રચનાવલી/૩૦: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૦. ધૂળમાંની પગલીઓ (ચંદ્રકાન્ત શેઠ) |}} {{Poem2Open}} મનોવિજ્ઞાનીઓ ઘણીવાર કહે છે કે તમે તમારું બાળપણ કહો અને હું તમને કેવા છો તે કહી આપીશ, એટલે કે બાળપણના સંસ્કારમાંથી પૂરા માણસનો પરિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૨૯ | ||
|next = | |next = ૩૧ | ||
}} | }} |
Revision as of 15:59, 3 May 2023
મનોવિજ્ઞાનીઓ ઘણીવાર કહે છે કે તમે તમારું બાળપણ કહો અને હું તમને કેવા છો તે કહી આપીશ, એટલે કે બાળપણના સંસ્કારમાંથી પૂરા માણસનો પરિચય મળવા સંભવ છે. કેટલીકવાર તો વ્યક્તિ વર્તમાનમાંથી ભૂતકાળમાં જઈ બાળપણના અનુભવોને ફરી પાછા જીવીને નવેસરથી પોતાને પામી શકે છે. ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ ચન્દ્રકાન્ત શેઠને પણ છેંતાલીસમે વર્ષે થયું કે પોતે નાનકડા ચંદ્રકાન્તને મળી લે. આમ તો ‘ચંદ્રકાન્તનો ભાંગીને ભૂક્કો કરીએ’ એવું કહેનાર આ કવિએ ‘ધૂળમાંની પગલીઓ' (૧૯૮૪)માં વેરાયેલા ચંદ્રકાન્તને ફરી સમેટીને સ્મરણોની શક્તિથી અને કલ્પનાના કીમિયાથી નવી રીતે બેઠો કર્યો છે. ‘ધૂળમાંની પગલીઓ’ એ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પામેલી આપણી કૃતિઓમાંની એક છે. ઘણુંબધું સાહિત્ય મોટા માટે લખાય છે, ઘણુંબધું સાહિત્ય બાળકો માટે લખાય છે, પરંતુ ચંદ્રકાન્ત શેઠે અહીં મોટામાં રહેલા બાળક માટે લખ્યું છે. માણસ મોટો થાય પણ એમાં રહેલું બાળક સાવ મરી જતું નથી. માણસ બાલીશ ન બને પણ માણસ પોતાનામાં રહેલા એ બાળકને ફરી ફરીને પામ્યા કરે તો આ જગતના ઘણાં બધાં દુઃખદર્દ ઓછાં થઈ જાય. ચંદ્રકાન્ત શેઠને ખાતરી છે કે જેમ દૂરથી ડુંગરા રળિયામણા લાગે તેમ દૂરથી વીતેલો સમય પણ રળિયામણો લાગે છે. બાલ્યવયમાં ગમે એટલાં દુઃખ પડ્યાં હોય, ગમે એટલી યાતના ભોગવી હોય, ગમે એટલી હાડમારી વેઠી હોય પણ વર્તમાનકાળ પર ઊભા રહીને માણસ જ્યારે પોતાના બાળપણના દિવસો સંભારે છે, ત્યારે એના મનમાં એ દિવસો માટેનું કોઈ નવું સુખ જન્મે છે. જર્મનમાં તો શૈશવનાં સ્મરણો માટે ‘યુગન્ડએરિનેરુન્ગેન’ જેવો ચોક્કસ શબ્દ મળે છે, જેનો અર્થ થાય છે ‘બાલ્યવયનાં સંસ્મરણો.’ બાળપણમાં બધું જ જુદુ હોય છે. બધું જ આકર્ષક હોય છે – સૂર્ય વધુ તેજસ્વી હોય છે. ખેતરોની ગંધ વધુ તીવ્ર હોય છે, મેઘગર્જના રોમાંચકર હોય છે, વરસાદ ધોધમાર હોય છે, ઘાસ ઊંચું લાગે છે અને જો વર્તમાન પરથી જોનારને એ જરા તટસ્થ બનીને રમૂજ સાથે, વિનોદ સાથે, વ્યંગ સાથે, વક્રતા સાથે, જોતાં આવડતું હોય તો જીવેલું ફરી જીવવાનો એ ઉપક્રમ દિલચશ્પ બની જાય છે. ‘ધૂળમાંની પગલીઓ’"માં કુલ અઢાર પ્રકરણો છે અને એ અઢાર પ્રકરણમાં ચંદ્રકાન્ત શેઠે પોતાના જન્મસ્થળ કાલોલથી માંડીને દાહોદ, હાલોલ, કંજરીથી છેક નગરમાં પહોંચ્યાની વાત માંડી છે. આ વાત મોટે ભાગે કિશોરાવસ્થાની છે. આજથી ૫૦ વર્ષ પહેલાનાં આપણાં ગામડાંઓ, એના લોકો, એના રીતરિવાજો, એમની ઋતુઓ, એમના ઉત્સવો, એમની ખાણીપીણી આ બધાનો પણ એમાં આડકતરો પરિચય મળે છે. બીજી રીતે કહીએ તો ૫૦ વર્ષ પહેલાના ગુજરાતનાં ગામોની કોઈ કિશોરમાનસમાં સચવાયેલી છબીઓ ધ્યાન ખેંચે એવી બની છે. લેખક પુષ્ટિમાર્ગીય ચુસ્ત વૈષ્ણવ કુટુંબમાંથી આવે છે, જે કુટુંબમાં લાલજી કુટુંબના એક સભ્ય છે. ત્રણ ભાઈઓ ઉપરના એ જાણે ચોથા દત્તક લીધેલા. સૌમાં એમનો પહેલો અધિકાર સર્વસ્વીકૃત. ઠાકોરજી કે લાલજીની જોહૂકમી વિના દલીલે સ્વીકાર્યે જ છૂટકો હતો. અહીં કિશોરની વૃત્તિ અને પ્રવૃત્તિ એની આસપાસ ગુંથાયેલી છે; એમાં આવીને વિનોદ ભળે છે. લેખક કહે છે : ‘પ્રતીત થયું કે લાલજી મહારાજને જે કાંઈ ધરાવીએ છીએ તે જરાય ઘટ વિના જેમનું તેમ પાછું મળે છે ત્યારે મારો એમને નિયમિત પ્રસાદ ધરાવવાનો ઉત્સાહ વધતો ગયો. આ લાલજી મહારાજ પોતાના હાથમાંનો લાડુ ય ખાતા નથી એ મને એકવાર અયોગ્ય લાગેલું ને મેં એમનો હાથ વાળવા રાક્ષસી ઉપાયો કરેલા તે યાદ છે. દરરોજની ભોજન સામગ્રી, વાર-તહેવા૨ની વાનગીઓ અરે, ઘરમાં આવતું બધું જ પહેલાં લાલજીને અર્પણ કરવાનું. કઠોર પિતાની ચુસ્ત દૃષ્ટિમાંથી છટકી ઉનાળાની મોજ માટે ગયેલો કિશોર ઘ૨ના લાલજીને અર્પણ કરવાની વિધિનો કેવો રમૂજથી ઉપયોગ કરે છે તે જોવા જેવું છે. ઘરની વળગણીનો વાંસ લઈ આખો દિવસ ભટકી, રાયણ – ગોરસ આંબલીથી ખિસ્સાં ભરીને આવેલો કિશોર ઘેર બધાં ગુસ્સામાં હોય છે ત્યારે વિનીત રીતે હસતો હસતો ઓટલા પર પગ મૂકતા બાને કહે છે : ‘બા, ઠાકોરજી માટે રાયણ ને ગોરસ આંબલી લાવ્યો છું.’ માનો ગુસ્સે થયેલો ચહેરો હસુ-હસુ થઈ જાય. પૂછે ‘તે ઠાકોરજીનો મેવો તે ચાખ્યો તો નથી ને?’ ને હું ધરાર જુઠ્ઠું બોલતા કહ્યું : ‘ના, ના, આમાંથી એ કાઢી લે પછી હું લઈશ." પનોતો પુત્ર પરદેશથી રત્નોની ફાંટ ભરી લાવીને માના ચરણમાં પાથરે એમ આ રાયણ ગોરસઆંબલી વગેરે માના ચરણમાં હું ઠાલવો. પિતાની ચુસ્ત ભક્તિ અને કડક સ્વભાવે અહીં કિશોરના જીવનને જુદા જુદા પહેલ આપ્યા છે. લેખકે બાલમંદિર અને શાળાજીવનના એમના ઉધામાઓ પણ ખાસ્સી વક્રતા સાથે મૂક્યા છે. કિશોરની અભ્યાસ કરતા બહાર રમવા-ભમવા તરફની અને દોસ્તો સાથે મોજમસ્તી કરવા તરફની રુચિનાં અનેક ઉદાહરણો છે. મંદિર, માતાનો રથ, તાજિયા, મદારી - જાદુગરના ખેલ, રામલીલા, રાસલીલા, ભવાઈ વગેરેમાં રમમાણ આ કિશોર પોતાના કુટુંબની આર્થિક સંકડાશને વ્યક્ત કરે છે : ‘મદારી કે જાદુગરના ખેલ મફત જોવા મળતા પણ બમ્બઈકી ગાડી જોવા માટે પૈસો-બે પૈસા મને કોણ આપે એ વિરાટ સવાલ હતો. હું કાચના કબાટમાંની મીઠાઈ માટે બહાર આંટા મારતી માખીઓની જેમ પેલા બમ્બઈકી ગાડીવાળાની ચિત્રપેટીની આસપાસ ફરતો.’ કિશોરના પરીજગત અને ભયજગતની સાથે એ વખતની ગામઠી શાળામાં આવતા ઇન્સ્પેક્ટરનું વાસ્તવિક જગત પણ ખાસ્સી ઠેકડી સાથે રજૂ થયું છે. ‘પાવાગઢ’નો આ કિશોરમાં ઊંડો સંસ્કાર છે. મોટપણે ‘આબુ' જઈ ચડ્યા પછી વિચારે છે કે ‘આબુથી અમદાવાદ દૂર હશે, પાવાગઢ તો નહીં જ. પેલો ટોડરૉક કૂદે તો પાવાગઢના દૂધિયા તળાવમાં જ પડે!’ કિશોરનાં અને એની ટોળકીનાં હોળીનાં પરાક્રમો, દશેરાના દિવસે ગામના દરબારની નીકળતી સવારી, શરદની રાતે તડકાની ધૂળથી જુદી ચાંદનીની ધૂળનો થતો જુદો પરિચય, દિવાળીમાં ઘરના માનાર્હ સભ્ય જેવા લાલજીનો અન્નકુટ વગેરેનાં વર્ણનો રોચક છે. શિયાળાની ગામઠી રાતનું ચિત્ર તો ખાસ જોવા જેવું છે. ‘ગામડા ગામમાં તો શિયાળામાં રાતના આઠ-નવ વાગ્યા કે નર્યો સોપો. ગામના તળાવ જેટલું જ ગામતળ શાંત. કોઈ અસુરી વેળાનું ગાડું જો ગામ સોસરું નીકળે તો શાંતિમાં એક ખડખડતો શેરડો પડી જાય.’ દેવ, કુદરત અને સોબતીઓના આ બધા અનુભવ વચ્ચે મેળવીને હંમેશ માટે ગુમાવી દીધેલી પોતાની ‘ગૌરી’નો અનુભવ લેખકે જાણે કે કેન્દ્રમાં મૂક્યો છે. આ અનુભવમાં કદાચ કલ્પનાચિત્ર હોય, મિથ હોય, દિવાસ્વપ્ન હોય પણ પછીના લેખકના સ્નેહજગતમાં ‘ગૌરી' ચાલકબળ બનીને આવી છે. ગૌરીનું સ્મરણ લેખક માટે માત્ર કાયાકલ્પ નથી. મન કલ્પ પણ છે. લેખક કહે છે : આજે ય રાતાંચોળ લચકલોળ શેતૂરને જોઉં છું ને પેલી લજ્જાનત ગૌરીની યાદ આવે છે. કરકસરથી નભતું કુટુંબ શરદની રાત અગાસીમા દૂધપૌંઆ ખાઈને ઊજવે છે ત્યારે દૂધપૌંઆ ખૂટી જતાં વહારે ધાતી ગૌરીનું ચિત્ર લેખકે આબાદ પકડ્યું છે. ‘એ એની રઢિયાળી ઓઢણી તળે ઢાંકેલાં દૂધપૌંઆ ભરેલો મોટો વાટકો લઈને હાજર થઈ જતી. હસતા હસતા કહેતી ‘લૉ માશી આપો આમને. મારું નામ તો લુચ્ચી બોલે જ શાની? મા એ દૂધપૌંઆ લેવા કે નહીં તે વિશે વિચારતી હોય ને ગૌરી તો તુરત જ અમારા ખાલી વાટકા એના દૂધપૌંઆથી ભરી દે આંખ જરા ભીની થાય. બસ એટલું જ.’ આ જ કારણે લેખક તારણ પર આવે છે કે, ‘ક્યાંકથી મને સૌંદર્યની કોઈ સાપણ ડસી ગયેલી એ તો નક્કી જ.’ અને તેથી જ નાનપણથી આ લેખકનું મન ભીતરની અને બહારની રૂપછટાઓમાં રંગાતું અને રંગાવા સાથે રૂપઝુમતું રેલાતું રહે છે. એ જ કારણે તૃપ્તિથી લેખક અંતે કહે છે : ‘મને મારા વિશે કશી યે રાવ કે ફરિયાદ કરવાનું કારણ લાગતું નથી. ફર્યા તો ચર્યા, ગુમાવ્યું તો મેળવ્યું, ઘસાયા તો ઘડાયા, ભૂલા પડ્યા તો જાણવા મળ્યું.’