પ્રતિસાદ/બધા દિવસો સમાન નથી હોતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 16:21, 8 September 2023


કોઈ પણ પદાર્થવિજ્ઞાનીને વ્યક્તિગત સમયની સંકલ્પના કપોલકલ્પિત લાગે. એને માટે સમય-અવકાશ એ અસ્તિત્વની પાયાની વાત છે અને એ જે નિયમો વડે સમયબદ્ધ છે એને ઇચ્છાનુસાર વાળી શકાતા નથી. પાછી ન વાળી શકાતી નિર્ધારિતપણે આગળ ને આગળ જતી ઘટનાઓને દર્શાવવાને પદાર્થવિજ્ઞાનીઓ ‘એરો ઑફ ટાઇમ’ શબ્દો વાપરે છે. આ અંગે સ્ટિવન હૉકિંગે ટેબલ ઉપરથી કાચના પ્યાલાને ફેંકી દેવાનું દૃષ્ટાંત આપ્યું છે. જ્યારે પ્યાલો જમીન ઉપર પછડાય છે ત્યારે એના ફૂરચેફુરચા ઊડી જાય છે અને એક વખત ફૂટી ગયા પછી એ પ્યાલો આખો નથી થઈ શકતો... આ જો ખરેખર નિયમ હોય તો ડહાપણ એ છે કે એને સમર્પિત થઈ જવું... પણ વ્યક્તિગત સમય, ‘મારો સમય’ જરાય એવો નથી. જ્યારે હું ભવિષ્યની ચિંતા કરું છું ત્યારે સમય આગળ જાય છે અને જ્યારે હું ભૂતકાળને યાદ કરું છું ત્યારે સમય પાછળ જાય છે. નવલકથાકાર જૉન ફાઉલ્સે લખ્યું છે, ‘સમય માત્ર એક માર્ગ નથી, એ એક ખંડ પણ છે.’ આપણે ખંડને સ્મૃતિ, એક અવકાશ કહી શકીએ જ્યાં કોઈ પણ બેસી જઈ ભૂતકાળની ઢગલાબંધ ચીજો વડે ઘેરાઈ જઈ શકે.

દીપક ચોપરા



બધા દિવસો સમાન નથી હોતા

ઑક્ટોબર, ૧૯૯૫ના સ્પાનના અંકમાં મારજોરી કેલીનો સમય ઉપર ખૂબ રસપ્રદ લેખ વાંચ્યો ત્યારથી ક્યારેક ને ક્યારેક એની વાત કરીશ એવું મેં મનમાં વિચારી રાખ્યું હતું. લાગે છે કે આજે એ તક સાંપડી છે. લેખિકા વિશે હું કંઈ જ જાણતી નથી. માત્ર એ સ્પાનના અંકમાં એમનો એક લીટીનો પરિચય છે. એ બિઝનેસ એથિકલ મૅગેઝિન માટે બિઝનેસ અને એના મેનેજમેન્ટને લગતા વિષયો ઉપર લખતાં રહે છે. આ લેખમાં સમયાતીતની વાત નથી, પણ ઘડિયાળના કાંટા સિવાયના સમય વિશેની આપણી અભાન સંવેદનાને બહોળા પરિપ્રેક્ષ્યમાં ખૂબ જ રસપ્રદ રીતે અને વેધક નિરીક્ષણો દ્વારા એમણે તપાસી છે. જોઈએ હવે લેખિકા શું કહે છે.

લેખિકા કહે છે કે હમણાં હમણાં એમના ધ્યાન ઉપર એ વાત આવી છે કે આપણામાંનાં ઘણાં બધાં સમયને માપવામાં ગજબના નાલાયક છે! એક પરિયોજના પૂરી કરવાને માટે અડધો દિવસ પૂરતો ગણ્યો હોય અને ખાસ્સા બે દિવસ લાગી જાય! આપણે સમયની ગણતરી કરવામાં જેટલા ખરાબ છીએ એટલા જો સ્પેસ-અવકાશની ગણતરી કરવામાં ખરાબ હોત તો શું થાત? તો આપણે ફર્નિચર સાથે અથડાતા રહેત કે ટેબલ ઉપરથી ચાના પ્યાલાઓ નીચે ગબડાવતા રહ્યા હોત. પણ સમયની બાબતમાં આપણે ખૂબ આશાવાદી હોઈએ છીએ. બાળક જેમ ચંદ્રને પકડવાની મથામણ કરે છે એમ આપણે કોઈક ચીજ માટે ધારી લઈએ છીએ કે આ તો બરાબર આપણી પકડમાં આવી ગઈ છે. જ્યારે વાસ્તવમાં એ ક્યાંય આપણી પહોંચની બહાર હોય છે. પરિણામે ધબડકો. કોઈક નક્કી કરે છે કે આજે સવારે ત્રણ પત્રો લખશે. શું થાય છે? માત્ર એ એક જ પત્ર લખી શકે છે. તંત્રી નક્કી કરે છે કે દિવસ પૂરો થતા સુધીમાં એ બે લેખો જોઈ નાખશે. એને અઠવાડિયું નીકળી જાય છે. આપણે કશી ખાસ સૂઝબૂઝ વગર યોજનાઓ ઘડતા રહીએ છીએ. ભવિષ્યનું નિયંત્રણ કરવાની આપણી આ શ્રદ્ધા જો આટલી વિસંગત ન હોત તો ખરેખર સ્પર્શી જાય એવી છે. ઉપરનું નિરીક્ષણ લેખિકાને વિચાર કરતાં કરી મૂકે છે; એમને થાય છે કે આ બધું શું ચાલી રહ્યું છે? આપણામાંનાં ઘણાં જો એકની એક ભૂલ રોજ જ કરતા રહે તો ખરે જ આપણી વ્યક્તિગત ભૂલની ઉપરવટ કંઈક બીજું છે – કંઈક ઊંડું, કંઈક પાયાનું, એવું લાગ્યા વગર રહેતું નથી. કદાચ સમયની સંકલ્પના કરવામાં જ આપણે ક્યાંક ખત્તા ખાધી છે. બાળકોને માટે જેમ અવકાશીય વાસ્તવ નવું છે એમ જો આપણે માટે સમયમાંની સફર નવી છે એમ આપણે માનીએ તો આપણો બેઢંગ વર્તાવ સમજી શકાય એમ છે. કારણ કે આઇન્સ્ટાઈન પછી જ આપણે અવકાશના ત્રણ પરિમાણો સાથે સમયની ચોથા પરિમાણ તરીકે વાત કરતા થયા છીએ. આપણા જૂના વિશ્વના દૃષ્ટિબિંદુથી આ ચાર પરિમાણી વાસ્તવની શોધથી ઊપજેલું વિશ્વ અત્યંત જુદું છે. આ બધું હજી આપણે ભાગ્યે જ પૂરું આત્મસાત્ પણ કરી શક્યા છીએ. સમયનો વિચાર આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણામાંનાં ઘણાં બધાં અસંપ્રજ્ઞતાપણે ન્યૂટન અને દેકાર્તેવાળી રૈખિક વિચારધારાથી પ્રભાવિત હોઈએ છીએ. સમય એ ક્રમિક એકસરખા લયવાળો – કલાકો, દિવસો, મહિનાઓ, વર્ષો સુધી એકધારો આગળ ને આગળ ગતિ કરી રહ્યો છે એવો એને વિશેનો આપણો ખ્યાલ છે. સમયનું આ ચિત્ર યથાર્થ છે એમ માનીને સ્વાભાવિક રીતે જ સમયની ગોઠવણી એટલે યોગ્ય કાર્યોને યોગ્ય ખાનાંઓમાં વિભાજિત કરવાં એ છે, એમ માનીએ છીએ. અને જ્યારે આપણા દિવસો આવો ક્રમબદ્ધ માર્ગ અનુસરતા નથી, ઊલટું અરાજકતાભર્યાં અને અણધાર્યાં પરિણામ આવે છે ત્યારે આપણામાં શિસ્તનો અભાવ છે એમ આપણે માનીએ છીએ; આપણે આપણને દોષિત ઠરાવીએ છીએ. આપણને એ ખ્યાલ નથી આવતો કે દુનિયા વિશેનું આપણું દૃષ્ટિબિંદુ જ કદાચ ટેઢું છે. સમયના રૈખિક દૃષ્ટિબિંદુને સ્વીકારીને ચાલવામાં આપણને થતું અસુખ એ કદાચ ભૂલ નહીં, પણ કદાચ અગત્યની ચાવી છે. સમય સાથે આપણે કામ પાડી નથી શકતા એને એક વિકૃતિ તરીકે જોવાને બદલે આપણે એને સમયની યથાર્થ સંકલ્પના ઘડવા માટેની એક અગત્યની માહિતી પણ ગણી શકીએ. જેવી રીતે ભાખી ન શકાય એવું Sabatomic Particlesનું વર્તન પદાર્થવિજ્ઞાનીઓને ક્વોન્ટમ્ વાસ્તવના નવા વિશ્વ તરફ દોરી ગયું એવું સમયની બાબતમાં પણ બની શકે. અંગત અરાજકતા માટે ગુનાહિત ભાવ રાખવાને બદલે આપણે એમાંથી બોધ મેળવી વિશાળતર ભાતો જોવાનો યત્ન કરીએ – વિજ્ઞાન પણ આપણને હવે કહે છે કે ભાખી ન શકાય એવી અરાજકતા પણ આવી ભાતોથી નિયંત્રિત થતી હોય છે. લેખિકાએ સમય અંગેની પોતાની અનુભૂતિની તપાસ કરી કેટલાંક નિરીક્ષણો કર્યાં છે. પહેલું તો એ કે ઘડિયાળને કાંટે ચાલતું જૂનું વિશ્વ-દૃષ્ટિબિંદુ દર્શાવે છે એમ સમય એકવિધ નથી, પણ સમય પોતાની રીતે ઊઘડતો, પ્રકટ થતો આવે છે – રોજિંદી રીતે તરંગી, પણ કોઈક વિશાળતર રીતે એ ક્રમબદ્ધ છે. સમયનો જાતભાતના પ્રદેશોવાળો પોતાનો નકશો છે, જે આપણાં કેલેન્ડરો ઉપર અંકિત નથી થયો. દાખલા તરીકે લેખિકા કહે છે કે એવા દિવસો હોય છે જ્યારે એમની ગાડી સડસડાટ ચાલતી હોય છે. આ દિવસોમાં ટેલિફોનો તરત લાગી જાય, વાતચીતો સુંદર થાય, પરિયોજનાઓ બંધબેસતી થાય. આ દિવસોમાં લેખિકા બને એટલું કામ કરી નાખે કારણ કે એમને ખબર છે કે ત્યારે એ જે કંઈ શરૂ કરશે એ સફળતાપૂર્વક પાર પડવાનું છે. ત્યારે નદીના શાંત પ્રવાહની જેમ જાણે કે સમય વહે છે. પણ એવા ખડકાળ દિવસો પણ આવે છે કે જ્યારે ફોનો લાગતાં નથી, પત્રમાં ખરાબ સમાચાર આવે છે, નવ્વાણું ટકા જે સોદા થઈ ગયા હતા તે તૂટી પડે છે. આવા દિવસોમાં લેખિકા સભાનતાપૂર્વક અગત્યનાં ટેલિફોનો કરવાનું કે નિર્ણયો લેવાનું ટાળે છે. મોટરકાર સાવધાનીપૂર્વક ચલાવે છે જેથી પોલીસ નંબર ન નોંધી લે કે અકસ્માત ન થઈ જાય. લેખિકા કહે છે કે સમય શા માટે આમ ચાલે છે એની એમને ખબર નથી, પણ એમને ઘણીવાર આમ થતું પોતાના જીવનમાં તેમજ બીજાંઓના જીવનમાં જોયું છે. છતાં આપણી સંસ્કૃતિ આવી ભાતો પદ્ધતિસર જોવા માટે સજ્જ નથી. આ તફાવતોને ઓળખવાની અશક્તિને કારણે સંભવતઃ આપણાં સમયપત્રકો ઘણી વાર નિષ્ફળ જાય છે. થોડા વખત પહેલાં એક દિવસ લેખિકા ઑફિસમાં કામ કરતાં હતાં ત્યારે એમને બીજું નિરીક્ષણ લાધ્યું. તે દિવસે લેખિકા અને સહતંત્રી સમક્ષ ઢગલો હસ્તપ્રતો સંપાદન કરવાની રાહ જોતી પડી હતી. એક જ લેખ જોવામાં એમનો અડધાથી વધારે સમય પસાર થઈ ગયો હતો. બીજા બધા લેખો જોવાના બાકી હતા; કંઈક નિર્વેદથી એમણે લેખો જોવાનું ચાલુ રાખ્યું; અમુક ચોક્કસ સમયમાં આ ચોક્કસ કામ પૂરું કરવાનું હતું એટલે વચમાં વિરામ લેવો પરવડે એમ નહોતું. સમય એ ગણિતની વાત છે, બરાબર? પણ એ એમ ચાલ્યો નહીં. તેઓ ખૂબ થાકી ગયેલાં અને અકળાઈ ગયેલાં. આખરે એમણે પાસેની નદી ઉપર આંટો મારવાનું નક્કી કર્યું. પાછાં ફર્યાં ત્યારે ખાસ્સાં તાજાંમાજાં થઈ ગયાં હતાં; બધું સ્પષ્ટ સૂઝવા લાગ્યું અને એમની અત્યંત નવાઈની વચ્ચે એક કલાકમાં બધું કામ પૂરું થયું. આ વાતનો બોધપાઠ એ છે કે જ્યારે તમે કોઈ સમયના ગાળામાંથી પસાર થતા હો ત્યારે એ બે બિંદુઓ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર તે ચકરાવો, વાંકો રસ્તો લો તે છે. આ બધું કહેવાનો અર્થ અલબત્ત એવો નથી કે રૈખિક સમયની સંકલ્પના ઉપયોગી નથી રહી. કહેવાનું માત્ર એટલું છે કે આપણે સમયની જે અનુભૂતિ કરીએ છીએ એનું એ સંપૂર્ણ ચિત્ર નથી. પદાર્થવિજ્ઞાની, ફ્રેડ એલન વુલ્ફે એમના પુસ્તક ‘The Eagle’s Nest’માં રૈખિક સમયને ‘chronos’ કહ્યું છે – જ્યાં વિચારવિશ્વ ઉપર ઘડિયાળના સમયનું આધિપત્ય છે. પણ એ બીજી જાતના સમયનો પણ નિર્દેશ કરે છે જેને ‘mythos કહે છે. – જ્યાં આપણી વિશાળતર જીવનકથામાં ઘટનાઓના એકસાથે સતત વહેતા પ્રવાહનો અનુભવ આપણને આપણી સહજસ્ફૂર્ત લાગણીઓ વડે થાય છે, માયથોસને સંબંધ સાથે લેવાદેવા છે. પછી એ સંબંધ એકબીજા સાથે હોય, પોતાના દેહ સાથે હોય કે દુનિયા સાથે હોય. આવાં નિરીક્ષણો દ્વારા સમયને ભાવિ તરફ દોરી જતા રૈખિક માર્ગ તરીકે નહીં, પણ આપણે એને આખી સિસ્ટમની ઊઘડતી જતી ગતિ તરીકે જોઈએ છીએ અને એ વારંવાર આપણને નિર્દેશે છે કે કોઈ પણ વસ્તુ બીજી કોઈ પણ વસ્તુથી અલગ નથી. આપણને એવો પણ સાથે અનુભવ કરાવે છે કે આપણે ભરચક કાર્યોના યંત્રવત્ દિવસોની પાછળ એક જુદો લય, એક જુદી ગતિ છે જે આપણને સાથે લઈ જાય છે અને આપણે એની સાથે જઈએ છીએ. જેમ રોજ અંધકાર અને પ્રકાશ બંને હોય એમ સમયમાં પણ વ્યવસ્થા અને અવ્યવસ્થા બંને હોય. કદાચ આપણું ખરું કાર્ય સ્વીકાર અને નિયંત્રણ વચ્ચે સમતુલન સાધવાનું છે. સમયના નકશાને વાંચતાં શીખવું અને આપણે માટે જે નિર્ધાર્યું હોય એ સ્વીકારવું – અણગમતી અરાજકતા પણ – પણ એ સાથે વિશાળતર વ્યવસ્થામાં પોતાની ઇચ્છાશક્તિને અખત્યાર કરવાના રસ્તાઓ પણ શોધી કાઢવા. કદાચ આપણને જે અરાજકતા લાગે છે એ સમસ્યા નથી, પણ એક આરંભ, સમય સાથેના નવા સંબંધનું દ્વાર છે — અહીં અડધું કાર્ય આપણે જીવન પાસે જે કરાવવું છે, એ છે અને બીજું અડધું કાર્ય જીવન સ્વયં આપણને ક્યાં લઈ જવા ચાહે છે એ શોધવાનું છે. આ લેખમાં આધ્યાત્મિકતાને વચમાં લાવ્યા વગર સાદાં નિરીક્ષણો દ્વારા લેખિકા આપણને સમયનું કમ્પાયમાન રૂપદર્શન કરાવે છે અને ક્યાંક અખિલાઈ સાથે આપણો નાતો જોડે છે. લેખિકાને સલામ અને આનંદ.

તા. ૨૦-૩-૯૭

‘દેવતા’ : નાગજી પટેલ

આરસપહાણ શિલ્પ