સંવાદસંપદા/મિત્તલ પટેલ: Difference between revisions
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
No edit summary |
||
Line 12: | Line 12: | ||
}} | }} | ||
<br> | <br> | ||
વાર્તાલાપની શ્રાવ્ય કડી | |||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> |
Revision as of 02:14, 5 October 2023
આરાધના ભટ્ટ
વાર્તાલાપની શ્રાવ્ય કડી
મિત્તલ પટેલના નામથી અને એમના કામથી હવે માત્ર ગુજરાત જ નહીં, પણ આખો દેશ પરિચિત છે. એટલે એક વ્યક્તિ તરીકે એમનો પરિચય થાય એ આ સંવાદનો હેતુ બન્યો. ગ્રામ્યપરિસરમાં, સામાન્ય પરિવારમાં એમનો ઉછેર થયો છતાં એમને પરિવારમાં વાતાવરણ એવું મળ્યું કે એમની પાંખો ખોલી એ આકાશમાં ઉડી શકે. એ વાતાવરણે એમને આપેલા આત્મબળે આજે એમને દેશની વિચરતી-વિમુક્ત જાતિઓના સરનામાં વિનાના માનવીઓનું સરનામું બનાવ્યાં છે. તેઓ હવે એક વ્યક્તિ મટીને એક સંસ્થા બન્યાં છે. માત્ર વિચરતી અને વિમુક્ત જાતિના જ નહીં પણ કોઈપણ જરૂરતમંદ વ્યક્તિ આજે અડધી રાત્રે ફોન કરીને મદદ માંગી શકે એટલો એમનો ભરોસો એ પામ્યાં છે. એમણે સ્થાપેલી સંસ્થા ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’ દ્વારા હવે પર્યાવરણથી લઈને શિક્ષણ સુધીનાં અનેક પ્રકારનાં સમાજોપયોગી રચનાત્મક કાર્યો થઈ રહ્યાં છે. એમનાં કાર્યોની સુરભી એમને છેક દિલ્હી સુધી લઈ ગઈ, જ્યાં તેઓ કેન્દ્ર સરકાર સ્થાપિત સલાહકાર બોર્ડનાં સભ્ય છે. ચાર વર્ષ પહેલાં ભારતના રાષ્ટ્રપ્રમુખે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે એમને નારીશક્તિ ઍવોર્ડથી સન્માનિત કર્યાં હતાં. આ ઉપરાંત એમને અનેક રાષ્ટ્રીય અને ગુજરાત રાજ્યનાં સન્માનો પ્રાપ્ત થઈ ચૂક્યાં છે. મિત્તલ પટેલ ગુજરાતી અખબારોમાં કોલમ લખે છે અને વિચરતી જાતિઓની વ્યથા કથાઓ આલેખતાં એમનાં બે પુસ્તકો પણ પ્રગટ થઈ ચૂક્યાં છે. એમની સાથેનો આ સંવાદ એમનો અંતરંગ પરિચય કરાવશે....
પ્રશ્ન: આપણે સંવાદની શરૂઆત તમારા કામના આરંભથી કરીએ. યુવાન મિત્તલ આઈ.એ.એસ ઓફિસર બનવા માટે ગામથી અમદાવાદ આવે છે, ત્યાં આવીને એ પત્રકારત્વના શિક્ષણ તરફ વળે છે અને એ કરતાં કરતાં એ મિત્તલ પટેલ બેઘર લોકોનું આશ્રયસ્થાન બની જાય છે. જીવનના આ મોડ વિષે અમને વાત કરો. આપણે જન્મીએ અને પછી મોટા થતાં સમાજને જેમ ઓળખતાં જઈએ તેમ આપણા મનમાં એક સ્વપ્ન રચાતું જાય છે- ‘હું મોટી થઈની આમ કરીશ’ અથવા‘મારે આમ કરવું છે’. મારી પ્રાથમિક શાળાના દિવસોમાં મારા મનમાં એક ચોક્કસ ખ્યાલ હતો કે મારે એક રમતવીર બનવું છે. ભારતમાં એક સરસ યોજના છે કે જે વ્યક્તિઓ સ્પોર્ટ્સમાં આગળ હોય એમને સ્પોર્ટ્સ સોશિયલમાં એડમિશન આપવું અને એમને તકો આપવી. એટલે હું ત્યાં ભણવા ગઈ. ચાર વર્ષ મેં એમાં ગાળ્યાં અને હું નેશનલ લેવલ પર રમી આવી. પણ મારા મમ્મી પપ્પાની વાત કરું તો કદાચ બંને સાતમું ધોરણ ભણ્યાં હશે. અને મારા પપ્પા કરતાં પણ મારા જીવન ઘડતરમાં મારી મમ્મીની ભૂમિકા મોટી છે. એણે મને કહ્યું કે તને જે ગમે એ જ કરવું. મારી મોટી બહેન વિજ્ઞાન શાખામાં ભણતી હતી અને એ વખતે એવું હતું કે વિજ્ઞાનની ડિગ્રી માટે ભણો તો સમાજમાં વટ પડી જાય. એટલે વટ પડી જાય એ હેતુથી અને બહેન ભણે છે તેથી મેં પણ નક્કી કર્યું કે હું પણ સાયન્સમાં ભણું. એટલે મેં પેલું રમતગમતનું ક્ષેત્ર જતું કર્યું અને પછી ઈજનેર બનવાનું નક્કી કર્યું, પણ બારમા ધોરણની પરીક્ષામાં મારા માર્ક એટલા ન આવ્યા કે હું ઈજનેરી શાખામાં જઈ શકું. એટલે મેં ભૌતિકવિજ્ઞાન સાથે બી.એસ.સી કર્યું. એ વખતે ભારત માટે કંઈ કામ કરવું એવા કોઈ ખ્યાલો મને નહોતા. મને નાનપણથી એવું પણ શીખવા મળેલું કે તમે તમારા પગ પર ઊભા રહેવા જોઈએ. એ ખ્યાલ સાથે મેં નક્કી કર્યું કે બી.એસ.સી પૂરું કર્યા પછી હું આઈ.એ.એસ માટે તૈયારી કરીશ અને એને માટે હું અમદાવાદ આવી અને એના ભાગરૂપે મેં પત્રકારત્વ ભણવાનું શરૂ કર્યું. એ ભણવા પાછળ ખ્યાલ એ હતો કે યુ.પી.એસ.સીની પરીક્ષામાં મારા પેપર સારાં જશે અને હું ઈન્ટરવ્યુ સરસ રીતે આપી શકીશ. પણ એ પત્રકારત્વના મારા અભ્યાસે મારા જીવનનું બધું જ બદલી નાખ્યું. પત્રકારત્વના અભ્યાસથી હું એક જુદી દુનિયાના પરિચયમાં આવી. એક પ્રસંગ તમને કહું, જેનાથી મારા જીવનની દિશા બદલાઈ ગઈ. એ વખતે ‘ચરખા’ નામની સંસ્થાએ એક ફેલોશીપ શરૂ કરેલી. ગુજરાતની અલગ અલગ સંસ્થાઓમાંથી પત્રકારત્વના ચાર વિદ્યાર્થીઓને પસંદ કરીને એમને સ્થળાંતર કરતા મજૂરોના જીવનનો આર્થિક અને સામાજિક અભ્યાસ કરવા માટે મોકલવા માટે એ ફેલોશીપ હતી. એ ફેલોશીપ મને મળી અને એમાં મેં દક્ષિણ ગુજરાતના શેરડી કામદારોનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. મેં નક્કી કરેલું કે હું એ લોકોની વચ્ચે રહીને એમનો અભ્યાસ કરીશ. એમાં સુરતની એમની એક સંસ્થાનો એક કાર્યકર મારી સાથે આવેલો. હવે મેં વાંચ્યું હતું પણ મને ખબર નહોતી કે આ કામદારો કેવી રીતે રહે છે. મને હતું કે એ લોકો તંબૂમાં રહેતા હશે, ત્યાં લાઈટ હશે, ઓઢવા-પાથરવાનું એ લોકો મને આપશે જ. એવા ખ્યાલો સાથે એક બેગ ભરીને પુસ્તકો અને એક બેગ ભરીને મારાં કપડાં લઈને એમના પડાવમાં પહોંચી ગયેલી. નવેમ્બર મહિનો, અને ગામથી બે-અઢી કિલોમીટર દૂર એમનો પડાવ. ત્યાં ભૂરા રંગના પ્લાસ્ટિકના દોઢસો-બસો તંબૂ હતા, એ તંબૂ એટલા નીચા કે એમાં એક માણસ સીધું ઊભું પણ ન રહી શકે. એ જોઈને પહેલી નજરે તો મને થયું કે અહીં તો હું ન રહી શકું. મને થયું કે હું મુકાદમને મળીને નીકળી જાઉં. એ મુકાદમને લાગ્યું કે હું કોઈ પત્રકાર છું અને બધી માહિતી મેળવવા માટે આવી છું. એટલે એમણે મને કહ્યું કે ‘અહીં કોઈ ખરાબ કામ થતું નથી, અહીં પરિસ્થિતિ બરાબર છે, તમે જાવ’. હું ત્યાં જ હતી ત્યારે એક ભાઈ એના સાત-આઠ મહિનાના બાળકને લઈને ત્યાં આવ્યો. એ ભાઈને વાગેલું, એને ખૂબ લોહી નીકળે અને બાળકના મો પર પણ કાંટા વાગેલા અને એ રડે. એ રડતાં રડતાં એની આદિવાસી ભાષામાં કંઈક બોલતો હતો. મારી સાથે જે કાર્યકર હતો, મુકેશ, એણે પછી મને સમજાવ્યું કે આ માણસ અને એની પત્ની એમના બાળક સાથે શેરડીના ખેતરમાંથી આવતા હતા ત્યારે કોઈ બે જણા બાઈક પર આવીને એની પત્નીને ઉપાડીને લઈ ગયા. બાળક પેલી બહેનની કેડમાં ઊંચકેલું હતું એને વાડમાં ફેંકી દીધું અને એ બધી ઝપાઝપીમાં આ માણસને વાગ્યું. મારા જીવનમાં મને કોઈ દિવસ ડર નથી લાગ્યો. પણ આ ઘટનાથી પહેલી વખત એક સ્ત્રી હોવાથી જે ડર હોય એનો અનુભવ થયો. એ બહેનને ઉપાડી ગયા એની પંદર મિનિટ પહેલાં હું એ જ રસ્તે આવેલી. પછી તો મને થયું કે અહીં ન રહેવાય. પણ પાછા જવાનો માર્ગ પણ નહોતો, અંધારું થવા આવેલું, મને થયું કે કાલે સવારે તો નીકળી જ જઈશ. બીજું, મને થયું કે પોલીસ આવશે, પણ પોલીસ પણ ન આવ્યા. એ રાત એક કામદાર બહેનને ત્યાં હું રોકાઈ. મેં એ બાઈને બહુ સહજતાથી પૂછેલું કે આ તંબૂમાં મને રોકાવા દેશો? અને એણે બહુ જ નિખાલસતાથી કહી દીધેલું કે ‘રહી જા ને’ ત્યારે મને એમ થયેલું કે આવી કોઈ કામદાર બહેન જો રાત્રે મારા ઘરનો દરવાજો ખખડાવે તો મેં એને આટલી સાહજિક રીતે કહ્યું હોત કે ‘રોકાઈ જા’? આખી રાત આવી ગડમથલમાં, ઉચાટમાં અને ડરમાં મેં કાઢી. પણ મને બીજા દિવસે સવારે એમ થયું કે જો હું અહીંથી ભાગી જઈશ તો મારા જીવનનો જે મકસદ છે એ અને અહીં આવવાનો હેતુ સિદ્ધ નહીં થાય. એ લોકોએ મને કહ્યું કે આવી રીતે બહેનોને ઉપાડી જવાની ઘટનાઓ અમુક ગામોમાં અવારનવાર બને છે, પણ કોઈ કશું બોલતું નથી. આ બધું જાણ્યા પછી હું દોઢ મહિનો એમની વચ્ચે રહી. એ લોકો જે ખાય એ ખાધું, ખાવા ન મળે તો હું ભૂખી પણ રહી. સાચું કહું તો મેં ભીખ પણ માંગી છે કે ‘મેં ત્રણ દિવસથી ખાધું નથી, મને ખાવા આપો.’ એ લોકો જે કેમિકલવાળા ગંદા પાણીથી નહાય એનાથી હું નાહી છું. આ દોઢ મહિનામાં મેં ભારતને જોયું અને આજે લોકો જે મિત્તલને ઓળખે છે, તમે જે મિત્તલને જુઓ છો, એ મિત્તલનો જન્મ એ દોઢ મહિનામાં થયો. હું એમ કહી શકું કે એ દોઢ મહિનામાં હું જે શીખી એ મારા જીવનનું દર્શન છે. એ પછી હું ઘણા રાજકારણીઓને મળી, સરકારી અધિકારીઓને પણ મળી. એમને કેમ આવી રીતે રહેવું પડે છે? એમને કેમ પૂરું વેતન મળતું નથી? એમને પૂરતી સુવિધાઓ કેમ મળતી નથી? પણ બધેથી મને નાસીપાસ થઈ જવાય એવા જવાબો જ મળ્યા. અધિકારીઓએ મને કહ્યું કે ‘અમે શું કરી શકીએ? એ અમારા હાથની વાત નથી.’ ત્યારે મને થયું કે હું તો આઈ.એ.એસ થઈને આ અધિકારી બનવા ઈચ્છું છું, જે એમ કહે છે કે એમના હાથમાં કશું નથી. તો મારે આ નથી કરવું. એટલે આખરે પછી એ આઈ. એ. એસ ઓફિસર બનવાનું સ્વપ્ન પડતું મૂકાયું.
પ્રશ્ન: મિત્તલબેન, જીવનની આખેઆખી દિશા બદલાઈ જાય એવા નિર્ણયો કરવા સહેલા નથી હોતા. એને માટે નીડરતા, મક્કમતા, સ્પષ્ટતા, સાહસઅને નિસ્બત જોઈએ. આ આત્મબળ તમારામાં ક્યાંથી આવ્યું એમ તમને લાગે છે? તમે બહુ સાચી વાત કરી. પહેલી વખત મારી પસંદગી જ્યારે હોસ્ટેલમાં રહેવા માટે થઈ ત્યારે મારી ૧૩-૧૪ વર્ષની ઉંમર. મહેસાણાનું શંખલપુર એ મારું ગામ. મારા ગામમાંથી મારા પહેલાં કોઈ છોકરી હોસ્ટેલમાં ભણવા ગઈ હોય એવું નહોતું બન્યું. અને બીજું એ કે મારે માટે એક રાત પણ મારી મમ્મી વગર રહેવું એ બહુ અઘરું હતું. એટલે જ્યારે મેં મમ્મીને કહ્યું કે હું તારા વગર ન રહી શકું, ત્યારે મને બરાબર યાદ છે કે એણે મને એક જ વાત કહેલી. બાજરાનો કડક રોટલો અને ચા એ મારી પ્રિય. તો એ બનાવીને મારી સામે મૂકીને મારી મમ્મીએ મારી સાથે ડાયલોગ કરેલો. મને થાય છે કે જે વ્યક્તિ ખાસ કશું જ ભણી નથી એને આટલી સમજણ છે, એટલે ખરેખર ભણતરને અને સમજણને કશી લેવાદેવા નથી. તો મારી મમ્મીએ મને ચૂલા પાસે બેસાડીને એક વાત કરી કે મારો પાલવ પકડીને તો તું કાયમ રહી શકશે, પણ તું જો અહીંથી બહાર જઈશ તો એક બહુ જ મોટી દૂનિયાના પરિચયમાં આવીશ અને તારી પાસે એક સરસ જિંદગી હશે, સાચા-ખોટાનો નિર્ણય કરવાની તારા પોતાનામાં તાકાત હશે. અને એ રીતે એણે મને આખરે સમજાવી લીધી. એણે મારામાં જે આત્મવિશ્વાસ ભર્યો એને કારણે એનાથી હું દૂર જઈને રહી શકી. બીજું, જે સેવાની વાત આવી એનું મૂળ કદાચ મારા ઘરના વડીલોમાં જે સેવા પરાયણતાની ભાવના હતી એમાં હશે. અમારા ઘરમાં દસ-બાર ભેંસો હતી. મમ્મી વલોણું કરે ત્યારે ગામમાં વારો કર્યો કહેવાય. વારો કર્યો હોય ત્યારે બધાં છાશ લેવા આવે. એમાં ગામમાં રહેતા વસવાયાં, એટલેકે જેમની આર્થિક સ્થિતિ ખરાબ હોય એવા લોકો પણ આવે. એમનું જમણ જ કદાચ રોટલો ને છાશ હોય, એટલે છાશ પૂરી થવા આવી હોય તો પણ મારી મમ્મી પાણી નાંખી નાંખીને એમને માટે છાશ કરી આપે, ભલે અમારા માટે ઓછી છાશ રહે. ગામમાં કોઈની છોકરીનું લગ્ન હોય અને અમારા ઘેર આવીને કહે કે પૂરતા પૈસા નથી તો મારા પપ્પા તરત એમને મદદ કરવા ઊભા હોય. એટલે કદાચ આ સંસ્કારો આમાંથી આવ્યા હશે.
પ્રશ્ન: મિત્તલ તમે જે કામ કરો છો એ કામ જો ન કરતાં હોત તો ખાસ્સી સારી વહીવટી નોકરી કરતાં હોત, સારો પગાર મળતો હોત. આ કામમાં તો કદાચ ગાંઠનાં ગોપીચંદન કરવાનાં થાય. તમારા પરિવારે, ખાસ તો લગ્ન પછી, તમને આ કામ કરતાં ક્યારેય રોક્યાં નહીં? મેં પત્રકારત્વ કર્યું પણ એમાં મેં જોયું કે મને સમાજના ઉત્થાનને લગતી જે સ્ટોરીમાં રસ હોય એવી સ્ટોરીને મીડિયામાં બહુ સ્થાન નહોતું. પછી મારી માને મેં જ્યારે કહ્યું કે મારે સામાજિક સેવાનું કાર્ય કરવું છે ત્યારે એ બહુ નિરાશ થયેલી. શેરડી કામદારો સાથે દોઢ મહિનો રહીને આવી પછી ત્યાંના ફોટા મેં મમ્મીને બતાવેલા અને એને એ વખતે બહુ આંચકો લાગેલો. એણે મને પૂછેલું કે આ બધું કરતાં તને ડર નથી લાગતો? તેમ છતાં મારા પિયરમાંથી કોઈ દિવસ કોઈએ મને રોકી નહોતી, કારણકે મમ્મી કહેતી કે આર્થિક પાસું બહુ મહત્ત્વનું છે પણ મનને ગમે એ કામ કરવું એ પણ એટલું જ અગત્યનું છે. પણ મેં આ કામ શરૂ કર્યું અને સાથે સાથે એ જ વખતે મારાં લગ્ન થયાં, અને તે વખતે બહુ સંઘર્ષ થયો. એમને એમ હતું કે જર્નાલિઝમમાં એમ.ફિલ કરેલી છોકરીને તો સરસ નોકરી મળી શકે એમ છે, પછી આવું કામ શું કામ કરે છે? અને એમની રીતે એ સાચા પણ હતા. હું સવારે વહેલી નીકળી જાઉં –ક્યારેક સવારે ૪-૫ વાગ્યે અને રાત્રે પાછા આવવાનું તો કોઈ ઠેકાણું ન હોય. અને સ્વાભાવિક રીતે આપણા સમાજમાં એક એવી અપેક્ષા હોય કે લગ્ન કરીને વહુ આવે એટલે એ ઘર સંભાળે. પણ એમણે મને બહાર જઈને કામ કરવાની ના નથી પાડી પણ આવું કામ કરવાનું મેં પસંદ કર્યું એની સામે એમને ચોક્કસ વાંધા હતા. એમને મારી સુરક્ષાની ચિંતા હતી, એમને ભય હતો. બીજું જે સમુદાયો સાથે મેં કામ કરવાનું પસંદ કર્યું એ સામાજિક રીતે અસ્વીકૃત હતા એટલે એમને થતું કે જેમને મોટા ભાગના લોકો પોતાની નજીક પણ આવવા ન દે એવા લોકો સાથે તારે કેમ કરવું છે? પણ હું ડાયલોગમાં માનું છું કારણકે હું કોમ્યુનિકેશનની વિદ્યાર્થિની છું. મેં મારા પતિ મૌલિકને સમજાવ્યું કે તું મારો સૌથી સારો દોસ્ત છે, પણ આ કામ હું નહીં છોડી શકું કારણકે હજારો લોકોની આશાઓ મારી સાથે હવે જોડાયેલી છે. હું એની સાથે કામ માટે જુઠ્ઠું પણ બોલી છું. મેં એની સામે સ્ત્રી અધિકારની વાત ક્યારેય નથી કરી. સ્ત્રી અધિકાર તરીકે નહીં, પણ એક માનવતાની દૃષ્ટિએ મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને છ-સાત વર્ષના સંઘર્ષ પછી હવે આ કામ મારા કરતાં પણ વધારે એ કરે છે. આખું ઓફિસ મેનેજમેન્ટ એણે સંભાળી લીધું છે અને એ કહે છે કે બે-ત્રણ વર્ષ પછી એ મારી સાથે ફૂલ-ટાઈમ આ જ કામ કરવા માંગે છે. એટલે ધીરજથી બધું જ થઇ શકે છે.
પ્રશ્ન: આ દરમ્યાન તમારી દીકરીનો જન્મ થયો. માતૃત્વ સાથે આ બધું કેવી રીતે શક્ય બન્યું? મારી દીકરી જન્મી એ પહેલાં મારી તબિયત નાજુક હતી અને મારે ખૂબ સંભાળવાનું હતું, પણ ત્યાં સુધીમાં મૌલિકનો મને ખૂબ સહકાર હતો. એ જ વખતે પૂ મોરારિબાપુએ વિચરતી જાતિઓ માટે રામકથા આપેલી અને એ રામકથા વખતે મારે આખા ગુજરાતની વિચરતી જાતિઓના લોકોને હાજર રાખવા હતા એટલે મારે ખૂબ પ્રવાસો થતા. બીજી બાજુ ડોકટરે આરામ કરવાની સલાહ આપેલી. મારે એટલા બધા પ્રવાસો કરવાના થતા કે એ દિવસોમાં મારી સાથે કોઈ ડ્રાઈવર ટકતા નહોતા, તેથી હું જાતે બસો-અઢીસો કિલોમીટર ડ્રાઈવ કરીને જતી. પછી કિયારા જન્મી અને એ સત્તર દિવસની હતી ત્યારે રાષ્ટ્રીય સ્તરે વિચરતી જાતિઓ માટે કંઈક નક્કર કરવાના ઈરાદાથી સોનિયા ગાંધીના અધ્યક્ષપદે એક સમિતિ રચાયેલી અને એમાં આખા ભારતમાંથી ફક્ત બે એન.જી.ઓ ને બોલાવેલા. એમાં મને આમંત્રણ મળ્યું હતું. ત્યારે મૌલિકે કહ્યું કે દીકરીને હું સંભાળીશ અને એ સત્તર દિવસની દીકરીને મૂકીને હું સવારની ફ્લાઈટમાં દિલ્હી ગઈ અને રાતની અગિયાર વાગ્યાની ફ્લાઈટમાં પાછી આવી. મારી અને કિયારાની હાલત ખરાબ થઈ ગયેલી. મારી મમ્મી બહુ રડેલી અને મને વઢેલી. ત્યારે મેં મમ્મીને કહેલું કે કિયારા મારી દીકરી છે એટલે એણે મજબૂત થવું પડશે અને એ થઇ જ જશે. અને પછી તો હું એને ઓફિસે લઈને જતી, આ સમુદાયમાં જવા મારા પ્રવાસોમાં પણ હું એને કારમાં લઈને જતી. કેટલાકને પોતાના બાળકને આવા લોકો અડે એ પણ ન ગમે, કદાચ આ લોકો સાત દિવસ સુધી નહાતા પણ નહીં હોય, એ લોકો કિયારાને ઊંચકે એને તડકો ન લાગે એટલે પોતાનો ગંદો સાડલો એના મોઢા પર ઢાંકે, એમનાં બાળકોના ખોયામાં કિયારાને સુવડાવે, એમનો ઠંડો બાજરાનો રોટલો એને ખવડાવે. એ બધું મને ક્યારેય નડ્યું નથી, કારણકે મને એમાં એ લોકોની મમતા દેખાતી હતી. મને લાગે છે કે કિયારા એટલે જ મજબૂત છે.
પ્રશ્ન: તમને ક્યારેય આ કામમાં ખતરો લાગ્યો છે? તમારી સુરક્ષાના પ્રશ્નો થયા છે? સ્ત્રી હોવાથી અમુક કામો કરવામાં અવરોધો નડ્યા છે? એવું શરૂઆતમાં થતું. મેં પહેલાં શેરડી કામદારોની તમને વાત કરી ત્યારે મને એક છોકરી હોવાનો એહસાસ થયો અને ભય લાગેલો. બાકી આમ મારા ઉછેરમાં એ વાત કદી નથી આવી. પણ વાડિયામાં દેહ-વ્યાપાર કરતી બહેનોનું કામ કરવાનું મેં શરૂ કર્યું ત્યારે મને બધાએ કહેલું કે એ બહુ અસુરક્ષિત ગામ છે, એ લોકો લૂંટી નાંખે છે. પહેલી વખત એ બહેનોએ અમને કહ્યું કે અમારે અમારી દીકરીઓનાં લગ્ન કરાવવાં છે ત્યારે ત્યાંના દલાલો તરફથી એક ખતરો મેહસૂસ થયો, કારણ કે એમને થયું કે આ ગામની દીકરીઓ જો લગ્ન કરવા માંડશે તો આ ધંધો કોણ કરશે. એ વખતે એ દલાલોએ ગંભીર કહેવાય એવી ધમકીઓ આપવાનું શરુ કરેલું. મારી દીકરીની સુરક્ષાને જોખમ ઉભું થયેલું કે મારી સ્કુલમાં ભણતી છોકરીઓને ઉપાડી જવાની ધમકીઓ મળેલી ત્યારે હું ગભરાયેલી. જયારે ડર લાગે ત્યારે મને મારી કુદરત પરની શ્રદ્ધા કામમાં આવે છે અને સાથે અમે પોલિસની મદદ પણ લીધેલી. હું લોકોને કહું છું કે મને કોઈના બાપની બીક નથી લાગતી, પણ મારી સાથે જોડાયેલા બીજા લોકોને ખતરો ઊભો થાય ત્યારે થોડીક વાર માટે મન પાછું પડે.
પ્રશ્ન: હવે વિચરતા સમુદાય સમર્થન મંચની સ્થાપનાની વાત કરો. તમારી એક ઓફીસ છે, તમને મદદ કરે એવા કાર્યકરોની પણ તમને જરૂર પડે છે. આ આખું આયોજન કેવી રીતે થયું? ૨૦૦૮થી વિચરતી જાતિઓ સાથે કામ શરૂ કરેલું અને એ વખતે એવું મનમાં નહોતું કે કોઈ સંસ્થા કરવી. વિચરતી જાતિઓના લોકો પાસે એમની ઓળખનો કોઈ પુરાવો ન હોય એને કારણે એ લોકો જે તકલીફો વેઠતા હોય છે એ અસહ્ય લાગી. એ લોકો નટ-બજાણિયાના ખેલ કરે, છરી-ચપ્પુની ધાર કાઢવાનું કામ કરે, વાંસમાંથી ટોપલા-ટોપલી બનાવે એવાં કામો કરવા માટે ગામેગામ ફરે અને એમને પૂછીએ કે તમારું ગામ કયું તો કહે કે અમે રાજસ્થાનથી આવ્યા કે અમે સિંધથી આવ્યા. એટલે જ્યારે એમની વચ્ચે જઈને એમને પૂછું કે તમને શું જોઈએ છે ત્યારે કોઈએ ગાડી-બંગલાની વાત નહોતી કરી, પણ દરેકે કહેલું કે મને ફોટોવાળું કાર્ડ મળે. એ કાર્ડ એમને કેવી રીતે મળે એમાંથી આ આખી મથામણ મારી શરૂ થઈ. એમની પાસે મતદાર કાર્ડ નહોતું એ એમને મળે એ માટે અમે બહુ જ પ્રયત્નો કર્યા. અને એમની વાત કોઈ સાંભળી નહોતું રહ્યું એની પાછળ એક બહુ મોટું કારણ અમને એ લાગ્યું કે એ લોકો વોટ-બેંક નથી. અને મારે એ લોકો વોટ-બેંક તરીકે પ્રસ્થાપિત થાય એ ઊભું કરવું હતું. આ પ્રયત્નોમાંથી ધીરેધીરે અમારી આ સંસ્થાનો જન્મ થયો. ૨૦૧૦માં અમે એને સંસ્થા તરીકે રજીસ્ટર કરી. એમાં ઘણા બધા સંવેદનશીલ લોકો જોડાયા, એવા લોકો જે મારા કામને સપોર્ટ કરતા હતા, જરૂર પડે તો મારી સાથે કામો માટે આવતા. આપણા જાણીતા સાહિત્યકાર માધવ રામાનુજ એવા એક વ્યક્તિ છે. એમને મેં આ ટ્રસ્ટમાં પ્રમુખની ભૂમિકા નિભાવવાનું કહ્યું અને એમણે હા પાડી. એ ઉપરાંત ઘણા લોકો છે જે સંસ્થામાં જોડાયા અને અમે સંસ્થા તરીકે કામ શરૂ કર્યું. અને આર્થિક બાબતની વાત કરું તો ગુજરાતમાં અને ગુજરાતની બહાર રહેતા, ખાસ તો મુંબઈના લોકોએ અમને ખાસ્સો સપોર્ટ આપ્યો. પછી ધીમેધીમે અમારું કામ ઘણું વિસ્તર્યું છે, અમે અમારા કામની વ્યાખ્યા થોડી વિસ્તૃત કરી છે. હવે અમે માત્ર વિચરતી-વિમુક્ત જાતિઓ માટે જ નહીં, પણ કોઈપણ ગરીબ અને જરૂરતમંદ વ્યક્તિને કોઈપણ પ્રકારની મદદ શક્ય હોય તેમ કરીએ છીએ. સૌથી પહેલું તો માનવ અધિકારનું કામ કરીએ છીએ. એમના માટે સરકાર નીતિઓ બનાવે એ માટે અમે સક્રિય છીએ. એમને માટે રેશન કાર્ડ, રહેઠાણ વગેરે માટે અલગ બજેટ ફાળવવામાં આવે એ માટે અમે ઘણું કામ કર્યું. એનું સુંદર ઉદાહરણ એ કે ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ એમના ચૂંટણી ઢંઢેરામાં આ લોકો માટે રાજકીય પક્ષો શું કરશે એ અમે લખાવ્યું. ત્યાર પછી ૨૦૧૯માં આપણા વડાપ્રધાને અમારી પાસે સૂચનો માંગ્યાં કે આ લોકો માટે સરકારી રાહે શું કરવાની જરૂર છે. એના આધારે એમણે પછી રાષ્ટ્રીય સ્તરે વેલ્ફેર બોર્ડ બનાવી. એટલે એ રીતે વિચરતી જાતિઓને જરૂર પડે તો બારણું ખખડાવી શકાય એવી એક જગ્યા મળી. એ વેલ્ફેર બોર્ડમાં હું અત્યારે સભ્ય છું અને એમાં અમે સમગ્ર ભારતની વિચરતી જાતિઓ માટે નીતિઓ ઘડવા એક સરસ મોટો મુસદ્દો તૈયાર કરીને આપ્યો છે. વી.એસ.એસ.એમ માં લગભગ ૭૦ કાર્યકરોની અમારી ટીમ છે અને આ રીતનું કામ અમે કરીએ છીએ. માનવ અધિકાર ઉપરાંત રોજગાર મેળવવા એમને વગર વ્યાજે નાણા ધિરાણ કરવાનું કામ પણ અમે શરૂ કર્યું અને એમનાં બાળકોને શિક્ષણ મળે એનું પણ કામ અમે કરીએ છીએ. એટલે આર્થિક અને શૈક્ષણિક આ બે રીતે કોઈપણ સમુદાય કે વ્યક્તિ પગભર થઇ જાય તો પછી એને કોઈની જરૂર નથી રહેતી એમ હું માનું છું. અમે હાલ લગભગ અઢી હજાર બાળકોને શિક્ષણ મળે એવું કામ પણ કરીએ છીએ, જેમાં રોજગારલક્ષી ભણતર માટે પણ જોગવાઈ છે. બનાસકાંઠામાં વોટર મેનેજમેન્ટ અને વૃક્ષારોપણનું કામ પણ મોટે પાયે થાય છે. હવે તો વિદેશોમાં વસતા દાતાઓ પણ અમને આર્થિક સહાય કરે છે.
પ્રશ્ન: તમારા કાર્યક્ષેત્રના વર્ણન પરથી એ જણાય છે કે તમારે વારંવાર સરકારી કચેરીઓમાં જવાનું થતું હશે. આપણી બાબુશાહી વિશે ઘણી વાતો થાય છે. તમને કેવા અનુભવો થાય છે? શરૂઆતમાં બહુ અઘરું લાગતું હતું. હવે તો સરકારી અધિકારીઓની ટ્રેનિંગમાં પણ મારે જવાનું થતું હોય છે. મેં એવું જોયું છે કે કોઈપણ વ્યક્તિ સરકારી અધિકારી તરીકે કામમાં જોડાય છે ત્યારે શરૂઆતમાં એક-બે વર્ષ એના કામમાં એનો ઉત્સાહ દેખાય. આપણું અંગ્રેજોએ બનાવેલું માળખું છે એટલું સુંદર, પણ લોકો એને એટલું જડતાથી લઈ લે. એટલે એક રાશન કાર્ડ જેવી વસ્તુ માટે એ લોકોને પાંચ મહિના કે એક વર્ષ સુધી ધક્કા ખાવા પડે, એની આપણને શરમ આવે. સંવેદના નામનું તત્ત્વ એમનામાં ધૂંધળું થઇ ગયું હોય એવું દેખાય. એટલે બહુ અઘરું છે. પણ હવે મારા કામથી લોકો પરિચિત થયા છે અને હું સરકારના બોર્ડમાં બેસું છું એટલે અધિકારીઓ સાંભળતા થયા છે, તેમ છતાંય આપણને થકવી નાખે. હું બહુ સાચું કહું તો સરકાર દ્વારા કરોડો રૂપિયા કલ્યાણ યોજનાઓને ફાળવવામાં આવે છે એનો જો સરખી રીતે ઉપયોગ થાય તો ભારતમાં કાર્યરત સંસ્થાઓ પૈકી કોઈએ કામ કરવાની જરૂર નથી. એટલે અઘરું તો છે, પણ મને લાગે છે કે એમાં લાગ્યા રહેવું જ પડે અને એ તંત્રને આપણે જ સંવેદનશીલ બનાવવું પડે.
પ્રશ્ન: મિત્તલ તમે ઘણી બધી વિચરતી-વિમુક્ત જાતિઓ સાથે કામ કરો છો. એ દરેક જાતિની અલગ અલગ સામૂહિક ખાસિયતો તો હશે પણ આપણે એ બધી જ જાતિઓને એક સમૂહ તરીકે જોઈએ તો એમની પ્રજાકીય ખાસિયતો શું છે? આ બધા જ લોકો બહુ મજાના છે. એમની બધાની ભાષા એક જ મૂળ, ગુજરાતી. પણ એમની અંદરો અંદર વ્યવહાર માટેની બોલી અલગ અલગ. એ ૪૦ જાતિઓ છે અને એ દરેકેદરેકનો પહેરવેશ જુદોજુદો. એમાંના કેટલાક હવે શહેરમાં વસવા આવ્યા એટલે શહેરનો પહેરવેશ અપનાવ્યો છે. પણ સૌથી રસપ્રદ બાબત તે આ બધાની પોતપોતાના સમાજોની પંચાયતો છે. એટલે કોઈપણ નાના-મોટા ટન્ટો-ફસાદ થાય તો એ પંચાયત નિર્ણય કરે. એમાંની ઘણીખરી જાતિઓમાં સ્ત્રીઓનું સ્થાન બહુ જ ઊંચું છે એ મેં જોયું છે. લગ્ન પછી કોઈ સ્ત્રીના જીવનમાં પ્રશ્ન થાય તો એમની પંચાયત એ સ્ત્રી તરફી ચૂકાદો આપે છે. એમનું સંગઠન પણ જબરું છે. ધારોકે એક ગામમાં ૫૦૦ ઘરની વસ્તી હોય અને એમાં કોઈ ઘર્ષણ થાય તો એમની પંચાયત જે નિર્ણય લે તો આખું ગામ એમાં ભાગીદાર થઈ એ નિર્ણયને માથે ચડાવે છે. અને એ પણ એટલું જ સાચું છે કે બાહ્ય સમાજના આપણે બધાં એમનામાં બહુ સ્વીકૃત નથી. એમને આપણા પર બહુ ભરોસો નથી પડતો એટલે એમની અંદરની જે વાતો હોય તે આપણને કહેવાનું એ લોકો ટાળતા હોય છે. કેટલીક બાબતો નેગેટીવ પણ છે, ખાસ કરીને દીકરીઓનું ભણતર. કેટલાક સમાજોમાં એક પણ દીકરી પાંચમા-સાતમા ધોરણથી ભણી નથી. મને આ કામ કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો પણ આ સમાજની સ્ત્રીઓ ભલે ડૂગડૂગી વેચવાનું કે બંગડી-બક્કલ-બોરિયા વેચવાનું કામ કરતી હોય, પણ એમને એ કરવા બહાર જવાની છૂટ છે. એટલે એ રીતે એ મહિલાઓ બહુ એમ્પાવર્ડ કહી શકાય એવી છે.
પ્રશ્ન: આપણે મહામારીના સમયમાં જીવીએ છીએ. મહામારીનો આ ગાળો આ જાતિઓના લોકો માટે કેવો સમય રહ્યો છે? આમાં હું એ સમાજને બે વિભાગમાં વહેંચીશ. કેટલાક એવા છે જે શહેરોમાં આવીને મુખ્ય ધારાના સમાજમાં જીવે છે. એમના સુધી કોરોના વાયરસ પહોંચ્યો છે. અને જે લોકો હજી એમના જ વિચરણ અને એમના જ વ્યવસાયોમાં જીવે છે એમનામાં કોરોનાનો એક પણ કેસ નથી થયો. વાદી-મદારી કે સરાણિયા લોકોમાં હજુ આ વાયરસ આવ્યો નથી. હવે સરકારી સ્તરે જો હું વિચારું તો જે ગંભીર બીમારીમાં સપડાયા એ લોકો માટે તો જેમ બીજા લોકોને માટે થયું એવું થયું, પણ અમુક લોકોને કોરોના અડ્યો પણ નથી. એવા આખા સમાજો છે જેમાં એક પણ મૃત્યુ નથી થયું એમનું રસીકરણ કરવાનો પડકાર સરકાર માટે ઊભો થયો છે. એ લોકોને એમ છે કે અમને તો આવું કંઈ થયું નથી એટલે એ લોકો આમાં માનતા નથી. બીજું એમની માન્યતાઓ છે કે વેક્સિન લઈશું તો બે મહિનામાં મરી જઈશું. કેટલાક એવું માને છે કે વેક્સિન લેવાથી આપણે નપુંસક થઈ જઈશું, કેટલાક એવું માને છે કે વેક્સિન લઈશું તો આપણે શું શું કરીએ છીએ એ સરકારને બધી ખબર પડી જાય. એમને સમજાવીને રસી લેવા તૈયાર કરવા એ બહુ મોટો પડકાર છે અને અમે પણ એમને તૈયાર કરવા પ્રયત્ન કરીએ છીએ.
પ્રશ્ન: આટલાં વર્ષોથી આ કામ કરો છો એટલે સ્પર્શી જાય એવા કે યાદ રહી જાય એવા પ્રસંગો તો અનેક હશે. પણ એવા કોઈક પ્રસંગોની વાત કરશો? એક વાત કહું તો ડફેર સમૂહની આખી એક વસાહત અને એમના વિશે એ વખતે હું બહુ જાણતી નહોતી, પણ એ લોકો ખૂંખાર એવું મેં સાંભળેલું. એક વખતે મેં છાપાંમાં વાંચેલું કે કોઈક ગામ પાસે ડફેરોનો વાસ છે અને એમનો ત્યાં ત્રાસ છે. એ માહિતીના આધારે હું એ ગામમાં પહોંચેલી. ગામથી લગભગ ત્રણ-ચાર કિલોમીટર એમનો ડંગો, ત્યાં એક બહેન મને લઈ ગયેલી. એમની પરીસ્થિતિ એટલી ખરાબ હતી. પહેલાં તો એમણે મને દૂરથી આવતી જોઈ એટલે એ બધા એકદમ ઊભા થઈ ગયા, ખાસ કરીને પુરુષો. જાણે બધા ત્યાંથી ભાગવાની તૈયારી કરતા હોય એવું લાગ્યું. મેં પેલાં બહેનને પૂછ્યું કે આ લોકો આમ કેમ કરે છે? તો એમણે કહ્યું કે કદાચ પોલીસ હોય તો એમને ભાગવાની ખબર પડે એટલા માટે. પછી તો પેલાં બહેન મારી સાથે હતાં એટલે બધા બેઠા અને મારી સાથે એમણે વાત કરી. ચોમાસું હતું, છાપરાંની અંદર પણ કાદવ-કિચડ હતો. એમાં પ્લાસ્ટિક પાથરીને એક બહેન એના નાનકડા ૩-૪ દિવસના બાળકને લઈને ખાટલા પર મારી સામે બેઠી હતી. એ બાળક રડતું હતું અને મને વાત કરવામાં ડીસ્ટર્બ થતું હતું. એટલે એ બહેનને મેં કહ્યું કે આ બાળકને ફીડીંગ કરાવ ને. મેં જેવું કહ્યું એટલે એણે તરત કહ્યું કે તું આને ધવડાવવાની વાત કરે છે? જ્યારથી આ એલી થઇ છે ત્યારથી જંગલી બિલાડા પણ બહાર નથી નીકળતા જેને મારીને ખાઈ શકાય. તો હું આને શું ધવડાવું?. ‘એલી’ એટલે ત્રણ-ચાર દિવસ સુધી સતત પડેલો ભારે વરસાદ-હેલી. તો આ વાતથી મને બહુ આંચકો લાગેલો. આપણે ત્યાં તો શેરીમાં કૂતરી વિયાય તો એને આપણે પંદર દિવસ શીરો કરીને ખવડાવીએ, એ રીતે આપણે એના માતૃત્વનું સન્માન કરીએ એ આપણી સંસ્કૃતિ છે. અહીં એક માણસે માણસને જન્મ આપ્યો, એને કોઈ પૂછવાવાળું નહીં? એની આવી દશા? એ પ્રસંગ હજુ મારા મનમાંથી હટતો નથી, એનાથી મેં નક્કી કરેલું કે હું આ કામ કરીશ. એવી જ એક બીજી ઘટના ૨૦૧૫માં અમદાવાદથી લગભગ ૬૦ કિલોમીટર દૂર ડફેર સમુદાયનો ડંગો હતો. સામાન્ય રીતે એ લોકો ગામથી દૂર, જ્યાં પોલીસ સહેલાથી પહોંચી ન શકે એવા સ્થળે પડાવ નાંખતા હોય. ચોમાસું, રાત, પાણી જોરદાર વરસે. ત્યાં દસેક પરિવારોનાં છાપરાં હતાં. જયારે ચોમાસું હોય ત્યારે છાપરાંની અંદર થઈને પાણી વહેતું હોય, અને એમના ખાટલા ખાસ્સા ઊંચા હોય. એ લોકો એ જ ખાટલા પર ત્રણ ઇંટો મૂકીને તબકડામાં રસોઈ પણ કરે. રાત્રે એ પતિ-પત્ની અને લાકડાના બે ટેકાની વચ્ચે એક ઘોડિયું બાંધેલું એમાં એક બચ્ચું. એ ત્રણ જણા સૂતા હતા અને પાણીનો આવરો વધ્યો. એકાએક એમણે એમનાં ફાટેલાં ગોદડાં અને ૨-૪ વાસણ જેવો સામન બચાવવા માટે ખસેડવો પડ્યો. એ પછી અચાનક પેલી બહેનનું ધ્યાન ગયું કે મારું બાળક ક્યાં. બંને જણ દોડતાં ઝૂંપડીમાં પહોંચ્યાં ત્યાં તો ઘોડિયાની ઉપર થઈને પાણી જતું હતું. આ ઘટના રાત્રે ત્રણેક વાગે ઘટી અને મને સવારે સાડા છ વાગે એમનો ફોન આવ્યો. એમણે મને ફોન એટલે કર્યો કે બાળકની દફનવિધિ ક્યાં કરવી એની ખબર નહોતી. એ લોકોનો પહેરવેશ હિંદુ જેવો અને ધર્મે એ લોકો મુસ્લિમ છે. કબરસ્તાનોમાં પણ એમના દફન માટે જગ્યા આપતા નથી હોતા. એ બહેન, એનું નામ સાયરા, એણે ફોન ઉપર છાતીફાટ રડતાં રડતાં કહ્યું કે બહેન અમે તો જંગલી જાનવરો કરતાં પણ ગયાં, ગાભાનાં ગાદલાં જેવી વસ્તુઓ બચાવવામાં હું મારા પેટના જણ્યાને ભૂલી ગઈ. હું તમને વર્ણવી નહીં શકું કે આ આખી ઘટના મારે માટે કેટલી હચમચાવી નાંખનારી હતી. આવા દુઃખના પ્રસંગો રોજેરોજ સાંભળવા મળે છે.
એક-બે સુખદ ઘટના પણ તમને કહું. ડીસામાં રહેતા સરાણિયા લોકોને જ્યારે ફોટો વાળા મતદાર કાર્ડ મળ્યા ત્યારે મારા એક કાર્યકરે મને ફોન કરીને જણાવ્યું. મેં એમના મુખીને ફોન કર્યો કે ચાલો તમને કાર્ડ મળી ગયું તો હવે તમને કેવું લાગે છે. ત્યારે એ લોકોએ મને કહ્યું કે અમે તો બધા ચાલતા જૂના રણુજા જઈએ છીએ. મેં પૂછ્યું કે કેમ જાવ છો, તો કહે કે અમે માનતા માની હતી. આપણને નવાઈ લાગે કે મતદાર કાર્ડ માટે કોઈ માનતા માની શકે, પણ એ આવા નોખા માણસો છે.
મારી દીકરી જન્મી એ પહેલાં થોડો વખત મારી તબિયત ઘણી ખરાબ હતી. તો દીકરી આવી પછી એ બધાને ખબર પૂછવા આવવું હતું અને મેં એમને ના પાડી. એમને બહુ માઠું લાગ્યું. પછી મારી દિકરી એક વર્ષની થઈ ત્યારે એક કાર્યકરે ત્યાંથી મને અચાનક ફોન કર્યો કે બહેન એક ઘટના બની છે અને તમારે તેમજ મૌલિકભાઈએ બંનેએ તરત આવવું પડશે. અમે એ ગામમાં પ્રવેશ્યાં ત્યાં લગભગ અમારા એ બૃહદ પરિવારના બધા જ લોકો-લગભગ ૫૦૦-૬૦૦ માણસો, સરસ રંગબેરંગી નવાં કપડાં પહેરીને ત્યાં હાજર હતા. બેન્ડ-વાજાં અને ઢોલ-શરણાઈથી અમારું સામૈયું કર્યું. એક મોટો મંડપ બાંધ્યો હતો અને ત્યાં મારી દીકરીનો જન્મદિવસ ઉજવવાનું એમણે આયોજન કરેલું. હું રડી પડેલી આ આખી ઘટનામાં. કારણકે આ એવો સમાજ છે જેમનામાં પોતાનું બચ્ચું ક્યારે જન્મ્યું એ એમને ખબર ન હોય. એટલે હું કહેતી હોઉં છું કે ભારતની સમગ્ર વિચરતી જાતિનો સામૂહિક જન્મદિવસ એ પહેલી જૂન છે. મારી આખી કાર ભરાઈ જાય એટલી ભેટો એ લોકો લઇ આવેલા. એમાં એક ભેટ સોનાનો ‘ઓમ’ પણ હતો. મને અને મૌલિકને પણ પહેરામણી કરી. એટલે મને થાય છે કે હું કેટલી નસીબદાર છું. મારા પર કેટલી કૃપા છે, ભગવાને મને કેટલું બધું આપ્યું છે!