પ્રતિસાદ/પશ્ચિમી પુરાકથાશાસ્ત્રની બદલાતી જતી તાસીર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પુરાકથાઓ વિભાવના-પદ્ધતિમાંથી ઊપજતી નથી. એ જીવન-પદ્ધતિમાંથી ઊપજે છે. એ વધારે ઊંડા કેન્દ્રની નીપજ છે. આપણે પુરાકથાશાસ્ત્રને વિચારસરણી સાથે ગૂંચવી મારવી ન જોઈએ. જ્યાં હૃદય છે, અનુભૂતિ છે ત્યાંથી પુરાકથા આવે છે – ભલેને પછી મન સાથે સાથે વિમાસતું રહે કે લોકો આવું કેવી રીતે માની શકે? પુરાકથા હકીકત તરફ અંગુલિનિર્દેશ નથી કરતું; પુરાકથા હકીકતોની પાર એ વસ્તુને નિર્દેશે છે જે હકીકતને સચેત કરતું હોય છે... મૂળભૂત રીતે પુરાકથાઓ સૂક્ષ્મ દૃષ્ટિઓને પ્રતિબિંબિત કરતી અને જીવનની વિસ્મયકારી ચમત્કારી બાજુઓને રજૂ કરતી વિશાળ કવિતાઓ છે.

જૉસેફ કેમ્પબેલ



પશ્ચિમી પુરાકથાશાસ્ત્રની બદલાતી જતી તાસીર

જૉસેફ કેમ્પબેલ સંપાદિત ‘Myths, Dreams and Religion’ નામના પુસ્તકમાં એલન વૉટ્સનો એક લેખ છે : ‘Western Mythologyઃ its Dissolution and Transformation’. એ લઈને થોડુંક અહીં જોવાની ઇચ્છા છે. ન્યૂયૉર્કની સોસાયટી ફૉર આટ્ર્સ, રિલિજિયન અને કોન્ટેમ્પરરિ કલ્ચરે આ પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. આંતરવિદ્યાકીય પરિપ્રેક્ષ્ય એમની મુખ્ય નેમ છે. જૉસેફ કેમ્પબેલે એની નાનકડી પ્રસ્તાવનામાં કાર્લ યુંગના આઇન્સ્ટાઈન સાથેના એક રમૂજી વાર્તાલાપને નોંધ્યો છે. યુંગ કહે છે કે “આઇન્સ્ટાઈને ત્યારે હજી એના સાપેક્ષવાદના સિદ્ધાંત ઉપર કામ કરવાની શરૂઆત કરી હતી. એ મારે ઘેર ઘણી વાર આવતા. હું એમને સાપેક્ષવાદના સિદ્ધાંતો ઉપર સવાલો કર્યા કરતો. ગણિતશાસ્ત્રમાં તો મારી ખાસ ચાંચ ડૂબે નહીં અને બિચારા આઇન્સ્ટાઈનને મને સમજાવવામાં જે મહેનત કરવી પડતી તે જોવા જેવું હતું. એમને ખબર નહોતી પડતી કે કઈ રીતે એ મને સમજાવે, અને એમને પડતી મુશ્કેલી જોઈને મને ભોંય ભેગા થઈ જવાનું મન થતું. પણ એક દિવસ એમણે મને કંઈક મનોવિજ્ઞાન વિશે પૂછ્યું એટલે મને તો વેર વાળવાનો મોકો મળી ગયો. પછી આઇન્સ્ટાઈને એક અત્યંત અગત્યનું વિધાન કર્યું : ‘વિશિષ્ટ જ્ઞાનનો ભયાનક ગેરલાભ છે. એ તમને એટલા તો અંદર લઈ જાય છે કે તમે એને સમજાવી જ નથી શકતાં.’ ”

તો ચાલો, હવે પુરાકથાશાસ્ત્ર તરફ વળીએ. કહેવાય છે કે સ્વપ્ન એ વ્યક્તિની અચેતન અભિવ્યક્તિ છે તો પુરાકથા એક આખા માનવસમૂહનું સ્વપ્ન છે. શું કહે છે એલન વૉટ્સ પશ્ચિમી પુરાકથાશાસ્ત્ર વિષે? – જોઈએ. ઇંગ્લૅન્ડના દેવળનો પાદરી ઈશ્વરને ‘Almighty and Everlasting God, Lord of Lords’ વગેરે કહીને સંબોધે. સ્પષ્ટતઃ આ ભાષા રાજદરબારમાં વ્યાવસાયિક ખુશામતિયાની છે. પશ્ચિમી સંસ્કૃતિ સમક્ષ વિશ્વ વિશેની કલ્પના એ રાજકીય રાજાશાહીની છે અને એથી એવી જ કલ્પના એમણે બ્રહ્માંડ વિશે પણ કરી છે જ્યાં ઈશ્વર એક સર્વોપરી રાજા છે. બૌદ્ધધર્મી અને તાઓ-અનુયાયીઓને આમ માનવું મુશ્કેલ પડે કારણ કે આવી કોઈ વ્યક્તિગત સર્વોપરી સત્તામાં એ માનતા નથી. જ્યારે યહૂદી, ઇસ્લામિક અને ખ્રિસ્તી પરંપરાઓમાં બ્રહ્માંડ એવી વ્યવસ્થા-પદ્ધતિ છે જે આધ્યાત્મિક બળ વડે ઉપરથી લાદવામાં આવી છે અને એથી એનું આજ્ઞાપાલન આપણે કરવું પડે. આ ખ્યાલના કંઈક પેટા-ફાંટાઓ છે. જેમ કે ભૌતિક જગતને રચવામાં આવ્યું છે—બનાવવામાં આવ્યું છે – એક રચાયેલી ચીજ છે—જાણે કે માટીમાંથી રચાયેલું સર્જન હોય એવો એની પાછળનો ખ્યાલ છે. જેનિસિસ પુસ્તકમાં કહ્યું છે કે લૉર્ડ ભગવાને પૃથ્વીની ધૂળમાંથી આદમને બનાવ્યો. એ માટીની પ્રતિમાનાં નસકોરાંમાં ભગવાને જીવન ફૂંક્યું અને એ માટીની પ્રતિમા જીવંત બની ગઈ. પશ્ચિમી દુનિયાના મોટા ભાગના રહેવાસીઓ માટે આ પાયાનું કલ્પન એમના શ્વાસોચ્છ્વાસ સાથે જોડાયેલું છે. એટલે પશ્ચિમી સંસ્કૃતિમાં મોટું થયેલું બાળક ખૂબ સ્વાભાવિકપણે પોતાની માને પૂછે, ‘મને કેવી રીતે બનાવવામાં આવ્યો?’ આપણને લાગે કે આ પૂછવાની રીત ખૂબ તાર્કિક છે. કોઈ ચીની બાળક આવો પ્રશ્ન ન પૂછે. એ કદાચ એની માને પૂછે, ‘હું કેવી રીતે મોટો થયો?’ નક્કી એમ તો ન જ પૂછે કે મને કેવી રીતે બનાવવામાં આવ્યો?— એક પછી એક ટુકડાઓ જોડી જાણે કે એને બનાવવામાં આવ્યો હોય. એકદમ જડ અને અક્રિય વસ્તુમાંથી એને ઘડ્યો હોય. માટી સ્વયં કંઈ માટીનો ઘડો ઘડી નથી દેતી. માટી તો નિષ્ક્રિય છે. એની પોતાની કોઈ સંરચના નથી હોતી. એટલે એમાંથી આકાર ઘડવો હોય તો બાહ્ય બળ અને બુદ્ધિની જરૂર પડે છે. આથી સામગ્રી અને આકાર વચ્ચે દ્વય ઊભું થાય છે જે તમને પછી એરિસ્ટોટલમાં અને પછીથી થૉમસ એક્વિનાસના તત્ત્વજ્ઞાનમાં પણ જોવા મળે છે. મેટર એ મૂળ દ્રવ્ય છે જે માત્ર આધ્યાત્મિક ઊર્જાની દરમ્યાનગીરીથી જ આકાર પામે છે. અલબત્ત આપણી બધી વિચારણાનો આ પાયાનો પ્રશ્ન છે—મન અને મેટર વચ્ચેનો સંબંધ. પશ્ચિમી કલાના તત્ત્વજ્ઞાનમાં મહદ્ અંશે કલાકૃતિ નિર્માણ કરવી એટલે ઉચ્છ્ંખલ માધ્યમ ઉપર પોતાની ઇચ્છાશક્તિ લાદવી. શિલ્પી પથ્થરોને પોતાની ઇચ્છાશક્તિ મુજબ વાળતો-તોડતો રહે; ચિત્રકાર નિષ્ક્રિય તૈલ અને બીજા રંગોનો પોતાના સંકલ્પને અનુરૂપ ઉપયોગ કરતો રહે. આપણા કેટલા બધા ચિત્રકારો અને શિલ્પીઓને સતત લાગ્યા કરે છે કે જે માધ્યમમાં એમને કામ કરવાનું છે એ કેવું તો દુર્દમ્ય—ન વશ વર્તનારું છે કે એના પૂરેપૂરા પાર જઈ શકાતું નથી. માધ્યમનું ભૌતિક અને શેતાની સ્વરૂપ કલાકારના દર્શનને અવરોધ્યા કરતું હોય છે. આન્દ્રે માલરો જેવા કલાના મહાન ઇતિહાસકાર પણ કલાકારનું દર્શન, ઇચ્છાશક્તિ અને ટેક્નિક અને માધ્યમની દુર્દમ્યતા વચ્ચેની તાણની વાત કરે છે. આપણે કદાચ એવા તો ભ્રષ્ટ થઈ ગયા છીએ કે એમ પણ માનવા લાગીએ કે વૃક્ષો લાકડામાંથી બન્યાં છે અથવા તો પર્વતો ખડકોમાંથી બન્યા છે—જેવી રીતે નાટકમંચ સુથારે બનાવ્યું હોય એમ. સ્પષ્ટતઃ વૃક્ષ લાકડામાંથી બનાવવામાં નથી આવ્યું; વૃક્ષ લાકડું છે, પર્વત ખડકમાંથી બનાવવામાં નથી આવ્યો; પર્વત ખડક છે. શરૂઆતમાં પશ્ચિમી વિજ્ઞાનની બધી ખોજ ભૌતિક વિશ્વનું સ્વરૂપ સમજવા તરફ હતી. આ કાળમાં પશ્વિમી પદાર્થવિજ્ઞાને મેટર શું છે એ પ્રશ્ન છોડી દીધો છે. એમને લાગ્યું છે કે ભૌતિક પ્રક્રિયાઓ માત્ર સંરચના, આકાર અને ભાતના સંદર્ભે જ વર્ણવી શકાય. આધુનિક પદાર્થવિજ્ઞાનની સમજણ છે કે આ દુનિયામાં જે ચાલી રહ્યું છે, આપણે શું છીએ – એ માત્ર એક ભાત છે. પણ સામાન્ય માણસ હજી એ વહેમમાંથી ઉપર નથી આવ્યો અને માને છે કે ભાતોની અંદર મૂળમાં કોઈક જાતની સામગ્રી છે. આપણે કોઈ વસ્તુ તપાસીએ છીએ ત્યારે આપણે પહેલાં ભાત કે આકાર જોઈએ છીએ અને પછી પ્રશ્ન પૂછીએ છીએ કે આકાર શેનો બનેલો છે? બરાબર જોવા માટે આપણે આપણું સૂક્ષ્મદર્શક યંત્ર બહાર કાઢીએ છીએ. દાખલા તરીકે આપણે આંગળી તપાસતા હોઈએ. આપણા જોવામાં આવે કે આંગળીનો કહેવાતો પદાર્થ કોષોની ખૂબ બારીક અને સુંદર ડિઝાઈન છે. આપણે આ કોષો જોઈએ છીએ અને ફરી પૂછીએ છીએ કે એ શેના બનેલા છે? એ માટે વધુ તીક્ષ્ણ સૂક્ષ્મદર્શક યંત્રની અને વધુ બારીક વિશ્લેષણની જરૂર પડે છે. આપણી નજરે પડે છે કે કોષો અણુઓ (મોલિક્યુલ) છે. પણ આપણે પૂછવાનું ચાલુ રાખીએ છીએ. અણુની સામગ્રી શું છે? આપણી શોધ આખરે ત્યાં પરિણમે છે જ્યારે જેને આપણે સામગ્રી કહીએ છીએ એ માત્ર ભાતો હોય છે. વિશ્વ એક નાચતી ઊર્જા છે. આ પશ્ચિમની અદ્યતન વૈજ્ઞાનિક વિચારણાનું દૃષ્ટિબિંદુ છે, પણ સામાન્ય માણસની કૉમનસેન્સ-સહજબુદ્ધિ એમ કહેતી નથી. સામાન્ય માણસોને જે રીતે દુનિયાનો અર્થ અભિપ્રેત છે ત્યાં હજી આ અદ્યતન કલ્પન ઊભું થયું નથી. આ સામાન્ય માણસની સમજણ જ ખરા અર્થમાં મિથ છે. મિથ એ જુઠાણું નહીં પણ ઘણા વધુ ઊંડા અર્થમાં એ છે જેના વડે આપણે જીવનનો અર્થ ઘટાવીએ છીએ. જ્યારે કોઈ અવૈજ્ઞાનિક સામાન્ય માણસને વીજળી સમજાવવાનો યત્ન કરે ત્યારે દૃષ્ટાંતરૂપે પાણી કઈ રીતે વહે છે એવી પાણીની કલ્પનશ્રેણી એની સમક્ષ ઊભી કરે અથવા તો ખગોળશાસ્ત્રી વળાંક લેતી સ્પેસનું સ્વરૂપ સમજાવવાનો યત્ન ફુગ્ગાનો દાખલો આપી કરે. એ એમ નથી કહેતો કે દુનિયા એ ફુગ્ગો છે; એ કહે છે કે દુનિયા ફુગ્ગા જેવી છે. એ જ રીતે કોઈ પણ ડાહ્યો ધર્મશાસ્ત્રી એમ નથી કહેતો કે અક્ષરશઃ ઈશ્વર બ્રહ્માંડનો પિતા છે, પણ ઈશ્વર પિતા જેવા છે. પણ આપણી લાગણીઓ ઉપર અમૂર્ત અને વિદગ્ધ વિચારો કરતાં કલ્પનની ઘણી વધુ પ્રભાવક અસર હોય છે. એટલે ઈશ્વરની એક રાજકીય રાજા અને પ્રભાવક પિતા જેવા કલ્પનની ખ્રિસ્તીઓ, યહૂદીઓ અને મુસ્લિમોની લાગણી અને આવેગો ઉપર સદીઓ સુધી ખૂબ ઊંડી અસર રહી. પણ વખત જતાં આ કલ્પન મૂંઝવનારું બની ગયું અને એ છોડી દેવું પડ્યું. ગમે એટલા શુભ આશયોથી હોય તોપણ પ્રભાવક પિતાની કે કોઈની પણ સતત નિગાહની નીચે રહેવાનું પસંદ પડે એવું નહોતું. આમ ‘ઈશ્વરનું મૃત્યુ’ એટલે કે ઈશ્વરના એ વિશિષ્ટ ખ્યાલનું મૃત્યુ એવો વળાંક આવ્યો અને પશ્ચિમી વિચારણાના વિકાસમાં અઢારમી અને ઓગણીસમી સદીમાં બ્રહ્માંડનું નવું પ્રતિમાન અસ્તિત્વમાં આવ્યું. એનું સાતત્ય જોકે ખ્રિસ્તી પરંપરા અને ધર્મગ્રંથો સાથે અતૂટ રહ્યું. એક વાત યાદ રહે કે ઈશ્વરે બનાવેલી દુનિયાનું પ્રતિમાન એ એક આર્ટિફેકેટ, – બનાવટનું છે અને એથી એનું સંચાલન કાયદા વડે થાય છે. બ્રહ્માંડની બધી પ્રક્રિયાઓ ઈશ્વરના શબ્દને આધીન હોય છે — જેમ કે બાઇબલમાં કહેવામાં આવ્યું છે, ‘By the Word of Lord were the heavens made...’ પ્રારંભમાં શબ્દ હતો. આપણે ઈશ્વરનો શબ્દ સમજી શકીએ તો ભવિષ્યની આગાહી કરી શકીએ. એટલે જૂના ટેસ્ટામેન્ટમાંના ગ્રંથો આગાહીને લગતા છે, એ એમણે લખ્યા છે જેમણે લૉર્ડનો શબ્દ સાંભળ્યો છે અને જેમને ખબર છે કે હવે પછી શું થવાનું છે. આગાહીનો ખ્યાલ એ પશ્ચિમી વિજ્ઞાનનો પાયો છે—કારણ કે તમે જો ભવિષ્ય જાણી શકો તો તમે એ માટે તૈયારી કરી શકો અને એનું નિયંત્રણ કરી શકો. પણ એ સાથે એમાં એક પ્રકારનો દંડ પણ રહ્યો છે. કારણ કે તમે જો ભવિષ્યને જાણી શકો તો ભવિષ્ય જે ચોક્કસપણે કોઈ વસ્તુ કહી શકે તો તે મૃત્યુ છે—તમે મરી જવાના છો. મેટરની intractibllity અને stupidityમાંથી મૃત્યુ પરિણમ્યું છે. આખરે ચેતના મૃત્યુને જીતી શકતી નથી અને બધી વસ્તુઓ આપણે આપણી માટીમાંથી સર્જી છે એ છૂટી પડી જશે કારણ કે મેટરનું ભારીપણું અને આકારહીનતા એને પરાભૂત કરી દેશે. પણ આપણે આશાનું પ્રક્ષેપણ કરતા હોઈએ છીએ અને માનીએ છીએ કે ચેતના આખરે મેટરને ચમત્કારિક બનાવશે અને એને અમરત્વ બક્ષી શરીરને પુનર્જીવિત કરવાનો ખ્યાલ મેટરનું અનંત જીવનમાં રૂપાંતર કરે છે. પશ્ચિમનું આ જ યંત્રોદ્યોગિકીય સાહસ છે. આપણે આની જ પાછળ છીએ. બધી ટેક્નોલૉજી ખાસ કરીને મેડિસીનના ક્ષેત્રમાં જ્યાં આપણે હવે હૃદયોનું રોપણ (ટ્રાન્સપ્લાન્ટ) કરીએ છીએ એ મેટરને ઇચ્છાશક્તિ–ચેતના વડે તાબે કરવાનો અને અમર બનાવવાનો યત્ન છે. ઈશ્વરની એક આપખુદ રાજ્યકર્તા તરીકેની પ્રતિમા આપણે દૂર કરવી પડી કારણ કે એમ માનવું આપણે માટે અગવડભર્યું થઈ પડ્યું હતું. પણ આપણે એની જગ્યાએ વળી વધુ અગવડભરી પ્રતિમા ઊભી કરી દીધી. આપણે એવા બ્રહ્માંડમાં માનવા લાગ્યા કે જે આપણી દરકાર રાખે છે, જેને આપણામાં વ્યક્તિગત રસ છે. પણ સશક્ત મન ધરાવનારાઓ હકીકતોની મુખોમુખ થયા અને એ માન્યતા ઉપર આવ્યા કે બ્રહ્માંડને માનવજાતિ માટે કે બીજી કોઈ જાતિ માટે રતિભાર પણ પડી નથી. એ તદ્દન વિચારશક્તિ વિનાની યાંત્રિક પ્રક્રિયા છે જેને બિલિયર્ડની રમત સાથે સરખાવી શકાય. ન્યૂટનના ભૌતિક દુનિયા માટેના ખ્યાલ પાછળ અલબત્ત આ જ પ્રતિમાન હતું. ફ્રોઇડે ભૌતિક દુનિયાનો વિચાર મનોવૈજ્ઞાનિક-હાઈડ્રોલિક્સની રીતે કર્યો. અજ્ઞાત મનને એક નદી જેવું ગણાવ્યું. એની ફરતે બંધ બાંધી શકાય અને એ બંધનું કોઈક રીતે નિયંત્રણ થઈ શકે. એને લિબિડો પણ કહેવાય છે. એનો અર્થ થાય છે આંધળી કામુકતા. આ આપણું બીજું દુનિયા અંગેનું પ્રતિમાન છે. અને પૂર્ણપણે સ્વચાલિત પ્રતિમાન કહી શકાય. આમ તો આ પ્રતિમાન જ્યુડિયો–ક્રિશ્ચન પ્રતિમાન જેવું જ છે. એમની માન્યતા પ્રમાણે બ્રહ્માંડ એક આર્ટિફેક્ટ બનાવટ જ છે. એટલે કે એક યંત્ર-માત્ર. એને બનાવનાર વ્યક્તિગત ઈશ્વર અદૃશ્ય થઈ ગયો. આપણે હવે માત્ર એક યાંત્રિક રચના સાથે રહી ગયા. હવે આ જાતની વ્યવસ્થામાં માનવી એક ફલૂક ગણાયો, પણ માનવીનું આ ફલૂક ગણાવું અને દૈવી મનસ્વીપણામાંથી ઉત્પન્ન થયેલો માનવી એ બેમાં બહુ ફેર નથી. જિનેસિસના ગ્રંથમાં ઈશ્વર ખૂબ મનસ્વી રીતે ચીતરાયો છે. એકાએક ઈશ્વરે ડાબા હાથના ખેલની જેમ મોટી વ્હેલ માછલીઓ સર્જી. ઈશ્વરને ખબર નહોતી કે એ માછલીઓ સરસ બનવાની હતી. પણ ઈશ્વરે જ્યારે પોતાનું સર્જન જોયું ત્યારે એમને લાગ્યું કે આ તો સારું સર્જન છે અને એમણે સ્વીકાર્યું. વિચાર-શૂન્ય યાંત્રિક ચકરાવામાં તમે ફ્લૂક છો એ માન્યતા સાચું પૂછો તો આજે મોટા ભાગના લોકો ધરાવે છે. આપણે જ્યારે મરી જઈએ છીએ ત્યારે બધું પૂર્ણપણે ખતમ થઈ જાય છે. આપણી રોજિંદી ભાષામાં આપણે ‘હું આ દુનિયામાં આવ્યો’ એવું વાક્ય વાપરીએ છીએ અથવા તો આપણે કવિ હાઉસમેનને ટાંકી શકીએ, I a Stranger and afraid In a world I never made મોટા ભાગના સુસંસ્કૃત લોકોમાં એવી જાતની લાગણી પ્રવર્તે છે કે દુનિયા એ કંઈક એવી ચીજ છે જે તમારી બહાર છે, તમારે માટે અજાણી, પારકી છે એટલે સ્વાભાવિકપણે જ તમે કહો છો, ‘તમારે હકીકતોનો સામનો કરવો જોઈએ, તમારે વાસ્તવ સમક્ષ થવું જોઈએ – અસ્તિત્વવાદી મુકાબલો.’ ખરી વાત એ છે કે તમે જરાય બહારથી આ દુનિયામાં આવ્યા નથી. તમે એ જ રીતે એમાં ઉપજ્યા છો જેવી રીતે વૃક્ષ ઉપર પાંદડું ફૂટી નીકળે છે એમ અથવા તો બાળક ગર્ભાશયમાંથી બહાર આવે છે એમ, તમે આ દુનિયાના ચિહ્નરૂપ (Symptomatic) છો. એટલે કે તમે બુદ્ધિશાળી હો તો (આપણે એ ગૃહીત ધરીને ચાલવું કે માનવજાત બુદ્ધિશાળી છે) તો તમે મેધાવી ઊર્જા-પદ્ધતિના ચિહ્નરૂપ હોવા જોઈએ. આપણે એક અત્યંત વ્યવસ્થિત અને સંકુલ પર્યાવરણના ચિહ્નરૂપ છીએ. બુદ્ધિમાન સજીવતા બુદ્ધિવિહીન પર્યાવરણની નીપજ ન હોઈ શકે. જેવી રીતે સફરજનો શીમળાનાં વૃક્ષો ઉપર ન ઊગે. એટલે એ શું વિચિત્ર નથી કે ઓગણીસમી સદીમાં જે પોતાને પ્રકૃતિવાદી કહેવડાવતા હતા એમણે પ્રકૃતિ સામે પહેલાં કદી નહોતું એવું યુદ્ધ આદર્યું? એ એવા પ્રકૃતિવાદીઓ હતા જે માનતા હતા કે પ્રકૃતિ સ્ટુપીડ છે, અને એટલે માનવજાતનાં મૂલ્યો અને બુદ્ધિનું રક્ષણ કરવું હોય તો પ્રકૃતિને આપણી ઇચ્છાશક્તિને તાબે બનાવી દેવી. આ રીતે આપણે એવી ટેક્નોલૉજીની શરૂઆત કરી જેનું પાયાનું ગૃહીત એ હતું કે માણસે પ્રકૃતિ સાથે સહકાર નહીં, પણ એના ઉપર પ્રભુત્વ મેળવવાનું છે. પ્રકૃતિ પ્રત્યે પ્રતિકૂળ ભાવથી ઉદ્યુક્ત એવી આપણી ટેક્નોલૉજીનાં સ્પેસ રૉકેટ અને બુલડોઝર બે મોટાં પુરાકથાકીય પ્રતીકો છે. એટલે આપણા સરવાઈવલ માટે, આપણા જીવી જવા માટે જરૂરી છે કે ટેક્નોલૉજી અંગે આપણે તાકીદે તદ્દન નવી ચેતના-અભિગમ અપનાવીએ. આ ટેક્નોલૉજી વિરુદ્ધનો અભિગમ નથી. આપણને ઓછા નહીં, વધારે વિજ્ઞાનની જરૂર છે. આપણને સંકુલ સંબંધોના અભ્યાસની અને સમજણની તેમજ જેમના ઉપર નિર્ભર છીએ એ છોડો, જીવાતો, જીવાણુઓ, વાયુઓ અને ખગોળશાસ્ત્રીય પ્રક્રિયાઓના અભ્યાસની અને સમજણની પણ વધુ ને વધુ જરૂર છે. અને જેમ જેમ આપણને વધારે સમજણ પડતી જાય કે આપણા સમગ્ર અસ્તિત્વની અન્ય પ્રાણીઓ અને ચીજોના અસ્તિત્વની સાથે એક જ પ્રક્રિયા છે એમ દુનિયાને આપણાથી બહાર ગણીને નહીં, પણ આપણા જ એક વિસ્તાર તરીકે અથવા તો આપણા જ શરીરના એક અંશ તરીકે ગણીને ટેક્નોલૉજીનો આપણે વધુ બુદ્ધિપૂર્વકનો ઉપયોગ કરી શકીએ. દેવળોની આખી વ્યવસ્થા, બધા ઉપદેશ હિંસક–લશ્કરી છે. ‘Onward christian soldiers...’ ગવાય છે ત્યારે કેટલાક લોકોનું દિલ ધડકે છે! પણ હિંસક રીતે દુનિયા ઉપર વ્યવસ્થાનું લશ્કરી પ્રતિમાન લાદવું એ કારગત નીવડ્યું નહીં. પૂર્ણપણે સ્વચાલિત પ્રતિમાનથી પણ કામ સરતું નથી. એ એક બીજા પ્રકારની દુશ્મનાવટ ઊભી કરે છે. ત્યાં વ્યક્તિ કહે છે, ‘હું તાકાતવાન છું; હું હકીકતોનો સામનો કરું છું. વિશ્વ તો તદ્દન એક સ્ટુપીડ એફેર છે.’ તમે જેમ જેમ વિશ્વને ભયાનક માનતા જાઓ એમ એમ એનો સામનો કરવાનું વિચારતા થઈ જાઓ પણ વીસમી સદીના વિજ્ઞાન સાથે વધુ બંધબેસતું વિશ્વ અંગેનું કલ્પન એ આંગિક (organic) કલ્પન છે. વિશ્વ એક દેહ તરીકે મેઘાવી ઊર્જાની વિસ્તૃત ભાત છે અને આપણી સાથે એનો નવો સંબંધ છે. આપણે રાજાની પ્રજા નથી કે આંધળી પ્રક્રિયાના શિકાર નથી. આપણે જરાય એની અંદર નથી. આપણે એ છીએ – તમે એ છો. આથી દરેક વ્યક્તિએ આ આંગિક કલ્પન-પુરાકથામાં સારા વિશ્વ માટે પોતાને જવાબદાર ગણવી જોઈએ. તમે તમારા માબાપને એમ ન કહી શકો, ‘તમે મને આમાં ભેરવી દીધો, ડેમ યુ.’ જે કંઈ તમારા જીવનમાં બને છે એ માટે તમે બીજાને દોષ આપો એ જીવન પ્રત્યેનો તમારો તન્દુરસ્ત અભિગમ નથી. બૌદ્ધધર્મમાં જેમ કહે છે કે જે કંઈ તમને બને છે એ તમારાં કર્મ છે એટલે કે તમારું પોતાનું કરેલું છે. આ કદાચ મહત્ત્વોન્માદી મેગલોમેનિક કદાચ લાગે – જાણે કે ભગવાનની જેમ આ બધા માટે હું જવાબદાર છું. તમારા મનમાં ભગવાનની પ્રતિમા એક રાજા જેવી હોય તો આવો અભિગમ મહત્ત્વોન્માદી ઠરે. પશ્ચિમમાં ‘હું ભગવાન છું’ એમ કહી શકાતું નથી. એમ કહો તો તમને પાગલખાનામાં મૂકી દે. પણ તમારી પાસે ઈશ્વર અંગેની બીજી પ્રતિમા હોય, આંગિક પ્રતિમા, માનવીય દેહ જેવી — તો કોના ઉપર સર્વ કાર્યભાર નાખી શકાય? સારી સંઘટના સહકાર ઉપર રચાયેલી છે. લાઓત્સે કહે છે એમ, ‘હોવું કે ન હોવું એ બંને સાથે ઘટતા હોય છે; લાંબું અને ટૂંકું એકબીજાનાં પૂરક છે; મુશ્કેલ ને આસાન એકબીજાને સૂચિત કરે છે.’ એમ જ કર્તા અને કર્મ, હું અને તું, અંદર અને બહાર એકબીજાને સૂચિત કરતાં હોય છે. એવી જ રીતે હૃદય અને મસ્તક, મસ્તક અને પેટ—બધું સહિયારું છે, સહકારથી ચાલે છે, કોઈ ઉપરથી લાદવાવાળું નથી. લાઓત્સે તાઓની વાત કરે છે; કહે છે, “મહાન તાઓ બધે વિસ્તરે છે, જમણી અને ડાબી બંને તરફ, એ ચાહે છે અને પોષે છે પણ કોઈ ઉપર માલિકી હક્ક ભોગવતો નથી અને જ્યારે કાર્યો સિદ્ધ થાય છે ત્યારે એ કોઈ પણ માટે દાવો કરતો નથી.” આપણે એવા દિવસની આશા રાખી શકીએ કે જ્યારે અમેરિકાના પ્રમુખ એ ન્યૂયૉર્ક શહેરના કોઈ મુખ્ય સેનિટરી એન્જિનિયર જેટલા જ અનામી હોય. આ એન્જિનિયરનું કાર્ય તો અત્યંત ઉપયોગી હોય છે, પણ જ્યારે એ બહાર નીકળે છે ત્યારે એની સાથે પોલીસનો કાફલો નથી હોતો. એ રીતે એની કોને પડી હોય? ખ્રિસ્તી પરંપરામાં પણ આનો ઇશારો છે. જિસસ ક્રાઇસ્ટ ઈશ્વર કક્ષાના હતા, પણ એમણે ઈશ્વર સાથે સમાનતા ન સ્થાપી, પણ એક મનુષ્ય તરીકે મૃત્યુને પણ આધીન થયા—તે ત્યાં સુધી કે એ ક્રૉસ ઉપરનું મૃત્યુ પણ એમણે સ્વીકારી લીધું. આ સ્વનું ખાલી થવું, ઈશ્વરે કરેલા સત્તાના ત્યાગને ગ્રીકમાં Kenosis કહે છે. જે કોઈ ખરેખર સત્તા અને સત્તા-રમતને સમજ્યા છે – જેવા કે ઋષિઓ અને યોગીઓ જેમણે જાત જાતની માનસિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે — એ જાણે છે કે માનસિક સિદ્ધિઓ કંઈ જવાબ નથી. તમને સંપૂર્ણ સત્તા આપવામાં આવે અને બધું તમારા નિયંત્રણ નીચે આવી જાય (ટેક્નોલૉજીનું છેવટનું ધ્યેય તો આ જ છે) તો ખ્યાલ આવે છે કે શું થાય? તમે ભવિષ્યની પૂરેપૂરી આગાહી કરી શકો અને તમે પયગંબર બની જાઓ, જે કંઈ બનવાનું હોય તે હવે તમે પૂરેપૂરું જાણો છો. પણ જેવી તમને પૂરેપૂરી જાણકારી થાય કે તમે ધરાઈ જશો કારણે કે પૂરેપૂરું જાણેલું ભવિષ્ય એ ભૂતકાળ છે. તમે કોઈ રમત રમતા હો અને એનો શું અંત આવશે એની ખાતરી થઈ જાય તો તમે એ રમત છોડી દેશો અને બીજી શરૂ કરશો કારણ કે આપણે જે જોઈએ છીએ તે વિસ્મય છે. એક ખૂબ ડાહ્યા માણસે કહ્યું છે, ‘ખરી બોધિ-પ્રાપ્તિ એ છે કે દરેક ચીજ તમારામાં વિસ્મય જગાડે.’ એલન વૉટ્સે કંઈ નવી વાતો કરી છે એવું નથી પણ એ વાતો એમની રીતે મૂકી તાજગી લાવી શક્યા છે એ નિશ્ચિત છે. પશ્ચિમી પુરાકથાશાસ્ત્રમાં પહેલું ઈશ્વરીય પ્રતિમાન રાજા તરીકેનું છે. પછી વ્યક્તિગત ઈશ્વરનો એ ખ્યાલ મટી સ્વચાલિત યાંત્રિક પ્રક્રિયાનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. મેટરને સ્ટુપીડ-વિચારશૂન્ય ગણવામાં આવ્યું. આકાર અને સામગ્રી વચ્ચે દ્વય ઊભું થયું. વૉટ્સ કહે છે કે હવે વીસમી સદીના વિજ્ઞાનની સાથે વિશ્વ અંગેનું આંગિક કલ્પન વિશેષ બંધબેસતું છે. એ સૌથી રસપ્રદ વાત એ કરે છે કે બુદ્ધિમાન સજીવતા કોઈ બુદ્ધિહીન પર્યાવરણની નીપજ ન હોઈ શકે. આપણે એક અત્યંત વ્યવસ્થિત અને સંકુલ મેઘાવી પર્યાવરણના ચિહ્નરૂપ છીએ. જેવી રીતે શીમળાનાં વૃક્ષો ઉપર સફરજનો ન ઊગે એવી જ આ વાત છે. એલન વૉટ્સના લખાણે કોઈક રીતે મને ઝંકૃત કરી છે. અને એમનું લખાણ જે કઈ રીતે હું રજૂ કરી શકી છું એ ક્યાંક કોઈક તણખો બીજાંઓમાં પણ સળગાવી જશે એવું માનવું મને ગમે છે.

તા. ૨૦.૧૨.૯૫