સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/ભાઈબંધી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ભાઈબંધી|}} {{Poem2Open}} <big>બ</big>હોળા ઘાસપાણીએ છલકાતી બાબરિયાવાડમાં હેમાળ નામનું નાનું ગામડું હતું. માત્રો વરૂ નામનો ગરાસિયો હતો. માત્રા વરૂને આંગણે એક સો ભેંસો દૂઝતી હતી હતી. એક દિશા...")
 
No edit summary
 
Line 100: Line 100:
'''[આ ઘટના જુદા જુદા માણસોનાં નામ પર ચડાવવામાં આવે છે. જાણકારો કહે છે કે હેમાળ ગાદીમાં માત્રો વરૂ નામે કોઈ બાબરિયો થયો જ નથી. નામફેર તો હોઈ શકે છે. બીજી બાજુ ઓખામંડળની અંદર વસાઈ ગામના વાઘેર સૂરા માણેકને વિષે આ જ વાર્તા પ્રચલિત છે.]'''
'''[આ ઘટના જુદા જુદા માણસોનાં નામ પર ચડાવવામાં આવે છે. જાણકારો કહે છે કે હેમાળ ગાદીમાં માત્રો વરૂ નામે કોઈ બાબરિયો થયો જ નથી. નામફેર તો હોઈ શકે છે. બીજી બાજુ ઓખામંડળની અંદર વસાઈ ગામના વાઘેર સૂરા માણેકને વિષે આ જ વાર્તા પ્રચલિત છે.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = આહીરની ઉદારતા
|next = ઘેલોશા
}}

Latest revision as of 15:49, 2 November 2022

ભાઈબંધી


હોળા ઘાસપાણીએ છલકાતી બાબરિયાવાડમાં હેમાળ નામનું નાનું ગામડું હતું. માત્રો વરૂ નામનો ગરાસિયો હતો. માત્રા વરૂને આંગણે એક સો ભેંસો દૂઝતી હતી હતી. એક દિશાએ દરિયાનો કિનારો ને બીજી દિશાએ ગીરના ડુંગરા : વચ્ચે મીઠાં પાણીવાળું હેમાળ ગામડું. ભાઈબંધીનો ભૂખ્યો માલધારી માત્રો વરૂ રોજેરોજ મહેમાન ભાળીને ભારી પોરસાય છે. એક ટાણુંય એકલો રોટલો ખાતો નથી. એક દિવસ પ્રભાતે ડેલીની ચોપાટમાં બેસીને માત્રો વરૂ દાતણ કરે છે. રોજના રિવાજ પ્રમાણે ખાસદાર ગઢમાંથી બે ઘોડીઓને માલિશ કરીને ડેલીમાં દોરી લાવેલ છે, એટલે માત્રો વરૂ ઘોડીઓનાં અંગેઅંગ ઉપર હાથ ફેરવી પોતાનાં પ્યારાં પશુઓની રેશમી રુંવાટી ઉપર ક્યાંયે ડાઘ તો નથી રહી ગયો ને, એની તપાસ કરી રહ્યો છે. તે વખતે એક પરદેશી પરોણાએ આવીને માત્રાભાઈને રામરામ કર્યા. માત્રાભાઈએ સામા રામરામ કરીને મહેમાનને બાજુમાં બેઠક દીધી. આવનાર ચીંથરેહાલ છે; હાડકાંના માળખા જેવું શરીર છે; હજામત વધી ગઈ છે; છતાં એની અમીરાત અછતી રહેતી નથી; પાણીદાર આંખો અને વેંતવા પહોળું કપાળ મોઢાની કરચલીઓમાંથી પણ ઝળકે છે. વળી કસુંબાનું ટાણું થયું ત્યારે માત્રા વરૂએ જોયું કે મહેમાનને તો એક તોલો અફીણ જોઈએ છે. ચાલાક માત્રો વરૂ સમજી ગયો કે આવા જબ્બર બંધાણવાળો આદમી કોઈ મોટા દરજ્જામાંથી બેહાલ બની ગયેલો ગરાસિયો હોવો જોઈએ. વાત સાચી હતી. પરોણો કચ્છમાંથી આવતો હતો.


ભલ ઘોડા, કાઠી ભલા, પેનીઢક પેરવેશ
રાજા જદુવંશરા, વે ડોલરિયો દેશ.

જ્યાં રૂડા ઘોડા નીપજે છે, જોરાવર કાઠી પાકે છે, પગની પાની સુધી ઢળકીને દેહની મરજાદા સાચવનાર પોશાક જ્યાં પહેરાય છે, અને જ્યાં જદુવંશી જાડેજા કુળનાં રાજપાટ છે એવા ડોલરિયા દેશમાં એનું વતન હતું. બાર ગામના ભાયાતી તાલુકા નળિયાકોઠારાનો એ તાલુકદાર હતો. પણ કચ્છભૂપાળ રાવ પ્રાગમલજીના કાનમાં કોઈ ખટપટિયાએ ઝેર ફૂંક્યું. રોષે ભરાયેલા રાવે અન્યાય કરીને જાલમસંગનું પરગણું આંચકી લીધું. હઠાળો રજપૂત રાવની લાચારી કરવા ન ગયો, ગામ છોડીને ચાલી નીકળ્યો. સગાંવહાલાંમાં ઘણા માસ ભટક્યો, આખરે પૈસેટકે ઘસાઈ ગયો. ભિખારી બનીને ભમતો ભમતો સોરઠમાં ઊતર્યો છે. પોતાની કથની કહેવાની એને ટેવ નથી. અબોલ બનીને આજ માત્રા વરૂને ઓટલે બેઠો છે. માત્રા વરૂએ એનો તિરસ્કાર ન કર્યો, એને પૂછપરછ પણ ન કરી; કારણ કે દુઃખિયાને શરમાવવા જેવું થાય. માનપાનથી જાલમસંગને રાખ્યો; હજામત કરાવી; ખૂબ નવરાવ્યો-ધોવરાવ્યો; બે જોડ નવાં લૂગડાં કરાવી આપ્યાં. પોતાની સાથે જ બેસાડીને જમાડતા. જાલમસંગ પણ કાંઈ બોલતો નથી. મુખમુદ્રા પર ઉચાટ છવાયો છે. હૃદયની અંદર નળિયાકોઠારા સાંભર્યા કરે છે અને —


નીંદર ના’વે ત્રણ જણાં, કૉ’ સખિ, કિયાં?
પ્રીતવછોયાં, બહુરણાં, ખટકે વેર હિયાં.

[હે સખી! કહે તો ખરી : કયાં ત્રણ જણાંને નિદ્રા ન આવે? પ્રીતિના પાત્રથી જે વછોડાયાં હોય, જેનાં ઉપર ઘણાં કરજ (ઋણ) હોય અને જેના હૈયામાં વેર ખટકતું હોય, એ ત્રણને નિદ્રા ન આવે.] — એ ન્યાયે જાલમસંગ પણ અખંડ ઉજાગરે રાતો વીતાવે છે. આવી રીતે પંદર દિવસ વીત્યા. પછી તો જાલમસંગને શરમ આવી. એણે રજા માગી. માત્રા વરૂએ કહ્યું : “ભાઈ, આંહીં ઈશ્વરે જાર-બાજરીનો રોટલો દીધો છે, તમે ભારે નહિ પડો.” જાલમસંગની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. એ ન રોકાયો, ચાલી નીકળ્યો. માત્રા વરૂએ પાશેર અફીણ, દસ રૂપિયા તથા બે જોડ લૂગડાં સાથે બંધાવ્યાં. ચાલતો ચાલતો જાલમસંગ નાગેશરી ગામને પાદર આવ્યો. થાકી લોથપોથ થઈ એક ઓટા પર સૂતો સૂતો વિચારે ચડ્યો : આમ ક્યાં સુધી હું રખડીશ? ક્ષત્રિ છું : મારે માથે અધર્મ ગુજર્યો છે. આમ ટાંટિયા ઘસડીને મરું તેના કરતાં બહારવટું ખેડીને કાં ન પ્રાણ આપું? સદ્ગતિ તો થશે! અને કદાચ પ્રભુ પાધરો હશે તો ગયેલ ગરાસ ઘેર કરીશ. પણ બહારવટું કરવું કેવી રીતે? મારી પાસે તરવાર તો છે, પણ ઘોડું ક્યાં? હાં, યાદ આવ્યું. હેમાળે, માત્રા વરૂની ઘોડારમાં. આપશે? આપે નહિ! ત્યારે બીજું શું? ખા...ત...ર...? અરર! જેનું ખાધું એનું જ ખોદવું? પાપનો પાર રહેશે? કાંઈ વાંધો નહિ. પાછળથી એકને સાટે દસ ઘોડાં દઈશ. મનસૂબો થઈ ચૂક્યો. જે દસ રૂપિયાની ખરચી માત્રાએ દીધી છે તેમાંથી જ કોદાળી અને પાવડો લીધાં. લઈને પાછો હેમાળને રસ્તે ચાલ્યો. બીજી રાત પડી; મધરાત થઈ. જાલમસંગ માત્રા વરૂના દરબારગઢની પછીતે (ભીંતે) જ્યાં બે માણકી ઘોડીઓ બંધાતી ત્યાં જ ખાતર દેવા (બાકોરું ખોદવા) લાગ્યો. ગઢમાં તો બધાંય ઘસઘસાટ ઊંઘતાં હતાં. કોદાળીના ઘા કરીને એ ચોરે પછીતની અંદરથી ઘોડું નીકળી શકે તેટલું મોટું બાકોરું પાડ્યું. રાતનો ત્રીજો પહોર થયો ત્યાં માત્રો વરૂ જાગ્યો. પોતે મોટો માલધારી હતો. ગીરના ગરાસિયા એટલે સેંકડો ભેંસો રાખનાર. એ જ એનો સાચો ગરાસ. માત્રા વરૂએ માણસોને ઉઠાડ્યાં, પહર ચારવા ઢોર છોડ્યાં. ગીરમાં અસલ એવો રિવાજ હતો કે માલધારી ધણી પોતે પણ માણસો લઈને ઢોરને પહર ચારવા જાય. એ રીતે માત્રો વરૂ પણ ઢોરને હાંકી સીમમાં ચાલ્યો ગયો. જાલમસંગે જોયું કે ઠીક લાગ આવ્યો. પણ શ્રાવણ માસની મેઘલી રાત : માથે ખૂબ વરસાદ પડેલો : પવનના સુસવાટા પણ નીકળેલા : બંધાણી આદમી; જર્જરિત શરીર; તેમાંય વળી ખોદવાની મહેનત પડેલી : એટલે ટાઢ ચડી ગઈ. આખો દેહ થરથર કંપે છે. અંગો કબજામાં રહી શકે તેમ નહોતું. ડાબલીમાંથી અફીણ કાઢીને થોડુંક લીધું. પણ એમ અફીણનું અમલ કેમ ચડે? ઉપર ચલમ તો પીવી જોઈએ. ચલમ ગજવામાંથી કાઢવા જતાં અંધારામાં હાથમાંથી ધૂળમાં પડીને દટાઈ ગઈ. મરણિયો ચોર દરબારગઢમાં દાખલ થયો. સામે માત્રા વરૂએ તાજો જ પીધેલો હોકો પડેલો જોયો. હોકો લઈને પીધો, તોય શરદી ન ઊતરી. શરદી ઊતર્યા વિના શી રીતે ઘોડી પર ચડીને ચાલી શકાય! બહુ મૂંઝવણ થઈ પડી. શું કરવું? ઓરડામાં નજર ફેરવી : રણનો તરસ્યો મુસાફર જેમ મીઠા પાણીની તળાવડી દેખે, તેમ ઓરડામાં ઊંચે ઢોલિયે સુંવાળી રેશમી તળાઈ અને હુંફાળાં ઓઢણ દીઠાં. બેહોશ દેહ ધ્રૂજતો ધ્રૂજતો કાંઈ સમજ્યા વિના ઢોલિયે ધસ્યો. પણ ઢૂકડો જતાં જ થંભ્યો. જાણે આંચકો વાગ્યો. ઢોલિયે કોઈક સૂતું છે. જબ્બર કાયા, નમણું ઘઉંવર્ણું મોઢું; થોડે થોડે ઘરેણે શોભતાં નાક, કાન ને લાંબી ડોક; ખેંચાયેલ ભમરની કોરેલી કમાન નીચે પોપચે ઢાંકી બે આંખ : કેવાં અનોધાં તેજ એ આંખડીઓમાં ભર્યાં હશે૰ ? એ બાબરિયાણી પોઢેલી હતી : ડુંગરામાં ભમનારી, શૂરવીરની ઘરનાર હતી : નિર્દોષ, ભરપૂર ને ભયંકર! ફણીધરના માથા ઉપર મઢેલા મણિ જેવી. પણ જાલમસંગની આંખે અંધારાં હતાં. રજપૂતની નજર પારકાં રૂપ નીરખવાનું નહોતી શીખી. આ વાતનું એને ઓસાણ જ નહોતું; એનું ધ્યાન તો એ પોઢનારી ઉપરથી ઊતરીને ઢોલિયામાં ખાલી પડેલ પડખા ઉપર મંડાણું છે. એના મનમાં થાય છે કે મારી કાયા થીજી ગઈ છે, બનાવટી ગરમી હવે કામ કરતી નથી, જીવવું હોય તો જીવતા માનવીની ગરમી જોશે. આંહીં એક પડખું ખાલી છે. એ પડખામાં કાં ધણી હોય ને કાં છોકરું હોય, હે મધરાત! હે વિશ્વંભર! તમે સાખિયા રે’જો. પથારીમાં માત્રા વરૂનું પડખું ખાલી હતું. બાબરિયાણી ત્રીજા પહોરની મીઠી નીંદરમાં ઘેરાઈ ગઈ છે. હૈયાના ધબકારા છાતીમાં ચાલતી શ્વાસ-ધમણ અને નસકોરાંની ધીરી બંસી જેવો સૂર, એ સિવાય બધુંય શાંત હતું. જાગી જશે એવો ભય નહોતો. વચ્ચે ખુલ્લી તરવાર મૂકીને જાલમસંગે શરીર ઢાળ્યું. સામેના શરીરમાંથી હૂંફ આવવા લાગી. હમણાં ઊઠી જઈશ એમ જાલમસંગના મનમાં થતું હતું; ત્યાં તો બંધાણીની આંખ બિડાઈ ગઈ. એટલો થાક, એટલી શરદી, તેમ બીજી બાજુ રેશમી તળાઈ અને નારીના અંગની મીઠી હૂંફ! નિર્દોષ બંધાણી ઘસઘસાટ ઊંઘી ગયો. પહોર પછી પહોર વીતવા લાગ્યા. પ્રભાત થયું, ત્યાં પહર ચારીને માત્રો વરૂ પાછો આવ્યો. ઓરડામાં પગ મૂકે ત્યાં તો પલંગ પર નજર પડી. બાબરિયો થંભી ગયો. હાથ તરવારની મૂઠ પર પડ્યો. નજરે જોયા પછી બીજી શી વાર હોય? બન્નેના કટકા કરવા એણે ડગલું ભર્યું. પણ જઈને જ્યાં સૂતેલા પુરુષનું મોઢું જુએ ત્યાં એની અજાયબીનો પાર ન રહ્યો. આ ભૂખે મરતો, મૂઆ માણસના ભૂત જેવો આદમી! પંદર દિવસ સુધી મારે આશરે પડેલો : મારી સ્ત્રી સાથે એને પલવાર વાત કરવાનો પણ વખત નથી મળ્યો : આવા ઉપર આ બાબરિયાણી મોહે? આ મુડદાની ઉપર? અને આ સ્ત્રી-પુરુષ વચ્ચે તરવાર શાની? કાંઈક ભેદ છે. મારીશ, પણ એક વાર ખુલાસાનો સમય આપીશ. પગનો અંગૂઠો ઝાલીને જરા દબાવ્યો, ત્યાં તો સંચાવાળી કોઈ પૂતળી ખડી થાય તેમ બાબરિયાણી બેબાકળી બેઠી થઈ ગઈ. “આ કોણ?” માત્રાએ આંગળી ચીંધાડી. પડખામાં સૂતેલા પુરુષની સામે સ્ત્રી નિહાળી રહી. શું બોલે? પલંગ પરથી નીચે કૂદી; એટલું જ બોલી શકી : “હું કાંઈ નથી જાણતી.” “ઠીક, જા, જલદી શિરામણ તૈયાર કર.” સ્ત્રી શિરામણ તૈયાર કરવા ગઈ અને માત્રા વરૂએ ખરલ લઈને પાંચ તોલા અફીણ ઘોળવા માંડ્યું. આ તરફ કસુંબો તૈયાર થયો, બીજી બાજુ શિરામણ પણ તૈયાર થયું. માત્રા વરૂએ મહેમાનને ઢંઢોળીને જગાડ્યા; કહ્યું : “ચાલો ભાઈ, કસુંબો તૈયાર છે.” મહેમાન જાગ્યો. આંખો ચોળીને જ્યાં નજર કરે ત્યાં રામ રમી ગયા! પોતે માણકી ઉપર ચડીને કચ્છમાં બહારવટું ખેડી રહ્યો છે, રાવની ફોજને ધમરોળે છે, રાવને મહેલે ચડે છે — એવું સ્વપ્નું ચાલતું હતું તે ભાંગી ગયું. ઘોર સત્ય નજર સામું ખડું થયું. પછી તો જીવવાની આશા ક્યાં હતી? હમણાં ડોકું ધડથી નોખું થશે! પણ એ જાણે કાંઈયે બન્યું નથી એવી ધીરજથી બેઠો થયો. કોગળા કર્યા, મોં ધોયું. ધોબા ભરી ભરીને માત્રો વરૂ કસુંબો આપવા લાગ્યો. મહેમાન પીવા લાગ્યા. એકબીજા એવી લહેરથી બેઠા કે જાણે રાતની બીના બની જ નથી. આગ્રહ કરી કરીને, સોગંદ આપી આપીને, માત્રા વરૂએ કસુંબો લેવરાવ્યો. પછી પેટ ભરીને શિરામણ કરાવ્યું. હાથ ધોઈને હોકો પીધા પછી મહેમાન બોલ્યા : “બસ, માત્રા વરૂ, હવે તો અધૂરી મહેમાનગતિ પૂરી કરો.” વરૂએ કહ્યું : “સાચું કહી દ્યો. શું થયું?” “વિશ્વાસ પડશે?” “નહિ પડે તો તરવાર ક્યાં આઘી છે?” “મૉતની બીક હવે મને ન હોય.” “ત્યારે બોલો.” જાલમસંગે પહેલેથી છેલ્લે સુધી માંડીને બધી બિના કહી બતાવી. ઘોડારમાં પાડેલું બાકોરું બતાવ્યું અને પોતાની જીવનકથા પૂરેપૂરી કહી સંભળાવી. સાંભળીને માત્રો બોલ્યો : “ભાઈ! જો આમ હતું તો એ વખતે ઘોડી માગી કાં ન લીધી? હું તમને ના પાડત? અરે ઠાકોર, પંદર પંદર દિવસ સુધી મારી ઓળખાણ ન પડી?” “અરે બાપ! મારી દશા ફરી, એટલે જ મને કુમત્ય સૂઝી.” માત્રા વરૂએ માણકી ઉપર નવો સામાન મંડાવ્યો. એક ખડિયો તૈયાર કરી તેમાં એક શેર અફીણ મુકાવ્યું. રૂપિયા એક સો રોકડા જાલમસંગના હાથમાં આપ્યા. પછી ઘોડી છોડી, ડેલીએ જઈને બોલ્યા : “લ્યો જાલમસંગ ઠાકોર, આ માણકી લઈ જાવ ને ગરાસ ઘેર કરો.” જાલમસંગે હાથમાં લગામ તો લીધી, એના મનમાં તો આ બધી મશ્કરી જ લાગતી હતી; એ ધારતો હતો કે થોડે આઘે જઈશ એટલે આ ભરડાયરા વચ્ચે મને પછાડીને ચીરી નાખશે. માત્રા વરૂએ એક બાજુનું પેંગડું પકડ્યું, મહેમાનને ઘોડી માથે ચડાવ્યા. મીઠી જીભના રામરામ કહ્યા. જોતજોતામાં તો ઘોડી હેમાળનાં ઝાડવાં વટાવી ગઈ.

કચ્છમાં જાલમસંગ ઠાકોર માણકી ઉપર ઘૂમી રહ્યા છે. કચ્છના તમામ ભાયાતો અંદરખાનેથી એની મદદે માણસો અને નાણાં આપી રહ્યા છે. ભાયાતોને ભણકારા વાગી ગયા હતા કે આજ જાલમસંગનો ગરાસ ઝૂંટાયો, એમ કાલે આપણો પણ ઝૂંટાશે. જાલમસંગ સહુના સામટા બળે ઝૂઝવા લાગ્યો. રાવની ફોજ આવા આખા ભાયાતમંડળના સામટા ભુજબળ સામે ક્યાં સુધી ટકે? રાવ થાક્યો, ચેતી ગયો. જાલમસંગનું મનામણું કર્યું, પરગણું પાછું સોંપ્યું, એટલું જ નહિ પણ એ અન્યાયનાં તમામ વરસોની નુકસાની ભરી આપી.

કાઠિયાવાડમાં કોઈ ચારણ જતો હોય, કોઈ મુસાફર જતો હોય, ગમે તે જતો હોય, તે તમામની સાથે જાલમસંગ પોતાના જીવનદાતાને સંદેશો મોકલાવ્યા જ કરે કે ‘માત્રાભાઈને કહેજો, એક આંટો આવી જાય.’ એવાં અનેક જણાં જઈને માત્રા વરૂને સંદેશો આપે; પણ વિનાનિમિત્તે એવા ધંધાર્થી આદમીથી લાંબે ગામતરે શી રીતે નીકળાય? જાલમસંગના સુખી દિવસ પાછા વળેલા સાંભળીને માત્રો વરૂ પોતાના મનમાં ઊંડો આનંદ પામતો. સંવત 1885માં ચારેય દિશામાં ભયંકર દુકાળ પડ્યો. કાઠિયાવાડમાં કારમી ભૂખ ફેલાઈ ગઈ. માત્રા વરૂ જેવા માલધારીનો આધાર તો કેવળ મે-પાણી ઉપર જ હોય. એટલે દુકાળે એનાં ઢોરનો કચ્ચરઘાણ વાળ્યો, એનું ગામ ઉજ્જડ થયું. એવાના ઘરમાં નાણું બહુ ન હોય; હતું એટલું ઢોરને ખવરાવી દીધું. એને ઉંબરે ભૂખમરો આવી ઊભો. સ્ત્રી-પુરુષને બંનેને ત્રણ-ત્રણ તો લાંઘણો થઈ. માત્રો વરૂ ક્યાં જાય? ચતુર સ્ત્રીએ સંભારી આપ્યું કે “કચ્છ જાયેં. જાલમસંગભાઈ જરૂર આશરો દેશે.” માત્રાને એમ પારકે આશરે જવું વસમું તો લાગ્યું, પણ પોતાના મિત્રનું પારખું કરવાનુંય મન થયું. બેય ચાલી નીકળ્યાં. બાઈના માથા ઉપર ફક્ત એક કોડીજડેલો સૂંડો, અને એમાં થોડાક ગાભા: એ જ એની ઘરવખરી હતી. જોડિયા બંદરે ઊતરીને ધણી-ધણિયાણી નળિયાકોઠારાને માર્ગે ચડ્યાં. પાદર પહોંચ્યાં. પાદરમાં એક તળાવડી હતી. માત્રા વરૂએ બાઈને કહ્યું : “તું આંહીં બેસજે. હું ત્યાં જાઉં. એનું મન કેવુંક છે તે જોઉં, આદરમાન જોઈશ તો તને તેડી જઈશ. નહિ તો બેય જણાં બીજે ક્યાંક ચાલી નીકળશું.” બાબરિયાણી તળાવડીની અંદર કરમડીના ઢૂવાની ઓથે બેઠી. માત્રો વરૂ ગામમાં ગયો. બજારની સામે જ દરબારગઢ હતો. ડેલીએ બેઠાં બેઠાં જાલમસંગે મહેમાનને આવતો જોયો. પોતાના મિત્રની અણસારી આવી, પણ મનમાં થયું કે ‘અરે! માત્રા વરૂની કાંઈ આવી હાલત હોય?’ વળી વિચાર આવ્યો કે ‘કેમ ન હોય? હું બાર ગામનો ધણી હતો, તોય બેહાલ બની ગયેલો; ત્યારે આ તો માલધારી છે. એને પાયમાલ થતાં શી વાર?’ ત્યાં તો મહેમાન નજીક આવ્યો, બરાબર ઓળખાણો, ડેલીમાંથી સામી દોટ કાઢીને જાલમસંગે મિત્રને બાથમાં લીધો. માણસો ચકિત થઈ ગયા. સૌને ઓળખાણ પડાવી, પછી પૂછ્યું : “પણ મારાં બોન ક્યાં?” “પાદર. તળાવડી કાંઠે બેઠેલ છે.” “અરર! ત્યાં બેસાડી રાખ્યાં?” જાલમસંગે પોતાની પાસે ચાર વરસનો કુંવર ગગુભા રમતો હતો તેને પોતે હરખના આવેશમાં કહી દીધું : “જા બેટા, તારી માને કહે કે રથ જોડીને બધાં ગાતાં ગાતાં પાદર જાય ને ફુઈને તળાવડીની પાળેથી તેડી લાવે.” ‘ફુઈ!’ એવું નામ સાંભળીને ગગુભાએ દોટ મૂકી. ફુઈ! અને તે તળાવની પાળે! ઓહો! કેવી હશે એ ફુઈ! અદ્ભુત ફુઈ! હું પરબારો જ જાઉં! એકલો જઈને તેડી લાવું! માબાપ પાસે જશ ખાટું! એવા અણબોલ ભાવ એના નાના હૈયામાં કૂદી રહ્યા. દરબારગઢની અંદર ન જતાં એ તો પાદર તરફ જ દોડ્યો, લોકોની હડફેટને ગણકારી નહિ. તળાવડીને કાંઠે આવ્યો. સૂકી તળાવડીની અંદર, કરમડીના ઢૂવાને છાંયે બાબરિયાણી બેઠેલી છે. બાળકે પોતાની કાલી કાલી વાણીમાં પૂછ્યું કે “આંઈ માલી ફુઈ થે ને?” “હા, આવ બેટા! હું જ તારી ફુઈ છું. આવ મારા ખોળામાં.” આતુર બાળક તળાવડીમાં ઊતર્યો. બાબરિયાણીએ એને ખોળામાં બેસાડ્યો. છોકરો ડાહ્યોડમરો થઈને ચૂપચાપ બેઠો, ફુઈના મોં સામે જોઈ જ રહ્યો. એના શરીર પર હેમના દાગીના હતા. બાબરિયાણીને અવળી મતિ સૂઝી! ચોપાસ નજર નાખીને જોયું તો કોઈ ન મળે. ઝડપથી બાળકની ડોક પોતાના જાજરમાન પંજામાં દાબી દીધી. એક તીણો અવાજ સંભળાણો, અને સુકોમળ બાળકનો પ્રાણ ચાલ્યો ગયો. બાબરિયાણીએ એના અંગ પરથી તમામ દાગીના ઉતારી સૂંડામાં મૂક્યા. મુડદાને ઢૂવાની અંદર ઊંડે ઘાલી દીધું. ઉપર ધૂળ વાળી દીધી. પછી પોતે સૂંડો લઈ તળાવની પાળે આવીને બેઠી. થોડી વારમાં તો રણવાસમાંથી રથ આવીને ઊભો રહ્યો. જાલમસંગનાં ઠકરાણી નીચે ઊતર્યાં. એકબીજાં મળ્યાં અને બોનને રથમાં બેસાડી ગામમાં લઈ ગયાં. બહેન-બનેવી તો હવે આંહીં લાંબો વખત રહેવાનાં, એમ સમજીને એક અલાયદી મેડી મહેમાનને માટે કાઢી આપી. સૂંડો લઈને કાઠિયાણી પોતાની મેડી ઉપર ચડી ગઈ. પોતે ક્યાંય સૂંડો અળગો કરતી નથી. જમવાનો વખત થયો, ગાદલી નંખાણી, થાળી પીરસાણી, પંગત બેસી ગઈ. પણ જાલમસંગને તો રોજ ગગુને સાથે બેસાડીને રોટલા જમવાનો નિયમ હતો. એને ગગુ સાંભર્યો. “એલા, ગગુ કેમ નથી દેખાતો?” ગઢમાં ચારેય બાજુ તપાસ થઈ, પણ ગગુભા ન મળે. ઠાકોર કહે કે “મેં ગઢમાં મોકલેલો.” રાણી કહે કે “ગગુ અંદર આવ્યો જ નથી.” ગગુને અંગે દાગીના હતા. એટલે ઠાકોરને ગામના કોળીઓ ઉપર વહેમ આવ્યો. બધાને બોલાવીને ધમકાવવા ને મારવા લાગ્યા! પણ કોઈ ન માને. કોઈને ખબર નહોતી. વાવડ મળ્યા કે ‘ભાઈ તો દોડીને પાદર તરફ જતા હતા.’ માત્રો વરૂ પણ ઉચાટ કરવા લાગ્યો. પોતાની સ્ત્રીને પૂછવા ગયો કે એણે તો પાદરમાં ક્યાંય કુંવરને ભાળ્યો નથી ને! સ્ત્રીએ બધી વાત કહી; દાગીના બતાવ્યા. સાંભળીને માત્રો વરૂ પથ્થરનું પૂતળું બની ગયો! “તેં — તેં આ ગજબ કર્યો!” “મેં જાણ્યું કે કોઈ વેપારીનો છોકરો હશે. મનમાં થયું કે આંહીં ભાઈ આદરમાન નહિ આપે તો કાલે ક્યાં જઈને ખાશું? હું અસ્ત્રી જાત : બુદ્ધિ બગડી. ડોક મરડીને મુડદું તળાવડીની અંદર કરમડીના ઢૂવામાં દાટ્યું છે.” પછેડીમાં દાગીનાની પોટલી બાંધી, બગલમાં છુપાવી. માત્રો વરૂ કાળુંધબ મોં લઈને મિત્રની પાસે આવ્યો. એકાંતમાં બોલાવીને કહ્યું : “શા માટે નિર્દોષને પીટો છો? આ રહ્યાં અપરાધી!” એમ કહીને દાગીના બતાવ્યા, બધી હકીકત કહી. જાલમસંગના મોં પરની એક રેખા પણ ન બદલી. એ બોલ્યા : “માત્રાભાઈ! ચૂપ જ રહેજો. લાવો દાગીના મારી પાસે. ખબરદાર, જરાયે કચવાશો નહિ. હું હમણાં આવું છું.” બગલમાં દાગીના સંતાડીને કોઈ ન દેખે તેવી રીતે જાલમસંગ એકલા તળાવડીમાં પહોંચ્યા. ઢૂવા પાછળ લપાઈને કુંવરનું મુડદું કાઢ્યું. એકેએક દાગીનો મુડદાને ફરી પહેરાવી દીધો. મુડદાને બગલમાં છુપાવી છાનામાના ગઢમાં આવ્યા અને “એલા, આંહીં અગાશી ઉપર તો ગગુ નથી ગયો ને?” એમ બોલતા ઝપાટાભેર અગાશી પર ગયા. બાળકના મુડદાને અગાશીની દીવાલ ઉપરથી ભરબજારમાં પડતું મૂક્યું અને બૂમ પાડી : “અરર! ગજબ થયો. ગગુ પડી ગયો.” પોતે નીચે ઊતર્યા. ગગુનું મુડદું બજારમાંથી લાવવામાં આવ્યું. પછી ઠાકોરે સહુને કહ્યું : “હું ઉપર જોવા ગયો, ગગુ બારીમાં રમતો હતો. મેં હાકલ કરી એટલે ગગુ ડરી ગયો, દોડ્યો, ડરથી પડી ગયો.”

“ભાઈ! તમારો ઘોર અપરાધ કર્યો છે. હવે અમને રજા આપો.” “માત્રાભાઈ! મારા જીવનદાતા! કુંવર માર્યો એ બહુ મોટો અપરાધ? તે દિવસે તમે મને ન બચાવ્યો હોત તો આજ ક્યાંથી હોત એ કુંવર, ને ક્યાંથી હોત આ મોલાત-મેડી?” “પણ જાલુભા! અમારાં પગલાં ગોઝારાં થયાં!” એમ બોલતાં માત્રા વરૂનું હૈયું ભરાઈ આવ્યું. “માત્રાભાઈ! આમ જુઓ, એક વરસ રહો, અને બીજો ગગુ તમારા ખોળામાં રમતો બતાવું : ગગુ તો ઘણા મળશે, પણ તમ સરખો ભાઈ ખોઈ બેસું, તો પછી ક્યાં ગોતું?” માત્રાભાઈના ને બહેનના મનનું સાંત્વન થયું. બન્ને જંપીને ત્યાં રહેવા લાગ્યાં. આદરમાનમાં લગારે ઊણપ આવી નહિ. દીકરાના મરણની વાતનો તો જાલમસંગે ફરી ઉચ્ચાર પણ ન કર્યો. ગઢમાંથી એ વાત જ બંધ કરાવી. પાંચ વરસ વીતી ગયાં. કાઠિયાવાડમાં સારાં વરસ થયાનું સાંભળ્યું. માત્રા વરૂને જનમભોમ યાદ આવી. એણે હાથ જોડીને ભાઈબંધની રજા માગી. “ભાઈ! આંહીં રહો તો મારાં છ ગામ કાઢી આપું.” માત્રો વરૂ માન્યો નહિ. પછી ઠાકોરે ગાયો આપી, ભેંસો આપી; ઊંટ આપ્યાં. કળશીના કળશી દાણા દીધા, સાથે બે ઘોડીઓ આપી, રોકડા રૂપિયા બંધાવ્યા. પોતે હેમાળ મૂકવા આવ્યા ને ત્યાં છ મહિના રહ્યા. તેનું ગામ ફરી વસાવી દીધું. એવો મિત્રધર્મ બજાવી જાલમસંગ પોતાને વતન પાછા વળ્યા. [આ ઘટના જુદા જુદા માણસોનાં નામ પર ચડાવવામાં આવે છે. જાણકારો કહે છે કે હેમાળ ગાદીમાં માત્રો વરૂ નામે કોઈ બાબરિયો થયો જ નથી. નામફેર તો હોઈ શકે છે. બીજી બાજુ ઓખામંડળની અંદર વસાઈ ગામના વાઘેર સૂરા માણેકને વિષે આ જ વાર્તા પ્રચલિત છે.]