હોય, કોમળતા, સુંદરતા, મધુરતા, પવિત્રતા અને ગંભીરતા એ સર્વ એકરૂપ બની ઉપદેશ કરવા આવી હોય, તેમ કુમુદસુંદરી અપૂર્વ તેજ ધારી બોલવા લાગી. ‘તમારી સાથે બોલવાનો મારો અધિકાર તમે જ નષ્ટ કર્યો છે, છતાં કોણ જાણે શાથી હું આજ બોલું છું – પણ તે છેલવહેલું જ બોલું છું. મારી ભૂત, વર્તમાન, ભવિષ્ય અવસ્થા જાણવાનો અધિકાર તમે જ તજી દીધો છે – તમને એમ જ ગમ્યું – તમારી ઇચ્છા. એટલું જ કહું છું કે ભૂલેચૂકે બીજી કોઈ ભાગ્યહીનની એ અવસ્થા ન કરશો. મારે કહેવાનું તે તમારા ખીસામાંના પત્રમાં છે – એટલું પણ તમે મારું હિત કરશો – એટલું પણ સંભાળશો – એવો મને વિશ્વાસ નથી. વિશ્વાસ કેવી રીતે રાખું? સરસ્વતીચંદ્ર! કૃપા કરી, દયા આણી, મુંબઈ જાઓ. શું ભણેલાઓ સર્વ તમારા જેવા હશે? મુંબઈ જાઓ કે મારા પિતાને મળો. પણ આમ ક્રૂર ન થશો. પતંગ પેઠે રહો – કે સમુદ્રના મોજા પેઠે રહો – કે વાયુ પેઠે રહો! એ સર્વ નિર્દયતા રચતાં તમને કોઈ રોકે એમ નથી! જીવતી છતાં ચિતા વચ્ચે બેઠેલી, તેને કંઈ નાસવાનું છે? તમે છૂટ્યા, પણ મારાથી કંઈ છુટાયું? બળીશું, ઝળીશું, કે મરીશું – વજ્ર જેવું આ કાળજું ફાટશે તે સહીશું – થશે તે થવા દઈશું – તેમાં તમારે શું? તમારે તમારી સ્વતંત્રતા અખંડ રહો – એટલે થયું. ઉત્તર મારે નથી જોઈતા – ઈશ્વર તમને સદ્બુદ્ધિ આપો.' આટલું બોલતાં બોલતાં ગળગળી થઈ ગયેલી, ઠપકો દેતી હોય તેમ ઉતાવળો ક્રોધકટાક્ષ નાખતી, દુઃખમય બાળા પોતાની મેડી ભણી દોડી. પાછું પણ જોયા વિના દ્વાર વાસી દીધાં, પલંગ પર પડી રોઈ ઊભરો કાઢ્યો અને શાંત કર્યો. શાંત થતાં સરસ્વતીચંદ્રના સઘળા પત્રો – ગઝલવાળો પત્ર – સર્વનો નાશ કરવાનો નિશ્ચય કર્યો અને અગ્નિદાહ દીધો! બળી રહેલા સર્વ પત્રોની ભસ્મ એકઠી કરી કાચની શીશીમાં રજેરજ ભરી, શીશી પર ‘મર્મદારક ભસ્મ’ એવું નામ લખ્યું. શીશી પણ નિત્ય દૃષ્ટિએ પડે એવે સ્થાને મૂકી. સરસ્વતીચંદ્રનો હવે સનાતન ત્યાગ કર્યો ગણી, ઈશ્વરકૃપાએ મહાજય પામેલી કુમુદસુંદરી તપને અંતે અસ્વપ્ન નિદ્રાને વશ થઈ.