વાર્તાવિશેષ/૨. ટૂંકી વાર્તામાં ઘટનાતત્ત્વ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 09:06, 25 December 2023

૨. ટૂંકી વાર્તામાં ઘટનાતત્ત્વ


વાર્તામાં ઘટનાતત્ત્વનો લોપ પૂર્ણપણે શક્ય છે, જો અહીં ઘટના એટલે લાંબા અને સ્થૂલ પ્રસંગો એવો અર્થ અભિપ્રેત હોય તો. એ અર્થમાં ઘટનાનો સદંતર લોપ હોય તેવી ઉત્તમ વાર્તાઓ ઘણી લખાઈ છે. પરંતુ ઘટનાતત્ત્વના લોપના પ્રમાણ સાથે વાર્તાની ઉત્તમતાનો અવિનાભાવી સંબંધ નથી. એવું પણ બને કે નવલકથાનું નિર્માણ થઈ શકે એવી ઘટનાઓમાંથી ઉત્તમ વાર્તા રચાઈ હોય. ચેખોવની ‘વોર્ડ નં. ૬’ વાર્તા આ કથનની ચોખવટ કરશે. અહીં ચર્ચા માટે મૂકવામાં આવેલા વાક્યમાં ભૂલ હોવાનો સંભવ છે. ‘ટૂંકી વાર્તામાં ઘટનાતત્ત્વનો લોપ કેટલે અંશે નિર્વાહ્ય છે?’ આ પ્રશ્ન સાહિત્યસમીક્ષાના ક્ષેત્રની બહાર લઈ જાય અને ફક્ત મતભેદ ઊભા કરવામાં મદદ કરે તેવું પણ બને. સમીક્ષાએ લેખકની સજર્ન-પ્રક્રિયા તપાસવામાં રસ લેવો જોઈએ અને આપણે એવું કરવા માગતા હોઈએ તો ચર્ચા માટેનું વાક્ય આ પ્રમાણે હોવું જોઈએ કે ઘટનાતત્ત્વોના લોપવાળી વાર્તાનો નિર્વાહ લેખક કેવી રીતે કરે અથવા કરતો હોય છે. ઘટનાતત્ત્વનો લોપ કેટલે અંશે નિર્વાહ્ય છે એમ કહેવા જતાં આપણે લોપની ટકાવારી અથવા ગ્રાફ નક્કી કરીને વાર્તાકાર સમક્ષ રજૂ કરવા માગતા હોઈએ તેવી મુરબ્બીવટું ભોગવવાની દાનત છતી થઈ જાય છે. સજર્કની સૃષ્ટિ અનન્ય-પરતંત્ર છે અને માત્ર ઘસારાથી પડેલા ચીલા ઉપર નવનવોન્મેષશાળી સજર્ક ચાલશે નહીં. કથાવસ્તુના પરંપરાગત ખ્યાલોને ફગાવી દઈને ચિરંજીવ વાર્તાઓ આપનારા સજર્કોનો હવે અભાવ નથી. લોપ કરતાં તિરોધાન શબ્દ વધારે યોગ્ય છે એવી સ્પષ્ટતા શ્રી જ્યોતીન્દ્રભાઈએ પોતાના લેખમાં એક ભૂલ ઉમેરીને કરી છે. સુરેશભાઈએ મુખ્ય વસ્તુના તિરોધાન પરિહારની વાત કરીને તથા ઘટનાને નવા સંદર્ભમાં મૂકીને એને સ્થળકાળ નિરપેક્ષ બનાવવાની વાત કરી છે. સુરેશભાઈના શબ્દોની મદદથી જ્યોતીન્દ્રભાઈએ એવું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હોય તેવું સૂચિત થાય છે કે મુખ્ય વસ્તુનું તિરોધાન તથા નવા સંદર્ભનું નિર્માણ કરવા વચ્ચે કંઈક વિરોધ હોય. વાસ્તવમાં એવું નથી. તિરોધાન અને નવા સંદર્ભોનું નિર્માણ બંનેય સાથે ચાલતી પ્રક્રિયા છે. એ બંનેની સહાયથી જ વાર્તા સમસામયિક બની ન જતાં કાયમી બની શકે છે. વળી, સુરેશભાઈએ વાપરેલા ‘મુખ્ય વસ્તુ’ અને ‘ઘટના’ શબ્દો એકમેકના પર્યાય નથી. એ બંનેને એક સમજવામાં જ્યોતીન્દ્રભાઈ થાપ ખાઈ ગયા છે. મુખ્ય વસ્તુ એટલે રચાયેલી વાર્તાઓમાં રહેલા વસ્તુની પૂર્વાવસ્થા. તિરોધાન, પરિહાર, હ્રાસ દ્વારા સુરેશભાઈ કાચા માલની સર્જાયેલી વાર્તાના આકારમાં નિમિત્ત બનેલા વસ્તુ સુધી જવાની પ્રક્રિયા એક સજર્કની હેસિયતથી સમજાવવા પ્રયત્ન કરતા લાગે છે. પ્રત્યક્ષ જગતમાં ગુજરાતી વાર્તાને એ જ રૂપમાં લિપિબદ્ધ કરી દેવાને બદલે, વાર્તામાં કલાના વાસ્તવની પ્રતીતિ થાય તો જ વાસ્તવિકતામાંથી યથાર્થ સુધી પહોંચવાનો અભિક્રમ સિદ્ધ થાય. દુનિયાદારીનું તથા કથિત સત્ય સિદ્ધ થવાને બદલે કલાકારનું સત્ય ત્યારે જ સિદ્ધ થાય કે જ્યારે વાર્તાકાર પોતાની સંયોજના-શક્તિથી પેલા પ્રાથમિક વસ્તુનું નવનિર્માણ કરે અને આ નવનિર્માણની ક્ષણોમાં પેલા પ્રથમ પ્રાપ્ત વસ્તુનો સમૂળગો લોપ થઈ જતો હોય તો ભલે થાય. તેની ચિંતા શી? આ તો એક રીતે ત્યાગીને ભોગવવાની વાત છે, અલબત્ત ખોઈને નહીં. કાચીપોચી સામગ્રીની મોહમાયા લાગી ન જાય તેવી સ્થિતપ્રજ્ઞા નહીં હોય તો આડોશપડોશમાં બનતી સ્થૂલ ઘટનાઓ વાર્તાકારને ફોસલાવી-પટાવી જશે. આમ થતું અટકાવે તેવી સમજ વધારવા માટે પેલા શબ્દો ખપના છે. ઘટના એટલે થવું તે, ઘટવું તે, યોજવું તે happening, shapping, forming વગેરે. એક ઘટનાને નવા સંદર્ભમાં મૂકીને લેખક એનું આગવી રીતે shapping – forming કરતો હોય છે. સંદર્ભ બદલાયા પછી એકની એક વસ્તુ પૂર્વવત્‌ રહે છે ખરી? સ્પષ્ટ છે કે વાર્તાકાર પોતાની આ યોજના વડે નવું અર્થઘટન પ્રાપ્ત કરે છે. ઘટના એ ભાવવાચક નામ છે. રા. વિ. પાઠક ‘વૃત્તાંતનું હાડપિંજર’ શબ્દ વાપરે છે. તેના પર્યાય તરીકે સુરેશ જોષીના ‘ઘટના’ શબ્દને લઈને જ્યોતીન્દ્રભાઈએ ન કરવાનું કર્યું છે. જે વાર્તામાં મુખ્ય વસ્તુનો લોપ થયેલો છે એમ બતાવી શકાય તે જ વાર્તામાં એક અથવા અનેક ઘટનાઓ અવનવા સંદર્ભોમાં યોજાયેલી જોવા મળતી હોય છે. એક શબ્દની વિભિન્ન અર્થચ્છાયાઓ નજર બહાર રહી જવાથી ગેરસમજ થવાનો સંભવ છે. ‘વ્યક્તિ, વસ્તુ અને વાતાવરણ : કોઈપણ વાર્તાનાં આ મહત્ત્વનાં અંગો છે.’ આમ જ્યોતીન્દ્રભાઈ કહે છે. ફક્ત ત્રણ જ તત્ત્વો ગણાવીને એમણે સંતોષ માન્યો, બાકી એથી વધુ ગણાવી શકાય. સારોયાનની એક નાની વાર્તા છે "Ever fall in love with a Midget?' એ વાર્તામાં વસ્તુ તો જડતું જ નથી. બે શરાબીઓ બોલે છે જેનો જાણે કે કંઈ અર્થ નથી અને એ બે શરાબીઓ જાણે કે વ્યક્તિત્વ વગરના માણસો જેવા છે, વાતાવરણમાં ગળી જતાં બે બિંદુઓ જેવા છે. અહીં આપણે કયાં કયાં તત્ત્વો શોધીશું? વાતાવરણની અને મનોદશાની સંપૃક્તિ સિદ્ધ કરવામાં જ વાર્તાકારે સ્વીકારેલું દાયિત્વ પૂરું થતું હોય તો? હા, સમીક્ષકો સજર્કો પાસે અપેક્ષાઓ રાખતા હોય છે. પશ્ચિમના ઘણા સજર્કો સમીક્ષકોએ plot -- વસ્તુને ફગાવી દેવાની વાત કરી છે. વાર્તાકલાની પરિભાષામાં આ શબ્દ ભ્રાન્તિ ઊભી કરાવે છે. It is the most deceptive word in the jargon of art એવું ફ્રાંસીસ વિલિયમેે કહ્યું છે. જ્યારે સામે પક્ષે સમરસેટ મોમ જેવા વસ્તુ વિના ચલાવવા તૈયાર નથી. મતભેદ તો રહેવાના. કથાવસ્તુના અર્થમાં ઘટના અંગે એક બીજો વિચાર પણ આવે. આપણું વિશ્વ તો ઘણું મોટું છે. સંપ્રજ્ઞાત મનની મદદથી આપણે જે વિશ્વને જોઈ શકતા નથી તેને અસંપ્રજ્ઞાતની મદદથી જોઈએ તો ખોટું શું? એક માણસ અનેક વિશ્વોનું નિવાસસ્થાન છે. સામાજિક કાયદા- કાનૂનો અને સાંપ્રત વાસ્તવિકતાએ ઊભાં કરેલાં કેટલાંક ભયજન્ય વિશ્વો સામે વાર્તાકાર પોતાના આંતરસત્ત્વના ઉત્સર્ગ દ્વારા પોતાનાં આગવાં, સ્વાયત્ત વિશ્વોનું નિર્માણ કરે તો વાંધો શું? કપોલકલ્પિત વાર્તાઓ ભલે લખાય. સજર્નની અનંત શક્યતાઓ આ ક્ષેત્રમાં પણ છે. ‘અપિ ચ’ની ‘કપોલકલ્પિત’ વાર્તા વાંચી જવા અનુરોધ છે. હા, ફક્ત લિપિ વાંચવાની વાત નથી, ‘વાર્તા’ વાંચવાની વાત છે. તરંગલીલાનું આવું સમર્થ સ્વરૂપ જોઈને આનંદ થશે. એક બિંદુ પરથી સંવેદનશીલ વાચકને ઉપાડીને કેવી તીવ્ર ગતિએ લેખક યાત્રા કરાવે છે! આ અપૂર્વ સૃષ્ટિમાં સંચરતા વાચકને એક અણજાણ બિંદુ પર લાવીને લેખક મૂકી દે છે. સહૃદય ભાવક અહીં વસ્તુ નથી, માણસ નથી એવાં કારણોથી આ વાર્તાના મનોરમ રહસ્યલોક અને પોતાની વચ્ચે દીવાલ નહીં રચે. વસ્તુમુક્ત, અવબોધમુક્ત અને પૂર્વે સ્થપાયેલાં તમામ પ્રયોજનોથી મુક્ત આ વાર્તા છે માત્ર સ્વયંપર્યાપ્ત સૃષ્ટિ! આવી સૃષ્ટિમાં ભલે એક સજર્ક ફાવે, શક્ય છે બીજા ન ફાવે, બીજા આવું રચવામાં પોતાની સર્ગશક્તિની સાર્થકતા ન માનતા હોય તેવું પણ બને. પણ આવાં બાહ્ય કારણો ધરીને અને બહુમતીની મદદથી એક સજર્કની સફળતાને સાપેક્ષ બનાવી દેવાનો કોઈને અધિકાર નથી. આપણા યુગના સંદર્ભમાં પણ ઘટનાતત્ત્વનો હ્રાસ થયો છે. આ યુગનું જીવન જાણે કે સ્થગિત થઈ ગયું છે. પૃથ્વીની ધરી ફરતી બંધ થઈ જવાની આશંકા જાગી છે. માનવજાતિનો ભવિષ્યકાળ સામી બાજુથી કપાઈ રહ્યો હોય અને હવે તો આપણી પાસે જે વર્તમાન છે તેનેય સાચવી શકીએ તો ઘણું છે એવો ભાવ ઊંડે ઊંડે જાગ્યા કરે છે. વારસામાં મળેલી શ્રદ્ધાનું આજની હવામાં બાષ્પીભવન થઈ રહ્યું છે અને ચતુર્દિશામાં વ્યાપેલી રિક્તતા સામે તાકી રહેલું જાગ્રત સજર્કનું ચિત્ત ઉદાસીન પડછાયાઓને આમંત્ર્યા કરે છે. કશાયનું ન હોવું તે શું છે એ સમજવા માટે એનું મન તલસ્યા કરે છે. માણસે પોતે જ એવી પરિસ્થિતિ સજીર્ છે કે આવતી ક્ષણે શું થશે તેનો ખ્યાલ નથી. આજની આ ક્ષણભંગુરતા દૈવાયત્તમ્‌ નહિ મદાયત્તમ્‌ છે. હવે આત્મહત્યા દ્વારા પણ પોતાના અસ્તિત્વને પ્રમાણિત કરવાના પ્રયત્ન સુધી લેખકો પહોંચ્યા છે. અને તેમ છતાં જીવવું તો છે જ. જીવવું જોઈએ પણ ખરું. જાણે કે કર્તવ્ય બજાવતા હોઈએ તેમ પણ જીવવું તો જોઈએ જ. તેથી આજના લેખકની સમસ્યા ઘણી બદલાઈ ગઈ છે. મુકુંદરાયનું વર્તન જોઈને પિતાના હૃદયમાં જાગેલી વ્યગ્રતા અને નિર્મમતાનું આલેખન કરવામાં એ વ્યક્ત નહીં થાય. કિન્તુ આ મુકુંદરાય જેવા નગરસંસ્કૃતિના સંસ્કારો ઝીલતા યુવકો પોતાના સમયની ઓળખ ધરાવે છે તેથી ચિત્તમાં ચકડોળે ચડેલા અંધકારને અવગણવા જેટલો સંયમ ધરાવતા નથી. આવા યુવકોના અંતરંગને કેવી રીતે આલેખવું એ આજના લેખકની સમસ્યા હોઈ શકે અને છે. ફક્ત આ એક જ સમસ્યા નથી પણ સમસ્યાઓનું રૂપ કંઈક આવું છે. પ્રત્યક્ષ ન થાય છતાં હયાત હોય તેવું. ‘કુરુક્ષેત્ર’ નામની વાર્તામાં લેખકે આવા પ્રયત્નમાં સફળતા મેળવી છે. આજનો લેખક પોતાના કથનને ઘટનાઓના વૈભવની મદદથી વ્યક્ત કરવા જશે તો વાચકોને મુગ્ધ કરવાની આશા એણે છોડવી પડશે. અણધાર્યું પરિવર્તન પામતી કે ચમત્કૃત કરી દે તેવા અંતવાળી ઘટનાના આધારે રચાયેલી વાર્તાની અપીલ હવે ઓછી થઈ ગઈ છે. ઘટનાની સાથે સસ્પેન્સનું તત્ત્વ રહેવાનું. લેખકના બૌદ્ધિક ચાતુર્ય દ્વારા સર્જાયેલું કૌતુક વાચકના જ્ઞાનતંતુઓને સંતોષી શકશે નહીં. અહીં જોઈએ સંવેદનની સઘનતા. નરી ઘટનાઓએ આ અપેક્ષા પૂરી કરી નથી. આ દૃષ્ટિએ ચમત્કૃતિપ્રધાન અંતવાળી આજ સુધી કલાકૃતિઓ તરીકે વખણાયેલી મોપાસાંની ‘નવલખો હાર’, ‘પ્રિયતમા’ વગેરે વાર્તાઓ કંઈક પાછી પડતી લાગે છે. મોટાઈનું પ્રતિપાદન કરતી કથામાંથી પણ આજના વાચકનો રસ ઘટ્યો છે. લઘુતા તરફ લેખક અને વાચકનું મન વળ્યું છે. લઘુતાના પ્રતિષ્ઠાન, ઉપેક્ષિતનો સ્વીકાર, અદૃષ્ટ રહી ગયેલાનું અંકન થઈ રહ્યું છે. ઉપરછલ્લી સંગતિનો ખ્યાલ રાખીને માણસના વર્તનનું વર્ણન કરતી વાર્તાઓને સ્થાને હવે મનઃસ્થિતિઓનું આલેખન થવા લાગ્યું છે. માનસશાસ્ત્ર પણ લેખકને પ્રેરવા લાગ્યું છે કે જીર્ણ ઘટનાઓના કાટમાળ ફેંકી દઈને હવે મનોવ્યાપારની ગહન અને નિરાકાર રહી જવા પામેલી રેખાઓને વાચા આપવાની કસોટીમાં ઊતરો. અલબત્ત, માનવમનને વ્યક્ત કરવા માટે પણ નક્કર ઘટનાઓનો આશ્રય લઈ શકાય ખરો, પરંતુ પોતાની સજર્કતાનો વિશેષ આજે કેટલાકને એમાં દેખાતો નથી. ઘટનાને કથનના માધ્યમ તરીકે સ્વીકારવાની વાત હોય તો આજનો વાર્તાકાર સંકેત કે પ્રતીકનો આશ્રય લેવાનું વધુ પસંદ કરશે. વાર્તામાં આ રીતે વૃત્તાંત કે મોટા બનાવના અર્થમાં ઘટના રહી નથી. હા, એ ઘટનાની અવેજીમાં હવા જેવું પણ કશુંક હોય છે ખરું. સૂક્ષ્મરૂપે એ ઘટના હોય અથવા ન પણ હોય. તેથી, ઘટનાનો લોપ એ આદર્શ સ્થિતિ છે એવું નિયમ તરીકે સ્વીકારી ન શકાય. પરંતુ વાર્તા વસ્તુની દૃષ્ટિએ સ્થૂલતાને વર્જ્ય ગણીને સૂક્ષ્મતા તરફ ગતિ કરી રહી છે એ સ્થિતિ વિકાસની દ્યોતક છે એમાં શંકા નથી. ‘બીજી થોડીક’ નામના સંગ્રહમાં ‘વિદુલા’ નામની એક લાંબી વાર્તા છે. એને ટૂંકમાં તપાસીએ આ વાર્તામાં જુદાં જુદાં પાત્રો દ્વારા જીવન તરફના અલગ અલગ અભિગમ વ્યક્ત થયા છે. અહીં લેખક પોતાનું દાર્શનિક જ્ઞાન ઠાલવવા મથતો નથી પણ અસ્તિત્વને પામવા મથવા અલગ અલગ મત એ તટસ્થ ભાવે રજૂ કરે છે. આ બધાં પાત્રોના કેન્દ્રમાં છે વિદુલા. છેલ્લે બધાં પાત્રો તો પોતાના અભાવોના રણમાં વિલીન થઈ જાય છે પણ વિદુલા એકાકી વનલતાની જેમ દેખાય છે. વિદુલા આધુનિક અરણ્યમાં જીવવા મથતી સાચી નારી છે. અંત સુધી વાર્તાનું વસ્તુ સાવ ઢીલું-પાંખું જાણે કે લેખક પાસે કશું વસ્તુ જ ન હોય તેવું વેરણછેરણ પડ્યું છે. મતલબ કે લેખકે વસ્તુને એ રીતે અંકિત કર્યું છે. ચર્ચાઓ, સંવાદો- વિસંવાદને વ્યક્ત કરતા સંવાદો અને મૌનની ખરબચડી ભૂમિ પર વાર્તા ચાલે છે. આટલી લાંબી વાર્તામાં ગુજરે છે કેટલું? દૃશ્ય, પ્રસંગ થોડા છે. ઇંગિત અધિક છે. હિલચાલ પણ અંતમાં જાગે છે. કોઈકને આ વાર્તાનું રૂપવિધાન દેખીતી રીતે શિથિલ લાગે, પરંતુ આ પ્રકારનું સંવિધાન જ લેખકની સિદ્ધિ છે. ઓછું જીવનારાં, વધુ ચર્ચા કરનારાં આ પાત્ર એકબીજાના પરિચયથી વંચિત છે, એકબીજા તરફ સંદિગ્ધ છે. આ આપણા યુગની લાક્ષણિક ભેટ છે. વિદુલાની ગતિશીલતા, અત્યધિક જીવનપરાયણના અંતમાં એના નિબિડ કારુણ્યને જગાવવામાં કેવી રીતે સહાયક થાય છે! વિદુલાની પેટની સ્યૂડો પ્રેગનન્સીની ગાંઠ એક અનુત્તમ પ્રતીક બને છે. માતૃત્વની અશક્યતા સૂચવતી એ વંધ્ય ગાંઠ તો કદાચ વિદુલાની નિયતિ છે પણ વધુમાં કહેવાયું છે કે માણસની માણસ તરફની આંતરિક ગ્રંથિઓ જીવનને ખતમ કરી દે છે. આ સ્થિતિ ખતરનાક છે તેથી માનવ-સહાનુભૂતિના ક્ષિતિજોના વિસ્તારની વાત શ્રી સુરેશ જોષી આવો સંદર્ભ યોજીને કરે છે. એક ખોખરા સમાજના કાયદા-કાનૂનોને અવગણતી વિદુલાનું ચરિત્ર છેલ્લે પોતાના કારુણ્યને વ્યંજિત કરે છે. અહીં આવરણ-ભંગ થતાં નિર્વિઘ્ના સંવિત જાગે છે. લેખકને અનવસ્થામાં રસ હોય તેવું લાગતું નથી. પ્રતીકે વાર્તાની રચનામાં કેવી સૂક્ષ્મ પ્રકારની વ્યવસ્થા ઉમેરી છે!’ આ વાર્તાનો નકશો લઈને કોઈ લેખક વિગતોના પ્રાચુર્યવાળું વિદુલાનું જીવનચરિત્ર પણ લખી શકે. પણ એનો પ્રભાવ શું હોય? લેખકને એમ કરવું ઇષ્ટ લાગ્યું નથી. આ વાર્તા રચતી વેળા લેખકની સામે આવતું ઘણું એણે બાદ કર્યું હશે. વચ્ચે વચ્ચે અવકાશ છોડીને કામ લીધું છે, પરિણામે વિદુલાની ખંડ ખંડ વેદના વાર્તા પૂરી થયા પછી અખંડ બની જાય છે, તીવ્ર બની જાય છે. વાચકની મનોભૂમિ પર જુદી જુદી દિશાએથી ચડી આવતાં કાળાં વાદળ ઘેરા, સઘન આકાશનું નિર્માણ કરે છે. વળી, વાર્તામાં આવતા, વાર્તા કહેતા પાત્ર ‘હું’ની દીર્ઘકાલીન ખામોશી અને સ્વસ્થતા વિદુલાના આસન્ન ભાવી અંગે જાણતાં કેવી હચમચી ઊઠે છે! પછી એ ખામોશી કેવી અર્થપૂર્ણ બની જાય છે! આ પ્રમાણે એક લાંબી વાર્તામાં આવી જાત તેવી સ્થૂલતાનો હ્રાસ કરીને લેખકે પોતાની કલાદૃષ્ટિ દ્વારા ‘વિદુલા’ને વાર્તા સ્વરૂપે સિદ્ધ કરી છે. ‘વર્તુળ’ (અપિ ચ) વાર્તાનું વસ્તુ શું છે? એક વાક્યમાં કહી શકાય કે થોડાક સમય સિવાય જેની પાસે કશું અવશિષ્ટ રહ્યું નથી એવા એક પુરુષની રિક્તતાની એ વાર્તા છે. સ્મૃતિઓનો ભાર વહન કરતા લાભશંકરના પૂર્વજીવનમાં ઘટનાઓ તો ઘણી હતી. એ બધી ઘટનાઓને અહીં લેખકે અવાજના ઉપમાન તરીકે પ્રયોજીને તાર જેવી બારીક બનાવીને વ્યક્ત કરી છે. અવાજોનાં નાનાવિધ રૂપ બનીને એટલે કે સામૂલ રૂપાંતર દ્દદ્રટ્ટત્ત્દ્મડ્ડથ્દ્રત્ર્ટ્ટદ્દણ્થ્ત્ત્ પામીને એ ઘટનાઓ આપણી પાસે આવે છે. એમાંથી હવે ફક્ત અવાજો બની ગયેલાનો ભાર શૂન્ય અવકાશમાં ઠાલવી દઈને લાભશંકર મૃત્યુ અર્થાત્‌ નિર્વાણની કલ્પના કરે છે. અને એમના વર્તમાનનો ભાર આનંદમાં પરિણમે છે. તિરોધાન, પરિહાર અને હ્રાસની સાથે ગોપન અને રૂપાંતર જેવા શબ્દો પણ મૂકી શકાય. આગળ જતાં કદાચ રૂપાંતર શબ્દ પર વધારે ભાર મૂકવામાં આવે. વચ્ચે થોડી અપ્રસ્તુત ચર્ચા કરવી પડશે, નહીં તો આજના વિષયમાં જે સમાવેશ પામતું નથી તે અંગે ગેરસમજ થશે. કેટલીક વાર્તાઓ આસ્વાદ્ય હોય છે, કેટલીક શ્રદ્ધેય પણ હોય છે. આકાર-નિર્મિતિ હોય એટલે વાર્તા આસ્વાદ્ય તો બની ચૂકી પણ એ શ્રદ્ધેય ત્યારે બને કે જ્યારે વાર્તાના વણાટ (- ટેકસ્ચર) ભેગું માનવજીવનનું કોઈક રહસ્ય વણાઈ ગયું હોય. કલા અને જીવન બંનેની સત્તાઓનું સંમિલન આસ્વાદ્ય તેમજ શ્રદ્ધેય હોય છે. સાહિત્યમાં કથનનું મૂલ્ય નથી એમ કહેવા માગતા હોઈએ તો પછી રશિયા કે ચીન જેવા સરમુખત્યારશાહી દેશોના લેખકોના સ્વાતંત્ર માટે કેમ દયા ખાઈએ છીએ? આકારનું નિર્માણ થયું કે લેખકના કર્તવ્યની ઇતિશ્રી સમજવી? કલાકાર તરીકે પ્રવીણ થવું એ તો લેખકની તાલીમનો પ્રશ્ન છે. એટલું તો એને આવડવું જોઈએ. પણ જેને સજર્કનું તપ કહે છે તે બીજી અને મોટી વસ્તુ છે. સુરેશ જોષીની જે થોડીક વાર્તાઓમાં તપનું બળ પ્રવેશેલું છે તે અને એમના અગ્રજ જયંતિ દલાલની વાર્તાઓ ટકશે. એમના તપની પ્રતીતિ થઈ ચૂકી છે. શ્રી જયંતિ દલાલ એક એવા સજર્ક છે જેમની વાર્તાઓ કલાકૃતિઓ તો છે જ, સાથે સાથે એમાં માનવને ચાહવાની અદમ્ય ઉત્કંઠા ગોપિત છે. એમની વાર્તાઓમાં એક નિર્ભીક નિષ્ઠાવાળો સર્વથા સાચો, ગંજાવર બુદ્ધિ-શક્તિવાળો અને બુલંદ સ્વરવાળો સજર્ક ધબકે છે. બબ્બે દાયકાઓ પૂર્વે રચાયેલી એમની વાર્તાઓ આજેય તાજી છે. એમણે વાર્તાવસ્તુના નિરૂપણમાં વિભિન્ન પ્રયોગો કરેલા છે. એમની એક વાર્તા ‘નં. ૧૩૬૭૨ મોહન ધૂળાની હિસ્ટરી ટિકિટ’માં ૨૦ સાલની સજાવાળા કેદીના એ લાંબા સમયપટમાંથી જુદા જુદા અંતરે ૭૯ દિવસોની નોંધપોથી રજૂ કરવામાં આવી છે. માણસ કેવી રીતે, કેમ કરીને જીવે છે એ અહીં લાઘવથી કહેવાયું છે. આ નોંધ તેવા દિવસોની છે જ્યારે કંઈક ખાસ બન્યું હોય, પણ લેખકે તો ક્યાંક બે શબ્દો, ક્યાંક નાનું વાક્ય, ક્યાંક દોઢ વાક્ય અને એમાં પણ પુનરાવર્તન પામતી બાબતો, શરૂ થવા મથતી પણ બંધ કરી દેવામાં આવતી અથવા એની મેળે અધૂરી રહી જતી બાબતો છે. અંત સૂચક છે, ‘ખાસ માફી’, ‘ખાસ માફી’, ‘ખાસ માફી’. છેલ્લા છ માસ માટે આ એક શબ્દ ત્રણ વાર! લેખકે લખ્યું નથી કે સાત વરસની સજા ભોગવવી બાકી રહી ગઈ. ઘણી ઓછી સામગ્રીથી લેખક વાર્તાને હૃદ્ય બનાવી શક્યા. ઘટનાઓનો લોપ કલાસંયમ કેળવવાની સાથે સંબંધ ધરાવે છે. શ્રી દલાલની ‘મૂઠી ચોખા’ વાર્તા સામાજિક યથાર્થ તરફ વ્યંગ હોવાની સાથે માણસની ભૂખના ઉત્પાતનું એક અર્થસભર ચિત્ર રજૂ કરે છે. ઘટના તરીકે અહીં ફરી ફરી રચાતી, લાંબા હાથ લંબાવીને ઊભા રહેલા માણસોની કતાર અને બંધ થતી દુકાન છે. તપતા સીસાની વર્ષા પછીના દૃશ્યનું વર્ણન લેખક નિર્મોહી રહીને કરે છે. ‘ધાનના ઢગલાય જ્યાં ત્યાં વેરાયેલા છે. અને ધાનના કણ જેમ માનવીય વેરાયેલા પડ્યા છે... અને એ છેલ્લું મડદું છે. દુકાનના છેક ખૂણામાં એ પડ્યું હતું, ચોખાની એક ગુણને બાથ ભીડીને. મૃત્યુના પરમ બળથી એણે એ બાથ ભીડી હતી... બાથ ખોલાવી એને સીધો લંબાવવા ગયા તો એના મોંમાંથી ચોખા નીકળી પડ્યા. બરડામાંથી પેઠેલી બે ગોળીઓ તો ચોખાના થેલામાં સમાઈ ગઈ હતી. સૂરજ બધું જોવા પોતાની જાતને ટેવ પાડે છે. મડદાં વિણાતાં જોઈ લીધાં એણે. એ જ સ્થિતપ્રજ્ઞાથી એણે વેરાયેલા કણને પણ ભેગા કરાતા જોયા. ફરીથી ક્યારેક... કોક વાર... એવી જ કતાર... એમ જ હરફર.’ શ્રી જયંતિ દલાલ કલાનો વાસ્તવ સાથેનો સૌન્દ્રર્યશાસ્ત્રીય સંબંધ Aesthetic relation of art to reality સમજે છે. ઉપરની વાર્તામાં કથાનો તંતુ તો નાનો અને સાવધાની ન રખાય તો તૂટી જાય એવો બરડ છે. પણ એક દૃશ્યના વર્ણન દ્વારા લેખક આપણી સંવેદનાને જગાવે છે. માણસના સમગ્ર ટ્ઠડણ્ત્ત્ડ્ઢ અસ્તિત્વના કોઈ ખંડ-વિશેષનું કલામાં રૂપાંતર કરીને વાર્તાકાર ભલે એક ચિત્રરૂપે મૂકી દે, વાચકને સૌંદર્યાનુભવ કરાવશે. સૌંદર્યની વિભાવના જીવન વિશેના આપણા ખ્યાલોથી રંગાયેલી છે જ. તેથી રશિયન દાર્શનિક ચરનીશવસ્કીએ કહ્યું છે કે સુંદર વસ્તુ એ છે જે જીવનને અભિવ્યક્ત કરે છે અથવા આપણને જીવનની યાદ અપાવે છે beautiful is the object which express life or reminds of life. શ્રી દલાલની વાર્તાઓમાં શિલ્પના પ્રયોગો કરતાં લેખકના જીવનવિષયક વિશ્વાસનું બળ મોટો ભાગ ભજવે છે. એમની વાર્તાઓમાં જ્યાં ઘટના નથી ત્યાં માણસ છે. અતલ ઊંડાણો ધરાવતું માણસનું ચિત્ત છે, સત્યને પામવા બધુંય સહી લેવાની શક્તિ છે, ‘ઉત્તરા’ નામની વાર્તામાં પુરુષોની દુનિયામાં પરાભવ પામેલું નારીનું હૃદય ઐશ્વર્યને, જીવનને ફગાવી દેવાનો માર્ગ પસંદ કરે છે. તે વાર્તામાં છત સામે તાકી રહેલી, પતિની પાસે એની સંપત્તિ બનીને સૂઈ રહેલી નારીને પોતાના જીવનનું ગૌરવ શું છે તે સમજાય છે અને એ ચાલી નીકળે છે. ભારરૂપ બની જાય તેવા વિચારો, આ વાર્તામાં ઘટનાને સ્થાને છે, પણ એ વિચારો આ વાર્તામાં અધિકારપૂર્વક સ્થાન ભોગવે છે. ‘જગમોહને શું જોવું?’ વાર્તામાં ઘટના ફક્ત આટલી છે ‘હં, હેમરેજ છે.’ એટલું જાણ્યા પછી જગમોહન લાગણીઓના વલય વચ્ચે પુરાતો જાય છે અને છેવટે નિર્વેદ સુધી પહોંચે છે અને એ માણસ વિનોદ પણ કરી શકે છે. વાચક જગમોહનની દારુણ વિવશતાનો જાણે કે સમભાગી બની જાય છે. વાર્તા અથવા કોઈપણ કલાસ્વરૂપ સંવેદનાનો સેતુ બની શકે તો પૂરતું છે. એટલું સિદ્ધ કરવા માટે વાર્તાકાર પાસે ઘટનાતત્ત્વનાં સંખ્યાતીત રૂપ હોઈ શકે, એટલું જ નહીં ઘટનાતત્ત્વની અવેજીમાં એ આ ‘આશ્ચર્યદર્શન મનુષ્યલોક’ને સ્પર્શતું કોઈપણ તત્ત્વ પ્રયોજી શકે. અહીં એકઠા થયેલા આપણને ન દેખાતું હોય તેવું ક્યાંક ખૂણે બેઠેલાંને દેખાઈ ચૂક્યું હોય તેવું બને.

૧૯૬૪