ટોળાં અવાજ ઘોઘાટ/૭ - નો ચેાઈસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૭ - નો ચેાઈસ|}} {{Poem2Open}} ગ્રીષ્મના આ આકરા તાપ હવે સહન નથી થતા શરીરથી; કાલે તો મહેતા હૉટલના ઓટલા પર બેઠાં બેઠાં ઝબ્બો પણ કાઢી નાખ્યો- ઘા કરીને ફેંકી દેવાની એક જેશ્ચર પણ કરી; પણ કશું ક...")
(No difference)

Revision as of 05:51, 11 November 2022

૭ - નો ચેાઈસ

ગ્રીષ્મના આ આકરા તાપ હવે સહન નથી થતા શરીરથી; કાલે તો મહેતા હૉટલના ઓટલા પર બેઠાં બેઠાં ઝબ્બો પણ કાઢી નાખ્યો- ઘા કરીને ફેંકી દેવાની એક જેશ્ચર પણ કરી; પણ કશું ક્યાં ફેંકી શકાય છે ? કપડાં બધાં કાઢીને ફેંકી દઉં અને કોઈ ઊંડા કૂવામાં પડતું મૂકું તો- આ દાઝતી ચામડીને શાતા મળે. પણ શરીર બિચારું એવા જબરજસ્ત નિયંત્રણ નીચે જકડાઈ ગયું છે કે કંઈ કરી શકતું નથી. શેકાયા કરે છે, દઝાયા કરે છે, બળ્યા કરે છે અને છતાં સવારથી સાંજ ઢંકાઈને બફાયા કરે છે. આમ બળ્યા કરવાનું, બફાયા કરવાનું રોજ અંદર-બ્હાર અને એક પછી એક ક્ષણ ભૂંજાતા ભૂંજાતા પસાર કરવાની ? તરવાની જિંદગી, જળમાં શીતળ જીવનભર, મત્સ્યની મારી હશે એવું કોઈ સ્મરણ આ શરીરમાં સચવાયેલું નથી; પણ ઝંખના પ્રબલ આ ક્ષણે એક જ છે : પાણીમાં પડતું મેલું. કશું જ કંઈ થતું નથી. હીટ ફેંકતા ગરમ ઓટલાના પગથિયા પર બધા બેઠા છીએ- બસ બરફનું પાણી પીધા કરીએ છીએ, અને ટકી રહ્યા છીએ, ક્યારેક સામેની શરબતની લારી સામે જઈને બરફના ઠંડા ગોળા ચૂસીએ છીએ એક, બે. ત્રણ- પણ ધરવ થતો નથી. છતાં ટકી જવાય છે. ટકી જ રહેવાનું છે : એકાદ કવિતાનો ગ્લાસ પીને, એકાદ બે નાટકોના ગોળા ચૂસીને જિંદગી કુછ ભી નહીં ફિર ભી જિયે જાતે હૈં. -અને ખાલીપાને આમ રોજના આવા તેવા આધારોથી ભર્યા કરીએ- આમ મળી જાય આ નગરની ફૂટપાથની તૂટેલી તિરાડોમાં જો લીલીછમ ભાંગ- તો માથું ઢાળીને તલ્લીન ચર્યા કરીએ માછલીની કલ્પના કરીને પાણીમાં તર્યા કરીએ હા, આમ સતત હૉટલમાં, રસ્તામાં, ઓટલા પર સતત ચર્ચા કર્યા કરીએ- સાયલેન્સરનું યંત્ર બગડી ગયું છે- અને અવાજ બંધ થતો નથી-; એકધારો અવાજ નીકળ્યા કરે છે અનિયંત્રિત જેમ, એમ- આ અમે સતત બધાં બોલ્યાં કરીએ છીએ. સમયના ખડબચડા થડને છોલ્યા કરીએ છીએ. એટલે શું ? કંઈ નહીં. હાથ વગરના, હથિયાર વગરના, બૂઠા અરે સાવ સદંતર ઠૂંઠા બેસીએ છીએ અહીં મધરાતે હાથમાં- અર્ધી ચા પીતાં જીવતાં, જાગતાં, એકલતામાં એકબીજાને વાગતાં હસીએ તો પાછા ખડખડ બોલીએ તો બડબડ તૂટીએ તો તડતડ ચર્ચાઓમાં ભડ તર્કના જનોઈવઢ ઘા-થી કોઈના અહમ્ નું કાપી નાખીએ ધડ સાવ આડેધડ ચડ ચડ સસડતા આગથી ભભડતા શું બાળવું છે ? ખબર નથી. શું બળે છે ? ખબર નથી. શું ઢળે છે ? ખબર નથી. કશું ય બળતું નથી. કશું ય બાળવું નથી. ખાલી સિગારેટના ખોખાને વાળીને, બરાબર માપસર વાળીને- એનું પાકીટ બનાવીએ છીએ બેચાર મિનિટ એને જોયા કરીએ છીએ પછી જમણાં હાથમાં પકડીને તર્જનીની તાકાતથી એને હવામાં ઉછાળીએ છીએ. ઉછળીને હવામાં ફંગોળાતું- અને સડક પર પડતું- એને જોઈ રહીએ છીએ. અર્થાત્, આવું કંઈક ને કંઈક કરતા રહીએ છીએ. દીવાસળીની પેટી પર આંગળીઓ પટકારીને કોઈ તાલને શોધવો-સમૂહ વચ્ચે-એકલતાના ઊંડા મૌનમાં એ કંઈ નકામી... એનાથી સમય પસાર થઈ જાય છે, ભલે ને બેચાર ક્ષણ. તાલ અલબત્ત જડતો નથી કોઈ. હવામાં ગીત છે : ‘બરખા બહાર આઈ અંખિયોંમેં પ્યાર લાઈ-‘ બરખા તો આવશે- પલળીશું- પણ આ ‘પ્યાર’ નામની ચીજનું બીજ કે મીંજ જો મળી જાય તો વાવી દઈએ પ્રત્યેકની દૃષ્ટિમાં- સર્વત્ર; અને ફળી જાય ચોમેર ઘેરઘેર ઠેરઠેર; અર્થાત્ અમે આંખો જરૂર જોઈ છે મુગ્ધ આંખો જોઈ છે : લળી જતી, ઢળી જતી, ગળી જતી ઝીણી ઝીણી લેરખીમાં પવનની પાંદડીની જેમ વળી જતી આંખડીની પાંખડી અમે જરૂર જોઈ છે. એટલું જ નહીં અમે એમાં અમારી દૃષ્ટિને પણ પ્રોઈ છે. એમ તો અમે શોખીન છીએ વેઢમીના જેમ ગવાતી ગઝલના, ગઝલની ગાનારીના જેમ પાતળા રંગીન ઝબ્બાના જેમ ખુલ્લા, માખણ જેવા મસૃણ લલિત ખંભાના જેમ, રંભાના જેમ, શોખીન છીએ ગળ્યા સુગંધી બરફના ગોળાના હેમ, પાતળાં પરવાળા જેવાં અધરોષ્ઠના એમ. અરે આંગળીઓ કૂંણી કૂંણી કરડી ખાઈએ કટ કટ કોઈ ચકિતાની, એવા અમે આમ ભૂખ્યાડાંસ પણ જવા દો કંકાસ. દાઢ એક અર્ધી તૂટી ગઈ છે બીજી એક પોલી પડી ગઈ છે ત્રીજી એક રઈ છે. પણ હલે છે. ચોથી એક- દાઢની ગણતરી કરવાના દિવસો આવી ગયા છે : તીવ્રતા તો માત્ર ‘અમુક’ ક્ષણોમાં જ આવે છે : પરકોટિની તીવ્રતા : કશું ય ન હોય એ ક્ષણે બાથમાં- તો માત્ર સ્વયં હોય હાથમાં. હા, માત્ર અપના હાથ જગન્નાથ બાકી તો- ક્ષણો-કલ્લાકો-દિવસો આમ પસાર તો થાય છે અર્થહીન, ભાવહીન, કલ્પનાહીન વેરણછેરણ, જીર્ણશીર્ણ, ફાટેલા-તૂટેલા, અલગ અલગ અહીં તહીં ઊડ્યા કરતા કોઈ બેતાલ...... નથી કોઈ ‘ઉપમાન’ મળતું હાલ, અને મળી જાય તો પણ કોઈ આરોઓવારો નથી. માત્ર એવું આશ્વાસન લેવાય કે વાત મેં ‘કથી.’ પણ કથી શું કપાળ ?-જ્યાં તૂટી ગઈ છે પાળ -બધું વેરણછેરણ છે એને એકસૂત્ર કરી શકું એવી ચેતના, એવી શબ્દ-ચેતના, એવી લયચેતના, એવી કવિચેતના- નથી. આ ‘નથી’નો ભાવ પણ તીવ્ર નથી- એમ કહેવું પડે એવી લાચારી છે. લાચારી પણ ઉઘાડપગી ઊછળીને આવતી નથી લગોલગ ચપોચપ, ભીસોભીંસ- ‘ચીસોચીસ’ –લખી નાખું છું જો એનાથી પણ કંઈ ‘વેગ’ આવે આ સ્વરવ્યંજનમાં કંઈ તેગ જેવું આવે તીક્ષણ-તીવ્ર-નાગું અને હું જ મને ઉખાડી નાખું અંદરથી મૂળસોતો, એવો વાગું ‘જાગું’-લખવાથી કોઈ જાગતું નથી. ‘ભાગું’-લખવાથી કોઈ ભાગતું નથી. બાકી આમ ઓટલા પર બેસવું અર્ધી ચા પીવી સિગારેટના ખોખાનું પાકિટ બનાવવું એને તર્જનીથી ઉછાળવું ઊછળીને પડતું જોવું અનિમેષ બરખા બહારનું ગીત સાંભળવું બરફનો ગોળો ચૂસવો કવિતા કરવી, નાટક કરવું ને ભાંગ જેવું કંઈ ચતુષ્પાદ થઈ ચરવું અને સૂવું, કોઈની પણ સાથે- હીજડા સાથે પણ- જે કંઈ બધું આવું કે ગાવું : જિંદગી કુછ ભી નહીં ફિર ભી જિયે જાતેં હૈ. નવશેકા, કોકરવરણા, સુખોષ્ણ જળમાં રોજ સુબહ હમ અચ્છી તરહ નહાતે હૈ ફિર ખાના ખાતે હૈ... સારે દિનકી રુટિનકી ઐસી ઐસી બાતેં હૈ. ઔર રંગીન કહો તો રંગીન, ખાલી કહો તો ખાલી ડુપ્લિકેટરસે નીકલતી હુઈ રાતે હૈં. ઔર બેગમ અખ્તર કે સાથ ગાતે હૈ : જિંદગી કુછ ભી નહીં ફિર ભી જિયે જાતેં હૈ. ગુજરાતીમાંથી આમ હિન્દીમાં હાસ્યાસ્પદ, સરક જાતે ઇસીસે હમ હમારી લિખનેકી સ્ટાઈલમેં કુછ ચેઈન્જ લાતે હૈ ઔર સમર્પણ કે દીપોત્સવી અંક મેં ઐસી અગડંબગડં કવિતા લેકે ચલે આતે હૈં આમ લખ્યા જ કરીએ લવ લવ ચવ ચવ બવ બવ (અર્થાત્ત્ બહુ બહુ ) એના કરતાં મૂંગો મરી રહું -તો સારું રામ છોડી કામ તમામ બામ જેવો બેસી રહું કંઈ કશું ન ચહું કંઈ કશું ન લહું કંઈ કશું ન કહું લેશમાત્ર, તણખલા જેટલો પણ, આ ચિત્તનો ભાર ન વહું. એવી ચિત્તનાશની દશા ઈચ્છિત છે પણ આવતી નથી. કલમ મૂકીશ આ ક્ષણે આજુમાં બીડી પડી છે બાજુમાં એ ઉપાડીશ અને પીશ. આ આટલું કરીશ અને બની જઈશ -ઈશ-ઈશ્વર-ઐશ્વર્યવાન એક નર્યા બોદા ખાલીપાનો અને સતત પળેપળ સહીશ પણ કદી ક્યારેય એને ટૂંકાવીને- હું ક્યાંય કાયમ માટે ન જઈ શકીશ. કેમ કે મારામાં શક્તિ નથી, ઇચ્છાશક્તિ નથી, ફ્રિ વિલ નથી. નો ચોઈસ.

(ઓક્ટોબર : ૧૯૭૯)