નવલકથાપરિચયકોશ/પાદરનાં તીરથ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+SEO)
(No difference)

Revision as of 15:56, 15 December 2023

૩૩

‘પાદરનાં તીરથ’ : જયંતી દલાલ

– ડૉ. જિતેન્દ્ર ટી. મકવાણા

(‘પાદરનાં તીરથ’, પ્રથમ આવૃત્તિ : ૧૯૪૬, પુનઃમુદ્રણ ૧૯૫૬, પ્રકાશન : આદર્શ, પ્રકાશક : કૃષ્ણકાંત મદ્રાસી) નવલકથાકારનો પરિચય : સર્જક જયંતી દલાલનો જન્મ તા.૧૮/૧૧/૧૯૦૯ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેમના પિતા ઘેલાભાઈ દલાલ ‘દેશી નાટક સમાજ’ના સંચાલક હતા. તેથી આ ફરતી નાટક કંપનીને તેમનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વિવિધ સ્થળે થયેલું. ઈ. સ. ૧૯૨૫માં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં જોડાયેલા પણ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાંની સક્રિયતાને કારણે ઈ. સ. ૧૯૩૦માં બી.એ.ના છેલ્લા વર્ષનો અભ્યાસ છોડ્યો. એ વખતથી આરંભાયેલી એમની રાજકીય કારકિર્દી ત્યારપછી ઈ. સ. ૧૯૫૬માં તેઓ મહાગુજરાતની લડતમાં જોડાયા અને ઈ. સ. ૧૯૫૭માં વિધાનસભાના સભ્ય થયા. અમદાવાદની રાજકીય, સામાજિક પ્રવૃત્તિઓ સાથે અલબત્ત એક સમાજવાદી વિચારક રૂપે છેક સુધી સંકળાયેલા રહ્યા. ઈ. સ. ૧૯૩૯થી જીવનપર્યંત એમણે પ્રેસ ચલાવ્યું. એ રીતે તેમનો વ્યવસાય મુદ્રકનો હતો. ‘રેખા’, ‘એકાંકી’, સામયિકો ઉપરાંત તેમણે ‘ગતિ’ સાપ્તાહિક અને ‘નવગુજરાત’ દૈનિક વિચારપત્રો ચલાવેલાં. રાજકારણ અને પત્રકારત્વ ઉપરાંત તેમણે ‘બિખરે મોતી’ ફિલ્મનું દિગ્દર્શન કરેલું. છતાં તેમનું વિશિષ્ટ યોગદાન સાહિત્યક્ષેત્રે જ રહેલું છે. ઈ. સ. ૧૯૫૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ત્યારબાદ નર્મદચંદ્રક પ્રાપ્ત થયેલા. તા. ૨૪/૦૮/૧૯૭૦ ના રોજ અમદાવાદ ખાતે આ દિગ્ગજ સાહિત્યકારનું અવસાન થયું. સાહિત્યસર્જન : નવલકથા : ‘ધીમુ અને વિભા’ (૧૯૪૩), ‘પાદરનાં તીરથ’ (૧૯૪૬) નાટકો : ‘જવનિકા’ (૧૯૪૧), ‘અવતરણ’ (૧૯૪૯), ‘પ્રવેશ બીજો’ (૧૯૫૦), ‘પ્રવેશ ત્રીજો’ (૧૯૫૩), ‘ચોથો પ્રવેશ’ (૧૯૫૭), ‘રંગતોરણ’, ‘રંગદ્વાર’, ‘રંગપગલી’, ‘રંગપોથી’ બાળનાટકો (૧૯૫૮), ‘ઘમલો માળી’ (૧૯૬૨), રેડિયો સંકલન નવલિકા : ‘ઉત્તરા’ (૧૯૪૪), ‘જૂજવાં’ (૧૯૫૦), ‘કથરોટમાં ગંગા’ (૧૯૫૦), ‘મૂકમ કરોતિ’ (૧૯૫૩), ‘આ ઘેર પેલે ઘેર’ (૧૯૫૬), ‘અડખે પડખે’ (૧૯૬૪), ‘યુધિષ્ઠિર?’ (૧૯૬૮) રેખાચિત્રો : ‘પગદીવાની પછીતેથી’ (૧૯૪૦), ‘શહેરની શેરી’ (૧૯૪૮), ‘મનમાં આવ્યું’ (૧૯૬૧), ‘તરણાની ઓથ મને ભારી’ (૧૯૬૩) વિવેચન : ‘કાયા લાકડાની માયા લૂગડાંની’ (૧૯૬૩), ‘નાટક વિશે’ (૧૯૭૪-સહ સંપાદક) અનુવાદ : જ્યોર્જ ઓરવેલની ‘ધ એનિમલ ફાર્મ’-પશુ રાજ્ય (૧૯૪૭) ‘વોર એન્ડ પીસ’-યુદ્ધ અને શાંતિ ભાગ ૧-૪ (૧૯૫૪-૫૬) ‘આશા બહુ લાંબી’ (૧૯૬૪) ‘એગેમેમ્નોન’ (૧૯૬૩) તંત્રી : ‘રેખા’ (માસિક), ‘ગતિ’ (સાપ્તાહિક), ‘નવગુજરાત’ (દૈનિક) નવલકથાનું કથાનક ‘પાદરનાં તીરથ’ નવલકથા તેર પ્રકરણ અને એકસો એકસઠ પૃષ્ઠોમાં આલેખન પામેલી લઘુનવલ કહી શકાય તેવી નવલકથા છે. ઈ. સ. ૧૯૪૬માં રચાયેલી આ નવલકથામાં ઈ. સ. ૧૯૪૨માં ગુજરાતનાં ગામડાઓમાં પ્રગટેલી ક્રાંતિની ચિનગારીને વાચા આપે છે તો વળી બીજી તરફ પોલીસની દમનભરી નીતિ, બહેન-દીકરીઓ પર બળાત્કાર, જોહુકમી, નિર્દોષ લોકોને લાઠીઓના માર જેવી ઘટના પણ અહીં જોવા મળે છે. રંજાડા ગામમાં પોલીસ અમલદારોએ કરેલા અત્યાચારની ઘટના, પાસે આવેલા નંદપરામાં ફેલાય છે અને એ પોલીસપલટન હવે ભંગારા ગામ જઈ રહી છે, તો શું કરવું જોઈએ? રેલવે ન હોય તો લશ્કર પહોંચે કેવી રીતે? ‘સ્ટેશનને બાળી દો’ આ એક ઘટનામાંથી સમગ્ર કૃતિ આકાર લે છે અને કથાનક ગતિ પકડે છે. શહેરમાં સરકારની નીતિનો લોકો ખુલ્લેઆમ વિરોધ કરે છે તેની માહિતી જગદીશ લાવે છે. તેના જોરે બધા ગામલોકોના હૃદયમાં વીરતા પ્રગટે છે. લોકો નંદપરાનું સ્ટેશન બાળે છે, રેલના પાટા ઉખાડે છે. ગુસ્સે થયેલા પોલીસો નંદપરામાં આવીને પ્રજા પર લાઠીઓ વરસાવે છે. નિર્દોષો પર અમાનુષી અત્યાચાર કરે છે. અહીં કથામાં બે ભાગલા પડે છે. એક પ્રજા અને બીજો નિર્દય પોલીસનો. પોલીસના ત્રાસમાંથી લોકોને બચાવવા ખાલપાવાડનો મુખી સેંજી પોતાની જાતને ગુનેગાર તરીકે ધરી દે છે પરંતુ ફોજદાર તેની વાત માનવા તૈયાર થતો નથી. દમનકાંડ વિસ્તરતો જાય છે. ડાહ્યાભાઈ શેઠની દુકાનમાં લૂંટ થાય છે. બ્રાહ્મણ પંડ્યાજીની દીકરી સાવિત્રી અત્યાચારનો ભોગ બને છે પણ જમાદારને શરણે થવા કરતાં જીભ કરડીને મોતને સ્વીકારે છે. નવલકથાના અન્ય પાત્રો મોહન ઠક્કર, ગાંડો હિટલર, કેશુ સોની, સાધુ શિવગિરિ, અંબાલાલ વકીલ, મણો કમાલીયો વગેરે પોલીસના દમનનો ભોગ બને છે. આ સમયે નં. ૨૭ (એક સિપાઈ) ગામમાં રાતના સમયે કંઈક મળી રહેશે-ની લાલસામાં નીકળે છે અને લોકો એની હત્યા કરે છે આથી દમનકાંડ વધુ તીવ્ર બનાવે છે. પોલીસ ગામમાંથી ત્રેસઠ કેદીઓને પકડીને ચાર માઈલ દૂર ઊભા રાખેલા ગાડીના ડબ્બામાં લઈ જઈને પૂરે છે. લોકોના જાન-માલ, આબરૂ, સ્વમાન બધું જ ભોંયભેગું થઈ જાય છે. રાત દિવસ અત્યાચાર સહન કરતા ગામડાના નિર્દોષ લોકો પ્રત્યે હમદર્દીથી પ્રેરાઈને નવાગામના ડૉ. નગીનદાસ બધાને છોડાવવા માટે ખૂબ પ્રયત્ન કરે છે. ફોજદાર કેદી દીઠ પાંચસો રૂપિયાની લાંચ માંગે છે. નીતિવાન અને સત્યના માર્ગે ચાલનાર દાકતર સદ્-અસદ્્ના વિવેકની વિમાસણમાં પડે છે પરંતુ અંતે મનુષ્ય કલ્યાણને કેન્દ્રમાં રાખીને પોતાના રિબાતા ગ્રામજનોને છોડાવવાનો મક્કમ નિર્ધાર કરે છે. ઘણાખરા લોકો આ તરકીબથી છૂટે છે. આ સમયે અંબાલાલ નામનો વકીલનો ગુમાસ્તો (જે પોતાની જાતને વકીલ ગણે છે) તો તે લોકોને છોડાવવાનો વ્યાપાર કરીને રૂ.૧૯૭૫ નો નફો કરે છે. હવે માત્ર બે જ વ્યક્તિઓ કેદમાં પુરાયેલી બાકી રહે છે. જેમાં સંસ્કારી કુટુંબની વિધવા પશી ડોશીનો એક દીકરો જગદીશ અને બીજો ગામનો સાધુ શિવગિરિ. જગદીશને લાંચ આપી છૂટી જવામાં તિરસ્કાર દેખાય છે. બીજી તરફ પશીમા પુત્ર સ્નેહથી વિવશ બનીને દાક્તરને છોડાવવા માટે હા પાડતાં નથી પરંતુ ‘ધર્મ અને અધર્મની દ્વિધા વચ્ચે આઘાતો સહન કરવા – ‘સાચું એ જ સારું’ સૂત્રનો બોધ આપે છે. દીકરાને અનીતિના માર્ગેથી છોડાવવાની ના પાડે છે. જગદીશ હિંમતભેર ફોજદારના અત્યાચારો સહન કરે છે. અંતમાં જ્યારે કેદીઓને લઈને ગાડી ઊપડવા માંડે છે ત્યારે ડોશીએ જીવનભર રાખેલી શ્રદ્ધા અને આત્મવિશ્વાસ ફળતાં દેખાય છે. પથ્થર હૃદયનો ફોજદાર જતાં જતાં નંદપરાને ‘જગદીશની ભેટ’ આપીને ચાલ્યો જાય છે અહીં નવલકથા પૂર્ણ થાય છે. નવલકથાની લેખન પદ્ધતિ : લઘુનવલનું કાઠું ધરાવતી આ કૃતિમાં આઝાદી પહેલાંના સમયની દેશદાઝ કહો કે અંગ્રેજો સામેના બંડપોકારની આ કથા છે. ઈ. સ. ૧૯૪૨ના ક્રિપ્સ મિશનની નિષ્ફળતા પછી ‘ભારત છોડો’ની જાહેરાત થતાં જ દેશના અગ્રણી ક્રાંતિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. સર્જકે કોઈની પણ રાહબરી વગર ટોળા દ્વારા રેલવે સ્ટેશન બાળી નાખવાની ઘટનાને કલ્પિત ધરી પર મૂકીને નવલકથાલેખન કર્યું છે. શહેરમાં આવેલી ક્રાંતિનો નંદપરામાં પણ પડઘો પડે છે. તેના પ્રત્યાઘાતરૂપે પોલીસો દ્વારા બળાત્કાર, અમાનુષી વ્યવહાર અને અત્યાચારનો ભોગ નિર્દોષ ગામજનોને વેઠવો પડે છે તો વળી નં. ૨૭ (એક સિપાઈ)ની હત્યા પણ દમનકાંડની ઘટનાને આગળ ધપાવવા બળ પૂરું પાડે છે તેનું સર્જકે દયનીય વર્ણન કર્યું છે. આઝાદી પહેલાં પણ લાંચ આપીને ધાર્યું કામ થઈ શકતું હતું તે ઘટના અંબાલાલ વકીલના પાત્ર દ્વારા લેખકે સ-રસ રીતે ચીંધી બતાવી છે. નંદપરા, ભંગારા, નવાપરા અને છાપરી આ ચાર ગામો અને સાત દિવસના સમયગાળામાં સમગ્ર નવલકથા વિસ્તરી છે. સર્જકે અહીં સંસ્કાર અને સૃજનતા એ શિક્ષિતોનો ઇજારો નથી તેવું બતાવ્યું છે. ક્યારેક શિક્ષિતો પોતાના જ્ઞાનનો ઉપયોગ પરપીડન વૃત્તિમાં કરે છે. ફોજદાર, વકીલ અંબાલાલ, ડાહ્યાભાઈ શેઠ આદિ પાત્રો આ પ્રકારના ચોકઠામાં બેસે તેવાં છે તો વળી લોકોની ભલાઈ, સચ્ચાઈ, નીતિમત્તા આદિનું પ્રતિનિધિત્વ કરતાં પાત્રો પશી ડોશી, જગદીશ, ડૉ. નગીનદાસ, બાવાજી, સ્ટેશન માસ્તરને પાદરનાં તીરથ રૂપે સર્જકે મૂકી આપ્યાં છે. એક રીતે જોતાં આ નવલમાં માણસમાં રહેલી માણસાઈ, ‘સત્યનો વિજય’. ગમે તેવાં તોફાનોમાં પણ માનવીને ડગમગાવી શકે નહીં તેવા ભાવને સ્પર્શતી લેખનપદ્ધતિના દર્શન થાય છે. નવલકથાની સર્જકતા સિદ્ધ કરતાં ઘટકતત્ત્વો : ‘પાદરના તીરથ’ ગુજરાતી સાહિત્યની એક મહત્ત્વપૂર્ણ કથાકૃતિ છે. સર્જકે ‘ભારત છોડો’ ચળવળનું માત્ર ઓઠું લઈને કથાલેખન કર્યું છે. સમગ્ર દેશમાં પ્રગટેલી ક્રાંતિએ ગામડાંના લોકોને પણ સજાગ કર્યા હતા તેના વર્ણનથી નવલકથાનો ઉઘાડ થાય છે. રંજાડામાં લશ્કરે કરેલા અત્યાચારોની વાત નંદપરામાં સંભળાય છે અને હવે એ લશ્કર ભંગારા જઈ રહ્યું છે, તો શું કરવું જોઈએ? રેલવે ન હોય તો લશ્કર પહોંચે શી રીતે? ‘બાળી દો સ્ટેશન અને ઉખાડી દો પાટા’ આ ઘટનામાંથી પોલીસનો અમાનુષી વ્યવહાર, અત્યાચાર, ગામલોકોની ધરપકડ અને છેવટે લાંચ આપીને છૂટી જવાની ઘટનામાં માણસની માણસાઈ અને લાંચ આપ્યા વગર છૂટતા જગદીશ અને સાધુ શિવગિરિનાં વ્યક્તિત્વો નોખાં તરી આવે છે. ફોજદારને ફોડીને વકીલ અંબાલાલ પોતાનાં ગજવાં પણ ભરે છે તો બીજી તરફ ગાંધી વિચારોમાં રંગાયેલી પશી ડોશી, દીકરો જગદીશ, દાકતર નગીનદાસ, સ્ટેશન માસ્તર આદિ પાત્રોનું આલેખન સક્ષમતા બક્ષે છે અને જનપ્રતિનિધિત્વ કરતાં દેખાય છે. એક તરફ શહેરોમાં મોટા પાયે આંદોલનકારીઓ અને બ્રિટિશ અમલદારો વચ્ચે સંઘર્ષો થતા. એ સમયગાળા દરમ્યાન આઝાદીની ચિનગારી નાનાં ગામો સુધી પણ પહોચી હતી તેવું જયંતી દલાલે આ કથાલેખન દ્વારા સિદ્ધ કર્યું છે. નવલકથામાં આવતા સંવાદોની વાત કરીએ તો પશી ડોશી, ડૉ. નગીનદાસના મુખે બોલાયેલા સંવાદોમાં સચ્ચાઈ અને શ્રદ્ધાનાં દર્શન થાય છે તો વળી ફોજદાર, સિપાઈઓ અને અંબાલાલ વકીલના સંવાદોમાં હિન્દી મિશ્રિત ગુજરાતી છતાં વાચનક્ષમ જરૂર બને છે. સર્જકે નવલકથાની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં સ્પષ્ટતા કરી હોવા છતાં આ કૃતિમાં આઝાદીનો પડઘો અવશ્ય સંભળાય છે એટલું ચોક્કસ કહી શકાય. નવલકથાનો પ્રકાર : ‘પાદરનાં તીરથ’ વાસ્તવિક નવલકથા છે. નંદપરાના લોકો આવેશમાં આવીને નંદપરાનું રેલવે સ્ટેશન બાળે છે, રેલના પાટા ઉખાડે છે. પછી તરત જ પોલીસોનો અત્યાચાર, બળાત્કાર અને જોહુકમી સહન કરવાનો વારો આવે છે. ગામલોકોને કેદ કરીને ફોજદાર ડબ્બામાં પૂરે છે. વકીલ અંબાલાલ ફોજદાર સાથે મળીને લાંચ લઈને લોકોને મુક્ત કરાવે છે. અંતમાં ફક્ત બે જ વ્યક્તિ જગદીશ અને સાધુ શિવગિરિ લાંચ આપ્યા વગર ફોજદારના અત્યાચારો હિંમતભેર સહન કરીને જેલમુક્ત થાય છે. આ સમગ્ર લઘુનવલમાં સર્જકે માણસનાં જુદાં જુદાં વર્તનોના દર્શન કરાવ્યાં છે. સત્યનો હંમેશાં જય થાય છે. તે ઉક્તિ પશી ડોશી, ડૉ. નગીનદાસ અને જગદીશના પાત્ર દ્વારા ચરિતાર્થ થતી દેખાય છે. આમ, આઝાદીના આંદોલનના એ સમયની વાસ્તવિકતાને સર્જકે જુદાં જુદાં પાત્રોના માધ્યમ દ્વારા આલેખી છે. નવલકથા વિશે વિવેચક : આ નવલકથા વિશે ચંદ્રકાન્ત ટોપીવાળા નોંધે છે કે “૧૯૪૨ના સમયની કોઈ એક લોકટોળા દ્વારા સ્ટેશન બાળવાની ઘટનાને કલ્પિત ધરી ઉપર મૂકી જયંતી દલાલે ચોક્કસ રાજકીય, સામાજિક અને સ્થાનિક પરિસ્થિતિઓના અનુષંગે માનવમનની આંટીઘૂંટીને અને એના સદ્-અદ્દ્ મનઃસંચલનોને તાક્યાં છે.” (પૃ. ૨૬) ડૉ. નરેશ વેદ આ કૃતિ વિશે જણાવે છે કે “આ આખીય ઘટના સાત દિવસમાં પૂરી થાય છે. બનાવનું સ્થળ પણ એક જ નંદપરુ અને એની આસપાસનો પ્રદેશ છે. સ્થળકાળની આટલી સાંકડી પટ્ટીમાં ઊભો કરેલો લેખકના હૃદયનો કૅમેરો દુનિયાના સઘળાં સારાં માઠાં માણસોને આબાદ ઝડપી લે છે.” (પૃ. ૧૩૯)

સંદર્ભગ્રંથ : ૧) બ્રહ્મભટ્ટ, પ્રસાદ. ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ (ગાંધીયુગ અને અનુગાંધીયુગ) પ્ર. આ. ૨૦૦૭, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ ૨) ટોપીવાળા, ચંદ્રકાન્ત. કલ્પિત ધરી પર મુકાયેલી વાસ્તવિકતા, પૃ. ૨૬, ‘પ્રત્યક્ષ’, એપ્રિલ-જૂન-૨૦૦૮ ૩) વેદ, નરેશ. ‘શિલ્પ અને સર્જન’, લઘુનવલનું કાઠું ધરાવતી ‘પાદરનાં તીરથ’ પૃ. ૧૩૯, ૨૦૦૫, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ

ડૉ. જિતેન્દ્ર ટી. મકવાણા
અધ્યાપક સહાયક – ગુજરાતી,
શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આટ્ર્સ કૉલેજ ભાવનગર,
મો. ૯૯૧૧૭૯૫૧૪૦ Emailઃ jitendrabvn@gmail.com