અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રતિલાલ અનિલ/ઇન્સાનથી ઈશ્વર સુધી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઇન્સાનથી ઈશ્વર સુધી|રતિલાલ 'અનિલ'}} <poem> છું અષાઢી મેઘથી તે શ્રાવણી ઝરમર સુધી? તું જ છે વ્યાપેલ ઝંઝાવાતથી મર્મર સુધી! એક ધરતીની લીલા ને બીજી આકાશી કળા, રાતદી ચાલ્યા કરી — ઇન્સાન...")
 
(No difference)

Latest revision as of 07:08, 10 October 2023


ઇન્સાનથી ઈશ્વર સુધી

રતિલાલ ‘અનિલ’

છું અષાઢી મેઘથી તે શ્રાવણી ઝરમર સુધી?
તું જ છે વ્યાપેલ ઝંઝાવાતથી મર્મર સુધી!

એક ધરતીની લીલા ને બીજી આકાશી કળા,
રાતદી ચાલ્યા કરી — ઇન્સાનથી ઈશ્વર સુધી.

એટલો શ્રદ્ધા-અશ્રદ્ધાનો લીલા-વિસ્તાર છે —
દેવના મંદિરથી તે માનવીના ઘર સુધી.

શું વળી સન્માન ને અપમાન બીજાં, વિશ્વમાં?
પ્યાર ને ધિક્રા છે પૂજા અને ઠોકર સુધી.

ખેલતો કલ્લોલ ને આંદોલતો ગંભીર પણ,
એક અનહદ નાદ છે ઝરણાથી તે સાગર સુધી.

માર્ગ ને મંજિલ અગર જો હોય તો તે જ્યાં જ છે;
ચાલનારાના ચરણ ને પંખીઓના પર સુધી.

રંગ બદલે એટલે પરખાય ના એ તે છતાં —
પ્રેમ વ્યાપક છે બધે ધિક્કારથી આદર સુધી.

શું છે કોમળતા અને શું ક્રૂરતા — જાણી જશે!
શોધ એને એટલામાં ફૂલથી પથ્થર સુધી.

જે અહીં સંકુલ દીસે છે તેય છે વ્યાપક ઘણું,
જોઉં છું સૌંદર્યને હું કણથી તે અંબર સુધી.

કોઈનું દર્શન અહીં એથી નથી આગળ ગયું,
છે અહીં ચર્ચા બધી — નશ્વરથી તે ઈશ્વર સુધી.

ભાવનાઓ, કલ્પનાઓ, ઊર્મિઓ, તર્કો ‘અનિલ’,
મારાં દિલ-મનમાં ઊઠ્યાં — ઇન્સાનથી ઈશ્વર સુધી.

(રસ્તો, ૧૯૯૭, પૃ. ૩-૪)