ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/ધમ્મિલ્લની અને વિમલસેના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 16:55, 13 January 2024


ધમ્મિલ્લની ઉદ્યાનયાત્રા અને વિમલસેનાની ધમ્મિલ્લમાં પ્રેમાસક્તિ

કમલસેનાની આ વાત સાંભળીને ધમ્મિલ્લ અત્યંત પ્રસન્ન થયો. પછી તે દિવસ આથમી ગયો, રાત્રિ વીતી ગઈ, વિમલ પ્રભાત થયું અને સર્વ લોકનો સાક્ષી સૂર્ય ઊગ્યો, એટલે યુવરાજ લલિત ગોષ્ઠિની સાથે નીકળીને ઉદ્યાનમાં ગયો. તે સાંભળીને ધમ્મિલ્લ અનેક પ્રકારનાં મણિ અને રત્નનાં આભરણોથી અલંકૃત થઈને તથા વિવિધરંગી વસ્ત્રો પહેરીને કમલસેના અને વિમલસેનાની સાથે રથમાં બેસી ઉદ્યાન તરફ ગયો અને ઉપવનમાં પ્રવેશ્યો. પછી ત્યાં નોકરોએ રેશમી તંબૂઓ નાખ્યા તથા અતિ સુંદર મંડપો બાંધ્યા. પોતાના પ્રચ્છાદન માટે તેમણે કનાતો ઊભી કરી તથા કુલવધૂઓને યોગ્ય એવી શય્યાઓ તૈયાર કરી. યુવરાજની આજ્ઞાથી ઉત્તમ ભૂમિમાં ભોજનમંડપ રચવામાં આવ્યો. ત્યાં ટોપલે ટોપલે ફૂલ વેરવામાં આવ્યાં, યોગ્ય આસનો મુકાયાં અને ગંધ, વસ્ત્ર અને આભરણ ધારણ કરીને સર્વે ગોષ્ઠિની અંદર પોતાના વૈભવ પ્રમાણે અને યુવરાજની અનુજ્ઞા અનુસાર મણિનાં આસનો ઉપર બેઠા. કનક, રત્ન અને મણિનાં બનાવેલાં પાત્રો સર્વને આપવામાં આવ્યાં, એટલે ધમ્મિલ્લ પણ પ્રિયા વિમલસેનાની સાથે બેઠો અને તેની બાજુમાં કમલસેના બેઠી. પછી હાથ ધોઈને સર્વે વિવિધ પ્રકારનાં ખાદ્ય, ભોજન અને પેય પદાર્થો એકબીજાને આપવા લાગ્યા. આ રીતે તેઓ પરસ્પર સાથેનો પ્રીતિવિશેષ અનુભવતા હતા. ગોષ્ઠિકોની સાથે યુવરાજ વિમલાની સાથે બેઠેલા ધમ્મિલ્લને જોતાં તૃપ્તિ પામતો નહોતો અને ખૂબ વિસ્મિત થયો. પછી ત્યાં મદવિહ્વલ યુવતીઓનાં નૃત્ય, ગીત અને વાદિત્ર પૂરાં થયાં એટલે તે જોઈને ધમ્મિલ્લને અભિનંદન આપતો યુવરાજ ગોષ્ઠિની સાથે ઊઠ્યો અને વાહનમાં બેસીને પોતાના ભવનમાં ગયો.

ધમ્મિલ્લ પણ વિમલસેના અને કમલસેનાની સાથે રથમાં બેસીને ઘેર ગયો. પ્રથમ સમાગમ માટે ઉત્સુક હૃદયવાળા તેણે વિમલાની સાથે દિવસ ગાળ્યો. પછી જ્યારે સૂર્ય અસ્ત પામ્યો, સંધ્યા થઈ, દીવા પ્રકટાવ્યા, શય્યાઓ રચાઈ અને રતિને યોગ્ય પુષ્પ, ગંધ અને અલંકારો ધારણ કરાયા તે સમયે કમલસેનાએ વિમલસેનાને નવવધૂને યોગ્ય શણગાર કર્યો. લજ્જાથી નમેલા મુખવાળી વિમલાને લઈને તે ધમ્મિલ્લની પાસે ગઈ અને તેને કહ્યું, ‘આર્યપુત્ર! આ રાજપુત્રી છે, માટે તેનું સારી રીતે પાલન કરજો.’ આમ કહીને કમલા ગઈ. પછી ધમ્મિલ્લે દેવાધિદેવને પ્રણામ કરીને, પોતાના જમણા હાથથી વિમલાનો જમણો હાથ પકડી તેને ખોળામાં બેસાડી અને ગાઢ આલિંગન કર્યું. જેના સર્વાંગે રોમાંચ થયાં છે એવી તથા સ્વભાવથી મૃદુ અંગોવાળી તે વિમલા નવા મેઘની ધારાથી છંટાયેલી ધરતીની જેમ આશ્વાસન પામી અને પોતે અંગો સહિત ધમ્મિલ્લના હૃદયમાં પ્રવેશી. રતિ-રસાયણની તૃષ્ણાવાળા ધમ્મિલ્લે રાજકન્યાને રતિસુખ પાયું. એ પ્રમાણે રતિપ્રસક્ત એવાં તે બન્નેની રાત વીતી ગઈ. પરસ્પરમાં સ્નેહાનુરક્ત તેમનો સમય સુખેથી વીતવા લાગ્યો.