અથવા અને/પિત્તળની ચામડીનો બોદો રણકાર...: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <poem> પિત્તળની ચામડીનો બોદો રણકાર ચૈત્રની હવામાં ડૂસકાં ખાય છે....") |
(No difference)
|
Revision as of 23:37, 28 June 2021
પિત્તળની ચામડીનો બોદો રણકાર
ચૈત્રની હવામાં ડૂસકાં ખાય છે.
યક્ષીના શિલ્પનાં ખંડિત સ્તનોને
આગિયાના ધોળા પડછાયા છંછેડે છે.
વાવના પગથિયે કામરત શૃગાલયુગલના શ્વાસનું દ્વન્દ્વ
ઉપર લીમડાનાં પાનમાં પેસી તેને ગલી કરે છે.
રાત હળવે હળવે
દિવસોનાં શ્વેત શબોને રંગે છે,
પણ ચામડીનાં છિદ્રો પુરાતાં નથી,
ઊલટાનાં પર્વત-ઝરણાંની જેમ ઝમ્યા કરે છે.
મોતના પવનો
રસ્તાની ચિરાડોમાં પ્રેમની બાષ્પથી લચી પડી, ઓગળે છે.
ટાવરના કાંટા પર સમયની અવળસવળ જાંઘો ઘસાય છે.
કૂતરાં ભસે છે.
નદીની રેતીમાં સૂતેલા લોકો પર
ઊંઘની કબરો ચણાય છે.
બાવળની કાંટ્યમાં
મરતા મકોડાના ખોળિયામાંથી નીકળી
હિજરાતો હિજરાતો
કોઈ પેગમ્બરનો જીવ પાછો વળે છે.
કૂતરાં ભસ્યા કરે છે.
જૂન, ૧૯૬૧
અથવા