નવલકથાપરિચયકોશ/ગુજરાતનો નાથ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૮

‘ગુજરાતનો નાથ’ : કનૈયાલાલ મુનશી

– શૈશવ દેસાઈ
Gujratano Nath.jpg

કનૈયાલાલ માણેકલાલ મુનશી ગુજરાતી સાહિત્ય જગતમાં ક. મા. મુનશીના ટૂંકા નામે ઓળખાય છે. તેઓની ગણના અવલ દરજ્જાના નવલકથાકાર, નિબંધકાર, સાહિત્યકાર તરીકે થાય છે. બહુમુખી પ્રતિભા ધરાવતા આ સર્જકે તેમના લાખો ગુજરાતી વાચકોને ઉત્તમ અને વૈવિધ્યસભર વાચન પૂરું પાડ્યું છે. તેમના પરિચયમાં એ પણ નોંધવું પડે કે તેઓ એક સમર્થ સાહિત્યકાર ઉપરાંત એક સફળ ધારાશાસ્ત્રી, અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની, સક્ષમ રાજનીતિજ્ઞ અને બાહોશ શિક્ષણશાસ્ત્રી પણ હતા. તેઓની રાજકીય કારકિર્દી પણ રસપ્રદ રહી.૧૯૧૫થી ૧૯૨૦ હોમરૂલ લીગના મંત્રી,૧૯૨૫માં મુંબઈમાં ધારાસભ્ય,૧૯૩૦-૩૨ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાની તરીકે કારાવાસ, ૧૯૩૭થી ૧૯૩૯ મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન, સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને હૈદરાબાદ રાજ્યના ભારત રાજ્યમાં વિલીનીકરણમાં સુંદર કામગીરી, ૧૯૫૦થી ૧૯૫૨ કેન્દ્રીય પ્રધાન મંડળમાં એગ્રીકલ્ચર મિનિસ્ટર અને છેલ્લે ૧૯૫૨થી ૧૯૫૭ સુધી ઉત્તર પ્રદેશના ગવર્નર – આ થઈ તેઓની ઊજળી રાજકીય કારકિર્દીની યાદી. પણ જેટલી ઝળહળતી કારકિર્દી રાજનીતિજ્ઞ તરીકે તેટલી જ પ્રભાવશાળી કારકિર્દી સાહિત્યકાર તરીકે પણ રહી. ૧૯૩૮માં સંસ્કૃતિના પ્રસાર અને શિક્ષણ ક્ષેત્રે પ્રખ્યાત ભારતીય વિદ્યાભવન જે સમગ્ર દેશમાં ભવન્સ નામથી મશહૂર છે – તેની તેઓએ સ્થાપના કરી હતી. તેઓ ત્રણ વર્ષ(૧૯૩૭, ૧૯૪૫ અને ૧૯૫૫) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા. તેઓનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭માં ભરૂચ ખાતે થયો હતો. ભરૂચમાં મેટ્રિક્યુલેશન કર્યા પછી વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી ૧૯૦૭માં B.A. થયા. ત્યારબાદ ૧૯૧૦માં L.L.B પણ થયા.૧૯૧૩માં તેમણે મુંબઈ ખાતે વકીલાત શરૂ કરી. તેઓનાં પ્રથમ લગ્ન ૧૩ વર્ષની ઉંમરે અતિલક્ષ્મી સાથે થયાં, જેમનું ૧૯૨૪માં મૃત્યુ થયું. ત્યારબાદ તેઓએ ૧૯૨૬માં લીલાવતી શેઠ સાથે પુનઃ લગ્ન કર્યાં. લીલાવતી મુનશી પણ એક ગુજરાતી સાહિત્યકારક તરીકે જાણીતાં છે. મુનશીનું નિધન ૮ ફેબ્રુઆરી ૧૯૭૧ મુંબઈ ખાતે થયું. કૉલેજકાળ દરમિયાન તેઓ અરવિંદ ઘોષના વિચારોથી પ્રભાવિત થયા. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિત્વ અને વિચારોએ તેઓને રાજકારણમાં રસ લેતા બનાવ્યા. સાહિત્ય અને રાજકારણ બંનેમાં એકસરખો રસ ધરાવતા અને બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા ક. મા. મુનશીની સાહિત્ય યાત્રા ૧૯૧૨માં તેમની પ્રકાશિત થયેલી ‘મારી કમલા’ તેમજ ૧૯૧૩ માં પ્રકાશિત થયેલ વાર્તા ‘વેરની વસૂલાત’થી થઈ ગણાય. તેમની પહેલી એક બે રચના ઘનશ્યામ વ્યાસ જેવા તખલ્લુસથી રજૂ થઈ પણ પછી પોતાના નામથી જ લખવાનું શરૂ કર્યું. આ ઉપરાંત તેઓએ ‘ભાર્ગવ’ અને ‘ગુજરાત’ નામનાં સામાયિકો પણ શરૂ કર્યાં.૧૯૫૯માં પ્રખ્યાત ‘સમર્પણ’ સામાયિક પણ શરૂ કર્યું. માતા પિતાના પ્રબળ સંસ્કારો અને ગાંધીજીના વિચારોની અસરને કારણે પોતાના દેશ ઉપર પરદેશી સત્તાનું શાસન તેમને ખૂબ જ દાહક લાગતું. જેને લીધે કદાચ તેઓ એક સ્વપ્નદ્રષ્ટા બનીને જાણે ગુજરાતના એક હજાર વરસ જૂના ગૌરવવંતા ઇતિહાસ અને રાજ રજવાડાંના ભવ્ય વારસા પર નજર નાખીને બેઠા અને તેમાંથી પેદા થઈ તેમની ખૂબ જ લોકપ્રિય નવલકથાઓ જેવી કે ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ ‘રાજાધિરાજ’ વિગેરે(આ શૃંખલા પાટણત્રયીથી ઓળખાય છે). આ ઉપરાંત તપસ્વીની, લોપા મુદ્રા, કોનો વાંક, ભગવાન પરશુરામ જેવી તેમની અન્ય રચનાઓ પણ એટલી જ લોકપ્રિય રહી છે. તેઓએ અંગ્રેજીમાં પણ I follow the Mahatma, Bhagwad Gita and modern life અને બ્રિટિશ રાજ પ્રત્યેના તેમના આક્રોશ રૂપે Ruin that Britain wrought નામની રચનાઓ પણ પ્રકાશિત કરી હતી. તેઓનું ‘બ્રહ્મચર્યાશ્રમ’ નામનું જાણીતું નાટક પણ છે. પાછળથી તેઓ જ્યારે કૃષ્ણ ભક્તિ તરફ વળ્યા ત્યારે તેઓએ ‘કૃષ્ણાવતાર’ના એકથી આઠ ખંડ (અપૂર્ણ) લખીને ગુજરાતી પ્રજાને અર્પણ કર્યા. ગુજરાતી વાચકોમાં ‘કૃષ્ણાવતાર’ ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને ઘટના પ્રસંગોને આકર્ષક રીતે રજૂ કરનાર પુસ્તક સંપુટ તરીકે ખૂબ જ લોકપ્રિય છે. ફ્રાન્સના વિશ્વવિખ્યાત લેખક એલેકઝાન્ડર ડુમાની અસર તળે તેમના જ જેવી બેનમૂન લેખનશૈલી ધરાવતી મુનશીની કલમ પણ એટલી જ અસરકાર રીતે વાચકને સ્પર્શે છે. ‘ગુજરાતનો નાથ’ મુનશીની ખૂબ જ વંચાયેલી અને વખણાયેલી કૃતિ છે. ઐતિહાસિક ઘટનાઓ ઉપર આધારિત આ પુસ્તકમાં મુનશીની વાચકોને વાર્તાનાં પ્રવાહમાં જકડી રાખતી શૈલી જાણે સોળે કળાએ ખીલી હોય તેવું લાગે છે. અદ્ભુત પાત્રાલેખન, મજબૂત સંવાદો, વાર્તાને સતત વેગીલો રાખતો ઘટના પ્રવાહ, રાજકારણના આટાપાટા અને દાવપેચ વચ્ચે ભીંસાતી રાજકીય મહત્ત્વાકાંક્ષા તેમજ આ બધાની વચ્ચે પાંગરતી પ્રણયકથાને પોતાની કલમરૂપી લગામથી નાથીને મુનશીએ જાણે અનેક ઘોડાઓ જોડેલો રથ સફળતાપૂર્વક દોડાવ્યો હોય તેવું લાગે છે. જે રાજકીય અને ઐતિહાસિક સમય સાથે સંકળાયેલી આ વાર્તા છે તેને લગતાં ત્રણ અલગ અલગ પુસ્તક મુનશીએ લખ્યાં જેની શરૂઆત તેમની ‘પાટણની પ્રભુતા’ (૧૯૧૬) પુસ્તક સાથે થયેલી ગણાય. ત્યાર પછી આના જ અનુસંધાન તરીકે ‘ગુજરાતનો નાથ’ (૧૯૧૭) તેમનું બીજું પુસ્તક છે. વળી આ જ સોલંકીયુગની ઘટનાઓને આગળ લઈ જઈને તેમણે છેલ્લું પુસ્તક ‘રાજાધિરાજ’ (૧૯૧૮) પ્રગટ કર્યું. આમ જોઈએ તો આ ત્રણેય પુસ્તક આ ક્રમમાં વાંચવાં જરૂરી છે જેથી મુનશીની લાંબા ફલક ઉપર પથરાયેલા ઘટનાક્રમોને આબાદ રીતે રજૂ કરવાની હથોટી અને સમર્થતાનો ખ્યાલ આવે. એક સ્પષ્ટતા જરૂરી છે કે આ બધી નવલકથાઓ છે અને ઇતિહાસ નથી તેથી તેમાં વાચકને રસ પડે તે માટે લેખકે કલ્પિત પાત્રો અને ઘટનાઓ ઉમેર્યાં છે જે લેખકે પોતે સ્વીકાર્યું છે. તેથી તેને નવલકથા જેમ જ વાંચવી જરૂરી બને છે. આટલું સ્પષ્ટ હોતા તેમાં ઇતિહાસ સાથે ચેડાં કરવામાં આવ્યાં છે તેવી ટીકાને અવકાશ નથી. ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકાળ તરીકે ઓળખાયેલા સોલંકીયુગની ગાથા રજૂ કરતી આ નવલકથાઓ છે. ‘પાટણની પ્રભુતા’માં કર્ણદેવ સોલંકીના અવસાન સાથે રાજસત્તાની ખટપટ વચ્ચે જયસિંહ સિદ્ધરાજની કથાના આટાપાટા છે. જ્યારે ‘ગુજરાતનો નાથ’માં સ્વતંત્ર બનવા મથતા યુવાન જયસિંહની કથા છે, જેને કાબેલ અને મહા મુત્સદી મંત્રી એવા મુંજાલ મહેતાની રાહબરીનો ટેકો સાંપડે છે અને તે હેઠળ ગુજરાતને સ્વતંત્ર અને સક્ષમ બનાવવાના જોરદાર પ્રયાસનું નિરૂપણ છે. અવંતીના સેનાપતિ ઉબકનું પાટણ પર આક્રમણ, તેની સાથે થતું સમાધાન અને પાટણને હંફાવવા માંગતા સોરઠના રા’નવઘણનો પરાજય વગેરે મુખ્ય કથા પ્રવાહો છે. સિદ્ધરાજ જયસિંહના સમયની કેટલીક ઐતિહાસિક ઘટનાઓનો આશ્રય લઈને અને પોતાની કેટલીક આગવી કલ્પનાઓનું મિશ્રણ કરીને મુનશીએ આ નવલકથા લખી છે. સિદ્ધરાજ જયસિંહ ઉપરાંત મુંજાલ, કાક, કીર્તિદેવ, મીનળદેવી, મંજરી વગેરે પાત્રો એટલા પ્રભાવશાળી રીતે રજૂ થયાં છે કે વાચકો માટે આ પુસ્તક unputdownable શ્રેણીમાં આવી જાય છે. જયસિંહ, મુંજાલ અને કાક ત્રણે ગુજરાતના નાથ બનવા દાવ અજમાવતા નજરે પડે છે. કાકનુ પાત્ર કાલ્પનિક(?) છે પણ તેના અસરકારક પાત્રાલેખનને કારણે મુનશી તેને હીરો બનાવી દે છે. અનેક પાત્રો અને અનેક ઘટનાક્રમોને સાંકળતી આ કથા લેખકે ચાર ખંડમાં રજૂ કરી છે અને વિસ્તૃત પૃષ્ઠ સંખ્યા ધરાવતી હોવા છતાં વાચકને ઓછામાં ઓછા સમયમાં પૂરી કરવાની જાણે લગની લગાડે છે જે લેખકની મોટી સફળતા છે. કાક ભટ્ટે લાટ પ્રદેશ કબજે કરવા કરેલા પ્રયત્નો, કાક-મંજરીનું લગ્ન, મંજરીનો ગર્વિષ્ઠ સ્વભાવ અને કાક સાથેનું કડક તિરસ્કારભર્યું વલણ, રાણી મીનળદેવી અને મંત્રી મુંજાલના વિશિષ્ટ સંબંધો, મુંજાલનો દીકરા કીર્તિદેવ સાથેનો મેળાપ, રાણક-જયદેવસિંહનો પ્રણય પ્રસંગ, જુનાગઢના રા’ખેંગારે રાણકદેવીનું કરેલું હરણ વગેરે આ કથાની મુખ્ય ઘટનાઓ છે. ચોથા ખંડના તેરમા પ્રકરણ ‘સ્વર્ગ સીડી ચડતા ઊતરતા’ અને ચૌદમા પ્રકરણ ‘ઉષાએ શું જોયું?’માં કાક અને મંજરીના પ્રણયસભર મિલનના આલેખનમાં લેખકનું ગદ્ય પ્રસંગની સુંદર ગરિમાને પદ્ય કરતાં પણ વધારે સચોટ રીતે પ્રસ્તુત કરે છે. ધારદાર શૈલીમાં પ્રસ્તુત આ પુસ્તકનો ઉપોદ્ઘાત નરસિંહરાવ દિવેટિયા જેવા સાક્ષર દ્વારા લખાયેલો છે, જે મુનશીની આવડત અને હથોટીની મુક્ત પ્રશંસા કરતો સુંદર દસ્તાવેજ છે. સાચે જ ‘ગુજરાતનો નાથ’ ગુજરાતી સાહિત્યનું મોંઘું ઘરેણું છે.

શૈશવ દેસાઈ
બી.કૉમ, સી.એ.,
નિવૃત્ત ફાયનાન્સ એક્ઝેક્યુટિવ
વડોદરા
સાહિત્ય, વાચન અને લેખનપ્રેમી તેમજ વક્તા
Email: desai.shaishav@yahoo.com