ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રજનીકુમાર પંડ્યા/સીનો: Difference between revisions
(પ્રૂફ) |
(added photo) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|રજનીકુમાર પંડ્યા}} | |||
[[File:Rajanikumar Pandya.png|300px|center]] | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Heading|સીનો | રજનીકુમાર પંડ્યા}} | {{Heading|સીનો | રજનીકુમાર પંડ્યા}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} |
Latest revision as of 02:03, 7 September 2023
રજનીકુમાર પંડ્યા
માથે છાંયો હતો છતાં ગરમ ગરમ લૂનો દઝારો ચામડીને લાગ્યો; એટલે જરા વાર માટે ઝબકેલી આંખ ફરી ઊઘડી ગઈ. તરત જ મનમાં થડકારો થઈ આવ્યો. અરે, હજુ તો કેટલે દૂર ચાલીને પહોંચવાનું હતું! હું અત્યારે આ લાકડાના ચરક ચરક બાંકડે બે-ઘડી વિસામો ખાવા બેઠો હતો ત્યાં સિંહેન્દ્ર એટલી વારમાં ઘેરથી નીકળી ગયો તો?
તરત ઊભા થઈને ચાલતાં પગની ઘૂંટી લગીર કવી — વૃદ્ધાવસ્થા છતાં વગરચાલ્યે છૂટકો નહીં. બસનો આ રૂટ નથી. અને અમારા દક્ષિણ ગુજરાતના ગામડાનું આ એક ભારે. એક ઘર આ પાર. તો બીજું ઘર પેલે પાર. ગજરાનું ઘર જેટલું આજે દૂર લાગે છે તેટલું પહેલાં ના લાગતું. સંબંધ જ એવો થઈ ગયેલો તે. એનો માટીય થોડું થોડું જાણી ગયેલો, પણ ચાલ્યું ગયેલું જિંદગી આખી આમ ને આમ. સિંહેન્દ્રનું મોં અસલ મારા જેવું, જાણનારા સૌ જાણી જાણીને મરકે.
માથેથી લેલૂંબ ઝાડ હટી ગયાં એટલે સૂરજ લમણે ઝીંકાયો. લમણાં તપવા મંડ્યાં. સૂકાં પાંદડાં પગલાં નીચે કચડાયાં. મહીં થોડી સૂકી સળીઓ પણ હશે. એ ચાતરીને ઊની ઊની લાય ડામરની સડકે ચડ્યો. ત્યાં બરફ ભરેલો છકડો ધમધમાટ નીકળ્યો. એની પાછળના નિતાર નિતાર પાણીમાં ચાલવું મને બહુ ગમ્યું.
‘કાં!’ પાછળથી કોઈનો તરડાયેલો અવાજ આવીને કાને અથડાયોઃ ‘વકીલસાહેબ! રોજના ઠેકાણે કે?’
તરડાયેલા અવાજવાળો ટપુડો. ગધેડાં હકાલીને જતો હતો. દરેકની માથે શણિયાના ખોલમાં નદીના પટમાંથી સારેલી ભીની ટપકતી રેતી ઠાંસોઠાંસ.
મેં જરી ખિજવાઈને કહ્યું, ‘ગધેડાં હકાલ ગધેડાં… રસ્તે પડ. જા.’ ‘હી… હી… હી…’ એ ધીરે ધીરે આગળ નીકળી ગયો. મેં ચાલ ધીમી કરી. આજની વાત ગજરાને એવી કરવાની હતી કે સમજે તો સાર નહીંતર ફોફાં. આજે જો હું સિંહેન્દ્રનો દુનિયાની નજર બાપ હોત, ગજરાનો ધણી હોત તો તો ધોકો મારીને ધાર્યું કરાવત. પણ ગજરા લોભણી છે. સિંહેન્દ્રે શરીર ધારી જાણ્યું છે. મીઠું નથી. ગજરાનો ઘરવાળો તો હવે છે જ ક્યાં કે એની આશા કરવી?
લમણાં તપ્યાં. વિચારો કર્યા કર્યા. ડામરની સડક ઊતરીને એને ઘેર જઈને પાણીના બે ગ્લાસ ખાલી કરી નાખ્યા, ‘સિંહેન્દ્ર?’ મેં પૂછ્યું.
‘હમણાં જ નીકળી ગયો.’ ગજરા બોલીઃ ‘તમને સામે ના — ભટકાણો?’
‘આવા તાપમાં જમવા ઘેર ના આવતો હોય તો?’ મેં કહ્યું, ‘એને સવારે જ ડબ્બો સંગાથે દઈ દેવો જોઈએ.’
ઇશ્ક-બિશ્કની વાત હવે પતી ગઈ. નહીં તો કંઈ ગજરાએ મને પૂછવાનું હોય? ‘શું ધક્કો ખાધો વકીલ?’
એક પળ મારી આંખમાં સાપોલિયું રમી ગયું. ગજરા હવે કરચલિયાળી થઈ ગઈ. છોકરો પરણવા જેવડો થઈ ગયો; એટલે એવી રંગીલી બોલી બંધ. મારી આંખ પાછી હતી તેવી. ગજરા સમજીને નીચું જોઈ ગઈ. સૂપડેથી ચોખા ઝાટકવા માંડી.
‘તારા ભલાની વાત લઈને આવ્યો છું.’ સાંભળીને ગજરાએ સૂપડું કોરાણે મૂક્યું. બોલીઃ ‘વધારે પાણી લાવું?’
‘પાણી બહુ છે મારામાં.’ અંતે હું જવાનીમાં આવી જ ગયો. આંખ ચમકાવીને બોલ્યોઃ ‘તને ક્યાં નથી ખબર?’
‘મુદ્દાની વાત કરો.’ એ હોઠને ડાબી તરફ ફરકાવીને બોલી, ‘હવે નથી સારા લાગતા આ પાંસઠ વરસે.’
‘હું શું કહેતો’તો?’ મેં કહ્યું, ‘સારા માઈલી વાત લઈને આવ્યો છું.’
‘તી કરોની!’ એ બોલી.
લમણાં બહુ તપી ગયાં હતાં તે રૂમાલ પલાળીને મેં કપાળે મૂક્યો. ‘મારી વાત પાછી નહીં કઢાય.’ પછી લાગ્યું કે વાક્યમાં કાંઈક ઉમેરવાનું રહી ગયું. એટલે બોલ્યાની સાથે સાંધો કરીને વળી બોલ્યોઃ ‘શું?’
‘હમજ્યા હવે.’ એ બોલી. ‘બોલો તો ખરા…?’
‘સિંહેન્દ્રનું કાંઈ વિચાર્યું?’
‘શું વિચારવાનું હતું વળી?’
‘કેમ? એને પરણાવવાનો નહીં કે?’
ગજરાએ સૂપડું હાથમાં લીધું. ચોખા વીણવા માંડી.
‘કેમ કંઈ બોલી નહીં? સિંહેન્દ્રને કેટલાં વરસ થયાં.’ ગજરાએ મારી આંખ સામે આંખ નોંધીને જોયું. ચોવીસ વરસ અગાઉ વલસાડની બજારમાં મને પહેલી વાર આવી તેજ તેજ આંખોથી જ મળી હતી. વકીલનો નવો નવો કાળો કોટ મેં ચડાવેલો. સિંહેન્દ્રને કેટલાં થયાં હોય? એથી એક-બે ઓછાં જ ને?
‘તે તમે ના જાણો?’ એ તરત આંખ બુઝાવીને બોલી. નીચું જોઈ ગઈ.
‘જાણું.’ મેં કહ્યું, ‘છોડ એ વાત. બધું જાણું.’
સામેની ભીંતે સિંહેન્દ્રનો ફોટો મઢાવીને લટકાડેલો. મને એમ કે મારો જ ફોટો જોઉં છું. ચોખંડું ચોકઠું. ગરદન સુધી ઊતરતાં ઓડિયાં જાણે કે સિંહની જ કેશવાળી. ચોડો સીનો. ઉપર મારે બેટે વગર વકીલાતનો કાળો કોટ ચડાવેલો. જોનારાની તો છાતી જ ફાટે, ને જોનારી કોઈ હોય તો તો…
મેં ખોંખારો ખાધો.
ગજરા કાયમ બોલતી એમ આજેય બોલીઃ ‘પુરુષાતનનું કાંઈ બહુ અભિમાન. કાંઈ બહુ અભિમાન…’
મેં ફરી ખોંખારો ખાધો.
‘બહુ અભિમાન સારાં નથી…’ એ બોલી.
‘અહીં ગરમ ગરમ લૂ વાય છે.’ મેં કહ્યું, ‘ચાલની અંદર જઈએ.’
‘સખણા રે’જો હો.’ એ મને અંદર દોરી જતી બોલી, ‘ખબર છે, તમારી તો અંદર બધુંય છલકાય છે.’
અંદર જઈને સાચોસાચ હું ઠાવકો બેઠો. એ મારી સામે આવીને બેઠી. ‘પણ દીકરીઓને પરણાવતાં વાંકડો આપીને ખેતર-ખોરડાં વેંચાઈ ગયાં સમજ્યા! હવે આ છોકરાથી કંઈ ઘર ભરાય તો ભરાય…’
‘તે તારે વાંકડો લેવો છે એમ ને?’
‘સૌ લે છે અમારા અનાવલામાં, અમારો કોઈ વાંક છે?’
‘હું કાંઈ બોલ્યો નહીં. અટકવાનું હતું તે અહીં જ અટકવાનું હતું. ને અટક્યો. શું બોલવું તેની સૂઝ ન પડે, ત્યાં ગજરા જ બોલી, ‘કેમ, સારું ઘર કાંઈ નબળું ઘર છે?’
‘નબળું કંઈયે નથી.’ હું બોલ્યોઃ ‘મઝાનાં પાંચ આંબાવાડિયાં છે.’ હવેલી જેવાં ઘર છે. પહોંચતા કુટુંબી છે.’
‘તે પછી?’
‘ખોપરી માથાની ફરેલી છે. કહે છે કે વાંકડો આપીને ના પરણું તે ના જ પરણું, છોકરો ભલે ને કેમ રાજા રામ નથી?’
‘ભણેલી ઓહે?’
‘ડબ્બલ ગ્રૅજ્યુએટ.’ હું બોલ્યો, ‘મહિને-દહાડે બે હજાર કમાતી છે.’
‘એમ?’ ગજરાએ ઝીણી આંખ કરીને પૂછ્યું, ‘શું કામ કરતી છે તે એટલા પૈહા મલે?’
‘મુંબઈમાં એક બૅંકમાં નોકરી કરતી છે. હર શનિ-રવિ પાછી વલસાડ ભેગી. સીધી લીટીની. કોઈ લપ્પન-છપ્પન ની મલે. એમ તો એક વાર ‘કહેવું ના કહેવું’ તેના વિચારમાં એકાએક હું આવી પડ્યો. કહેવું તો ખરું જ એમ નક્કી કરેલું, પણ હમણાં કે પછી? વકીલનું ભેજુંય વિચાર માગી લે. પણ હું વગરવિચાર્યે બોલી જ ગયો. પછી પૂરું જ કર્યું. ‘એક વાર સગાઈ પણ થયેલી.’
આ તોપ ફોડી એટલે ગજરા ચમકવાની. તરત જ મેં ઢાલ આડી ધરી, ‘આજ કેમ મને ચાનો ભાવ પણ પૂછતી નથી?’
પણ એની ઝીણી આંખો વધારે ઝીણી થઈ ગઈ. ચાની વાત જ એને ફોતરાં જેવી લાગી હશે તે ઓગળી ગઈ. બોલી, ‘એમ? ત્યારે બળ્યું આવી ચેરાઈ ગયેલી વાત લઈને શું ચાઈલા આવતા હશો મારા સિંહેન્દ્ર માટે?’ ‘ચેરાઈ ગયેલી નથી.’ હું બોલ્યો, ‘તું ચા મૂક ની એટલે વાત કરું. અરે, આ તો સિંહણ છે. પેલાને ફાડી ખાધો.’
ઘૂંટણે ટકો દઈને ગજરા બે વાર જોર કરીને માંડ ઊભી થઈ. સહેજસાજ પુષ્ટ કાઠું થઈ ગયેલું. તે ચાલે ત્યારે જરા બંને બાજુ થોડું થોડું થથરે. આનાથી જ ઉંમર વરતાય; નહિતર શરીર કાંઈ ખાસ વધેલું ની મલે, બૈરીની જાત તે વળી લટકતો છેડો કમર ફરતો જોરથી વીંટાળ્યો. કેમ જાણે હું પરાયો પુરુષ…! પછી વિચાર આવ્યો, હા ભઈ, આમ તો પરાયો જ ને. આમ ભલે ખરો. પણ સિંહેન્દ્રની પછવાડે મારું નામ નહીં ને!
ચાનો કપ હાથમાં પકડાવીને બોલીઃ ‘તમારી કંઈ સગી થાય કે?’
‘હા.’ ચાનો કપ બાજુમાં મૂકીને કપાળેથી પસીનો લૂછ્યોઃ ‘મારા સાઢુના છોકરાની છોકરી, પણ ટંકણની ખાર હો!’
‘સિંહણ…’ એ મરડમાં બોલી, ‘કો’કને ફાડી ખાધો તે હવે મારા સિંહેન્દ્રને ફાડી ખાવા મેલવો હશે કાં?’
‘સિંહેન્દ્ર તારો એકલીનો નહીં.’ મારા શરીરમાં ફરી મરદાનગીનો જુસ્સો વ્યાપી રહ્યો. ટટ્ટાર થઈને રકાબીની ધાર હોઠેથી આઘી કરીને બોલ્યોઃ ‘આપણો કહે, આપણો, સિંહ જેવો જ પાક્યો છે ને! મારા જેવો. જો ને—’ એના ફોટા તરફ જોઈને વળી ચાનો સબડકો ભરીને બોલ્યોઃ ‘એનો સીનો તો જો! તારા ઘરવાળાનો સીનો હતો કદી આવો?’
‘અભિમાન… અભિમાન…’ એ બોલી, પણ ઠર્યું ઠર્યું. એમાં તિખારો ન મળે. હાથના આંકડા ભીડીને ઘૂંટની આજુબાજુ કર્યા. કશુંક આઘે આઘે જોતી હોય એમ બોલીઃ ‘તો અાગાઉના મુરતિયા સાથે કેમ તોડી મેલ્યું?’
‘એ એને ફોસલાવતો હતો.’ મેં કહ્યુંઃ ‘અમેરિકાથી આવેલો. પહેલાં બોલ્યો કે દાયજાને નામે રાતી પાઈ ની માગું. આ છોકરી… નામ કુંતી, રાજીના રેડ થઈ ગઈ. સગાઈ કરી નોકરીમાંથી રાજીનામું બી આપ્યું. અમેરિકા જવા માટે બિચારી થનગની. પાસપૉર્ટ માટે અરજી પણ પેલાએ કરાવી. પાસપૉર્ટનો એજન્ટ કહે કે ભલે સગાઈ જ થઈ. પણ લગ્ન થઈ ગયાં હોય એમ પાસપૉર્ટની અરજીમાં પતિ-પત્ની તરીકે સહી કરો તો જ વીસા મળે. બિચારીએ વગરપરણ્યે એ પણ કર્યું, એના માટે મુંબઈના ત્રણ-ચાર ધક્કા પેલા જોડે ખાવા પડ્યા.’
એકાએક મને લાગ્યું કે આ ઠેકાણે ગજરાની આંખમાં એક ચમકારો આવ્યો. મનોમન અહીં અટકી ગયેલી. મેં એને દેખી. અમારા તો તાર તાર વરસોથી મળેલા ને? હું સમજી ગયો. એના મનના વહેમની તરત જ ચોખ કરી, મરકીને બોલ્યો, ‘વહેમાઈશ મા હો… મુંબઈ પેલા જોડે ગયેલી તે પોતાના ભાઈને સાથે લઈને હો! એટલે હર્યાફર્યા. હોટલમાં ખાણાં ખાધાં, પણ જાતને તો ચોખ્ખી જ રાખેલી હો… ને…’ વળી મારામાં ઉન્માદ છલકાયો. વિકારી નજરે ફરી એના દેહ તરફ નજર કરીને બોલ્યોઃ ‘ને બધાય કાંઈ મારા જેવા મરદ ની મલે કે તને જેમ તારા સગા ભાઈની ચોકીમાંથી છટકાવીને હી…હી..હી…’
‘અભિમાન… અભિમાન!’ એને બધું યાદ આવ્યું ને ચહેરા પર રેલાઈ રહ્યું તે મેં ચોખ્ખું દેખ્યું. મારો સીનો વળી વધારે ચોડો થયો.
પછી મેં કહ્યુંઃ ‘વીસા-પાસપૉર્ટ બધું તૈયાર. લગનની તિથિ બી નક્કી. કંકોત્રી બી છપાવી. સગાંવહાલાંઓને વહેંચી બી ખરી. નજીકનાઓને ફોન ખખડાવી ખખડાવીને ખબર કર્યા. હવે બન્યું એવું કે…’
ગજરા એકકાન થઈને સાંભળી રહી. મને તો લાગ્યું કે ફોટામાંનો સિંહેન્દ્ર પણ એકકાન થઈને સાંભળે છે.
‘પછી?’
‘લગ્નના આડા ચાર જ દિવસ…’ મેં કહ્યુંઃ ‘ને છોકરાએ પોત પ્રકાશ્યું. જાતે જ ઘેર આવ્યો. એ વખતે છોકરી સુરત લગ્નની ખરીદી કરવા ગયેલી. એનાં મા-બાપ ઘેર હતાં. છોકરો કહે, ભલે વાંકડાને નામે રોકડો રૂપિયો ના આપશો. પણ સો તોલા દાગીના, એક કાર અને એક આંબાવાડિયું મારા નામે કરી જ આપવું પડશે. નહિતર લગ્ન નહીં થાય. છોકરીનાં માબાપ માથે જાણે કે વીજળી જ પડી.’
‘પણ તમે તો કહેતા હતા ને!’ ગજરા બોલીઃ ‘વાંકડો તો લેવાનો ન હતો.’
‘હકીકત છે.’ હું બોલ્યોઃ ‘વાંકડો કાં લેવાનો હતો?’ પછી હળવેથી પેલા છોકરાવાળી લુચ્ચાઈ મારી આંખમાં પેદા કરી બતાવીને બોલ્યોઃ
‘વાંકડો નહીં, ને વાંકડાનો બાપ! છેલ્લી ઘડીએ નાક દબાવ્યું એટલે પછી છોકરીનાં મા-બાપ બિચારાં જાય ક્યાં? માણસ પહોંચતાં. ધારે તો આપીય શકે. પણ આ રીતે? બંદૂકની અણીએ? બહુ કાલાવાલા કર્યા, બહુ કાલાવાલા કર્યા, પણ પેલો તો ઊઠીને ચાલતો જ થયો. વળી ધમકી આપતો ગયો. પાસપૉર્ટ-વિસાના કાગળોમાં તમારી છોકરીએ મારી પરણેતર તરીકે સહીઓ કરી છે. કપલ ફોટો બી આવ્યો છે… હવે જો ના પાડશો તો વિચારી જોજો કે પરિણામ શું આવશે?’
‘હાય… હાય…’ ગજરા બોલીને સામેની બારીમાંથી ગરમ ગરમ લૂ આવતી હતી તે ઊભી થઈને બારી બંધ કરી આવી. ઓરડામાં વધારે અંધારું થયું તેની અસરથી મારી હથેલીઓમાં ફરી જૂનું લોહી ગરમ થઈને ધસી આવ્યું. ઊભા થઈને મેં એનું કાંડું પકડી લીધું. પણ ગજરા જાણે પહેલાંની ગજરા જ નહીં. મારા મોટા સીનામાં આમ કરું ત્યારે સમાઈ જતી એ જાણે આ નહીં. આણે તો પટ્ટ દઈને ઝાટકો મારીને કાંડું છોડાવ્યું. ને દૂર હટીને ઊભી રહી — કહે, ‘વાંદરો ઘરડો થયો તોય ગુલાંટ ની ભૂલ્યો…’ પછી મારા તરફ સાચોસાચ ખીજની કપાલ કરચલી પાડીને બોલીઃ ‘દેહના ઉફાનમાંથી હવે છૂટો… હવે છૂટો… નથી સારા લાગતા…’
પછી સામેની ખુરશીએ જઈને બેઠી. હું બોલ્યો, ‘હું હજુ ઘરડો નથી થયો હો! જોવું છે?’
‘અભિમાન… અભિમાન…’ એ ફરી એકનું એક વાક્ય બોલીઃ ‘અભિમાન સારાં નથી.’
‘અરે ભક્તાણી! મેં કહ્યું, ‘ત્યારે સાંભળ વાત. છોકરીનાં મા-બાપ તો વીજળી પડી એમ લાકડું જ થઈ ગયાં. પાંચની ફાસ્ટમાં છોકરી આવી. મા-બાપના ચહેરા કાળા ભઠ્ઠ જોઈને પૂછ્યું કે શું થયું? ત્યારે માએ ધ્રુસકે ધ્રુસકે રડતાં વાત કરી. એને એમ કે છોકરી માથું કૂટશે. પણ છોકરી તો વાત સાંભળતાંવેંત ચંડી થઈ ગઈ. જાણે કે સિંહણ જોઈ લો. પગમાંથી પૂરા ચંપલ કાઢ્યા નથી ને પહોંચી સીધી છોકરાને ત્યાં. કંકોત્રીનો થોકડો બી સાથે લઈ ગયેલી. છોકરો સ્ટિરિયો પર ડિસ્કો કરતો હશે. જઈને કંકોત્રી એના માથામાં ફટકારી. પછી એક એક કંકોત્રીના ચીરેચીરા કરતી જાય ને પેલાને ઢગરે ફટકારતી જાય… તારાથી થાય એ કરી લેજે. મારા તારી સાથેના ફોટા છાપામાં છપાવજે. હવે તો તું સામેથી કરોડ રૂપિયા આપે તોય તારા જેવા નામર્દ સાથે ફેરા ફરવાની નથી. બદમાસ… હિજડા… કાયર…’
ગજરા ફાટી આંખે વાત સાંભળી રહી.
મેં કહ્યુંઃ ‘મનેય થયું કે જે થયું તે ઠીક થયું. આવા વેંતિયા હાથે પરણીને એ બી શું સુખી થતે? હેં! આને લાયક તો કોઈ જોઈએ સિંહ જેવો મરદ… તરત મારી નજરમાં આપણો…’ પછી જરા અચકાઈને બોલ્યો, ‘હા, આપણો જ ને! સિંહેન્દ્ર આવ્યો. કેવો પાંચ હાથ પૂરી પડછંદ. પંજાદાર છે! મારા જેવો ચોડો સીનો, ચોખૂણિયા મોંવાળો, કમાતો… ધમાતો… જાણે મારી જ અસલ ધોળી કૉપી જોઈ લે.’
‘પણ વાંકડો?’
‘પાછી વાત કરી?’ મેં કહ્યું, ‘વાંકડાને નામે રાતી પાઈ છોકરીનાં મા-બાપ આપવા માગશે તો પણ છોકરી આપવા નહીં દે. હા, લગન પછી છોકરાને અમેરિકા મોકલે… મોટર-ગાડી-બંગલો આપે… ત્યારે છોકરી થોડી જ ના પાડવાની છે? અત્યારે તો તને ખબર છે ને? માન ખાટી જવાનો વખત છે. અનાવલામાં ચારેકોર સન્માન થાય… છાપાંઓમાં આવે. સમાજસુધારકો હારતોરા લઈને પાછળ પડી જાય… અરે, રિસેપ્શનમાં ભેટને નામે લાખ રૂપિયાની જણસ આવે. તું સમજતી કેમ નથી? પૈહા, પ્રેમ અને પ્રસિદ્ધિ ત્રણેય મળે…’
ગજરાની આંખની કીકી ચળકી, ‘મારા સિંહેન્દ્રને એવું બહુ ગમે હો…’ મેં કહ્યું, ‘બસ ત્યારે…’ છોકરી અપસરા જેવી છે. સમજી લે. ઘરમાં ફરતી હોય ત્યારે માની લે કે આરસની પૂતળી ફરે છે ને હેં! મેં માંચીની ઈસ પર હાથ ટેકાવતાં આંખ મીંચકારી… ‘જોજેને, સિંહેન્દ્રેય મારા જેવો હશે ને! અગત જેવાં એનાં છોકરાં થાય એ પણ જોજે… ત્રણ વરસમાં તો…’
ગજરાની કલ્પનામાં ચિત્ર બરાબર દોરાયું. મને એની આંખોમાં વરતાયું. એ બોલી, ‘સાંજે સિંહેન્દ્રને તમારે ત્યાં મોકલીશ… બસ!’
ત્યાંથી પાછા ફરતાં ફરી પેલા ચરક ચરક બાંકડે જરા ચોખવાંડું કરીને શ્વાસ ખાવા બેઠો. થોડો થોડો પવન ઢળવા માંડેલો. લૂ ઓછી થયેલી છતાં પવનનો ઝપાટો આવ્યો તે સૂકાં પાંદડાં અને ડાળખાં મારી નજર સામે ચક્કર ચક્કર ફરીને ઊંચે ચડ્યાં.
‘રૂપાળી. રૂપાળી જ નહીં, પણ રૂપ રૂપનો અંબાર. પાતળી સાગના સોટા જેવી. ડબલ ગ્રૅજ્યુએટ. સ્વભાવે સાચક, તેજી છતાં સંસ્કારી. ભરત-ગૂંથણ, રસોઈ-પાણી, બોલી-ચાલી બધું ઉત્તમ-ચારિત્ર્યમાં તો આ જમાનામાં બીજી એવી મળવી મુશ્કેલ. વાંકડાની વિરોધી; પણ એનો બાપ અવળે હાથે આપે તો વાંકડા કરતાં વીસ ગણું. બાકી અમેરિકા જવાનો ચાન્સ. આ તો તારા બાપનો હું મિત્ર અને મરતી વખતે મને તારી ભાળવણી કરી ગયેલા એટલે તારી આટલી ચિંતા કરું છું. બાકી છોકરી એવી કે એને તો એક કરતાં એકવીસ મળશે. એની આગલી સગાઈ તૂટ્યાની હિસ્ટરી બી તારાથી છુપાવતો નથી. મારું માન તો કર. ન્યાલ થઈ જઈશ. ને આપણા અનાવલાઓમાં ઊપડ્યો નહીં ઊપડ.’
આટલું મેં એને કહ્યું. બહુ વિસ્તારીને વકીલની રીતે કહ્યું. સાંજે મને મળવા આવ્યો ત્યારે.
હું પણ પડછંદ-પંજાદાર. પણ જુવાન એ. તેથી મારી સામે એ પણ પડછંદ-પંજાદાર ઊભો રહ્યો ત્યારે બેઘડી હું ઓઝપાયેલો. કદાચ મારા મનમાં મારા એની મા સાથેના સંબંધને કારણે ગુનાની લાગણી પણ હોય. પણ આટલું તો હું પૉઇન્ટ ટુ પૉઇન્ટ બોલી શક્યો.
કહી લીધા પછી મેં એની સામે નજર માંડી. રોમન શિલ્પનું હોય એવું ચોખંડું પુરુષાતનથી ભર્યું ભર્યું મોં. મહીં સિંહ જેવી આંખો માંજરી તગતગે. ગરદન પર ઓડિયાં. મૂછો થોડી થોડી કાતરેલી. કોટની અંદર શર્ટનાં બટન ખુલ્લાં રાખેલાં ને વાળના ગુચ્છા દેખાય. મને અંદર ને અંદર મારી જાત પર સાવ છાનો છાનો, દૂર દૂરના એક છાને ખૂણે ગર્વ થઈ આવ્યો. કોનું બચ્ચું? બચ્ચું કોનું?
થોડી વાર વિચાર કરીને એણે મોં પર સ્મિતથી એક રેખા ફરકાવી. પછી બોલ્યાઃ ‘ભલે કાકા. તમે કહો તેમ…’
‘લગન પણ પંદર દહાડામાં જ હો!’
‘ભલે…’ એ બોલ્યોઃ ‘તમે કહો ત્યારે મળી આવીએ.’
એ ગયો ત્યારે હું ક્યાંય સુધી એની પીઠ પર જ નજર તાકી રહ્યો. મહીંમહીં એક જાતનો ઠારકો થતો હતો.
ઉનાળામાં ધગધગતી હતી તે જમીન ઑગસ્ટમાં તો સાવ પચકાણ થઈ ગયેલી. મારા ચંપલનું ચપચપ થાય ને મને જાત પર ખીજ ચડે. ઉતાવળી ચાલે ચાલું તે પેલો ચરકવાળો બાંકડો આવ્યો અને સહેજસાજ શ્વાસ ચડેલો તો પણ બેસવાનું મન ના થયું. ‘તારી તો જાતનો…’ કોણ જાણે કોને મેં ગાળ આપી… બાંકડાને? કે સૂકેલા પાંદડાં-ડાળી પલળીને લોચો થઈને એક તરફ પડેલાં ને ખિસકોલાં એની ઉપર દોડાદોડ કરતાં હતાં એને! લીલા ઊગેલા ઘાસ પર મછરાં ઝુંડ ઝુંડ થઈને ઊડતાં હતાં. આ હું બે મહિના સિંહેન્દ્રનાં લગન કરાવીને દુબઈ ચાલ્યો ગયો એમાં દુનિયા પલટાઈ ગઈ! સાલ્લી મારા મનમાં ગાળ ખાનારીનું નામ ધુમ્મસમાંથી તાડ નીકળી આવે એમ સ્પષ્ટ નીકળી આવ્યું… સાલ્લી… ગજરા તારી જાતની…
ડામરની સડક પર સાવ રાબડ, તે લપસતાં માંડ બચ્યો. મોઢા ઉપર ઝીણી ઝરમર ઝીંકાણી તે રૂમાલથી લૂછી કાઢી… સાલ્લી મને વાત કરતી નથી… મને… મને છેતર્યો?
એને ઘેર પહોંચ્યો ત્યારે સિંહેન્દ્ર નહોતો. ક્યાંથી હોય? મુંબઈ ગયેલો. ગજરા અઘોરીની જેમ આડેપડખે થયેલી. કમરેથી પહાડ ઊપસી આવ્યો હોય એમ ઢોંચો થઈ ગયેલો… માથાના વાળ જાણે રેલો થઈને જમીન પર વહી ગયા હોય એમ ભોંય પર ફેલાયેલા.
ભીંતે ત્રણ ફોટા નવા ઉમેરાયેલા. સિંહેન્દ્રને અનાવિલ સુધારક મંડળે સન્માનપત્ર આપેલું તેનો તાજો રંગીન ફોટો, ધોતિયાધારી કાર્યક્રમની વચ્ચે લાંબો સિંહેન્દ્ર મરકતે મોંએ ઊભેલો… બાજુમાં નવવધૂના પહેરવેશમાં કુંતા. બીજો ફોટો લાયન્સ ક્લબવાળાએ દહેજ વિરોધી ચળવળના કાર્યક્રમમાં એને બે હજારની જણસો ભેટ આપેલી તે સમારંભનો. હું તો લગનને બીજે જ દહાડે દુબઈ ચાલ્યો ગયેલો. મેં આ જોયેલું નહીં.
પાછળથી ખબર પડેલી કે ભાટલાની (અનાવલાની) નાતમાં ચારે તરફ સિંહેન્દ્ર…સિંહેન્દ્ર થઈ ગયેલું. વટ પડી ગયેલો. વાંકડો લીધા વગર પરણેલો વીરપુરુષ… ક્રાંતિકારી નવજુવાન… દાખલારૂપ દંપતી… આવા શબ્દોની ફૂલછોળ ઊડેલી – ભાઈ એમાં નહાયેલા.
તરત જ ભીંત ઉપરથી મારી નજર નીચે સરકી આવી. ગજરા હજુ કોણીનું ઓશીકું માથા નીચે રાખીને સૂતેલી. પહેલાં હું એને હાથ પકડીને ઉઠાવવા ગયો. પછી ગુસ્સાનું ભયાનક મોજું માથા પર સવાર થઈ ગયું. પગનો હળવો ગોદો એના ઠાઠા પર માર્યો ને લાલ આંખે કહ્યું, ‘ઊઠ, ઊભી થા.’
હડબડીને એ બેઠી થઈ. જલ્દી હથેળીથી છૂટા વાળને ફીંડલું વાળી દીધા. આંખો ચોળી બોલીઃ ‘આવી ગયા દુબઈથી?’
‘હા.’ મેં કહ્યું, ‘કમજાત…’
‘એમ ગાળ ના દો.’ એ બોલી, પણ બળ વગરનું. થોડું બરડ ખરું.
‘ગાળ ના દઉં તો શું પૂજા કરું? મેં મારા ભીના વાળને આંગળાંથી કપાળ પરથી ઊંચા કર્યાંઃ ‘કોઈ કુંવારી છોકરીનો ભવ બગાડતાં શરમ ના આવી?’
‘હું કાંઈ સામે ચાલીને બોલાવવા ની આવેલી.’ એ બોલીઃ ‘તમે જ કાળા ઉનાળામાં મારો ઉંબરો ટોચતા આવેલા…’
‘તે?’ મારાથી ત્રાડ જેવો અવાજ થઈ ગયો. ‘તે શું થઈ ગયું?’
‘ધીરે બોલો…’ એણે આંખોમાં સહેજ ગરમી આણી. ‘આ તમારું ઘર નથી. ને હું તમારી ઘરવાળી નથી.’
હરિકેનની વાટ કોઈકે જાણે ઝડપથી ધીમી કરી નાખી એમ મારા દિમાગમાં એકાએક જાણે કે ઉજાસ તૂટી ગયો. સમજાવીને હું કાંઈક આકરું બોલવા જતો હતો. પણ હોઠ ફફડ્યા ને શબ્દો ઓટોગોટો વળી ગયા. ગમે તેવા મરદને પારકું બૈરું આ રીતે બોલીને તોડી નાખે છે.
છતાં હું ગરજ્યોઃ ‘પણ સિંહેન્દ્રમાં ખામી હોય એ તને ખબર ના હોય?’
‘મને શી રીતે ખબર હોય?’ એ ધગીને બોલીઃ ‘મને દીકરો કંઈ એવી વાત કરતો હશે?’
‘હવે ખબર પડી.’ હું બોલ્યો, ‘એ વાંકડા વગર, લગન કરવા કેમ તૈયાર થયો મારો બેટો…’
‘મારો બેટો’ શબ્દ આમ તો ક્રોધમાં બોલાયેલા, પણ એના ઉપર ગજરાએ એવી રીતે મોં માંડ્યું કે હું ઊભો ને ઊભો સળગી ગયો.
‘હાસ્તો વળી’ એ ચાબુકની જેમ શબ્દો વીંઝતી હોય એમ બોલી, ‘બહુ અભિમાન હતું ને? સિંહ જેવો સીનો, મારા જેવું ચોખંડું મોઢું, ગરદન પર કેશવાળી જેવાં ઓડિયાં કાં? તમારું બુંદ… કાં?’
હું શું બોલું? મને કુંતી સાંભરી ગઈ. દુબઈથી આવ્યો કે તરત સાઢુ અને એના કુટુંબે મારા નામનાં છાજિયાં લીધેલાં.
કુંતી એક જ રાતમાં સિંહેન્દ્રની પૂંઠે લાત મારીને પાછી આવતી રહેલી. પાછી ઘેર આવીને મા-બાપ સામે બંગડીનો સીધ્ધો કર્યો ઘા. ચાંલ્લો ભૂંસી નાખ્યો. ચોધાર આંસુએ રડી તો નહીં પણ આગ વરસાવી મા-બાપ સામે… ફરી મુંબઈ ચાલી ગઈ નોકરી શોધવા… ચામડાની સૂટકેસમાંથી ઓટોગોટો વાળેલા પાનેતરનો કર્યો જ આ ઘા ઉંબરા વચ્ચે. ચાર જોડ કપડાં લઈને છંછેડાયેલી વાઘણની જેમ ઘર છાંડી ગઈ.
‘તને… તને…’ મેં ગજરાને કહ્યુંઃ ‘લગીર બી ખબર નહીં?’
‘કેવી રીતે હોય?’ એ બોલીઃ ‘મા સાથે દીકરો કંઈ એવી વાત કરે? તે મને પણ શું કે હશે તમારા જેવો જ.’ ફરી વાર એ ચીપી ચીપીને બોલીઃ ‘એનો સીનો અદ્દલ તમારા જેવો નહીં?’ પછી ફરી પથ્થરમાં કોતરવા હોય એટલા ભારથી એ જ શબ્દો ફરી બોલીઃ ‘તમે જ નહોતા કહેતા? નહીં તમારા જેવો સીનો…’ પછી વળી ફરી ગાજી, ‘નહીં?’
‘શી ખબર?’ હું બોલ્યોઃ ‘કદાચ તારા ઘરવાળાનો જ…’ બહાર ફરી વરસાદ તૂટી પડ્યો. અહીં મારી અંદરની આગ ઠરી ગઈ. હું નીચે પડેલી ગાયની ચારનું એક તણખલું મોઢામાં ચાવતાં બોલ્યો. ‘સાલ્લી આભની અને ગાભની શી ખબર પડે હેં? કદાચ સિંહેન્દ્ર મારો ના પણ હોય… શું કે છો?’
બહાર વાદળાંની ગડગડાટી થઈ. એ બોલી. ‘અભિમાન. અભિમાન…’
ચમકીને મેં કહ્યુંઃ ‘હેં? શું બોલી તું?’
‘કાંઈ નહીં.’ એ બોલીઃ ‘તમારા સીનાની વાત કરતી છું.’