ગામવટો/સર્જક-પરિચય: Difference between revisions
Shnehrashmi (talk | contribs) (Created page with "{{Heading|સર્જક-પરિચય|મણિલાલ હ. પટેલ (જન્મ. ૯-૧૧-૧૯૪૯)}} {{poem2Open}} જન્મ, વતન પંચમહાલના મોટાપાલ્લા ગામે, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મોટાપાલ્લા અને મધવાસમાં, ઉચ્ચશિક્ષણ મોડાસામાં. ૧૯૬૭માં એસ. એસ...") |
(No difference)
|
Revision as of 04:30, 14 December 2023
મણિલાલ હ. પટેલ (જન્મ. ૯-૧૧-૧૯૪૯)
જન્મ, વતન પંચમહાલના મોટાપાલ્લા ગામે, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મોટાપાલ્લા અને મધવાસમાં, ઉચ્ચશિક્ષણ મોડાસામાં. ૧૯૬૭માં એસ. એસ. સી. ૧૯૭૧માં બી. એ. ૧૯૭૩માં એમ. એ. ૧૯૭૯માં ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ ‘અર્વાચીન કવિતામાં પ્રણય નિરૂપણ' વિષય પર પીએચ. ડી. ૧૯૭૩થી ૧૯૮૭ના ૧૪ વર્ષ ઈડર કૉલેજમાં અને ૧૯૮૭થી ૨૦૧૨ સુધી વિદ્યાનગર સ. ૫. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં અધ્યક્ષ-અધ્યાપક. તેમણે ‘દસમો દાયકો', ‘પરસ્પર' અને 'પ્રજ્ઞા' નામનાં સામયિકોનું સંપાદન કર્યું છે. વેઠ્યા કરવાની ઘટનાઓ અને સીમવગડાના આકર્ષણ વચ્ચે કિશોર મણિલાલને કવિતાની લગન લાગે છે. દસમા ધોરણમાં ‘સાચો રાહ' નાટક ભજવ્યું. તેમણે પોતાના ગામમાં પહેલી વાર આ રીતે નાટક ભજવાવડાવ્યું. એના ફાળામાંથી આવેલી રકમથી ગામમાં ગ્રંથાલય બન્યું. દલપતરામની રચનાઓનો મુખપાઠ અને ચોપડીમાંથી જાતે છંદ શીખી લેવાની મથામણોને કારણે મણિલાલ હ. પટેલ અગિયારમા ધોરણ સુધીમાં તો એક નોટ કવિતાથી, બીજી વાર્તાઓથી અને ત્રીજી નવલકથાથી ભરી દે છે. એ જ વર્ષે તેમણે મધવાસ હાઈસ્કૂલના આચાર્યના ઘરે આવેલા તે સમયના જાણીતા કવિ કરસનદાસ માણેકને સગડીના તાપે પોતાની કવિતાઓ સંભળાવી. કવિએ તેમાંથી ‘ગરીબો’ રચના લીધી અને ‘નચિકેતા'માં છપાવડાવી. મણિલાલ હ. પટેલની સર્જકતાનો આરંભ ત્યાંથી થયો. ૨૦૦૭માં ધનજી-કાનજી સુવર્ણચંદ્રક, અમરેલીનો મુદ્રાચંદ્રક, નવલકથા માટે કલકત્તાનો સાહિત્યસેતુ એવૉર્ડ અને વિવેચન માટે ક્રિટિક્સ એવૉર્ડ એમને મળેલા છે. ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમીના પાંચ પારિતોષિકો, ગુજરાતી સાહિત્ય પરિષદનાં છ પારિતોષિકો અને બીજાં અનેક સન્માનો તેમને પ્રાપ્ત થયાં છે.
– હસિત મહેતા
‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૮ (ખંડ ૨)'માંથી સાભાર