નવલકથાપરિચયકોશ/માનવીની ભવાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૪

‘માનવીની ભવાઈ’ : પન્નાલાલ પટેલ

– રાજેશ વણકર
Manavini Bhavai.jpg

(‘માનવીની ભવાઈ’, પ્રકાશન વર્ષ : ૧૯૪૭, પ્રકાશક : સાધના પ્રકાશન, અમદાવાદ) ભારતીય કાળકથા ‘માનવીની ભવાઈ’ પન્નાલાલ પટેલનો જન્મ ૭ મે ૧૯૧૨ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના માંડલી ગામે થયો હતો. તેમના પિતાનું નામ નાનાલાલ અને માતાનું નામ હીરાબા હતું. તેમનો અભ્યાસ અંગ્રેજી ચોથી અને હાલની આઠમી શ્રેણી સુધીનો હતો. ખેતી ઉપરાંત મિલમજૂરી, કારકુની, નાનો વેપાર, પુસ્તક પ્રકાશન વગેરે તેમના આર્થિક ઉપાર્જનનાં માધ્યમો રહ્યાં હતાં. ૧૯૩૬માં ગાંધીજીના પ્રમુખપદે અમદાવાદમાં યોજાયેલ સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઉમાશંકર-સુન્દરમ્નો ભેટો થતાં તેઓ સાહિત્યસર્જન તરફ વળે છે. ૧૯૪૦માં ‘વળામણાં’ નવલકથાથી શરૂ કરીને તેમણે ૫૬ જેટલી નવલકથાઓ આપી છે. ૧૯૪૦માં ‘સુખદુઃખનાં સાથી’ વાર્તાસંગ્રહથી શરૂ કરીને ૨૬ વાર્તાસંગ્રહોમાં કુલ ૪૦૦ ઉપરાંત વાર્તાઓ સમાવિષ્ટ છે. આ ઉપરાંત બાળસાહિત્ય, એકાંકી, નાટક, નાટ્ય રૂપાંતરો અને પ્રકીર્ણ સાહિત્યનાં પુસ્તકો પણ તેમની પાસેથી મળે છે. ૪૭ વર્ષની સર્જનયાત્રામાં ૧૧૦ પુસ્તકો આપીને ગાંધીયુગના મહત્ત્વના, મોભાદાર સર્જક તરીકે તેમણે સ્થાન અંકિત કર્યું છે. પન્નાલાલ પટેલને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત વિદ્યાસભા વગેરે સંસ્થાઓએ સન્માનિત કર્યા હતા. ૧૯૮૫ના ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી તેઓ સન્માનિત થયા હતા. ‘માનવીની ભવાઈ’ ૧૯૪૭માં સાધના પ્રકાશન, અમદાવાદ તરફથી પ્રગટ થઈ હતી. પ્રથમ આવૃત્તિના નિવેદનમાં લેખકે ખેતીને ‘બે ઢોરોં ને બે છોરોં’ ઉપરાંત ખેતીને ‘માનવીની ભવાઈ’ ગણાવી છે. ‘તૃપ્તિનો ઘૂંટ’ શીર્ષકથી પ્રસ્તાવનામાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ નોંધે છે કે “શ્રી પન્નાલાલે ‘માનવીની ભવાઈ’ રૂપે કાળપ્રધાન નવલકથા લખી આ ચીલો પાડ્યો છે એ તેનું ઐતિહાસિક મહત્ત્વ છે. કાળુની વાત તેની વાત નથી, પણ ગુજરાતની સરહદ પરના ચાર દાયકા પૂર્વે વસનારાં નવા ને જૂના જમાનાના સંધિકાળે ઊભીને અમળાતાં ગામડાંની વાત છે. કાળુ તો એક નિમિત્ત છે.” ‘માનવીની ભવાઈ’ને ગુજરાતી ભાષાની એક ઉત્તમ નવલકથા ગણાવતા જશવંત શેખડીવાળા નોંધે છે કે “તેનું મહત્ત્વ તેના નવીન, તાજગીભર્યા, વેધક, હૃદ્ય વસ્તુ અને શૈલી-નિરૂપણને કારણે છે, તેના અંતસ્તત્ત્વ અને આકાર બેઉ આકર્ષક છે. સોએક વર્ષ પૂર્વેના ગુજરાતની ઈશાન સીમા પરના વન-ડુંગરઘેર્યા પૂરા પ્રદેશ યા ‘અંચલ’નું, તેના સમગ્ર જડ-ચેતન પરિવેશ સહિત ગુજરાતી નવલકથામાં અહીં પ્રથમવાર વ્યાપક અને ગહેરું તેમજ વાસ્તવિક અને કલાત્મક નિરૂપણ થયું છે. છપ્પનિયો દુકાળ તેમજ વન-ડુંગરવાસી આદિવાસીઓ અને મેદાની ગ્રામવાસીઓ વચ્ચેના સંબંધ અને સંઘર્ષ તેમના અસલ રૂપમાં અહીં પહેલી વાર આલેખાયાં છે. માનવીમાત્રને હરહમેશ પીડતી રહેલી પેટની ભૂખ અને હૈયાની ભૂખનું – માનવીની બે સૌથી મોટી અને સનાતન સમસ્યાઓનું – તેમાં મર્મસ્પર્શી દર્શન કરાવાયું છે. સામાન્ય વ્યક્તિઓનું અને તત્કાલીન સમષ્ટિના જીવનનું તેમાં, સર્વકાલીન જીવનનીય ઝાંખી કરાવી શકે તેવું, ચિત્રણ થયું છે. વસ્તુગત ઘટનાઓ અને પાત્રોની સાથે તેમનાં બાહ્યાંતર રૂપોને અનાયાસે પ્રગટ કરતો તેમનો સમગ્ર પ્રાકૃતિક-સાંસ્કૃતિક પરિવેશ, વાતાવરણની જેમ, જીવંત રૂપમાં પૂરા કથાપટ પર છવાયેલ રજૂ થયો છે. માગશરની મધરાતે ઝાકળિયામાં અડધું અંગ તાપણાથી શેકાય છે અને હાથમાંનો હોકો પણ ભૂલી જવાય એવા દૂરના ડુંગરોમાં ભજવાઈ રહેલી ભવાઈ જોઈ રહેલા, પોતાના ભૂતકાળને આલાપતા કાળુની, કાળ સામે લડનારા એવા લોકનાયકની અને ગુજરાતના ઈશાનિયા ખંડની પાંચેક દાયકાની કથા એટલે ‘માનવીની ભવાઈ’. નવલકથાના આરંભે ગરીબ વાલા ડોસાના ઘરે કાળુનો સાતખોટના દીકરા તરીકે જન્મ, અમીર ગણાતા ગલશાની દીકરી રાજુ સાથે ડાકણ ગણાતી પણ પ્રભાવક એવી ફુલી ડોસીની ભલામણથી થયેલી સગાઈ, કાળુની જ સગી કાકી માલી ડોસીની કપટલીલાના પરિણામે કાળુ-રાજુનો સંબંધવિચ્છેદ, એ પૂર્વે નિરૂપણ પામેલો અને જે કાળુને જીવનભર હૈયામાં વલુરાતો રહ્યો છે એવો બાળપણનો નિર્દોષ સ્નેહ, જગા નરસીની દીકરી ભલી સાથે કાળુનું અને ભલીના જ કાકા સાથે રાજુનું લગ્ન, પીઠીભર્યો રહેલો માલીનો દીકરો નાનીઓ અને કાળુના લગ્નની ધાંધલધમાલ – આ બધું સામસામે મુકાયા કરે છે. પંદરેક પ્રકરણમાં નિરૂપણ પામેલો કાળુ-રાજુનો લગ્ન સુધી ન પહોંચી શકેલો પ્રેમ અને એ નિમિત્તે આવતો આખોય ગ્રામીણ સમાજ, એમના વાણી-વ્યવહાર-ખેતી-પશુપાલન-આડકથાઓ-સામાજિક પ્રસંગો અને તહેવારો કથાને રોમાંચક બનાવે છે. પછીનાં દસેક પ્રકરણોમાં કાળુ-રાજુનો અબોલ પ્રેમ નિરૂપાયો છે. ખેતરમાં ભારો ચડાવવાનો પ્રસંગ, મેળાની ખરીદીમાં ભલીને બંગડી લઈ આપતી રાજુ, સાસરે જતી રાજુને એકાંતમાં આંસુભેર વળાવતો કાળુ, મન માનતું ન હોવા છતાં ભલીને માનું મોત સુધારવા તેડી લાવતો કાળુ, નાનાની રાજુને મેળવવાની પળોજણમાં નાના-કાળુની લડાઈ, બેસતા વર્ષની ગાયો રમાડવાની વિધિમાં પણ રાજુની ઝંખના સેવતો કાળુ, હૂડા અને નવા વરસનાં લોકગીતોમાં કાળુ-રાજુની એકબીજા પ્રત્યે વ્યક્ત થતી ઝંખના, પતિ દ્યાળજીનો રોગ મટાડવા સઘળું ખુવાર કરવા તૈયાર રાજુ. આમ, કાળુ-રાજુ-નાનો અને દ્યાળજીની વચ્ચે પચીસમા પ્રકરણ સુધીની કથા વહે છે. પછી લેખકે આખા પ્રદેશને જીવંત કરવો હોય એમ ગામડે આવતા ઠાકોરના ઘોડા, લેણદારોની પોઠીઓ, ઉત્તરાયણ, વસંત, સાધુબાવાની જમાતો, આણાંપિયાણાં, બારોટની ઘોડીઓ, ભવાઈની ભૂંગળો, મોતીછડા દેવ, બળિયાદેવના પડછાયા, નટ-તૂરીના દોર, વણઝારાની પોઠ, ઉનાળો ઊતરતાં ઘર-ખેતરને તૈયાર કરવા મથતાં લોકોની દોડધામ વગેરેનું વિગતવાર આલેખન કર્યું છે. કાળુ ડુંગરોના ભીલ મંગળને ભાગિયા તરીકે લાવે, ખેતરમાં વાવણીનો સમય ગામ આખામાં રોમાંચિત બની પથરાય અને તરત વરસાદ ખેંચાવાથી ઊગેલો પાક વિલાતાં લોકો ‘જીવ્યા મર્યાના જુહાર’ કરવા માંડે. પાછલાં પ્રકરણોમાં છપના દુકાળની ભીષણતા, લોકોનાં અન્નજળ ખૂટી જવાં, કાળુ દ્વારા વિલાયતીની લૂંટ, ટેકરીઓ પર વસતા ભીલોની ગામ પર ધાડ, લોકોનું ગામ છોડી શહેર તરફ પ્રયાણ, શહેરમાં મળતી અન્નની ભીખને ‘ભૂંડી’ ગણાવતો કાળુ, લોકોની ચપટી અનાજ માટે મજૂરી, સ્ત્રીઓ દેહનો સોદો કરીને પેટની ભૂખ ભાંગે એવી સ્થિતિ અને નવલકથાના અંતે વિધવા બનેલી કંકાલસરખી રાજુ કાળુને લઈ અંતિમ શ્વાસ લેવા ઉજ્જડ વગડા તરફ પ્રયાણ કરે ત્યાં બંનેનું ઉત્કટ મિલન અને વરસાદનાં અમીછાંટણાં. આમ, નવલકથાનો કથાપ્રવાહ રસપ્રદ અને રમણીય છે. ‘માનવીની ભવાઈ’માં મુખ્યત્વે તો કાળુ-રાજુનું પ્રણયવૈફલ્ય છવાયેલું છે પણ એ સિવાય માલી, નાનો, રણછોડ, મનોર, પેથા પટેલ જેવા સમાજ અને કુટુંબનું સતત અહિત ઇચ્છતાં પાત્રો ઈર્ષા, અભિમાન અને સ્વાર્થની રમતમાં રત રહે છે. પરમો, નાથો, ફુલી ડોસી, શંકર, ભગો, કોદર, કાસમ, વેચાત વગેરે બીજાનું ભલું કરવામાં સાથ આપે છે. ગોરો, ભવાયા, માતાના ભુવા, ભવિષ્ય ભાખતો બ્રાહ્મણ, નવું વર્ષ આવતાં નવડાવતો નાઈ, ઉધાર આપતો શેઠ વગેરે દ્વારા સમગ્રતયા ગ્રામીણ સમાજ સર્જાય છે. દુકાળમાં બધાં પાત્રોનો અસલ ચહેરો બહાર આવે છે. એક તરફ કાળુ પોતાનું જ પકવેલું અનાજ ભીખમાં લેવાની ના પાડે છે તો નાથી, ભલી, રૂખી જેવી સ્ત્રીઓ શરીર વેચીને પેટ ભરી લે છે. સુંદરજી શેઠ અન્નના ભંડાર ખોલી નાખે છે તો પોતાની સ્વમાની જિંદગી જીવતા, ડુંગરોમાં વસતા ભીલો ગામો લૂંટે છે, કાચેકાચાં ઢોરો ચીરી ખાય છે તો કોઈ સ્ત્રી જીવતું બાળક જ ખાઈને ભૂખ ભાંગે છે. માલી જેવું ખલપાત્ર કરુણ અંત પામે છે. રાજુનો પરિવારભાવ દેખાય છે અને કાળુની આગેવાની હેઠળ આ નવલકથાની પરાકાષ્ઠારૂપ ઘટનાઓ બને છે. ‘માનવીની ભવાઈ’ નવલકથાનાં વર્ણનો જ તેને દૃશ્યાત્મક અને તાદૃશ્ય બનાવે છે. આરંભે ખેતરમાં રાતવાસો ગાળતો કાળુ, કાળુના જન્મની રાત, કાળુ-રાજુના બાળપણના નિર્દોષ સ્નેહ પ્રસંગો, દુકાળનાં ભેંકાર દૃશ્યો, ભીલોની ધાડની ભયાવહતા, ખેતરોમાં વાવણી અને સાચવણીનાં ખેડૂતજીવનને ઉજાગર કરતાં વર્ણનો, રાજુની વિદાયનું હૃદયવિદારક વર્ણન, કાળુનાં લગ્નમાં ગાણાં ગાતાં યુવક-યુવતીઓ, બેસતા વરસના દિવસે ગવાતા હૂડા કે ગાયો રમાડવાની પરંપરાઓ, ઉનાળાના નવરા દિવસોમાં ગામમાં આવતા વિવિધ પ્રકારના બહારના માણસો અને તેમની સાથેનો પરંપરાગત નાતો, મેળાનાં ગીતો, પહેરવેશ, ખરીદી, યુવા હૈયાની આરત, નાતપંચ મળે ત્યારની ખેંચતાણ, આગેવાન મનોરના અમીર ઘરનું સૂક્ષ્મ વર્ણન, દુકાળના માર્યા લોકોનો ડેગડિયામાં ધસારો થયો એ સમયની હાલાકી, કાળુ-રાજુના મિલનનું દૃશ્ય વગેરે ગુજરાતી સાહિત્યમાં અમીટ છાપ છોડી જાય છે. સમગ્રતયા નવલકથા ભારતીયતાનું પ્રતિનિધિત્વ કરે છે. આમ, પન્નાલાલ પટેલે ધરતીના ખોળે રમતો મેલેલો આ ‘માટીનો મોંઘેરો મોરલો’ કથાસંરચના, પાત્રનિરૂપણ, વર્ણનકલા, પરિવેશની યથાર્થતા, સંવાદોની વેધકતા, પ્રકરણ આયોજન, આરંભ-મધ્ય-અંતની રસાત્મકતા, ભાષાની પ્રાસંગિકતા અને ખાસ તો ભારતીય ગ્રામપ્રદેશને તેના સમગ્રતયા અને યથાર્થ આલેખનને કારણે ગુજરાતી સાહિત્યમાં જ નહીં પરંતુ ભારતીય સાહિત્યમાં પણ ‘માનવીની ભવાઈ’ ચોક્કસ માન-સ્થાન ધરાવે છે.

ડૉ. રાજેશ વણકર
સહાયક વ્યાખ્યાતા, સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ,
મોરવા હડફ, પંચમહાલ
સાહિત્ય અકાદમી દિલ્હી યુવા ગૌરવ પુરસ્કાર સન્માનિત લેખક
કવિ, વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક, સંપાદક
‘પરિવેશ’ ત્રિમાસિક સામયિકના સંપાદક
મો. ૯૯૦૯૪૫૭૦૬૪ Email: drrajeshvankar@gmail.com