સૌરાષ્ટ્રની રસધાર ભાગ-3/ધણીની નિંદા!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ધણીની નિંદા!| }} {{Poem2Open}} ભાલ પંથકના બોરુ ગામના ગઢમાં છાનામાના વાવડ મળ્યા કે ભડલીની કાઠિયાણીઓ સમાણી દેવીને દર્શને આવી છે. ભારોજી ઠાકોરે આનંદમાં આવી જઈને પૂછ્યું : “એલા! કોના ઘરન...")
 
(No difference)

Latest revision as of 11:17, 9 November 2022


ધણીની નિંદા!

ભાલ પંથકના બોરુ ગામના ગઢમાં છાનામાના વાવડ મળ્યા કે ભડલીની કાઠિયાણીઓ સમાણી દેવીને દર્શને આવી છે. ભારોજી ઠાકોરે આનંદમાં આવી જઈને પૂછ્યું : “એલા! કોના ઘરનાં?” “બાપુ! ભોજ ખાચરનાં પંડનાં જ ઘરવાળાં.” મૂછો ઉપર હાથ દઈને વાઘેલો રાજા બેઠો થઈ ગયો. એણે આજ્ઞા કરી : “ઘોડાં! ઘોડાં! ઘોડાં સાબદાં કરો! આજ કાઠીઓનેય ખબર પાડીએ કે રજપૂતોનાં વેલડાં લૂંટતાં કેટલી વીસે સો થાય છે. ભોજ ખાચરના ઘરની આઈઓ તો મારી મા-બહેનો છે. હું રજપૂત છું. પણ મારે આજ તો આ ફાટેલ કાઠી ડાયરાને અનીતિના મારગ છંડાવી દેવા છે.” ભારોજી રાજા ચડ્યો. સમાણીના થાનકમાં કાઠિયાણીઓને ખબર પડ્યા કે વાઘેલો રાજા ઓજણાં વાળવા આવે છે. કુંજડીઓ માફક કાઠિયાણીઓના કળેળાટ બોલ્યા. અબળાઓને એકેય દિશા સૂઝતી નથી. એણે ચારેય દિશામાં આકુળવ્યાકુળ નજર નોંધી. સામે એક ગામડું દેખાણું. પૂછ્યું : “ભાઈઓ, કયું ગામ?” “ઉતેળિયું.” ગાડાખેડુઓએ કહ્યું. “કોનું ગામ?” “વાઘેલાનું, આઈ! એ બધા પણ ભારાજીના ભાયાત થાય છે.” “ફિકર નહિ, બાપ! આપણાં વેલડાં ઉતેળિયાના ઝાંપામાં દાખલ કરી દ્યો. એ રજપૂત હશે તો નક્કી આપણાં રખવાળાં કરશે.” કાળો કળેળાટ બોલી ગયો. વેલડાં ઉતેળિયાના ગઢમાં જઈ ઊભાં રહ્યાં. દરબારને બધી હકીકતની જાણ થઈ. એણે કહેવરાવ્યું : “આઈઓ! હૈયે જરાય ફડકો રાખશો મા. ભારાજીનો ભાર નથી કે મારે શરણે આવેલાને આંગળી લગાડે!” બારોજી ભાલું હિલોળતા આવી પહોંચ્યા. ઉતેળિયાના ધણીએ ગઢને દરવાજે આવીને કહ્યું : “ભા! રજપૂતનો ધર્મ તને શીખવવાનો હોય? આંહીં ગઢમાં પગ મૂકીશ તો સામસામાં લોહી છંટાશે. બાકી, હા, ઉતેળિયાના સીમાડા વળોટે એટલે તારે ગમે તે કરજે.” રજપૂતે રજપૂતની આંખ ઓળખી લીધી. ભારોજી પાછો ફરી ગયો. ઉતેળિયાના ઠાકોરે ભડલી સમાચાર પહોંચાડ્યા. ભોજ ખાચર મોટી ફોજ લઈને આવ્યા. કાઠિયાણીઓ તો ભડલી ભેળી થઈ ગઈ, પણ ભોજ ખાચરના મનનો ડંખ કેમ જાય? બોરુ ગામને માથે ભોજ ખાચરના ભૈરવ જેવા પ્રચંડ કાઠીઓ ત્રાટક્યા અને એ ધીંગાણામાં ભારોજી કામ આવ્યા. ભોજ ખાચર ભારોજીનું માથું વાઢીને પોતાની સાથે લેતા ગયા. સ્વામીનો ઘાત થયો સાંભળી ભારોજીની રજપૂતાણીને સત ચડ્યું. કાયા થરથર કાંપી ઊઠી, પણ ચિતામાં ચડાય શી રીતે? ધણીનું માથું તો ખોળામાં જોઈએ ને! રાણીએ સાદ નાખ્યો : “લાવો, કોઈ મારા ધણીનું માથું લાવો. મારે ને એને છેટું પડે છે.” ચારણ બોલ્યો : “માથું તો ભોજ ખાચર ભેળું ગયું. અમે બધાય જઈને ત્યાં મરીએ તોયે એ માથું નહિ કાઢે. એ ભોજ છે, કાળમીંઢ છે.” “એ બાપ! મારા નામથી વિનવણી કરજો.” “ભોજનું હૈયું એવી વિનવણીથી નહિ પીગળે રજપૂતાણીના તરફડાટ જોવામાં એ પાપિયાને મોજ પડશે.” “ચારણ! મારા વીર! તારી ચતુરાઈ શું આવે ટાણે જ ખૂટી ગઈ?” “મા, એક જ ઉપાય છે — બહુ હીણો ઉપાય છે : મારું સૂડ નીકળી જાય એવું પાતક મારે કરવું પડશે. ખમજો, હું લઈને જ આવું છું.” એમ કહીને ચારણ ચડ્યો; મોઢુકામાં આવીને આપા ભોજને એણે સમાચાર કહેવરાવ્યા કે એક ચારણ તમને બિરદાવવા આવ્યો છે. ડાયરામાં જઈને ‘ખમ્મા ભોજલ! ખમ્મા કાઠી! ખમ્મા પ્રજરાણ!’ એવા કંઈક ખમકાર દઈને આપા ભોજનાં વારણાં લીધાં, મધુર હલકથી એણે દુહા ઉપાડ્યા :