વસુધા/ભક્તિ–ધન નારદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ભક્તિ–ધન નારદ|}} <poem> <center>[સ્વ. પંડિત નારાયણ મો. ખરેને અંજલિ]</center> તંબૂરે તાર તૂટ્યા છે, તૂટ્યો તંબૂર આજ છે, મૃત્યુના તીવ્ર સૂરોથી ઘેરાતી આજ સાંજ છે. ::: સ્મરાવતી સાંજ અનેક સાંજને, ::: જ...")
(No difference)

Revision as of 06:20, 10 October 2022

ભક્તિ–ધન નારદ
[સ્વ. પંડિત નારાયણ મો. ખરેને અંજલિ]

તંબૂરે તાર તૂટ્યા છે, તૂટ્યો તંબૂર આજ છે,
મૃત્યુના તીવ્ર સૂરોથી ઘેરાતી આજ સાંજ છે.

સ્મરાવતી સાંજ અનેક સાંજને,
જગાવતા સૂર અનેક સૂરને,
ને ભગ્ન તંબૂર વિદારી હૈયું
વ્હેતાં કરે નીર કંઈ સ્મૃતિનાં.

અહો, તમારા મુખથી સ્રવંતાં
સુગીત મૃત્યુંજય શક્તિ અર્પતાં,
ને વેદનાઓ કપરી વિયોગની
આશ્વાસને ડૂબી જતી હતી કેઃ ૧૦

અબ હમ અમર ભયે, ન મરેંગે.
ત્યાં પામતું મૃત્યુ જ મૃત્યુ જાતે,
અને નવોલ્લાસની વલ્લરીઓ
ઉર પ્રદેશે વળી પાંગરી રહે.

પુષ્ટ એ કંઠેથી ગાન ઝરતું ભક્તિસંભર,
ઝરે કો ગિરિથી જેમ મુક્તકલ્લોલ નિર્ઝર.

એ ભદ્ર કાયા ગિરિ જેમ ઉન્નત
નિહાળતાં ખ્યાલ મને થતો કદી,
કે મૃત્યુ અને શિખરે જતાં જતાં
હાંફી, થાકી, પાછું જાશે ફરી જ! ૨૦

પણ એ ઘર નાસંતું, બીતું ને હાંફતું પશુ
તમોને શીંગની ટોચે ભરાવી સ્હેલમાં જશે
એ તો ન મેં કલ્પ્યું હતું કદી યે.

કલ્પના–સત્ય—નામેળ જવલ્લે મળતા જગે,
સત્યને આજ આલંબી કલ્પના દ્રવતી દૃગે.

*

ભલે ગયા! એ પથના જનારને
રોકી શકે કોઈ નહીં કદી યે,
એ દ્વારની પૂંઠળ છૂપનારને
ભાળી શકે કોઈ નહીં કદી યે,
પરંતુ, એ પંડિતજી! શું થંભશે ૩૦
એ ગુફ્તગો આપણ અંતરોની?

હવે તમે સુસ્થિત સ્થાનમાં છો,
જ્યાંથી કદી ના પડવા તણો ભો;
મૃત્યુશિરે આપ વિરાજી હાવાં
ગાઈ શકો અમૃતગાન નિત્ય.

શું ગાન ગાશો?

સંધ્યા સમે, નિર્મળ નીરને તટે,
રેતી વિષે, કોમળ તેજમંડપે,
જ્યાં મ્હેકતી સૌરભ તે મહાત્મા–
તણાં તપો-જીવન-વલ્લરીની, ૪૦

બિછાતી જ્યાં પુષ્પ પથારીઃ જે ખિલ્યાં
સ્મિતોતણી પાંદડી–ડાંખળીએ
સુચિંતનોની, તપભૂમિ આંગણે;
ગુંજેલ ત્યાં મંજુલ ગાન-ધૂનોઃ

વેદાદિ સ્તોત્ર, સુરદાસનાં સુખી
સુરમ્ય ગીતો, તુલસીની મંજરી
ભક્તિ ભરી, ને મલકંત મીરાં
મંજીર હાથે રૂમઝૂમ નર્તતી
ગોપાલ સામે, નરસિંહ ઘેલો
હાથે લઈને કરતાલ કૂજતો ૫૦
પ્રભાતિયાં વૈષ્ણવ આરઝૂનાંઃ–

ભક્તો ભવાદિ થકી આજકાલના
કંઠે તમારે જીવતા થઈ જતા
નદીતણા ‘સા’ સ્વરભૂમિકા પરે.

કે શૂર સંગ્રામની વેદિકા પે
સુદીર્ઘ પંથે ડગ દીર્ઘ માંડતાં,
લાખો તણી મેદનીના મહાધ્વનિ
નિર્ઘોષ ઉદ્ઘોષની ભૂમિકા પરે
જમાવતા રાઘવકેરી ધૂનઃ
યદા મહા રાવણ જીતવાને, ૬૦
સ્વાતંત્ર્યસીતા ગૃહ લાવવાને
સેના બઢંતી નર–વાનરોની,
સંગ્રામશીંગું ત્યહીં તીવ્ર ફેંકતાઃ
કેઃ–શૂર સંગ્રામ થકી ન ભાગે;
અને વળી,
સંગ્રામસૂતા નરને નિવા૫ની
દેતા તમે અંજલિ ગીતગૂંથી;
મરેલને ઈશ્વરધામ દાખવી,
ખેલાવી કે મંગલમંદિરો ને
પ્રભુપ્રદેશે પધરાવતા, અને ૭૦
જીવન્તને અગ્રત મૃત્યુ કેરું
પિવાડતા ગાઈ હલેકથી મીઠી:
અમે હવે ના મરીએ, અમર બન્યા.

વળી કદી મંગલમંત્ર ઉચ્ચરી,
ઉજ્જવાલ વહ્નિ હવિપુષ્ટ પાસમાં
કરે કરો મેળવી, પ્રાણસાંકળી
દેતા ગુંથી કૈં નવલોહિયાંની,
બની જતા જીવનના પુરોહિત!

વિશ્વનાં વિ૨હો દર્દો નામર્દાઈ નિવારતા,
ગીતના ઓસડે મીઠા, ધન્વંતરિ શું રાજતા! ૮૦
શોક-માંગલ્યને ટાણે, બલિ ને તપની ક્ષણે,
તિતિક્ષા ત્યાગની તાલે, ઝુલાવી ગીતપામરી,
ત્રૈલોક્યે ભમતા જાણે કે ભક્તિ-ધન નારદ!

*

ભલે તમે ગીતકલાવિદોમાં
ઉચ્ચોચ્ચ સ્થાને નથી કો એમ ક્હે,
ન જાણતા એ પણ કે સુગીતની
કળા અનોખી સરજી તમે ય છેઃ

સ્વાતંત્ર્યપાંખે ચડવું અને ત્યાં
ફના થવું, એક ફકીરી લેઈ,
ભક્તિ-સદાચાર-કલા ત્રિવેણી ૯૦
ગૂંથી, રચી જીવનકેરી માલા,
અર્પી જવી દેશ-પ્રભુ-પદોમાં.

તમે કર્યું તે કર્યું છે જ અલ્પે,
યદ્વાતદ્વા છે જગત્ ઝાઝું જલ્પે!

હવે આ લોકના રોષે આકાશે દ્રોહ-શોકના
ડુબાવી વૈતરણીમાં શાંતિક્ષીરનિધૌ વસો.

અને ત્યહીં ક્ષીરનિધિ-નિવાસી
વિષ્ણુ પ્રભુના પદમાં વિરાજીને,
મુહૂર્ત બ્રાહ્મે, વળી પુણ્ય સાન્ધ્યે
મચાવજો રાઘવકેરી ધૂન! ૧૦૦

અમારો આજ તંબૂર ભલે શાંત કર્યો, પ્રભુ!
તમારે ભીડ જો એના દિવ્ય વાદકની પડી.

પ્રભુના પદ્મમાં પાછી વિખૂટી પદ્મપાંદડી
ચડી ગૈ જાણી આ રોતી હસશે સ્હેજ આંખડી!