ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/અગડદત્તનું શ્યામદત્તાની સાથે સ્વદેશગમન: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 04:41, 13 January 2024
શ્યામદત્તાની અંગસેવિકા તથા દૂતી સંગમિકા નામની યુવાન છોકરી હતી. તે એક વાર મારી પાસે આવીને કહેવા લાગી, ‘આર્યપુત્ર! કામદેવનાં બાણથી જેનું શરીર દુઃખી થયું છે એવી શ્યામદત્તાના શરીરનું નવા સંભોગના શ્રમસલિલથી આપ આશ્વાસન કરો. વધારે શું કહેવું? જેમાં ઇચ્છારૂપી મહાન કલ્લોલ છે અને આશારૂપી અનેક તરંગો છે એવા કામસમુદ્રમાં ડૂબતી તે શ્યામદત્તાને સમાગમ દ્વારા પાર ઉતારનાર વહાણ આપ થાઓ, એ અશરણનું શરણ થાઓ.’ પછી તેના હાથ પકડીને મેં કહ્યું, ‘સુતનુ! હું સ્વદેશ જવાને માટે તૈયાર છું એમ શ્યામદત્તાને કહે.’ પછી તે ગઈ અને શ્યામદત્તા આવી. તેને જોઈને, વર્ષાકાળમાં પ્રફુલ્લિત થયેલા કદંબવૃક્ષની જેમ મારું શરીર અત્યંત રોમાંચિત થયું. એના વિસ્મયકારક રૂપના દર્શનથી મદનશર વડે મારું હૃદય સંતપ્ત થતાં મેં એને ગાઢ આલિંગન આપ્યું. અનંગના શર વડે શોષાયેલા શરીરવાળી તે પણ પાણીના દ્રહની જેમ મારાં અંગ-અંગમાં પ્રવેશી. સૂર્યના તાપથી તપેલી વસુંધરા જેવી તે શ્યામદત્તાને આશ્વાસન આપતાં અને તેનું વિસ્મયજનક રૂપ જોતાં મને તૃપ્તિ ન થઈ. આ પ્રમાણે શ્યામદત્તાને આશ્વાસન આપીને દૃઢ બંધ અને ધરીવાળો, ઉત્તમ લક્ષણયુક્ત ઘોડા જોડેલો, ગમન માટે યોગ્ય, સર્વ સાધનો અને હથિયારોથી સજ્જ એવો તેણે આપેલો રથ લઈને હું આવ્યો. હું અને શ્યામદત્તા રથ ઉપર બેઠાં. પછી મારા બળનો દર્પ નહીં સહન કરી શકતા અને લોકોની કીર્તિમાં છિદ્ર પાડવા ઇચ્છતા મેં મારું નામ પ્રકટ કરીને ઘોેષ કર્યો, ‘હે દેવાનુપ્રિયો! જે નવી માતાનું દૂધ પીવા ઇચ્છતો હોય તે મારી આગળ આવો. આ હું અગડદત્ત શ્યામદત્તાને લઈને જાઉં છું.’ આમ કહીને અનેક પ્રકારનું દ્રવ્યરૂપી ભાથું જેણે લીધું છે એવો હું ઉજ્જયિની તરફ ચાલ્યો. પછી અમે નગરની બહાર નીકળ્યાં. મેં દિશાદેવતાઓને પ્રણામ કર્યાં, ઘોડા હાંક્યા અને ઘોડાઓના વેગ અને રથના હળવાપણાને લીધે અમે દૂર પહોંચી ગયાં. ત્યાં ઘોડાઓને વિશ્રામ આપવા માટે એકાન્તે શીતળ જળાશળની પાસે ઘોડાને છોડ્યા, અને શરીરના પોષણ માટે તથા શ્યામદત્તાનું મન રાખવા માટે મેં થોડું ખાધું. શ્યામદત્તાએ પણ, પોતે બંધુજનોના વિયોગથી દુઃખી હૃદયવાળી હોવા છતાં, મારા પ્રત્યેના અનુરાગથી શોકને છુપાવીને કંઈક આહાર કર્યો. આ પ્રમાણે અમે પ્રવાસ કરવા લાગ્યાં. આમ કરતાં અમે વત્સ જનપદના સરહદના ગામે પહોંચ્યાં. એ ગામની નજદીક જ જળાશયની પાસે ઘોડાઓને બાંધીને ચરાવતાં અમે બેઠાં.
એટલામાં ગામની પાસે અમે મોટા જનસમૂહને જોયો. તેમાંથી બે માણસો મારી પાસે આવીને પૂછવા લાગ્યા, ‘ભાઈ, સ્વાગત! તમે ક્યાંથી આવ્યા છો? અને ક્યાં જાઓ છો?’ મેં કહ્યું, ‘કૌશાંબીથી આવું છું અને ઉજ્જયિની જાઉં છું.’ એટલે તેઓ બોલ્યા, ‘તો આપ કૃપા કરો તો આપણે સાથે જ ઉજ્જયિની જઈએ.’ મેં કહ્યું, ‘ચાલો.’ એટલે ફરી પાછા તેઓ બોલ્યા, ‘ભાઈ, સાંભળો; અહીં માર્ગમાં હાથી મારે છે, દૃષ્ટિવિષ સર્પ છે, ભયંકર વાઘ છે અને પોતાના સહાયકો સહિત અર્જુન નામે ચોરસેનાપતિ સાર્થોને લૂંટી લે છે; માટે શી રીતે જવું?’ મેં કહ્યું, ‘હું કહું તેમ ચાલો, મને કોઈ જાતનો ભય નથી.’ મેં આમ જવાબ આપતાં ‘આપની આજ્ઞા યોગ્ય છે’ એમ કહીને તેઓ ગયા. તેમણે પેલા સાર્થના માણસોને બધું કહ્યું. ‘બરાબર છે’ એમ કહીને તેઓ બધા જવાને માટે તૈયાર થયા.
એવામાં હાથમાં ત્રિદંડ અને કમંડળ લઈને એક પરિવ્રાજક એ પુરુષો પાસે આવીને કહેવા લાગ્યો, ‘પુત્રો! તમારે ક્યાં જવું છે?’ તેઓએ જવાબ આપ્યો, ‘ઉજ્જયિની.’ એટલે પરિવ્રાજકે કહ્યું, ‘હું પણ તમારી સાથે આવીશ.’ તેઓએ કહ્યું, ‘ભલે, તમારી કૃપા થઈ, ચાલો.’ પછી સાર્થના એક આગેવાન પુરુષને બાજુએ લઈ જઈને તે કહેવા લાગ્યો, ‘પુત્ર! મને એક સાધુએ દેવના ધૂપ માટે પચીસ દીનાર આપ્યા છે,’ એમ કહીને ધૂર્તતાપૂર્વક ખોટા દીનાર તેને બતાવ્યા. એટલે તે સાર્થનો આગેવાન બોલ્યો, ‘ભગવન્! બીશો નહીં. અમારી પાસે ઘણા દીનાર છે. જે અમારું થશે તે તમારું થશે.’ પછી સંતોષ પામેલો તે પરિવ્રાજક તેને આશિષ આપીને મારી પાસે આવ્યો, અને મને બધું કહ્યું. એટલે મેં વિચાર કર્યો કે, ‘આની સાથે જવું ઠીક નથી. નક્કી આ પરિવ્રાજક ચોર છે, માટે યત્નપૂર્વક અને પ્રમાદ કર્યા સિવાય રહેવું જોઈએ.’ આમ વિચાર કરતાં બાકીનો દિવસ મેં ગાળ્યો.