નવલકથાપરિચયકોશ/ખડકી: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 01:08, 22 December 2023
‘ખડકી’ : સુમન શાહ
(‘ખડકી’ (નવલકથા), લે. સુમન શાહ, પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ : ઓગસ્ટ ૧૯૮૭, પૃ. ૨૫૦, મૂલ્ય રૂા. ૨૨૦) શ્રી સુમન શાહની પ્રથમ નવલકથા ‘ખડકી’ની નિરૂપણરીતિમાં બે પદ્ધતિ સર્વજ્ઞકથન અને આત્મકથન દ્વારા કૃતિનો ઘાટ ઘડાયો છે. નવલકથામાં જે વિશિષ્ટ રીતિઓ અજમાવવામાં આવી છે તેને કારણે ‘ખડકી’નો પિણ્ડ બંધાય છે અને કથાનાયક સોહન પરીખના જીવનના સમયખંડો ઊપસતા આવે છે. સોહન પરીખના સાંપ્રતરાગ અને અતીતરાગમાં અનુસ્યૂત ગોપિત તત્ત્વો પામવાની મથામણમાં કશીક ગફલત થતી ભળાય. પરંતુ ખડકીના બાહ્ય અને આંતરસંદર્ભો કૃતિને સદોદિત રાખે છે. ‘ખડકી’નાં મુખ્ય બે પાત્રો સોહન પરીખ અને દામિની ગિદવાની – બન્નેનો અતીત નિરાશાથી ભરેલો છે. સોહન પરીખની પત્ની હયાત નથી, પુત્રી પરદેશ વસે છે. જ્યારે દામિની ગિદવાનીનો પતિ નપુંસક છે. ને ગમે ત્યારે દિયેર તરફથી જાતીય ત્રાસમાં સંપડાવવાની સંભાવના છે. એટલે એમ પણ કહી શકાય કે બન્ને એકલાંઅટૂલાં છે. ને મનપસંદ વ્યક્તિના સહવાસ માટે બન્ને ઝંખે છે. આ બન્નેનો ભેટો અમદાવાદથી વડોદરા જતી બસમાં થાય છે. બન્ને એક જ સીટમાં બેઠેલાં છે. બસની ગતિ સાથે બન્નેના મનની ગતિનું સંધાન યોગ્ય અને પ્રતીતિકર છે. દામિની સાથે પરિચય કેવળવા માટે નાયકની ચેષ્ટાઓમાં લેખકની સૂક્ષ્મ દૃષ્ટિનાં દર્શન થાય છે. સામે પક્ષે દામિની ગિદવાનીમાં સ્ત્રીસહજ સ્વભાવ પણ યથોચિત સંપડાવ્યો છે. તેમ છતાં વડોદરા ઊતર્યા પછી નાયક સોહન પરીખનું વલણ દ્વિધાત્મક લાગે છે. દામિની સામે એ વ્યક્ત થઈ શકતો નથી. અહીં નાયક કરતાં નાયિકાની ભૂમિકા બલિષ્ઠ દેખાય છે. તેમ છતાં નાયકની સાથે વતનમાં જવા માટેના નાયિકાના ઝડપી નિર્ણયમાં ઔચિત્ય જળવાતું નથી. વડોદરાથી નાયકની સાથે તેના વતનમાં ગયા પછી જ ખડકીનો સંદર્ભ આવે છે. નવલકથાના કેન્દ્રમાં ખડકી છે. ખરી કથા જ બન્નેના ખડકીમાં આગમન પછી શરૂ થાય છે. ભીખુબા નાયકની માસી છે. જર્જરિત ખડકીનું એ પ્રતિનિધિત્વ કરે છે. ભીખુબાની દરેક હિલચાલ કે રીતભાત ધ્યાનપાત્ર છે. ખડકીમાં દામિની સોહન પરીખ દ્વારા ભોગવાય છે. પણ દામિનીનું નાયક દ્વારા કે નાયકનું દામિની દ્વારા ભોગવાવું મહત્ત્વનું નથી. આ ઘટના દ્વારા ઊભા થતા તંતુઓ કેવું પીઠબળ રચીને ખડકીને મર્મગત સંવેદના પૂરી પાડે છે તે મહત્ત્વનું છે. ખડકી, તિજોરી અને સુખડની પેટી નિમિત્તે બંધાતું-ઉકેલાતું રહસ્ય આ કૃતિનું મહત્ત્વનું અંગ છે. હીરાલાલ અને ભીખુબા સાથેના નાયકના આંતરસંબંધો અને વ્યવહારો વખતે નાયકની વિભિન્ન પરિસ્થિતિઓ કૃતિનો રચનાઘાટ ઘડવામાં સહાયક બને છે. હીરાલાલ નાયકનો કાકો છે. પણ સંજોગો જ એવા ઊભા થયા છે કે નાયક પાસે એવી કોઈ લાગણી બચી નથી, જે બન્નેના સંબંધોને જાળવી રાખે. ભીખુબા અને હીરાલાલના જોડાણની અનેક શક્યતાઓ હોવા છતાં વિધિએ એમને બન્નેને અલગ રાખવાનું નિર્માણ કર્યું છે. હીરાલાલ સવી સાથે સંબંધો બાંધે છે. ભીખુબા પ્રત્યે હીરાલાલની માન્યતાઓ ‘ચન્દનના મર્યા પછી પરસોત્તમ ભીખુની સોડમાં ભરાયેલો તે અલ્યા કોણ નથી જાણતું? હેં? ને તું ગધના આ સિન્ધણને ફેરવે છે તેનું શું?’ – આ વિધાનો નાયકના પિતા પરસોત્તમ અને ભીખુબાના સંબંધોની પુષ્ટિ કરે છે. આમ જોઈએ તો પરસોત્તમ અને હીરાલાલમાં ઉદ્ભવેલી જાતીયવૃત્તિ નાયક સુધી વિસ્તરીને આનુવાંશિક પરંપરાનું સાતત્ય જાળવે છે. કથાનાયક હીરાલાલ પ્રત્યે વધારે રુક્ષ લાગે છે. તેની દૃષ્ટિએ હીરાલાલ કાટપીટિયો છે. ભીખુબા એમાં સૂર પુરાવે છે : ‘મુઓ એવો ને એવો છે. જજેને મળવા. એવો જ કાટપીટિયો છે. તને વચમાં બહુ યાદ કરતો હતો.’ (પૃ. ૩૩) અહીં હીરાલાલનો પરિચય મળે છે. હીરાલાલ નાયક પ્રત્યે થોડો ઉદાર પણ છે. આમ જોઈએ તો ભીખુબા કરતાં ખડકીનો સાચો હકદાર હીરાલાલ છે, હકદાવે એ નાયક પ્રત્યે વિદ્રોહી બની શકે તેમ હતો, છતાં નાયક સાથેના વર્તનમાં એ નમ્ર લાગે છે. તેના પ્રત્યે દયા ઊપજે તેવા સંજોગો ઊભા કરીને સોહન દ્વારા એને ખરાબ ચીતરવાનો લેખકે તાલ ઊભો કર્યો છે. તેમાં સંદર્ભદોષ લાગે છે, નાયક નોકરી કરતો હોવા છતાં તિજોરીની માયા છોડી શકતો નથી, ને હીરાલાલ પ્રત્યે કઠોર વલણ અપનાવે છે. આ રુક્ષતા-કઠોરતા પાછળથી દામિની સાથેના વ્યવહારમાં પણ દેખા દે છે. આમ જોઈએ તો હીરાલાલ આસુરી વૃત્તિઓનું પ્રતીક છે. પણ તેનામાં જે આસુરી વૃત્તિઓની પ્રબળતા છે, તેના કરતાં ય વધારે પ્રબળતા નાયકમાં છે. નાયક હીરાલાલની બીજી આવૃત્તિ જેવો જ લાગે છે. ભીખુબા ખડકીમાં જર્જરિત હાલતમાં જીવે છે, હીરાલાલ સાથે એમને સ્નાનસૂતકનોય સંબંધ ન હોય તેમ વર્તે છે. પરંતુ તિજોરી સંદર્ભે હીરાલાલ સાથે વાતચીત કરવા જતા નાયકને ભીખુબા એકાદબે પ્રસંગે સમાધાનની ભૂમિકાએ વર્તવા જણાવે છે. આમાં ભીખુબાની પરિવર્તનશીલ વૃત્તિનાં દર્શન થાય છે. ભીખુબાના પ્રભાવક ચરિત્રચિત્રણમાં લેખકે દાખવેલી કુશળતા ધ્યાનપાત્ર છે. આ બધા પ્રસંગો વખતે ‘ખડકી’ને ઘટ્ટ પરિમાણ સાંપડ્યું છે. જે વાસ્તવિકતા લેખકની સામે છે તેમાંથી રહસ્યનાં પરિમાણો ઉપસાવવા માટે લેખક મથ્યા છે. નાયકના હીરાલાલ સાથેના વ્યવહારોમાં તિજોરી નિમિત્ત બની છે. તિજોરી બંધ છે ત્યાં સુધી તેમાં રહેલી વસ્તુઓ અકબંધ હોવાની દરેકના મનમાં ધારણા છે. તેમ છતાં તિજોરી અકબંધ નહિ હોવાનો હીરાલાલના વ્યક્તિત્વ સંદર્ભે, ભીખુબાને જાગેલો સંદેહ સમયસરનો છે. અહીં ચોક્કસ મૂલ્યો ઊભાં થવાનો અવકાશ હતો. પરંતુ તિજોરી, સુખડની પેટી અને ખડકીનાં પ્રતીકો દ્વારા લેખક રહસ્યમય કૌશલ્ય દાખવી શક્યા નથી તે ખૂલે છે. ખડકીમાં દામિનીને ભોગવ્યા પછી નાયકની સ્થિતિ અંતરિયાળ લાગે છે. લેખકે પોતાની ઇચ્છાને વશવર્તીને કથાનાયકના જીવનને અમુક દિશામાં વાળવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં તાટસ્થ્ય જળવાતું નથી. દામિની અને સોહન પરીખ વચ્ચે થયેલું કૃત્ય ઉભયપક્ષે સભાન કૃત્ય છે. તેમ છતાં દામિનીએ દાખવેલી કોઠાસૂઝ આગળ સોહન પરીખ વિચ્છિન્ન લાગે છે. દામિનીને ભોગવ્યા પછી દામિનીને પુત્ર અવતરવો, નાયકની પુત્રીનું વતનમાં આવવું, નાયકનું મુંબઈ, વડોદરા અને વતનમાં આવન-જાવન – આ બધા પ્રસંગો વખતે નાયકના વાણીવર્તનમાં ચિત્રવિચિત્ર ગતિ છે. દામિની સાથે સમાગમ કર્યા પછી ધન્યતા અનુભવતા નાયકને પાછળથી ગેરકૃત્ય કર્યાનો અહેસાસ થાય છે, તેમાં સીમાના હોવાપણા વિશે નાયકનો આશાસ્પદ હુંકાર વિશેષ ભાગ ભજવે છે. દામિની સાથે વારંવાર આવતો તિજોરીનો સંદર્ભ નાયકના સ્મૃતિતંત્રમાં સીમાના સચવાયેલા અવશેષોના પર્યાયરૂપ છે. ‘પણ હજી મને એમ જ છે કે સીમા ક્યાંક છે. ગળામાં ડેરાની જેમ પેલો ખૂંટો લકટાવીને ડુંગરાની તળેટીમાં ચરતી કોઈ ગાયની જેમ સીમા ક્યાંક છે, તે મારો હોંકારો થયાના સંદેશાથી થોડી થોડી વારે પાછું ફરીને જુએ છે.’ (પૃ. ૧૪૮) અહીં સીમાનો તિજોરી સાથે સંબંધ પણ વિકાસની શક્યતા દર્શાવે છે. તિજોરી અને સુખડની પેટી ખડકીની પીઠિકારૂપ છે. ખડકીમાં નાયક-નાયિકાનો ભોગવિલાસ, તિજોરીમાં સચવાયેલી વસ્તુઓની માયામાંથી ઊભા થતા નાયક-ભીખુબા અને હીરાલાલના અતીત તેમજ ચરિત્રની વિગતો અને સુખડની પેટી દ્વારા દામિની સાથેનો સંપર્ક જાળવી રાખવાની નાયકની નિર્ણયાત્મક ક્ષણ – આ વખતે ખડકી પૂર્ણરૂપે ખીલેલી લાગે. નાયકની હીરાલાલ સાથે ચડભડ, ભીખુબાના અતીતમાં ડોકિયું અને નાયકના ભીખુબા સાથેના સંબંધતંતુઓ, હીરાલાલ અને સવીનો પ્રણયરાગ તથા સીમા સાથે નાયકે ગુજારેલી જિંદગીના અંકોડા આ બધું પ્રથમ દૃષ્ટિએ ખડકીમાં સુગઠિતપણે ગોઠવાયેલું લાગે છે, પરંતુ પાત્રોના અતીત અને વર્તમાનની પ્રક્રિયાઓ દરમિયાન મર્મગત સંદર્ભો ખૂલ્યા નથી. આખી રચનાપ્રક્રિયા દરમિયાન સર્જકની સામે એકથી વધુ દિશામાં ગતિ કરવાની શક્યતા હતી. સોહન કથાનો નાયક હોવા છતાં દામિની અને હીરાલાલના વ્યવહારોમાં સ્વતંત્ર રીતે વર્તતો નથી. એનાં વાણીવર્તનમાં ખુદની કોઈ સ્વતંત્ર છાપ ઊપસી આવી નથી. એની મનોદશા ખંડ ખંડ વિખરાયેલી લાગે છે. સોહન પરીખનું સમગ્ર વ્યક્તિત્વ અનેક ગમા-અણગમાના ભારથી તરડાયેલું છે. તેનામાં રહેલી અસ્થિર મનોદશા કોઈ ચોક્કસ બિન્દુએ સ્પર્શીને રજૂઆત પામી હોત તો તેનું મૂલ્ય વિશિષ્ટ કક્ષાએ વિસ્તર્યું હોત. કૃતિની રચનાપ્રક્રિયામાં નાયકની મનઃસ્થિતિ વેરણછેરણ પડેલી માલૂમ પડે છે. વારેઘડીયે પલટાતી સ્થિતિગતિને પરિણામલક્ષી બનાવીને એક જ દિશા નક્કી કરીને ચાલે છે. એટલે વિશિષ્ટ અર્થમાં પેલા ચોક્કસ બિન્દુને સ્પર્શવાનું એનાથી બન્યું નથી. પણ નાયકના આ સ્થિતિ-ઘડતરમાં દાખવેલી કુનેહ ક્યારેક વિશેષતા બની રહે છે. ખડકી, તિજોરી, અને સુખડની પેટી જેવાં આલંબનો કથાને રસપ્રદ બનાવે છે. જેને કારણે તો હીરાલાલ અને ભીખુબા જેવાં અદ્દલ સ્વાયત્તતા સ્થાપિત કરતાં પાત્રો મળ્યાં. સર્જકમાં ભરપૂર સંવેદનાત્મક સર્જકતા પડેલી છે તે આ કૃતિનું મોટું આશ્વાસન છે.
મોહન પરમાર
નિવૃત્ત વહીવટી અધિકારી, ગુજરાત મેરી ટાઇમ બોર્ડ,
વાર્તાકાર, નવલકથાકાર, એકાંકીકાર, વિવેચક અને સંપાદક
સંપર્ક : એ-૨૫, ન્યૂ પરિમલ સોસાયટી, કીર્તિધામ તીર્થ પાછળ, ચાંદખેડા, અમદાવાદ ૩૮૨૪૨૪