ભારેલો અગ્નિ/૧૩ : શિવરાત્રિ: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 07:37, 8 October 2023
અંધારી રજનીઓમાં
ઊઘડે ઉરનાં બારણાં હો બહેન!
ન્હાનાલાલ
નદીકિનારાનું નાનકડું શિવાલય અજાણ્યા વટેમાર્ગુને મહત્ત્વ વગરનું લાગે એવું હતું; પરંતુ શિવરાત્રિનું ટાંકણું એ શિવાલયને અણકલ્પ્યું માહાત્મ્ય અર્પતું. ભૈરવનાથને નામે ઓળખાતું એ સ્થળ શિવરાત્રિને દિને પચાસ પચાસ ગાઉના યાત્રાળુઓને આકર્ષતું; અને તેથી આઘેના યાત્રાળુઓ પણ એ જ સુદીને ભૈરવનાથનાં દર્શન કરવાની આકાંક્ષા રાખતા. વિહાર ગામ તે દિવસે શહેર બની જતું. યાત્રાળુઓની સંખ્યા વધારનારા સાધુ, સંન્યાસી, નટ, ખેલવાળા, દુકાનદારો સ્થળની મહત્તામાં ઉમેરો કરતા, અને દર વર્ષે શિવરાત્રિને દિવસે વિહાર ગામ ભૈરવનાથનો જબરજસ્ત મેળો ભરાતો. પગે ચાલીને, ગાડામાં બેસીને, ઘોડા ઉપર કે પાલખીમાં, પોતપોતાની સંપત્તિ પ્રમાણે યાત્રાળુઓ આવતા અને એ કાળીરાત્રિના મધ્યમાં થતું શિવપૂજન નિહાળી, શિવદર્શન કરી, આરતીની આશકા લઈ, નદીસ્નાન કરી બીજે દિવસે વિદાય થતા.
ભૈરવનાથનું મંદિર મોટું થઈ શકે એમ નહોતું. તેની આસપાસ ધર્મશાળા પણ બાંધી શકાય એમ નહોતી. કારણ, લોકોમાં એવી દંતકથા ચાલતી હતી કે ભૈરવનાથના મંદિરમાં જરા પણ ફેરફાર કરનાર ઉપર ભૈરવનાથ અપ્રસન્ન હતા, અને લોકવાયકા ન માની તેવો પ્રયત્ન કરનારને રાતમાં ને રાતમાં એવો ચમત્કાર બતાવતા કે તે ધર્મશાળા અગર ચોતરો બંધાવવાનું કામ તત્કાળ પડતું જ મુકાતું. ગામનાં ઘટાદાર વૃક્ષો, નદીકિનારાના મોટા પથ્થરો, અગર ગમે ત્યાં તત્કાળ ઊભા કરેલા વાંસના નાના માંડવા લોકોને ઊતરવાની સગવડ રૂપ બનતાં.
નાના ગામનાં મકાનો પણ યાત્રાળુઓથી ઊભરાઈ જતાં. ખુલ્લા મેદાનમાં પડી રહી ટાઢ સહન કરવાની શક્તિ ન હોય એવા અનેક સુખવાસી યાત્રાળુઓ પણ શિવદર્શનનું શ્રેય મેળવવા આવતા હતા; અને ગામમાં નાનાં મોટાં મકાનોમાં ઓળખાણથી, અગર થોડી ખુશબખ્તીથી સ્થાન મેળવતા હતા. એક પાઠશાળા જ માત્ર એવું સ્થાન હતું કે જ્યાં ઓળખાણ પરવાનગી કે ખુશબખ્તીની જરૂર વગર યાત્રાળુઓ વિસામો લઈ શકતા. જેને બીજું કાંઈ જ સાધન ન હોય તેને પાઠશાળામાં સ્થાન મળતું.
‘આ વખતે બહુ માણસો ભેગાં થયાં છે.’ કલ્યાણીએ કહ્યું.
‘દર વખત એમ જ લાગે.’ ત્ર્યંબકે જવાબ આપ્યો. ત્ર્યંબનો ઘા રુઝાયો હતો. પરંતુ તેને બહાર નીકળવાની મનાઈ હતી.
‘ના ના; કંઈ નવી નવી ટોળીઓ દેખાય છે. જાણે લશ્કરી ટોળી હોય એમ તો લાગ્યું.’
‘સૈનિકોએ યાત્રા ન કરવી એવો તો કાયદો નથી ને?’ ગૌતમે હસીને પૂછયું.
‘કાયદો ન હોય તો કરવો જોઈએ. મારવાનો ધંધો લઈ બેઠેલા કસાઈઓને યાત્રા કેવી?’
‘કલ્યાણીને સૈનિક ગમતો નથી.’ ગૌતમે આંખ ચમકાવી કહ્યું.
‘ન જ ગમે વળી.’
‘એને તો પદ્માસન વાળી શ્વાસ રોધી રહેલો ઋષિ ગમે.’
‘અલબત્ત! પરંતુ ગૌતમ! તેં પદ્માસનની વાત કરી ત્યારે મને કમળ લઈ ફરતો ફકીર સાંભર્યો.’ કલ્યાણીએ કહ્યું.
‘કોણ?’
‘એક ફકીર ગઈ કાલનો આવ્યો છે. એના હાથમાં એવું સરસ કમળ હતું!’ કલ્યાણી બોલી.
‘આપણા મેળામાં ફકીરોયે ખરા!’ ત્ર્યંબક બોલ્યો. સાથે ઊછરેલી આ ત્રિપુટીને ભેગાં બેસી વાતો કરવાની છૂટ હતી.
‘ફકીરો જ નહિ, પણ પાદરીઓયે આવે છે ને!’ ગૌતમે કહ્યું.
ત્ર્યંબકે ગૌતમની સામે જોયું. કલ્યાણી એટલામાં બોલી ઊઠી : ‘આપણા પાદરી તો જવાના છે.’
‘આપણા પાદરી વળી કયા?’ ગૌતમે તિરસ્કારથી પૂછયું.
‘કેમ? આપણા યુવાનસેન.’
‘તને કોણે કહ્યું?’ ત્ર્યંબકે પૂછયું.
‘લક્ષ્મીએ.
લક્ષ્મીના નામ સાથે ત્રણે જણે પરસ્પર આંખો મેળવી; લક્ષ્મીને ત્ર્યંબક માટે એક પ્રકારની ઘેલછા હતી તે વાત જાણીતી થઈ હતી. લક્ષ્મી અને ત્ર્યંબક અંધારી રાતે ભેગાં મળ્યાં હતાં. એની પણ સહુને ખબર હતી. લક્ષ્મી-લ્યૂસીને એક કાળા હિંદી સાથે એકલી જોઈ, તે કારણે એક ગોરા પાદરીએ ત્ર્યંબકને છરો માર્યો હતો. એ જાહેર વાત હતી છતાં કોઈએ તેની વિગત માગી નહોતી. ત્ર્યંબક લ્યૂસી પાસે શા માટે ગયો હતો તે પણ કોઈએ પૂછ્યું નહોતું. એકાદ વિદ્યાર્થીએ ત્ર્યંબકની ચાલ માટે સહજ ઘસાતા ઉદ્ગાર કાઢયા તેને રુદ્રદત્તે બોલાવી કહ્યું :
‘જો, ભાઈ! મારો વિદ્યાર્થી છૂપું પાપ કરે જ નહિ હો!’ ત્યાર પછી વિદ્યાર્થીઓની ત્ર્યંબક વિષેની કલ્પના તરંગે ચડતી નહિ. માત્ર લ્યૂસીને ત્ર્યંબક તરફ અતુલ સદ્ભાવ છે – પ્રેમ છે, એ વાત ખુલ્લી રીતે મનાતી હતી. લ્યૂસીએ પોતાને એ વાતમાં વાંધો લેવા જેવું લાગતું નહોતું. તેણે બધીયે વિગત વગર પૂછયે પોતાની બહેનપણી કલ્યાણીને કરી દીધી હતી.
‘પણ લક્ષ્મી જશે એ મને જરાય ગમશે નહિ.’ કલ્યાણીએ કહ્યું. કલ્યાણી ખરું કહેતી. તેને અને લ્યૂસીને ભારે સહીપણાં થઈ ગયાં હતાં. માત્ર એ યાવની ભાષા શીખતાં પકડાઈ જવાય એની તેને આછી આછી બીક રહેતી.
‘શા માટે જાય છે?’ ગૌતમે પૂછયું.
‘ત્ર્યંબકને લીધે.’ કલ્યાણી બોલી.
‘મારે લીધે?’ આશ્ચર્ય પામી ત્ર્યંબક બોલ્યો.
‘એક રીતે કહીએ તો મારે લીધે.’
‘કેવી રીતે?’
‘તને છરો મારી ગયો એ પાદરી મોટા પાદરી આગળ યુવાનસેનનું બહુ ભૂંડું બોલ્યો. યુવાનસેન હિંદુ બની જાય છે અને લક્ષ્મીને હિંદુની સાથે પરણાવવાના છે એવી વાત તેણે લખી એટલે તરત તેમને બદલ્યા.’
‘ક્યાં બદલ્યા?’
‘માળવાના એક જંગલમાં.’
‘ક્યારે જશે?’ ત્ર્યંબકે પૂછયું.
‘મેળો પૂરો થયે એકબે દિવસમાં.’
‘ગૌતમ! ગુરુજીને પૂછ કે હું આજે મેળો જોઈ આવું?’ ત્ર્યંબકે ગૌતમને વિનંતી કરી.
‘આજે હરકત નથી; ગુરુજી કહેતા હતા; થોડું ફરી આવીશ તો ચાલશે.’ ગૌતમે કહ્યું.
‘ત્યારે તો હું ચાલવા માંડું. બહુ અકળાઈ રહ્યો છું.’ કહી ત્ર્યંબક ચટાઈ ઉપરથી ઊભો થયો.
‘એકલો નહિ; સાથે આવું છું.’ ગૌતમે કહ્યું.
બંને જણ તૈયાર થયા. બંનેના દેહ ઉપર ધોતિયું અને અંચળો ઊડતાં હતાં. ગળામાં રુદ્રાક્ષની માળા લટકતી હતી અને લાંબા વાળ કાનને ઢાંકતા, ખભા પર ઝઝૂમતા વેરાયેલા હતા. ચાખડીઓ પહેર ઓસરી ઓળંગતા એ બંને સુદૃઢ યુવકોને કલ્યાણી નિહાળી રહી. નૈષ્ટિક ઋષિકુમારી તપોવનમાંથી આવ્યા હોય એવા એ બંને બ્રહ્મકુમારો બ્રાહ્મણતત્વની જીવંત જ્યોત સરખા તેને લાગ્યા. બંને તેને અત્યંત વહાલા હતા; બંનેને માટે તે મરી શકે તેમ હતું. ત્ર્યંબકને કલ્યાણીની સારવાર ન હોત તો તે આટલી ઝડપથી સાજો થઈ શક્યો ન હોત. પરંતુ એ બંને કેવા જુદી જુદી રીતે વહાલા લાગતા હતા? ત્ર્યંબક પ્રત્યે તેને એક બહેન સરખો ઉમળકો આવતો હતો. અને ગૌમત પ્રત્યે?….
આંખ પાછી ફેરવી કલ્યાણી ચોકમાં બાંધેલા વાછરડા તરફ વળી.
ગૌતમ અને ત્ર્યંબક ગુરુજીની બેઠક પાસે ગયા. દિવસનો ત્રીજો પહોર થતો હતો. બંને શિષ્યોએ નમીને ગુરુનાં ચરણનો સ્પર્શ કર્યો.
‘આજ્ઞા હોય તો હું ભૈરવનાથ જઈ આવું.’ ત્ર્યંબકે કહ્યું.
‘જા બેટા! મૈં ગૌતમને આજે કહ્યું હતું કે તને દર્શને લઈ જાય.’
બંને જણ બેત્રણ ડગલાં આગળ ગયા એટલે રુદ્રદત્તે પાછું કહ્યું :
‘જો ત્ર્યંબક! થાક લાગે એટલું ફરીશ નહિ.’
‘ગુરુજી! એને થાક લાગશે તો હું ઊંચકી લઈશ.’ હસીને ગૌતમે કહ્યું.
‘તમે બંને બહુ સારા દેખાશો. પણ ગૌમત! જો તુંયે બહુ રોકાઈશ નહિ. તારી નાતનાં ઘણાં માણસો આવ્યાં છે.’ રુદ્રદત્તે કહ્યું.
‘મારી નાતના? હું જુદી નાતનો છું?’ ગૌતમે સહજ પ્રશ્ન કર્યો.
‘હા; તું સિપાઈ છે. લશ્કરની બેત્રણ ટુકડીના માણસો યાત્રાએ આવ્યા છે.’
‘આપે ક્યાંથી જાણ્યું? કોઈનો પોષાક તો એવો દેખાયો નહિ.’
‘પોષાક તો સાદો જ છે. ઘણું કરી સદરફેર કરતી ટુકડીઓ આમથી જતી હશે તેમને ભૈરવનાથનું માહાત્મ્ય કોઈએ કહ્યું હોય.’
‘મને હવે પકડાવાનો ભય નથી.’
‘તું ત્ર્યંબકને સાચવીને પાછો લાવ એટલે બસ.’ રુદ્રદત્તે કહ્યું, અને તેમણે પોતાની આંખ પાસે પડેલા એક ગ્રંથ તરફ ફેરવી. બંને શિષ્યો પાઠશાળા બહાર નીકળ્યા. ત્ર્યંબક ઘણે દિવસે ઘરમાંથી ગામમાં નીકળતો હતો. તેના હૃદયમાં અવનવો ઉત્સાહ હતો. માંદગીનું બિછાનું અને કારાગારની કોટડી ઘણે અંશે સરખાં હોય છે. એમાંથી છૂટનાર કોઈ અવનવી લાગણી અનુભવે છે : તેને જીવનમાં અને જગતમાં નવો જ રસ દેખાય છે. ત્ર્યંબકે પ્રસન્નતા અનુભવી.
બંને મિત્રો ધીમે પગલે ચાલતા હતા. વિહાર ગામમાંથી માનવીઓનાં ટોળાં વહ્યે જતાં હતાં. સ્ત્રી, પુરુષ, બાળક સર્વમાં જાગૃતિ આવી ગઈ લાગતી હતી. પંચરંગી વસ્ત્રાો પહેરી મોટેથી વાતો કરતાં માનવીઓ પોતાનો ઉત્સાહ વિવિધ રીતે વ્યક્ત કરતાં હતાં. નાનાં બાળકો રમકડાં ખાદ્ય પદાર્થો અને ચગડોળની આસપાસ ભમી પોતાનાં વડીલોને પણ ભમાવતાં હતાં. યુવકો દેખાવડા બની યુવતીઓની દૃષ્ટિએ પડવા આમતેમ ફરી રહ્યા હતા. સ્ત્રીઓ કોઈ કોઈ સ્થળે ગરબામાં શિવસ્તવનો ગાતી ફરતી હતી અને શિવસ્તવનો ખૂટી જતાં ગરબાઓમાં રાધાકૃષ્ણનાં ગીતોથી પૂર્તિ કરતી હતી. ભાવિકો ટોળે વળી ભજનો ગાતા હતા. અર્ધભાવિકો ઘડીમાં ભજનની મંડળીમાં બેસતા તો ઘડીકમાં દુકાનો ઉપર લટાર મારી આવતા. ઘોડે બેસી આવેલા ઘોડાની જ શરતો રમતા હતા. ગઠિયાઓ ટોળાનો લાભ લઈ ગિરદી કરી મૂકી. લોકોનાં ખિસ્સાં ફંફોસતા હતા. આમ ચારે બાજુએથી વિહાર ગામડું ચૈતનભર્યું બની ગયું હતું.
રસ્તે ચાલતાં જ આ મેળાની બધી યોજના દેખાઈ આવતી હતી. પરંતુ ગૌતમ અને ત્ર્યંબકની નજર બીજે કશે ન ચોટતાં લાકડીપટા-ફરીગદકાની રમત કરતા એક માનવ-વર્તુળ તરફ ચોંટી. તેમણે એ રમત જોવા પગ ઉપાડયા.
‘આ નવું છે, આ વર્ષે.’ ત્ર્યંબક બોલ્યો.
દર વર્ષે ઘોડાની દોડ થતી; ભીલ લોકો વધારે સંખ્યામાં હોત તો તીરંદાજીના પ્રયોગો થતા. પરંતુ લકડીપટાની મર્દાનગીભરી રમત રુદ્રદત્તની પાઠશાળાના અખાડા બહાર કદી જાહેર થઈ હોય એમ ત્ર્યંબકને સાંભરતું નહોતું.
માનવીઓની મોટી ઠઠ આ મર્દાનગીભરી રમત નિહાળવા જામી હતી. ત્રણ ત્રણ ચચ્ચાર દ્વંદ્વ એકસામટાં લાકડી અને ઢાલથી વીરરસને દીપતી રમત કરતાં હતાં. પગના પેંતરા, હાથની કૌશલ્યભરી ઝડપ, લાકડી અને ઢાલના સટાસટ થતા અવાજ, અને ક્વચિત્ ખેલાડીઓના હુંકારા આપી રમતને બહુ આકર્ષક બનાવી રહ્યા હતા.
એક વૃદ્ધે એકલાએ છસાત વીરોની સામે રમત કરી તેમને માત કર્યા. ભરાવદાર દાઢી અને મોટા ઊછળતા વાળ તેને એક સિંહ સરખો શોભાયમાન બનાવતાં હતાં. વિજેતા વૃદ્ધવીરે માનવમેદનીને ઘેરે સ્વરે આહ્વાન આપ્યું :
‘કોઈ છે મારી લાકડી પાડે એવો?’
ત્ર્યંબક અને ગૌતમના હાથ ક્યારના સળવળી રહ્યા હતા. ગૌતમ સમજી ગયો હતો કે લશ્કરીઓ સિવાય આવી લકડીપટાની રમત બીજાઓ ભાગ્યે જ જાહેરમાં કરતા. હિંદી સિપાઈઓની નવરાસ એ રમતમાં વપરાતી.
‘આપણી ઢાલ-લાકડી હોત તો કેવું?’ ત્ર્યંબક બોલ્યો.
‘તું વિચાર ન કરીશ; તારો ઘા ઊબળી આવશે.’ ગૌતમે કહ્યું.
તેમની પાસે જ ઊભેલા એક લશ્કરી યાત્રાળુએ આ વાત સાંભળી અને ત્ર્યંબકની પીઠ થાબડી કહ્યું :
‘જા, જા એક ઝપટ કરી લે.’
‘કોણ આવે છે?’ વૃદ્ધ ગર્જ્યો.
‘ઢાલ-લકડી પાસે નથી. નહિ તો હું આવત.’ ગૌતમે જવાબ દીધો.
‘એમ? તારે જોઈએ તો તને અહીંથી જ અપાવું.’ વૃદ્ધે કહ્યું.
ઢાલ-લકડી આપનાર ઘણા જણ નીકળી આવ્યા. ગૌતમ ટોળામાંથી બહાર આવી રમતના વર્તુળમાં ઊભો. મેદની શાંત થઈ ગઈ. ગૌતમે એક સારી લાકડી અને ઢાલ પસંદ કર્યાં. વૃદ્ધ ખેલાડીની પાસે જઈ, તેના પગનો સ્પર્શ કરી, એણે નમસ્કાર કર્યા. વૃદ્ધે તેના મસ્તક ઉપર હાથ મૂક્યો અને તેના વિવેકથી પ્રસન્ન થઈ પૂછયઃં
‘બેટા! કોનો શાર્ગિદ?’
‘આપનો જ માની લ્યો.’ ગૌતમે કહ્યું.
‘નહિ, નહિ. તારા ઉસ્તાદનું નામ દે.’
‘તેમનું નામ દીપે એવો દાવ કરીશ તો હું તેમનું નામ દઈશ.’
‘અચ્છા! થઈ જા તૈયાર. એક યુવકને શરમાવે એવી છટાથી એ વૃદ્ધ બોલ્યો. બંનેએ પરસ્પર ઢાલ ઉપર લાકડી પછાડી. સલામી આપી હાથ મિલાવ્યા. જગતના વીરરસની એ અચૂક નિશાની છે. દ્વંદ્વયુદ્ધ – પછી તે ગમે તે પ્રકારનું હોય તોપણ તેમાં ઊતરનાર યુદ્ધ પહેલાં મિત્ર બને છે, અને યુદ્ધના પરિણામ પછી પણ મિત્ર બને છે.
સલામી થતાં બરોબર પરસ્પરની ઢાલો ઉપર લાકડીના પ્રહારની ઝડી વરસી રહી. યુદ્ધનૃત્યનો ખ્યાલ આપતા પગના પેંતરાં, ફલંગ અને ડગલાં. વીજળીની ઝડપથી ઉપરનીચે નિયમબદ્ધ કરતા હાથ, ઢાલ ઉપર થતા સટાસટ અવાજ અને ઊછળથા દેહ આ વીરત્વભરી કલામય રમતને જીવંત બનાવતાં હતાં.
ગૌતમ જોઈ શક્યો કે એ વૃદ્ધની આવડત જેવીતેવી નહોતી. એ શાર્દૂલ સરખા વૃદ્ધનું ચૈતન્ય પણ યુવાન ગૌતમને અજિત લાગ્યું. ટોળું જોતજોતામાં વધી ગયું. ટોળામાંનું પ્રત્યેક માનવી વગર શ્વાસે જાણે આ યુદ્ધક્રીડા નિહાળતું હોય એવી શાંતિ પ્રસરી રહી અવાજ માત્ર ઢાલ-લકડીના ઘર્ષણનો જ થતો. ક્વચિત્ વૃદ્ધ વચમાં બોલી ઊઠતો :
‘શાબાશ!’ … ‘વાહ બેટા!’ ‘….રંગ!’
એક લાકડી એકાએક હવામાં ઊંચી ઊડી. લોકોએ એક ચીસ પાડી. ગૌતમ થંભી ગયો. તેણે પોતાના હાથ તરફ નજર કરી; લકડી તેના હાથમાં સાબૂત હતી ત્યારે એ શું થયું?
અચાનક પેલો વૃદ્ધ વીર ગૌતમને ભેટી પડયો. વૃદ્ધથી બોલાઈ જવાયું : ‘શાબાશ બેટા! શાબાશ! બહુ વર્ષે મારી લકડી મુકાવે એવો લડવૈયો મને મળ્યો!’
વૃદ્ધના કંઠમાં વાત્સલ્ય હતું. તેની લકડી ઊડી ગયાનો દ્વેષ તલપુર પણ તેના વખાણમાં જણાતો નહોતો. ગૌતમ સરખા વીર પ્રત્યે તેને ખરેખર ઉમળકો આવી ગયો હતો.
‘આપ તો વડીલ છો. પૂજ્ય છો. મારી જુવાની અને આપનું વાર્ધક્ય! ખરું જીત્યા તો આપ!’ ગૌતમ સંકોચથી બોલ્યો.
‘નહિ, નહિ. તારી આવડત અદ્ભુત છે. કહે, કયા ઉસ્તાદ પાસે તું શીખ્યો.’
‘મારા ગુરુનું નામ રુદ્રદત્ત.’ ગૌતમે કહ્યું.
‘રુદ્રદત્ત? હવે મને તારી આવડતનું કારણ સમજાયું. ક્યાં છે તારા ગુરુ?’
અચાનક ગૌતમની નજર ત્ર્યંબક તરફ વળી. ટોળાને મોખરે તે ઊભો હતો. પરંતુ ત્ર્યંબકની જોડે ત્ર્યંબકને ખભે હાથ મૂકી એ કઈ પ્રચંડકાય મૂર્તિ ઊભી હતી? રુદ્રદત્ત ત્યાં ઊભેલા હતા. ગૌતમે નમન કરી પેલા વૃદ્ધને અંગુલિનિર્દેશ કર્યો.
‘પેલા રહ્યા!’
વૃદ્ધ ક્ષણભર જોઈ રહ્યાં. દ્વંદ્વ પહેલાં તો એ ત્યાં નહોતા! ઝડપથી તે પાસે ગયો. તેનાથી બોલાઈ ગયું :
‘રુદ્રદત્ત?’
‘હા, મહાવીર!’ રુદ્રદત્તે જવાબ આપ્યો.
‘ત્રીસ વર્ષે મળ્યા નહિ?’
‘પણ તું આ લશ્કરમાં ક્યાંથી?’
‘રાજ્ય ગયું એટલે સિપાઈ બન્યો છું. અહીં કશુ પૂછીશ નહિ.’ બંને વૃદ્ધ સામસામે જોઈ રહ્યા.