સત્યના પ્રયોગો/વિલાયતમાં: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading| ૧૩. આખરે વિલાયતમાં | }} {{Poem2Open}} સ્ટીમરમાં મને દરિયો તો જરાયે...") |
No edit summary |
||
Line 28: | Line 28: | ||
પેલી કોટડીમાં પણ હું ખૂબ મૂંઝાયો. દેશ ખૂબ યાદ આવે. માતાનો પ્રેમ મૂર્તિમંત થાય. રાત પડે એટલે રડવાનું શરૂ થાય. ઘરનાં અનેક પ્રકારનાં સ્મરણોની ચડાઈથી નિદ્રા તો શાની આવી જ શકે? આ દુઃખની વાત કોઈને કરાય પણ નહીં, કરવાથી ફાયદો પણ શો? હું પોતે જાણતો નહોતો કે કયા ઇલાજથી મને આશ્વાસન મળે. લોકો વિચિત્ર, રહેણી વિચિત્ર, ઘરો પણ વિચિત્ર. ઘરોમાં રહેવાની રીતભાત પણ તેવી જ. શું બોલતાં ને શું કરતાં એ રીતભાતના નિયમોનો ભંગ થતો હશે એનું પણ થોડું જ ભાન. સાથે ખાવાપીવાની પરહેજી અને ખાઈ શકાય તેવો ખોરાક લૂખો અને રસ વિનાનો લાગે. એટલે મારી દશા સૂડી વચ્ચે સોપારી જેવી થઈ પડી. વિલાયત ગમે નહીં ને પાછા દેશ જવાય નહીં. વિલાયત આવ્યો એટલે ત્રણ વર્ષ પૂરાં કરવાનો જ આગ્રહ હતો. | પેલી કોટડીમાં પણ હું ખૂબ મૂંઝાયો. દેશ ખૂબ યાદ આવે. માતાનો પ્રેમ મૂર્તિમંત થાય. રાત પડે એટલે રડવાનું શરૂ થાય. ઘરનાં અનેક પ્રકારનાં સ્મરણોની ચડાઈથી નિદ્રા તો શાની આવી જ શકે? આ દુઃખની વાત કોઈને કરાય પણ નહીં, કરવાથી ફાયદો પણ શો? હું પોતે જાણતો નહોતો કે કયા ઇલાજથી મને આશ્વાસન મળે. લોકો વિચિત્ર, રહેણી વિચિત્ર, ઘરો પણ વિચિત્ર. ઘરોમાં રહેવાની રીતભાત પણ તેવી જ. શું બોલતાં ને શું કરતાં એ રીતભાતના નિયમોનો ભંગ થતો હશે એનું પણ થોડું જ ભાન. સાથે ખાવાપીવાની પરહેજી અને ખાઈ શકાય તેવો ખોરાક લૂખો અને રસ વિનાનો લાગે. એટલે મારી દશા સૂડી વચ્ચે સોપારી જેવી થઈ પડી. વિલાયત ગમે નહીં ને પાછા દેશ જવાય નહીં. વિલાયત આવ્યો એટલે ત્રણ વર્ષ પૂરાં કરવાનો જ આગ્રહ હતો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Revision as of 22:34, 11 July 2022
સ્ટીમરમાં મને દરિયો તો જરાયે ન લાગ્યો. પણ જેમ દિવસ જાય તેમ હું મૂંઝાતો જાઉં. ‘સ્ટુઅર્ડ’ની સાથે બોલતાં શરમ લાગે. અંગ્રેજીમાં વાત કરવાની મને ટેવ જ નહોતી. મજમુદાર સિવાયના બીજા મુસાફરો અંગ્રેજ હતા. તેમની સાથે બોલતાં ન આવડે. તેઓ મારી સાથે બોલવાનો પ્રયત્ન કરે તો હું સમજું નહીં, ને સમજું ત્યારે જવાબ કેમ દેવો એની ગમ ન પડે. દરેક વાક્ય બોલતાં પહેલાં મનમાં ગોઠવવું જોઈએ. કાંટા-ચમચા વડે ખાતાં ન આવડે, અને કઈ વસ્તુ માંસ વિનાની હોય એ પૂછવાની હિંમત ન ચાલે. એટલે હું ખાણાના ટેબલ ઉપર તો કદી ગયો જ નહીં. કોટડીમાં જ ખાતો. મુખ્યત્વે મારી સાથે મીઠાઈ વગેરે લીધાં હતાં તેની ઉપર જ નિભાવ કર્યો. મજમુદારને તો કશો સંકોચ નહોતો. તે તો સૌની સાથે ભળી ગયેલા. ડેક ઉપર પણ છૂટથી જાય. હું તો આખો દહાડો કોટડીમાં ભરાઈ રહું. ક્વચિત્ ડેક ઉપર માણસો થોડા હોય તે વેળા થોડી વાર ત્યાં બેસી આવું. મજમુદાર મને બધાની સાથે ભળી જવાનું, છૂટથી વાતો કરવાનું સમજાવે; વકીલની જીભ છૂટી હોવી જોઈએ એમ પણ મને કહે; પોતાના વકીલ તરીકેના અનુભવો વર્ણવે; અંગ્રેજી આપણી ભાષા ન કહેવાય, તેમાં ભૂલ તો પડે જ, છતાં બોલવાની છૂટ રાખવી જોઈએ, વગેરે કહે. પણ હું મારી ભીરુતા ન છોડી શકું.
મારી દયા ખાઈ એક ભલા અંગ્રેજે મારી જોડે વાતો શરૂ કરી. પોતે ઉંમરે મોટા હતા. હું શું ખાઉં છું, કોણ છું, ક્યાં જાઉં છું. કેમ કોઈની સાથે વાતચીત કરતો નથી, વગેરે સવાલ પૂછે. મને ખાણા ઉપર જવાનું સૂચવે. માંસ ન ખાવાના મારા આગ્રહ વિશે સાંભળી તે હસ્યા ને મારી દયા લાવી બોલ્યા, ‘અહીં તો (પોર્ટ સેડ પહોંચ્યા પહેલાં) ઠીક જ છે, પણ બિસ્કેના ઉપસાગરમાં પહોંચીશ ત્યારે તું તારા વિચાર ફેરવીશ. ઇંગ્લંડમાં તો એટલી ટાઢ પડે છે કે માંસ વિના ન જ ચાલે.’
મેં કહ્યું, ‘મેં સાંભળ્યું છે કે ત્યાં લોકો માંસાહાર વિના રહી શકે છે.’
તેઓ બોલ્યા, ‘એ ખોટી વાત માનજે. મારી ઓળખાણના એવા કોઈને હું નથી જાણતો કે જે માંસાહાર ન કરતા હોય. જો, હું દારૂ પીઉં છું તે પીવાનું હું તને નથી કહેતો, પણ માંસાહાર તો કરવો જોઈએ એમ મને લાગે છે.’
મેં કહ્યું, ‘તમારી સલાહને સારું હું આભાર માનું છું, પણ તે ન લેવા હું મારા માતુશ્રીની સાથે બંધાયેલો છું. તેથી તે મારાથી ન લેવાય. જો તે વિના નહીં જ ચાલતું હોય તો હું પાછો હિંદુસ્તાન જઈશ, પણ માંસ તો નહીં જ ખાઉં.’
બિસ્કેનો ઉપસાગર આવ્યો. ત્યાં પણ મને તો ન જરૂર જણાઈ માંસની કે ન જણાઈ મદિરાની. માંસ ન ખાધાનાં પ્રમાણપત્રો એકઠાં કરવાની મને ભલામણ થઈ હતી. તેથી આ અંગ્રેજ મિત્રની પાસેથી મેં પ્રમાણપત્ર માગ્યું. તેમણે તે ખુશીથી આપ્યું. તે મેં કેટલાક સમય સુધી ધનની જેમ સંઘરી રાખેલું. પાછળથી મને ખબર પડી કે પ્રમાણપત્રો તો માંસ ખાતા છતાંયે મેળવાય છે, એટલે તેના ઉપરનો મારો મોહ નાશ પામ્યો. જો મારા શબ્દ ઉપર વિશ્વાસ ન રહે તો આવી બાબતમાં પ્રમાણપત્ર બતાવીને મારે શો લાભ ઉઠાવવો હોય?
સુખદુઃખે મુસાફરી પૂરી કરી સાઉથેમ્પ્ટન બંદર ઉપર અમે આવી પહોંચ્યા. આ શનિવાર હતો એવું મને સ્મરણ છે. હું સ્ટીમર ઉપર કાળાં કપડાં પહેરતો. મિત્રોએ મારે સારુ એક સફેદ ફલાલીનનાં કોટપાટલૂન પણ કરાવ્યાં હતાં. તે મેં વિલાયતમાં ઊતરતાં પહેરવા ધારેલું, એમ સમજીને કે સફેદ કપડાં વધારે શોભે! હું આ ફલાલીનના કપડાં પહેરીને ઊતર્યો. સપ્ટેમ્બર આખરના દિવસો હતા. આવાં કપડાં પહેરનારો મને એકલાને જ મેં જોયો. મારી પેટીઓ અને તેની ચાવીઓ તો ગ્રિન્ડલે કંપનીના ગુમાસ્તા લઈ ગયા હતા. સહુ કરે તેમ મારે પણ કરવું જોઈએ એમ સમજીને મેં તો મારી ચાવીઓ પણ આપી દીધેલી!
મારી પાસે ભલામણના ચાર કાગળો હતા : દાક્તર પ્રાણજીવન મહેતા ઉપર, દલપતરામ શુક્લ ઉપર, પ્રિન્સ રણજીતસિંહજી ઉપર અને દાદાભાઈ નવરોજી ઉપર. મેં દાક્તર મહેતાની ઉપર સાઉધેમ્પ્ટનથી તાર કરેલો. સ્ટીમરમાં કોઈએ સલાહ આપેલી કે વિક્ટોરયા હોટેલમાં ઊતરવું. તેથી મજમુદાર અને હું તે હોટેલમાં ગયા. હું તો મારાં સફેદ કપડાંની શરમમાં જ સમસમી રહ્યો હતો. વળી હોટેલમાં જતાં ખબર પડી કે વળતો દિવસ રવિવારનો હોવાથી સોમવાર લગી ગ્રિન્ડલેને ત્યાંથી સામાન નહીં આવે. આથી હું મૂંઝાયો.
સાતઆઠ વાગ્યે દાક્તર મહેતા આવ્યા. તેમણે પ્રેમમય વિનોદ કર્યો. મેં અજાણતાં એમની રેશમનાં રૂંવાંવાળી ટોપી જોવા ખાતર ઉપાડી, અને તેના ઉપર ઊલટે હાથ ફેરવ્યો. એટલે ટોપીનાં રૂંવાં ઊભાં થયાં. દાક્તર મહેતાએ જોયું. તરત જ મને અટકાવ્યો. પણ ગુનો તો થઈ ચૂક્યો હતો. ફરી પાછો ન થાય એટલું જ તેમના અટકાવવાનું પરિણામ આવી શક્યું.
અહીંથી યુરોપના રીતરિવાજો વિશેનો મારો પહેલો પાઠ શરૂ થયો ગણાય. દાક્તર મહેતા હસતા જાય અને ઘણી વાતો સમજાવતા જાય. કોઈની વસ્તુને ન અડકાય; જે પ્રશ્નો કોઈ જોડે ઓળખાણ થતાં હિંદુસ્તાનમાં સહેજે પૂછી શકાય છે એવા પ્રશ્નો અહીં ન પુછાય; વાતો કરતાં ઊંચો સાદ ન કઢાય; હિંદુસ્તાનમાં સાહેબોની સાતે વાત કરતાં ‘સર’ કહેવાનો રિવાજ છે એ અનાવશ્યક છે, ‘સર’ તો નોકર પોતાના શેઠને અથવા પોતાના ઉપરી અમલદારને કહે. વળી તેમણે હોટેલમાં રહેવાના ખરચની પણ વાત કરી અને સૂચવ્યું કે કોઈ ખાનગી કુટુંબમાં રહેવાની જરૂર પડશે. એ વિશે વધુ વિચાર સોમવાર લગી મુલતવી રહ્યો. કેટલીક ભલામણો આપી દાક્તર મહેતા વિદાય થયા.
હોટેલમાં તો અમને બન્નેને આવી ભરાયા જેવું લાગ્યું. હોટેલ પણ મોંઘી. માલ્ટાથી એક સિંધી ઉતારુ ચડેલા, તેમની સાથે મજમુદાર ઠીક હળી ગયા હતા. આ સિંધી ઉતારુ લંડનના ભોમિયા હતા. તેમણે અમારે સારુ બે કોટડીઓ રોકી લેવાનું માથે લીધું. અમે સંમત થયા અને સોમવારે સામાન મળ્યો તેવો જ બિલ ચૂકવીને પેલા સિંધી ભાઈએ રાખેલી કોટડીમાં અમે પ્રવેશ કર્યો. મને યાદ છે કે મારા ભાગમાં હોટેલનું બિલ લગભગ ત્રણ પાઉન્ડ આવ્યું હતું. હું તો આભો જ બની ગયો. ત્રણ પાઉન્ડ આપવા છતાં ભૂખ્યો રહ્યો. હેટેલના ખાવામાંનું કંઈ ભાવે નહીં. એક વસ્તુ લીધી તે ન ભાવી. બીજી લીધી. પણ પૈસા તો બન્નેના જ આપવા જોઈએ. મારો આધાર હજુ મુંબઈથી લીધેલા ભાતા ઉપર હતો એમ કહીએ તો ચાલે.
પેલી કોટડીમાં પણ હું ખૂબ મૂંઝાયો. દેશ ખૂબ યાદ આવે. માતાનો પ્રેમ મૂર્તિમંત થાય. રાત પડે એટલે રડવાનું શરૂ થાય. ઘરનાં અનેક પ્રકારનાં સ્મરણોની ચડાઈથી નિદ્રા તો શાની આવી જ શકે? આ દુઃખની વાત કોઈને કરાય પણ નહીં, કરવાથી ફાયદો પણ શો? હું પોતે જાણતો નહોતો કે કયા ઇલાજથી મને આશ્વાસન મળે. લોકો વિચિત્ર, રહેણી વિચિત્ર, ઘરો પણ વિચિત્ર. ઘરોમાં રહેવાની રીતભાત પણ તેવી જ. શું બોલતાં ને શું કરતાં એ રીતભાતના નિયમોનો ભંગ થતો હશે એનું પણ થોડું જ ભાન. સાથે ખાવાપીવાની પરહેજી અને ખાઈ શકાય તેવો ખોરાક લૂખો અને રસ વિનાનો લાગે. એટલે મારી દશા સૂડી વચ્ચે સોપારી જેવી થઈ પડી. વિલાયત ગમે નહીં ને પાછા દેશ જવાય નહીં. વિલાયત આવ્યો એટલે ત્રણ વર્ષ પૂરાં કરવાનો જ આગ્રહ હતો.