ભાષા, સમાજ અને સાહિત્ય/કેશવ હર્ષદ ધ્રુવ: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 02:13, 29 November 2023
૧૧૪
કેશવ હર્ષદ ધ્રુવ
જીવન :
સ્વ. કેશવ હર્ષદ ધ્રુવને ગુજરાત મુખ્યત્વે બે રીતે ઓળખે છેઃ એક તો એમના પ્રકાંડ પાંડિત્યના સુફળરૂપે સાંપડેલાં સંશોધનોથી અને બીજી રીતે ગુજરાતી સાહિત્યના ગુજરાતના પહેલા અધ્યાપક તરીકે એ જાણીતા છે. એમનાં સંશોધનમાં સંપાદનો અને અનુવાદો, ભાષાશાસ્ત્ર-વિષયક ચર્ચાઓ, પિંગળ વિશેની વિચારણા અને ઇતિહાસ—વિષયક સૂચનાનો સમાવેશ કરી શકાય. એમનો જન્મ ૧૭મી ઓકટોબર ૧૮૫૯માં દહેગામ તાલુકાના બહિયેલ ગામમાં થયો હતો. નાગરજ્ઞાતિમાં જન્મેલા સ્વ. ધ્રુવને કૌટુંબિક વાતાવરણ પણ એવુ મળ્યું કે એમનું ઘડતર એક પંડિત તરીકે થાય. જે જ્ઞાતિ અને કુટુંબમાં એ ઊછર્યા તે કારણે જ કદાચ તો વિનયી, સરળ, સંનિષ્ઠ અને વાદવિવાદથી પર રહેનારું તેમનું વ્યક્તિત્વ ઘડાયું એવું પણ કોઈ કહી શકે. ઈ.સ. ૧૮૮૭-૮૮નાં અરસામાં એમનું લેખન કાર્ય આરંભાયું, ઈ સ. ૧૯૦૭માં ભરાયેલી બીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે એમની વરણી થઈ. ઈ.સ. ૧૯૦૮માં તેઓ આર. સી. હાઈસ્કૂલના હેડમાસ્તર તરીકે નિમાયા અને ત્યાંથી નિવૃત્ત થયા પછી સરકારે અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના પ્રથમ અધ્યાપક તરીકે એમની નિમણૂક કરી.
સંશોધન :
ઉપર જોયું એમ સંરકૃત તથા જૂની અને મધ્યકાલીન ગુજરાતી કૃતિઓનું કરેલું સંપાદન-સંશોધન, ઇતિહાસ અને ભાષાશાસ્ત્ર ઉપરની ચર્ચા અને પિંગળની વિચારણાને સંશોધનની કક્ષાનાં કામ ગણી શકાય. આ સંશોધન વિશે અને ખાસ તો એમાં રહેલી ઉણપો વિશે આજનો અભ્યાસી ઘણું કહી શકે એમ છે. પરંતુ કોઈ પણ પ્રકારની એકઠી કરેલી, સંપાદિત કરેલી સામગ્રી ઉપર કામ કરનારના કાર્યનું મૂલ્યાંકન કરતી વખતે તેણે તેની સામગ્રીમાં આટલી આટલી બાબતોનો સમાવેશ ન કર્યો અને તેણે અમુક અભિગમથી તેની સામગ્રી ન તપાસી એવાં એવાં વિધાન કરવાં પ્રમાણમાં સહેલાં છે તે જાણીતું છે. આમ બને છે એનું પહેલું કારણ એ છે કે અભ્યાસીએ પોતે જે સામગ્રીનો અભ્યાસ કર્યો હોય છે તે સામગ્રી તેણે આપી દીધી હોય છે. બીજું એ કે અભ્યાસીએ જ્યારે અભ્યાસ કર્યો અને મૂલ્યાંકનકાર એનું મૂલ્યાંકન કરવા બેઠો એ બેની વચ્ચે ખાસ્સા સમયનો (ઓછામાં ઓછાં બે–ત્રણથી પચાસ–સો વરસ જેટલો કે તેથી વધારે) ગાળો પડી ચૂક્યો હોય છે અને સામગ્રીનો અભ્યાસ કરવાના નવા તે નવા અભિગમો આ વિજ્ઞાનયુગમાં નીપજતા રહ્યા હોય છે એ નવા અભિગમોનો પરિચય મૂલ્યાંકનકારને થયો હોય છે અને તેથી એ સહેલાઈથી બતાવી શકે કે સંશોધકે તેની સામગ્રીને આ રીતથી તપાસવી જોઈતી હતી, પરંતુ તેણે તેમ કર્યું નથી. આ રીતે સંશોધકની મર્યાદાઓ ખુલ્લી પાડવી (અને તે ય આજના માપદંડોથી) એ મહત્ત્વનું ન ગણાય. પરંતુ સામગ્રી સંપાદન કરનારે કઈ કઈ બાબતોની ઝીણવટ રાખી છે એ બાબતો ઉપર પ્રકાશ પાડીને એ સામગ્રીનો ઉપયોગ એ પછીના અભ્યાસીઓને માટે કેવો અને કેટલો હોઈ શકે તે બતાવવાથી વધુ ઉપયોગી અર્થ સરી શકે. વળી તે સામગ્રીનું પૃથક્કરણ અને તપાસ, સંશોધકને પ્રાપ્ય હતાં તે સાધનો-માપદંડોથી, કેવી ચોકસાઈથી, કાળજીપૂર્વક અને સૂઝપૂર્વક કરવામાં આવી છે તે બતાવવાથી સંશોધકનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે. અલબત્ત, આમાં તેની મર્યાદાઓની નોંધ મૂલ્યાંકનકારે લેવી તો જોઈએ જ.
સાહિત્યનું સંશોધન
સંસ્કૃત સાહિત્યકૃતિઓ, સાહિત્યકારો અને કેટલાંક નાટક વિશે તેમણે રજૂ કરેલાં તારણો નોંધ માગી લે છે. ખાસ કરીને કાલિદાસ, અમરુ, ભાસ, જયદેવ જેવા કવિઓની બાબતમાં તેમણે રજૂ કરેલાં મંતવ્યોએ સંસ્કૃત વિવેચકોને પાછળથી ઘણી પ્રવૃત્તિઓ માટેનું અને સંશોધન માટેનું કાર્યક્ષેત્ર પુરું પાડયું છે. ‘કુમારસંભવ’, ‘માલવિકાગ્નિમિત્ર', ‘વિક્રમોર્વશીય’, ‘શાકુન્તલ', ‘મેઘદૂત' અને ‘રઘુવંશ' એવા ક્રમે કાવ્યેા રચનાર કાલિદાસ ઈ.સ. પૂ. ૫૦માં લગભગ થયો હતો અને અગ્નિમિત્રનો આશ્રિત હતો (‘પરાક્રમની પ્રસાદી’ ૧૪–૨૩). 'ઋતુસંહાર’, 'નલોદય’, ‘સેતુબંધ', અને 'શૃંગારતિલક’ એ ‘રઘુવંશ’ના રચનાર કાલિદાસની કૃતિઓ નથી (‘પરાક્રમની પ્રસાદી'–૨૪). વળી પાછળથી ઉમેરે છે કે, ‘રઘુવંશ’નો કર્તા કાલિદાસ અને ‘મેઘદૂત'નો કર્તા કાલિદાસ એક નથી. ‘મેઘદૂત’નો રચનાર કાલિદાસ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં થયો હતો (‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના' ૨૩૦-૨૩૫). દક્ષિણમાં આવેલી ચાલુક્યોની રાજધાની વાતાપીનો રહીશ અને જાતે સોની, અમરુ સાતમા સૈકાના ઉત્તરાર્ધમાં થયો હતો. તેની કૃતિને ‘ગુરુશતક' કે ‘શૃંગારશતક' પણ કહે છે તે યોગ્ય નથી. તેની કૃતિ ‘અમરુશતક’માં સર્જક કવિ દેખાય છે [‘અમરુશતક’ ૧૧-૩૧]. ભાસ પુષ્યમિત્ર શૃંગના સમયમાં (ઈ.સ પૂ. બીજા સૈકામાં) થયો. તે ઉત્તરાપથનો વતની હતો. તે ધર્મે વિષ્ણુભાગવત હતો અને તેણે ‘વિષ્ણુધર્મા‘ નામે એક કાવ્ય લખ્યું હતું. ભાસ એ ગોત્ર સંજ્ઞા છે. એનાં નાટકો ‘મધ્યમ',‘પ્રતિમા’, ‘ઊરૂભંગ’, ‘અભિષેક’, ‘કવચહરણ’, ‘અવિસ્મારક’, ‘પંચરાત્ર' એ ક્રમે લખાયાં હશે (‘સ્વપ્નની સુંદરી' ૧૦–૨૪). એમ કહ્યા પછી પાછળથી એ ઉમેરે છે કે ‘અભિષેક' સંસ્કૃત સાહિત્યના ઉત્તરકાળમાં કોઈ સામાન્ય કોટિના લેખકે લખ્યું હશે. ‘દૂતવાક્ય’, ‘દૂતઘટોત્કચ’ અને ‘ઊરુભંગ' તેની કૃતિઓ નથી. ‘ગીતગોવિંદ’નો કર્તા અને બંગાળમાં આવેલ કેન્દુલી ગામનો જયદેવ છન્દ:શાસ્ત્રવૃતિ (છન્દોવૃત્તિ)ના લખનાર જયદેવથી અને ‘રતિમંજરી'ના કર્તા જયદેવથી ભિન્ન છે. તેને આદિભક્તકવિ ગણવો જોઇએ અને સંસ્કૃતમાં પ્રબંધાત્મક કાવ્યો રચનાર તે પ્રથમ કવિ છે (ગીતગોવિંદ પૃ. ૯–૩૫). ગુજરાતી સાહિત્યને કેન્દ્રમાં રાખીને તેમણે કેટલાક પ્રાચીન - મધ્યકાલીન ગુજરાતી કવિઓ તથા કેટલીક કૃતિઓ વિશે કેટલુંક લખ્યું છે. ‘અનુભવબિન્દુ' એક રમણીય ખંડકાવ્ય છે અને તેમાં એક નવો છંદ-છપ્પો વપરાયો છે. તેમાં યમકસાંકળી છે (‘અનુભવબિન્દુ' ૨-૩). ‘કાન્હડદે પ્રબંધ' જોરામપુરમાં અખેરાજે પદ્મનાભ પાસે રચાવ્યો હતો (પ્રાચીન ગુર્જર કાવ્યો' ૨૩–૨૬). ‘રણમલ્લ છંદ' સં. ૧૩૯૮માં રચાયો હશે અને ગુજરાતના સુબા ઝફરખાને ઈડર ઉપર કરેલી બીજી સવારીનું એમાં વર્ણન છે. (‘પ્રાચીન ગુજરાતી કાવ્યો' ૬). ‘વસંતવિલાસ' ઈ.સ.ના પંદરમા શતકના આરંભમાં રચાયેલું જેના કર્તાનું નામ નથી મળતું પણ એ જૈનેતર હતો. એનો હૃદયરાગ, એનું માધુર્ય, એનું પદલાલિત્ય સર્વ કંઇ મનોહર છે (પ્રાચીન ગુજરાતી કાવ્યો ૧૪-૧૫). પ્રેમાનંદને પુરાણીઓ સાથે ઝગડો થયો હતો. તેની શાળાની પ્રતિષ્ઠા ઘણી હતી. એ નામના ત્રણ કવિ હતા. તેની પાઘડી પહેરવાની પ્રતિજ્ઞાની વાત ખોટી નથી તેણે રત્નેશ્વર સાથે છંદ તથા દેશીની આપ-લે કરી હતી (‘હરિશ્ચન્દ્રાખ્યાન’ ૧૦–૨૭). તેના નામે પ્રસિદ્ધ થયેલાં નાટકો તેણે રચ્યાં હોય તો ના નહીં (‘ગુજરાતી કવિતા સાહિત્ય'), ‘રણમલ્લછંદ’નો રચનાર શ્રીધર બ્રાહ્મણ હતો. તેનાં ત્રણ છંદોબદ્ધ કાવ્યો જાણમાં છે. ‘ગૌરિચરિત્ર’નો કર્તા શ્રીધર આનાથી ભિન્ન છે [‘પ્રાચીન ગુજરાતી કાવ્યો' ૬–૧૧]. સંસ્કૃત તથા પ્રાચીન-મધ્યકાલીન કૃતિઓ તથા સાહિત્યકારો વિશે એમણે દર્શાવેલાં મુખ્ય મંતવ્યો અને અભિપ્રાયો આપણે જોયા. મોટા ભાગનાં મંતવ્યો અને અભિપ્રાયો માટેનાં કોઈ કારણો, પુરાવાઓ કે સમર્થન માટેની કોઈ માહિતી તેમણે આપી નથી. કાલિદાસ બે હતા કે જયદેવ અને પ્રેમાનંદ ત્રણ હતા એ કહેવું મહત્ત્વનું નથી, જેટલું મહત્ત્વનું બે હતા કે ત્રણ હતા એ શેને આધારે અભ્યાસીએ નક્કી કર્યું છે તે હોય છે. અન્ય પુરાવાઓ હોય તો તે પુરાવાઓ ઉપરાંત ભાષાને આધારે, શબ્દોની પસંદગીને આધારે– ટૂંકમાં શૈલીને આધારે અને એ ભાષાશૈલીના કયા કયા પુરાવાઓને આધારે અભ્યાસી આવાં તારણો ઉપર આવ્યો છે તેની રજૂઆત અભ્યાસીઓને અને વાચકોને ઘણી મહત્ત્વની ગણાય. ‘પ્રેમાનંદ ત્રણ હતા’ એવું વિધાન કરીને ‘પાઘડી પહેરવાની વાત ખોટી નથી' એમ કહેવામાં આવે ત્યારે વાચકે શું સમજવું? ‘પાઘડી પહેરવાની વાત' ત્રણે પ્રેમાનંદ માટે ખોટી નથી કે એમાંના કોઈ એક માટે? અને કોઈ એક માટે ખોટી ન હોય તો તેમાંના કયા માટે? ‘નાટકો રચ્યાં હોય તો ના નહીં' એ વિધાન ઉલ્લેખાયેલા ત્રણમાંથી કયા પ્રેમાનંદ માટે કરવામાં આવ્યું છે? સંશોધકે આવાં મોઘમ વિધાનો કરીને પાછળના અભ્યાસીઓ માટે પીએચ.ડી.ના મહાનિબંધો માટેની સામગ્રી ઊભી કરી આપવાની ન હોય એમ કહી શકાય. સંશોધક તરીકેની સ્વ. ધ્રુવની આ મોટી મર્યાદા નજર બહાર ન જવી જોઈએ. કેટલીક કૃતિઓના સમય નક્કી કરી આપવાનું અને તેમને પ્રકાશમાં આણવાનું મહત્ત્વનું કામ તેમણે કર્યું જ છે. ‘વસંતવિલાસ’ને એના ઉચિત સ્થાને બેસાડવાનું કામ સ્વ. ધ્રુવે જ કર્યું અને ‘એના હૃદયરાગ, એનું માધુર્ય, એનું પદલાલિત્ય સર્વ કંઈ મનોહર છે' એવું અર્થપૂર્ણ લાઘવયુક્ત વિવેચન પણ એમની પાસેથી મળ્યું છતાં, આ પ્રકારના સંપાદન-સંશોધનનો ઉચ્ચ આદર્શ એ ઊભો કરી શક્યા નહીં એ સ્વીકારવી પડે એવી હકીકત છે.
ભાષાવિષયક સંશોધન :
‘વાગ્વ્યાપાર’માં ભાષાશાસ્ત્રના કેટલાક ઘણા મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા જોવા મળે છે, તો તેમણે કરેલાં સંપાદનોનાં ટિપ્પણોમાં કેટલાક શબ્દોની વ્યુત્પત્તિ આપવાનો પ્રયત્ન તેમણે કર્યો છે. ‘વાગ્વ્યાપાર'માં ગુજરાતી ભાષાની કેટલીક ખાસ લાક્ષણિકતાઓ તરફ એમણે જે અંગૂલીનિર્દેશ કર્યો છે તે એમનું મહત્ત્વનું પ્રદાન છે અને આપણા ભાષાશાસ્ત્રીઓમાં તેમને માનભર્યું સ્થાન અપાવે છે. “‘એ', ‘ઓ'ને મળતા પહોળા ‘ઍ’, ‘ઑ' આપણી ભાષામાં વિવૃત વિધાનથી નવા થયા છે x x x મૂળ સંસ્કૃત સ્વરોમાંથી ગુજરાતીમાં આઠ સ્વરો લુપ્ત થયા છે અને બે નવા (‘ઍ ', ‘ઑ') ઉમેરાયા છે (વાગ્વ્યાપાર ૮–૭).” એમનાં આ બંને વિધાનો સૂચવે છે કે સંસ્કૃતના સ્વરોને ગુજરાતીના સ્વરો તરીકે સ્વીકારવાની તેમની તૈયારી નથી. એટલું જ નહી. ઐતિહાસિક દૃષ્ટિએ પરિવર્તનને કારણે ગુજરાતી ભાષાની સ્વરવ્યવસ્થા બદલાઈ છે તે તરફ પણ તેઓ ધ્યાન ખેંચે છે. “વર્તમાન ગુજરાતીમાં તત્સમ શબ્દોનો ‘ઋ’કાર તે ‘ર'કારમાં ‘અ' ‘ઇ’ કે ‘ઉ' મેળવીને બોલીએ તેવો ઉચ્ચારાય છે.” (‘વાગ્વ્યાપાર'-૯). એમનું આ વિધાન સ્પષ્ટ કરે છે કે સંસ્કૃતમાંથી ઉછીના લીધા હોય તેવા શબ્દોમાં જ્યાં ‘ઋ’ આવે છે તે ‘ઋ' સ્વર તરીકે ઉચ્ચારાતો નથી, પરંતુ ‘ર' વ્યંજનની સાથે ‘અ', 'ઉ' કે 'ઈ' ભળતાં જે ઉચ્ચાર થાય છે તે રીતે ઉચ્ચારાય છે. ‘ઋતુ' કે ‘ઋષિ' લખવામાં ભલે ‘ઋ' ચાલુ રહ્યા હોય પરંતુ તેના ઉચ્ચાર પણ રવર તરીકે જ કરવો જોઇએ એવો આગ્રહ રાખનારાઓને આમાંથી ઘણાં વરસો પહેલાં દિશાસૂચન મળી શકયું હોત. “બેન વગેરેમાં પ્રાણધ્વનિ સંભળાય છે તેને શિરોબિન્દુથી પ્રદર્શિત કરવો ઘટે, આજકાલ વલણ સ્વરના પૂર્વે આ મહાપ્રાણ ‘હ'ના પ્રક્ષેપથી બતાવવા તરફ છે જે વસ્તુસ્થિતિ ‘સૂક્ષ્મ' દૃષ્ટિએ તપાસતાં, કદાચ યોગ્ય નહીં જણાય.” (‘વાગ્વ્યાપાર’ ૧૦, ૨૩, ૨૪). ‘ત્હમે', ‘મ્હને’, ‘ન્હાનાલાલ’ વગેરે રીતે શબ્દને લખવાના હિમાયતીઓને નજર સામે રાખીને આ વિધાન થયાનું સમજાય છે. નોંધપાત્ર એ છે કે તેમની સૂક્ષ્મ દૃષ્ટિએ (સૂક્ષ્મશ્રવણયંત્રે) એટલુ સ્પષ્ટ કરી લીધું છે કે જે રીતે અનુસ્વાર સ્વરની સાથે ઉચ્ચારાય છે માટે તેને ‘શિરોબિન્દુથી પ્રદર્શિત’ કરીએ છીએ તે રીતે આ ‘પ્રાણધ્વનિ' પણ સ્વરની સાથે જ ઉચ્ચારાતો અને સંભળાતો હોવાથી તેને પણ ‘શિરોબિન્દુથી પ્રદર્શિત કરવો ઘટે.' ‘પ્રાણધ્વનિ' (જેતે અંગ્રેજીમાં ‘મર્મર’ કહે છે અને ડો. પ્રબોધ પંડિતે ગુજરાતીમાં તેને મર્મર તરીકે જ પ્રચલિત કર્યો છે તે) સ્વર સાથે જ ઉચ્ચારાતો અને માટે એની સાથે જ એ નોંધાય એમ થવું જોઇએ એ વાત ઘણાં વર્ષો પછી સર્વસ્વીકૃત હકીકત બની છે તે દૃષ્ટિએ ધ્રુવે નોંધેલી આ ઝીણવટ તરફ ધ્યાન દોરાવું જ જોઇએ. આજનો અભ્યાસી ભાષાશાસ્ત્ર વિશેની એમની અન્ય ઘણી વિચારણાઓનો છેદ સહેલાઈથી ઉડાવી દઈ શકે એમ છે. એમની વ્યુત્પત્તિઓ ઘણે સ્થળે કલ્પનાને આધારે આપવામાં આવેલી છે. તે બતાવવા કરતાં તેમણે ભાષા વિશેની કેટલીક ઝીણવટભરી તપાસ કરી છે તેને પ્રકાશમાં લાવવાનું વધુ મહત્ત્વનું મનાય.
પિંગળ વિષયક સંશોધન :
પિંગળ ઉપરનું એમનું કામ ઘણો મોટો વ્યાપ રોકે છે. આપણા છંદોનો આખો ઇતિહાસ એમણે સળંગ પૂરો પાડ્યો છે. એ છંદો ક્યાં ક્યાં વપરાયા, ક્યાં ક્યાં એમાં સુધારા-વધારા થયા, કેવી કેવી રીતે એમનાં મિશ્રણો થયાં એ બધી ઝીણવટભરી વિગતો “ પદ્યરચનાની ઐતિહાસિક આલોચના”માં જોવા મળે છે. અબદ્ધ પદ્યરચના, રૂપબંધ, લયબંધ, માત્રાબંધ વગેરેને તેમની ચર્ચાનો લાભ મળ્યો છે. ઋક્કાલની પદ્યરચનાની વાત કરતાં ૧. વૈરાજ, ૨. ગાયત્ર, અને ૩. ત્રૈષ્ટુભ એ ત્રણે જાતની પદ્યરચના હિંદ ઇરાનીય કુટુંબ જુદું પડ્યું તે પહેલાં સિદ્ધ થઈ હતી, એ તેમણે દર્શાવ્યું છે. કાવ્ય કાળના સમયમાં શિખરિણી, પૃથ્વી, શાર્દૂલ અને સ્રગ્ધરા અજાણ્યા નહીં હોય. અશ્વઘોષે અપ્રમત્તા, ચિકિત્સક અને વર્ધમાન એ નવાં વૃત્ત પ્રયોજ્યાં. ભારવિએ મધ્યક્ષામાં એ વૃત્ત નવું પ્રયોજ્યું અને સાથે કુટજ, નૂતન, અતિશયિની અને ધ્રુતશ્રી એ ચાર નવાં વૃત્તો પ્રયોજ્યાં. પ્રાકૃતકાળમાં અને અપભ્રંશ કાળમાં કયા કયા છંદો વપરાશમાં જણાયા છે તેની વિગતો તેમણે આપી છે. આવી ઐતિહાસિક માહિતી અને છંદનાં બંધારણની દૃષ્ટિએ કેટલીક વિગતોની ચર્ચા કરતી માહિતી તેમના આ પુસ્તકમાંથી મળે છે. કયા કયા મહાકાવ્યમાં કયા કયા છંદો વપરાયા તેની પણ નોંધ તેમણે આપી છે. આ નોંધ અભ્યાસીને છંદો કયા કયા રસને અનુરૂપ રીતે કયા કયા કવિએ કેવી કેવી રીતે રીતે વાપર્યા છે. તેના અભ્યાસમાં ઉપયોગી થઈ શકે. કયાં કયાં દૃશ્ય કાવ્યોમાં ‘નાટકોમાં' કયા કયા છંદો કેટલા કેટલા શ્લેાકોની સંખ્યામાં વપરાયા છે તેની નોંધ પણ તેમણે આપી છે. છંદ અને ભાવ કે રસનો સંબંધ શોધવા પ્રયત્ન કરતા અભ્યાસીને આ નોંધોમાંથી ઘણી તૈયાર સામગ્રી મળી રહે. પિંગળની બાબતમાં એમ કહી શકાય કે દલપત-નર્મદથી શરૂ થયેલી અને રામનારાયણ ભાઈમાં એના ઘણા મોટા વ્યાપ સાથે મળતી પિંગળ ચર્ચાની વચલી મહત્ત્વની કડી તે સ્વર્ગસ્થ ધ્રુવની પિંગળચર્ચા છે.
ઇતિહાસ :
ઇતિહાસ વિશેની તેમની કેટલીક વિચારણા સંસ્કૃત સાહિત્ય અને ગુજરાતીના મધ્યકાલીન સાહિત્યને કેન્દ્રમાં રાખીને તપાસી શકાય. આ બન્ને સાહિત્યની કૃતિઓમાં આવતા રાજાઓ, તેમને લગતાં કથાનકો અને અન્ય વિગતોમાં એમની આ ચર્ચા કેવી રીતે ઉપયોગી થાય એમ છે એ અભ્યાસીઓ માટે તપાસનો વિષય છે.
અનુવાદ :
સંસ્કૃત સાહિત્યકૃતિઓના તેમણે કરેલા અનુવાદની નોંધ પણ લેવાવી જોઈએ સંશોધનમાં એમનું પાંડિત્ય સ્પષ્ટ થાય છે તેમ અનુવાદમાં પણ તેમનું રસિક પાંડિત્ય દેખાયા વિના રહેતું નથી. જો કે “આવું રસિક અને યથાર્થ ભાષાન્તર અન્ય કોઈ વિદ્વાનથી ન થઈ શકત.” એવું એમના ‘ગીતગોવિંદ’ના અનુવાદને સ્વ. મણિલાલ દ્વિવેદીએ પ્રમાણપત્ર આપ્યું હતું એ નજર સામે રાખીએ તોપણ એમના અનુવાદો ભાવાનુવાદો અથવા ક્યારેક સ્વતંત્ર સર્જન કક્ષાની કૃતિઓ બની ગયાનું આજના વાચકને લાગે તો તેમાં નવાઈ પામવા જેવું નહિ. ‘ગીત ગોવિંદ’, ‘અમરુશતક’, ‘મુદ્રારાક્ષસ’, ‘ઘટકર્પર', ‘વિક્રમોર્વશીય', ‘પ્રિયદર્શિકા’, ‘પ્રતિજ્ઞાયોગન્ધરાયણ’, ‘પ્રતિમા’, ‘સ્વપ્ન વાસવદત્તા’ અને ‘મધ્યમવ્યાયોગ’ એટલી કૃતિઓના અનુવાદ એમણે આપ્યા છે. ‘એક રીતે અનુવાદમાર્ગમાં, ભાલણ કવિ, મારો ગુરુ છે.' એ અનુવાદો ‘અનુસર્જન' કે 'સર્જનાત્મ પ્રતિનિર્માણ' જેવા બન્યાનો બચાવ કરી શકાય. ઉપલબ્ધ સાધનોની સહાયથી પાઠ સંશોધન કરવામાં એને ‘તાછ, ઓપ અને સોનાગેરુના સંસ્કાર' આપવામાં અને ‘અનુવાદને પ્રકાશને પ્રકાશને સંમાર્જિત કરતા રહી તેને શુદ્ધતર, રમ્યતર, બનાવવામાં પુષ્કળ શ્રમ ઉઠાવતાં’ અનુવાદકને ‘અનુવાદકનો ઉત્તમ આદર્શ’ એક જમાનામાં ભલે ગણાવાય પણ આજના અનુવાદકે, તેને પોતાનો ‘આદર્શ' રાખવાનું ભાગ્યે જ ઉચિત ગણાય. ‘અનુવાદને પ્રકાશને પ્રકાશને સંમાર્જિત કરતા રહી તેને શુદ્ધતર રમ્યતર બનાવવાનો શ્રમ ઉઠાવવો' એ ઉત્તમ આદર્શ ખરો પરંતુ પાઠ સંશોધનમાં એને ‘તાછ, ઓપ અને સોનાગેરુના સંસ્કાર' આપવા એ અનુવાદકનું યે કામ નહિ અને પાઠસંશોધન કરનારનું યે કામ નહિ. આજના અનુવાદક અને પાઠ સંશોધન કરનારો જાણે છે કે ઉપલબ્ધ પાઠને તેણે સંસ્કારવાનો નથી પરંતુ વધુમાં વધુ પ્રમાણભૂત પાઠ કયો તેનો વૈજ્ઞાનિક રીતે નિર્ણય કરવાનું તેનું મુખ્ય કામ છે. કે. હ ધ્રુવે કૃતિમાં નવા પાઠ કલ્પ્યા, જૂનાને સુધાર્યાં, અનુવાદની ભાષાને ઝડઝમક અને વિશિષ્ટ શબ્દોના ઉપયોગના ભારથી લાદી દીધી અને સંસ્કૃત કૃતિઓમાં આવતા પ્રાકૃતનો અનુવાદ ‘બોલી'માં કરવાની એમની પ્રવૃત્તિ એ બધી બાબતોથી આજના અનુવાદકે–સંશોધકે દૂર રહેવું પડે એમ કહેવાની ભાગ્યે જરૂર ગણાય. આ બધાંને કારણે પુષ્કળ શ્રમ લઈને કરેલા અનુવાદો પણ ઝાંખા પડી જઈ શકે એ જોઈને એમાંથી ઘણું માર્ગદર્શન આજનો અનુવાદક—સંશોધક લઈ શકે.
ઉપસંહાર :
સ્વ. ધ્રુવે જ્યારે આ સંશોધનો અને અનુવાદો કર્યા ત્યારે તેમની પાસે ‘વિજ્ઞાન'ની વિશિષ્ટ તાલીમ ન હતી. એમની પહેલાં થઈ ગયેલા સંશોધકોએ જે છૂટક છૂટક કામ કર્યા હતાં તેને માર્ગદર્શક ગણીને તેમણે ચાલવાનું હતું. વળી તેમને મોટે ભાગે સંસ્કૃત પ્રણાલિકાનો એટલે કે શાસ્ત્રીયપદ્ધતિનો સંશોધનનો ગાઢ પરિચય હતો. અને એ પદ્ધતિએ તેમના સંશોધનમાં તે આગળ વધે એ સ્વાભાવિક હતું. આ બધું લક્ષ્યમાં લેતાં એમને પ્રાપ્ત થયેલી સામગ્રીને તેમણે જે રીતે તપાસી છે એ ઘણી મહેનતનું, ઝીણવટનું, ધીરજનું અને બુદ્ધિની કસોટી કરે એવું છે એ જણાઈ આવે એમ છે. ઘણે ઠેકાણે એમની તપાસમાં જે શિથિલતા આવી ગઈ છે એના ઉપર સંશોધકોએ ખાસ ધ્યાન આપવા જેવું છે અને ઘણા ખંતથી ધીરજથી અને ઝીણવટથી અભ્યાસ કરનાર પણ આવી રીતે બીજી દિશામાં વળી જઈ શકે એ જોઈને સાવધાની રાખવા જેવી છે.