કાવ્યમંગલા/અભયદાને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અભયદાને|}} <poem> આભમાં ઝૂમે ઝુમ્મર તારા :::રાત રમે રંગવાટે, ઘૂઘવે ઘેરાં પાતાળપાણી :::નાવ મારી છે ઘાટે; ::સાગર તેડે હાથ પસારી, ::હૈડું હલકે ભાન વિસારી, ::નાવડી નાચે નૌતમ મારી ::::ધીરા પ્રેમ...")
(No difference)

Revision as of 06:08, 15 September 2022

અભયદાને

આભમાં ઝૂમે ઝુમ્મર તારા
રાત રમે રંગવાટે,
ઘૂઘવે ઘેરાં પાતાળપાણી
નાવ મારી છે ઘાટે;
સાગર તેડે હાથ પસારી,
હૈડું હલકે ભાન વિસારી,
નાવડી નાચે નૌતમ મારી
ધીરા પ્રેમળ તાને,
નાવ મેં મેલી સાગરખોળે
તારા અભય દાને. ૧૦

સાગર ગાંડો ઊછળી ઊછળી
ભેટવા મને આવે,
પાતાળ કેરાં પારસ મોતી
ગૂંથી હારલા લાવે;
હોડલી કાપે માઝાર પાણી,
પાંપણ મારી પ્રેમભીંજાણી,
હસતી ચંદા આભની રાણી
વ્યોમના વિતાને,
સાગર હૃદય ચંદ નાવ
સૂતાં એક બિછાને. ૨૦

આભ ચીરી ત્યાં વાદળ આવ્યાં,
વાયરે ઝુમ્મર ફોડયાં,
વડવાનલે ભભકી મીઠાં
સાગરસોણલાં તોડ્યાં,
ચંદ્ર પડ્યો તિમિરજાળે;
દોડતાં મોજાં ડુંગરફાળે,
અંતર ઊથલે શોકની પાળે,
વ્હાલપ કેરે બ્હાને
કોઈ પાપીડે ફસવી મારી
નાજુક નાવ તુફાને. ૩૦

સાગર ગેબથી ઘોર ગોરંભતી
ગીતની મૃદંગ બાજી,
અંધાર ચીરી આશા આવી,
અંગ ત્યાં પુલક્યાં રાજી;
સુકાન છોડી, લંગર તોડી,
સઢ ચઢાવી સાતે ય, છોડી
નાવડી જાણે આરબ ઘોડી,
રૌદ્ર જીવનતાને,
ખોળલે તારે ખેલવા મેલી
નાવડી અભય દાને. ૪૦
(જુલાઈ, ૧૯૨૮)