અનેકએક/ત્રણ સમુદ્રકાવ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ત્રણ સમુદ્રકાવ્યો




એક

આઘે આઘે
જતાં રહ્યાં છે પાણી.
આકાશને છેટું રાખી
ઊભી હવા.
રેતમેદાનોમાં તડકો
ન આછરતો
ન વિસ્તરતો.

ડૂચો વાળેલ
કોરાકટ્ટ કાગળના સળ
સરખા કરું
ને આ ખાલીખમ્મ સમુદ્રમાં
પવનભર્યા જળપર્વતો
વહી આવે.


બે

વહી આવે
આથમતો સૂર્ય કાંઠા સુધી
જળ થઈને જળમાં.
ઊછળે તરંગો રંગરંગમાં.
ઘૂમરાતા પવન-પડઘા વેરાય
આકાશમાં.
આકાશ પણ સમુદ્ર.
ક્ષણાર્ધ,
ને પછી
સમુદ્ર, સમુદ્ર.

પછી
કાગળની કરચલીઓ વચ્ચે
કાળું ટપકું
હલબલ્યા કરે...


ત્રણ

હલબલ્યા કરે
અક્ષરો તળે કાગળ...
ઊખડતા જાય છે કાના
વહી જાય છે માત્રા
તરડાતા તૂટતા
ફંગોળાઈ ફેંકાતા
ડૂબતા
તરતા ડૂબતા
ખૂટતા જાય છે
શબ્દો
વિલાતો જાય છે લય
બુઝાતો જાય છે રવ

ઉદ્‌ગ્રીવ દૃષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે
ન ક્યાંય વાદળ ન સૂર્ય
ન રંગ ન પવન
પથ્થરોમાં પથરાયો કાંઠો
ને સમુદ્રનાં
આઘે આઘે જતાં રહ્યાં છે પાણી