ભારતીયકથાવિશ્વ-૫/બુંદેલખંડની લોકકથાઓ/સાત ભાઈઓ અને એક બહેનની કથા: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 05:02, 22 January 2024
બે બહેનોની કથા
તુરા નામના ઋષિ હંમેશાં તપ કર્યા કરતા હતા. એક દિવસ દિખૈબા અને નાદાબા નામની બે બહેનો ઋષિ પાસે સંતાનપ્રાપ્તિના આશીર્વાદ લેવા ગઈ. ઋષિએ તેમને વરદાન આપી કહ્યું, તમને બંનેને એક એક દીકરી થશે. પરંતુ બંને બહેનોના અસામાન્ય સૌંદર્યથી આ મહાન ઋષિના તપમાં વિઘ્ન આવ્યું. વરદાન આપ્યા પછી ઋષિએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી. આ તો મોટું પાપ કહેવાય પણ ઋષિ ક્રોધે ભરાશે તો એમ વિચારીને તેઓ ઋષિને ના પાડી ના શકી. તેમણે ઋષિની ઇચ્છા પૂરી કરી અને નમન કરીને વિદાય લીધી.
સમય જતાં બંને બહેનોએ દીકરીઓને જન્મ આપ્યો. દિખૈબાએ પોતાની દીકરીનું નામ પાડ્યું તોર અને નાદાબાએ નામ પાડ્યું તોફ્રે. ઉંમરની બાબતે તોર મોટી હતી અને તોફ્રે નાની.
સમય વહેવા લાગ્યો અને બંને કન્યાઓ પુરયૌવનમાં આવી પહોંચી. તેઓ પ્રબળ રાગવાળી અને સાહસિક હતી. એક દિવસ તેઓ તેમની માતાઓને કહ્યા વિના પોતાના માટે પતિઓ શોધવા નીકળી પડી. એમ કરતાં તેમની નજરે બે અતિસુંદર યુવાનો પડ્યા. ફનીન્દાર અને નાનીન્દાર નામના એ યુવાનો ઉનાળુ ખેતીમાં રોકાયેલા હતા. બંને ભાઈઓ હતા, ફનીન્દાર મોટો અને નાનીન્દાર નાનો. બંને બહેનો યુવાનોની સુંદરતાથી મોહિત થઈ ગઈ. તેઓ વૃક્ષો વચ્ચેથી એ યુવાનોને એકે મટકું માર્યા વિના જોતી જ રહી.
ખેતરનું કામ પૂરું કરીને બંને ભાઈઓ તળાવમાં નહાવા ગયા. તોર અને તોફ્રે જાદુટોણા કરી શકતી હતી. તેમની માતાઓ પણ એવી જ હતી. બંને બહેનો અસ્વસ્થ થઈ ગઈ. તેમણે મંત્રતંત્ર વડે પોતાની જાતને ‘ઘિલા’ (ઘુંટણના આકારનું એક બી, બાળકો એ વડે રમતાં હોય છે)માં રૂપાંતરિત કરી નાખી, ને તેઓ અળવીના પાન ઉપર ગોઠવાઈ ગઈ અને પાણીમાં વહેવા લાગી. બંને ભાઈઓએ અળવીના પાન ઉપર ‘ઘિલા’ જોયા અને તેમને એ લઈ લેવાની ઇચ્છા થઈ. બંનેએ દેખાવે ખૂબ જ આકર્ષક એક એક ધિલા લઈ લીધું, તેમણે એ ઘિલા ઘેર લઈ જવાનો વિચાર કર્યો. તેના કોચલાથી તેઓ હાથ ધોશે અને તેની સાથે રમશે. ખૂબ જ હરખઘેલા થયેલા ફનીન્દારે તરત જ પોતાના ભાગે આવેલા ઘિલાને હાથ ધોવા તોડી નાખ્યું. પણ તેમના આશ્ચર્ય વચ્ચે એ ઘિલામાંથી લોહી વહેવા માંડ્યું, અને એમાંથી નીકળેલો જાડો રગડો લીલા રંગનું કબૂતર બનીને આકાશમાં ઊડી ગયો. આ તરફ નાનીન્દારે પોતાનું ઘિલા ઘરમાં સાચવીને મૂકી દીધું. બીજે દિવસે સવારે બંને ભાઈઓ ખેતરે ગયા. ઘેર તો કોઈ હતું નહીં, એટલે બંને દરરોજ જાતે રસોઈ કરતા હતા. પરંતુ જ્યારે ખેતરેથી પાછા ફર્યા ત્યારે તેમના આશ્ચર્ય વચ્ચે જોયું તો કોઈએ તેમના માટે રસોઈ કરી રાખી હતી, ઘર વાળીઝૂડીને સાફ કર્યું હતું, અને રાંધવાનાં વાસણો પણ સાફ કરી દીધાં હતાં. આશ્ચર્યચકિત થયા છતાં તેમને આનંદ થયો કે હાશ, આ ઘરકામમાંથી તો છૂટ્યા. ખરેખર તો બંને ખેતરમાં કામ કરી કરીને ખૂબ થાકી જતા હતા. તેઓ કશું બોલ્યા નહીં પણ રાજી રાજી થઈને તેમણે ખાધું.
એક દિવસ નાનીન્દાર ખેતરે ન ગયો. ઘરના એક ખૂણામાં સંતાઈને બેઠો. થોડી વારે તેણે જોયું તો ટોપલીમાં રાખેલું ઘિલા બહાર આવ્યું. તે આંખો ફાડીને જોતો રહ્યો. તે ઘિલા એની મેળે બે ભાગમાં વહેંચાઈ ગયું અને એમાંથી સુંદર કન્યા પ્રગટી. તે કન્યાએ તરત જ ઘરકામ કરવા માંડ્યું. જાણે તે એ કુટુંબની જ સભ્ય ન હોય! ખૂબ હિંમત રાખીને નાનીન્દાર તે સુંદરી પાસે ગયો, પાછળથી તેનો હાથ પકડીને બોલ્યો, ‘તું કોણ છે? દેવી છે કે માનવી?’ તેણે કહ્યું, ‘હું એક ઋષિપુત્રી છું. મારી એક બહેન હતી. અમે બંને યુવાનીના આવેગમાં તમને જોઈને મોહ પામી. અમે અમારી જાતને ઘિલામાં ફેરવી દીધી, અળવીના પાન પર એ મૂક્યાં, અને તળાવનાં પાણીમાં વહેવા લાગી. ત્યાર પછી તમે બંનેએ એ ઘિલા લઈ લીધાં. પણ તમારા મોટા ભાઈએ મારી મોટી બહેનને મારી નાખી. વિધાતાએ અમારી ઇચ્છા ફળવા ન દીધી.’ તે આગળ બોલી ન શકી, તેના ગાલ પરથી આંસુ વહેવા લાગ્યાં. પછી તે બોલી, આજે તમે મારો હાથ ઝાલ્યો. એટલે મારું શરીર અપવિત્ર થઈ ગયું. હવે હું પાછી ‘ઘિલા’માં ફેરવાઈ જવાની નથી. તો હવે મારું શું થશે?’ તોરના હૃદયદ્રાવક શબ્દોએ નાનીન્દાર ધૂ્રજી ગયો.
થોડા સમયમાં ફનીન્દાર ઘેર આવ્યો. એના ભાઈએ બધી વાત કરી. તેને પણ બહુ નવાઈ લાગી. તોરની આંજી નાખે એવી સુંદરતાથી તે જડાઈ ગયો. તેણે તો પોતાની ભાવી પત્નીને મારી નાખી હતી, એટલે તે દુ:ખી દુ:ખી થઈ ગયો.
બંને ભાઈઓએ ગામના વડીલોને એકઠા કર્યા, અને બધી વાત કરી. આ હૃદયસ્પર્શી કથાથી બધા પણ ભાવુક બની ગયા. વડીલોની સભા આગળ નાનિન્દારે અને એ કન્યાએ લગ્ન કરવાની સંમતિ બતાવી. વડીલોએ પણ તેમની વાતમાં સૂર પુરાવ્યો. કાપણી પૂરી થાય પછી લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
ફનીન્દારને પસ્તાવો થતો હતો પણ જે થઈ ગયું તે થઈ ગયું, હવે શું કરી શકાય? પરંતુ તે પોતાના ભાઈની પત્નીની સુંદરતાથી અને તેના ગુણોથી બહુ આકર્ષાયો હતો. ભયંકર અદેખાઈ તેના હૃદયમાં પ્રગટી. પોતાને કશું ન મળે અને તેના ભાઈને આવી સુંદર પત્ની મળે એ વિચાર જ તે સાંખી શકતો ન હતો. તેણે લગ્ન પહેલાં પોતાના ભાઈને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી. પછી તે કન્યાને પોતાની પત્ની બનાવતાં કોઈ અંતરાય નહીં આવે.
એક દિવસ તે જંગલમાં ઈંધણાં વીણવા ભાઈને લઈ ગયો. નાનીન્દાર કરતાં ફનીન્દાર વધુ બળવાન હતો. તકનો લાભ લઈને તેણે પોતાના ભાઈને નીચે પાડી નાખ્યો. અને તેની છાતી પર એક ભારે, ચપટી શિલા મૂકી. ઘેર આવીને કહ્યું, ‘નાનીન્દારને તો વાઘ ખાઈ ગયો. હા, સામે જ વાઘ આવી ગયો. હું માંડ માંડ જીવ બચાવીને આવ્યો છું, પણ તે વાઘનો શિકાર થઈ ગયો.’
આ કન્યાએ ‘સાલિકા’ પંખી પાળ્યું હતું, તે માનવીની ભાષામાં વાત કરી શકતું હતું. નાનીન્દાર જ્યાં જાય ત્યાં તેની પાછળ પાછળ જવાની સૂચના કન્યાએ તેને આપી હતી. તે દિવસે નાનીન્દાર પર જ્યારે ખૂની હુમલો થયો ત્યારે તે પાસેની ઝાડની ડાળી પર બેઠું હતું. ફનીન્દારે નાના ભાઈના શરીર ઉપર મોટી શિલા મૂકી કે તરત જ તે પંખી ઘેર આવ્યું અને તોફ્રેેને બધી વાત કરી. તે પોતાના ભાવિ પતિની શોધમાં નીકળી પડી. પંખી આકાશમાં ઊડતું હતું અને તે કન્યા તેની પાછળ પાછળ ચાલી નીકળી. આમ તેણે નાનીન્દારને બચાવ્યો. તેને જીવતો જોઈ ફનીન્દારને બહુ આઘાત લાગ્યો.
નાનીન્દારની જિંદગીમાં ડગલે ને પગલે જોખમ હતું એટલે તોફ્રેએ એક કૂતરો પણ પાળ્યો હતો. તેને સારી રીતે તાલીમ આપી એટલે તે વફાદાર બની ગયો હતો.
એક દિવસ બંને ભાઈઓ શિકાર કરવા ગાઢ જંગલમાં ગયા. ત્યાં એક મોટું વડનું ઝાડ હતું, તેના નીચલા ભાગમાં મોટી બખોલ હતી. મોટા ભાઈએ નાના ભાઈને ત્યાં ઈગ્વાના (પાટલા ઘો જેવું પ્રાણી) છે કે નહીં તે જોવા કહ્યું, નાના ભાઈએ શોધ ચલાવી. ભાઈની આ અવસ્થાનો લાભ લઈને મોટા ભાઈએ એક વેલા વડે નાના ભાઈને બાંધી દીધો અને તેને બખોલમાં ઠાંસ્યો. કૂતરાએ આ આખી ઘટના જોઈ અને ઘેર આવીને માલિકણને બધી વાત કરી. પેલા પંખીએ પણ બધી વાત કરી. આ વખતે પણ તે સ્ત્રીએ કૂતરાની મદદથી નાના ભાઈને છોડાવ્યો. આમ ફરી એક વાર ફનીન્દારના હાથ હેઠા પડ્યા.
ફરી એક દિવસ મોટા ભાઈએ નાના ભાઈને જંગલમાં જઈને મેનાને પકડવા કહ્યું, કોઈ ઊંચા ઝાડની ટોચેે તેનો માળો હતો. મોટા ભાઈએ કહ્યું, ‘ઉપર કોઈ પંખી છે કે નહીં તે શોધવા તું ઉપર ચઢ.’ આમ કહ્યું એટલે તે ઉપર ચઢ્યો. એ દરમિયાન મોટા ભાઈએ એક વેલો હાથવગો કર્યો હતો. જેવો નાનો ભાઈ મેના હાથમાં લઈને નીચે આવ્યો કે તરત જ મોટા ભાઈએ વેલા વડે નાનાને ઝાડના થડ સાથે બળજબરીથી બાંધી દીધો. આ વખતે પણ ત્રોફેએ પોતાના ભાવિ પતિને કૂતરાની અને સાલિકા પંખીની મદદથી છોડાવ્યો.
નાનીન્દાર સીધોસાદો અને ભોળો હતો. તે આટલી બધી અકલ્પ્ય યાતનાઓમાંથી પસાર થયો તો પણ તેણે ગામલોકોને કશી વાત ન કરી. તે ચુપચાપ સહન કરતો રહ્યો. આવી અમાનવીય યાતનાઓ ભોગવવા છતાં તેણે મોટા ભાઈ સામે કશો બદલો લેવાનો વિચાર ન કર્યો. તે મોટા ભાઈની બધી આજ્ઞાઓનું પાલન આદરથી કરતો રહ્યો, સામે કશો પ્રશ્ન કરતો ન હતો. તોફ્રેએ પણ બીજાઓને કશી વાત ન કરી, બદલો લેવાનો કોઈ વિચાર પણ તેને ન આવ્યો.
ગામ પાસે એક ટેકરી હતી. તેમણે ટેકરી પાસે ખેતી કરવાનો વિચાર કર્યો. આ જમીન પરનું જંગલ તેમણે સાફ કર્યું, કાપેલાં લાકડાંનો ઢગલો કર્યો. હવે લાકડાં સુકાવા આવેલાં. એક દિવસ તેમણે સૂકાં લાકડાંમાં આગ ચાંપી, તરત જ તે ભડભડ સળગવાં માંડ્યાં. નાનો ભાઈ લાકડાં જલદી બળે એટલે ઊલટસુલટ કરી રહ્યો હતો. એ તકનો લાભ લઈ મોટાએ નાનાને આગમાં ફંગોળી દીધો અને તેના ઉપર લાકડાં ગોઠવ્યાં, અગ્નિદાહની તૈયારી હતી. આ ભયાનક ઘટના જોઈ પહેલાંની જેમ જ કૂતરો ઘેર ધસી ગયો. સાલિકા પંખીએ પણ એ ઘટના સંભળાવી.
તે યુવતી તરત જ કૂતરાને લઈને ત્યાં પહોંચી ગઈ. તેને જોઈને ફનિન્દાર જંગલમાં જતો રહ્યો. તોફ્રેએ મહામુસીબતે નાનીન્દારને અંગારાઓમાંથી ઊંચક્યો, પણ તે અડધો તો બળી ગયો હતો એટલે મૃત્યુ પામ્યો. તોફ્રેએ જોયું કે તેનો આજ્ઞાંકિત અને મદદગાર કૂતરો તથા સાલિકા પંખી આંસુ સારતાં ત્યાં ઊભાં હતાં. તોફ્રે એ બંનેને વળગી પડી, બંનેને સ્નેહથી પંપાળ્યાં, તેમનાં આંસુ લૂછ્યાં. તે બંનેના ઉપકારનો બદલો કોઈ રીતે તે ચૂકવી ન શકવાને કારણે દુ:ખી હતી. તે તો માત્ર પ્રેમ, દયા, આભાર જ વ્યક્ત કરી શકતી હતી. આંખોમાં આંસુ સાથે તેમની વિદાય લીધી. તે આંખોથી દૂર ન થઈ ત્યાં સુધી તેઓ ત્યાં તાકતાં ને તાકતાં જ રહ્યાં.
તોફ્રે અવિરતપણે વિચારતી ને વિચારતી રહી. તેને લાગ્યું કે ફનીન્દાર સાથે તો જીવવું જોખમ હતું. તે પોતાને પિયર જઈ શકે એમ ન હતી. તે તળાવ આગળ આવી અને પોતાને એક પંખીમાં રૂપાંતરિત કરી દીધી. નાનિન્દારના પ્રેમની સ્મૃતિમાં તે તળાવ પાસે જ રહેતી થઈ. તેમનું લગ્ન ન થઈ શક્યું, તેમના નસીબમાં વિરહ લખાયો હતો. તેમના દાંપત્યજીવનનું સ્વપ્ન અધૂરું રહ્યું.
હવે આ બંને બહેનોની માતાઓનું શું થયું? પોતાની દીકરીઓના આંધળા સાહસને કારણે તે બંને કેવી દુ:ખી થઈ? તોરે અને તોફ્રે ઘર છોડીને જતી રહી પછી દિખૈબાએ અને નાદાબાએ તેમને શોધવા ટેકરી, જંગલો ખૂંદી જોયાં, પણ ક્યાંય તેમનો પત્તો પડ્યો નહીં. પાછળથી જ્યારે દીકરીઓના દુ:ખી જીવનની જાણ થઈ ત્યારે તેઓ ક્રોધે ભરાઈ અને ફનીન્દારને પાઠ ભણાવવા તે દોડી. તેમને જોઈને ફનીન્દાર જીવ બચાવવા ભાગ્યો. તેમણે તેનો પીછો કર્યો. તેઓ તો મંત્રતંત્ર જાણતી હતી એટલે તેમણે ફનીન્દારની આગળ એક માયાવી નદી સર્જી. તે તો એમાં કૂદી પડ્યો અને મગરમાં ફેરવાઈ ગયો. દિખૈબા અને નાદાબા વેર વાળી શકી, ફનીન્દારનો આવો અન્ત આણ્યો એ જ આશ્વાસન. બંને માતા ભારે હૈયે ઘેર પાછી ફરી.