ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/ચાર દિનકી ચાંદની અલ્મોડામાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
(No difference)

Revision as of 10:43, 7 May 2023

૪૯
યજ્ઞેશ દવે

ચાર દિનકી ચાંદની અલ્મોડામાં

અહીં અલ્મોડામાં મુખ્ય રોડ પર જ વ્યવસ્થિત પૉશ હોટલ ‘રેણુકા’માં ઉતર્યો છું. પરવડે તેવા ભાડામાં મળી ગઈ છે. કારણ એક જ છે. હોટલનું લાઇટનું કનેક્શન કાપી નંખાયું છે. રાત્રે સાડા સાતથી સાડા દશ સુધી જ જનરેટરથી લાઇટ મળે, બાકી અંધારા પીવાના. ઉમાશંકરે કહ્યું છે ને ‘જે જે પ્રાપ્ત થતો ઉપાધિયોગ, તે તે બની રહો સમાધિયોગ’ તે અક્ષરશઃ અહીં સાચું પડે છે. રાત્રે અલ્મોડાની બજારમાં શેરીઓમાં રખડી જમીને આવું ત્યાં તો સાડા નવ-દશ થવા આવ્યા હોય. એક્સ મિલિટરીમૅન કુમાઉની ચોકીદાર-નોકર ગોવિંદ અમે આવીએ ત્યાં જ હળવેકથી કહે ‘આપ કી હી રાહ દેખ રહા થા. જલદી કપડે બદલ લિજિયે સાહબ, જનરેટર બંધ કરને જા રહા હૂં’ અમે દલીલ કરીએ કે, ‘આજે તો જનરેટર આઠ વાગ્યે શરૂ કર્યું છે તો અગિયાર વાગ્યા સુધી ચાલુ રાખ. માલિક સાથે વાત થઈ ગઈ છે.’ પણ અમને ગાંઠે તો ગોવિંદ શાનો? તે તો વળતો જ જવાબ આપે. ‘સાહબ, હોટલ માલિક હી મુજે કહ કે ગયે હૈ કિ જનરેટર દસ-સાડે દસ બજે બંધ કર દેના. મૈં આપ સાહબ લોંગો કી રાહ દેખ રહા થા.’ ગોવિંદને પહોંચાય તેમ ન હતું. હવે લાઇટ બંધ કરી, શટરને તાળું મારી તેની નાનકડી રૂમમાં દેશીની કોથળી ઠઠાડી તબિયત અને મૂડ ટાઈટ કરી સૂઈ જશે. અમને ય તેણે વહેલા સૂવાની અને વહેલા ઉઠવાની આદત પહેલે દિવસથી જ પાડી દીધી. આખો દિવસ ચાલીરખડીને થાક પણ એટલો સરસ લાગ્યો હોય કે બહારથી આવતા સ્ટ્રીટલાઇટના પ્રકાશમાં નરમ અને પ્રેમાળ થઈ ગયેલી ખુરશી, સ્ટુલ, લટકતાં કપડાં, જગ, આડીઅવળી પડેલી ચોપડી ટિકી ટિકીને જોયાં કરું. બહાર સામે જ ખીણમાં તરી આવેલા ધુમ્મસને રાતના આછા પ્રકાશમાં જોયા કરું ત્યાં તો કોઈ હળવેકથી પાંપણ ઢાળી જ જાય અને સવારે આ લાઇટના ઉપાધિયોગમાંથી જ મળે બ્રાહ્મમુહૂર્તનો સમાધિયોગ. વહેલો ન સૂતો હોત તો આ આહ્લાદક ઠંડકભરી તાજી કુમળી સવારો મારા નસીબમાં રહેત ખરી? એવી સવારો કે જે બપોર-સાંજ રાત અને દિવસોના દિવસો વીતવા છતાં ય મારી સાથે જ રહે છે. સવારના પાંચ-સાડા પાંચમાં જ રાત્રે જેમ કોઈ હળવેથી પાંપણ ઢાળી ગયું હતું તે જ રીતે હળવેકથી કોઈ ખોલી જાય છે. સવારનો ઝાંખો પ્રકાશ કાચની બારીઓમાંથી રૂમમાં પથારી પર, ટેબલ પર કાર્પેટ પર પથરાયો છે. બહાર કેટલાંય અનામિક પક્ષીઓના અશ્રૃત, મીઠાં અવાજો સંભળાય છે એ અવાજોમાં માત્ર બે જ પરિચિત અવાજો છે – બપૈયાનો અચાનક ઊઠતો આર્જવભર્યો આર્ત અવાજ પિ..પિયુ પિ..પિયુ અને ‘બેસીને કોણ જાણે પરભૃત્તિકા ગાન સ્વર્ગીય ગાય’ વળી કાન્ત ફેઇમ કોયલનો ટહુકાર, કૂહુકાર. આ બે પરિચિત પક્ષી અવાજોના તાણાવાણા વચ્ચે ભરાયા કરે છે અનેક પહાડી પક્ષીઓના નાના નાના ટહુકાઓ, ચીંચીંકાર, કલબલ, ચહચહાટના નાના બુટ્ટાઓ. સવારની આ સ્વરભાતમાં દૂરથી કોઈ પક્ષી આવીને તેનો દીર્ઘસ્વર રેલાવી એક લયાન્વિત વળાંકદાર હળવી રજતવેલ ઉપસાવતું જાય છે. રોડ પરની આ હોટલની ખાસિયત એ છે કે રોડની સામેની તરફ કશું જ બાધક નથી. અંગ્રેજોના વખતનું મોટા કોટેજ જેવું સુંદર જનરલ પોસ્ટ ઑફિસનું મકાન છે પણ રોડથી નીચે ઢોળાવ પર. બાકી સામે હળવા ઢાળવાળો મોટો ખીણપ્રદેશ. જોકે તેને ખીણ ન કહી શકાય તેટલો વિશાળ અને બૃહદ વ્યાપ છે. દૂર બીજી પહાડીઓ પર નાના છાપરાવાળાં મકાનો લહેરીઓ જેવા વળાંકદાર ઢોળાવો પરનાં પગથિયાં, ખેતરો, પાઈનનાં વૃક્ષો બધું પ્રગટ થયું. થીજેલી તરંગવલ્લિઓ જેવી ગિરિમાળાઓની શ્રેણીઓ દેખાઈ. નજીકની ગિરિમાળા લીલી-ધરો પાઈનનાં જંગલોની વિગતખચિત, તેની પાછળની આછી લીલી, તેની પાછળ તેથી ય સાવ આછી નામમાત્રના લીલા રંગની ઝાંયવાળી, તેની પાછળની આકાશના આછા નીલ ધૂસર રંગમાં ભળી જતી દેખાય છે. તેની ય પાછળ હિમાચ્છાદિત નંદાદેવી, ત્રિશૂલના શિખરોવાળી ગિરિમાળા છે. પણ ઉનાળાના ભેજભર્યા ધૂંધળા હવામાનમાં એ ઘૂમ્રઘૂસર જવનિકામાં કેટલા ય દિવસથી નજરે પડતી નથી. નીચે હળવા સૂરે ગોવિંદો કુમાઉનાં લોકગીત ગાતો ગાતો કામ કર્યા કરે છે. તેની અકોણાઈ, આડોડાઈ, ઉસ્તાદી સવારના તેના ગીતમાં પલળીને કુમળી બની ગઈ છે. સવારના ગોવિંદાના એ કુમાઉની ગીત પાછળ તારી બધી ગુસ્તાખી માફ ગોવિંદા! સાંજે પાઈનનાં જંગલવાળા ઢોળાવ પર બ્રાઈટએન્ડ સનસેટ પોઈન્ટ ઊભો રહું છું. પાસે જ નીચે રામકૃષ્ણ આશ્રમ છે. મારે અહીં આશ્રમમાં રાજકોટના આશ્રમના મુખ્યસ્વામીએ આપેલી ચિઠ્ઠી અને રાજકોટનાં એક સાધિકા બહેને પ્રેમથી જે પેંડા મોકલ્યા છે તે દેવા જવાના છે તે યાદ આવ્યું. સંપેતરું અને ચિઠ્ઠી થેલામાં જ હતા તેથી આશ્રમમાં ઊતરી પડ્યો. ઢોળાવ પર આશ્રમનાં મકાનોનું સંકુલ, નાની કુટિર, કૉટેજ, ગેસ્ટ હાઉસ, ઑફિસ આ બધાની વચ્ચે જ હતું. અહીંના મુખ્ય સ્વામીજી સિદ્ધદાનંદજીનું રહેઠાણ. હું ગયો ત્યારે ટેબલમાં માથું નાખી કાગળિયાઓ વચ્ચે કશુંક કામ કરતા હતા. ઓળખાણ કાઢી. ભાંગીતૂટી બંગાળીથી તેમની સાથે તાર સાંધી દીધો. સંપેતરું આપ્યું. એક અજાણ સાધિકાએ પેંડા મોકલ્યા છે તે જાણી વધારે આનંદિત થયા. આશ્રમમાં રહેવા માટે મને ય આમંત્રણ આપ્યું. પણ મને તો મારી હોટલ ‘રેણુકા’માં મિત્રો અને ગોવિંદા સાથે ફાવી ગયું હતું, નીકળતી વખતે ત્યાં જમવા પ્રસાદ લેવા માટે આગ્રહ કર્યો. દૂર લાકડાની ફર્શ પર એક મોટા ટેબલ પર બે ચાર મૅગેઝિન અને સ્થાનિક છાપાં પડેલાં હતાં તેમાં માથું નાખીને વાંચતા એક જુવાન છોકરાનું ધ્યાન અમારી વાતોમાં હતું, મેં સ્વામીજીને પગે લાગી રજા લીધી અને બૂટની વાધરી બાંધી ત્યાં તે પણ ચપ્પલ પહેરી મારી આગળ નીકળ્યો. સહજ કુતૂહલથી અમે વાતોએ વળગ્યા. આશ્રમમાંથી બહાર નીકળવાનો એક ટૂંકા ઢોળાવવાળો રસ્તો તે બતાવતો ગયો અને અમે ચાલતા ગયા. ઉપર રોડ પર આવ્યા ત્યાં સુધીમાં તો તે ખૂલી ગયો હતો. ઉપર પહોંચ્યા પછી છૂટા પડવાનું હતું પણ અમે બન્ને કાંઈક વાતો કાઢી ઊભા રહ્યા. બ્રાઈટએન્ડના સનસેટ પોઈન્ટ પરથી સૂર્યાસ્ત દેખાતો હતો. સૂર્ય સામે સ્માઈદેવીના પર્વતની પાછળ ડૂબી રહ્યો હતો. મને તે પર્વત તરફ આંગળી ચીંધી કહે ‘પેલી સિંહાકૃતિવાળું ઝાડ જે પર્વત પર દેખાય છે તે સ્યાઈદેવી. તે વૃક્ષ વરસોથી સિંહના આકારમાં જ છે.’ સૂર્યનો તડકો બધે ચળકતો વિખરાયેલો પડ્યો હતો. મેં તેનું નામ પૂછ્યું, તેનું નામ હતું નવીન સનવાલ. કુમાઉની બ્રાહ્મણ. બાપા સરકારી નોકરી કરે. માબાપનો એકનો એક દીકરો. થોડી વાતો કરી ફરી છૂટા પડવાની વેળા આવી તો કહે ‘ચાલો હું યે તે તરફ આવું’ તેને તો મારી સાથે વાતો જ કરવી હતી. રસ્તે ચાલતા પહોળી પાળી પર બેસી ડૂબી ગયેલા સૂર્યે પૂરેલા રંગો જોયા. થોડી વધુ વાતચીત કરી તો પ્રેમથી વળી વાતે વળગ્યો. કિશોરાવસ્થાથી જ આશ્રમમાં જાય છે. કૉલેજના મિત્રો સાથે ભળવા ખાતર ભળે પણ જીવ ધર્મ-આધ્યાત્મનો. એક શિબિરમાંથી આશ્રમ તરફ ખેંચાણ થયું અને હવે બંધાણની જેમ અવારનવાર આવે છે. દીક્ષા લઈ સાધુ થવું છે પણ ઘરના ના પાડે છે. માબાપની ઇચ્છા આજ્ઞા ઉથાપાય તેમ નથી. મેં તેને ખભે હાથ મૂકી સમજાવ્યો. કહ્યું, ‘મારો દીકરો જો રજા માગે તો હું પણ ના જ પાડું. બધા સારા માણસો સાધુ થઈ જાય તો સંસારમાં કોઈ સારા માણસો જ ન રહે. તારે જે કાંઈ ધરમ, મનન, ચિંતન કરવું હોય તે આ સંસારમાં કર ને! જનક રાજાએ ક્યાં ભગવો ભેખ ધર્યો’તો અને આ જગતને પૂરી રીતે માણ તો ખરો!’ મારી દલીલ કે વણમાગી સલાહ તેને ગળે ઉતરતી હોય તેમ લાગ્યું. ઘણી વાર કાચી બુદ્ધિથી અવળા માર્ગે ચડી જવાનો ભય રહે છે તેમ આવી કાચી વયે ધર્મ-આધ્યાત્મના ખોટા રસ્તે ચડી જવાનું ય જોખમ રહેલું હોય છે. તે જોખમમાંથી મારે તેને બહાર રસ્તો દેખાડવો હતો. ફરી ચાલતા અમે સનસેટ પૉઇન્ટ આવ્યા, હવે અંધારું ગાઢ થયું હતું. સામેની સ્યાઈદેવીનો પર્વત અને તેના પરનું સિંહાકૃતિ વૃક્ષ છાયાચિત્ર જેવાં લાગતાં હતાં. બીજી તરફ પૂનમનો કેસરી ચંદ્ર અલ્મોડાની ટેકરી પાછળથી ઝળૂંબતો હતો. પાઈનની પત્તીઓમાંથી સોહાતા પવનમાં એક એકલતાનો અવાજ હતો. હૂંફાળી આર્દ્ર હથેળીઓથી મારા હાથ તેણે પકડી રાખ્યા. ભલે થોડી ક્ષણો કે મિનિટો પણ એ સ્પર્શમાં અજાણ્યા માણસો વચ્ચે ય પાંગરતા પ્રેમની અને સમજની હૂંફ હતી. હું અલ્મોડાથી જાઉં તો પહેલાં મારી હોટલે સવારે મળવા આવવાનો હતો, પણ તેમ બન્યું નહીં. તે ક્યાંક ચાર-પાંચ દિવસ લગ્નમાં હલ્દવાની જવાનો હતો. ફરી મળવાનું ન થયું પણ હજી ય ઇચ્છી રહ્યા કરે છે કે તે સંસારમાં જ રહે તો સારું. શાંત નવીનનો સામો છેડો અલ્મોડાની બજારમાં ખજાનચી મહોલ્લાની પાનની દુકાનમાં મળ્યો. એ પણ કુમાઉનો છોકરડો. પાનની દુકાનનો માલિક, એક રાત્રે આઠેક વાગે પં. ઉદય શંકરના જૂના સાથીદાર ચિરંજીલાલને મળીને પાછો હોટલે જતો હતો, ત્યાં ખૂણા પરની એક મોટી પાનની દુકાને દરબારીની તાનો સંભળાઈ. હું અવશપણે જ તે તરફ ખેંચાયો. પાનનો ગલ્લો અને રાગ દરબારી? સાંભળવા માટે બહાનું તો જોઈએ ને! મેં પાન સિગારેટ લીધાં. ત્યાં જ સળગાવી પીવાની શરૂ કરી. આ એટલા માટે કે ત્યાં હકથી ઊભો રહી શકું. મને એમ કે રેડિયો પર સંગીત આવતું હશે. પણ ત્યાં તો ચમત્કાર. તે તો કેસેટ પર આવતું હતું. દુકાનવાળો રૂપકડો ગોરો જુવાન છોકરો દુકાનમાં બેઠેલા બીજા મિત્ર સાથે વાતો કરતો પાન બનાવતો બનાવતો વચ્ચે વચ્ચે દરબારીની તાનોને દાદ દેતો જાય. ગાયકનો અવાજ ઘેરો ઘેઘૂર હતો અને ગાયકી ય માશાલ્લા. કશું પકડાય નહીં પણ અવાજ સતત જાણીતો લાગ્યા કરે. મેં પાનવાળા છોકરાને પૂછ્યું, ‘કૌન હૈ કલાકાર’ ફરી આશ્ચર્ય જગજિતસિંહ! દુકાનવાળો છોકરો રીતેશ વર્મા, હશે વીસ-એકવીસનો માંડ. સંગીતથી પૂરેપૂરો ઘાયલ. પહેલાં શાસ્ત્રીય સંગીત શીખતો પણ પછી મૂકી દીધું. કાને સાંભળવાનું ઘેલું ચાલુ રાખ્યું હતું. તેના દાદા આ વિસ્તારના વિખ્યાત કુમાઉની લોકગીત ગાયક હતા. તેનો ફોટો દુકાનમાં લટકાવી રાખેલો, અહીંની હોરી ખૂબીથી ગાતા. પિતા પણ શોખીન. દુકાનમાં બેઠેલા બે મિત્રો ય તેની જેમ શાસ્ત્રીય સંગીતના શોખીન. મને કાચના કેઇસમાંથી તેનો કેસેટ ખજાનો બતાવ્યો. કુમાર ગાંધર્વનાં નિર્ગુણ ભજનો, જગજિતસિંહની ગઝલો, લક્ષ્મીશંકરનું ગાયન, આ બધા ગૂંજતા સ્વરો વચ્ચે જ તે જીવતો હતો. તેણે મને સંભળાવવા જગજિતસિંહની ગઝલની કેસેટ મૂકી વચ્ચે પાન-સિગારેટ માટે ઘરાકો આવે ત્યારે તેમને સારી રીતે એટેન્ડ કરતો જાય, વચ્ચે વચ્ચે ગઝલની કોઈ લાઈન પાસે તેનું મન રોકાઈ જાય. ગઝલની એક પંક્તિ ‘કિસી કી આખરી હિચકી’ અચાનક ચમક્યો મને કહે, ‘ક્યા બાત કહી હૈ’ સામે ચાની દુકાન બંધ થઈ ગઈ હોવાથી ફરી ખાસ ચા પીવા માટે મને આમંત્રણ આપ્યું. જવાના આગલા દિવસે યાદ કરીને તેને મળવા ગયો તો ખૂબ ખુશ થયો અને ‘ગાઈડ’ની કેસેટ સંભળાવી ચા પાઈ. ફરી અલ્મોડા આવવાનું થાય તો સીધા તેને ઘરે જ ઉતરવાનો આગ્રહ કરી તેનું સરનામું માગ્યું. મેં ય મારું સરનામું આપી તેને ગુજરાત આવવા, રાજકોટ આવવા આમંત્રણ આપ્યું. પણ મારા આમંત્રણમાં સચ્ચાઈનો, પ્રેમનો, સહજતાનો તે રણકાર ન હતો જે એના અવાજમાં હતો. અત્યારે તેને યાદ કરું છું તો તેને હેડકી આવતી હશે?

[ચિલિકા, ૨૦૦૨]