કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૩૧. કોડિયાંમાંથી: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 01:18, 21 September 2023
ચડી ચડી પર્વતની કરાડો
પૂજારી કો મંદિર તાહરે જતો;
પૂજા કરી પાવન અંતરે થતો
પૂજા તણો માર્ગ ન મેં સ્વીકાર્યો.
ધરું દીવો સાગરમાં પ્રકાશના?
કદી ઘમંડી નથી હું થયો પ્રભો !
સુવાસીને મંદિર લાવું સૌરભો?
નથી કર્યાં કર્મ કદી ગુમાનનાં !
અંધારના ઘુમ્મટ ઘોરમાં પડ્યો;
આંધી ઉરે એક મહાન વાઈ;
દીવી ધીમી અંતરની બુઝાઈ,
અને ધુંવા અંતર ચક્ષુને નડ્યો.
પૂજારીને મંદિર આવશો, પ્રભુ?
પેટાવવા અંતર દીપ—કોડિયું?
(કોડિયાં, પૃ. ૧૫૪)
તળાટીએ નિર્જન આ ગિરિ તણી
પડી રહું નિર્બળ હું અપંગ.
પ્રયાણ કાજે ઊઠતા ઉમંગ;
રડી રહું દુઃખથી જોઈ તું ભણી.
આકાશના ઘુમ્મટને અડેલો
મંદિરનો ઘુમ્મટ જોઈ તો રહું;
ઊડી શકું તો ઊડવા ઘણું ચહું
રડી રહું અંતરમાં એકલો.
અંધારની ઘોર પ્રશાન્ત છાયા
આકાશ ને પર્વતમાં છવાતી;
વિભાવરી મંદ સુવાયુ વાતી,
મંદિરમાં દીપક સો મુકાયા.
ટમે ટમે દીપકની દીવેટ,
પડી — રડી દૂરથી જોઈ હું રહું,
પેટાવવા દીપક તો જવું ઘણું,
દીવો થતો અંતરનો અચેત.
પૂજારી કેવો, પ્રભુ ! ભાગ્યવંતો?
ચડી ચડી પર્વત ત્યાં દીવો કરે;
કરી દીવો અંતરમાં પ્રભા ભરે,
અપંગ હું અંતરમાં રડંતો.
ત્યાં તો પ્રભા ભાસ્કરની છવાય,
યાત્રી નમી સર્વ કરે પ્રયાણ.
અને હું સૂતો મુડદા સમાન,
પ્રભાતિયું મંદ સમીર ગાય.
સુણું પગ રવ યાત્રી કેરા,
મથું મથું તોય ઊઠી શકું નહિ.
પેસી જઉં-થાય, પ્રભો; ધરા મહીં;
ઊઠે ઉરે ભાવ અનેક ઘેરા.
સુણું સુતો હું રવ મંદ ઘંટના,
હૈયું કૂદે ! અંગ શિથિલ થૈ પડે.
અપંગતા અંગની આડી તો નડે;
હૈયું કૂદી પાર પડે દિગન્તના.
ચડી શકું પ્હાડ નહિ અપંગ હું,
ન આવી દીવો તુજ પેટવી શકું.
નૈવેદ્ય ભક્તિ નવ હું ધરી શકું,
અપંગને માફ કરે ન શું પ્રભુ?
નથી કને દીપક કાજ કોડિયું,
ન રોપવા એક સળી દીવેટની;
નથી પ્રભુ ! હામ કશીય ભેટની,
નથી કને દીપક તેલ તો પડ્યું.
હૈયા તણું હું રચું એક કોડિયું !
આંસુ સર્યાંઃ દીપક તેલ સાંપડ્યું.
૯-૧૧-’૩૦
(કોડિયાં, પૃ. ૧૫૯-૧૬૧)