અમૃતા/દ્વિતીય સર્ગ - પ્રતિભાવ/છ: Difference between revisions
(Created page with "<center><big><big>છ</big></big></center> {{rule|8em}} {{Poem2Open}} લોકો! ન સમજાયેલો એક શબ્દ, લોકોને. મારે મન તો લોકો એટલે કેટલીક પ્રણાલિકાઓ, કપડાંલત્તાં, કેટલીક ઔપચારિકતાઓ, સમૂહમાંથી માણસને બાદ કર્યા પછી વધે તે. કહે છે કે...") |
(No difference)
|
Revision as of 11:43, 27 August 2023
લોકો!
ન સમજાયેલો એક શબ્દ, લોકોને.
મારે મન તો લોકો એટલે કેટલીક પ્રણાલિકાઓ, કપડાંલત્તાં, કેટલીક ઔપચારિકતાઓ, સમૂહમાંથી માણસને બાદ કર્યા પછી વધે તે.
કહે છે કે હું લોકોની અવગણના કરું છું! માણસ જ ગેરહાજર હોય ત્યાં ગણના શેની કરવી? ઉદ્દંડ, અહંનિષ્ઠ, અસ્વસ્થ, નાસ્તિક… માણસને ડામવા માટે લોકોવાળા લોકો પાસે શબ્દોનો ટોટો નથી. એમના તરફથી ભેટ મળતા આ બધા શબ્દો હું સહજભાવે સાંભળી રહું છું તે પણ એમને નથી ગમતું. એમને સાંભળીને મારે ઉત્તેજિત થઈને પોતાનો બચાવ કરવો જોઈએ અને ક્ષમાયાચના કરવી જોઈએ. તો જ આક્ષેપ કરનારાઓને પોતાની સફળતાનો એહસાસ થાય. અને જો હું ઉશ્કેરાઈને જવાબ આપું તો કહેવાના — આટલું પણ સહન નથી કરી શકતો? કેવો આળો માણસ છે. એ સહુને સંભળાવે, પણ સાંભળવાનો વારો આવે ત્યારે કેવો અકળાઈ ઊઠે છે? પણ હું અકળાયો હોઉં અને બહારથી સૌમ્ય બની રહ્યો હોઉં તેવું તો બન્યું નથી… જે લોકો મને વિરોધી માની બેઠા છે એ તો હું કંઈ પણ બોલું, કંઈ પણ લખું તોપણ ચારેકોરથી આંતરતા રહેવાના. એમના એકેએક અવિશ્વાસ પર મારે પોતાની કેફિયત રજૂ કરતા રહેવાનું. એમ થાય છે કે ભૂગર્ભમાં ચાલ્યો જાઉં અને બધા મને ભૂલી જાય પછી જ પ્રગટ થાઉં. પણ એ તો પલાયન થયું. આપણને ન ફાવે. હું કંઈ અનિકેત નથી.’
એક પરિચિત પત્રકાર પૂછે છે — તારે અને અમૃતાને કેવા પ્રકારના સંબંધ છે? એને શો જવાબ આપું?
પોતાને મારા મુરબ્બી માનતા એક લેખકે મારી વાર્તા વાંચી હતી. તમે આવું બધું લખો છો, તો પછી સમાજમાં નથી માનતા? મેં એમને પૂછયું — સમાજ એટલે શું? એમણે જે ઉત્તર આપ્યો તે પરથી તો લાગે કે સમાજ એટલે એ, એમનો પરિવાર અને લાગતાંવળગતાં. એમની સાથે વાર્તાની શી ચર્ચા કરું?
એક જૂની વિર્દ્યાથિની પત્રો લખે છે. હમણાં એનો ચોથો પત્ર આવ્યો. ન જાણે એ શું લખે છે! કહે છે હું કેમ ઉત્તર આપતો નથી? કોણ જાણે એ ઉત્તરરૂપે શું વાંચવા ઈચ્છતી હશે! અને પોતાને ગણાવે છે વિર્દ્યાથિની!
એક લાંચરુશ્વત ખાતાનો અમલદાર સાક્ષી તરીકે લઈ ગયો હતો. માણસો પકડાયા. હવે અમલદારસાહેબ મને કહે છે કે સાક્ષી તરીકે માટે ફરી જવું. પેલા માણસો ખતરનાક છે. તમને હેરાન કરશે! એને મારી કેટલી બધી ચિંતા છે! કોણ ખતરનાક અને કોની ચિંતા?
એક જૂના સહકાર્યકરને ઘેર ગોષ્ઠી હતી. એ પોતાને ગઝલકાર માને છે. ત્યાં મહેફિલમાં સહુએ એક સવાલ પૂછયો — હું inhibitions માં નિષેધોમાં નથી માનતો તો પછી શરાબ કેમ નથી પીતો? મેં કહ્યું કે તમને આવું કંઈ વળગણ હોય તેથી હું તમને ઓછા અંદાજતો નથી પણ એવું કોઈ વળગણ મને હોય તો પોતાની આંકણીમાં એવી બાબતનો ખ્યાલ હું જરૂર રાખું. એક શાયર બોલી ઊઠયા — દકિયાનુસ! મેં કહ્યું — આપને મેરે મુંહકી બાત છીન લી. એ સમજી શકે એ પ્રમાણે સમજ્યા. કદાચ પ્રોત્સાહન મળ્યું અને જામને છાતી સરસો ચાંપીને બોલ્યા — ‘પીના હરામ હૈન પિલાના હરામ હૈ, પીને કે બાદ હોશ મેં આના હરામ હૈ! વાતાવરણ ‘વાહ વાહ’ થી ઊભરાઈ ગયું. એમનો જામ ખાલી થયેલો જોઈને હું બોલ્યો — પીનેવાલે એક દો હોતે હૈં, મુફત સારા મૈકદા બદનામ હૈ!’ એક-દોમાં જ પેલા જનાબ પોતાને મૂકતા હતા. મારે કહેવું પડ્યું — એ ‘એક-દો’ આવું વાસી પ્રવાહી પીનારાઓમાંના નથી. હું મહેફિલને સલામ કરીને ચાલ્યો આવ્યો.
તમે સહુને સાચવવા જાઓ, સહુને સંતોષવા જાઓ તો લોકપ્રિય થાઓ. પછી એ લોકપ્રિયતા ટકાવી રાખવા તમારે શું શું કરવું પડે! એ તો સરળતાથી સમજી શકાય એમ છે. મિત્રો! (છો કોઈ?) ‘લોક’ શબ્દથી સાવધ રહેવું, જો તમારે ‘રહેવું’ હોય તો. બાકી, બની જવું હોય તો જુદી વાત છે. એમ કરવા સહુ સ્વતંત્ર છે. સહુની સામે પેલો પ્રશ્ન તો છે જ — to be or not to be.
લખતાં લખતાં ઉદયનને પ્રશ્ન થયો: મેં શા માટે આ બધું લખ્યું? આ કંઈ લેખ નથી કે લોકો સુધી પહોંચે… આ કંઈ પત્ર નથી કે મિત્ર એનો ઉત્તર આપે… તો શું હું જ મારો શ્રોતા અને હું જ મારો મિત્ર? મિત્ર એટલે શું? મિત્ર એટલે અનિકેત? પણ આ તો ઉદાહરણ થયું. અને અનિકેત વળી મિત્ર બની રહેવા ક્યાં રાજી છે? એ તો મારો સંરક્ષક બનવા ઈચ્છે છે.
મેં શા માટે આ પ્રમાણે લખ્યું? પોતાને જ કહેવા? એમીબા જેવા એકકોશી પ્રાણીના કંઈક ગુણધર્મ માણસમાં પણ હોવા જોઈએ. એમ હોય તો હું મારા જ કલ્પિત અર્ધ સાથે વાતે ચડી ગયો હતો. પોતાના અર્ધને શંકરની જેમ કોઈ વિજાતીય બનાવી શકે તો કશી કમી ન રહે. નિજમાં નિમગ્ન રહી શકે… એ અર્ધનારીશ્વરનું પ્રાતીક શું આત્મરતિનું સૂચક નથી? અમૃતા કહેશે — એ તો અદ્વૈતનું પ્રતીક છે. પણ એવા કલ્પિત અદ્વૈતથી મને સંતોષ નથી. અને સંતોષ થાય તોપણ વૈચારિક સંતોષથી શું? સંતોષ નહીં, તૃપ્તિ થવી ઘટે. Satisfaction અને fulfilmentમાં ઘણું અંતર છે.
મોડી રાત સુધી ઉદયન ઊંઘી શક્યો નહીં. એને અંધકારમાં વધુ દેખાય છે. રતાંધળા માણસથી એની સ્થિતિ સાવ વિપરીત છે. એને રાત્રે જ વધુ સૂઝે છે.
પશ્ચિમ તરફની બારી પાસે ખુરશી લઈ જઈને, બારીમાં હાથ પર માથું ટેકવીને એ જોવા લાગ્યો.એ નક્ષત્રો જોતો ન હતો. નક્ષત્રોની ઉપરનીચેનું આકાશ પણ એને દેખાતું ન હતું. દેખાતો હતો માત્ર અંતરાલ. એ અંતરાલ નીચે તરફ સમુદ્ર સુધી વિસ્તર્યો હતો. સમુદ્ર અત્યારે નક્કર અંધકાર બનીને ઉદયનને દેખાયો.
ઉદયને જયારે જયારે આ બારી બહાર નજર કરી છે ત્યારે ત્યારે એને સર્વપ્રથમ સમુદ્ર દેખાયો છે. સમુદ્ર દેખાયો છે એનો અર્થ એ નથી કે સમુદ્રરૂપે જ દેખાયો છે. કોઈક વાર રંગ બનીને, કોઈક વાર વિસ્તાર બનીને, કોઈક વાર સભરતારૂપે, કોઈક વાર અવાજરૂપે, કોઈક વાર શૂન્યરૂપે… સમુદ્ર સાથેનો એનો સંબંધ અનાદિ છે
અત્યારે સમુદ્રનો ખ્યાલ એને અંતરાલ દ્વારા આવ્યો.
સમુદ્ર પરથી એ ફરી પાછો અંતરાલમાં પહોંચી ગયો.
અંતરાલમાં એની દૃષ્ટિને આધાર મળ્યો… એ આધાર એની દૃષ્ટિમાંથી જ જન્મ્યો હોવો જોઈએ. એ આધારે ઉદયનને કશીક અભાન — અકૃત્રિમ જાગૃતિમાં પહોંચાડ્યો.
અવકાશના કેન્દ્રમાં એક કમલપત્ર ચમકી ઊઠયું. જાણે કે ચમકતા નીલરંગી કાચમાંથી એ રચાયું ન હોય! એમાં રોશની ન હતી. તેજ હતું.
તે પછી કેસરિયા રંગનો એક ફુવારો કમલપત્રના કેન્દ્રમાંથી ફૂટ્યો. એ ફુવારો ચાર ફૂટ ઊંચો ઊછળીને ધીરે ધીરે મંદ પડતો ગયો અને ગોળાકારમાં વિખેરાતો ફેલાવા લાગ્યો. ફુવારો સંકોચાતો ગયો અને સઘન થતો ગયો. એક અબોધ પળે એનું પદ્મમાં રૂપાંતર થઈ ગયું.
બંધ પદ્મ વિકસવા લાગ્યું, ખીલવા લાગ્યું. એ માત્ર ચાર પાંદડીઓરૂપે જ ખીલ્યું. એ પાંદડીઓ ચાર દિશાઓ સૂચવવાને બદલે, ચાર ખૂણા સૂચવતી હતી.
વાયવ્ય તરફની પાંદડી પર એક અભિરામ આકાર પ્રગટ થયો. તે શિશુ હતું.જાણે કે અનાવિલ શૈશવ. એ તો શિશુથી પણ વધુ સ્વૈરાચારી અને તેથી સંમોહક. પાછા વળીને ભૂતકાળની અનંત ખાઈમાં ક્યાંક અટવાઈ ગયેલું પોતાનું શૈશવ જોવાની અભિલાષા જાગી. એણે રોકી રાખી. એને જોવા જતાં અત્યારે જે સામે છે તે પણ અલોપ થઈ જાય તો? અને એટલું વિચારતાં તો થયું પણ એમ જ. વિચારમાંથી મુકત થઈને જોવા જાય છે ત્યાં તો પેલું શિશુ વિસ્તાર પામીને કેવળ આકારવત્ થઈ ગયું. એ આકાર પોતાનું તેજ ઘટાડી રહ્યો હતો. વધુ વિસ્તાર પામતાં એ મંદ અને સ્ફીત બની ગયો. એને લાગ્યું કે મીણની ર્મૂતિ જેવો એ ઘાટ પોતાના બંધારણને મળતો આવે છે. એને છાયા નથી, વેદનાનો પરિવેશ છે. એ વેદનાને ઓળખવા મથ્યો, આત્મસાત્ કરવા ગયો ત્યાં તો પેલો આકાર ઓગળીને ટપકવા લાગ્યો. એક એક ટીપું નીચે આવતાં આવતાં વાદળ બની જતું હોય તેવું લાગ્યું.
આ ભ્રમ છે કે શું? કેમ કે વાદળ તો સમુદ્રમાંથી જન્મે.
વિચારની આ સભાનતાને છોડીને એ જોવા જાય છે ત્યાં તો અગ્નિખૂણા તરફની પાંદડી પર અંગૂઠો મૂકીને એક વિશાળકાય પુરુષ આવી ઊભો છે. તેના ખભેથી સહેજ ખસેલો, કેડ સુધી ફરકતો શ્વેત ખેસ સરસ્વતીમંદિરના ચંદરવા તરીકે ખપ લાગે તેવો હતો. એ પુરુષનું ધોતિયું કલાત્મક પાટલીને કારણે ભગવાન કૌટિલ્યની યાદ આપે છે. હાથમાંનાં પુસ્તકો પતંજલિની સાવધાનીથી પકડાયાં હતાં. દક્ષિણ હસ્તમાં પકડાયેલી આમ્રમંજરી કાલિદાસની ટેવ પ્રમાણે પકડાયેલી હતી. ઉદયનને લાગ્યું કે આ તો પોતે જ છે. પોતાનું આ રૂપ જોઈને એ મગરૂર થઈ ગયો અને અભિમાનપૂર્વક બીજી પાંદડી પર પગ મૂકવા ગયો. બીજી પાંદડીને એનો સ્પર્શ થવા જાય છે ત્યાં તો એની ર્પાથિવતાનો અને સ્વમાનવૃત્તિનો ભાર એ પાંદડી સહી ન શકી. એ પાંદડી બરડ ન હતી. તેથી તૂટી નહીં. નમી ગઈ. ઉદયન પડ્યો નૈઋત્ય ખૂણામાં. અગસ્ત્યમુનિ પી ગયા તે પછીનો ખાલી સૂકો પડી ગયેલો દરિયો કકળતો હતો. ઉદયન ધીરે ધીરે પડી રહ્યો હતો. એને લાગ્યું કે પોતે પડી નથી રહ્યો પણ ઊતરી રહ્યો છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તીવ્ર ન હતું છતાં એના અનુભવથી એને આનંદ થયો. છેક નીચે પહોંચતાં રણ જેવો દરિયો જોઈને એ ક્રોધે ભરાયો. એક વાર તો માણસોની અદમ્ય તરસે સમુદ્રનાં રણ બનાવી દીધાં છે અને ફરીથી વળી આ સ્થિતિ કોણે સર્જી? એનો ક્રોધ વધતો ગયો અને, ક્રોધમય બની ગયા પછી એ વિશ્વામિત્ર બનીને અગસ્ત્ય મુનિને સારું ખોટું સંભળાવવા લાગ્યો! એણે જ આ યુક્તિ શોધી કાઢેલી. દરિયો પી જઈને એણે જ સર્વપ્રથમ રણ ઊભું કરેલું. શું સમજતો હતો એના મનમાં? લોપામુદ્રા જેવી વિદુષીને મૂકીને ચાલ્યો ગયો. પ્રવંચક! વિંધ્યાચળને વધતો રોકીને ગયો પછી પાછો જ ન આવ્યો. આ બધા જરઠ બુઢ્ઢઓ વિકાસશીલ યુવકોને — પર્વતની જેમ ગર્વોન્નત મસ્તકવાળા યુવકોને વચનથી બાંધી લઈને છેતરે છે. અગૂંઠા કાપીને ગુરુપદું સાચવે છે. શિખંડીઓને આગળ રાખીને એમને ઓથે લડનારા પરાક્રમી બની બેસે છે… છોડો એ બધી વૈરાગ્યની વાતો. વાતો છોડો અને જીવો… વાતો છોડો અને જીવો… આ સૂત્ર બોલતાં બોલતાં એ વિશ્વામિત્રમાંથી ચાર્વાક બની ગયો. અને એ તીવ્ર વેગે ઈતિહાસને ખૂંદતો આગળ વધવા લાગ્યો. ર્કીતિસ્તંભ ક્યાંય દેખાય તો રસ્તો બદલીને એ તરફ વળીને એ ડાબા પગથી ઠોકર મારતો હતો. સ્તંભના ટુકડા રવડતા રવડતા ઊંડી ખાઈઓના અંધારામાં જઈ પડતા હતા. હાથ લાંબા કરી કરીને વિજયલેખ ભૂંસી નાખતો હતો. ર્કીતિગાથાઓને સાચવી રહેલા પુસ્તક-ભંડારોને ફૂંક મારીને ભસ્મ કરી નાખતો હતો. ક્ષણે ક્ષણે એ અટ્ટહાસ્ય કરી ઊઠતો હતો. માર્ગમાં આવતા પર્વતો એને શંકરની સમાધિ ધારણ કરીને બેઠેલા લાગતા હતા. એ જોઈને એના ચરણનું બળ વધતું હતું. વિજયલેખ… ર્કીતિગાથાઓ… માણસનું લોહી વહાવીને વિજયી થનારની વળી ર્કીતિ-ગાથા? એના અંતસ્તલમાંથી શબ્દ ઉદ્ભવ્યો. મેઘગંભીરઘોષથી એ બોલ્યો — ‘હે માનવજાતિ! યુદ્વ એ આત્મહત્યા નથી તો શું છે ?’ એનો સ્વર વીખરાઈ ગયો. સામેથી કોઈ પ્રતિઘોષ જાગ્યો નહીં. કોઈ સાંભળનાર ન હતું. કારણ કે ઈતિહાસમાં કોઈ હાજર હોતું નથી, ફકત ઇતિહાસ હોય છે. તે પણ અનેકોના ભ્રમના સમુચ્ચયરૂપે. કશો પ્રતિશબ્દ ન થયો તેથી એ ચારે તરફ જોવા લાગ્યો. ઈશાન ખૂણા તરફ જોયું તો એકાએક કાળાં વાદળ સળગી ઊઠયાં. આગ, ધૂણી અને હવાએ કેવું રૂપ ધારણ કર્યું હતું? જયાં પોતાનો વર્તમાન કાળ હવે ઇતિહાસ બની ગયો છે તે, માનવજાતિના સહુથી મોટા સ્મશાન — હીરોશીમા તરફ ગયેલી પોતાની દૃષ્ટિની પાછળ પાછળ એ દોડી ગયો. પણ રસ્તામાં દેખાતાં અનેક સ્મશાનોને એ અવગણી શક્યો નહીં. કુરુક્ષેત્રમાં ઠરેલી રાખની ચપટી ભરીને એણે પોતાની ડાબી ભૃકુટિ રંગી અને ત્યાં તો એ સંપૂર્ણ ઉદયન બની ગયો. એ ધરતી પર પગ મૂકીને ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં એ સૂનકારના રાજમાર્ગ પર પહોંચી ગયો. એના અસ્તિત્વમાંથી એકાએક ઉગ્ર રિક્તતાભરી અહાલેક જાગી. ત્યાંથી એ આગળ વધ્યો. અંધકારના પહાડોની તળેટીમાં એ ઊતરી રહ્યો હતો કે કોઈ અતલાન્ત ખાઈમાં, તેની એને સમજ ન પડી. આ દિવસ છે કે રાત તેની એને ખબર ન પડી. બધું જ ધૂમિલ અને ઝાંખું હતું. ત્યાં સમતલ ભ્રૂમિ સુધી એ પહોંચી ગયો. અંધકારમાં પણ એને થોડા આકારો દેખાવા લાગ્યા. એ વૃક્ષો હતાં. આગળ વધતાં વૃક્ષોનાં ઝુંડ આવ્યાં. બે દિશામાંથી એક સાથે હવા આવી રહી હતી. પશ્ચિમ તરફથી ભીની લવણ શીતળતા ભરેલી હવા આવતી હતી. એકના સ્પર્શમાં નશો હતો, અન્યના સ્પર્શમાં ર્સ્ફૂતિ હતી. એ પુલકિત થઈ ઊઠયો. એની આંખોને સંલગ્ન વૃક્ષોની નિબિડ છાયાના અપારદર્શી અંધકારમાં તરતા આગિયાઓની પાંખોનો ચમકાર જોવા મળ્યો. એ ચમકારાઓની ક્ષણિકતાથી એને આશ્વાસન મળ્યું. એ આગળ વધ્યો.
હવે એક મૃત પર્વત સમક્ષ આવીને એ ઊભો હતો. એ પર્વતના નિર્જન અને કાળમીંઢ ખડકોના કેન્દ્રમાં એને પોતાના સમકાલીન માણસની આંખો જકડાઈ ગયેલી લાગી. એણે શબ્દના વજ્રાઘાત કર્યા. એના શબ્દ તૂટ્યા પણ ખડક નહીં. વૈફલ્યના પ્રત્યાઘાતથી એનું ગુમાન પ્રજ્વલિત થઈ ઊઠયું. એની શિખા રોષથી કંપી ઊઠી. એના હોઠ પર અંગારાની ચમક આવી ગઈ. એના બાહુમાં અંધ ધૃતરાષ્ટ્રનું બળ આવી ગયું. આ બધા ખડકોને બાથમાં લઈને પીસી નાંખવાની એનામાં વૃત્તિ જાગી. પણ એને લાગ્યું કે કોઈ દૂરની વસાહત એને બોલાવી રહી છે. એ પોતાને રોકી શકે એમ ન હતો.
હવે એની ગતિમાં ભગવાન નૃસિંહનો આક્રોશ હતો. એની આંખોમાં પરશુરામની સંકલ્પશક્તિ હતી. હવે એના ભાલ પર વિદ્રોહનું તામ્રપત્ર જડેલું હતું. આ તામ્રપત્રમાં પોતાનું પ્રતિબિંબ જોઈને માર્ગમાં આવતાં ગામનાં ગામ ધ્રૂજી ઊઠતાં હતાં. એ સકળ જનપદોનો ત્યાગ કરતો કરતો આરણ્યક ભૂમિ સુધી પહોંચી ગયો. સૂકા મહાસાગરોનો નિરાશ્રિત વડવાનલ એના વક્ષના કવચને ભેદીને બહાર ઊછળી આવવા માગતો હતો. એની આંખોની કીકીઓના સ્થાને હવે બે શનિચર ઘૂમતા હતા. વેરાન ખડકોથી છવાયેલી ભૂમિ પસાર કરતો કરતો, લચેલાં ખેતરોના દૃશ્યથી વિશ્રાંતિ અનુભવતો, આંબાવાડિયાં અને ચીકુની વાડીઓ જોઈને મૃત ખડકોને એ માફ કરી શક્યો. એને ખ્યાલ આવ્યો કે પોતે જેના પર ગુસ્સે થયો તે તો મૃત સૃષ્ટિ છે. આવી પ્રાથમિક બાબતે એ ભ્રમમાં પડ્યો! અને એ પાગલની શક્તિએ હસી પડ્યો. એના હાસ્યનાં બરછટ મોજાં સામેના અરબી સમુદ્રની ઓટમાં ખેંચાઈ ગયાં. કદાચ સમુદ્ર એને આવેલો જોઈને પાછો પડી ગયો હતો. પણ ના, સમુદ્ર તો સમુદાર છે. એ પોતાનાં મોજાંમાંથી શીકર ઉછાળી ઉછાળીને ઉદયનના નિર્વેદને સંતર્પવા લાગ્યો. એણે જોઈ લીધું હતું કે આ માણસ એકલો છે, સહુથી અલગ છે. અત્યારે આ મરીન ડ્રાઈવના બાંધેલા કાંઠા સાથે અફળાઈને ઊછળતી મોજાંની છાલકથી બચવા સહુ કોઈ કંઈક દૂર દૂર ચાલે છે, જ્યારે આ માણસ તો પોતાના પડછાયાને પાણીમાં નાખીને બેઠો છે. ભીંજાવા સામે એને મના નથી.
ઉદયન બેસી જ રહ્યો. એક બાજુ કૃતક રોશની અને બીજી બાજુ ઊછળતો આર્દ્ર અંધકાર, બંનેનું ભેદક ચિહ્ન બનીને એ બેસી રહ્યો. રડવાના અનુભવના સદંતર અભાવથી એની આંખોની રિક્ત શુષ્કતા અમાસની રાત્રી થી પણ વધુ રાત્રિમય હતી. એ રાત્રિમયતાને નિહાળી રહ્યો હતો. ત્યાં સામેથી એક સુંદર છાયા જલ પર ચાલતી ચાલતી એની નજીક આવવા લાગી. એ છાયાના માનમાં સમુદ્રનાં મોજાં સમતલ થઈ ગયાં હતાં. એ છાયા માત્ર છાયા ન હતી, કોઈક અસ્તિત્વનું રહસ્યમય રૂપ હતું. એણે સંબોધન કર્યું — આખા યુગને અમાસ માની બેઠેલા ચક્રવાક! આ તારો નિર્વેદ નથી, અસંતોષ છે, તેથી વિલાપ છે. ઊભો થા. અનેક વિદ્રોહી સર્જકોનાં આ ઘરતી પર અળપાઈ ગયેલાં સ્વપ્ન તારી પ્રતીક્ષા કરે છે. એ સ્વપ્નોની વેદના હજી શબ્દ પામી નથી. તારો શબ્દ એમના માટે છે. તું ક્યાં શબ્દને શસ્ત્ર માનવા લાગી ગયો? તારી સામે છે એ તો માત્ર એક સીમિત ર્પાથિવતા છે. તારા શબ્દના ભ્રહ્માંડમાં સોળ સોળ સૂર્ય ભાસમાન છે. ત્યાં કશું બાધિત નથી, બધુંય પૂર્ણ છે, વિપુલ છે. અનંત છે. તારી પ્રતીક્ષા ત્યાં થાય છે. ઊભો થા, જાગૃત થા…
જમણા હાથ પરથી મસ્તક નમી જતાં ઉદયન જબકી ઊઠયો. એના હાથને ખાલી ચડી હતી. જડવત્ બની ગયો હતો. એને લાગ્યું કે આ નિદ્રામાં પણ એની આંખો ખુલ્લી રહી ગઈ હતી. કદાચ એ ઊંઘ્યો જ નથી. આ બધો તો જાગૃતિનો જ વિહાર, સર્જકતાના અણુઓની લીલા.
એ ઊભો થયો. એને લાગ્યું કે પૂર્વ દિશામાં અત્યારે એક પૂંછડિયો તારો ઊગી આવ્યો હશે. પણ આ મકાનને પૂર્વ દિશા જ નથી. એ અકળાઈને બેસી રહ્યો. અને વિચારવા લાગ્યો કે અત્યારે જે અનુભવ્યું તેનો સામગ્રી તરીકે ઉપયોગ કરીને એક લાંબી વાર્તા લખી શકાય. એ વાર્તાના બે ખંડ રાખવા. પહેલા ખંડના અંતે હીરોશીમાનું વર્ણન કરવું અને પછી તરત મધ્યાન્તર આવે. આ મધ્યાન્તર પછી વાર્તા આગળ કેટલી ચાલે છે તે જોવું. અંત વિના જ વાર્તાને રહેવા દેવી. વાચકો પોતપોતાને અનુરૂપ અંત મૂકી શકે. જે લોકો ભવિષ્યમાં માનતા હોય તે અંતને દૂર સુધી ધકેલતા જાય. ભવિષ્ય! ક્યાં છે ભવિષ્ય? જે છે તે તો વર્તમાન સુધી વિસ્તરેલો ભૂતકાળનો અજગર! વર્તમાનરૂપે પ્રગટતી પ્રત્યેક ક્ષણને પોતાના શ્વાસ ભેગી ખેંચી લઈને એ અજગર પોતાના પેટાળમાં પહોંચાડી દે છે. સહેલાઈથી સમાવી લે છે. થોડુંક એની જીભ પર રહી જતું હોય છે તે અમુક સમય સુધી જોઈ શકનારને દેખાતું રહે છે.
સિગારેટ સળગાવીને પલંગમાં જઈને એ સૂઈ ગયો. એને લાગ્યું કે આ પલંગ ઘણો મોટો છે, તેથી આટલો બધો ખાલી ખાલી લાગે છે.
ઉદયન બહુ ઊંઘી શક્યો નહીં. સવારના દશ વાગ્યે એ જાગ્યો. પલંગ પરથી નીચે પગ મૂકતાં જ એને લાગ્યું કે અમૃતા હવે તો આવી ગઈ હશે. બે અઠવાડિયાં જેટલો સમય વીતી ગયો. એ તૈયાર થઈ ગયો. લિફ્ટનું બટન દાબ્યું. પણ ઉતાવળ અનુભવતાં એ દાદર ઊતરવા લાગ્યો. ટેક્સી મળી ગઈ. ‘સિક્કાનગર’ અમૃતાને મળવા જતો હતો તેથી રસ્તામાં એ બીજું કંઈ જોતો ન હતો.
બારણું ખુલ્લું હતું.
‘અમૃતા આવી ગઈ?’
‘જી, અંદર રસોઈ બનાવે છે.’
‘એ શા માટે રસોઈ બનાવે છે?’
‘કામમાં મન પરોવવા માગે છે.’
‘તો પછી તમે શું કરશો ડોશી?’
‘ઘણાં કામ છે. ખરીદી, સફાઈ, મહેમાનોની ખાતર-બરદાસ્ત, તમને પાણી લાવી આપું?’
‘જરૂર નથી. અમૃતાને કહો કે હું આવ્યો છું.’
‘જી, કહું છું. કદાચ એમણે તમારો અવાજ સાંભળ્યો હશે.’
ડોશી રસોડામાં જઈ આવ્યાં. અમૃતા આવી નહીં તે જોઈને ઉદયને પૂછ્યું:
‘શું કહ્યું એણે?’
‘કહ્યું — ‘’સારું’’!’
બેસી રહ્યા પછી એ પુસ્તકો ઉથલાવવા લાગ્યો. પુસ્તકો જોતાં જોતાં એ અનુભવી રહ્યો કે આ અનિકેતનું મકાન છે.
પુસ્તકો જોઈ રહ્યા પછી એ બાજુના રૂમમાં ગયો.
બાજુના રૂમમાં જઈ આવ્યા પછી એ હીંચકા પર બેઠો.
હીંચકા પર બેઠાં બેઠાં એણે સિગારેટ સળગાવી. એક પૂરી થઈ ગઈ, બીજી પૂરી થઈ, ત્રીજી સળગાવી અને એ ઊભો થયો. નીચું જોઈને પગથિયાં ઊતરવા લાગ્યો.
કાર તરફ નજર ગઈ. આગળના ડોરનો કાચ બંધ કરવા છતાં પણ ત્રણેક ઈંચ ખુલ્લો રહી ગયો હતો. એણે ધીમે રહીને હૉર્ન વગાડ્યું. ડોશીએ બારીમાંથી નીચે નજર કરી.
‘આ કાચ બંધ નથી.’
ડોશીએ શો ઉત્તર વાળ્યો તે સ્પષ્ટ સંભળાયો નહીં પણ એ અર્થ સમજી શક્યો. બાજુના રૂમની બારીમાંથી અમૃતાનો ચહેરો ડોકાયો. નજર મળતાં જ એના પગમાં ગતિ જન્મી. રોડ પર ફૂટપાથ પાસે ટેક્સી પડી હતી. એ બેસી ગયો.
‘ક્યાં જશો સાહેબ?’
‘તમારી ઇચ્છા કઈ તરફ જવાની છે?’
‘આપ કહો નહીં તે સિવાય અમને તો ક્યાં જવું તે સૂઝે જ નહીં.’
‘ચાલો, ઉપાડો તો ખરા.’
ઉદયનને યાદ આવ્યું: ‘ક્યાં જશો?’ જવાબ આપ્યો: ‘ભાગ્ય લઈ જાય ત્યાં.’ મારે હવે કહેવાનું રહે છે: ‘યંત્ર લઈ જાય ત્યાં.’
હોટલ જોઈને એણે કાર રોકી. જમ્યો. ચાલવા લાગ્યો. પુસ્તક-વિક્રેતાની દુકાને પહોંચી ગયો. પેપરબૅકમાં આવેલાં નવાં પુસ્તકો ખરીદ્યાં. સંતોષ થયો ન હોય તેમ એ ફરીથી પુસ્તકો જોવા લાગયો. એક ઊંચાં યુવતી આવીને એકી સાથે ઘણાં પુસ્તકો પર નજર ફેરવવા લાગ્યો. ઉદયને એમને જોયાં અને ધ્યાન આપ્યું કે કેવાં પુસ્તકો ખરીદે છે જોઈએ. હાં, એ જ છે. લેકચરર હતાં. આજે શું હશે, ખબર નહીં. એ પુસ્તકો તરફ નજર કરીને વાત કરતાં હતાં, પૂછવું હોય તે પૂછતાં હતાં. પોતાને અતડાં રાખીને ગૌરવશીલ બની રહેવા માગતાં હતાં. એ કીર્કેગાર્ડ, દોસ્તોયવસ્કી, નિત્શે, હેડેગર, સાર્ત્ર અને કાફકાનાં પુસ્તકો માગતાં હતાં. ચારેક પુસ્તકો નીકળ્યાં. બાકીનાં મંગાવી આપીશ એવું વિક્રેતાએ વચન આપ્યું. પણ એ વિદુષી તો ચાર દિવસ પછી ‘અસ્તિત્વવાદ’ પર એક કલબમાં બોલવાનું વચન આપી ચૂક્યાં હતાં. એમણે વિગતવાર વાત કરી. ઉદયન એમના તરફ પીઠ કરીને એમને સાંભળી રહ્યો હતો અને મલકાઈ રહ્યો હતો. એણે ન કહ્યું કે હે દેવીજી, જે વિશે વાંચ્યું ન હોય તેના વિશે બોલવાનું વચન કોણ આપે? આ પરથી તો બોલવાનું આમંત્રણ આપનારાના સ્તરનો પણ ખ્યાલ આવે છે.
અફસોસ કરતાં કરતાં એ ચાર પુસ્તકો અને બાકીનાનું સૂચિપત્ર લઈને જવા લાગ્યાં.
‘મારી પાસે એ બધાં પુસ્તકો છે. પણ તમારે જોઈએ છે એનાથી વધારે છે. યાસ્પર્શ, માર્સલ અને કામુનાં પુસ્તકો પણ છે. તમારે જોઈતાં હોય તો…’
‘તમને જોઈને પૂછવાનું મન થયું હતું જ મિ. ઉદયન. તમારો ઘણો ઘણો આભાર. તમારી વાર્તાઓ હું વાંચું છું.’
‘આભાર.’
‘તો…’ ઉદયન સાથે નજર મળતાં એ વધુ બોલી શક્યાં નહીં.
‘તમને પુસ્તકો ક્યારે પહોંચાડું?’
‘મારી પાસે કાર છે. હું અત્યારે જ આવીને લઈ જાઉં, તમને વાંધો ન હોય તો.’
કારમાં બેઠાં પછી ઉદયન કશું બોલ્યો નહીં. એને થયું કે થોડુંક પણ બોલીશ તો પછી આ મિસ કે મિસિસ સંવાદ લંબાવ્યા જ કરશે.
‘મારી એક વિનંતી છે.’
‘મારા જેવા નાના માણસને વિનંતી કરવાની ન હોય.’
‘નાના દેખાતા તો નથી.’ એમણે ખાતરી કરી લીધી કે ઉદયન નાનો તો નથી જ. ‘મારે બદલે તમે બોલો તો કેવું સારું!’
‘એ કલબ આગળ તો તમે બોલો એ જ ઉચિત છે. ત્યાં તો તમે પણ વાંચ્યા વિના બોલશો તો એ લોકોને વધુ સમજાશે.’
એ સમજ્યાં કે ઉદયને મારી પ્રશંસા કરી. એમણે સ્મિત કર્યું, પછી જિહ્વાગ્રથી હોઠ કોરા કર્યા અને બરોબર બીડી લીધા.
માનવમંદિર રોડ આવી ગયો.
‘હાં અહીં જ કાર રોકો. તમારે બહુ પ્રતીક્ષા નહીં કરવી પડે. હું પાંચેક મિનિટમાં આવી પહોંચું છું.’
એમને ખોટું લાગ્યું. એમણે કારને ફૂટપાથ તરફ વધુ દબાવી.
બે ડોલ ભરીને એ પુસ્તકો લાવ્યો. પાછળની સીટ પર એણે ડોલ ખાલી કરી દીધી. અને બંને ડોલ એક હાથમાં પકડીને બોલ્યો:
‘બોલવું ન બોલવું તો ઠીક પણ રસ પડે તો વાંચજો. પાંચ-છ માસમાં સરળતાથી વાંચી શકશો. અને વાંચ્યા પછી બોલવાનાં હો તો કહેજો. હું સાંભળવા આવીશ. જોકે બરાબર વાંચી લીધા પછી તમને પણ ‘’અસ્તિત્વવાદ’’ પર બોલવાની ભાગ્યે જ ઇચ્છા રહેશે.’
‘તમે તો ઘર પણ ન બતાવ્યું.’
‘મારું ઘર કોઈ તંદુરસ્ત અને સંપન્ન યુવતીને જોઈને અકળાય છે. આપનું યોગ્ય સ્વાગત ન થઈ શકે તો મારો અતિથિ-ધર્મ દોષમાં પડે.’
‘તો આ પુસ્તકો તમને પરત કરવા ક્યારે આવું? એમને લેવા પણ તમે અહીં રાજમાર્ગ પર જ આવશો ને? હું એકાદ માસમાં તો વાંચી લઈશ. કેટલાંક તો મેં વાંચ્યાં પણ હશે.’
ક્યાં ક્યાં વાંચ્યાં છે? પૂછવાનું મન થયું પણ એણે મનોમન હસી લીધું.
‘હું થોડા દિવસ પછી બહાર જવાનો છું. તમે પુરાતત્ત્વ મંદિરમાં અમૃતાને પહોંચાડજો.’
‘અમૃતા! સુંદર નામ છે.’
‘સમગ્રપણે સુંદર છે. એને મળશો તો એના પ્રેમમાં પડશો.’
‘ઓહ! આભાર, આભાર… આવજો.’
કાર ઊપડી. ઊપડતાં પહેલાં બે ફૂટ પાછી પડી… બિચારીને થોડુંક તો વાંચવું પડશે… ડોલો હલાવતો એ ચાલવા લાગ્યો. કાર વળીને પાછી આવી.
‘તમે ક્યારથી બહાર જવાના છો?’
‘નક્કી નથી. જવાનો છું એ નક્કી છે.’
‘હું તમને જ પુસ્તકો પહોંચાડીશ. અમૃતાને નાહક ચિંતા થાય કે આ વળી કોણ…’
‘ના, એ તો રાહત અનુભવે… ઍની વે, તમને યોગ્ય લાગે તે. પુસ્તકો પાછાં નહીં આપો તોપણ ચાલશે. અચ્છા આવજો.’
આને વળી ક્યાં મેં પુસ્તકો આપ્યાં? પ્રચાર કરશે કે ઉદયને મને પુસ્તકો આપ્યાં છે. પહેલાં પૈસાદાર હોવાનો કેવો ડોળ કરતી હતી? હવે કોણ એને ડિસ્ટર્બ કરે, બાકી પંદર દિવસમાં સાન ઠેકાણે લાવી દઉં. એમને ખબર પાડી દઉં કે તેઓશ્રી કેટલામાં છે! વિદ્યાને નામે પણ ફેશન… વાંચન અને વ્યક્તવ્યને પણ વ્યસન લેખે સ્વીકારે… વંચના કેટલી સહજ થઈ ગઈ છે!
અને વાર્તાનો જન્મ.
કોઈ અજાણ્યાને નજીકથી પસાર થતાં સ્થિર ઊભેલાની આંખમાં ક્ષણિક કુતૂહલ જન્મે તે બાબત ન સમજી શકાય એવી નથી. અમૃતા સમજી શકે છે કે વિજાતીયને જોઈને યુવાન આંખમાં જાગૃતિ આવે પણ આ કૉલેજો આગળ ઊભેલાં ટોળાંમાં એને જોઈને મચેલા તરખાટનો શો અર્થ લેવો? કેવી બેજવાબદાર ચંચળતા! જાણે નાના પિરામિડો પર વીજળી પડી. બે કૉલેજો આગળ એક સરખો અનુભવ થયો. તો શું આ અંગે અહીં તાલીમ આપવામાં આવે છે? એ ચાલતી ચાલતી પસાર થઈ હતી. પેલાઓનાં વાચિક અને આંગિક નખરાં જોઈને એ સ્તબ્ધ થઈ ગઈ. તો શું આ મુંબઈ અને અમદાવાદનો ભેદ પ્રગટ કરતાં લક્ષણ છે?
અમૃતાને ખેદ થયો. એ જાણતી હતી કે અહીં તો કોઈ યુવતી પસાર થાય અને તેના ગમનને આ પ્રમાણે રિસ્પોન્સ મળે તો નારાજ થવાને બદલે એ પોતાના સૌંદર્યની અપીલની સ્વીકૃતિ જુએ.
બીજી કૉલેજમાં એ વ્યાખ્યાન આપવા ગઈ હતી. એની સહાધ્યાયિની ત્યાં અધ્યાપિકા હતી. ટેક્સીની રાહ જોતી એ ટાઉનહૉલ આગળ ઊભી હતી, પણ પછી બસ મળી જતાં એ એમાં બેસી ગયેલી. અહીં આવ્યા પછી એ રિક્ષામાં એકવાર બેઠી હતી. રિક્ષાનો અવાજ અને પછડાટ એને ત્રાસજનક લાગ્યાં.
બસમાંથી ઊતરીને એ ચાલતી ચાલતી કૉલેજ સુધી ગઈ. પ્રવેશદ્વાર સુધીનો રસ્તો એણે નીચી નજરે પસાર કર્યો. એણે કશી ફરિયાદ કરી નહીં. એનું સ્વાગત થયું. સમય થતાં એને સભાગૃહમાં લઈ જવામાં આવી. આચાર્યશ્રી પ્રમુખ હતા. અમૃતાની અધ્યાપિકા મિત્રે પરિચય આપ્યો —
‘કુમારી અમૃતાનું નામ મુંબઈ શિક્ષણ જગતમાં તો ભાગ્યે જ કોઈથી અજાણ્યું હશે. એમની કારકિર્દી ઉજ્જવળ હતી. પણ ફક્ત એટલા માટે જ એ જાણીતાં છે એમ હું કહી શકું તેમ નથી. એકવાર તરવાની હરીફાઈમાં એ વિજેતા બનેલાં ત્યારે બાથ ઉપર લેવાયેલી એમની તસવીરની નકલો કાળા બજારે વેચાયેલી.’
અમૃતા સહુની સાથે હસી શકી નહીં. પ્રશંસા સાંભળીને શરમાઈ પણ નહીં.
‘મેં એનો અભિનય જોયો છે. આજેય મને યાદ છે ‘’વેણીસંહાર’’ના ભજવાયેલા કેટલાક અંશ. કર્ણ તરીકે શ્રી ઉદયનનો અભિનય અને દ્રૌપદી તરીકે કુમારી અમૃતાનો અભિનય હજીય મારા ચિત્તમાંથી ખસ્યો નથી.
‘આ તો માત્ર ઉપરછલ્લો પરિચય થયો. એમનો સાચો પરિચય એ છે કે એ વિદુષી છે. પારિવારિક સુખસગવડોનો એમણે અધ્યયનમાં જ ઉપયોગ કર્યો છે. ખાસકરીને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ; પુરાતત્ત્વ અને સંસ્કૃત ભાષા-સાહિત્યનું એમનું અધ્યયન લેખોમાં અછતું રહેતું નથી. એ અંગ્રેજીમાં પણ લખે છે. એ સફળ વક્તા છે, જે વિશે મારે કહેવાનું હોય નહીં. એ અંગે તમે સહુ જાણો છો એમ માની લઉં છું. નહીં તો આટલી મોટી સંખ્યામાં તમે બીજા ક્યા કારણે ઉપસ્થિત થઈ શકો? હું એમને પોતાનું વ્યાખ્યાન શરૂ કરવા વિનંતી કરું છું. ‘’પ્રાચીન ભારતીય સાહિત્યમાં નારી’’ એ વિષય પર બોલવા એમને વિનંતી કરેલી છે.’
અમૃતા ઊભી થઈ કે તત્ક્ષણ શ્રોતાઓ આમૂલ દ્રષ્ટા બની ગયા. સહુને સંબોધીને એ બોલી —
‘આટલી મોટી સંખ્યામાં આપ સહુ મને સાંભળવા હાજર થયા છો તે માટે આભાર માનું છું. અને સાથે સાથે આટલી મોટી સંખ્યા જોઈને હું મારા પર વહેમાઉં છું કે હું અભ્યાસી છું કે કેમ! કારણ કે કોઈ અભ્યાસી વ્યક્તિને સાંભળનારાંની સંખ્યા કેટલી હોય તે હું જાણું છું… તમારી ઉપસ્થિતિનું રહસ્ય હું જાણું છું. એની સ્પષ્ટતા કરવાની જરૂર નથી. અહીં તમારો અનાદાર પણ મને અભિપ્રેત નથી.’
શ્રોતાવર્ગના હોઠ પર વિભિન્ન મલકાટ હતો. બાલિકાઓના કોર્નરમાં થોડીક ગુપચુપ ઈશારત પણ થઈ ગઈ.
‘પ્રાચીન ભારતીય નારી’ વિશે બોલવાનો આરંભ અહીં જ થઈ જાય છે. પુરુષે એ નારીને સાંભળી નથી, જોઈ છે. જાણી નથી, સાચવી છે. નારીને ઓળખવામાં એ પુરુષને રસ ન હતો તેથી એને પરમ રહસ્ય કહીને એને નવાજી છે, વાસ્તવમાં તો ગૌરવ કરવાના બહાને એની સત્તાની ઉપેક્ષા કરી છે. આ મુદ્દા પરત્વે આજે પણ કશુંક જુદા પ્રકારનું કહેવાનું પ્રાપ્ત થતું નથી.’
શકુન્તલાને અનાઘ્રાત પુષ્પરૂપે જોઈને સૌંદર્યપિપાસુ દુષ્યંતને ભારે ચિંતા થઈ હતી — વિધાતા કોને આનો ભોક્તા નિયુક્ત કરશે? ભોગ્યા અને ભોક્તા — નારી અને નર માટે વપરાયેલાં એ વિશેષણો તે કાળે વ્યત્યય પામેલાં પણ જોવા મળશે. નારી પણ ભોક્તા છે. અહીં યમ-યમીનો સંવાદ યાદ કરવા હું કહેતી નથી. એ કાળે જાતીય સંબંધો પરત્વે પુરુષ કે સ્ત્રી—કોનું વર્ચસ હતું તે નક્કી કરીને નારીનું સ્થાન સમજવાનો પ્રયાસ કરવાનો હોય નહીં. કારણ કે એ તો સ્વીકારીને ચાલવાની બાબત છે. એ તો સામાન્યમેતદ્ છે. એ મુદ્દો સંશોધનનો વિષય થઈ શકે નહીં. પરંતુ આજે તે યુગની નારી વિશે વિચારતાં અભ્યાસીઓ જાતીય સંબંધની ચર્ચાને અગ્રસ્થાન આપે છે કારણ કે સ્ત્રીપુરુષના અસ્તિત્વને સમજવાનો દષ્ટિકોણ હજી સીમિત છે, વિશેષત: સ્ત્રીને સમજવાનો દષ્ટિકોણ. પ્રાચીનકાળમાં પણ આવી સ્થિતિ જ પ્રવર્તતી હતી. વિચાર કરો, સ્પષ્ટ થશે કે મહાકવિએ પણ એક મુદ્રિકાના પ્રતીકમાં સમાવી શકાય એટલું જ શકુન્તલાના સ્મરણને આંકયું! દુષ્યંતના પ્રતાપી નામ વાળી મુદ્રિકા જલમાં સરકી ગઈ અને શકુંતલાનું સમગ્ર અસ્તિત્વ ભૂંસાઈ ગયું. એ વીસરાઈ ગઈ. મૂળ કથાનકમાં તો દુષ્યંતે શકુન્તલાને ભૂલવા મુદ્રિકાનું બહાનું પણ શોધ્યું નથી. એ કાળમાં પુરુષની સમષ્ટિભીરુતાએ નારીને અન્યાય કર્યો છે.
નાટકોમાં સ્ત્રી પ્રાકૃત બોલે છે. સંસ્કૃત અને પ્રાકૃતમાં સંસ્કૃત ચડિયાતી ભાષા અને પ્રાકૃત ઊતરતી ભાષા એવું આજનો ભાષાતત્ત્વવિદ નહીં કહે. પરંતુ નાટકકારો તો તે યુગની માન્યતાને વશ હતા કે સ્ત્રી સંસ્કૃત બોલે એ એના અધિકાર બહારનું છે.
સ્ત્રીના ભાગ્યનો નિર્ણય કરવા બેઠા ત્યારે મનુ ભગવાને સ્વાતંત્ર્યને તો બાજુ પર જ રાખ્યું. એટલું જ નહીં એમણે તો સ્વાતંત્ર્યનો નિષેધ પણ ચીંધ્યો. ભલે એને પૂજવાની વાત કરી. પૂજ્ય બનવા કરતાં સ્વતંત્ર થવાનું નારી વધુ પસંદ કરે પણ એને પૂછે કોણ?
આમ્રપાલી એટલી બધી સુંદર હતી કે એને સામાજિક સંપત્તિ બનાવવામાં આવી — નગરવધૂ બનાવવામાં આવી. નારી પોતાના સૌંદર્યની જાહેરાત નથી ઇચ્છતી, કોઈક હૃદયમાં પ્રતિષ્ઠાન ઈચ્છે છે અને તે પણ સમર્પણ દ્વારા. અને પછી પોતાના પ્રેમનું વાત્સલ્યમાં રૂપાંતર ઈચ્છે છે. પ્રાચીન યુગમાં કોઈક નારીએ અશ્રુની સહાયથી આ બધું સિદ્ધ પણ કર્યું છે પરંતુ અપવાદ રૂપે. હું તો એમ પણ કહેવા તૈયાર છું કે પ્રેમ અને સમર્પણમાં પણ નારીની સમગ્રતા આવી જતી નથી. એને પણ જિજ્ઞાસા હોય છે, આકાંક્ષા હોય છે. મૈત્રેયી શું પૂછે છે? યાદ કરો. એને તો ઉત્તર મળ્યો પરંતુ ગાર્ગીને તો સાંભળવું પડેલું કે તું આટલા બધા પ્રશ્ન ન કર, તારું માથું ફાટી જશે. આ કંઈ નાનું અપમાન નથી. પંડિતોએ આવી બાબતોમાં નારીહૃદયની કોમળતાનો મુદ્દો ઉપસ્થિત કરીને વિચારના ભારમાં એને દબાઈ જતી બચાવી છે. આ પણ એક પ્રકારનો નિષેધ છે. આ બાધિતપણું નારીને આત્મનિર્ણયના માર્ગે વધતાં અટકાવતું રહ્યું. એ જ કારણે પ્રાચીન સાહિત્યમાં નારીનું અસ્તિત્વ સમગ્રતાથી અભિવ્યક્તિ પામ્યું નથી એમ કહેવાનું પ્રાપ્ત થાય છે.
મહામાનવોના સંશય દૂર કરવા અગ્નિપરીક્ષા આપવાથી પણ નિર્દોષતા પુરવાર થઈ શકી નથી. છેવટે ધરતીમાં માર્ગ શોધવો પડ્યો છે. અને એ અગ્નિપરીક્ષા લેનારની ઉદારતા પણ કેવી? પણ એ તો ભગવાનનો અવતાર! બધા અવતાર ભગવાને પુરુષરૂપે જ લીધા છે! એક અર્ધનારીશ્વરની કલ્પના એમાં અપવાદ છે, પરંતુ એનો તો અભ્યાસીઓ શો અર્થ કાઢતા હશે તે પ્રશ્ન છે.
કર્ણથી વંચિત દ્રૌપદીની સર્વાનુમતે શી દુર્દશા થઈ તે તમે જાણો છો. વાસવદત્તા અને વસંતસેના લેખકોની સહાનુભૂતિ પામી હતી, જે તે યુગની નહીં.
એ યુગના સમાજનો વિચાર કરતાં મને લાગે છે કે સ્વાધીન થવા માગતી નારી અને આધિપત્ય છોડવા ન માગતા પુરુષ વચ્ચે વિરોધ છે. પણ એ વિરોધ સાહિત્યમાં ક્યાંય નિ:શેષ અભિવ્યક્તિ પામ્યો નથી.
અહીં નારીની સ્વાધીનતાની વાત કરીને લગ્નજીવનમાંથી મુક્ત કરવાની હું વાત નથી કરતી. નારીની સ્વાધીનતા એટલે શું એ હું છેવટે કહીશ. હવે એક પછી એક યુગ લઈને મારા મુદ્દાની સ્પષ્ટતા કરું —
અમૃતાનું વ્યાખ્યાન એક કલાક ચાલ્યું. સભાખંડમાં અપૂર્વ શાંતિ રહી હતી. પ્રમુખશ્રીને થોડાક સંસ્કૃત શ્લોક આવડતા હતા. એ બધા બોલીને એકબે સ્થળે એમણે અમૃતા સાથે નમ્રતાપૂર્વક અસહમત થવાનો પ્રયત્ન કર્યો હતો. છેવટે અમૃતાની ફરી પ્રશંસા કરીને એમણે મધુરેણ સમાપન કર્યું હતું.
ત્રીજે દિવસે અમૃતાને વિદાય આપવા કેટલીક છાત્રાઓ આવેલી. અમૃતાના વ્યાખ્યાનના પ્રભાવમાંથી હજુ એ મુક્ત થઈ ન હતી. અમૃતાએ એમના સ્નેહ બદલ આભારવચન કહીને સૂચવ્યું કે મારા તરફની તમારી આ પ્રકારની મુગ્ધતા વસ્તુત: માનસિક પરાધીનતાની સૂચક છે. આ રીતે એમને સજગ કરવા જતાં અમૃતાને ઉદયન યાદ આવ્યો. એને ભાન થયું કે પોતે બોલી તે ભાષા તો ઉદયનની છે.
એ મુંબઈ આવી તે પછી બે દિવસ વીતતાં ઉદયન આવ્યો. એ રસોડા સુધી આવશે એમ માનીને એ બેસી જ રહી હતી. કદાચ સામેથી જઈને એનો સાક્ષાત્કાર કરવાની એનામાં તૈયારી ન હતી. ઉદયન બહાર બેસી રહ્યો હતો. એ કેમ નથી આવતો? એને રોકવા માટે ક્યાં કોઈને બેસાડી રાખ્યું છે? અને કોઈ રોકનાર હોય તોપણ એ ક્યાં રોક્યો રોકાય તેમ છે? હા, એ રોક્યો રોકાય તેમ નથી. ચાલ્યો ગયો. કોણ જાણે મનમાં કેટલી આંધીઓ ભરીને ચાલ્યો ગયો હશે! અવાજ સાંભળીને નીચે જોયું તો નજર મળતાં જ પ્રલયકારી દૃષ્ટિક્ષેપ કરતો ચાલ્યો ગયો.
એને ખોટું લાગે તેવું મેં શું કર્યું છે? બાલારામમાં એ જે કંઈ બોલ્યો, જે રીતે વર્ત્યો તે માટે દિલગીર થવા જેવું તો એને છે. એમાં મારો શો દોષ? મારાથી જે પ્રતિક્રિયા વ્યક્ત થઈ તે માટે પણ એ જ જવાબદાર છે. પણ અનિકેતે મારો પક્ષ લીધો નહીં.
અનિકેતે કહ્યું કે ઉદયન સાથે મારો ભૂતકાળ એ રીતે ગૂંથાઈ ગયો છે કે… તો શું ઉદયન વિના આજે હું જે છું તે ન હોત? તો મારી નિરપેક્ષ હયાતીનું શું? ઉદયન ન હોત તોપણ અમૃતા તો અમૃતા જ હોત, કદાચ અમૃતાની છાયા ભિન્ન હોત… એ નિમિત્ત ન બન્યો હોત તો હું છું ત્યાં સુધી પહોંચી શકી ન હોત? એના સંપર્ક વિના પણ મારું સત્ત્વ તો એનું એ જ હોત. ઉદયન સત્ત્વને નહીં, અસ્તિત્વને પ્રધાન્ય આપે છે. સત્ત્વને પ્રધાન્ય આપવા જતાં નિયતિનો સ્વીકાર કરવો પડે. એની વાત કવચિત્ પ્રતીતિ પણ જન્માવે છે. માણસ અસ્તિત્વથી ઓળખાય છે. હું નૃત્યકાર થઈ હોત તેમાં અને અભ્યાસ તરફ વળી તેમાં ઓછું અંતર નથી. એ હજુ મને મુગ્ધા માને છે… એ મારા વિશે શું માને છે તેની મેં સદા પરવા કરી છે. એના તરફ હું બેપરવા બની શકું તેમ નથી. તો શું કરું? આજ સુધી એનો મને સાથ મળ્યો છે તે નાનીસૂની વાત નથી. તો શું એના સાથનું મારે લગ્નરૂપે વળતર આપવાનું? મને સાથ આપવામાં એણે કશી ગણતરી કરી નહીં હોય? અનિકેત આ બાબતે એનાથી જુદો પડે છે. એ ન હોત તો? ના. અનિકેત ન હોય તેવો સંભવ નથી. એ મને મેળવવા ઇચ્છતો નથી, ચાહે છે. કહે છે કે જે પામ્યો છું તે પણ ઓછું નથી. એ શું પામ્યો હશે? મારી જેમ એ તૃષાતુર નહીં હોય? તો શું એનો ત્યાગ માત્ર પોઝ હશે? ના. એના ત્યાગમાં પ્રેમીની નિરપેક્ષતા છે, ત્યાગીનો ડોળ નથી. કશી ઉપેક્ષા પણ નથી. તેથી જ એનું સ્મરણ અભિલાષા જગાવે છે… હૃદયમાં મધુર તૃષા છવાઈ જાય છે. અંગાંગમાં પરવાના થવાની કામના જાગે છે… એના સાંનિધ્યમાં કેમ મેં કદી સ્વતંત્રતાની વાત કરી નથી? કદાચ એની સમક્ષ એવી જાગૃતિ રહેતી નથી. સ્વતંત્રતા નહીં, સ્નેહ… એમ પણ નહીં. સ્નેહમાં સ્વતંત્રતા સમાવિષ્ટ હશે. એનું વર્તન જોઈને તો એમ જ લાગે કે સામાની સ્વતંત્રતાનો સંપૂર્ણ સ્વીકાર એટલે જ સ્નેહ. જ્યારે ઉદયન? એ તો સ્નેહને સ્થાને વિચારને મૂકે છે. કહે છે વિચારની ભૂમિકા ઉપર જ આપણે નિકટ આવી શકીએ. પ્રેમ નામનું કોઈ શાશ્વત સૂત્ર નથી જે પોતાની ઉપસ્થિતિની આજીવન પ્રતીતિ કરાવતું રહે. પ્રેમ તો એક ઘટનામાં જે રૂપે હોય છે તે રૂપે અન્ય ઘટનામાં હોતો નથી. સમાન લાગતી અન્ય ઘટનાનો અનુભવ પણ ભિન્ન હોય છે. વિભિન્ન ઘટનાઓમાં પ્રવર્તતું હોય એવું પ્રેમ જેવું કોઈ વ્યાવર્તક તત્ત્વ નથી. એ કહે છે કે અનિકેત તરફનું મારું વલણ પ્રેમનું નહીં મુગ્ધતાનું ઘોતક છે. પ્રેમ તો છે જ નહીં અને મુગ્ધતા એક ભ્રામક તત્ત્વ છે. પોતાની અને પોતાની સંવિતની વચ્ચે મુગ્ધતા રંગીન આવરણ બને છે. અનિકેત તરફના મારા આકર્ષણનું કારણ પેલું રંગીન આવરણ છે. જે મારી મનોસૃષ્ટિમાંથી જ જન્મ્યું છે, જે અપરિપક્વતાનું સૂચક છે. તેથી મારે વિચાર કરવો જોઈએ. શું છે આ ‘વિચાર’? હું એના વિના નહીં જીવી શકું? તો શું જીવવું એ પ્રયત્ન કરવાનો વિષય છે? વિચાર અને પ્રેમ… વિચાર કે પ્રેમ? આ વિભાજનો અને વિકલ્પોની સૃષ્ટિમાં સમગ્રને પામવું શક્યા છે?
એ ખરીદી કરવા નીકળી. શિખાઉ હોય તે રીતે હવે તે કાર ચલાવે છે. ઝડપ ઘટી ગઈ છે, બ્રેકનો વધુ ઉપયોગ કરે છે. એને લાગે છે કે સીધા રસ્તાને બદલે ક્રોસિંગ વધારે છે. આજે શું ખરીદવાનું છે? દુકાનો જોઈને જ નક્કી કરીશ..આ જૂની આદત છે. ખપ પડે તે ખરીદવું એમ નહીં, ગમે તે ખરીદવું.
આ આદત બરોબર નથી. હવે પગારને ધ્યાનમાં રાખીને જ ખર્ચ કરવું જોઈએ. થોડુંક બચાવવું પણ જોઈએ. સારા માઠા પ્રસંગોએ ખપ લાગે. માઠા પ્રસંગો તો ઘણા આવી શકે કારણ કે એ આકસ્મિક હોય છે. સારા પ્રસંગો વિશે ચિંતા કરવાની જરૂર નથી. હમણાં એવો કોઈ પ્રસંગ ઊભો થાય તેમ નથી.
એક વસ્ત્રભંડારમાં રાખોડી રંગના ઊનના ગુચ્છા તરફ એની નજર ગઈ. આ રંગ અનિકેતને પ્રિય છે… હવે ઠંડીના દિવસો આવશે. રણ-પ્રદેશમાં મુસાફરી દરમિયાન એ મારું ગૂંથેલું સ્વેટર પહેરે — હું મોકલીશ તો એ જરૂર પહેરશે. એ પહેરે તે મને પણ ગમશે.
એણે ભાઈઓનાં બાળકો માટે રમકડાં ખરીદ્યાં. બાળસાહિત્ય ખરીદ્યું. જૂહું ઊપડી. ‘છાયા’ ના દરવાજા પાસે અજાણ્યા મહેમાનની જેમ કાર ચાલુ રાખીને થંભી. નોકરને વસ્તુઓ આપી, કોઈનું સંપેતરું પહોંચાડતી હોય તેમ. કાર ઊપડી. એણે નજર કરી. એટલી વારમાં લિંકનરોડ આવી ગયો? સમય અનુભવરહિત રાખીને વહી જાય છે.
મોડી રાતે એને અનિકેતનો પ્રથમ પત્ર યાદ આવ્યો. જે એને બેઅઢી માસ પહેલાં મળ્યો હતો. વાંચવા બેઠી—
‘પ્રિય અમૃતા,
પ્રણામ.
હું તમને પત્ર લખતાં ખમચાયો નહીં. આશ્ચર્ય થશે તમને? મને આશ્ચર્ય છે કે હું તમને પત્ર લખવા નિસ્સંકોચ બેસી ગયો છું, નિર્ણયથી વિરુદ્ધ જઈને. મારી આ ચોખવટ કરવાની ટેવથી તમને ખોટું લાગે તો ક્ષમા કરજો.
અંતરમાં કશુંક અનિર્વચનીય ગુંજ્યા કરે છે. એ એવું લાગે છે કે એને ભાષાના માધ્યમમાં ઝીલવા જતાં શબ્દ શબ્દ વચ્ચેના અવકાશ થકી એ છટકી જાય. એક શબ્દ લખ્યા પછી બીજા શબ્દ સુધી જતાં અવકાશ પાર કરવો પડે છે. જ્યારે અનિર્વચનીય છે તે તો અખંડ છે. કહેવા જતાં એ ગળાઈ જવાનું. નાનાલાલાનું પેલું ગીત છે ને — ‘ફૂલડાં કટોરી ગૂંથી લાવ! અંજલિમાં અમૃત નહીં ઝીલું રે લોલ… ઝીલું ઝીલું ને ઝરી જાય…’ વ્યવહારમાં બેકાળજીથી વપરાઈને દૂષિત થઈ ગયેલી ભાષામાં મારી અનુભૂતિ ઝીલી શકાશે ખરી? શબ્દસ્થ થયા પછી એ સંતર્પક રહેશે ખરી?
અંતર રહસ્યથી સભર છે. એના સ્પર્શથી આનંદ છે. આંખો નમ્ર છે. પેલું રહસ્ય અંતર્બહિર — સર્વત્ર છવાઈને બૌદ્ધિક જાગૃતિથી દૂરના કોઈ નિસ્તબ્ધ અંચલમાં ખેંચી જાય છે. કોણ છે એ? એ તમે છો એમ નથી કહી શકતો, તો એ તમે નથી એમ પણ નથી કહી શકતો. એ કોણ છે એટલું પામવા વાણીનો આશ્રય લઈને તમારા સુધી આવી રહ્યો છું.
અનુજ્ઞા માગ્યા વિના આવી રહ્યો છું. તમે સમુદાર છો. મારી એક યાચના સ્વીકારશો? મને પાછો વાળજો. હું પોતાને રોકી શકતો નથી. એટલું કબૂલ કરીને હું હળવો થવા ઈચ્છું છું. ‘મારું મારા પર નિયંત્રણ છે, હું મને તમારાથી દૂર રાખી શકીશ’ એવી એષણામાં હું પોતાના સંવેદનની સચ્ચાઈને અવગણીને પોતાને ભારે- ખમ બનાવી શકું તેમ નથી. કેવો અબોધ બનીને હું તમારે દ્વારે દોડી આવું છું એ મારે તમારી સામે સ્પષ્ટ કરવું છે, અને તે પછી યાચના નિવેદિત કરીને કહેવું છે કે મને પાછો વાળજો. તમે યાચો અને હું વિમુખ હોઉં એ સ્થિતિને બદલે હું યાચું અને તમે વિમુખ થાઓ એ સ્થિતિ વાસ્તવિક હોય એમ હું ઈચ્છું છું.
આજે મારું વાતાવરણ પ્રસન્ન છે. આંગળીનાં ટેરવાં પર નિખાલસતા ફરકી રહી છે. સાચું કહી દેવાની ઘેલછા જાગી છે — હું તમને ત્યાગીને અહીં આવ્યો એવું ભવિષ્યમાં કોઈ જાણે અને મને તમારાથી મોટો માને તો એ નર્યું અસત્ય હોય. મારા પક્ષે કેવી મોટી વંચના પોષાય? તેથી જ તો એમાંથી બચવાનો મેં આજે માર્ગ ગ્રહણ કર્યો. હે મમતામયી, મને પાછો વાળજો. તમે નાનાં ન બની જશો. અને તમે નાનાં બની પણ કેવી રીતે શકો? તમે તો આભ શાં અનંત છો. મને વિસ્મૃતિના વાદળનો આશ્રય ધરજો. એની છાયા ઓઢીને હું નતમસ્તક પાછો ફરીશ. મને ઉત્તર ન આપશો.
ઉપર પ્રમાણે લખ્યા પછી આગળ લખાવું અટકી ગયું હતું. વચ્ચે કામ આવી પડ્યું અને પછી આગળ લખવા માટે લખેલું ફરી વાંચી ગયો તો લાગ્યું કે આ તો ઘેલછા છે. મારી દૃષ્ટિમાં દર્પ ભળ્યો અને મેં લખેલું ફાડી નાંખવા વિચાર કર્યો. ત્યાં તો ગઈ રાતનું સ્વપ્ન યાદ આવ્યું. મને લાગ્યું કે સ્વીકાર કરવામાં શરમ શી?
ઉપર કહ્યું તે સાચું જ છે. એની પુનરુક્તિ કરીશ પણ વિસ્તાર નહિ કરું. પત્રમાં કંઈક બીજું લખીશ, જે આપણી વચ્ચેના ભૌગોલિક અંતરને છતું કરે, જે પ્રતીત કરાવે કે હું તમારાથી કેટલે દૂર આવી પડ્યો છું.
મુંબઈના રેલવે-સ્ટેશન પર આપણે છૂટાં પડ્યાં. ત્યાંથી જ મારા ચિત્તમાં કંઈ ને કંઈક ઉમેરાવા લાગ્યું. એ બધું પત્રમાં નહીં લખું, નહીં તો આખો પત્ર તમારા વિશે થઈ જશે. જ્યારે હું તો આ પત્રમાં પોતાને મૂકવા માગું છું.
અહીંની out space એકત્રિત અને અવગુંઠિત કામનાઓને મુક્તિ આપે છે. આંતરસૃષ્ટિ નજરના ટેકે શુભ્ર વાદળ સુધી પહોંચે છે. રાહતનો અનુભવ થાય છે. તમે જાણો છો કે આકાશ મને પ્રિય છે.
આપણે જેની દેવ તરીકે પ્રતિષ્ઠા કરી તે અગ્નિ સમુદ્રમંથનમાંથી ઉદ્ભવ્યો હતો. એટલે કે અગ્નિદેવનું વતન ભીતર રહ્યું છે. હું મારા ચિત્તને સમુદ્રમંથનમાંથી રાજસ્થાનની આ out space માં લાવ્યો ત્યારે જાણ્યું કે એનું સાદશ્ય તો આ રણપ્રદેશમાં પણ જડી આવે છે.
મારા આંતરવિશ્વમાં પહેલાં સમુદ્ર હતો, હવે રણ છે.
ઇતિહાસ કહે છે કે સેંકડો વર્ષ પહેલાં રાજસ્થાનની આ ભૂમિ પર ટૅનિસ સાગર ઘૂઘવતો હતો. આજે પણ આ મરુભૂમિની નક્કર વાસ્તવિકતાને ઉવેખીને કોઈ સાગરનાં મોજાંનો ઉન્મત્ત નાદ હું સાંભળી રહું છું. ધીરે ધીરે સાગર ખસી જાય છે. ભૂમિ પ્રગટે છે. બાજુમાંથી આવનાર એ ભૂમિ પર વસવાટ શરૂ કરે છે. આવનાર કોઈ એક નથી. એ એક તો છે જ, એની સાથે સકળ છે. હું તમને પ્રાર્થું છું કે તમે કોઈ એક ન રહેતાં મારા માટે સકળ બની રહો.
અહીં જે રેતી છે તે સમુદ્રની રેતીને મળતી આવે છે. ફરક એટલો જ કે સમુદ્રની રેતી વારંવાર ભીંજાઈ જતી હોય છે. ભલે આજે આ પ્રદેશ સમુદ્ર ન હોય, સમુદ્રના છૂટાછવાયા અંશ અહીં જરૂર છે. ભારતનું ખારા પાણીનું સૌથી મોટું સરોવર સાંભર આજે તો સમુદ્રની સપાટીથી બારસો ફૂટની ઊંચાઈ પર આવેલું છે પણ પહેલાં એ સમુદ્રનો ભાગ હતું. અમૃતા! કેટલી સરળતાથી ઇતિહાસ કહી દે છે કે આ અને એ એક જ છે. વિભિન્નરૂપે વિલસતું સમસ્ત એકનું જ રૂપાંતર છે. તેથી આપણે પ્રદેશો કે દેશોનો ઇતિહાસ જાણવાને બદલે પૃથ્વીનો ઈતિહાસ જાણીએ તે જરૂરી છે. પૃથ્વીનો ઈતિહાસ, સૂર્યનો ઈતિહાસ, નિખિલનો ઈતિહાસ આપણે જાણીએ તો લાગે કે આદિ અને અંત વચ્ચેનો ઈતિહાસ તો એક તત્ત્વનાં રૂપાંતરોની લીલા છે. તેથી આપણે તે એકને પામીએ તે જરૂરી છે. આપણે એકબીજાના નિમિત્તે પ્રેમને જાણીએ તે જરૂરી છે. કારણ કે આપણે નહીં હોઈએ તોપણ એ તો હશે. પ્રાણવાયુ ક્યારે ન હતો અને ક્યારે નહીં હોય? અમૃતા, પ્રેમને ખાતર આપણે એકબીજાની સીમાને ઓળંગી જઈએ, એકબીજાને પરસ્પર મદદ પણ કરીએ. એમ કરવું જ રહ્યું. તમે તો જાણો છો કે જગત માત્ર બે માણસોનું બનેલું નથી.
આપણે એને જાણીએ છીએ. દુન્યવી શબ્દાવલીનું સર્વોત્તમ વિશેષણ એના માટે વાપરવા હું તૈયાર છું. અનેક યુગલો એને પામ્યાં છે અને પામતાં રહેશે કેમ કે એ ચિરંતન છે. અનેકોનું એણે ઉન્નયન કર્યું છે કેમ કે એ પરિશુદ્ધ છે. પણ આપણે? સંભવ છે એના નામે આપણે એને ભૂલી જઈએ અને સંવેગોને વશ થઈએ. એ તો સૂક્ષ્મ છે, છટકી જશે. બે શરીરધારી આભાં બનીને ઊભાં રહેશે. મને વારંવાર પ્રતીત થયા કરે છે કે આ સમગ્ર પૃથ્વીના સંદર્ભમાં બે માણસોનું હોવું નહિવત્ છે, એ કેટલા બધા સીમિત સ્થળકાળને જીવે છે! આ તો પૃથ્વીની તુલનામાં મેં વાત કરી. વિશ્વ સમગ્રને તો નાના નકશામાં પણ હજી પૂર્ણપણે ઓળખ્યું નથી. જો આપણે માત્ર પ્રેમી જ રહીએ અને પ્રેમ ન બની શકીએ તો લઘુતા જ આપણા જીવનની ફલશ્રુતિ હશે. તેથી પોતાનું કેન્દ્ર જાળવવા છતાં સમગ્ર સુધી વિસ્તરવાની જરૂર છે.
હું તમને કહેવા બેસી ગયો. સુજ્ઞને કહેવાનું ન હોય. પણ સુજ્ઞને જ કહેવાની ઇચ્છા થતી હોય છે. કહેવું ન જોઈએ તે જાણું છું અને ન કહેવા માટે જરૂરી નિયંત્રણ નથી. કમલતાલની લહરીઓ પર તરતા રાજહંસની જેમ અનિશ્ચયને કારણે એ નથી જઈ શકતો, નથી સ્થિર રહી શકતો. અશ્વઘોષે નંદ માટે સાચું જ કહ્યું છે. ન યયૌ ન તસ્થૌ… કાલિદાસે પણ કહ્યું છે.
ચાલો, વાતો છોડીને ગતિ આરંભું. વાતોથી કોઈક વાર ભ્રમ પણ જન્મે છે. ગતિથી જીવન અનુભવાય છે.
જોધપુરથી જેસલમેર જઈ રહ્યો હતો. સવારના દસથી સાંજના છ સુધીનો સમય ગાડીમાં વીત્યો, જોધપુરથી પોકરણ સુધી. જોધપુર દૂર પડતું ગયું તેમ લીલોતરી ઘટતી ગઈ, નિર્જનતા વધતી ગઈ. આ પ્રદેશ ફક્ત રેતાળ નથી, પથરાળ પણ છે. રેતાળ લાગે તેવા ભાગ ઓછા છે. પણ આવો તેવો ભેદ કરવાની જરૂર નથી. કારણ કે અહીં જે રેત ઊડે છે તે પથ્થરમાંથી જ બનેલી છે. રેત એટલે પથ્થરના અણુ. રેત બનીને પથ્થર નિર્જીવ રહેવાના શાપમાંથી ઊગરી જાય છે. રેતને ગતિ મળે છે, જલનો નિબિડ સ્પર્શ થાય છે. અને ત્યારે એનામાં અવ્યક્ત રહેલી ગંધ પ્રગટ થાય છે. એ જલસિકત સુગંધથી બીજ અંકુરાય છે. અરે, હું તો પાછો વાતે ચડીને રણની બહાર નીકળી ગયો!
અહીં જ્યાં રેત છે ત્યાં માત્ર રેત નથી, પવન પણ છે. પવન ગતિ આપે છે. રેતની યાત્રા ચાલ્યા કરે છે. માણસને સ્થાને રેત જીવે છે. અહીં પ્રકાશ પણ છે. આ પ્રકાશે અહીં માર્ગ ચીંધવાનું કામ માથે લીધું નથી. ગમે તે દિશામાં જાઓ. તમારો પંથ રોકવા કોઈ આવનાર નથી. હા, પવન પગલાં ભૂસી નાખે ખરો. પ્રકાશ જોતજોતામાં તાપ બની જાય છે. આગ વિનાની જ્વાળાઓની શિખાઓને સ્પર્શીને આવતી લૂ. ફક્ત લૂ નહીં, આંધી. ચહુદિશ વ્યાપી વળતો ધંધુકાર! અહીંના માણસો વંટોળને ‘ભૂતેલા’ કહે છે. કહે છે કે અધૂરા મનસૂબા લઈને મરી ગયેલા માણસો ભૂત બને છે. વંટોળમાં ભૂતના પ્રાણ હોય છે. તેથી તે અકળવિકળ ફર્યા કરે છે. વંટોળમાં માણસના અસંતોષનું—અતૃપ્તિનું બળ હોય છે. અહીંના વંટોળ એવા પ્રચંડ હોય છે કે રણમંથન માટે કેન્દ્ર નક્કી કરવા જાણે મેરુ પર્વતના દૂત ધસી આવતા ન હોય!
રણમંથન! શું પ્રાપ્ત કરીશ હું? સમુદ્રમંથનમાંથી અમૃત પ્રાપ્ત થયું તે પૂર્વે કાલકૂટ નીકળ્યું હતું. ઉદયન શું કરે છે હમણાં? કાલકૂટ અને અમૃત… એને અમૃત મળો. કારણ કે એણે મંથન કર્યું છે. ઉદયન વિશે હું તો શું લખું?…
એક પાગલ માણસ છાયાચિત્ર બનીને હજીય મનોભૂમિ પર ફર્યા કરે છે. ફલૌડી નામનું સ્ટેશન હતું. બપોરના ત્રણેક વાગ્યે એ આવેલું. ગાડી કંઈક વિશેષ થંભી હતી. પ્લેટફોર્મ પર લીંબડીનું એક વૃક્ષ હતું. એ વૃક્ષની છાયાને કિનારે કિનારે પ્રૌઢ અવસ્થાનો, કૃશકાય એક પાગલ ફરતો હતો. એ ત્વચાથી ઢંકાયેલા અસ્થિપિંજર જેવો દેખાતો હતો છતાં હું એને માણસ કહું છું. જે પાગલ હોય છે તે સંપૂર્ણ માણસ હોય છે. એનું સમગ્ર કેન્દ્રિત થઈને વ્યક્ત થતું હોય છે. આ પાગલ ભરપૂર પ્રસન્ન હતો. જાણે કે પ્રસન્ન મુખમુદ્રાવાળી કોઈક કાષ્ટર્મૂતિ સ્થિર હોય, આ માણસ ફર્યા કરતો હતો. એના જમણા હાથમાં પતરાનું એક નાનું સરખું ડબલું હતું. જેમાં થોડુંક પાણી હતું. એ ચાલતાં ચાલતાં બેસી જાય, થોડુંક પાણી હાથમાં લે, કપાળ પર, હાથ પર, પગના ઘૂંટણ પર એ પાણી લગાડે. પછી સંપૂર્ણ નમીને ધરતી પર માથું અડકાડે અને પ્રણામ કરે. ઊભો થાય, ચાલે, બેસી જાય, પાણી લગાડે, પ્રણામ કરે. પાણીના સ્પર્શની ક્ષણે એની પ્રસન્નતા અમર્યાદ બની જાય. પાછો ઊભો થાય પાણી ખૂટી ગયું હોય તો એની ભીખ માગે. કોઈક એના એ નાનકડા ડબલામાં થોડુંક પાણી રેડે તો એની પ્રસન્નતામાં ભરતી આવે. આશ્ચર્ય થાય કે આ માણસ આટલી બધી પ્રસન્નતાને કેમ કરીને જીરવી શકતો હશે! મારી પાસે પાણી ભરેલી એક સુરાહી હતી. મેં એને થોડું પાણી આપ્યું. એની આંખોમાં સ્વર્ગ ચમકી ઊઠયું. એના આનંદની તુલના કરું? પહેલી વાર મારા ઘરને દ્વારે તમને જોયાં ત્યારે મારી આંખોમાં પણ સ્વર્ગ ઝૂમી ઊઠયું હતું. તે દિવસ તમે આવેલાં તે ઘટનાને સમય પણ ભુલાવી નહીં શકે. તે દિવસ તમે જાતે જ આવેલાં. તેથી સંપૂર્ણ આવેલાં. ઓહો! કેવી મોટી ઘટના છે એ! એથી મોટી ઘટનાની મને અપેક્ષા નથી. મને યાદ છે તમે તે દિવસ નેપુર પહેર્યાં હતાં. કિંકિણીનો સિંજારવ સાંભળવા વાતાવરણ કાન માંડીને બેસી રહ્યું હતું… કદાચ કંઈક અઘટિત પણ કહેવાઈ જાય. મને માફ કરજો… હું સૌરભથી સંતુષ્ટ છું. પુષ્પને અધિકારમાં લેવાની ઉત્કંઠા સેવતો નથી. અહીં તમે ન પૂછો તેવા એક પ્રશ્નનો ઉત્તર પણ આપું. ઉદયન ન હોત તો? તો તમારા તરફ મારું વલણ શું હોત? જે છે તેનો અભાવ કલ્પીને હું કદી તર્ક કરતો નથી છતાં કહું છું કે તે સ્થિતિમાં હું તમને ચાહત. ચાહું છું એ જ રીતે. સૌરભથી સંતુષ્ટ હોત. મારી યાચના તે સ્થિતિમાં પણ કેવળ સૌરભ માટે હોત. હું કામના ન કરત. કામના કરવી એ તો સ્વાર્થને સૂચવે છે. કામનાવશ બીજાના સ્વાતંત્ર્યને ભૂલી જાય છે. સમર્પણમાં નારીના ચારિત્ર્યનું ઉન્નયન જોવામાં આવે છે તે સાથે હું સહમત થાઉં છું. પણ સમર્પણ શેનું? સ્વાતંત્ર્યનું કે અહંનું? બીજાના સ્વાતંત્ર્યનો સંપૂર્ણ સ્વીકાર એટલે પ્રેમ. સ્વામી-સ્વામિની જેવા શબ્દોનો અધ્યાસ મને ગમતો નથી. કારણ કે એ સૌરભશૂન્ય શબ્દો છે… અહીં શરીર અને શરીરના સંબંધ વિશે સ્પષ્ટતા કરવાની રહે. હું મૌન પાળીશ જેની સાથે નિસ્બત નથી તે અંગે વાત કરવી સાવ અપ્રસ્તુત લેખાશે.
હાં, હું પેલા પાગલ માણસ વિશે વાત કરતો હતો. જેના પરથી વ્યવહારગત ઔપચારિકતાનાં આવરણ સરકી જાય છે તેને આપણે પાગલ કહીએ છીએ. પાગલ હોવાનો કેવો આનંદ હશે! એ તો એ જ જાણે. અહીં રાજસ્થાનમાં હોઉં અને મને મીરાં યાદ ન આવે તેવું બને? ઘાયલની વેદના અને પાગલની પ્રસન્નતા સરખાં હશે. પેલા પાગલને જલની તૃષા હતી. એની સાથે અહીં હું ઉદયનને સરખાવતો નથી, મને સરખાવું છું. અલબત્ત, પાગલની સચ્ચાઈ ઉદયનમાં મારાથી વધુ છે. પત્રના આરંભમાં તમારી પાસે મેં જે યાચના કરી છે તેને ઢાંકવા જ જાણે આ બધું લખી રહ્યો ન હોઉં!’
અમૃતાએ ઊંચું જોયું. અનિકેત અનિશ્ચિયને જીવે છે અને ઈચ્છે છે કે હું નિશ્ચયને જીવું. યાચના કરે છે! શા માટે મને આમ મોટી બનાવી દેવા માગે છે? સૌરભનો એ શો અર્થ ઘટાવે છે? આ કાયાને અવગણીને, ભૂલીને એ વાત કરી શકતો હશે? એના અંતર્દ્વન્દ્વનું આ સ્વરૂપ તો એ કહે છે તેથી વધુ સૂચવે છે. પણ એ મારા પક્ષે જાણે કશા અંતર્દ્વન્દ્વનો સ્વીકાર કરી શકતો નથી. કારણ કે મને એ કાયા નહીં, કલ્પના માને છે. એને હું કેવી રીતે હવે કહી શકું કે…
એણે પત્ર આગળ વાંચવા માંડ્યો —
‘એલિયટના કાવ્ય ‘મરુભૂમિ’ ની પંક્તિઓ અહીં અનેકવાર યાદ આવી. પેલા પાગલની છાયાના પ્રભાવથી અનવસ્થા છવાઈ ગઈ હતી. ગાડી ઊપડી. ‘મરુભૂમિ’ના છેલ્લા સર્ગનું વર્ણન યાદ આવ્યું. મૃત્યુ પછી પુનરુત્થાન પામેલા ઈશુની યાત્રાનું અને યુદ્ધોત્તર વાસ્તવિકતાનું એ વર્ણન તમે વાંચજો. ઉદયનને કહેશો તો રસપૂર્વક તમને સંભળાવશે. એને એ કાવ્યખંડ અતિ પ્રિય છે. જીવનનો વિનાશ, જીવનનો અભાવ અને જીવનના સંભવનો અભાવ… પર્વતની ફરતે ફૂંકાતો રેતાળ રસ્તો, ત્યાંથી પસાર થતું વિચારશૂન્ય ચિત્ત, મૃત પર્વતનું મુખ, તેમાંના થૂંકી ન શકે તેવા બીભત્સ દાંત, શાંતિને સ્થાને વંધ્ય શુષ્ક ગર્જના, તરડાઈ ગયેલાં ખોરડાંનાં બારણાં થકી અપમાનજનક ધુરકિયાં કરતા લાલ ઉદાસ ચહેરા… આ કલ્પનોને યાદ કર્યા પછી મેં આંખ સામે સાચવી રાખ્યાં. ગાડીની ગતિમાં આવતા થડકાઓ સાથે એ કલ્પન વિખેરાતાં ગયાં. પછી તો દેખાવા લાગ્યું કે આ રણવિસ્તારમાં પણ જીવન છે. આશ્ચર્ય થાય એટલાં સુપુષ્ટ અને ઘાટીલાં શરીર છે અહીંના લોકોનાં. એક સ્ટેશન પર એક યુવતી જોઈ. કદાચ એના મોટાભાઈને જોઈને નજીક જઈને એણે મસ્તક નમાવ્યું. પેલાએ એના માથે હાથ મૂક્યા. કેટલો ઊંચો હતો એ! પ્રચંડ લાગતો હતો. એનું શરીર સુબદ્ધ લાગતું હતું. મને લાગ્યું કે માણસ હારે નહીં તો જેમ વધુ સહન કરે તેમ વધુ વિકાસ પામે.
પોકરણથી જેસલમેર સુધી બસ રસ્તે જવાનું હોય છે. જમીન ઓછી રેતાળ, વધુ ખડકાળ. પાકી સડક છે. વચ્ચે ક્યાંક ક્યાંક ગામ પણ આવે. ગામ એટલાં બધાં નાનાં લાગે કે જાણે રચાતાં રચાતાં રહી ગયાં હોય. એમનો આકાર બંધાયો ન હોય. ઘરના જુદા જુદા આકારોમાં એક વિશેષ ગમ્યો. ગોળાકાર ઘરનું છત પણ ગોળાકાર. પેલી શિખરવાળી ગરમ ટોપી માથે મૂકીને કોઈ બાંકો જુવાન શોભતો હોય છે ને! ક્યાંક પથ્થરના ધાબાવાળું પણ ઘર. અહીંના લોકો માટે એ પ્રગતિ હશે, પણ આપણી આંખોને એવાં મકાન જુનવાણી લાગે.
પીલુ, બાવળ, બોરડી, આકડો, આકડાનાં ઝાડ! જોયો છે ને આકડો? છોડરૂપે જ જોયો હશે. પારિજાતનાં વૃક્ષો જેવડા આકડા જોયા. આકડાનાં ફૂલોનો પરિચય છે ને? જાણે કે અર્ધવિકસિત લઘુતમ કમળ!
ભ્રમજન્ય આનંદ ભલે ક્ષણિક હોય, એ પણ એક અનુભવ છે. હું જેસલમેરના કિલ્લાના દક્ષિણ કાંગરેથી નીચેની વેરાન ભૂમિને આંખમાં ભરીને પાછો વળ્યો હતો. જૈનમંદિર પાસેનો જ્ઞાનભંડાર ખોલાવીને બહુ ઓછા સમયમાં પ્રાચીન ગ્રંથો જોઈને બહાર આવીને ઊભો હતો. આ ભંડાર વિશે સાંભળ્યું હતું એવું કંઈ લાગ્યું નહીં. ઘણા ગ્રંથો ખરીદાઈને બહાર ચાલ્યા ગયા છે. અન્યત્ર અપ્રાપ્ય એવું બહુ ઓછું હવે અહીં બચ્યું છે તે વિશે વિચાર કરતો ઊભો હતો ત્યાં બાજુમાંથી પસાર થતી એક કન્યા ધ્યાન ખેંચતી ગઈ. એ પસાર થઈ ગઈ પછી જ મને એના આગમનનો ખ્યાલ આવ્યો. એની પીઠ જોતાં સાદૃશ્ય બળે ભ્રમ થયો. અમૃતા તો નહીં હોય? નહીં તો આ રીતે મારું ધ્યાન કેમ ખેંચાય? પણ અમૃતા અહીં સુધી આવે? હું અહીં હોઈશ તેમ માનીને આવે? હું જાણી ગયો હતો કે આ ભ્રમ છે છતાં તમને યથાર્થ રૂપે સ્વીકારવા હું ઉદ્યત થયો હતો. કન્યાને એની પીઠ પાછળની દૃષ્ટિનો ખ્યાલ આવી ગયો હશે. એના ઝૂકેલા ચહેરા પર સૌમ્ય દર્પ અને અવ્યક્ત લજ્જાનું સૌંદર્ય હતું. અભિરામ ગ્રીવાભંગ… મને થયું કે એનો ચહેરો કેમ મેં પૂર્ણતયા જોયો નહીં. ડાબા કપોલની કાંતિ પરથી હું અનુમાન કરી રહ્યો હતો. કેટલાકના સૌંદર્યનો ખ્યાલ તો એમની છાયા જોઈને પણ આવી જાય. હું જોતો જ રહ્યો અને એ અદૃશ્ય થઈ ગઈ. મને લાગ્યું કે એની ગતિમાં સૌદર્યનો સંચાર જરૂર છે. અમૃતાની ગંભીર ર્સ્ફૂતિ નથી. એને જોઈને તત્ક્ષણ તો મને લાગ્યું કે અમૃતા અદ્વિતીયા નથી. પણ પછી ભૂલ કબૂલ કરવી જ પડી.
આ કિલ્લો બારમી સદીનો છે. એના કોટને લોક ‘પરકોટા’ કહે છે. મહારાવળ જેસલજીએ આ નગર વસાવેલું. જૈનોએ આ નગરના વિકાસમાં ઘણો રસ લીધો છે. હમણાં ઉલ્લેખ કર્યો તે જ્ઞાનભંડાર જૈનસાહિત્યનું સંગ્રહાલય છે. બદલાતા વાતાવરણથી કશી ઈજા ન થાય કે કાળતત્ત્વનો કશો ઘસારો ન પહોંચે એ રીતે પુસ્તકો વરસોથી અહીં સચવાયાં છે. ભોમિયાને પૂછયા વિના તો ભંડાર નજરે ચડે જ નહીં. મંદિરની પૂર્વ તરફ એક નાની બારી છે. એ જ ભંડારનું પ્રવેશદ્વાર. જેમાં થઈને સાચવીને એક માણસ પ્રવેશ કરી શકે. રણ પ્રદેશની વચ્ચે જૈનોએ પુસ્તકો સાચવવાની યોજના કરી, જયાં વિદેશી આક્રમણોનો સંભવ ઓછામાં ઓછો. જે સ્થળે તમે એકવાર અવશ્ય આવો, તમે આવો, ઉદયન આવે. શિયાળામાં આ તરફની મુસાફરી વધુ અનુકુળ રહે.
મારા સહકાર્યકરો સાથે જોધપુરમાં પહેલી વાર વાતચીત થઈ. મેં અહીંના લોકજીવન વિશે લખવાનું પણ માથે લીધું. અત્યારે અમે આઠ જણ છીએ. બીજા ચાર જણ વધશે. જે છે તે મજાના માણસો છે, કોઈકને પ્રવાસનો શોખ છે, કોઈ ગૃહજીવનમાં રાહત અનુભવવા ઈચ્છતા હતા, કોઈક દારૂબંધીના વિરોધી હોવાથી તો કોઈક એક સાથે અનેક કારણોથી આ કાર્યમાં જોડાયા છે. એક ભાઈએ રણપ્રદેશના વિકાસ માટે સારું સૂચન કર્યું — રાજસ્થાનની રાજધાની જેસલમેર થવી જોઈએ. એમ થતાં આ પ્રદેશની સમૃદ્ધિમાં ઝડપી વિકાસ જોવા મળશે. હા, બહારના તત્ત્વોનો અહીં સંપર્ક વધી જાય તે અહીંના લોકોને કદાચ ન ગમે. વરસો પહેલાં મહારાવળની કુંવરીનાં લગ્ન હતાં ત્યારે પોકરણથી જેસલમેર સુધી રેલવેલાઈન નાંખવાની વાત થયેલી. અહીંના લોકોએ ના પાડી. બહારના બહુ માણસો અહીં આવતા થયા તો વહુવારુઓ, કન્યાઓની ચિંતા કરવી પડે. એમણે યોજના અટકાવી.
અહીંના માણસો પશુપાલન, ખેતી, ઉપરાંત ચોરીનો ધંધો પણ કરે છે. મહારાવળે ત્રીજા ધંધામાં કંઈક સુધારો સૂચવેલો. દૂરથી એક મોટી ટોળી આવી અને મહારાવળને ઉપાડી ગઈ. આ પ્રમાણે મેં સાંભળ્યું છે. સંભવે છે એ લોકવાયકા હોય. પણ એમાં લોકોની શક્તિનો પડઘો જરૂર સંભળાય છે. અમુક ગામ તો અહીં ડાકુઓનાં વસેલાં હોય. જે યુવક એકવાર પણ ધાડ પાડી ન લાવ્યો હોય એનું લગ્ન ન થાય. જે માણસ ધાડ પાડવા ન જાય એને ‘બકરી’ કહેવામાં આવે.
અહીંના કોઈ કોઈ ગામને નામ નથી હોતું. નીચેથી મળી આવતું પાણી સુકાઈ જાય તો ઉચાળા ભરવા પડે. નવો વસવાટ શોધવો પડે. પાણીનો પ્રશ્ન કેવો ઉગ્ર છે! સ્ટેશન પર ગાડીના એન્જિનમાંથી કાઢી નાંખવામાં આવતું ગરમ પાણી લેવા માટલાં લઈ લઈને દૂર દૂરથી સ્ત્રીઓ દોડતી આવે. એ ગરમ પાણીનો રંગ ઘેરા લીલા રંગનો લાગે. એકવાર બસ રસ્તે આવતી એક ઝૂંપડાકેન્ટિનના શિથિલબંધ ટેબલ પર ભરેલા ગ્લાસમાં લીંબુનું શરબત દેખાતાં મેં પીવાની ઈચ્છા કરી. જવાબ મળ્યો: સાહેબ, આ તો પાણી છે. જેસલમેરનું પાણી સારું, પથ્થર પણ સારા. માણસો સારા. પથ્થરની કલાકારીગરી વારંવાર જોવી ગમે. નગરની દક્ષિણ દિશામાં લશ્કરી છાવણી. સદા ધબકતો ભૂમિભાગ. પશ્ચિમ દિશામાં ખંડિયેર. પથ્થરોનો રંગ પીળો — ચીકાશ પડતો પીળો.
કોઈક વાર તો બબ્બે ત્રણ ત્રણ વરસ સુધી વરસાદનું ટીપું પણ ન પડે. ઉપર મેઘાચ્છાદિત ગગન વહેતું રહે. નીચેની અવાચક ભૂમિ નીરખતી રહે. વાદળ પથભૂલ્યા પથિકની જેમ નિરાશ છતાં આગળ વધવાની ઉતાવળમાં હોય. ધરતીની કામનાઓ ધધકતી રહે. હવે બોરિંગ કરવા વિચારાયું છે. પ્રશ્ન કેવળ પાણીનો નથી અમૃતા! આ ધરતી સદંતર કુંઠિત રહીને જાણે ખારી થઈ ગઈ છે. ઉપરથી વરસે તે પાણી પણ એના તૃપ્ત અણુઓના સ્પર્શથી ખારું થઈ જાય. પણ પાણીએ પોતાના ભોગે પણ વરસવું જ રહ્યું, અમૃતા! વરસવું જ રહ્યું. ઉદયન ભલે ન માને. આપણે તો માનવું જ પડશે કે ‘હોવું’ પૂરતું નથી. હોવામાંથી આગળ વધીને કંઈક થવું ઘટે. આ વિસ્તરવાની પ્રક્રિયામાં અસ્તિત્વને પ્રમાણી જોવું.
છેલ્લે પ્રણામ નિવેદિત કરીને વિદાય લઉં છું.
અનિકેત
પત્ર વાંચી રહ્યા પછી અમૃતાને લાગ્યું કે પોતે તો અહીં આ મકાનમાં છે. ક્યાં ક્યાં પહોંચી ગઈ હતી! અનિકેતનું સંવેદન પત્ર દ્વારા એના માટે પણ સંવેદ્ય બની ગયું.
પાલનપુરમાં હાથોહાથ મળેલ પત્રનો ઉત્તર પણ બાકી છે. આ પત્રને પ્રથમ વાર વાંચ્યો તે દિવસ ઉત્તર લખવો શરૂ કર્યો હતો. અશ્રુએ વ્યવધાન ઊભું ન કર્યું હોત તો ઉદયન આવે તે પહેલાં એ પૂરો થઈ ગયો હોત. અનિકેતના પત્રમાં એણે પોતાને શોધી હતી. એણે પોતાનો પત્ર વાંચવો શરૂ કર્યો —
‘પ્રિય અનિકેત,
તમારો પત્ર વાંચતી હતી ત્યારે તમે શબ્દમાં મૂકેલી ગતિમાં હું ભળી ગઈ હતી. હા, જયાં જયાં તમે મારો ઉલ્લેખ કરી લેતા હતા ત્યાં હું વિખૂટી પડી જતી હતી. તમારા પત્રનું વર્ણન આસ્વાદ્ય હતું. તેથીય મને તો વધુ રસ એ બધે અનુભવાતી તમારી ઉપસ્થિતિમાં પડ્યો. અભાનપણે ક્યાંક ક્યાંક હું પણ તમારી સાથે સંકળાઈ જતી હતી. એ પત્રમાં ત્રણ પાત્રો હતાં — અનિકેત, રેગિસ્તાન, અમૃતા. એક ચોથું પાત્ર પણ હતું. પણ એ નેપથ્યે રહીને તમારી પાસે કેટલુંક બોલાવતું હતું, હું એને વચ્ચે નહીં લાવું. એ એના બલથી જ વચ્ચે આવી જાય છે.
તમારા જતાં અહીંની આબોહવા બદલાઈ ગઈ. ઘર કે બહાર હું તો આગુંતુકા બની બેઠી છું. અતડી લાગું છું. એકલી થઈ ગઈ છું. ‘છાયા’ છોડીને તમારા ઘરમાં — ના, તમારા મકાનમાં રહું છું. નોકરી કરું છું. આજ સુધી વારસાગત ધનસંપત્તિના આશ્રયમાં નિશ્ચિંત હતી. મારા વિચારો અને મારા વર્તન સામે બત્તી ધરવામાં આવી. મેં આશ્રય છોડ્યો. દાયિત્વ સ્વીકાર્યું. પોતાનું સમગ્ર દાયિત્વ સ્વીકારીને જીવું છું અને સ્વાધીનતા અનુભવી રહી છું એવી ખુમારીમાં એકલતાનું દુ:ખ સહી રહી છું. સમયની સાથે દુ:ખ પણ વીતી જશે અને પછી નવારૂપે એ શરૂ થશે.
ઉદયન વારંવાર મળવા આવે છે. જાણે કે મારો સંરક્ષક ન હોય! પણ કામ શત્રુનું કરે છે. થોડાક કટાક્ષ, થોડાક પ્રહાર, જતાં જતાં મર્મવિદારક સ્મિત… કોણ જાણે એ મારામાં એવી શી નબળાઈ જોઈ ગયો છે કે મને આમ સંતાપ્યા કરે છે ! મારી મુગ્ધતાને દૂર કરીને તે પછી શું પરિણામ આવે છે તે જોવા એ મને પ્રયોગ તરીકે ઘટાવી રહ્યો હોય એમ લાગે છે. ‘મુગ્ધતા’ એના મુખે સાંભળું છું ત્યારે મને એ અપશબ્દ લાગે છે. એને મુગ્ધ કહી શકું એ સ્થિતિએ પહોંચી જવાની આકાંક્ષા જાગે છે. પણ મને વિશ્વાસ છે કે એ મને કોઈ પણ સ્થિતિમાં છંછેડ્યા કરવાનો. કહે છે — ‘ઘર છોડ્યું, હવે ઉછીની લીઘેલી શ્રદ્ધાઓ છોડ. સાવ નિરાલંબ બની જા. પોતાની શક્તિમાંથી જ આલંબન ઊભું કર. પરંપરાગત ભાર ફગાવી દઈને ચિત્ત ખાલી કર. પછી વિચાર કર. તદ્દ્ન નિરાશ્રિત અને પોતાના તરફ નિર્મમ થઈ ને વિચાર કર. એમ કરતાં તને લાગશે કે life begins on the other side of despair. આપણે વાતચીતમાં કોઈ સૂત્રનો ઉપયોગ કરીએ તો મોં કટાણું કરીને બાજુમાં જોઈ રહે છે. પરંતુ એના મુખેથી એક સૂત્ર મેં હમણાં ત્રીજી વાર સાંભળ્યું — ‘I think, therefore I am’. મેં એને ટકોર કરી, તો કહેવા લાગ્યો, ‘આ સૂત્ર નથી, સત્ય છે, એક માણસની આ તો આત્મકથા છે.’ હું કહું છું કે વિચારમાં આપણી સમગ્રતા આવી જતી નથી. એ વિના વિલંબે કહી દે છે — ‘વિચાર વિના સમગ્રતા સમજી ન શકાય.’ એનામાં બીજાની ધારણાઓનો છેદ ઉડાડવાની તર્કશક્તિ છે. તેની સાથે હું સંઘર્ષ અનુભવું છું, સંવાદ નહીં. તેથી મારી અભિલાષા તમારા ભણી… આ ચોખવટ કરવા જેવી ન હતી. શા માટે ચોખવટ ? તમને ચાહીને મેં કંઈ ગુનો કર્યો નથી હું તમને ચાહું છું તે વસ્તુસ્થિતિ છે. અને એ કોઈ આકસ્મિકતા પર આધારિત નથી. એ મારી વરણી છે. — freedom of choice.
વરણી. મારી વરણી માત્ર પસંદગી નથી. તમારી સમક્ષ કે તમારા સ્મરણથી હું વિવશતા અનુભવું છું. પરવશ બની જાઉં છું. તેથી તમારી વરણી મારા માટે અનિવાર્ય બની ગઈ છે. કોઈક નિગૂઢ તત્ત્વે પણ મને પ્રેરી હોય એમ લાગે છે. પરમ દિવસે વી. પી. માર્ગ તરફ વળી અને વરસાદ તૂટી પડ્યો. ક્ષણ પહેલાં ખબર ન હોય અને એ અનરાધાર વરસવા લાગી જાય છે. માર્ગ પરથી બાજુમાં ખસીને બચવાનું મને સૂઝયું નહીં. વસ્ત્ર ભીંજાઈ ગયાં. અંગાંગને આર્દ્રતા નિબિડતાથી સ્પર્શી ઊઠી. વરસાદની અજસ્ર ધારાઓ આક્રોશપૂર્વક જાણે કે મારી અલગ એવી હયાતીનું મર્દન કરવા રત બની ઊઠી. એક ક્ષણ પૂરતું તો મને એવું લાગ્યું કે હું અનિકેતને ઘેર જઈ રહીં છું. એમ માનવાથી મને ગમ્યું કે ભલે આ ગગન લક્ષાતીત ધારાઓ બનીને વરસી રહે અને મારી સલામત અલગતાને ઓગાળી નાંખે. હું હવાની લહરી બનીને આ ધારાઓ વચ્ચેના અવકાશમાં ફરકી ઊઠું. બધું સભર સભર થઈ જાય અને વાતાવરણમાંથી એક અદૃશ્ય આકૃતિ બનીને તમારા ગવાક્ષદ્વારે છવાઈ જાઉં. એવી કલ્પિત અનુભૂતિથી પણ હું મુક્તિ અનુભવી રહી હતી. અને એ સ્થિતિમાં મેં સિક્કાનગરના પ્રવેશદ્વારે પગ મૂક્યો. મકાનોના વચ્ચેના ખાલી મેદાને મને આવકારી. તમારા ઘરમાં પગ મૂક્યો તે પહેલાં અનુભવેલી મુક્તિનું તિરોધાન થઈ ગયું હતું અનિકેત! તમે જયાં હો ત્યાં કેવળ ભાવના બનીને ઊડી આવું અને તમારો પરિવેશ બનીને તમારા સંગે સહયાત્રા કરું. હું જાણું છું કે આ રીતે વિગલિત બનાવાની મારામાં શક્તિ નથી છતાં આ મારી સ્વયંપ્રભૂત આરત છે. તમે કહો છો કે પ્રેમ એટલે સામાની સ્વતંત્રતાનો સ્વીકાર. તો તમે મને સ્વતંત્રતા આપો. તમે જોશો કે મારું અસ્તિત્વ ધૂપ બનીને તમારા ગતિશીલ પરિવેશને સુગંધિત કર્યા કરશે. સૌરભ પામવામાં તો તમને વાંધો નથી. જો મને અનુમતિ નહીં આપો તો હું માનીશ કે તમે મને મરુભૂમિના ગગનમાં રઝળતી વાદળી બનાવી મૂકવા ઇચ્છો છો.’
તે દિવસ પત્રને અમૃતાએ અહીં અટકાવ્યો હતો. એને લાગ્યું કે ભાષા રોમાન્ટિક બની રહી છે. અનિકેતને આ બધું વધારે પડતું લાગશે. તો શું કરું? પત્ર જતો કરું? મૌન પાળું? પોતે કહેવા માગે છે તે સૂક્ષ્મ છે. છતાં અર્પાથિવ તો નથી. પત્રની ભાષામાં તો આ બધું ભિન્ન અર્થ ધારણ કરી બેસે છે. જે શબ્દથી ગેરસમજ થવાનો સંભવ હોય તે ન ઉચ્ચારાય તે જ ઇષ્ટ.
તેથી એણે પત્ર અટકાવ્યો.
હવે ઉત્તર આપવો જરૂરી છે? પાલનપુરના નિવાસે એણે સામે બેસીને મારાં અશ્રુ જોયાં છે. છતાં સમજવાનું બાકી રાખ્યું હશે? ત્યાં બાલારામ નદીના પ્રવાહ વચ્ચે ઉદયનને કહેવા જેવું મેં કહી દીધું ત્યારે એણે કહ્યું — તમે તમારું અપમાન કર્યું છે. એ મને શું માને છે? ‘સ્વર્ગીય,’ ‘દેવી’, ‘મમતામયી’ જેવાં વિશેષણોથી નવાજીને સંતોષવા બેઠો છે. પણ એ શબ્દોથી મને સમજાવી દેવા માગે છે. સ્વર્ગીય! પણ સ્વર્ગ તો છે મૃત્યુ પછીની અવસ્થા… એ કહે છે તેથી અનુભવે છે તો જુદું જ. માંસલ સૌંદર્યની તૃષા એની આંખોમાં ચમકી ઊઠી હતી. એના શ્વાસમાં અકળાતી હિંસ્ર ગંધને હું પારખી ન શકું એવી અબોધ છું? એના વિમુખ થવા જતા ચહેરાની કોઈ એક રેખા બધું કહી દે છે. એની આંખનો અસમાધાનકારી ખૂણો કશુંય અવ્યકત રહેવા દેતો નથી. અને છતાં કહ્યાં કરે છે — ‘મને સૌરભથી સંતોષ છે…’ દૂર જવાથી આવા ઉદ્ગાર એના માટે સહજ બની ગયા છે. પણ એ માત્ર ઉદ્ગાર છે. એ કેવળ વાણી છે. એના લોહીનો લય તો કંઈક બીજું જ કહે છે. એ શા માટે પોતાને સંતાપી રહ્યો છે?
વિકાસ — ઉન્નયન… એ સિદ્ધ ન થાય એવું તો નથી પણ યૌવનના આરંભે જ આમ વિદેહીની કક્ષાએ વિચારવું…
સાડા આઠ વાગ્યા હતા. એ કાર લઈને નીકળી. સાગરના બદ્ધ કિનારે પહોંચી. બાળકના ચિત્રમાં રંગ અને રેખાઓની અબદ્ધ સ્થિતિની જેમ માણસો સમુદ્ર પરના અંધારા તરફ મુખ કરીને, મુંબઈથી વિમુખ થઈને બેઠાં હતાં. યુગલો, એકલાં, અને પરિવારોને વટાવતી અમૃતા સમુદ્ર તરફ જઈ રહી હતી.
‘આન્ટી.’
અમૃતાએ નાના ભત્રીજાનો અવાજ ઓળખ્યો. એ થંભી. બાબો પહોંચી ગયો. અમૃતાએ એને ઉછાળીને તેડી લીધો. છાતી સરસો ચાંપીને ચૂમી લીધો. મોટી ભાભી અને એમનાં બંને બાળકો આજે છેક અહીં સુધી આવ્યાં છે તે જોઈને અમૃતાને આશ્ચર્ય થયું. બાળકો માસીને ઘેર ગયાં હતાં, ગિરગાંવ. મોટાભાઈ કંપનીના કામે બહાર ગયા છે.
ભાભીને નજીક આવતાં જોઈને અમૃતા એમની નજીક ગઈ. બધાં મોડે સુધી બેઠાં. ઘણી વાતો થઈ. અમૃતા રમકડાં પહોંચાડી ગઈ તે પછી ભાભીને ઘણું આશ્વાસન મળેલું. પોતાને લીધે અમૃતાએ ઘર છોડ્યું એમ એ માનતાં હતાં. એમણે અમૃતાને વિનંતી કરી. અમૃતાએ કહ્યું કે વિચારીશ. આજે તમે સહુ ચાલો.
તમારા મોટાભાઈ વહેલી સવારે આવવાના છે એમ કહીને એમણે રજા લીધી. નાનો બાબો અમૃતાનો હાથ છોડતો ન હતો. અમૃતા એને સાથે લઈ ગઈ. કામવાળી બાઈ પણ પરિચિત તેથી બાબાને તો ફાવી ગયું.
‘આ આપણું ઘર છે?’
‘ના.’
‘તમને અહીં ફાવે છે?’
‘હા.’
‘એકલાં રહો છો તોપણ?’
‘હા!’
‘હવે જૂહુ નહીં આવો?’
‘આવીશ.’
બાબાને સંતોષ થયો હશે, એ બે મિનિટ શાંત રહ્યો.
‘આ કોનો ફોટો છે?’
‘અનિકેતનો.’
‘એ કોણ છે?’
‘પરદેશી.’
‘એ તમને ઓળખે છે?’
‘ના.’
અમૃતા ટેબલ પરથી પત્ર લઈને વાળવા લાગી.
‘કોનો પત્ર છે?’
અમૃતા કંઈ બોલી નહીં. બાબો પ્રશ્ન ભૂલી ગયો. ટેબલ પર પડેલી પેન હાથમાં લઈને એ હથેલી પર લખવા બેઠો. એને કક્કો આવડે છે, એણે ‘અનિકેત’ નામ યાદ રાખ્યું હતું. ‘લાવો લખું.’ કહીને એણે અમૃતાની હથેલી પર લખ્યું — અનિકેત.
‘ભૂલ પડી?’
‘ના.’
‘શું આપશો?’
‘તારે શું લેવું છે?’
બાબો વિચારમાં પડ્યો. કંઈ સૂઝયું નહીં. પછી એને એક યુક્તિ સૂઝી કે મોટાભાઈ માગશે તે હું માગી લઈશ. તેથી એણે અમૃતાને આવતી કાલે જૂહુ આવવા કહ્યું.
અમૃતા ના પાડી શકી નહીં.
મોડી રાત સુધી બાબો જાગતો રહ્યો. અમૃતાએ મોકલેલાં બધાં રમકડાં પોતે કેવી રીતે પચાવી પાડ્યાં એ અંગે એણે સવિસ્તર વાત કરી. એને માની પડખે લપાઈને ઊંઘવાની ટેવ છે. ઊંઘી જાય પછી એને ભલે ગમે ત્યાં મૂકવામાં આવે. અમૃતાના વક્ષમાં મોં દબાવીને એ ઊંઘી ગયો. તે પછી પણ એના માથા પર અમૃતા ધીરે ધીરે હાથ ફેરવતી રહી. અભાન અવસ્થામાં પણ ચીપકી રહેલા બાબાની સંપૂર્ણ અધીનતાને એ નીરખતી રહી. જાગૃતિ સમર્પી દેવાથી મળતા વિશ્રાંતિસુખ વિશે એ વિચારી રહી. બાબાના પ્રફુલ્લ કપોલ પરની ઋજુલ તાજગી પર હાથ મૂકીને અને આંખો બિછાવીને એ અપૂર્વ સાર્થકતા અનુભવી રહી.
અનિકેતના સ્મરણથી જાગતી વ્યાકુળતા હવે ન હતી.
નિદ્રાધીન થવાની ક્ષણોમાં એ વિચારતી હતી કે આ વત્સલતા મારામાં આ રૂપે વસતી હતી તેનાથી હું આજ સુધી અણજાણ કેમ રહી? તો પછી જ્યારે વત્સલતા શિશુરૂપે અવતરીને ઉછંગને ભરી દેતી હશે તે ક્ષણોના અનુભવની ઉત્કટતામાં તો નારી માત્ર માતા બની જતી હશે. કેવી હશે એ વેદનાપ્રસૂત વત્સલતા? અને એ પ્રાપ્તિ પૂર્વેની સંક્રાન્તિકાળની અનુભૂતિઓ? અને એ પૂર્વેનું ઈંદ્રિયતર્પણ…
આજે સ્વપ્નમાં જોયેલી — ન જોયેલી સૃષ્ટિના સાહચર્યમાં ચરમ તીવ્રતાવાળો અનુભવ થયો. કમલતાલના કિનારે ઊડતા હંસની પાંખોનો લય જોતી એ ઊભી હતી. સઘન વનરાઈની છાયા ભેદીને ચંદ્રકિરણ એના કપોલની મોહક તાજગીને છતી કરી દે છે. એનું આગમન થાય છે… પોતાની કામનાઓનું નિર્બંધ પ્રગટીકરણ… સૂક્ષ્મ ભાવોન્મેષ અને માંસલ આવેગનું સાયુજ્ય… હા, એ અનિકેત જ સાચો.
દિવસો સુધી અમૃતા એ સ્વપ્નને યાદ કરતી રહી. હા, એ અનિકેત જ સાચો. પત્ર લખનાર અનિકેત તો રહસ્યનાં પરિધાન ધારણ કરીને ફરે છે. પેલો જ સાચો — સંકલ્પથી ચલિત મેરુ પર્વતનું ઝૂકવું… સરકી જતી નદીનું એકાએક એને વીંટળાઈ વળવું…
ઑકટોબરમાં એ પાલનપુર છોડીને સરસામાન સાથે જોધપુર પહોંચી ગયો. ચારેક માસ ગુજાર્યા. શાળાના વિદ્યાર્થીઓ સાથે મમત્વ બંધાયું હતું. નવમી શ્રેણીનો એક અસાધારણ તેજસ્વી વિદ્યાર્થી મનમાં વસી ગયો હતો. એક ગરીબ વિધવાનો એ પુત્ર. ચહેરા પર કશી લાચારી નહીં, વિકાસ ચમકે.
એક સાંજે શહેરની ઉગમણી ગમ એ ફરવા ગયેલો. ગિલ્લી-દંડાની રમત ચાલે. રમવાનું પડતું મૂકીને પેલો કિશોર દોડી આવ્યો. ‘સાહેબ!’ એણે અનિકેતનો હાથ પકડી લીધો. જક કરીને પોતાને ઘેર ખેંચી ગયો. એક નાના સુઘડ ઘરને આંગણે સૂપડામાં લીધેલા ઘઉંમાંથી કાંકરા વીણતી યુવતીએ ઊંચે જોયું. એ ઊભી થઈ. પ્રણામ કર્યાં.
યુવતી — પ્રૌઢ ન લાગે તેવી યુવતીના ચહેરા પર અનુભવેલા જીવનની સમજની ઝાંખી થતી હતી. એની આંખોમાં નારીત્વ સ્થિરત્વ પામ્યું હતું. પુત્ર અને ભાઈને એકસાથે જોઈને થતો આનંદ એના હોઠ પર ફરકી રહ્યો.
અનિકેતે જમવું પડ્યું. વાતચીતમાં એને ‘બહેન’નું સંબોધન સૂઝ્યું. એને લાગ્યું કે આજે જીવનની અજ્ઞાત રહેલી વેદનાઓથી વાકેફ થવાની તક મળી. સંકલ્પકઠિન માર્ગ પર એ એકાકી હૃદયની યાત્રા જોઈ રહ્યો.
બહેન શિક્ષિકા છે. દસ વરસથી નોકરી કરે છે. ત્યારે બાબો બે વરસનો હતો. અનિકેતે મનોમન નક્કી કર્યું કે પોતે આ બાજુ ફરીથી આવશે તો બહેનને જરૂર મળશે.
શાળામાં છેલ્લીવાર ગયો ત્યારે હેડમાસ્તર સાથે એ એકલો બેઠો. પેલા કિશોરના નામે બારસો રૂપિયા જમા કરાવ્યા. ત્રણ વરસ સુધીમાં એ રકમ એને આપવાની છે. એસ. એસ. સી. પછી એ જરૂરી મદદ કરશે. પ્રાથમિક શાળાની શિક્ષિકાના પગારમાંથી શું બચે? બહેનને ખોટું ન લાગે તે માટે એણે કિશોરને એક ચિઠ્ઠી આપી.
પોતાના પિતાજી સંપન્ન છે તેનો અનિકેતને વિશેષ લાભ સમજાયો. કોઈને ઉપયોગી થવાનો સંતોષ એને પહેલી વાર થયો. ઉદયનને એણે મદદ કરેલી છે પણ તેથી સંતોષ થયો નથી. તેથી એને ખર્ચ કર્યાનો આનંદ થયો છે. અમૃતા મારા મકાનમાં રહે છે પણ એ કંઈ મદદ ન કહેવાય. એ આનંદ ઉપકાર કર્યાનો નથી… કદાચ ગોપિત અભિલાષાઓ એથી સંતોષાતી હોય તો નવાઈ નહીં.
જોધપુર પહોંચ્યા પછી પેલો કિશોર અને એની માતા ફરી યાદ આવ્યાં. એણે પાલનપુરમાં એક લોકગીત સાંભળ્યું હતું —
અજ રે સપનામાં મેં તો ડોલતા ડુંગર દીઠા જો…
ખળખળતી નદીઓ રે સાહેલી મારા સપનામાં…
સહાનુભૂતિથી કોઈનાં અશ્રુ અટકાવી શકાય પણ અંતસ્રોતા વેદનાને નિર્મૂલ કરી શકાય?કદાચ કેટલીક વેદનાઓ અપરિહાર્ય છે… વેદનાના ભારથી પૃથ્વીની ધરી સંતુલન જાળવી રહી હોય તે પણ માની શકાય એમ છે… તે દિવસે અમૃતાનાં અશ્રુ લૂછવાની ઈચ્છા થઈ પણ સંભાવ્ય સ્પર્શ મને દૂર રાખતો હતો. છેવટે તો એ સ્થિતિ પણ ન જળવાઈ…
અહીં મળીએ છીએ વિખૂટાં પડી જવા માટે જ. પ્રત્યેક આરંભ અંત તરફ જ લઈ જાય છે… આ સમગ્રતાનો સરવાળો પણ છે એક શૂન્ય. શૂન્યને પરાબિન્દુ કહો કે પૂર્ણત્વ કહો એ જ આખરી સત્ય છે. એ આખરી સત્યની પૂર્ણ પ્રતીતિ થાય અને નિર્વેદની અવસ્થા સુધી પહોંચી શકાય તો… ફક્ત જાણી લેવાથી શું વળવાનું? જ્યાં સુધી જાણેલું રક્તવાહિનીઓના લયધબકારામાં ભળીને અ-પર થઈ ન જાય ત્યાં સુધી તો જાણેલું ભારરૂપ જ રહેવાનું.
એમ થાય છે કે આ ભારને ફગાવી દઉં. સમગ્રના સરવાળાને આટલો વહેલો સ્વીકારી લેવામાં ઉતાવળ થશે. તદ્ન નિરપેક્ષ થઈ જવું એટલે તો મરણને જીવવું. જ્યાં સુધી અમૃતા સ્મરણમાં પણ હશે, નિરપેક્ષ થવું અશક્યા લાગે છે. નમ્ર ગૌરવને ધારણ કરી રહેલા છતાં વાસ્તવમાં ઉન્મત્ત એવા એ સૌંદર્યના આહ્વાનને ઉત્તર આપવાનું મન થાય છે… પણ ઉદયન? પ્રશ્ન આ ત્રીજાની ઉપસ્થિતિનો જ છે. બે માણસ તો પોતાની પારસ્પરિક સમજૂતીથી રહી શકે. ત્રીજાની હાજરીમાં ત્રણેએ સમાજ બનવું પડે છે. સમાજ તમામ સાપેક્ષતાઓને વ્યવસ્થિતિ આપે છે. એમાં સંકલ્પને પણ સ્થાન છે. મારા અસ્તિત્વના ગલનબિંદુ સુધી એક વાર સંકલ્પશક્તિને અજમાવી જોઈશ. અમૃતા! હું તારા વિશે નિરપેક્ષ થવા મથીશ. તને પામ્યો છું તેથી વિશેષ પામવાની જે ઉત્કંઠા જાગી છે તેને ઓછી કરતો કરતો છેક નિર્મૂલ કરી નાંખીશ. અને વિરતિ ગ્રહીશ. એ વિરતિ હશે મારી સફળતા. ભલે મારી મરુભૂમિમાં મરી ચિકા બની બનીને તું મારા દૃષ્ટિપથને પોતાના ભણી ખેંચી લે, હું તને મારી સંકલ્પશક્તિથી ઉપાડીને ક્ષિતિજની પેલી પાર મૂકી દઈશ. ક્ષિતિજની આડશે મરીચિકા દેખાશે નહીં. નીલ ગગનના અસીમ વિસ્તારમાં અમૃતા વ્યક્તિત્વરહિત દ્યુતિ, માત્ર દ્યૃતિ બનીને મને ઉન્નયન માટે ઈજન આપશે.
જે અમૃતા છે તેને હું મરીચિકારૂપે જોઈ શકું જ નહીં. એને દ્યુતિરૂપે જોઈશ.
આ રણપ્રદેશમાં દેખાતી મરીચિકાઓ તો ભ્રમજન્ય છે પરંતુ એ વાસ્તવિક બની જાય તો? જે દેખાય છે તે અસ્તિત્વ ધારણ કરે તો? આકર્ષણ જગાવતું એ ઊર્મિલ જલ, એ વનરાઈનો શાશ્વત ગોષ્ઠિસમારંભ, એ હરિતિમાનું નિત્યનૂતન ઐશ્વર્ય…
જે ભ્રામક છે તે વાસ્તવિક બની જાય તો?
ટપાલ આવી.
અનિકેતના મદદનીશનો પત્ર હતો. પત્ર લાંબો હતો અને એમાંનું વર્ણન ઉપરછલ્લું હતું. બિકાનેર નજીકનો વરસાદ પૂર્વેનો સુક્કોભઠ વિસ્તાર વરસાદ પછી કેવો લીલોછમ થઈ ગયો તે જોઈને થયેલા આનંદનું વર્ણન હતું. પત્રમાં ભાષાકીય ભૂલો એટલી બધી હતી કે સાચું શું એ જ શોધવું પડે! છતાં એમણે કેટલાક કાવ્યાત્મક શબ્દપ્રયોગ કર્યા હતા. અનિકેતને લાગ્યું કે ભાઈસાહેબે બે મુલાકાત લીધી લાગે છે. એમના પત્રનો થોડાંક વાક્યોમાં સંક્ષેપ કરીને એમને ખોટું ન લાગે એ રીતે એ સંક્ષેપ એમને મોકલાવ્યો. વર્ષા પહેલાંનો એ સ્થળ પર વીંઝાતો ‘દારુણ સૂનકાર’ જલસિંચન પછી ‘હરિત શાંતિ’માં પરિણમ્યો હતો. જલના અભાવે અને જલના પ્રભાવે એક જ સ્થળનાં કેવાં બે તદ્ન વિરોધી સ્વરૂપ! ધરતીને માતા કહેવામાં આવે તે યોગ્ય જ છે. સૂકી ધરતી પણ બીજ સાચવે છે. ઋતુ આવે કે બીજ અંકુરાઈ ઊઠે છે. વરસાદ પછી કેવું મબલખ ઘાસ! બીજો કોઈ રંગ નથી એટલો આ લીલો રંગ પ્રાસન્નેય છે.’
એક ઢળતી બપોરે અનિકેત અહીંના વનસ્પતિશાસ્ત્રના અધ્યાપક સાથે મંડોર સુધી ફરવા ગયો હતો. રસ્તામાં આવતા એક મકાન વિશે વાત નીકળી. એ ખાલી હતું. ભાડે મળી શકે તેમ હતું. મકાનની આગળ સુકાઈ ગયેલો બાગ હતો. વૃક્ષો હતાં. નવો બાગ રચવાની શક્યતા હતી. રણપ્રદેશની મુસાફરીમાં પ્રાપ્ત થયેલી સંશોધન માટેની સામગ્રી પર અહીં નિરાંતે કામ કરી શકાય. જોધપુર છોડતાં પહેલાં આ મકાન રાખીને જ જવું.
એ મકાનને ખરીદી લેવામાં આવે તોપણ શું ખોટું? ઑફિસ પણ ત્યાં શરૂ કરી શકાય. અને હવે સંયોજક તરીકેની જવાબદારી ઉપાડી લેવાની છે. ચર્ચા- વિચારણા માટે બધા સંશોધકોએ અવાર-નવાર મળવું જ જોઈએ. સમસ્યાઓના ઉકેલ જલદી મળે. અને આ રણ કંઈ ભયંકર નથી, અસાધ્ય નથી.
એ ઊભો થયો. બહાર નીકળવા સજ્જ થવા લાગ્યો. દર્પણ સામે ઊભા રહીને એણે પ્રતિબિંબ જોયું. ‘સહેજ સુકાયા હશો, પણ તેથી ચહેરાની ચમક ઘટી નથી. તમારો વર્ણ તપ્તકાંચન લાગે છે.’ — અમૃતાએ કહ્યું હતું. અમૃતાના સ્મરણ સાથે એણે દર્પણમાં જોયું. પોતાના પ્રતિબિંબની પ્રસન્નતા વધી ગઈ હતી.
નવું સરનામું જણાવવા એણે ઉદયનને પત્ર લખ્યો. નવેમ્બરમાં જોધપુરથી નીકળી જવું. પોકરણને કેન્દ્રમાં રાખીને કામ કરવું, જમીનના પ્રકાર, ત્યાં મળી આવતી વનસ્પતિનો પરિચય, પાણીની શક્યાતા અને મળી આવતા પાણીના ગુણધર્મો તપાસવા. એ દૃષ્ટિએ સઘળા પ્રદેશનો સર્વે કરવો. જીપ ક્યાં સુધીમાં આવી જશે?
અમૃતાને પત્ર ન લખવો.
એ મને ભૂલી શકશે?
મને માફ કરી શકશે?
એને પત્ર ન લખવો. અંતરાલનો અનુભવ થયા કરશે. અવકાશ વિસ્તારતો જશે પછી સ્મરણોની ઉત્કટતા પણ શમી જશે. એ મને ભૂલી શકશે. અને ઉદયન ત્યાં છે જ. ઉદયનનો પ્રભાવ એના પર ક્યાં ઓછો છે? એટલું જ નહીં ઉદયનનું પ્રચ્છન્ન વર્ચસ પણ એના ચિત્ત પર છે. એનાથી વ્યકત થતી પ્રતિક્રિયાઓ સ્પષ્ટ કરે છે કે એ વર્ચસમાંથી છૂટવા મથી રહી છે. કોઈક વાર એની ગમગીની સૂચવે છે કે વિગતનાં સ્મરણોના ભારથી દબાઈને પોતાને સજા કરવા માગતી હોય એમ એ ઉદયન પ્રતિ અભિમુખ થવા મથી રહી છે… પરંતુ એમ થઈ શકતું નથી. કારણ કે અનિકેત છે… મારું ચાલે તો એમના વિશ્વમાંથી છટકી જાઉં, મારી વેદના લઈને. પણ છટકીને ક્યાં જાઉં? અહીં સુધી તો આવ્યો! આ તો માત્ર ભૌગોલિક અંતર થયું. આ બહિર્સૃષ્ટિમાં સ્થાનાન્તર કરવાથી નહીં ચાલે. આ દૃશ્યમાન છે તે તો માત્ર ભૌતિકતા છે. એનો પરિત્યાગ કરવાથી અમૃતાથી દૂર થઈ શકાયું નહીં. અવાન્તર ભૂમિમાં પણ સંવેદન તો પૂર્વવત્ રહ્યું. એના સ્મરણની વેદનાથી મુકત થઈ શકાયું નહીં. ચિંતકો સાચું કહે છે — આ આખો પ્રશ્ન આંતરિક છે. મુંબઈ રહ્યો ત્યારે એની નજીક રહીને જ એ બધાથી મુક્ત થઈ ગયો હોત તો ઊગરી ગયો હોત. શ્રી રમણ મર્હષિએ યોગ્ય જ કહેલું — The trouble now is due to your seeing the world outside yourself and thinking there is pain in it. But both the world and the pain are within you. If you turn inwards there will be no pain. અંતર્મુખ થવું. મારું વિશ્વ મારી ભીતર વસે છે… પરંતુ એ વિશ્વમાં તો જાણે અમૃતા વસે છે. એમાં બીજું કશું હોતું નથી ત્યારે પણ એ તો હોય છે જ. એની સ્વપ્નિલ છબીના દૃષ્ટિક્ષેપ માત્રથી નીરવ શાંતિમાં લહેરાઈ ઊઠું છું. નિસ્તરંગ ચિત્તની અવસ્થા કેમ કરીને પામું? વાંચેલું બાજુ પર રહી જાય છે. અસ્તિત્વ સાથે એનું સાયુજ્ય રચાતું નથી. Unconscious awareness ! અકૃત્રિમ જાગૃતિ! અભાન સંવિત્તિ! કેમ કરીને પામું? અભાન જાગ્રતિ સુધી — સભર મૌન સુધી પહોંચવાની મથામણ કરવી જ રહી. મૌનથી માતબર અહીં કશું નથી. બધા કોલાહલ મૌનમાં પરિણામીને જ મોક્ષ પામે છે.
‘બાબુસાહેબ! ચાય લે આઉં?’
ખુલ્લા બારણામાં હસતા ચહેરે ડોકાઈને હોટલના નોકરે કહ્યું. અનિકેતનો એ જૂનો નોકર હોય એટલી લાગણીથી એ બોલ્યો.
‘લે આઓ.’
‘ઔર કુછ?’
‘લે આઓ.’
‘ક્યા?’
‘કુછ નહીં.’
અનિકેતને ખ્યાલ આવ્યો કે પૂરતા ધ્યાન વિના જ એણે નોકરને જવાબ આપ્યા. તેથી એ એની સામે જોઈને બોલ્યો —
‘સુનો, દો કપ ચાય લે આઓ. યહાં બૈઠ કર એક તુમ પીના.’ નોકર ગયો. અનિકેત ઊભો થયો.
એકાએક એક સ્વર એના સ્મરણમાંથી લયરૂપે વહી આવ્યો. કેવળ સ્વર! સ્થળકાળથી મુક્ત. ક્યાં સાંભળેલો એ સ્વર?… હા, શાંતિનિકેતનથી કલકત્તા પાછા ફરતાં ગાડીના ડબ્બામાં એક કન્યાના કંઠે વાતાવરણમાં પ્રસરતું એ ગીત… શબ્દો શું હતા? રવીન્દ્રનાથનું એ ગીત હતું? શબ્દો? શબ્દોને પાછળ મૂકી દઈને સ્મરણે કેવળ સ્વર આપ્યો! લયાન્વિત સ્વર!
એ રૂમમાં આંટા લગાવવા લાગ્યો. ગીતનો લય ગુંજી ઊઠયો. શબ્દો ધીરે ધીરે વહી આવ્યા —
‘આમિ ચિનિ ગો, ચિનિ તોમારે ઓગો વિદેશિની!’
એ બજારમાં ગયો. ગયો હતો એટલી ઝડપથી પાછો આવ્યો. ચા આવીને ઠંડી થઈ રહી હતી. એને ઠંડી ચા બહુ ગમી.
‘હું આકાશમાં કાન માંડીને તારું ગીત સાંભળું છું. મેં મારા પ્રાણ તને જ સોંપી દીધા છે.’
અનિકેત આખું ગીત ગાઈ ગયો. એક વાર, બે વાર. એને થયું કે વેરાનમાં એકલો હોઈશ ત્યારે ગાઈશ. હું એકલો જ સાંભળી શકું એ રીતે ગાઈશ. રણમાં રવીન્દ્રનાથનો સ્વર! મરુભૂમિ પર સુંદરનો આશીર્વાદ! એ ફરીથી ગાવા લાગ્યો—
‘ભુવન ભ્રમિયા શેષે આમિ એસેછિ નૂતન દેશે,
આમિ અતિથિ તોમારિ દ્વારે ઓગો વિદેશિની.’
— ભુવનનું ભ્રમણ કરીને અંતે હું નૂતન દેશે આવ્યો છું. હું તવ દ્વારે અતિથિ છું, હે વિદેશિની!
હું તને જાણું છું, જાણું છું હે વિદેશિની!