નવલકથાપરિચયકોશ/અમે બધાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 14:51, 15 December 2023

૨૨

‘અમે બધાં’ : ધનસુખલાલ મહેતા – જ્યોતીન્દ્ર દવે

– બીરેન કોઠારી

બે લેખકો દ્વારા સંયુક્ત લેખનની પરંપરા અંગ્રેજીમાં સામાન્ય છે, પણ ગુજરાતીમાં સૌ પ્રથમ વખત આ પ્રયોગ ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવેએ ‘અમે બધાં’ કૃતિ દ્વારા સફળતાપૂર્વક કર્યો. તેનાં પ્રથમ પાંચ પ્રકરણ ‘ગુજરાત’માં અને એ પછી ‘ગુજરાત’ બંધ થતાં ‘કૌમુદી’માં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયાં. બંને લેખકોએ સંયુક્ત કેફિયતમાં જણાવ્યું છે એમ, ‘અમારા વતન સુરતનાં અદૃશ્ય થતાં જતાં જીવન અને વાતાવરણ પૂરેપૂરાં અદૃશ્ય થઈ જાય તે પહેલાં તેમનું આછું ચિત્ર ઝીલી લેવું એવો વિચાર અમને બંનેને જુદો જુદો આવેલો અને તે પ્રમાણે અમે જુદી જુદી થોડી નોંધ પણ તૈયાર કરેલી.’ કનૈયાલાલ મુનશીની ઑફિસમાં બંને લેખકો મળતા એ સમયે તેમણે જુદા જુદા લખવા કરતાં બંનેએ એક જ કૃતિ લખવી એમ ઠરાવ્યું. પરિણામે ગુજરાતી સાહિત્યને એક અદ્ભુત હાસ્યનવલ મળી. બિપિનચંદ્ર આ કથાનો નાયક છે, જેના જન્મથી લઈને લગ્ન સુધીની કથા આ પુસ્તકમાં આવરી લેવાઈ છે. અન્ય નવલકથાઓના નાયકની જેમ બિપિનચંદ્ર પરાક્રમી કે સાહસવીર યા એક રીતે અસાધારણ નથી, બલ્કે આપણી આસપાસ જોવા મળતા અનેક સામાન્ય લોકો જેવો જ છે. તેના આત્મકથનરૂપે તેના જન્મથી કથાનો આરંભ થાય છે. કથાનાયક પોતાની કથા માંડતાં પહેલું વાક્ય બોલે છે : ‘- અને હું રડ્યો.’ આ નવલકથામાં જે તે સમયના સુરતના મધ્યમ વર્ગનું સમાજજીવન આબાદ ઝિલાયું છે. ન્યાત, તેના રિવાજ, તેના અગ્રણીઓ, ટાંચાં સાધનો છતાં સુલભ મનોરંજન જેવી અનેક બાબતોનું વિગતવાર વર્ણન વાંચીને સતત હોઠ મરકતા રહે છે, તો ક્યાંક ખડખડાટ હસી પડાય છે. સમગ્ર નવલકથામાં આપણી આસપાસના લોકો, આસપાસનો જ માહોલ અને તેવા જ પ્રસંગો હોવા છતાં તે વાંચનારને જકડી રાખે છે. તેમાં નથી કોઈ દિલધડક ઘટનાઓ, કે નથી કોઈ અણધારી પરિસ્થિતિઓ. નથી કોઈ અસામાન્ય ગુણ ધરાવતાં કોઈ પાત્રો, કે નથી કોઈ આદર્શવાદ! જે કંઈ છે એ તદ્દન સામાન્ય, સાહજિક અને રોજિંદું છે. આ બધામાંથી લેખકોએ પોતાના નિરીક્ષણ અને આલેખન વડે હાસ્ય નિપજાવ્યું છે. હાસ્ય નિપજાવવા પાછળ તેમનો આશય કટાક્ષનો કે પ્રહારનો નહીં, પણ નિરૂપણનો છે. તેઓ સમાજસુધારાની તરફેણ નથી કરતા કે કોઈ પ્રકારનો ઉપદેશ પહોંચાડવા નથી ઇચ્છતા. કોઈ એક ચોક્કસ સમયખંડમાં જિવાતા સમાજજીવનનું આલેખન જ લેખકોનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ડૉ. ભદ્રમુખ ક. વૈદ્ય કહે છે : ‘નાયક વિપિન એટલે કોઈ પણ ગુજરાતી યુવક- બિલકુલ વ્યક્તિત્વ વગરનો; કુટુંબ, સગાં, મિત્ર, શાળા અને સમાજના વહેણમાં ગમે તેમ તણાતો છેવટે બી.એ. થઈ છોકરી અને નોકરી પામી જીવનયુદ્ધનો આરંભ કરતો અણઘડ અને ફાંકડો ગુજરાતી. તેની ભવિષ્યની કારકિર્દી ઊજળી હશે, તેણે તેના વ્યક્તિત્વને પણ કેળવ્યું હશે, પણ તેની આપણને કશી ખબર નથી.’ નાયકના આ ગુણો સાથે એ સમયના સહુ કોઈ યુવાનો આસાનીથી તાદાત્મ્ય સાધી શકે એમ છે. તેથી જ તેની કથા સૌ કોઈને પોતાની કથા લાગે છે. પુસ્તકના આમુખમાં કનૈયાલાલ મુનશીએ નોંધ્યું છે : ‘કર્તાઓની વિનોદલક્ષી દૃષ્ટિ સર્ચલાઇટની માફક જીવનના સર્વસામાન્ય પ્રસંગો પર પ્રકાશ પાડે છે. એમનાં પાત્રો વાસ્તવિક છે – રોજ સાથે રહીએ છીએ તેવાં. એમના પ્રસંગો સામાન્ય છે – આપણે રોજ એવાનો અનુભવ કરીએ છીએ. પણ એમની દૃષ્ટિનો મીઠો, મમતાભર્યો, પણ સચોટ પ્રકાશ તેને એવી રીતે રજૂ કરે છે કે આપણે તે પાત્ર ને પ્રસંગને જુદી જ રીતે જોઈએ છીએ.’ ‘ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય’ દ્વારા ૧૯૩૬માં પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થયા પછી તેનાં પુનર્મુદ્રણ સતત થતાં રહ્યાં છે. ૨૦૦૪માં તેનું દસમું પુનર્મુદ્રણ થયું હતું, જે તેની લોકપ્રિયતા સૂચવે છે. આ પુસ્તકની સર્વકાલીનતા અને સર્વપ્રાંતીયતા બાબતે જયસુખલાલ મહેતાની ટિપ્પણી નોંધપાત્ર છે. પુસ્તકના પરિચયમાં તેમણે લખ્યું છે : ‘વાર્તામાં અમુક સ્થળ અને અમુક માનવીઓ ગૂંથવાં પડે છે. પણ સમર્થ લેખકોના સર્જનમાં તે બધાં દરેક સ્થળ અને દરેક માનવીરૂપે જણાય છે. ‘અમે બધાં’નાં સુરતમાં રહેતાં તેમ જ જીવન ગુજારતાં બધાં પાત્રો સુરતનાં જ માત્ર નથી. અમદાવાદનાં પણ છે, મુંબઈનાં પણ છે, કાઠિયાવાડનાં પણ છે, હિંદુસ્તાનના બીજા પ્રાંતોનાં પણ છે. આ નવલનો નાયક ‘વિપિન’ એ કાલ્પનિક વ્યક્તિ છે પણ એ માત્ર એટલું જ નથી – એ જમાનામાં હું પણ ‘વિપિન’ હતો, તમે પણ ‘વિપિન’ હતા. ‘વિપિન’ની જીવનકથા આપણી જ જીવનકથા હોય એમ લાગે છે.’ આમ, દેખીતી રીતે સાવ સામાન્ય અને રોજબરોજના પ્રસંગો ધરાવતી આ નવલકથા જાણે કે એક સમગ્ર કાળખંડ અને તેના સમાજજીવનની ઝાંખી કરાવતી નવલકથા બની રહે છે. આ સમાજજીવન એવા સામાન્ય લોકોનું છે કે અન્યથા તેનું દસ્તાવેજીકરણ ભાગ્યે જ કરવામાં આવે અને જે તે કાળની વ્યક્તિઓની વિદાય સાથે જ તે લુપ્ત થતું ચાલે. આથી આ નવલકથા એ સમયના સમાજજીવનનો આયનો બની રહે છે એમ કહી શકાય. રામપ્રસાદ બક્ષીએ આથી જ લખ્યું છે : ‘જીવનના સામાન્ય પ્રસંગો અને સામાન્ય (આપણે કહીશું સ્વાભાવિક, યથાદૃષ્ટ) પાત્રોમાંથી જ રમૂજી વાતાવરણ ઉપજાવવાની આ શક્તિ એ ‘અમે બધાં’ની એના પૂર્વગામીઓથી તરી આવતી અને એને ઉચ્ચતર આસને બેસાડતી વિશિષ્ટતા છે.’ આ પુસ્તકના એક પ્રકરણ ‘શૈશવ’માં બાળક બિપીન દ્વારા તેના પિતાજીને પુછાતા સવાલો, પિતાજી દ્વારા અપાતા તેના જવાબો અને એ જવાબના આધારે પુછાતા નવા સવાલોમાં બાળમાનસમાં રહેલી સહજ જિજ્ઞાસા આબાદ ઝિલાઈ છે. બે-અઢી પૃષ્ઠોમાં વર્ણવાયેલા આ સવાલ-જવાબ વાંચતાં ખડખડાટ હસવું ભાગ્યે જ રોકી શકાય. રઘુવીર ચૌધરીએ લખ્યું છે : ‘હાસ્યકથા મનોભાવનો માત્ર આધાર લઈને બાહ્ય ઘટનાઓની ગૂંથણી દ્વારા પોતાના કાર્યને સહેલું બનાવે છે. ‘ભદ્રંભદ્ર’ની સરખામણીમાં ‘અમે બધાં’નું ભાવવૈવિધ્ય તુરત ધ્યાન ખેંચે છે, પણ વિલક્ષણતાઓથી મુક્ત રહેવા જતાં કોઈ એક પાત્રની યાદગીરી મૂકી જવાનું શક્ય બન્યું નથી. ઉત્તમ હાસ્યકથાઓનો ભાર એમના નાયકોએ ઉપાડેલો હોય છે. ‘અમે બધાં’ના વાચનને અંતે કેટલીક પરિસ્થિતિઓ અને પ્રસંગોનું હાસ્ય યાદ આવે છે, અને જે માત્ર નિમિત્તરૂપ બન્યો છે એ સમાજ વાસ્તવિક ભાસે છે.’ દ્વિતીય પ્રકરણ ‘મારા પૂર્વજો – મારા જન્મના કેટલાક જવાબદારો’માં અનેક પાત્રો અને પ્રસંગો આલેખાયાં છે. આ પ્રકરણના અંતે નાયક પોતાના પૂર્વજો અંગેનું એક સામાન્ય લક્ષણ તારવતાં લખે છે : ‘ભિન્ન ભિન્ન સ્વભાવ ને કાર્યપદ્ધતિવાળાં મારાં સર્વ પૂર્વજોમાં અદ્ભુત રીતે એક બાબતમાં સામ્ય હતું! એ બધાં જ પરણેલાં હતાં!’ ‘પરણવા’ ઉપરાંતની બીજી કોઈ સાંસારિક ‘પ્રાપ્તિ’ કે ‘સિદ્ધિ’ ન હોય એવી વ્યક્તિઓ વિશે કોણ લખે! એ રીતે પણ આ પુસ્તકનું મહત્ત્વ આગવું છે. ડૉ. ભદ્રમુખ ક. વૈદ્યે નોંધ્યા અનુસાર : ‘રૂઢિચુસ્ત અને કૂપમંડુક જીવનમાં પગલે પગલે ઉપસ્થિ થતા કેટલાય અર્થવિહીન પ્રસંગો, તેની ગૂંચો અને તેનાં અદ્ભુુત નિરાકરણ એ સર્વ ઉપર કટાક્ષ કરવાનો અવકાશ પુસ્તકના કર્તાઓને પુષ્કળ મળી રહે છે.’ ધીરેન્દ્ર મહેતા નોંધે છે : ‘હાસ્યનું વેષ્ટન જાળવવા આવેલા અસંભવ અને અતિશયોક્તિના અંશોએ વાસ્તવનો વિચ્છેદ કર્યો નથી. તેથી હાસ્ય અને હેતુ વિરોધી બની ગયાં નથી. હાસ્યજનક લાક્ષણિકતાઓ નિરૂપિત જમાનાની વ્યક્તિઓ પ્રત્યેનો વિપિનનો (તેમ જ લેખકોનો) કે વાચકનો આદર ઓછો કરતી નથી. ઘણી વાર હાસ્યને પડછે લેખકનો સદ્ભાવ પણ ડોકાયા કરતો હોય છે.’ વર્તમાન સમયમાં સમાજજીવન અને તેની સાથે સંકળાયેલું સમૂહજીવન લુપ્ત થવા લાગ્યું છે, પરિવારો સંકોચાઈને વ્યક્તિકેન્દ્રી બની રહ્યા છે. માંડ પોણો સો- સો વર્ષના સમયગાળામાં એટલું ધરમૂળથી પરિવર્તન આવી ગયું છે કે વર્તમાન પેઢી માટે આ પ્રકારનું સમાજજીવન કલ્પનાતીત છે. આ કારણે ‘અમે બધાં’ એક અદ્ભુત હાસ્યકૃતિની સાથોસાથ સામાજિક દસ્તાવેજ તરીકે પણ ચિરકાલીન બની રહે છે.


બીરેન કોઠારી

લેખક (જીવનચરિત્રકાર), સંપાદક, અનુવાદક, બ્લૉગર,
‘સાર્થક જલસો’ છમાસિકના સહસંપાદક.
વડોદરા
મો. ૯૮૯૮૭૮૯૬૭૫
Emailઃ bakothari@gmail.com