સાહિત્યિક સંરસન — ૩/હસમુખ રાવલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <br> <center><big><big><big><span style="color: red">'''++ હસમુખ કે. રાવલ ++ '''</span></big></big></big></center> <br> <center>{{color|blue|<big>'''છાપાં ફાડતો માણસ —'''</big>}}</center> <br> <hr> {{Poem2Open}} શહેરની છેવાડાની સોસાયટીનું આ છેલ્લું મકાન છે. માણસ બારી પાસે ઊભો છે. બહારન...")
(No difference)

Revision as of 19:35, 31 October 2023


++ હસમુખ કે. રાવલ ++


છાપાં ફાડતો માણસ —



શહેરની છેવાડાની સોસાયટીનું આ છેલ્લું મકાન છે. માણસ બારી પાસે ઊભો છે. બહારનું દૃશ્ય આવું છે…

દૂર ક્ષિતિજ પર ખાંડા-બાંડા ડુંગર છે. તળેટીમાં નદી છે, પણ પાણી નથી. નકરી રેત છે. બંને કિનારાના પટમાં ખટારાની લાંબી લાઇન છે. પાસેના કિનારે આઠ-દસ વૃક્ષ છે. તે ઊભાં નથી, આડાં પડ્યાં છે. પાંદડાં સૂકાયેલાં છે. ડાળીઓ પર માળા છે, પણ પંખી નથી. સામા કિનારે ધૂળના ગોટા ઊડે છે. કોઈ રાજનેતાનો કાફલો ‘ટોય ટોય’ કરતો પસાર થઈ રહ્યો છે.

માણસ દૃશ્ય જોતો રહે છે. એકધારું જોતા કંટાળી એ બારી બંધ કરે છે. હવે રૂમમાં ઝાંખો પીળો પ્રકાશ દેખાય છે. માણસ ખુરશીમાં બેસે છે. બાજુના ટેબલ પર છાપાંની થપ્પી પડી છે. તે છાપાંમાં ઉભડક નજર નાંખે છે ને મોટેથી વાંચે છે - -કાબુલ બ્લાસ્ટનો એક સાક્ષી : મેં બાળકો ને વૃદ્ધોને ટુકડામાં વિખેરાતા જોયા, લાશો હવામાં એ રીતે ઊડતી હતી જાણે વાવાઝોડામાં પ્લાસ્ટિકની થેલીઓ ઊડતી હોય. માણસ છાપું ફાડે છે. બીજું છાપું. -આર્થિક તંગીથી એન્જિનિયર પિતાએ પહેલાં ટાઇલ્સ કટરથી બાળકોનાં ગળાં કાપ્યાં, પછી પોતે અને પત્નીએ ઝેર પીધું. માણસ છાપું ફાડે છે. આમ એક, બે, ત્રણ, ચાર, પાંચ... માણસ છાપાં ફાડ્યે જાય છે. થાકે છે ત્યારે ટીવી ઑન કરવા ઊભો થાય છે, પણ વિચાર બદલાતાં ટીવીનો પ્લગ ખેંચી નાખે છે. ત્યાં ખિસ્સાનો મોબાઇલ રણકે છે. એ રણકાર સાંભળે છે, સાંભળે જાય છે. કંટાળી મોબાઇલ ટેબલ પર પટકે છે, ને બબડે છે : શું સમાચાર હશે હત્યા કે આત્મહત્યા કે કુદરતનો પ્રકોપ? એનાં ટ્વીટર-ફેસબુક-વૉટ્સએપ પણ વિચિત્ર, એકથી બચીએ તો બીજું આંતરે... મીડિયાનાં વંઠેલાં વાંદરાં. ચોવીસે કલાક ખરુંખોટું ભરડે જ જાય છે.

પરેશાન માણસ ફરી બારી ખોલે છે. ઉપર આકાશ ગોરંભાયું છે. વીજળી ચમકે છે. નીચે ધરતી પર એનું એ જ દૃશ્ય છે. ખાંડા-બાંડા પર્વત, નદી, રેતી, ખટારા અને આડાં પડેલાં વૃક્ષ. ‘ભડામ્’ અવાજ સાથે માણસ બારી બંધ કરે છે. શરીર ખુરશીમાં પટકે છે. છાપાં ફાડે છે. ફાડે જાય છે, ઝાંખા પીળા પ્રકાશમાં.

થોડીવાર પછી રૂમનું બારણું ઊઘડે છે. એક સ્ત્રી પ્રવેશે છે. એ માણસની પત્ની છે. એની કાંખમાં દબાયેલું છાપું છે. હાથમાં ટ્રે છે. ટ્રેમાં ચાનો થર્મોસ છે, બે કપ છે, બિસ્કિટ છે. ટ્રે સ્ટૂલ પર મૂકી છાપાનો પંખો બનાવી હવા ખાતી બોલી પડે છે...

      -હાય હાય, કેવા બફારામાં બેઠા છો.

માણસ પત્નીનું ગૃહિણી રૂપ જોઈ રહે છે.

      -ઑફિસમાંથી લાંબી રજા લઈ ક્યાં બેઠા છો આ અંધારી ગુફામાં? મને તો હતું તમારી ઉદાસી દૂર કરવા મને કોઈ હિલ સ્ટેશન પર લઈ જશો. 
      -એમ હિલ સ્ટેશન પર મારી ઉદાસી દૂર ન થાય. 

પત્ની મુરઝાતા માણસને જોઈ રહે છે.


     -થાય, દુઃખ થાય. એક સગર્ભા સહકર્મી પર થયેલા સામૂહિક બળાત્કાર ને હત્યાના બનાવથી દુઃખ થાય, પણ એમાં આટલો બધો આત્મક્લેશ કરવાનો હોય?

-આ નાની ઘટના છે? એ કંપનીની વફાદાર કર્મચારી હતી. ઘરનાં દરેક કામમાં આપણે એકમેકને જેમ મદદ કરીએ છીએ એમ ઑફિસનાં દરેક કામમાં અમે એકમેકને મદદ કરતાં હતાં. અમે એકમેકનાં પૂરક હતાં. મારી તો ઑફિસની દુનિયા ઉઝડી ગઈ.

-તમારી ઑફિસના બોસ અને બીજા કર્મચારીઓ તો ‘પ્રભુ સદ્ગતના આત્માને શાંતિ આપે’ બોલતા શાંતિથી વીખરાઈ ગયા હતા. એક તમે જ અશાંતિનો યજ્ઞ માંડીને બેઠા છો. હશે, સમય ભૂલાવશે ભલભલા ઘા. 

-શું આજે જ હું આટલો દુઃખી થયો છું? સમજણ આવી ત્યારથી જ આવી નાની-મોટી દુર્ઘટનાઓ મને પીડતી રહી છે. સમય પણ ક્યાં ભૂલે છે લોહીયાળ ઘા? ઇતિહાસ ફેંદો, પ્રકૃતિ નિહાળો બધાં લોહીમાં તરબોળ છે. -પરાઈ પીડ જાણનારા ઓ મારા પરમ વૈષ્ણવજન, તમે તો ભૈસાબ, દુનિયાભરનો ભાર લઇને બેઠા છો. સામાન્ય માણસની જેમ જેવી છે એવી દુનિયા પચાવો ને ટેસથી જીવો. - મારાથી નથી જોવાતાં માણસનાં શબ, નથી સહેવાતું વરુ જેવા ભૂખ્યા માણસનું વિનાશક ચક્ર. હું ગરોળીની કપાયેલી પૂંછડી જેવો તરફડું છું. નથી દેખાતો કોઈ રસ્તો. હવે તો દેખાય છે, લટકતું દોરડું, પાટા પર ધસમસતું આવતું રેલગાડીનું એન્જિન, નાકમાં ઘોંચાતી ગેસની નળી…

અ રે રે રે . . . બોલતી પત્ની માણસની પાસે સરકે છે. તેની પીઠ પસવારે છે.

      - તમે તો મારે સાવ લજામણીના છોડ છો. હરણું જ નહીં પતંગિયાની પાંખ વીંધાય તોય દુઃખી થાઓ છો. હું સારી રીતે જાણું છું. તમને પણ મીરાંબાઇની જેમ આ જગ હળાહળ ખારો લાગ્યો રે. બળબળતી દુનિયા વિશે હવે વધારે કંઈ પણ જાણવાની શક્તિ રહી નથી. મનની બળતરા ઠારવા તમારે જાણેલું પણ બધું ભૂલી જવું છે.
      - એકઝેટલી, તું મારી દુઃખતી રગ જાણે છે.

      - પણ સાચું કહું, તમારો વલોપાત વાંઝિયો છે. માણસ છે ત્યાં સુધી દુનિયાને પજવતી ઘટનાઓ ઘટવાની છે. ને શ્વાસ છે ત્યાં સુધી આપણે ભોગવવાની છે. 

નકારમાં માથું ધૂણાવતો માણસ ઊભો થઈ જાય છે. બારી ઉઘાડી નાખે છે.

      - ના... ના... ના... એનો મતલબ જીવીએ ત્યાં સુધી પેલાં વૃક્ષો નીચે દટાયેલા સિંદૂરિયા પાળિયા, અપહરણ, અભાવગ્રસ્તોની આત્મહત્યાઓ, ઉશેરાતી કુદરત ને મુરઝાતી પૃથ્વી જોયાં કરવાની? પેલા કવિ ગાતા હતા, ‘મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિ નું.’ શું આ જ છે એ અવનિ નું અમૃત?

સ્ત્રી માણસને જોઈ રહે છે. ને મનમાં બબડે છે. : વળી વલોપાતે ચડ્યા છે. તડકા છાંયડામાં રમતી આ દુનિયામાં જીવતાં કેમ સમજાવું? મને તો મૂંઈને બસ એમની પીઠ પસવારતાં આવડે ને મલમ લગાડતાં આવડે. મૌન. કૂકરની વ્હીસલ વાગે છે. - લ્યો, સાથે ચા પીવી છે કે પછી એકલા પીશો ? માણસ હળવેથી પત્નીના ખભે હાથ મૂકી તેને ખુરશી પર બેસાડે છે. પોતે પણ ખુરશીમાં બેસે છે. ટેવવશ તેનો હાથ છાપાં પર પડે છે. - કહું છું, બે ઘડી છાપાંની લપ મૂકો ને ચા પીઓ. મારી સાથે અવનિ નાં અમૃતની ચુસ્કી માણો, જુઓ આમ. પત્ની હસે છે. માણસ હસવાનો પ્રયત્ન કરે છે પણ હસી શકતો નથી. બંને ચા પીએ છે. બિસ્કિટ ખાય છે. મૌન લંબાતું જાય છે.

      - જુઓ, આજનું છાપું લાવી છું. તેમાં કુંભમેળાના પવિત્ર શાહીસ્નાનના રંગીન ફોટા છે. તમને ગમશે.
      - હા, કોરોનાનું શાહીસ્નાન. 
      - તમને તો એવું જ દેખાય.
      - જે હોય તે દેખાય. હવે જોજે, આ શાહીસ્નાનના અશ્વમેઘનો ઘોડો પૂરા દેશમાં વિજયયાત્રાએ નીકળશે. 

માણસ છાપાનાં પાનાં આમતેમ ફેરવે છે. ફાડવાનું વિચારે છે. સ્ત્રી માણસનો ઇરાદો જાણી જાય છે પણ બોલવાનું કંઈ સૂઝતું નથી. કૂકરની વ્હીસલ વાગે છે. - લો, ફરી વ્હીસલ વાગી. હું જાઉં. હવે હું ને મારું રસોડું ને તમે ને તમારાં છાપાં. સ્ત્રી જાય છે.

છાપાની શાહીસ્નાનની રંગીન તસવીરો માણસના હાથમાં ફરફરે છે. ત્યાં વર્ષો જૂના એક કુંભમેળાની યાદો એના અસ્તિત્વમાં દોડી આવે છે. બચપણનો સમય. વિધવા માસી આવી ગયાં છે. મમ્મી-પપ્પાના કુંભયાત્રાના બિસ્ત્રા બંધાઈ ગયા છે. બાળક સાથે જવાની જીદ કરે છે. મમ્મી તેને પટાવે છે. “ના બકા, તારે નિશાળ છે. માસી પાસે રહેજે. આંગણાના બગીચામાં રમજે. હું તો ચટ ગઈ ને પટ આવી. પંદર દિવસનો તો સવાલ છે.” એ ગયાં. નિશાળ, દોસ્તો, બગીચો, લેસન, માસી બધાં હતાં પણ બાળકને એકલું એકલું લાગે. એ માસીને વારંવાર ફરિયાદ કરે - ‘માસી, તું તો માળા ફેરવે ને ભજન ગાતી આખો દિવસ ઘરકામ કરતી રહે. હું કોની સાથે રમું? આ જાડીભમ ઢીંગલી બોલતી જ નથી.’ માસી એના કાનમાં કહે, ‘કોઇને કહેતો નહીં. મમ્મી કુંભમેળામાંથી તારી સાથે રમે એવો નાનકડો ભાઈ કે નાનકડી બહેન પણ લાવશે.’

      - હેં, સાચી વાત ?
      - હા, પણ એ સાવ બબુકડું હશે. પાંચ-છ મહિના સાડી નીચે સંતાડી રાખશે. ઠીક ઠીક મોટું થયે તને બતાવશે. 

બાળકને થાય એ તો હું મમ્મીની સોડમાં સૂઈ જઈશ ને, એટલે છાનોમાનો સાડી નીચે જોઈ લઈશ.

પછી તો વર્ષો સુધી અનેકો દ્વારા માણસના કાનમાં કુંભમેળાનું ધગધગતું સીસું રેડાતું રહ્યું.

- તારા પપ્પા પ્રસાદ લેવા ગયા ને મેદની વચ્ચેથી લફંગાઓ તારી મમ્મીને ઘસડી ગયા. વસ્તી ‘લફંગા લફંગા’ પોકારતી રહી. છાપાં બે-ચાર દિવસ લફંગા લફંગા છબ્દો વચ્ચે તારી મમ્મીનો ફોટો છાપતાં રહ્યાં. પોલીસચોકી રિપોર્ટમાં ‘લફંગા લફંગા’ લખતી રહી. ‘લફંગા’નાં મોજાં છેક ગુજરાતનાં છાપાં- ચોપાનિ યાંમાં ઉછળતાં રહ્યાં. નેતાઓ મુલાકાતોમાં ‘તપાસ તપાસ’ ‘ન્યાય ન્યાય’ ‘જનમટીપ જનમટીપ’ જપતા રહ્યા.

અત્યારે ફરી એ સાંભળેલાં બિહામણાં દૃશ્યો માણસની આંખમાં ઊભરાવાં લાગ્યાં. પડઘાતી અસહાય ચીસો, શરીરની પછડાટો, ખચાક, ખચાક હત્યા...ને નદીમાં તરતી લોહિયાળ લાશ... ચરરર..... શાહીસ્નાનવાળું છાપું ધીમે ધીમે ચીરાય છે. ચરર ચરર ચરર....... પછી ઝનૂનપૂર્વક છાપાના ટુકડે ટુકડા...

ત્યાં પત્ની ભોજનની થાળી લઈ પ્રવેશે છે.

      - ક્યાં સુધી છાપાં ફાડશો ?
      - છાપાં છપાશે ત્યાં સુધી.
      -  છાપાં બહાર પણ એક મોટી દુનિયા છે. 
      - છાપું દુનિયાનો એક દિવસનો ઇતિહાસ છે. લોહિયાળ ઇતિહાસ.
      - છાપાં ફાડવાથી શું ઇતિહાસ ભૂંસાઈ જશે? વર્તમાન બદલાઈ જશે? કહું છું, છાપાંના ડાબલાં ઉતારી બહાર નજર કરો. બહાર પણ દુનિયા છે.
      - કઈ દુનિયા?
      - તમારાં છાપાં અને મીડિયા તો એક આંખે જોનારાં. રાજપુરુષો, કૌભાંડો, હિંસા, અફવા અને જૂઠી જાહેરાત સિવાયનું કંઈ દેખાય જ નહીં. ને ક્યાંથી દેખાય? બીજી આંખ હોય તો ને. 
      - તું કઈ દુનિયાની વાત કરે છે ?
      - છાપામાં જવલ્લે જ જોવા મળે એવી કુદરત, લોકજીવન.
      - અટપટું ન બોલ.
      - સરળ બોલું છું. વસંતનો વૈભવ, વરસાદમાં પલળતાં બાળકો, હસતાં ઘર, શિયાળામાં ઊડી આવતી આગંતુક પંખીઓની ફોજ, વાંચી છે ક્યારેય છાપાંમાં.
     

માણસ મૌન.

      - ક્યાંથી વાંચી હોય? આ બધું જાહેરાતોની ઊંચી દીવાલોના પડછાયામાં ખૂણેખાંચરે સંતાડેલું હોય છે.
      - સાદુંસીધું સમજાય એવું બોલ.
      - હું કોણ છું?
      - પાછી પહેલી ?
      - લો, હું કોણ છું એ પણ પહેલી થઈ ગઈ.
      - તું સ્ત્રી છે.
      - એ તો છું જ. 
      -  તું પત્ની છે.
      - એ પણ છું. બસ, એટલું જ?
      - તું તું ... મલમ છે.
      - બસ? રાત દિવસ સાથે રહો છે. છતાં મને આટલી જ ઓળખો છો.
      - તું સ્ત્રી છે, સુંદર છે. મારી પત્ની છે, સુખ-દુઃખની સાથી છે.
      - ઑકે. એથી વિશેષ? વિશેષ કંઈ નહીં?

સ્ત્રી ઊભી થાય છે. આંખોથી ઇશારા કરતી હસે છે. ને વિશેષ મુદ્રા ધારણ કરતી બોલે છે. - પેલા કવિએ ગાયું છે એવા ‘સુરભિત પુલકિત મુખરિત શ્વાસ’ સંભળાય છે?

માણસ પત્નીનું નવું જ રૂપ જોતો હોય એમ જોઈ જ રહે છે. ને તેના શબ્દોનો અર્થ પામવાનો પ્રયત્ન કરે છે.

- સુરભિત...? પુલકિત...? મુખરિત શ્વાસ... ? અરે હા, મારી વ્હાલકુડી, તું મા બનવાની છે. તું જીવનદાત્રી છે.

હવાની લહેરખીથી બારી ખૂલી જાય છે. બહાર આકાશમાં વરસાદ પછીનું મેઘધનુષ ખીલ્યું છે.



તન્ત્રીનૉંધ :

એક આકર્ષક દૃશ્યથી વાર્તાનો ઉઘાડ થયો છે. બારી પાસે ઊભેલો માણસ એ જોતો હતો, પણ પછી રૂમમાં જાય છે. ‘ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્ર’-થી કહેવાયેલી એ માણસની કથનીમાં વાચક જોડાઈ જાય છે. માણસ છાપાંમાં સમાચારો વાંચે ને છાપાં ફાડે એ બધું વાચક ધ્યાનથી નીરખે છે, પણ એને સમજાતું નથી કે છાપાં ફાડે છે કેમ.

એ પ્રશ્નના ઉત્તર માટે કથકે વાચકને સતાવ્યો નથી, જણાવી દીધું છે કે એ માણસને છાપાં, ટીવી, મોબાઇલનો કંટાળો છે, કેમકે એને લાગે છે કે એથી જે સમાચારો મળે છે એ હત્યા આત્મહત્યા કે કુદરતી પ્રકોપના હોય છે. એની એ લાગણીનું કથક આ શબ્દોમાં સમર્થન કરે છે : એનાં ટ્વીટર-ફેસબુક-વૉટ્સએપ પણ વિચિત્ર, એકથી બચીએ તો બીજું આંતરે... મીડિયાનાં વંઠેલાં વાંદરાં. ચોવીસે કલાક ખરુંખોટું ભરડે જ જાય છે : એ એની પત્નીને કહે છે, મારાથી નથી જોવાતાં માણસનાં શબ, નથી સહેવાતું વરુ જેવા ભૂખ્યા માણસનું વિનાશક ચક્ર : પત્નીને નકારમાં કહે છે : ના... ના... ના... એનો મતલબ જીવીએ ત્યાં સુધી પેલાં વૃક્ષો નીચે દટાયેલા સિંદૂરિયા પાળિયા, અપહરણ, અભાવગ્રસ્તોની આત્મહત્યાઓ, ઉશ્કેરાતી કુદરત ને મુરઝાતી પૃથ્વી જોયાં કરવાની? :

એ માણસના આવા ઉગ્ર આદર્શવાદી વિચારો સામે કથકે એની પત્નીના હળવા સરળ વ્યવહારુ વિચારો મૂક્યા છે. એટલે, પરિણામ સાવ જુદું અને મજાનું આવે છે. એની પત્ની એની આગળ પ્રસ્તાવ મૂકે છે કે એ એને ઓળખે, પણ એને ઝાઝી ખબર નથી પડતી. પત્ની કહે છે : બસ? રાત દિવસ સાથે રહો છે છતાં મને આટલી જ ઓળખો છો. માણસમાં બદલાવ શરૂ થયો છે એટલે કહે છે : તું સ્ત્રી છે, સુંદર છે. મારી પત્ની છે, સુખ-દુઃખની સાથી છે : કથક જણાવે છે કે પત્ની, ઑકે, એથી વિશેષ? વિશેષ કંઈ નહીં? કરતી ઊભી થાય છે, અને આંખોથી ઇશારા કરતી હસે છે, ને વિશેષ મુદ્રા ધારણ કરતી બોલે છે : પેલા કવિએ ગાયું છે એવા ‘સુરભિત પુલકિત મુખરિત શ્વાસ’ સંભળાય છે? : કથક કહે છે, માણસ પત્નીનું નવું જ રૂપ જોતો હોય એમ જોઈ જ રહે છે ને તેના શબ્દોનો અર્થ પામવાનો પ્રયત્ન કરે છે ને બોલી ઊઠે છે : સુરભિત...? પુલકિત...? મુખરિત શ્વાસ...? અરે હા, મારી વ્હાલકુડી, તું મા બનવાની છે. તું જીવનદાત્રી છે :

વાર્તાનું પ્રારમ્ભે હતું એથી તદ્દન વિપરીત રૂપ જોઈને વાચકને પણ થાય છે કે અરે, કેવુંક બની ગયું; જેને એ માણસથી ઓળખતા હતા તે ખુશ ખુશ એવો પતિ બની ગયો. છેવટે વાચક પણ એ બદલાવને અંકે કરે છે.

વાચક એમ અંકે કરી શકે છે એનું કારણ પતિપત્નીનું કવિઓનાં કાવ્યોથી રસિત વ્યક્તિત્વ છે, એનો પરચો એમની આ સ્વરૂપની આલંકારિક વાણી છે; કેટલાક શબ્દગુચ્છો અને વાક્યો જુઓ : અશંતિનો યજ્ઞ. વાંઝિયો વલોપાત. કોરોનાનું શાહીસ્નાન. હસતાં ઘર. શિયાળામાં ઊડી આવતી આગંતુક પંખીઓની ફોજ. જાહેરાતોની ઊંચી દીવાલોના પડછાયા. આકાશમાં વરસાદ પછીનું મેઘધનુષ : હું ગરોળીની કપાયેલી પૂંછડી જેવો તરફડું છું : હરણું જ નહીં પતંગિયાની પાંખ વીંધાય તો ય દુઃખી થાઓ છો : તડકાછાંયડામાં રમતી આ દુનિયામાં જીવતાં કેમ સમજાવું? : વગેરે.