નવલકથાપરિચયકોશ/ફેરો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <center>'''<big><big>૫૮'''<br> '''‘ફેરો’ : રાધેશ્યામ શર્મા'''</big><br> {{gap|14em}}– જાવેદ ખત્રી</big>'''</center> {{Poem2Open}} ૧૯૬૮ (પ્રથમ આવૃત્તિ) ૨૦૦૭ (પાંચમી આવૃત્તિ) : મૂલ્ય : રૂ. ૭૫.૦૦ અમદાવાદ : રન્નાદે પ્રકાશન પૃષ્ઠ સંખ્યા : ૬૪ (...")
(No difference)

Revision as of 17:00, 19 December 2023

૫૮

‘ફેરો’ : રાધેશ્યામ શર્મા

– જાવેદ ખત્રી

૧૯૬૮ (પ્રથમ આવૃત્તિ) ૨૦૦૭ (પાંચમી આવૃત્તિ) : મૂલ્ય : રૂ. ૭૫.૦૦ અમદાવાદ : રન્નાદે પ્રકાશન પૃષ્ઠ સંખ્યા : ૬૪ (નવલકથા) લેખક વિશે : રાધેશ્યામ સીતારામ શર્મા (જન્મ : ૫ જાન્યુઆરી, ૧૯૩૬, વાવોલ, ગાંધીનગર; મૃત્યુ : ૯ સપ્ટેમ્બર, ૨૦૨૧, અમદાવાદ)

કવિતા, વાર્તા, નવલકથા, વિવેચન, સંપાદન અને ભાષાંતર દ્વારા ગુજરાતી સાહિત્યની સેવા કરનાર રાધેશ્યામ શર્માએ બી.એ. (અંગ્રેજી અને મનોવિજ્ઞાન) અને એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો છે, અને પત્રકારત્વનો બહોળો અનુભવ છે. દરેક મહત્ત્વની કહી શકાય એવી સાહિત્યિક સંસ્થાઓ સાથે એ જોડાયેલા રહ્યા હતા. તેમણે ‘ફેરો’ (૧૯૬૮) અને ‘સ્વપ્નતીર્થ’ (૧૯૭૯) આમ, બે નવલકથાઓ લખી છે. સાથે જ તેમણે ૪ કવિતા સંગ્રહ, ૬ વાર્તા સંગ્રહ, ૧૪ વિવેચનાત્મક પુસ્તકો, અને ૨ નિબંધ સંગ્રહ કર્યા છે. વધુમાં, ૫ સંપાદન પણ પ્રકાશિત કર્યાં છે. તેમને તેમના સાહિત્યિક કામ બદલ પંદર જેટલાં પારિતોષિક મળ્યાં છે જેમાં રણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૦૪), અનંતરાય રાવળ વિવેચન એવૉર્ડ (૧૯૯૮), અશોક હર્ષ એવૉર્ડ (૧૯૯૯-૨૦૦૦), ‘ઉદ્દેશ’ : ચંદુલાલ સેલારકા એવૉર્ડ (૨૦૦૦), ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક (૧૯૯૫) તેમજ કુમાર સુવર્ણ ચંદ્રક (૨૦૧૨) મુખ્ય છે. નવલકથા ‘ફેરો’ શર્મા સાહેબની પ્રયોગાત્મકતા અને એક સામાન્ય ઘટનાને લેખક કઈ રીતે અનન્ય બનાવે છે એની પ્રતીતિ કરાવે છે. આમ, તો નવલકથા લખવાના કોઈ ખાસ નિયમો નથી અને તેથી જ એક લેખક પાસે પ્રયોગાત્મકતાનો અવકાશ રહે છે. અહીં, ‘ફેરો’ નવલકથા પણ સામાન્ય માણસના જીવનમાંથી કેટલાક કલાકોની વાત લઈને આવે છે. કથાનો નાયક એક મધ્યમ-વય અને -વર્ગનો પુરુષ છે, જે પોતે એક લેખક છે; સાથે છે તેની પત્ની, જેના વિશે એને વિશેષ અનુરાગ નથી, અને પુત્ર – “ભૈ” – જે બોલી નથી શકતો. કથા આત્મકથાત્મક ઢબમાં રજૂ થઈ છે. લેખક નાયકના માધ્યમથી પોતાના વિચારો અને પોતાની જીવનને જોવાની રીત વાચક સામે મૂકે છે, અથવા જીવનને જોવાની એક રીત એ પોતાના વાચકો સામે મૂકે છે, જે લેખકનું કથનનું કેન્દ્ર છે. કથામાં ઘટનાઓ ખૂબ ઓછી છે, પરંતુ જે નાની-નાની બાબતો બની રહી છે તેના પર નાયકની વ્યક્તિગત ટિપ્પણીઓ, ટીખળો, અને મૂંઝવણો નેરેટીવને આગળ ધપાવે છે. નાયક અને તેની પત્ની પોતાના મૂંગા પુત્રને માનતા માટે સૂર્યમંદિર લઈ જઈ રહ્યાં છે. તેમની ટ્રેનની સફરથી કથા શરૂ થાય છે, અને ભૈના અચાનક ગુમ થવા પર કથાનો અંત આવે છે. આખી વાત લેખક/નાયકના દૃષ્ટિકોણથી રજૂ થઈ છે અને હું, મને, મારું, જેવાં સર્વનામ સાવ સામાન્ય છે. પહેલું જ વાક્ય, “ધક્કો આવ્યો.” જે એક મુસાફર ગાડીમાં હોય અને ગાડી ઊપડે ત્યારે જે અનુભવ થાય તે પ્રમાણે આપણી સમક્ષ મૂક્યું છે. આ વાક્યને ફરી નાયક સાતમા પ્રકરણમાં જોડે છે, આમ, એકથી છ પ્રકરણ ફ્લેશબેકમાં લખાયેલ છે. “ધક્કો આવ્યો”, પછીના પહેલા જ વાક્યમાં નાયક કહે છે, “એક સ્તનથી બીજા સ્તને શિશુને ફેરવતી હોય એવી ટ્રેન મને એ ઘડીએ તો લાગી.” આ એક તદ્દન અજાણ્યા રૂપકથી આપણને નાયકના મનોભાવ અને એ વિશ્વને કઈ રીતે જુએ છે અને કયા અનુભવો સાથે સરખાવે છે એનો આસાર મળી રહે છે. અને પછી એ બીજા જ ફકરામાં જણાવે છે કે ‘નાયક’ તરીકે એ કોઈ વિશેષ પાત્ર નથી, એના સ્થાને કોઈ પણ હોઈ શકે છે. એ ફક્ત એક પાત્ર છે જેની સભાનતા અને વ્યક્તિત્વ પકડી આપણે કથામાં આગળ કે પાછળ ગતિ કરી શકીએ છીએ; આપણામાંથી કોઈ પણ એ ભાગ ભજવી શકે છે. નાયકનું મન પોતાના ઘરે પહોંચે છે અને ત્યાં એ ‘અવાજ’ વિશે વાત કરે છે. નાયકની પત્નીના મતે નાયકના પગે મશરૂની ગાદી લાગેલી છે. આ ‘અવાજ’ની વાત કથા માટે એક મહત્ત્વની ઘટના છે. આખી કથા ભૈ—નાયકના પુત્ર—ના મૂંગા હોવા વિશે છે, આ ‘ફેરો’ તે બોલતો થઈ જાય એની માનતા માટે જ શરૂ થયો છે. આ ભૈ, નાયકનું જ પ્રતિબિંબ લાગે છે. નાયક કહે પણ છે કે ‘એ એટલો રૂપાળો છે જાણે મારો પુત્ર જ નહીં.’ પણ પછી ઉમેરે છે, ‘પણ એ બોલતો નથી... દાક્તરની સારવાર પછી પણ એ બોલી શકતો નથી.’ જે નાયકને ભૈ એનો જ પુત્ર હોય એની ખાતરી કરાવે છે. પોતાની પત્ની એને ભારે અને ભદ્દી લાગે છે, એ પણ રૂપાળી નથી. જેને કારણે એ બ્રહ્માજીને કોઈ ‘અણઘડ ઘંટી ટાંકનાર’ સાથે સરખાવે છે. ઘણી બાબતોમાં નાયક મૂંગા રહેવાનું પસંદ કરે છે; ક્રોધ પી જવાની પણ વાત કરે છે. પોતે બોલતા ન હોવાથી બોલનાર વ્યક્તિ તરફ એક આકર્ષણ હોવાની વાત કરે છે, અને તેથી જ જ્યારે પત્ની બોલતી હોય તો એમને આકર્ષિત લાગે છે. ઘરેથી નીકળી સ્ટેશન માટે રીક્ષા મેળવવાની નાનકડી ઘટનામાં લેખક પોતાના અને ભૈના સંબંધને વધુ ગહન રીતે આલેખે છે. સ્ટેશનની થર્ડ ક્લાસ ટિકિટની ઑફિસ અને તેની આજુબાજુની જગ્યાનું વર્ણન નાયકની અવલોકનની કળા છતી કરે છે, જે આગળ આખી કથામાં મહત્ત્વપૂર્ણ થઈ પડે છે. અહીં પણ નાયક પોતે બાળક અને સામાન સાચવીને ઊભો છે. નાયક ધુમ્રવલય અને મિનારાની વાત કરતાં પોતાનામાં રહેલ શક્તિ વિશે પણ ઊંડાણપૂર્વક જણાવે છે, જોકે તેની પાછળ કોઈ તપ નથી પણ, નાયકના મતે, તેમના પિતા તેમને ‘હાજરાહજૂર’ છે જે આ શક્તિઓનું મુખ્ય કારણ હોઈ શકે. નાયકની વાતો, સ્મરણો, દીવાસ્વપ્નોમાં urbanlegends જોવા મળે છે, આ એવી વાતો જે સાચી તો ના જ લાગે પણ લાગણીઓથી દોરવાઈને એમને ખોટી પણ ના કહી શકાય. સેલ્સમેન સાથેની વાતમાં નાયક મૌન વિશેનું પોતાનું તત્ત્વચિંતન રજૂ કરે છે. નવમા પ્રકરણમાં કોઈ કબ્રસ્તાન પાસેથી પસાર થતી ગાડી ફરી પાછી મૃત્યુના વિષયને છેડે છે. જ્યાં પ્રકરણ મૃત્યુથી શરૂ થાય છે તો પૂરું પણ ત્યાં જ થાય છે, પણ એક મૃત્યુની સામાન્ય વાતથી શરૂ થયેલ પ્રકરણ નાયકના મૃત્યુ પર આવે છે અને તેની પત્નીનો સંવાદ છે કે “તમારું મૉત ગયા ભવમાં રણ વચમાં થયું હોવું જોઈએ.” અને આ રણની વાત પણ તૃષ્ણાથી જોડાયેલી છે, અને રણ અને તરસના રૂપકને આગળ ધપાવતા નાયક પત્નીને કહે છે, “પણ એ વખતે મારું ઊંટ કોણ હતું ખબર છે? તારા ઢેકાને ફોડીને મેં તરસ છિપાવેલી એ ભૂલી ગઈ?” આમ, જાતિયતા, તૃષ્ણા, અને મૃત્યુ ત્રણેને લેખક એકસાથે મૂકી દે છે. ભૈના મૂંગાપણા વિશે વાત નીકળતા નાયકને એવો અહેસાસ થાય છે કે ભૈ એ તેનો જ છોકરો છે. અને એનું મુખ્ય કારણ નાયકને લાગે છે, ભૈનું મૂંગાપણું. નાયક પોતે પણ મૂંગો છે અને એટલે જ તેનું સંતાન પણ મૂંગું છે. આ જ નાયક જેને આપણે લેખક સાથે જોડ્યો, એ જ્યારે નવલિકા વંચાય છે ત્યારે વાચક એ નાયકમાં કાયાપ્રવેશ કરે છે. આમ, વાચક વાંચતો નથી, પરંતુ નાયકના વ્યક્તિત્વમાં પ્રવેશી સંપૂર્ણ ઘટનાઓનો અનુભવ કરે છે. એક અંતર્મુખી પાત્રમાં પ્રવેશી વાચક પોતાની અવ્યક્ત ઇચ્છાઓને વાચા આપે છે. નાયકનું પાત્ર ખૂબ ચતુરાઈથી ઘડાયું છે; અહીં, લેખક નાયકનાં વાણી, વિચાર, વર્તનને વાચકના વ્યક્તિત્વ પર રોપી શકે છે, જ્યારે વાચક એ જ વાણી, વિચાર, વર્તનને લેખક સાથે જોડી પોતે તેની જવાબદારીઓથી પોતાની જાતને દૂર મૂકી શકે છે. નાયક, પત્ની, ભૈ, દાઢીવાળો મૌની સાધુ, સુઘટ્ટ સ્તનોવાળી બાઈ, ચંડીપાઠવાળો સેલ્સમેન, પાણી પાતી ગ્રામકન્યા, ભરથરી, દંતમંજનવાળો, ફિલ્મફેરવાળો છોકરો, રબારી, નવવધૂ, સ્ટ્રેચરનો દરદી – આ અને આવાં બીજાં અનેક પાત્રો અને એવી કેટલીક ઘટનાઓ અને દૃશ્યો અહીં આવે છે પણ એ બધાં જ વાચક સામે નાયકના માધ્યમથી અને દૃષ્ટિકોણથી મુકાયાં છે. નાયક છે જે મહત્ત્વનું કહેવાય એવું કંઈ બોલતો નથી; એની રચના, જેને એણે જન્મ આપ્યો છે એ ભૈ બોલી શકતો નથી. આ ભૈ એ નવલિકાનું personification નથી લાગતું? “ધક્કો આવ્યો” અને નવલિકા શરૂ થઈ, પણ જે પારંપરિક કથનની શરૂઆત, મધ્ય, અને અંત અહીં ઓળખાતા નથી. નાયક અને તેની પત્ની પોતાની આ રચનાનો સંદેશ બધાં સુધી પહોંચે એટલે માનતા માટે સૂર્યમંદિર જઈ રહ્યાં છે, તે પણ દૂર રણપ્રદેશમાં. અહીં, નાયકની તૃષ્ણા અને રણપ્રદેશમાં મૃત્યુ એકબીજા સાથે જોડાય છે. અને જ્યારે ગાડી સ્ટેશને પહોંચે છે ત્યારે જ ભૈ અચાનક ખોવાઈ જાય છે; નાયક પોતાની રચના ગુમાવી બેસે છે. આમ, એક લેખક તરીકે તેનું પ્રતીકાત્મક મૃત્યુ થાય છે અને કહે છે, “ચાલો એક કથા પૂરી કરી.” વાચક તરીકેની આપણી અપેક્ષાઓ કે ભૈ બોલશે કે કેમ? શું બોલશે? નાયકના મનોમંથનનો કોઈ સુખદ ઉકેલ હશે કે કેમ? આવા પ્રશ્નોને બાજુ પર છોડી અને આપણે કથાના ઉદ્‌ગમના કારણ-સમા ભૈને જ ગુમાવી દીધો. હવે, નવેસરથી કથા માંડવી પડશે, નવા કારણ સાથે – એક નવો ફેરો જરૂરી થઈ પડ્યો. Stream of consciousness નવલકથા પ્રકારમાં લખાયેલ ‘ફેરો’ માનવચિત્તમાં રહેલ વિચારની પ્રક્રિયાને વાચક સમક્ષ મૂકી આપે છે. ગદ્યની સુવ્યવસ્થિત સંરચના કોઈ પણ વાતને એકલી અને અટૂલી છોડતી નથી; એ ક્યાંક ને ક્યાંક બીજી વાત સાથે જોડાય છે. જેમ નાયકની ‘તૃષ્ણા’ રણ સાથે જોડાય છે; રણ પ્રદેશ એ ગાડીનું છેલ્લું સ્ટેશન છે; સ્ટેશન પર પહોંચતો જ ભૈનું ગાયબ થવું; નાયકના જમણા હાથને ગૂંગળામણ થવી; અને કથાના મુખ્ય મોટીફ – ભૈ – ના ગાયબ થવાથી કથાનો અંત આવવો. આમ, દરેક નાની-મોટી બાબતના બીજી બાબતો અને પ્રસંગો સાથે છેડા જોડાય છે. મૃત્યુ અને તૃષ્ણાના મેટાફર અલગ-અલગ સંદર્ભોમાં રજૂ થયા છે પરંતુ સુસંગતતા અને એકરૂપતાના અભાવે કોઈ ચોક્કસ અર્થ અને વિષયને વિકસિત નથી કરી શકતા. એક નવા જ પ્રકારનું કથાનક અને પાત્રો આ નવલકથાની ખાસિયત છે, જે વાચકને પણ પોતાના મનમાં ડોકિયું કરવા માટે પ્રેરે છે.

ડૉ. જાવેદ ખત્રી
ઓસિસ્ટન્ટ પ્રોફેસર,
સ્કૂલ ઑફ લિબરલ સ્ટડીઝ ઍન્ડ એજ્યુકેશન,
નવરચના યુનિવર્સિટી, વડોદરા
વાચક, ફિલ્મ-વિવેચક, સંકેત-વિજ્ઞાની
મો. ૯૭૨૬૭૬૭૧૧૫
Email: javedkhatri4@gmail.com