અનેકએક/બુદ્બુદો: Difference between revisions
(Created page with "{{center|'''બુદ્બુદો'''}} <poem> '''૧''' ઊછળતા સમુદ્રમાં બુદ્બુદો બંધાઈ રહ્યા છે વીખરાઈ રહ્યા છે બંધાઈ રહ્યા છે બુદ્બુદ બંધાય તો શું? બુદ્બુદ વીખરાય તોય શું? '''૨''' તરંગો પર સવાર બુદ્બુદો ઊડી રહ્યા છ...") |
(No difference)
|
Revision as of 15:03, 25 March 2023
બુદ્બુદો
૧
ઊછળતા સમુદ્રમાં
બુદ્બુદો
બંધાઈ રહ્યા છે વીખરાઈ રહ્યા છે
બંધાઈ રહ્યા છે
બુદ્બુદ બંધાય
તો શું?
બુદ્બુદ વીખરાય તોય શું?
૨
તરંગો પર સવાર
બુદ્બુદો ઊડી રહ્યા છે
વેગીલા પવન સાથે
પ્રવેશી ગયેલો સૂર્ય
અનેક ઝબકારા વેરી રહ્યો છે
પછડાતા બુદ્બુદો
સમુદ્ર પર
સૂર્યતરંગો થઈ વહી રહ્યા છે
૩
બોલે નહિ
તો બુદ્બુદો પણ
સમુદ્ર જ છે
૪
સોનેરી રેતીમાં
બુદ્બુદો ઘેરાઈ ગયા છે
શંખ-છીપલાંમાં અટવાઈ ગયા છે
ઓટનો સમુદ્ર
આઘે આઘે જતો રહ્યો છે
રેતકણો વચ્ચે
બુદ્બુદો તતડી તતડી
તૂટી રહ્યા છે
શંખમાં ઝીણેરોે રવ પણ નથી
૫
બુદ્બુદોના પોલાણમાં
ઘુઘવાટનાં ઊંડાણ
વેગના ચકરાવા છે
તરંગોમાં
ઊંડે ઊતરી ગયેલ બુદ્બુદ બોલી બેસે
હું સમુદ્ર છું
સમુદ્રનું ચૂપ રહેવું
અને નહિ કે બુદ્બુદનું તૂટી જવું
બધું જ કહી દે
૬
સમુદ્ર
બુદ્બુદબોલીઓ બોલે
પવન ચૂમે
આકાશ જુએ
છીપ વીણે
રેતી શ્વસે
સમુદ્ર બોલે સમુદ્ર સાંભળે
૭
બુદ્બુદોથી
સમુદ્ર વીણ્યો વિણાય નહિ
ઊંચક્યો ઊંચકાય નહિ
ઝાલ્યો ઝલાય નહિ
અળગોઆઘોય થાય નહિ
બુદ્બુદોમાં
સમુદ્ર સમાવ્યો સમાય નહિ