આત્માની માતૃભાષા/58: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
m (Atulraval moved page આત્માની માતૃભાષા/58 to આત્માની માતૃભાષા/58) |
(No difference)
|
Latest revision as of 12:40, 24 November 2022
લાભશંકર ઠાકર
છિન્નભિન્ન છું.
નિશ્છંદ કવિતામાં ધબકવા કરતા લય સમો,
માનવજાતિના જીવનપટ પર ઊપસવા મથતી કોઈ ભાત જેવો,
ઘેર ઘેર પડેલ હજી નવ-હાથ-લાગ્યા ભિક્ષુકના ટુક જેમ,
વિચ્છિન્ન છું.
કોણ બોલી? કોકિલા કે?
જાણે સ્વિચ્ ઑફ્ કરી દઉં.
તરુઘટામાં ગાજતો આ બુલબુલાટ —
કુદરતના શું રેડિયોનો
સાંસ્કૃતિક કો કાર્યક્રમ!
ચાંપ બંધ કરી દઉં? શું કરું એને હું?
વસંતપંચમી કેમ આવી ને કેમ ગઈ,
મને ખબર સરખી ના રહી!
પ્રકૃતિ, તું શું કરે?
મારી પ્રકૃતિની જ જ્યાં રામાયણ છે.
માની લીધેલી એકતા વ્યક્તિત્વની
શતખંડ ત્રુટિત મેં નજરોનજર દેખી લીધી છે.
રાગમૂર્તિ, દ્વેષમૂર્તિ, ભયમૂર્તિ —
ત્રિમૂર્તિએ ઘાટ દેવા બહુ કીધું.
તમારે સ્મરણે રુધિર નાચી ઊઠ્યું,
તમારે દર્શે હૃદય રાચી ઊઠ્યું,
ને વિરહમાં બસ મરણ યાચી ઊઠ્યું,
તમે મારી ઝંખનાનું મધુર પ્રેયોરૂપ —
રાગમૂર્તિ, નમોનમો!
તમે મારી વાસનાનું કાલકૂટ વિરૂપ,
આંખની પ્યાલી મહીં ઊછળેલ અગ્નિકૂપ,
ઊડેલ શ્વાસોચ્છ્વાસ સાથે દગ્ધ હૈયાધૂપ,
તમારા સ્પર્શે નયન-પક્ષ્મો વિખૂટાં —
દ્વેષમૂર્તિ, નમોનમો!
તમારા શવ-આશ્લેષથી શીત છૂટ્યાં,
હીર હૈયા તણાં છેક સુકાઈ ખૂટ્યાં,
ચેતનાસ્પન્દનો મંદ આક્રંદ-ડૂબ્યાં,
તમે મારી કામનાનો નગ્ન નિશ્છલ છંદ —
ભયમૂર્તિ, નમોનમો!
એક-કેન્દ્ર વ્યક્તિત્વ કરવા મથ્યાં તમે મારે માટે
અને દીક્ષા આપી પ્રેમધર્મની,
જેના કખગઘનેયે પામવાનું કેમે કરી
ફાવતું નથી હજીય.
ને છતાંય ગાડું આ ગબડે છે,
કિચૂડ-ખટ્-ચૂં કિચૂડ-ચૂં-ખટ્.
જુઓ પેલા મારા પ્રિયતમ શ્રીમાનને :
પ્રેમ દ્વારા ચાહતાં નથી આવડતું એમને,
ધિક્કાર દ્વારા જ ચાહતાં ફાવે છે ભલા જીવને.
ભલે એમ તો એમ, ઝઘડવાનો સમય ક્યાં છે?
તમારી શરતે ચાહીશ તમને.
અને આ રહ્યા મારા દ્વિતીય-હૃદય :
પોતાની પામરતાથી ખરડે છે બહુને,
પોતાની વંકાઈ થકી મરડે છે સહુને.
અરે એથી સારી રીતે વર્તવું એને શક્ય હોત,
તો આ રીતે કોઈ કદી વર્તતુંય હશે ખરું કે?
ને ઓ પેલા ભૂતપૂર્વ … મારા.
અપૂર્વ અનુભવ થયો એમના નિમિત્તે
વારંવાર રટ્યાં કર્યું મારા મને :
તમને ધિક્કારવાની મને ફરજ નહિ પાડી શકો.
કદીય ધિક્કારી શકાય, એક વાર ચાહ્યું જેને?
અરે, તું તો દુનિયાને કાંઈ જ સમજતો નથી!
— કહે છે અનેક મને.
બીજા કહે : દુનિયાનો છેક જ છે જીવ તું.
હા, દુનિયાનો શિષ્ય છું હું.
દુનિયા તો દુનિયાદારીમાં માનતી નથી જ નથી.
નથી એણે યાદ રાખ્યા કોટિપતિ,
સફળતાના શહીદોને નથી તે સંભારતી.
મોટા મોટા થઈને જેઓ ફર્યા'તા તેનેય
વિસ્મૃતિની રાખ નીચે ઢબૂરી દીધા છે એણે.
દુનિયા દુનિયાદારીમાં માનતી જો હોત તો તો
કવિઓને, પાગલ પેલા પ્રેમીઓને, સંતોને
સંભારત ક્ષણેય શા માટે?
સંભારે ન સંભારે કોઈ એની તથા શાને?
સ્મૃતિ? હા, સ્મૃતિ એ જ તો જીવન છે.
આ પૃથ્વીનાં પડ તે ચિરંતન ટકશે, ને આ ઉષ્મા
હૃદય તણી તે વિફળ વીખરશે?
ના, ના, ના! સૂર્યને ગરમ રાખવામાં એ જરી જરીક શો
સહારો દેશે,
હૃદય હૃદયના ધબકારે તે પુનર્જીવતી ત્રિભુવનદિગ્વિજયી સંચરશે.
કોણ જાણે?
અટાણે તો ધબકો આ એક પછી એક ઓછી
થતી જાય.
અનંતીકરણ એનું શક્ય હશે? જાય —
વૈશાખી ખાખી લૂ-લીલા વરસે આકાશથી ત્યાં
પુલ પર થઈ જાય — સરી જાય બસ.
ગૉગલ્સ-આંખો ચિંતનમાં ડૂબેલીય તે હોય તોયે
નીચેથી, સાબર, તારું પાતળુંક ઝરણું
— આનન્ત્ય-મૃગજળ પ્રતિ દોટ દેતું ભોળકડું હરણું —
એ ક્ષીણ પ્રવાહ-પટીની ટાઢકની ધાર
પુલ વીંધી વૈશાખી દોજખ મહીં આરપાર
મારા ચૈતન્યને અડે ને ઠારે અર્ધક્ષણ
દોટ દઈ રહેલી બસ ફરી થાય આહુતિ
ગ્રીષ્મના લૂ-યજ્ઞની જ્વાળાઓ મહીં તે પહેલાં.
મારા લઘુ હૈયાની આ અજાણી ધબક
એટલું જો કરી શકે? એટલું ના કરી શકે?
કદાચને ના કરી શકે તો… …
દિનરાત રાતદિન ખિન્ન છું,
એક-કેન્દ્ર થવા મથી રહેલ ક્લિન્ન છું,
ધબકધબકમાં ઊડી રહેલ છિન્નભિન્ન છું.
અમદાવાદ-વડોદરા, ૬૧૯-૨-૧૯૫૬
‘છિન્નભિન્ન છું’ કાવ્ય રચાયું ૧૯૫૬ (ફેબ્રુઆરી ૬થી ૧૯ તારીખો)-માં. એ જ વર્ષમાં ‘સંસ્કૃતિ’ સામયિકમાં પ્રકાશિત થયું. ‘સપ્તપદી’ સંગ્રહમાં તે સંગ્રહના પ્રથમ કાવ્ય રૂપે ૧૯૮૧માં ગ્રંથસ્થ થયું. સંગ્રહની આ પ્રથમ રચના વિશેના મારા પ્રતિભાવને સાંભળવા ઉત્સુક છું. આરંભની પંક્તિઓ સાંભળીએ. છિન્નભિન્ન છું. નિશ્છંદ કવિતામાં ધબકવા કરતા લય સમો, માનવજાતિના જીવનપટ પર ઊપસવા મથતી કોઈ ભાત જેવો, ઘેર ઘેર પડેલ હજી નવ-હાથ-લાગ્યા ભિક્ષુકના ટુક જેમ, વિચ્છિન્ન છું. આરંભમાં જ સ્વચેતના-ના સહજ સત્યનો એકરાર છે. પોતાને કવિ ‘લયસમો.', તેય ‘નિશ્છંદ કવિતામાં ધબકવા કરતા લય સમો’ કહે છે. કવિતાનું ઉપાદાન વાણી છે. લય તેનું સૂક્ષ્મ ઉપાદાન છે. કવિતામાં ભાવક સાદ્યંત જે શ્રવણીય ધબકાર અનુભવતો હોય છે, તે લયનો ધબકાર હોય છે. ભાવક આ ધબકારાને heart beats કહે, કવિતાના. નિશ્છંદ કવિતામાં આ બીટ્સ હોય, પણ છિન્ન હોય, ભિન્ન હોય. ‘છિન્નભિન્ન છું’ તેવા કથનને સર્જકકવિ અલંકૃત કરીને વ્યક્ત કરી રહ્યા છે. બીજા અલંકારમાં તે ‘માનવજાતિના જીવનપટ પર ઊપસવા મથતી કોઈ ભાત જેવો’ છિન્નભિન્ન છું એમ કહે છે. ત્રીજી અલંકૃત અભિવ્યક્તિમાં કવિ કહે છે: ‘ઘેર ઘેર પડેલ હજી નવ-હાથ-લાગ્યા ભિક્ષુકના ટુક જેમ, વિચ્છિન્ન છું.’ ‘છિન્નભિન્ન છું’ તેવું કવિનું કથન પોતાની સમગ્ર હયાતી વિશેનું છે. તે કથન પછી ઉપમાન પ્રમાણથી વ્યક્ત કરે છે. ત્રણે પ્રમાણો અહીં માત્ર અલંકરણ માટે જ પ્રયોજાયાં નથી. કવિતા કવિની સ્વચેતનાનો નિત્ય પર્યાય છે. જે કવિતામાં ધબકારાનો નિયત તાલ રહ્યો નથી. ‘માનવજાતિના જીવનપટ’ સાથે આ સર્જક કવિનો સીધો, આત્મીય લગાવ છે. To be is to be related. એ જીવનપટ પર ઊપસવા મથતી ‘કોઈ ભાત’ જો મનુષ્યો અને સર્વ સજીવો માટે ઇષ્ટ, યથાર્થ ન હોય તો તે ‘ઊપસવા મથતી કોઈ ભાત’ આ પ્રથમ વ્યક્તિ એકવચનમાં વ્યક્ત થતી વ્યક્તિચેતનાની છિન્નભિન્નતાનું પ્રત્યક્ષ વ્યાપ્ત ‘કૉઝ’ છે. આરંભના ત્રીજા ઉપમાનમાં એક સીધું પ્રગટ, પ્રત્યક્ષ સત્ય પ્ર-ભાવક રૂપે અભિવ્યક્ત થયું છે. હા, ઘેર ઘેર પડેલ હજી નવ-હાથ-લાગ્યા ભિક્ષુકના ટુક જેમ કવિ કહે છે: ‘વિચ્છિન્ન છું.’ મહર્ષિ આત્રેય કહે છે: ‘અન્નમ્ વૃત્તિકરાણામ્ શ્રેષ્ઠમ્’. હયાતીનું, હોવાનું સર્વ શ્રેષ્ઠ કારણ છે, અન્ન. તે જો પામવા માટે ભિક્ષુક બનીને ઘેર ઘેર ફરવું પડે તો તે માનવજાતિના જીવનપટ પર ઊપસવા મથતી ભાતનું પ્રત્યક્ષ સત્ય સર્વથા અનિષ્ટ છે. હા, કવિની છિન્નભિન્નતાનું કારણ માનવજાતિના સમાજસાપેક્ષ સાંસ્કૃતિક સત્યો છે.
કોણ બોલી? કોકિલા કે?
જાણે સ્વિચ્ ઑફ કરી દઉં.
‘તરુઘટામાં ગાજતો બુલબુલાટ.’ પણ કવિને ‘કુદરતના શું રેડિયોનો સાંસ્કૃતિક કો કાર્યક્રમ!’ જેવો લાગતાં પ્રતિક્રિયા વ્યક્ત થાય છે. ‘ચાંપ બંધ કરી દઉં? શું કરું એને હું?’ હા, આ ક્ષણો આ ભાવકને કરુણ વિપર્યાય લાગે છે. ‘સંસ્કૃતિ'ના તંત્રી કવિવર ઉમાશંકર જોશીને ’…રેડિયોના સાંસ્કૃતિક કો કાર્યક્રમ! —ની જાણે સ્વિચ્ ઑફ કરી દઉં.’ એવો ભાવ થાય છે! હા, ભૌતિક અને મૂલ્ય સંસ્કૃતિની ગાઢ સાપેક્ષતા સંકેતાય છે. ‘વસંત પંચમી કેમ આવી અને કેમ ગઈ, મને ખબર સરખી ના રહી!’ એવા સ્વગત કથન પછી કવિની સ્વગતોક્તિ છે:
પ્રકૃતિ, તું શું કરે?
મારી પ્રકૃતિની જ જ્યાં રામાયણ છે.
માની લીધેલી એકતા વ્યક્તિત્વની
શતખંડ ત્રુટિત મેં નજરોનજર દેખી લીધી છે.
હા, પ્રકૃતિ છે જ. તે પ્રકર્ષ કૃતિના પરિણામ રૂપે જ ભૌતિક અને મૂલ્યસંસ્કૃતિ છે. કવિ સ્વચેતના—ના પ્રાકૃતિક સત્યોને કંઈક દૂરતાથી તાકે છે. હા, તે નિજ ચેતનામાં રાગમૂર્તિને, દ્વેષમૂર્તિને, ભયમૂર્તિને સત્ય રૂપે જુએ છે અને તે ત્રિમૂર્તિએ ‘ઘાટ દેવા બહુ કીધું.’ એવા આત્મકથન પછી એક પાયાના પ્ર-ભાવક સત્ય વિશેનું આત્મકથન કરે છે.
એક-કેન્દ્ર વ્યક્તિત્વ કરવા મથ્યાં તમે મારે માટે
અને દીક્ષા આપી પ્રેમધર્મની,
જેના કખગઘનેયે પામવાનું કેમે કરી
ફાવતું નથી હજીય.
ને છતાંય ગાડું આ ગબડે છે,
કિચૂડ-ખટ્-ચૂં કિચૂડ-ચૂં-ખટ્.
હા, પ્રેમધર્મના ગાડા-નો આ શ્રવણીય સાક્ષાત્કાર છે. કાવ્યસાતત્યમાં આ પછી એકાધિક નિકટના પરિચિતોના સ્નેહસંબંધો વિશેના સત્યકથનો છે. મનુષ્યજીવનની પાયાની વિસંગતિ અહીં વ્યંજિત થાય છે. પ્રેમધર્મની દીક્ષા જો રાગ-દ્વેષ-ભય થકી મળવાની હોય તો તે સર્વને ધારણ કરે તેવો પ્રેમધર્મ હોય? પ્રેમધર્મના ગાડાનો અવાજ કવિએ નિખાલસતાથી સંભળાવ્યો છે. આ, આવા પ્રેમધર્મના કખગઘનેયે પામવાનું કેમે કરી ફાવતું નથી હજીય. અતિશય પ્રયોજાતો કોઈ એક શબ્દ હોય તો તે ‘પ્રેમ’ છે. તે મહદંશે સર્વથા સર્જાય છે, રાગ-દ્વેષ-ભયથી? કવિએ ઇષ્ટ માનેલો પ્રેમ હોઈ શકે? છે? આ કાવ્યમાં પ્રથમ વ્યક્તિ એક વચનમાં વ્યક્ત થતી ચેતના હા, એવા ઇષ્ટ પ્રેમની, પ્રેમધર્મની અભિલાષી છે. તે ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’ ગાનારનો અવાજ છે. તેનો ઉત્કટ અભિલાષ વિશ્વશાંતિનો છે. સાંભળો આવી સચિંત ચેતનાનો ભાવ.
આ પૃથ્વીનાં પડ તે ચિરંતન ટકશે, ને આ ઉષ્મા
હૃદય તણી તે વિફળ વીખરશે?
ના, ના, ના! સૂર્યને ગરમ રાખવામાં એ જરીક શો સહારો દેશે,
હૃદય હૃદયના ધબકારે તે પુનર્જીવતી ત્રિભુવનદિગ્વિજયી સંચરશે.
આવા ભાવાત્મક આત્મકથન પછી સ્વચેતના-નો સ્વશંક ઉદ્ગાર છે: ‘કોણ જાણે?’
આ પછી તરત સ્થલકાલસાપેક્ષ વર્તમાન સંદર્ભ વ્યક્ત થાય છે.
અટાણે તો ધબકો આ એક પછી એક ઓછી
થતી જાય.
અનંતીકરણ એનું શક્ય હશે? જાય —
વૈશાખી ખાખી લૂ-લીલા વરસે આકાશથી ત્યાં
પુલ પર થઈ જાય — સરી જાય બસ.
કવિ બસમાં બેઠા છે. પુલ પરથી બસ સરી જાય છે. એમની ગોગલ્સ-આંખો ચિંતનમાં ડૂબેલી છે. નીચે સાબરમતી નદીનો પાતળોક જળપ્રવાહ છે. એક પ્રભાવક કલ્પન કવિ શબ્દપ્રત્યક્ષ થતું અનુભવે છે. નીચેથી, સાબર, તારું પાતળુંક ઝરણું — આનન્ત્ય-મૃગજળ પ્રતિ દોટ દેતું ભોળકડું હરણું — હા, સાબરની ક્ષીણ પ્રવાહ-પટીની ધાર, કવિ કહે છે: ‘મારા ચૈતન્યને અડે ને ઠારે અર્ધક્ષણ —’ સાબરનું પાતળુંક ઝરણું, એની ક્ષીણ પ્રવાહ-પટીની ટાઢકની ધાર, વૈશાખી દોજખ મહીં પુલ પસાર થાય તે પહેલાં કવિ અનુભવે છે: ‘મારા ચૈતન્યને અડે ને ઠારે અર્ધક્ષણ.’ બસની ફરી ગ્રીષ્મના લૂ-યજ્ઞની જ્વાળાઓ મહીં આહુતિ થાય તે પહેલાંની ટાઢકની આ અર્ધક્ષણના સ્વાનુભવ-સાતત્યમાં કવિનો સ્વ-ભાવ વ્યક્ત થાય છે, સાંભળો.
મારા લઘુ હૈયાની આ અજાણી ધબક
એટલું જો કરી શકે? એટલું ના કરી શકે?
કદાચને ના કરી શકે તો… …
દિનરાત રાતદિન ખિન્ન છું,
એક-કેન્દ્ર થવા મથી રહેલ ક્લિન્ન છું,
ધબકધબકમાં ઊડી રહેલ છિન્નભિન્ન છું.
સર્જક કવિ ઉમાશંકરે એમની વીશ વર્ષની વયે ઝંખી છે, ‘વિશ્વશાંતિ.’ એ દીર્ઘકાવ્યની અંતિમ બે પંક્તિઓ સાંભળીએ. ને ‘શાંતિ! શાંતિ!’ વદતો સુવિરાટ આત્મા વિશ્વાન્તરે વિકિરશે ઉરસ્નેહલીલા! કવિની ભાવાત્મક પ્રજ્ઞાએ ‘સુવિરાટ આત્મા’ કલ્પ્યો છે, અને વિશ્વાન્તરે, તે આત્મા વિકિરશે ઉરસ્નેહલીલા એવી ઝંખના કરી છે. ચોવીશ વર્ષની વયે ‘આત્માનાં ખંડેર’ અનુભવનાર આ કવિએ અંતે સમાધાન અનુભવ્યું છે: યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે. અજાણ રમવું કશું! સમજવું રિબાઇય તે. ‘છિન્નભિન્ન છું’ એવો ઉત્કટ ભાવ કાવ્ય રૂપે વ્યક્ત થયો છે, કવિની ૪૫-ની વયે, ૧૯૫૬માં. સમયાન્તરે આ કાવ્યના ભાવસાતત્યમાં બીજાં છ કાવ્યો રચાયાં છે. તે કાવ્યરચનાઓ વિશે ‘પરબ'ના આ વિશેષાંકમાં સંપ્રજ્ઞ અધિકારીઓના પ્રતિભાવો વાંચવા મળશે. આ ક્ષણોમાં મનમાં સૅમ્યુઅલ બેકેટ ઊપસ્યા છે. વર્ષો પહેલાં ‘આકંઠ સાબરમતી’ (પ્લેરાઇટ્સ વર્કશોપ’) —માં કવિવર (હાસ્તો, નાટ્યકાર) ઉમાશંકરે ‘વેઇટિંગ ફોર ગોદો’ વિશે બે કલાક વાર્તાલાપ આપ્યો હતો. પછી તે વક્તવ્ય કાગળ પર પણ ઉતાર્યું. ૧૯૯૭માં પ્રકાશિત ‘કાવ્યાનુશીલન’ ગ્રંથમાં (સંપાદન: સ્વાતિ જોશી) આ આલેખ છે. કવિવરના શબ્દો ઉતારું છું. ‘એટલું કરું કે બીજા જ ક્ષેત્રની કૃતિઓ — ઈશાવાસ્યમ્ કે ભગવદ્ગીતા જે જાતનાં ભેજાંઓની નીપજ છે તેવા પ્રકારનાં ભેજાની કૃતિ આ નાટક હોય એવો આનંદ એનું વારંવાર સેવન-ચિંતવન કરતાં મેં અનુભવ્યો છે અને એમાં ધબકતી એક પ્રકારની આધ્યાત્મિક નિરાકુલ — દશા (સ્પિરિચ્યુઅલ સરીનિટી)ને કારણે આધુનિક સમયના એક ઋષિના સાન્નિધ્યનો લાભ પામ્યો છું.’ કવિ ઉમાશંકર ‘છિન્નભિન્ન છું'ના સ્વાનુભવકથનમાં આકુલ છે? હા. આ આકુલતા dreamer—ની છે? આ પ્રશ્નની ઉત્તરચેતના વાચકોમાં સક્રિય બનશે. ‘વેઇટિંગ ફોર ગોદો’ પછીનું બેકેટનું નાટક ENDGAME છે. ૧૯૭૧માં લંડનમાં એલ્ડિચ થિયેટરમાં એનો જર્મન પ્રયોગ જોયો હતો. ડિરેક્ટર ખુદ બેકેટ હતા. ના, વિસ્તાર શક્ય જ નથી. નાટકનું મુખ્ય પાત્ર હેમ છે. તેની અન્યને સંબોધીને કહેવાયેલી ઉક્તિ સાંભળો: Lick your neighbour as your self! તમારા પડોશીને તમારી જાત જેટલો જ ચાહો. હા, આ કચકચાવીને આવેલી ઉક્તિ છે, ક્રાઇસ્ટની પ્રસિદ્ધ ઉક્તિને અમળાવતી. ના, ઉક્તિ સૅમ્યુઅલ બેકેટની નથી. તેમના નાટકના એક ચરિત્રની છે. એ જ નાટકમાં હેમનાં માતા-પિતા મંચ પર બે અલગ-અલગ પીપડામાં ઢંકાયેલાં છે. હેમની મા નેલની ઉક્તિ સાંભળો: Nothing is funnier than unhappiness. દુ:ખથી વધારે રમૂજભર્યું કાંઈ જ નથી. એક પ્રકારની આધ્યાત્મિક નિરાકુલતા ધરાવતા આ સર્જક dreamer છે? બેકેટ પોતાને a-temporal being કહે છે. પોતે ‘ટાઇમ’ અને ‘સ્પેસ'માં ઇમ્પ્રિઝન્ડ (કેદ) છે. આ કેદમાંથી પોતે કઈ રીતે છૂટી શકે? ‘કેમ જે હું જાણું છું કે સ્પેસ અને ટાઇમની બહાર કશું જ નથી. એટલે મારા યથાર્થની અંતિમ ગહરાઈમાં am nothing also!’ સેમ્યુઅલ બેકેટમાં ‘છે’ તેની સ્વીકૃતિ છે. ના, તે સ્વપ્નપરાયણ નથી. જિસસ? હરિશ્ચંદ્ર ભટ્ટના ‘સ્વપ્નપ્રયાણ’ કાવ્યસંગ્રહમાં જિસસને સંબોધાયેલી પંક્તિઓ સાંભળો.
તારી એક અવિરામ કામના
સ્વર્ગ પૃથ્વી પર લાવવાની જે
બે હજાર વરસેય આજ તે
વેદના જ રહી માત્ર કોઈની.
દોસ્તોયેસ્કીની એક વાર્તા છે: ધ ડ્રીમ ઑફ અ રિડિક્યુલસ મૅન. હાસ્તો, કોણ સ્વપ્નપરાયણ, સ્વપ્નસ્થ ન હોય? આમ વેરવિખેર લાગતી સામગ્રી કવિવર ઉમાશંકર જોશીના પ્રસ્તુત કાવ્યના ભાવનમાં ભાવકો વધુ ને વધુ સક્રિયતા અનુભવે તેવા આશયથી અહીં પ્રસ્તુત કરી છે. તા. ૧૦-૧૦-૨૦૧૦