સોરઠી બહારવટિયા ભાગ-2/ઓખો રંડાણો: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઓખો રંડાણો|}} {{Poem2Open}} “મૂરુભા! આ વાડીની ઘટા ઠાવકી છે. આંહીં જ વિસમિયેં.” “હા વેરસી! માણસું અનાજની ના પાડશે પણ ઝાડવાં કાંઈ છાંયડીની ના પાડશે?” હસીને જવાબ દેતાં દેતાં બહારવટિયાએ પ...") |
(No difference)
|
Revision as of 11:05, 20 October 2022
“મૂરુભા! આ વાડીની ઘટા ઠાવકી છે. આંહીં જ વિસમિયેં.” “હા વેરસી! માણસું અનાજની ના પાડશે પણ ઝાડવાં કાંઈ છાંયડીની ના પાડશે?” હસીને જવાબ દેતાં દેતાં બહારવટિયાએ પોતાના દૂબળા દેહ પરથી હથિયાર છોડ્યાં. બરડાના વાછરડા ગામની સીમમાં એક વાડીનાં ઘટાદાર ઝાડવાં હેઠળ એણે પોતાનું થાકેલું ડિલ પડતું મેલ્યું. ભૂખે અને ઉજાગરે એને ભાંગ્યો હતો. વૈશાખની ઊની લૂ વાતી હતી. ચારે કોર ઝાંઝવાં! ઝાંઝવાં! ઝાંઝવાં! જાણે નદીસરોવર ભર્યાં છે, ને કાંઠે મોટી નગરીઓ જામી પડી છે! બીજા ચાર સાથીડા ભેળા હતા, તેણે પણ હથિયાર પડિયાર ઉતારીને ઓશીકે મેલ્યાં. ઝાડને થડ ટેકો દઈ પરાણે હસતું મોં રાખતો બહારવટિયો બોલ્યો : “જોયું, ભાઈ જગતિયા! આ ઝાંઝવાં જોયાં? ઓખો જાણે આઘો ઊભો ઊભો હાંસી કરી રિયો છે! અરે ભૂંડા! પાંજો વતન થઈને ટરપરાવછ! અટાણે!” મૂળુએ મોં મલકાવ્યું : પણ એની આંખોમાં ઝળઝળિયાં છલી આવ્યાં. હાદો કુરાણી જોઈ રહ્યો, “હેઠ મૂરુભા! કોચવાઈ જવાય કે?” “અરે, ના રે ના! ઈ તો મુંને જોધો કાકો ને દેવોભા સાંભરી આવ્યા. પંદરસોની ફોજ ફેરવતાં, તેમાંથી આજ પાંચ રિયા. હવે પાંચમાંથી તો કોઈ ખસો એમ નથી ને, ભાઈ?” નાગસી ચારણે પોરસ ચડાવ્યો, “આ પાંચ તો પાંડવું જેવા રિયા છીએં, મૂરુભા! હવે તે ખસીએં? આવો સાથ છોડીએ?” “અરે હવે ક્યાં ઝાઝા દી કાઢવા છે? ઠીક લાંઘણું થાવા લાગી છે, હવે તો દ્વારકાનો ધણી વે’લી વે’લી દોરી ખેંચી લેશે!” મૂળુ પરાણે હસતો હસતો બોલ્યો. “એ… ભૂખનો વાંધો નહિ, મૂરુભા!” વેરસી બગાસું ખાતો બોલ્યો : “ભૂખ ખમાય, ઉજાગરા ન ખમાય. અટાણે ભલેને કોઈ ભોજન ન આપે! કાંઈ ઊંઘવાની કોઈ ના પાડે એમ છે? ઊંઘ કરીને ભૂખ વીસરશું.” સહુએ એક પછી એક બગાસાં ખાધાં. “મૂરુભા! હથિયાર છોડવાનું મન થાય છે?” “હવે હથિયાર છોડું? કિનારે આવીને બૂડું? આ ટાણે તો દેવાવાળું ગીત મોંયે ચડે છે.” ધીરે કંઠે મૂળુ ગાવા લાગ્યો : ના રે છડિયાં હથિયાર અલાલા બેલી! મરણેજો હકડી વાર, દેવોભા ચેતો, મૂરુભા વંકડા, ના છડિયાં હથિયાર, [હથિયાર નહિ છોડીએ, અલ્લા અલ્લા કરો, ઓ ભાઈઓ! એક વાર મરવું તો છે જ, દેવોભા કહે છે કે ઓ વંકડા મરદ, મૂળુભા! આપણે હથિયાર નહિ છોડીએ.] પેલો ધીંગાણો પીપરડીજો કિયો ઉતે, કીને ન ખાધી માર, દેવોભા ચેતો, મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર. [પહેલું ધીંગાણું પીપરડીનું કર્યું ત્યાં કોઈએ માર ન ખાધો.] હેબટ લટૂરજી વારું રે ચડિયું બેલી! ઝલ્લી માછરડેજી ધાર, દેવોભા ચેતો, મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર. [હેબર્ટ લટૂરની ફોજ ચડી, ત્યારે માછરડાની ધાર પર ચડ્યા.] જોટો રફલ હણેં છાતીએ ચડાયો નાર, હેબટ લટૂર મુંજો ઘા, દેવોભા ચેતો, મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર. [જોટાળી રાઈફલ છાતીએ ચડાવીને દેવાએ કહ્યું કે જોઈ લેજો હેબર્ટ-લટૂર! મારો ઘા કેવો થાય છે?] ડાબે તે પડખે ભેરવ બોલે, જુવાનો! ધીંગાણેમેં લોહેંજી ઘમસાણ, દેવોભા ચેતો, મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર. [ડાબી બાજુએ ભેરવ-પક્ષી બોલ્યું છે. માટે આજ તો ધીંગાણામાં લોઢાનાં ઘમસાણ બોલશે. આજ મરશું એવા શુકન દેખાય છે.] ચારેય જણ લહેરથી ગીત ઝીલવા લાગ્યા. ગાઈને ભૂખ-દુઃખ વીસરવા લાગ્યા. ગાતો ગાતો મૂળુ ઝોલે ચડ્યો. નીંદરે ઘેરાણો. ચારેય સાથીઓનાં પોપચાં પણ ભારી થવા લાગ્યાં. ભેળો એક જણ ચાડિકો હતો એને બેસાડ્યો ઝાડ માથે. અને પાંચને નીંદરે ઢાળી દીધા. લાંઘણો, ઉજાગરા અને રઝળપાટ થકી લોથપોથ થયેલાં શરીરો ઘસઘસાટ લંબાઈ ગયાં. બંદૂક લઈને ઝાડ ઉપર બેઠેલા ચાડીકાને પણ ઝોલાં આવવા લાગ્યાં. બંદૂક પર ટેકો લઈને એ પણ જામી ગયો. સીમમાં એક આદમી આંટા મારે છે. એણે આ સૂતેલા નરોને નીરખ્યા, ઓળખ્યા. બાજુમાં જ પોરબંદરની ફોજ પડી હતી, તેને જઈ વાવડ દીધા. ફોજનો દેકારો બોલ્યો ત્યારે બહારવટિયા જાગ્યા. મીઠું સ્વપ્નું ચાલતું હતું. જાણે ગાયકવાડી સૂબા બાપુ સખારામે એને બે હજાર કોરી આપી છે : ને પોતે એ ખરચી પરણવા ગયો છે : ફુલેકે ચડ્યો છે : રૂપાળી વાઘેરાણી જાણે રાતના છેલ્લે પહોરે એનું કપાળ પંપાળે છે. એ મીઠું સોણું ભાંગી ગયું. જાગે ત્યાં સામે મૉત ઊભું છે. બહારવટિયો ઊઠ્યો. ગિસ્તની સન્મુખ પગલાં માંડ્યાં. ભેરુઓએ હાકલ દીધી : “મૂળુભા! આમ આભપરાના દીમના!” “ના ભાઈ, હવે તો રણછોડરાયજીના દીમના!” બહારવટિયો ફોજની સન્મુખ ચાલ્યો, વાર આંબે તે પહેલાં તો પાંચેય જણાએ ગામ બહારના એક ઘરનો ઓથ લીધો. એ ઘર ઢેઢનું હતું. વારમાંથી હાકલ પડી : “તરવાર નાખી દે જીવવું હોય તો.” જવાબમાં ખોરડામાંથી બહારવટિયો ગહેક્યો : ભેળા ચારે ભેરુએ સૂર પુરાવ્યા: શૂરવીરોએ જાણે મૉત વેળાની પ્રાર્થના ઉપાડી :
ના છડિયાં તરવાર અલાલા બેલી,
મરણેજો હકડી વાર, દેવોભા ચેતો, મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર. “એ ભાઈ! જીવવા સાટુ નો’તા નીકળ્યા. અને પે! આવી જાવ. મરદુંના ઘા જોવા હોય તો ઓરા આવો. આઘે ઊભા ઊભા કાં પડકાર કરો?” પાંચ જણા ખોરડામાં ભરાઈ બેઠા હતા. પણ ફોજમાં પાંચસો જણમાંથી કોઈની છાતી નહોતી કે પડખે આવે. છેટેથી જ બંદૂકોનો તાશેરો થયો. પણ બંદૂકોની ઝીંકે ખોરડું પડ્યું નહિ. બહારવટિયાઓએ પણ સામો ગોળીઓથી જવાબ વાળ્યો. “એલા સળગાવો ખોરડું!” ગિસ્તમાં ગોઠણ થવા લાગી. બંદૂકના ગજ સાથે દારૂની કોથળી ટીંગાડી, કોથળીની સાથે લાંબી જામગરી બાંધી, જામગરી સળગાવીને ગજનો ઘા કર્યો. ખોરડા ઉપર પડતાં જ દારૂનો દા લાગ્યો. ઘડીકમાં તો ખોરડાને મોટા મોટા ભડાકાએ ઘેરી લીધું. જ્યારે બહારવટિયા ધુમાડે મૂંઝાઈ ગયા, ત્યારે મૂળુએ પોતાના ચારણ ભેરુને સાદ દીધો, “નાગસી ભા! તું ચારણ છો. માટે તું મારું માથું ઉતારી લે, મારું માથું ગિસ્તને હાથે બગડવા મ દે. મારું માથું વાઢીને ફોજ લઈ જાશે અને મલકને દેખાડશે. એથી તો ભલું કે તું દેવીપૂતર જ વાઢી લે.” ચારણ ધ્રૂજી ઊઠ્યો. મૂળુભાનું માથું વાઢવાનું જોર એની છાતીમાં નહોતું. દડ! દડ! દડ! ચારણનાં નેત્રોમાંથી નીર દડી પડ્યાં. “બસ! ચારણ! મારું મૉત બગાડવું જ ઠર્યું કે? ઠીક ત્યારે બેલી, ઉઘાડી નાખો બારણું.” 2પાંચ જણા બહાર નીકળ્યા. સામેથી ગોળીઓની ઝીંક બોલી અને આંહીં છેલ્લા નાદ સંભળાણા : “જે રણછોડ!” “જે રણછોડ!” “જે રણછોડ!” ઇંદર લોકથી ઊતરીયું, રંભાઉં બોળે રૂપ, માણેક પરણે મૂળવો, જ્યાં ભેળો થિયા ભૂપ. [ઇંદ્રલોકથી રંભાઓ મહારૂપ લઈને ઊતરી : જ્યાં ભૂપતિઓ ભેળા થયા છે અને મૂળુ માણેક પરણે છે ત્યાં રણક્ષેત્રમાં.] નારીયું નત્ય રંડાય, નર કે દી રંડાય નહિ, ઓખો રંડાણો આજ, માણેક મરતે મૂળવો. [સ્ત્રીઓ તો રંડાય છે પણ પુરુષ કદી રંડાતો નથી. છતાં આજ તો મૂળુ માણેક મરતાં (ઓખામંડળ) જે પુરુષવાચક છે, તે રાંડી પડ્યો, નિરાધાર બન્યો.]