નરસિંહથી ન્હાનાલાલ/૨૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ગુજરાતી સાહિત્ય પરિષદ:  એક સદીને અંતે | }} {{Poem2Open}} આજે ગુજરા...")
(No difference)

Revision as of 22:29, 12 July 2022


ગુજરાતી સાહિત્ય પરિષદ:  એક સદીને અંતે

આજે ગુજરાતી સાહિત્ય પરિષદ એનાં સો વર્ષ પૂરાં કરે છે. આવતી કાલે એનો નવી સદીમાં પ્રવેશ થાય છે. આજથી બરોબર સો વર્ષ પૂર્વે ૧૯૦૫ના જૂનની ૩૦મીએ અમદાવાદમાં એનો જન્મ થયો હતો. એના પિતા હતા રણજિતરામ વાવાભાઈ મહેતા. નર્મદ અને ગાંધીજીની વચમાં કરોડોમાં એક એવા કોઈ સ્વપ્નશીલ અને કર્મશીલ ગુજરાતી થયા હોય તો તે રણજિતરામ! કેટકેટલાં સ્વપ્નો હતાં એમને ગુજરાત માટે! ગુજરાતના જીવનના એકેએક મહત્ત્વનાં ક્ષેત્ર – સામાજિક, શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક-માં કેટકેટલું કરવાનાં એમનાં સ્વપ્ન હતાં! એ સૌમાં એમનું એકમાત્ર ધ્યેય હતું ગુજરાતની એકતા, ગુજરાતની અસ્મિતા. કોઈપણ પ્રદેશ અને એની પ્રજાની અસ્મિતા સિદ્ધ કરવાનું સર્વશ્રેષ્ઠ સાધન છે ભાષા. ભાષાથી એની ઓળખ થાય છે. કોઈપણ પ્રજાના જીવનનાં અન્ય ક્ષેત્રોમાં સર્વસંમતિ હોય કે ન હોય, પણ ભાષાના ક્ષેત્રમાં – લિપિ, જોડણી તથા કોશ, વ્યાકરણ અંગે – તો અનિવાર્યપણે સર્વસંમતિ હોય છે. એથી ગુજરાત અને ગુજરાતી પ્રજાની અસ્મિતા ગુજરાતી ભાષા દ્વારા જ સિદ્ધ થાય એ એમની પ્રતીતિ હતી. એમનામાં ઇતિહાસદૃષ્ટિ હતી. એ માત્ર સ્વપ્નશીલ ન હતા, એ કર્મશીલ પણ હતા. એથી જીવનભર એમણે એમનું આ સ્વપ્ન સાકાર કરવા માટે અખૂટ પરિશ્રમ અને અતૂટ પુરુષાર્થ કર્યો હતો. રણજિતરામનો જન્મ ૧૮૮૧માં સૂરતમાં, પણ એમનું મોટા ભાગનું શિક્ષણ અમદાવાદમાં. આરંભનો અભ્યાસ મિશન સ્કૂલમાં. ૧૮૯૯માં મૅટ્રિક થયા. ૧૯૦૨માં ગુજરાત કૉલેજમાંથી બી.એ. થયા. ૧૮૯૭માં તે સમયના પાંચમા ધોરણમાં હતા ત્યારે જ યુવાનોનું એક મંડળ ‘ધ યંગ મેન્સ યુનિયન’ સ્થાપવામાં આવ્યું હતું. પછી ૧૮૯૯માં એમાંથી ‘ધ સોશિયલ ઍન્ડ લિટરરી એસોસિયેશન’ અને એમાંથી પછી ૧૯૦૩માં ‘ધ લિટરરી એસોસિયેશન’નો જન્મ થયો, એનું ગુજરાતી નામ તે ‘ગુજરાત સાહિત્યસભા.’ ૧૯૦૫માં ‘ગુજરાત સાહિત્યસભા’ના ઉપક્રમે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નો આરંભ થયો. આ સૌ સંસ્થાઓના અગ્રણી પ્રણેતા હતા રણજિતરામ. ૧૯૧૭માં એમનું અવસાન થયું. ૧૯૦૫થી ૧૯૧૭ લગીનાં ૧૨ વર્ષોમાં પરિષદનાં પાંચ અધિવેશનો યોજાયાં હતાં. આ વર્ષોમાં રણજિતરામ વિદ્યમાન હતા. આશ્ચર્યનું આશ્ચર્ય તો એ છે કે તેઓ એક વાર પણ પરિષદના પ્રમુખ થયા ન હતા, એટલું જ નહિ, તેઓ મંત્રીપદે પણ રહ્યા ન હતા. એટલા નમ્ર અને નિ:સ્પૃહ હતા રણજિતરામ! ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન ૧૯૦૫ના જૂનની ૩૦મીએ અમદાવાદમાં પ્રેમાભાઈ હૉલમાં ગોવર્ધનરામ ત્રિપાઠીના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. ૧૮૫૧માં નર્મદે ‘મંડળી’ અંગે અને ૧૮૮૫માં મણિલાલ નભુભાઈએ ‘સમાજ’ અંગે જે આશા વ્યક્ત કરી હતી તે આમ આ ‘પરિષદ’રૂપે ફળી હતી. ફ્રેન્ચ એકૅડેમી એ ગુજરાતી સાહિત્ય પરિષદનો આદર્શ હતો. રમણભાઈ નીલકંઠે એમના સ્વાગત-પ્રવચનમાં અને રણજિતરામે આ પ્રથમ અધિવેશનના રીપોર્ટ (૧૯૦૭)ના ‘આમુખ’માં પરિષદના વિશિષ્ટ ઉદ્દેશો અને જેમાં સાહિત્ય ઉપરાંત જ્ઞાનની સૌ શાખા-પ્રશાખાઓ, અન્ય કલાઓ આદિ સમાજની અન્ય સંસ્કારપ્રવૃત્તિઓને માટે અવકાશ હોય એવા વ્યાપક કાર્યપ્રદેશનો આલેખ – ‘ગુજરાતી ભાષા અને સાહિત્યનો ઉત્કર્ષ અને તે દ્વારા ગુજરાતના સમાજનો ઉત્કર્ષ’ – આપ્યો હતો. પરિષદના ઉપક્રમે પ્રથમ વાર જ ગુજરાતના લગભગ સૌ વિદ્યાપુરુષો – સાક્ષરો, વિદ્વાનો અને પંડિતોનું એક જ સમયે એક જ સ્થળે મિલન થયું હતું. ગુજરાતના સાંસ્કૃતિક જીવનની આ ઐતિહાસિક ઘટના છે. વળી ૧૯૦૫નું વર્ષ, પરિષદના જન્મનું વર્ષ એ ગોવર્ધનરામ ત્રિપાઠીની સુવર્ણજયંતીનું, અર્ધશતાબ્દીનું પણ વર્ષ હતું. એ પણ એક સુખદ યોગાનુયોગ હતો. પરિષદના પ્રથમ અધિવેશનમાં પ્રમુખના વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન ઉપરાંત મુખ્યત્વે લિપિ, જોડણી, વ્યાકરણ, પરિભાષા, સંશોધન આદિ વિષયો પરના નિબંધોનું વાચન કરવામાં આવ્યું હતું અને એ વિશે ચર્ચા કરવામાં આવી હતી. પરિષદનાં અધિવેશનોમાં પ્રમુખનું વ્યાખ્યાન, નિબંધોનું વાચન અને એ વિશે ચર્ચા થાય એ પરિષદની પરંપરા હતી. નિબંધો માટે આમંત્રણ આપવામાં આવતું હતું અને પસંદગીના નિબંધોનું વાચન થતું હતું.

– ૧૯૦૭માં પરિષદનું બીજું અધિવેશન મુંબઈમાં કેશવ હર્ષદ ધ્રુવના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. એમાં પૂર્વોક્ત વિષયો ઉપરાંત અન્ય કળાઓ આદિ વિષયો પરના નિબંધનું વાચન થયું હતું. એથી પરિષદના કાર્યપ્રદેશ અંગે વાદવિવાદ થયો હતો.
– ૧૯૦૯માં પરિષદનું ત્રીજું અધિવેશન રાજકોટમાં અંબાલાલ સાકરલાલના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. અંબાલાલ સાહિત્યકાર ન હતા, પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને ઉદ્યોગપતિ હતા. એથી પરિષદના પ્રમુખ અંગે વાદવિવાદ થયો હતો.
– ૧૯૧૫માં પરિષદનું પાંચમું અધિવેશન સૂરતમાં નરસિંહરાવ દિવેટિયાના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. પ્રમુખપદેથી એમણે ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશે એક અત્યંત મનનીય વ્યાખ્યાન કર્યું હતું.

૧૯૨૦માં પરિષદનું છઠ્ઠું અધિવેશન અમદાવાદમાં યોજવામાં આવ્યું હતું. આ અધિવેશનના સમયની એક ઘટના પણ અત્યંત નોંધપાત્ર છે. પરિષદે રવીન્દ્રનાથ ટાગોરને અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું. ગાંધીજીએ એ આમંત્રણનો સ્વીકાર કરવા ટાગોરને ભારપૂર્વક ભલામણપત્ર લખ્યો હતો અને ટાગોર અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા હતા. પરિષદે એમને માનપત્ર અર્પણ કર્યું હતું. ટાગોરે આ પ્રસંગે એમનું એક ઉત્તમ વ્યાખ્યાન – ‘Creation and Construction’ – કર્યું હતું. પરિષદે એમના માનમાં વિક્ટોરિયા ગાર્ડનમાં ભોજનસમારંભનું આયોજન કર્યું હતું. એમાં ટાગોરની સાથે ગાંધીજી અને ક્ષિતિમોહન સેન ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ટાગોર અને ગાંધીજી અમદાવાદમાં એકસાથે હોય એવો આ પ્રસંગનો એક યાદગાર ફોટોગ્રાફ અસ્તિત્વમાં છે. ૧૯૨૬માં પરિષદનું આઠમું અધિવેશન મુંબઈમાં રમણભાઈ નીલકંઠના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. પ્રમુખપદેથી એમણે ગુજરાતી પિંગળ અને સાહિત્ય વિશે વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. ૧૯૨૮માં પરિષદનું નવમું અધિવેશન નડિયાદમાં આનંદશંકર ધ્રુવના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. પ્રમુખપદેથી એમણે સમગ્ર ગુજરાતી સાહિત્ય વિશે અત્યંત મનનીય વ્યાખ્યાન કર્યું હતું. ‘પરિષદની પહેલી પચીસીની કારકિર્દી અત્યંત ઉજ્જ્વળ અને સમૃદ્ધ હતી.’ આ સમયમાં આરંભમાં ૧૯૦૭માં પરિષદના બીજા અધિવેશન પ્રસંગે પરિષદના કાર્યપ્રદેશ અંગે વાદવિવાદ થયો હતો. પરિષદનો કાર્યપ્રદેશ માત્ર સાહિત્યમાં જ સીમિત હોય કે એમાં જ્ઞાનની સૌ શાખા-પ્રશાખાઓ, અન્ય કળાઓ આદિ સમાજની અન્ય સંસ્કારપ્રવૃત્તિઓનો સ્વીકાર હોય. આ સમયમાં સમગ્ર ગુજરાતની સંસ્કારપ્રવૃત્તિઓ માટે પરિષદ જ એકમાત્ર સંસ્થા હતી. એથી પરિષદના કાર્યપ્રદેશનો સમાજની અન્ય સૌ સંસ્કાર-પ્રવૃત્તિઓ લગી વિસ્તાર કરવામાં આવ્યો હતો. ૧૯૦૯માં પરિષદના ત્રીજા અધિવેશન પ્રસંગે અંબાલાલ સાકરલાલની પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. અંબાલાલ અગ્રણી અર્થશાસ્ત્રી અને ઉદ્યોગપતિ હતા પણ સાહિત્યકાર ન હતા, એથી પરિષદના પ્રમુખ અંગે વાદવિવાદ થયો હતો. પરિષદના પ્રમુખ માત્ર સાહિત્યકાર જ હોય કે અન્ય ક્ષેત્રની અગ્રણી વ્યક્તિ પણ હોય. પ્રમુખની પસંદગી પ્રસ્તાવ અને અનુમોદનથી થતી હતી. સૌ સંસ્થાઓની જેમ સાહિત્યસંસ્થાને પણ એનું બંધારણ હોય. પણ જેમાં માત્ર સંવાદિતાનું જ વાતાવરણ હોય એવી સાહિત્યસંસ્થામાં ચૂંટણી ન થાય અને સર્વાનુમતિથી, સર્વસંમતીથી પ્રમુખની પસંદગી થાય એ એના ગૌરવ માટે ઇષ્ટ છે. માત્ર ગુજરાતી ભાષા અને સાહિત્યનો જ ઉત્કર્ષ નહિ પણ ગુજરાતના સમાજનો પણ ઉત્કર્ષ એ પરિષદનો ઉદ્દેશ હતો. એથી પરિષદના પ્રમુખ તરીકે મોટે ભાગે સાહિત્યકારની જ પસંદગી કરવામાં આવી હતી. પણ પરિષદના સો વર્ષના ઇતિહાસમાં ત્રણ વાર સાહિત્યકાર ન હોય પણ અન્ય ક્ષેત્રની અગ્રણી વ્યક્તિ હોય એવા પ્રમુખ અર્થશાસ્ત્રી અંબાલાલ સાકરલાલ, ધારાશાસ્ત્રીઓ ભૂલાભાઈ દેસાઈ અને હરસિદ્ધભાઈ દિવેટિયાની પસંદગી કરવામાં આવી હતી. ૧૯૩૬માં પરિષદનું બારમું અધિવેશન અમદાવાદમાં ગાંધીજીના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. પ્રમુખપદેથી એમણે સાહિત્ય વિશેના એમના મૌલિક વિચારો વ્યક્ત કરતું વ્યાખ્યાન આપ્યું હતું. આ પૂર્વે ૧૯૨૪માં પરિષદમાં કનૈયાલાલ મુનશીનો પ્રવેશ થયો હતો. ૧૯૨૪માં પરિષદનું સાતમું અધિવેશન ભાવનગરમાં યોજવામાં આવ્યું હતું. એ સમયે અને ત્યાર પછી રમણભાઈ નીલકંઠ આદિએ એક બંધારણ રચ્યું હતું. પછી ૧૯૨૬માં પરિષદનું આઠમું અધિવેશન મુંબઈમાં રમણભાઈ નીલકંઠના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. એમાં મુનશીએ પરિષદનું બંધારણ અવ્યવહારુ અને અયોગ્ય છે એવી દલીલ સાથે એમનું પોતાનું નવું ૫૨ (પછીથી ૫૮) કલમો સાથેનું ચુસ્ત બંધારણ મંજૂરી માટે રજૂ કર્યું હતું. એ જ ક્ષણે બલવન્તરાય ઠાકોર એ બંધારણનું જે સ્વરૂપ હતું એ પરથી એમાં મુનશીનો અંગત સ્વાર્થ અને સત્તાનો આશય કળી ગયા હતા. એથી એમણે એ બંધારણ બિનલોકશાહી અને સરમુખત્યારશાહી બંધારણ છે એવો આક્ષેપ કર્યો હતો અને એ અંગે ચર્ચા કરવાનો આગ્રહ કર્યો હતો. આરંભમાં તો મુનશીએ અને એમના ‘હાજી-જનો’એ એ આક્ષેપ અંગેની ચર્ચા કાનૂન બહાર છે અને એથી એ અપ્રસ્તુત છે એવી દલીલ સાથે વધુ ચર્ચા ન થાય એવો પ્રપંચ કર્યો હતો. પણ પ્રમુખ રમણભાઈએ એ ચર્ચા પ્રસ્તુત છે અને એ ચર્ચા કરવાનો બલવન્તરાયનો અધિકાર છે એવું અનુમોદન આપ્યું હતું, એથી ચર્ચા ચાલુ રહી હતી. ૧૯૨૮માં પરિષદનું નવમું અધિવેશન નડિયાદમાં આનંદશંકર ધ્રુવના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું એમાં પણ આ ચર્ચા ચાલુ રહી હતી. ૧૯૩૧માં પરિષદનું દસમું અધિવેશન પણ નડિયાદમાં પ્રખર ધારાશાસ્ત્રી ભૂલાભાઈ દેસાઈના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું, છતાં આ અધિવેશનમાં મુનશીનું બંધારણ પસાર કરવામાં આવ્યું હતું. ૧૯૩૬માં પરિષદનું બારમું અધિવેશન અમદાવાદમાં ગાંધીજીના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. થોડાંક વર્ષોથી જાહેરમાં અને વર્તમાનપત્રોમાં પરિષદના બંધારણ વિરુદ્ધ આક્ષેપો સાથે ચર્ચાઓ ચાલતી જ હતી. વળી બલવન્તરાય અને અન્ય સાહિત્યપ્રેમીઓ તરફથી બંધારણ વિશે વિગતે માહિતી મળતી હતી એથી ગાંધીજીને બંધારણમાં સુધારાની અગત્ય વિશે પ્રતીતિ હતી જ. એથી બંધારણ સુધારા સમિતિ માટેનો પ્રસ્તાવ ગાંધીજીએ જ પ્રમુખપદેથી રજૂ કર્યો હતો. મુનશીએ એક વરસ લગી સમિતિની કોઈ પણ બેઠક યોજી ન શકાય એવો પ્રપંચ કર્યો હતો. પછી ગાંધીજી બીજા વરસમાં સુધારા અંગે સક્રિય થશે એવી શંકાથી એમ થાય તે પૂર્વે જ મુનશીએ ગાંધીજીના બે વર્ષના બંધારણીય કાર્યકાળનો એક વર્ષ પછી બહાનાં બતાવીને ગેરબંધારણીય નીતિરીતિથી અંત આણ્યો હતો. પછી ૧૯૩૭માં પરિષદનું તેરમું અધિવેશન કરાંચીમાં યોજવામાં આવ્યું ત્યારે મુનશીના નવા બંધારણ અનુસાર પ્રમુખપદે મુનશીની પસંદગી કરવામાં આવી હતી. એમાં એમણે પ્રમુખપદેથી બંધારણ સુધારા સમિતિએ કશું જ કર્યું નથી એવા આક્ષેપ સાથે સમિતિનું વિસર્જન કર્યું હતું. આમ, મુનશીએ એમની યુક્તિપ્રયુક્તિઓના પ્રપંચ દ્વારા એમના નવા બંધારણને ‘જીવલેણ ઘાત’માંથી બચાવ્યું હતું. પરિષદના આ બિનલોકશાહી અને સરમુખત્યારશાહી બંધારણના અનિષ્ટના મૂળમાં હતી પરિષદની મધ્યસ્થ સભા. એમાં ૬૦ સભ્યો હતા, જેમાં સામાન્ય સભ્યોએ ચૂંટ્યા હોય એવા તો માત્ર ૧૨ જ સભ્યો હતા, એટલે કે એકપંચમાંશ સભ્યો હતા. કોઈપણ લોકશાહી બંધારણમાં મધ્યસ્થ સભામાં જેમને સામાન્ય સભ્યોએ ચૂંટ્યા હોય એવા સભ્યોની જ બહુમતી હોય. પરિણામે મધ્યસ્થ સભા પ્રમુખપદ માટે ચાર ઉમેદવારોની પેનલનું સૂચન કરે, એમાં એક સિવાયના બીજા ત્રણ ઉમેદવારો સૂત્રધારની ઇચ્છા પ્રમાણે આપોઆપ રાજીનામાં સુપરત કરે – રાજીનામાં સુપરત કરવાની સમજૂતીથી જ એમનાં નામોની ભલામણ થાય – એવી પરંપરા હતી. એથી પરિષદ એક વ્યક્તિ અને એક કાયમી સત્તાજૂથની ખાનગી મિલકત હોય એવું એનું સ્વરૂપ હતું. આમ, સૂત્રધાર અથવા સૂત્રધાર જેને ઇચ્છે એ વ્યક્તિ જ પ્રમુખ થાય એવી પરંપરા હતી. સામાન્ય સભાના સભ્યોએ પ્રમુખની પસંદગી કરી હોય એવો એક પણ પ્રસંગ બન્યો ન હતો. પરિણામે આ પચીસ વરસમાં મુનશી ત્રણ વાર પરિષદના પ્રમુખ થયા હતા. પરિષદના સો વરસના ઇતિહાસમાં કોઈ પણ વ્યક્તિ – એ ગમે તેટલી મહાન હોય, એ ગોવર્ધનરામ હોય કે ગાંધીજી હોય – એકથી વધુ વાર પ્રમુખપદે રહી ન હતી. ૨૦મી સદીના બે મહાન કવિઓ ન્હાનાલાલ અને બલવન્તરાય તથા પરિષદના પિતા રણજિતરામ એક વાર પણ પ્રમુખ થયા ન હતા. આમ, ૧૯૩૧થી ૧૯૫૫ લગી – પચીસ વર્ષ લગી મુનશીએ પરિષદનો સ્વાર્થ અને સત્તાના સાધન તરીકે દુરુપયોગ કર્યો હતો. આ સમયમાં સાચા સાહિત્યકારો પરિષદથી વિમુખ થયા હતા, એટલું જ નહિ, એમને પરિષદથી શરમ અને સંકોચનો અનુભવ થયો હતો. પરિષદમાં સર્જકતા અને વિદ્વત્તાનું વાતાવરણ ન હતું, એટલું જ નહિ, પણ સાહિત્ય માટે નહિ પણ રજવાડી ઠાઠમાઠના ભોજનસમારંભો તથા મનોરંજન-કાર્યક્રમોમાં જ મોટે ભાગે પરિષદનાં ધન, શક્તિ અને સમયનો અપવ્યય થતો હતો. આમ, પરિષદ એની બીજી પચીશીમાં એક નિર્જીવ અને નિર્માલ્ય સંસ્થા હતી, એ વિશે બલવન્તરાયે એમના ‘પરિષદમુક્તિ’ વ્યાખ્યાનમાં ભારે હૃદયથી કહ્યું હતું : ‘પરિષદ-પ્રવૃત્તિ આવા એકહથ્થુ દોર તળે રિબાય તે કરતાં તો તેને દફનાવી દેવી બહેતર.’ ૧૯૪૪માં ભાવનગરમાં બલવન્તરાયે પૂર્વોક્ત ‘પરિષદમુક્તિ’ વ્યાખ્યાન કર્યું હતું. ૧૯૨૪થી, આંરભથી જ ૨૦ વર્ષથી તેઓ પરિષદની મુક્તિ માટે એના બંધારણ વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યા હતા. આ વ્યાખ્યાનમાં એમણે અંતે સાહિત્યકારોની નવી પેઢીને સંઘર્ષ માટે આહ્વાન કર્યું હતું. પરિષદનો ત્યાગ કરીને નવી પરિષદ સ્થાપવાથી જૂની પરિષદ સાથે સ્પર્ધા થાય એ ઇષ્ટ નથી એથી એમણે બંધારણમાં મૂલગામી સુધારા કરવાનું અને પરિષદનું લોકશાહીકરણ કરવાનું સૂચન કર્યું હતું અને વિસ્તારથી વિગતવાર એ સુધારાનો ઉલ્લેખ કર્યો હતો. ૧૯૫૫માં પરિષદનું ઓગણીસમું અધિવેશન મુનશીના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું ત્યારે બારેક વર્ષ પછી જાણે કે બલવન્તરાયના વ્યાખ્યાનની પ્રેરણાથી ઉમાશંકર જોશીના નેતૃત્વમાં અધિવેશનના થોડાક દિવસ અગાઉ ગુજરાતના લગભગ ૧૦૦ જેટલા સાહિત્યકારો અને સંસ્કારસેવકોની સહીઓ સાથે બંધારણ વિરુદ્ધ એવું નિવેદન વર્તમાનપત્રોમાં પ્રગટ કરવામાં આવ્યું હતું. પછી પત્રકારપરિષદમાં પણ એ નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું. આમ, એ નિવેદન ગુજરાતની સમગ્ર પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. ૧૯૫૫ના ઑક્ટોબરની ૨૭મીએ સવારે અધિવેશનના ઉદ્ઘાટનસમયે પ્રવેશદ્વાર પર એ નિવેદન સૌ સભ્યોને આપવામાં આવ્યું હતું. મુનશીનું અધિવેશનના સભામંડપમાં આગમન થયું ત્યારે એ નિવેદન પ્રવેશદ્વાર પર જ એમને પણ આપવામાં આવ્યું હતું. ૧૯૪૭ પછી લોકશાહી સ્વાતંત્ર્યના યુગમાં હવે એમનું બંધારણ કાળગ્રસ્ત હતું એથી પછી તે જ દિવસે મને-કમને એમણે પરિષદનો ત્યાગ કર્યો હતો અને બંધારણમાં સુધારા માટેની સમિતિ નીમીને નવી પેઢીના સાહિત્યકારોને પરિષદ સુપરત કરી હતી. આમ, જે નડિયાદમાં પરિષદ બંધનગ્રસ્ત બની હતી તે જ નડિયાદમાં પરિષદ એની અર્ધશતાબ્દીના વર્ષમાં – સુવર્ણજયંતીના વર્ષમાં મુક્ત બની હતી. ૧૯૫૫ અને ૧૯૫૮ની વચમાં પરિષદનું નવું લોકશાહી બંધારણ થયું પછી ૧૯૫૯માં પરિષદનું વીસમું અધિવેશન અમદાવાદમાં કાકા કાલેલકરના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. હવે પરિષદના પ્રમુખની પસંદગી પરિષદના સૌ સામાન્ય સભ્યો ચૂંટણી દ્વારા કરે છે. મોટે ભાગે બિનહરીફ ઉમેદવાર હોય છે ત્યારે ચૂંટણીની જરૂર હોતી નથી, એથી ચૂંટણી વિના પ્રમુખની પસંદગી થાય છે. આજે પરિષદમાં ૩૦૦૦ જેટલા સામાન્ય સભ્યો છે. પરિષદની બીજી અર્ધશતાબ્દીમાં લોકશાહી બંધારણને કારણે પરિષદ એક જીવંત અને જ્વલંત સાહિત્ય સંસ્થારૂપે ફૂલીફાલી છે. ૧૯૬૦થી જ જ્ઞાનસત્રની એક નવી પ્રવૃત્તિનો આરંભ કરવામાં આવ્યો હતો. અગાઉ અધિવેશનો અનિયતકાલીન હતાં, હવે નિયતકાલીન થાય છે. એક વરસે અધિવેશન અને એક વરસે જ્ઞાનસત્ર, એમ દર બે વરસે અધિવેશન અને દર બે વરસે જ્ઞાનસત્ર નિયમિત યોજવામાં આવે છે. અગાઉ પરિષદના પ્રમુખપદે ક્યારેક સાહિત્યેતર ક્ષેત્રની વ્યક્તિની પણ પસંદગી થતી હતી. હવે પરિષદના પ્રમુખપદે માત્ર સાહિત્યકારની જ પસંદગી થાય છે. આજ લગીમાં ૧૯૬૦થી ૨૦૦૪ લગીમાં કુલ ૨૩ અધિવેશનો અને ૨૩ જ્ઞાનસત્રો યોજવામાં આવ્યાં છે. અધિવેશનો નગરોમાં અને જ્ઞાનસત્રો ગ્રામવિસ્તારોમાં યોજવામાં આવે છે. વળી ૭ અધિવેશનો ગુજરાતની બહાર ભારતનાં અન્ય નગરો – કોલકતા, દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, પૂણે, કોઈમ્બતૂર, કોલકતા-(બીજી વાર)માં પણ યોજવામાં આવ્યાં હતાં. પરિષદનો કાર્યપ્રદેશ માત્ર સાહિત્યમાં જ સીમિત કરવામાં આવ્યો છે. ૧૯૦૫માં પરિષદનો જન્મ થયો ત્યારે સમગ્ર ગુજરાતમાં પરિષદ જ જ્ઞાન-કળા-સંસ્કારની પ્રવૃત્તિઓની એકમાત્ર સંસ્થા હતી. એથી પરિષદના કાર્યપ્રદેશમાં સાહિત્યેતર અને અન્ય પ્રવૃત્તિઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને કાર્યપ્રદેશનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. પણ હવે તો ગુજરાતમાં આ સૌ સાહિત્યેતર પ્રવૃત્તિઓની અનેક સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થાઓ છે. એથી હવે આ અન્ય પ્રવૃત્તિઓએ પરિષદના આશ્રિત અને ઉપજીવી થવાનું ન હોય. પરિષદના સાહિત્યમાં સીમિત એવા કાર્યપ્રદેશમાં સર્જન, વિવેચન, સંશોધન, પરિસંવાદ એ મુખ્ય વિભાગો છે. પરિષદ એને પ્રાપ્ત એવાં દાનોમાંથી દર વરસે સાહિત્યનાં વિવિધ સ્વરૂપોનાં પુસ્તકોને ૪૦ પુરસ્કારો અર્પણ કરે છે, ઉપરાંત ૧ સન્માન પણ અર્પણ કરે છે. વરસભર ૧૨ વ્યાખ્યાનમાળાઓ, ૭ સ્વાધ્યાયપીઠો, ૧૧ પ્રકાશનશ્રેણીઓની પ્રવૃત્તિઓ નિયમિત ચાલે છે. પરિષદ પુસ્તકપ્રદર્શનો પણ યોજે છે. પરિષદનું એક સમૃદ્ધ અને સુસજ્જ ગ્રંથાલય છે. ક. લા. સ્વાધ્યાયમંદિર, બુધસભા તથા અનુવાદકેન્દ્રની પ્રવૃત્તિઓ પણ નિયમિત ચાલે છે. પરિષદે ગુજરાતમાં પ્રથમ વાર જ ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ભાગ ૧થી ૪’ તથા ‘સાહિત્યકોશ – ભાગ ૧થી ૩’ એવાં બે અત્યંત મૂલ્યવાન પ્રકાશનો અનેક સાહિત્યકારો અને વિદ્વાનોના વર્ષોના પરિશ્રમ પછી પ્રગટ કર્યાં છે. સાહિત્ય-વિવેચન-સંશોધન માટે ૧૯૬૦થી ‘પરબ’ અને પછીથી ભાષાવિજ્ઞાન માટે ‘ભાષા-વિમર્શ’ એવાં બે સામયિકોનું પ્રકાશન થાય છે. કવિતાપઠન માટે ‘આપણો કવિતાવારસો’ અને વાર્તાપઠન માટે ‘પાક્ષિકી’ની પ્રવૃત્તિઓ પણ નિયમિત ચાલે છે. આ પ્રજાકીય સંસ્થામાં ૭ ટ્રસ્ટીઓ છે.