નવલકથાપરિચયકોશ/સંપાદકીય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:40, 13 December 2023

સંપાદકીય

આ સંપૂર્ણ ઇતિહાસ નથી પરંતુ ઇતિહાસલેખનનું પ્રતિમાન છે! નિવેદનમાં નોંધેલી વિગતોનું અનુસંધાન જાળવીને થોડી વાત સંપાદકીયમાં કરું. ગુજરાતી સાહિત્યમાં સાહિત્યના ઇતિહાસલેખનનાં અનેક કાર્યો આજ દિવસ સુધી સાતત્યપૂર્વક સંપન્ન થઈ રહ્યાં છે. સાહિત્યના ઇતિહાસલેખનના ગ્રંથોનું વર્ગીકરણ કરીએ તો તેમાં ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (યુગવિભાજન પ્રમાણેનો), ગુજરાતી સર્જકો વિશેનાં પરિચય-પુસ્તકો-પુસ્તિકાઓ, સાહિત્યસ્વરૂપની વિકાસરેખા દર્શાવતા ગ્રંથો, કોઈ એક યુગની કૃતિઓનાં સ્વરૂપલક્ષી ગ્રંથો; સર્જનાત્મક કૃતિનાં સંપાદનો અને આસ્વાદ્ય સંચયો; સાહિત્યસ્વરૂપનાં ઘટક અંશોની વિચારણા રજૂ કરતા ગ્રંથો, વિવેચનનો ઇતિહાસ કે વિવેચનતત્ત્વવિચારનાં ગ્રંથો – આમ વિવિધ સ્વરૂપે સાહિત્યના ઇતિહાસલેખનની પરંપરા આજે પણ સક્રિય છે. પરંતુ જરા ઝીણી નજરે તપાસ કરીએ તો ગુજરાતી સાહિત્યમાં કોઈ એક સાહિત્ય સ્વરૂપના સળંગ, ઇતિહાસલેખનના ગ્રંથોની સંખ્યા ખૂબ નાની છે. કવિતા, નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, નિબંધ, વિવેચન અને અનુવાદનો સળંગ ઇતિહાસ એટલે કે તેના આરંભથી શરૂ કરીને વર્તમાનકાળ સુધીનાં સ્થિત્યંતરો અને બદલાવો રજૂ કરતા આલેખમૂલક ઇતિહાસગ્રંથો નથી. કવિતાસ્વરૂપના કેટલાક ઉત્તમ ગ્રંથો મળ્યા છે. તેમાં અર્વાચીનકાળથી શરૂ કરીને ગાંધીયુગ સુધીના, કેટલાક આધુનિકકાળના ગ્રંથો પણ મળ્યા છે. પરંતુ ગુજરાતી કાવ્યસ્વરૂપનો સળંગ ઇતિહાસ આપણે લખ્યો નથી. એ જ રીતે ટૂંકી વાર્તા, નવલકથા જેવાં અન્ય સ્વરૂપોના કૃતિપરિચય કેન્દ્રી ગ્રંથો ઉપલબ્ધ છે. પરંતુ સાહિત્યસ્વરૂપના આલેખમૂલક ઇતિહાસના ગ્રંથો નથી. ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્યના પ્રત્યેક યુગના સર્જકોને કેન્દ્રમાં રાખીને ઇતિહાસગ્રંથો પ્રગટ કરે છે, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યના કોશ પ્રગટ કરે છે, એ પરંપરાના સાહિત્યસ્વરૂપના સળંગ ઇતિહાસના લેખનનો પ્રકલ્પ સ્વીકારે તો ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપોની સિદ્ધિઓ-સીમાઓ બંને સ્થિત્યંતરોનો એક ઉપયોગી દસ્તાવેજ મળી રહે. જેમ ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ ભગવદ્ગોમંડળના નવ ગ્રંથોનું (હવે તો ડિજિટલ સ્વરૂપે) પ્રકાશનકાર્ય કર્યું તેવા દૃઢ સંકલ્પની નીપજ રૂપે સાહિત્યસ્વરૂપનો આલેખપૂરક ઇતિહાસગ્રંથ ઉપલબ્ધ બની શકે. સાહિત્યસ્વરૂપનો આલેખમૂલક ઇતિહાસ કોઈ એક વ્યક્તિ કે સંપાદનમંડળ ન કરી શકે પરંતુ ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી કે એકત્ર ફાઉન્ડેશન જેવી આત્મનિર્ભર સંસ્થાઓ જ કરી શકે. કારણ કે તેમાં આયોજન, આર્થિક સહાય, લેખકમંડળ, સંપાદકમંડળ અને પ્રકાશન તેમ તમામ સ્તરની કામગીરી અને આધારસ્રોતો માટેનું સંચાલન સદ્ધર એવી સાહિત્યિક સંસ્થાઓ જ આયોજન કરી શકે. અત્યારે તો આશા રાખીએ કે ભવિષ્યમાં એવા કોઈ પ્રકલ્પની આકૃતિ નિર્માણ થશે. એ સ્થિતિમાં પ્રસ્તુત ગુજરાતી નવલકથાપરિચયકોશ માત્ર એક પ્રયાસ છે, એક દિશાનિર્દેશ છે.

નિવેદનની પૂર્વે મૂકેલ અધિકરણલેખનનું માળખું દર્શાવતા નિમંત્રણપત્ર વિશે જરા વિગતે વાત કરું. અધિકરણલેખન માટેનું સૂચિત માળખું અધિકરણલેખનની લેખનશિસ્ત દર્શાવે છે. નવલકથાકારનો પરિચય, નવલકથાકારની પ્રકાશિત કૃતિઓ, એમને મળેલ ઈનામો, પુરસ્કારો, આ માહિતીઓની સાથે પસંદ કરેલ નવલકથાનું કથાનક – કે કથાવસ્તુ, નવલકથાકારની લેખનપદ્ધતિ, નવલકથાનાં ઘટકઅંશોની સક્રિયતા, એટલે કે પાત્ર, વસ્તુસંકલના કે કથાભાષાની ચર્ચા, ને અંતે પસંદ કરેલ નવલકથા વિશેનાં અન્ય બે વિવેચકોનાં મંતવ્યો અધિકરણલેખન ઉપરની પ્રત્યેક માહિતી કે સંદર્ભસામગ્રી હકીકતો અને જરૂરી પ્રમાણો સાથે આપવાની સૂચના હતી. એટલે કે જન્મવર્ષ, મૃત્યુવર્ષ, નવલકથાની પ્રથમ આવૃત્તિ, વિવેચકનાં મંતવ્યોની આધાર સામગ્રી એમ પ્રત્યેક વિગતો સાધાર નોંધવાની હતી. પ્રથમ આવૃત્તિની સાથે, પ્રકાશક, મૂલ્ય, અર્પણ, પ્રસ્તાવના અને મુખપૃષ્ઠની પણ માહિતી આપવાની સૂચનાઓ હતી. આ પ્રકારનું લેખનમાળખું લેખક અને કૃતિ વિશેની દસ્તાવેજી માહિતી સાથે નવલકથાલેખકની સર્જકતાનો પણ પરિચય મળી રહે છે. નિમંત્રણપત્રમાં સૂચિત લેખનમાળખાને અહીં બધા જ અધિકરણલેખકો અનુસર્યા છે એવું નહીં કહી શકું. પણ એટલું તો નોંધી શકું કે જે અનુસર્યા છે તે અધિકરણો વિશેષ પ્રભાવક છે. ને જે નથી અનુસર્યા ને એમની અંગત લેખન શિસ્તને અનુસર્યા છે તેમનાં પરિણામો પણ સંતોષકારક તો છે. કોઈપણ લેખકનું અધિકરણ મને જ્યારે ઈ-મેઇલ પર કે વૉટ્સએપ પર મળતું ત્યારે તેનું વાચન કરીને જ્યાં ફેરફારો કે સુધારા કરવાના આવે તો ફોન કે મૅસેજ દ્વારા લેખક સાથે ચર્ચા કરતો ને સુધારેલું અધિકરણ મોકલવાનું કહેતો. પ્રાપ્ત અધિકરણ વિશેનો મારો ટૂંકો પ્રતિભાવ નવલકથાપરિચયકોશ માટે બનાવેલ વૉટ્સએપ ગ્રૂપમાં મૂકતો ને અધિકરણ વિશેનો મારો ટૂંકો પ્રતિભાવ વાંચીને લેખકમિત્રને કામ કર્યાનો આનંદ મળતો. તેની સાથે સાથે લેખન પૂરું ન કર્યું હોય પણ લેખનપ્રક્રિયામાં હોય એવા લેખકોને માર્ગદર્શન ને દિશાસૂચનો મળતાં. સંપાદક અને અધિકરણલેખક વચ્ચે સુમેળભર્યો ને સંવાદી વિદ્યાકીય વ્યવહાર હોવો જરૂરી છે ને તેનો સૌને અનુભવ થયો છે. કેટલાક લેખકોએ વારંવારની વિનંતિ કરવા છતાં પણ અધિકરણ નથી લખ્યું કે લખ્યાં એવા લેખકો સાથે પણ સદ્ભાવથી જ વ્યવહાર કર્યો છે. આ પ્રકારની પરસ્પરની સંવાદી આત્મીયતાને કારણે આશરે છ મહિનાના સમયગાળામાં કુલ ૧૫૩ નવલકથાનાં અધિકરણો (૧૧૦૦થી ૧૨૦૦ની શબ્દમર્યાદાનાં) મળ્યાં છે તેમાં એકત્ર ફાઉન્ડેશનનો સંપૂર્ણ સહકાર અને સંપાદક-લેખક વચ્ચેની સંવાદી આત્મીયતા મુખ્ય પ્રેરક પરિબળો બન્યાં છે. લેખકોએ અનેક પ્રકારની મુશ્કેલીઓ અને તકલીફો વચ્ચે પણ અધિકરણો સમયસર મોકલ્યાં છે. આવી સંવાદી આત્મીયતાનું પરિણામ તે પરિચયકોશ! આગળ નિવેદનમાં નોંધ્યું છે તે મુજબ પરિચયકોશનું માળખું ઐતિહાસિક છે. પરિચયકોશમાં પહેલું અધિકરણ ઈ. સ. ૧૮૪૪માં પ્રકાશિત રેવરન્ડ ફાધર વિલિયમ ફ્લાવર દ્વારા અનુવાદિત નવલકથા ‘યાત્રાકરી’ વિશેનું છે. ગુજરાતી નવલકથાલેખનના આરંભના ગાળામાં વિદેશી નવલકથાના અનુવાદો મળે છે. ‘હિન્દુસ્તાન મધ્યેનું એક ઝુંપડું’ પણ એક ફ્રેંચ નવલકથાનો અનુવાદ છે. ઈ. સ. ૧૮૪૪ શરૂ કરીને પરિચયકોશમાં ઈ. સ. ૨૦૨૩માં પ્રકાશિત સ્વાતિ શાહની ‘સીતા’ અને દક્ષા દામોદરાની ‘સિદ્ધાર્થ’ સુધીની નવલકથાઓ છે. આશરે ૧૮૦ વર્ષનો ગુજરાતી નવલકથાસર્જનકાળ એક ગૌરવની ઘટના છે. આશરે ૧૮૦ વર્ષનો સર્જનકાળ વિષયસામગ્રી અને લેખનપદ્ધતિને કારણે સ્થિત્યંતરો અને બદલાવો સહિતનો છે. સમયાંતરે નવલકથાકારના જીવનસંદર્ભ અને યુગસંદર્ભને નિરૂપતી નવલકથાઓ ગુજરાતી પ્રજાની સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, નૈતિક જીવન અને આર્થિક જીવનનાં આવતા આંતરબાહ્ય બદલાવોનો – ધરમૂળથી થતા બદલાવોનો કથામૂલક દસ્તાવેજ છે. જેમ ગુજરાતી પ્રજાજીવનનો કથામૂલક ઇતિહાસ છે તેમ નવલકથાલેખનની વિવિધ લેખનપદ્ધતિ અને લેખકની બહુપરિમાણીય સર્જકતાનાં નમૂનારૂપ છે. એક તરફ ઈ. સ. ૧૮૬૬માં પ્રકાશિત નંદશંકર તુળજાશંકર મહેતાની ‘કરણઘેલો’ નવલકથાનું અધિકરણ વાંચીએ ને તેની સાથે ઈ. સ. ૧૯૬૬માં પ્રકાશિત શ્રીકાન્ત શાહની ‘અસ્તી’ કે ઈ. સ. ૧૯૬૮માં પ્રકાશિત રાધેશ્યામ શર્માની ‘ફેરો’ કે ઈ. સ. ૧૯૯૧માં પ્રકાશિત બાબુ સુથારની ‘કાચંડો અને દર્પણ’ કે ઈ. સ. ૨૦૧૭માં પ્રકાશિત ઉમેશ સોલંકીની ‘ફેરફાર’ જેવી નવલકથાઓનું સમાંતર વાચન કરીએ તો ગુજરાતી નવલકથામાં વિષયસામગ્રી અને લેખનપદ્ધતિ સંદર્ભે પાયાના કેવા બદલાવો આવ્યા છે તેનો અનુભવ થશે. નવલકથાના ઘટકઅંશો, પાત્રનિરૂપણ, વસ્તુસંકલના, કથનકેન્દ્ર, સમયસંકલના અને કથાભાષા સંદર્ભે જે મૂળથી બદલાવો થયા છે તે લેખકની જીવનભાવના અને સર્જનભાવનાના મૂળાધારો છે. એનો અર્થ એ કે અહીં પસંદ કરેલી નવલકથાનાં અધિકરણોનું જેમ ઐતિહાસિક ક્રમમાં વાચન કરવાનું છે તેમ સમાંતરતાની ભૂમિકાએ કે એક બીજાથી જુદી પડતી નવલકથાના આંતરબાહ્ય ભેદની ભૂમિકાએ પણ વાચન કરવાનું છે. એ જ રીતે કોઈ એક તબક્કાની નવલકથાઓ જે વિષયવસ્તુ અને લેખનપદ્ધતિએ પરસ્પરથી જુદી પડે છે તેવા નમૂનાઓનું પણ તુલનાત્મક વાચન કરવાનું છે. જેમ કે ઈ. સ. ૧૯૬૦થી ૧૯૭૦ના નવલકથાસર્જનના તબક્કાની પ્રયોગશીલ નવલકથાના તબક્કા તરીકે વિશેષ ચર્ચા થઈ છે. પરંતુ આ તબક્કામાં સ્નેહરશ્મિની ‘અંતરપટ’, મોહમ્મદ માંકડની ‘ધુમ્મસ’, દિલીપ રાણપુરાની ‘સૂકી ધરતી સૂકા હોઠ’, કુંદનિકા કાપડિયાની ‘પરોઢ થતાં પહેલાં’ અને વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામીની ‘જાવડ શેઠ’ નવલકથાઓ પ્રગટ થઈ છે. તો વિષયવસ્તુ અને લેખનપદ્ધતિએ પરસ્પરથી જુદી પડતી નવલકથાઓનું વિવેચન કરવા માટે કોઈ એક કાવ્યશાસ્ત્રનાં ઓજારો સફળ થઈ શકે નહીં. કોઈ એક તબક્કાની નવલકથાઓની પ્રકાશનધારા પાછળનાં સાહિત્યિક અને અન્ય સામાજિક-સાંસ્કૃતિક પરિબળોની ઓળખ કરવી જરૂરી છે. લેખકની જીવન વિશેની, સાહિત્યલેખન વિશેની અને સાહિત્યનાં પ્રયોજનો વિશેની પૂર્વધારણાઓનો પરિચય કરવો જરૂરી છે. આ પદ્ધતિએ કોઈ એક તબક્કાની નવલકથાલેખનની એક કરતાં વધુ સંખ્યાની ધારાઓનો પરિચય થશે. એક જ તબક્કામાં પ્રયોગશીલ, આધુનિક, અસ્તિત્વવાદી, નારીકેન્દ્રી, સામાજિક, સાંસ્કૃતિક, જાસૂસી અને લોકપ્રિય વિષયોને આલેખતી નવલકથાઓ મળે ત્યારે તેનું સાહિત્યિક મૂલ્યાંકન કરવા માટે બહુસંવાદી કાવ્યશાસ્ત્રનાં ઓજારોનો ઉપયોગ કરવો જરૂરી લાગે. નવલકથાસર્જન લેખકનો એક નિજી અવાજ છે. એ અવાજ (voice) લોકપ્રિય સાહિત્યનો હોય, પ્રયોગશીલ સાહિત્યનો હોય, મનોરંજન કે ભેદભરમની વાર્તા સાહિત્યનો હોય. એ પ્રત્યેક અવાજને તેના સંદર્ભે સાંભળીએ તો તેનાં પ્રયોજનોનો પરિચય મળી શકે. ઈ. સ. ૧૯૮૦-૯૦ના તબક્કામાં પ્રકાશિત નવલકથાઓ તપાસવા જેવી છે. ઈ. સ. ૧૯૭૦-૮૦ના તબક્કામાં લિરિકલ નૉવેલ, અસ્તિત્વવાદી નવલકથા, નગરચેતનાકેન્દ્રી અને પાત્રની આંતરચેતનાકેન્દ્રી સવિશેષ હતી. એ લેખનમાં જબરો વળાંક ઈ. સ. ૧૯૮૦-૯૦ના તબક્કામાં પ્રકાશિત નવલકથાઓમાં જોવા મળે છે. દલિતસમાજકેન્દ્રી, નારીસમાજકેન્દ્રી ગ્રામચેતના, મહાપુરુષની જીવનકથાકેન્દ્રી, સાગરખેડુના જીવનકેન્દ્રી નવલકથાઓ મળે છે. તો આધુનિક સર્જકો આ તબક્કામાં કથાલેખનની પ્રયોગશીલ પરંપરાથી ફંટાઈને પરંપરાગત કથાલેખનની પદ્ધતિનો વિનિયોગ કરીને એક નવું સ્વરૂપ સર્જે છે. સુમન શાહની ‘ખડકી’ (પ્ર. આ. ૧૯૮૭), શિરીષ પંચાલની ‘વૈદેહી એટલે વૈદેહી’ (પ્ર. આ. ૧૯૮૭). અહીં એક પાયાનો સવાલ થાય છે કે તો પછી ‘યુગ’, ‘તબક્કો’, ‘દાયકો’ એવાં સમયદર્શી વિભાજનો અને સરહદોનાં ઓજારોથી સાહિત્ય કે સાહિત્યસ્વરૂપના ઇતિહાસલેખનની પદ્ધતિ કેટલી કામિયાબ નીવડી શકે? જેમ કે ઈ. સ. ૧૮૮૭માં ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાનો પહેલો ભાગ પ્રગટ થાય છે ને ઈ. સ. ૧૯૦૧માં તેનો ચોથો ભાગ. આ જ ગાળામાં ઈ. સ. ૧૯૦૦માં ‘ભદ્રંભદ્ર’ નવલકથા પ્રગટ થાય છે. આ બંને નવલકથાના સૂર પરસ્પર જુદા છે. (વિરોધી નહીં) તો આ બે નવલકથાનું મૂલ્યાંકન એક જ સ્થિર દૃષ્ટિકોણથી કરીએ તો બંને લેખકોની સર્જકતાને નહીં પામી શકીએ. સાહિત્યનો ઇતિહાસલેખક જ્યારે કોઈ એક તબક્કાના સાહિત્યને નિર્ધારિત યુગ તરીકેનું નામકરણ કરે છે એ નામકરણ કરવાની પદ્ધતિ જ મુખ્યને ધ્યાનમાં રાખે છે ને ગૌણને કે નામકરણથી જુદા પડતા અવાજને સાંભળતા નથી ત્યારે આવા નામકરણથી સર્જાતા દબાવો ઇતિહાસલેખનને એક સત્તાકેન્દ્રી બનાવે છે. ગાંધીયુગમાં જ ગાંધીવિચારધારાનું સમર્થન કરતી કૃતિઓની સમાંતરે પ્રભાવક વિચારધારાથી જુદી પડતી કૃતિઓ પણ મળે છે તો એ જુદી પડતી કૃતિઓનો અવાજ પેલી નામકરણની વિધિને કારણે ગૂંગળાઈ જાય છે. નામકરણલક્ષી આગ્રહી ઇતિહાસલેખનની પદ્ધતિથી મુક્ત થવાની જરૂર છે. ઇતિહાસલેખનની નવી પદ્ધતિની શોધ કરીએ તો એકાંગી કાવ્યશાસ્ત્ર કે વિચારધારાનું વર્ચસ્વ નબળું પડી શકે. નવલકથાપરિચયકોશ માટે નવલકથાની પસંદગી કરતી વખતે સભાનપણે એ વાત પર ધ્યાન રાખેલું કે કોઈ એક કાવ્યશાસ્ત્ર, વિચારધારા કે મનપસંદ જીવનભાવના કે સાહિત્યભાવનાનાં ગૃહીતો નિર્ણાયક ન બનવાં જોઈએ. એ અર્થમાં પ્રસ્તુત સંપાદનમાં નવલકથાકારના એક કરતાં વધુ સંખ્યાના અવાજોની બહુરંગી સૃષ્ટિ છે. નવલકથાકાર પોતાના સંદર્ભ સાથે જીવનનો જે રીતે મુકાબલો કરે છે, તેને કોઈ અર્થમાં સારવી લેવા મથે છે, ને વાચકને તેમાં સહભાગી થવા નિમંત્રે છે તેવા બહુરંગી અવાજો અહીં પરિચય સ્વરૂપે સાંભળી શકાશે. અધિકરણલેખકોની વય પણ ૨૦-૨૧થી શરૂ કરીને ૭૫-૭૮ વર્ષની છે. વયની દૃષ્ટિનો આટલો અંતરાલ માત્ર સામયિક નથી એ માનસિક પણ છે. મારા સંપાદકીયનું શીર્ષક ‘આ સંપૂર્ણ ઇતિહાસ નથી પરંતુ ઇતિહાસલેખનનું પ્રતિમાન છે’ તેનો ધ્વનિ પણ એ જ છે કે ચીલાચાલુ ને એકાંગી દૃષ્ટિબિંદુથી લખાતી નામકરણકેન્દ્રી ઇતિહાસલેખનની પદ્ધતિથી મુક્ત થઈને સાહિત્ય કે સાહિત્યસ્વરૂપની નવી ઇતિહાસલેખનપદ્ધતિની શોધ કરવી જરૂરી છે. આવી નવી ઇતિહાસલેખનપદ્ધતિની શોધ કરવામાં સહાયક બની શકે તેવા ત્રણ મીમાંસકોનો સંદર્ભ આપું છું. સ્ટીફન ગ્રીનબ્લાટ, ચંદ્રકાન્ત ટોપીવાળા, શિરીષ પંચાલ. આ ત્રણ મીમાંસકોની સાહિત્યના ઇતિહાસલેખનની વિચારણાનો નિકટવર્તી પરિચય કરીશું ત્યારે સમયદર્શી, વિચારધારાદર્શી અને ચુસ્ત કાવ્યશાસ્ત્રદર્શી ઇતિહાસલેખનની મર્યાદાઓનું ભાન થશે. ગુજરાતી સાહિત્યમાં ઇતિહાસલેખનનું ઉત્તમ પ્રતિમાન સુંદરમ્નો ‘અર્વાચીન કવિતા’ ગ્રંથ છે. (પ્ર. આ. ૧૯૪૬) આ ગ્રંથ અને આ ગ્રંથનો પુરસ્કાર સ્વીકારતી વખતે સુંદરમે આપેલું વક્તવ્ય બંનેનો ઇતિહાસલેખન-પદ્ધતિની આધારસામગ્રી તરીકે સ્વાધ્યાય કરવો જરૂરી છે. પ્રસ્તુત પરિચયકોશ ડિજિટલ ફૉર્મમાં ઈ-બૂક તરીકે પ્રકાશિત થશે તેથી તે ફૉર્મમાં કોઈ મહત્ત્વની નવલકથાનું અધિકરણ ઉમેરવાનું બનશે તો જરૂર ઉમેરીશું. આ ક્ષણે તો પ્રસ્તુત પરિચયકોશ એક પગલું ભર્યું છે, આગળ જવા માટે તેનો સંકેત છે. ગુજરાતી નવલકથાપરિચયકોશનાં પ્રકાશનકાર્યમાં પ્રેમપૂર્વક સહભાગી થનાર સૌ મિત્રોના આભાર સાથે વિરમું! અસ્તુ!

તા. ૨૬ ઑગસ્ટ, ૨૦૨૩, શુક્રવાર – જયેશ ભોગાયતા
ટૉરન્ટો, ડાઉનટાઉન, કેનેડા