નીરખ ને/‘શેષપ્રશ્ન’ની કમલ અને શરદબાબુનું સંવેદનવિશ્વ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 03:53, 10 February 2024


શરત્ચંદ્ર ૧૯૩૮ની સાલમાં મરણ પામ્યા, પણ હજી પણ ભારતીય સાહિત્યના ‘વર્તમાન’ના એ ખાસ્સા અંગ છે, અને વર્ષો સુધી રહેશે એવો સંભવ છે. ન કોઈ અકાદમી પારિતોષિકે કે જ્ઞાનપીઠ પારિતોષિકે એમને દરજ્જો બક્ષ્યો હતો કે ન કોઈ વિદેશી માન્યતા એમની સ્થાનિક ખ્યાતિ માટે જવાબદાર હતી. એ એક જ એવા ભારતીય લેખક હશે કે જેમને બંગાળી ભાષામાંથી બીજી ભારતીય ભાષાઓમાં અનુવાદ કરાવવા માટે કોઈ સરકારી આશ્રયની જરૂર નથી પડી. ભારતમાં ક્યાંય પણ કોઈ પણ સાહિત્યિક ચર્ચામાં એમનો સંદર્ભ-નિર્દેશ થતો રહ્યો છે; અને ઘણા વખતથી એ ફેશનમાં ન રહ્યા હોવા છતાં હજી પણ એમનો ખૂબ બહોળો વાચક સમુદાય છે. લગભગ બધી ભારતીય ભાષાઓમાં એમની સર્વ નવલકથાઓ પ્રાપ્ય છે – જોકે બહુ ઓછી એમની કૃતિઓ અંગ્રેજી અનુવાદને પામી છે. એમની કૃતિઓની બહોળી પ્રાપ્ય સ્થિતિ જ એમની અપીલના વ્યાપ વિશે અને વાચકોના પ્રકાર વિશે પ્રકાશ પાડી શકે એમ છે, ખરે જ આ વાચકવર્ગ માત્ર પ્રજા નહીં, પણ વાંચન-પ્રિય પ્રજા છે. એમના જીવન દરમ્યાન (૧૮૭૬-૧૯૭૮) શરત્ચંદ્રની એક વિદ્રોહી તરીકે ગણના થતી હતી; રૂઢિચુસ્ત સાંપ્રદાયિકતાના પડકાર તરીકે અને સ્થાપિત હિતો માટે જોખમરૂપ પણ એ મનાતા. એમની નવલકથાઓ જ્ઞાતિપરસ્ત હિંદુ સમાજના દંભ અને સ્ત્રીઓ પ્રત્યેના એના વલણ સામેની જ્વલંત ટીકાઓ સમ ગણવામાં આવતી. ‘શ્રીકાંત’ અને ‘શેષપ્રશ્ન’ જેવી નવલકથાઓએ તો સતીત્વ અને પ્રેમ વગરનાં લગ્નોની પવિત્રતાની વિભાવનાઓ સામે પ્રશ્નો ઉઠાવ્યા.

મીનાક્ષી મુકર્જી


‘શેષપ્રશ્ન’ની કમલ અને શરદબાબુનું સંવેદનવિશ્વ

એક કાળ એવો હતો કે જ્યારે ગણનાપાત્ર સાહિત્યિક કૃતિ પણ સીધી વાંચનશોખીન પ્રજાના હૃદયમાં વસી જતી અને એ વાંચનપ્રિય વર્ગ હોંશે હોંશે એની વાતો ચર્ચાઓ કરતો. વિવેચન એની પાછળ પાછળ ચાલ્યું આવતું. અહીં વિવેચનની ગૌરવહાનિ કરવાનો આશય નથી. વિવેચનનું મહત્ત્વનું કાર્ય કૃતિને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી એનો રસાસ્વાદ કરાવવાનું અને ભાવકની સજ્જતા વધારવાનું છે. ત્યારે ઊંચી સર્જકતા અને લોકપ્રિયતાનો અત્યારના જેવો ઘેરો વિચ્છેદ નહોતો. આજે કૃતિ ઉપરની મોટા ભાગની મારામારી કે પ્રેમ સર્જક અને વિવેચક અને અત્યંત સીમિત ભાવકો વચ્ચે થયા કરે છે. પરિણામે સર્જકની આંખ વિવેચક ઉપર વધારે મંડાતી રહે છે. અહીં કોઈ એક વર્ગને દોષ દેવાનો ઉદ્દેશ નથી; કારણો અનેક હોઈ શકે. આ વિષમ પરિસ્થિતિનો બહુધા સ્વીકાર થયો છે. પણ હજી સુધી આ પરિસ્થિતિનું તીક્ષ્ણ વિસ્તૃત વિશ્લેષણ થયાનું જોવામાં આવ્યું નથી. શરદબાબુની ઊંચી સર્જકતા અને લોકપ્રિયતાનો મેળ એ એક ભારતીય સાહિત્યજગતમાં અનન્ય ઘટના ગણી શકાય. આજે પણ શરદબાબુની નવલકથાઓ આપણા દેશમાં બેસ્ટ સેલર ગણાય છે. પણ આ લોકપ્રિયતાને કારણે આજે એમને ગંભીર વિવેચન સાંપડતું નથી એ હકીકત સ્વીકારવી જોઈએ. શરદબાબુ ખૂબ નાની વયથી કથાઓ લખતા આવ્યા હતા; દેવદાસ એવી રીતે એમની બહુ પહેલાંની કૃતિ છે; કથાઓ કહેવાનો શોખ પણ એમને ઘણો હતો. પણ તે વખતે એમને લેખક થવાની કલ્પના નહોતી. બર્મા ગયા ત્યારે પોતાની વાર્તાઓની હસ્તપ્રતો એક મિત્રને સોંપી ગયા હતા, અને એ મિત્રને કહેતા ગયા હતા કે છાપવાની આવશ્યકતા નથી. એમની એ અપ્રગટ કથાઓનું વાંચન મિત્રોના સાહિત્ય-વર્તુળમાં થતું રહેતું; શ્રોતાઓ ખૂબ પ્રભાવિત થતા અને સંજોગવશાત્ શરદબાબુની જાણ વગર ‘ભારતી’ સામયિકમાં પહેલીવાર ‘બડીદીદી’ છપાઈ. ત્યારથી એમની કથાઓ પ્રગટ થવા માંડી. ‘યમુના’, ‘ભારતી’, ‘સાહિત્ય’, ‘ભારતવર્ષ’ વગેરે સામયિકોમાં ‘શરદબાબુ’ની અત્યંત લોકપ્રિયતાને કારણે એમની વાર્તાઓ લેવાની ચડસાચડસી થવા લાગી. સાહિત્ય-ક્ષેત્રના બહારના નામાંકિત લોકોએ પણ એમની સર્જન-શક્તિને વધાવી. વિજ્ઞાની ડૉ. જગદીશચંદ્ર બોઝે મત દર્શાવ્યો કે “સફળતા કેટલી ક્ષુદ્ર છે, વિફળતા કેટલી મોટી. ‘પથનિર્દેશ’ વાંચતા વાંચતા ડર લાગતો હતો કે આટલા કષ્ટ પછી તમે સફળતાનો મોહ નહીં છોડી શકો. પણ ખુશી એ વાતની થઈ કે જે માર્ગ મોટો છે એ બતાવવાનું તમે નથી ભૂલ્યા.” શ્રી અરવિન્દ ઘોષે ‘મહેશ’ વાર્તા વાંચીને લખ્યું હતું કે, ‘વિસ્મિત કરી નાખે એવી રચનાશૈલી, મહાન સ્રષ્ટા-શિલ્પી જે માનવહૃદયમાં ગંભીર આવેગ પેદા કરવા સક્ષમ છે.’ શરદબાબુએ દેશબંધુ ચિત્તરંજનદાસના સંબંધમાં એક અત્યંત માર્મિક સંસ્મરણાત્મક લેખ લખ્યો હતો. ૧૯૨૫ની સાલમાં દૂર માંડલે જેલમાં બેઠેલા સુભાષચંદ્ર બોઝે એ સ્મૃતિકથા ત્રણવાર વાંચી અને લાંબો પત્ર લખતાં કહ્યું, ‘મનુષ્ય-ચરિત્ર ઓળખવામાં આપની અદ્ભુત દૃષ્ટિ છે. દેશબંધુની સાથે આપનો ઘનિષ્ઠ પરિચય અને આત્મીયતા અને નાની નાની ઘટનાઓનું વિશ્લેષણ કરીને આપમાં રસ અને સત્યનો ઉદ્ધાર કરવાની ક્ષમતા છે. એ કરીને આપે કેટલો સુંદર લેખ લખ્યો છે!’ શરદબાબુની ટાગોર પ્રત્યે અનન્ય ગુરુભક્તિ હતી. છતાં એ બન્ને વચ્ચે સંઘર્ષ થતો રહ્યો હતો. કોઈ કારણોસર ટાગોર એમને ખુલ્લા હૃદયથી આવકારી ન શક્યા. શરદબાબુ એથી સારી પેઠે ઘવાયા હતા. જોકે અંતમાં ટાગોરે એ વાળી લેવાનો પ્રયત્ન કર્યો હતો. ‘શેષપ્રશ્ન’ નવલકથાની કમલ શરદબાબુના સંકુલ સંવેદનવિશ્વનું અને કલ્પનાશીલતાનું ફરજંદ છે. ૧૯૩૧ની સાલમાં આ નવલકથા બહાર પડી; એ સમયની આસપાસ આવી સ્ત્રીનું અસ્તિત્વ હોઈ શકે કે કેમ એ ખબર નથી. પણ એ વખતે જરૂર એ પાત્રનું નાવીન્ય વાચકો માટે ઉદ્દીપક ઠર્યું હશે, અને આજે પણ બધા કહેવાતા નારીવાદી ઘોંઘાટમાં અને ‘સાત પગલાં આકાશમાં’ની નારીઓ જોતાં ‘કમલ’ ઓછા વિસ્મયની વાત નથી. લેખક ખૂબ કુશળતાપૂર્વક કથાના આરંભમાં કમલનો કથાપ્રવેશ થાય એ અગાઉ કમલના પતિ શિવનાથની કંઈક બેશરમ – વિદ્રોહાત્મક વાચા, અને એના પ્રતિભાવમાંથી ઊભા થયેલા કેટલાક મધ્યમવર્ગીય પ્રોફેસરોના પૂર્વગ્રહોમાંથી કમલ આસપાસ થોડુંક ગેરસમજભર્યું રહસ્યમય વાતાવરણ ઊભું કરી વાચકોની ઉત્તેજના ઉશ્કેરે છે. શિવનાથ એક અચ્છો ગાયક છે અને એથી ઘણી મિજલસોમાં એને નિમંત્રણ મળતું રહે છે. આ જ રીતે એ આશુબાબુના ઘરમાં આવ્યો છે. કમલ એની બીજી પત્ની છે એ કબૂલ્યા પછી હાજર રહેલા પૂર્વપરિચિત શ્રોતાઓનો શિવનાથ સાથે નીચે પ્રમાણે સંવાદ થાય છે : ‘શોક્ય પર છોકરી આપી – એના માબાપ નહીં હોય!’ શિવનાથ બોલ્યો, ‘ના, અમારી જ દાસીની વિધવા છોકરી છે.’ ‘ઘરની દાસીની છોકરી? વાહ! કોણ જાત?’ ‘બરાબર ખબર નથી. વણકરબણકર હશે કદાચ.’ ‘એને લખતાવાંચતા પણ નહીં આવડતું હોય.’ એ લોભે તો હું પરણ્યો નથી. પરણ્યો છું રૂપની ખાતર. અને મને લાગે છે કે એનો તેનામાં અભાવ નથી.’ એક દિવસ ખૂબ વરસાદ પડતો હતો; બહાર શિવનાથ અને કમલને ભીંજાતા જોતા શ્રીમંત આશુબાબુની પુત્રી મનોરમા નોકરને મોકલી બન્નેને ઘેર બોલાવે છે. પિતાને શંકા છે કે આ દાસીપુત્રી સાથે મનોરમા યોગ્ય વ્યવહાર કરી શકશે કે કેમ. પણ પિતા અને પુત્રી આ નવી આવેલી રમણીના મુખ સામે જોતાં જ અવાક બની ગયાં. આશુબાબુ પોતે કવિ નહોતાં, પરંતુ તેમને આજે પહેલી જ વાર લાગ્યું કે આ જ નારીરૂપને પ્રાચીન કવિઓ ઝાકળધોયા કમળની સાથે સરખાવી ગયા છે. કમલ પિતા-પુત્રીના મનમાં જે એની અજ્ઞાન દાસી-પુત્રી તરીકેની પ્રતિમા ઊભી થઈ હતી એને અનુરૂપ વર્તાવ કરી સ્વચ્છ ધોબીની સાડી અને સ્વતંત્ર સાબુ માંગી એમના પૂર્વગ્રહને દૃઢ કરે છે. બહુ પાછળથી મનોરમાને ખ્યાલ આવે છે કે તે દિવસે કમલ એનો પરિહાસ જ કરીને ગઈ હતી. આગ્રામાં તાજમહેલના પાસેના બાગમાં આશુબાબુ અને મિત્રો એકઠા થયા હતા. ત્યાં શિવનાથ અને કમલ પણ આવી પહોંચે છે. આશુબાબુએ તાજમહલની ગાથા ગાતા શાહજહાંના એકનિષ્ઠ પત્નીપ્રેમની વાત કરી, કમલ તેમના સામું જોઈ અતિ સ્વાભાવિક કંઠે બોલી : ‘પરંતુ કહે છે કે એમને બીજી ઘણી બેગમો હતી. બાદશાહ મુમતાજને ચાહતા હતા, તેવી જ બીજી પણ ઘણીને ચાહતા હતા. વખતે કંઈક વધારે ચાહતા હશે, પણ આને એકનિષ્ઠ પ્રેમ કહી શકાય નહીં, આશુબાબુ! એ એમનામાં નહોતો... બાદશાહ ભાવુક હતા, કવિ હતા; એક વિરાટ સૌન્દર્યની વસ્તુ ઊભી કરી ગયા છે. મુમતાજ તો એક આકસ્મિક કારણ હશે, બાકી આવો સૌન્દર્ય મહેલ તેઓ ગમે તે ઘટના પરથી સરજી શક્યા હોત – ધર્મને ઉપલક્ષીને બાંધ્યો હોત, તોપણ કંઈ નુકસાન નહોતું. હજારો-લાખો માણસોની કતલ કરી દિગ્વિજયના સ્મારક તરીકે બાંધ્યો હોત તોપણ ચાલી જાત; આ એકનિષ્ઠ પ્રેમનું દાન નથી, બાદશાહના પોતાના આનંદનું અક્ષય દાન છે.’ કમલની વાતો સાંભળી મનોરમાને ત્યારે ભાન થાય છે કે મૂર્ખ દાસીકન્યા તરીકે એની અવહેલના ન થઈ શકે. આગળ જતાં કમલ કહે છે, ‘એક વખત એક ઠેકાણે પ્રેમ કર્યા પછી કદી પણ કોઈ પણ કારણે તેમાં ફેરફાર થવાનો સંભવ જ ન હોય એવો મનનો અચળ અડોળ જડ ધર્મ સારો પણ નથી, સુંદર પણ નથી.’ મનોરમા જ્યારે કમલને એમ કહે છે કે ‘આવી મનોવૃત્તિ બીજા કોઈનામાં નહીં હોય, પણ તમારામાં તો ખૂબ સ્વાભાવિક છે.’ – ત્યારે એના જવાબમાં કમલ કહે છે કે ‘ઘણા વખતથી દૃઢ થઈ ગયેલા સંસ્કાર પર આઘાત લાગતાં માણસ એકદમ સહી શકતો નથી. તમે સાચું જ કહ્યું છે કે મારામાં આ વસ્તુ ખૂબ સ્વાભાવિક છે.’ કમલ જેવી રૂપવતી છે એવી જ પ્રખર બુદ્ધિશાળી છે. તર્કવિતર્કમાં પ્રોફેસરોની જમાત કે વિદેશથી પાછો ફરેલો એન્જિનિયર અજિત પણ એને પહોંચી શકે એમ નથી. કમલની તદ્દન અભિનવ રીતે જોવાની રીત, એની પાયાની પ્રમાણિકતા, નિર્ભયતા અને બ્રિટિશ પિતાથી મળેલું સૃષ્ટિ વિશેનું જ્ઞાન – એના વ્યક્તિત્વની આ સ્વસ્થ દીપ્તિ પુરુષોના ટોળાને વિચલિત કરી મૂકે છે. ક્યારેક કમલના સાહસથી પુરુષપરિચિતોના મુખમાંથી પ્રશંસાના ઉદ્ગારો નીકળી જાય છે તો ક્યારેક એની સીધી દંભરહિત સ્પષ્ટ વાણીથી એમનું મન ઘૃણાથી ભરાઈ જાય છે. પોતાની મા વિશે પણ કમલ બેધડક કહી શકે છે કે એનામાં રૂપ હતું, પણ રુચિ નહોતી, અને માના પતિ મરી ગયા પછી ત્રણ વર્ષે કમલનો જન્મ થયો હતો. કમલ પૂર્ણપણે વર્તમાનમાં જીવવામાં માને છે, અને ક્ષણના સત્યને એ ક્ષણનું સત્ય છે માટે નકારતી તો નથી, પણ એનો પૂર્ણ સ્વીકાર કરે છે – પછી ભલે એની સાથે દુઃખનો સાગર કેમ ન આવે. આ દેશની વિધવાઓ વિશે કહે છે કે મિથ્યા વસ્તુને સત્યનું ગૌરવ આપી લોકો એમને છેતરતા આવ્યા છે. ભદ્રસમાજનાં દ્વાર કમલ માટે બંધ છે. પણ જીવન વિશેની એની જે સમજણ છે, એનો અભિગમ છે એવી જ જીવવાની કમલની પ્રકૃતિ છે; એમાં કોઈ રીતે સમાધાન કરવાની એની વૃત્તિ નથી, ઝનૂની પ્રો. અક્ષય જ્યારે એને કહે છે કે ‘તમારી આવી બધી હલકટ બુદ્ધિ અમારા ભદ્રસમાજની નથી. અહીં તો આ અચલ છે.’ ત્યારે કમલ હસીને જવાબ આપે છે કે ‘ભદ્રસમાજમાં તો અચલ જ છે તે હું જાણું છું.’ કમલને સ્ત્રી-પુરુષનો સંબંધ પ્રેમના પાયા ઉપર, એકબીજાને માન્ય હોય ત્યાં સુધી સ્વીકાર્ય છે. લગ્ન-વિધિ જેવા અનુષ્ઠાનમાં એને ખાસ શ્રદ્ધા નથી. શિવનાથ સાથે સમાજ-સ્વીકાર્ય નહીં એવા શૈવ વિવાહથી જોડાઈ છે. પ્રો. અવિનાશ કમલને ચેતવવા કહે છે કે ‘શિવનાથ લગ્ન થયા જે નથી એમ કહે તો કમલ પાસે સાબિત કરવાનું કંઈ જ પ્રમાણ નહીં રહે.’ કમલ એના જવાબમાં કહે છે, ‘એ કરે મારો અસ્વીકાર, અને હું જાઉં ગરદન પકડી એમની પાસે સ્વીકાર કરાવવા? સત્ય ડૂબી જાય અને જે અનુષ્ઠાનને હું માનતી-કરતી નથી તેની જ દોરી વડે હું એમને બાંધી રાખું? હું કરું આ કામ?’ બોલતાં તેની આંખો જાણે સળગી ઊઠી. શિવનાથ અને કમલનાં જીવનદૃષ્ટિબિંદુમાં સામ્ય છે, પણ બન્નેની પ્રકૃતિ જુદી છે. શિવનાથ કલાકાર છે, અહં કેન્દ્રી છે, પૈસાનો લોભ પણ એને ઓછો નથી. ટૂંકમાં એમોરલ છે. કમલને પોતાની નીતિ છે, દારિદ્ર્ય એને ડગાવતું નથી; આસામના ચા-બગીચામાં ઊછરી મોટી થઈ ત્યારથી બીમારોની સેવા કરવાની એને ટેવ છે; નિર્ધન અવસ્થામાં સ્વમાન ટકાવી રાખવા માટે ખાવાપીવામાં કઠોર નિયમપાલન કરતી આવી છે. પ્રકૃતિમાં વણાઈને આ બધું એને માટે સહજ બની ગયું છે. શિવનાથ એને છોડી જાય છે ત્યારે એક માત્ર ફરિયાદ કમલની એને માટે એ હોય છે કે એ એને કહ્યા વગર કેમ ચાલ્યો ગયો? પછીથી એને એમ પણ થાય છે કે પોતે આ ફરિયાદને ખૂબ મોટું રૂપ આપી દીધું છે. કદાચ શિવનાથ એને ન કહીને એનું સન્માન જ કરી ગયો છે. શરદબાબુ એક સાચા કલાકાર છે, એ ખ્યાલ ત્યારે આવે છે કે જીવનના શાશ્વત પ્રશ્નોના જવાબ રૂપે એમણે કમલનું પાત્ર ઘડ્યું નથી. બીજાં બે પાત્રો કમલની બે સામી બાજુઓના દૃષ્ટાંત છે. રાજેન્દ્ર નિર્મળ ચારિત્ર્યનો યુવક છે, બ્રહ્મચારી છે. એના કર્મઠ જીવનમાં સ્ત્રી નામે ઓળખાતું કંઈક છે એવો વિચારવાનો પણ તેને વખત નથી. ડૉક્ટરની ત્રીજા વર્ષની પરીક્ષામાં પ્રથમ આવ્યો હતો, પણ ભણવાનું ફગાવી દીધું છે. શોષિત, પીડાગ્રસ્ત, જીવલેણ રોગચાળાનો ભોગ બનતી નીચલી જાતિના લોકોના વાસમાં સહાયના કામમાં સતત લાગેલો છે. કોઈપણ વ્યક્તિની મુશ્કેલીમાં બોલાવતાં, હાજર થઈ જાય છે. ક્યાંક ધર્મશાસ્ત્રના મૂળ સિદ્ધાંતમાં અને શ્રદ્ધા છે, પણ એની ઘોર તપશ્ચર્યા, ક્રિયાવિધિ, નિયમોને એ સ્વીકારતો નથી. એની નિજી કાર્યપદ્ધતિ છે. કમલના બોલાવતાં રાજેન્દ્ર હાજર થઈ જાય છે, અને એ કમલને પૂછે છે કે એણે શું કરવાનું છે? કમલે કહ્યું કે ‘મારા મિત્ર બનવાનું છે. લોકો કહે છે કે તમે બળવાખોર છો તો આપણી મૈત્રી અક્ષત બનશે.’ રાજેન્દ્ર પૂછે છે કે ‘આ અક્ષત મૈત્રી મને શું કામ લાગશે?’ કમલ નવાઈ પામી, દુઃખી થઈ અને કહ્યું કે ‘મૈત્રી સંસારમાં દુર્લભ છે, અને મારી મૈત્રી એથી યે વધારે દુર્લભ છે. અવિશ્વાસ રાખીને પોતાને હલકા પાડશો નહિ.’ રાજેન્દ્ર કહે છે કે અવિશ્વાસ નહીં, પણ પ્રયોજન સમજતો નહોતો એટલે માત્ર મેં જણાવ્યું હતું. તમે કહો છો કે મૈત્રી ખપ લાગશે તો શું ખપ લાગશે એનો હું વિચાર કરું છું.’ કમલનું મુખ લાલ થઈ ગયું... તે અતિ શિક્ષિત, અતિ સુન્દર અને પ્રખર બુદ્ધિશાળી હતી. પોતે પુરુષની કામનાની વસ્તુ છે એવી હતી તેની ધારણા – તેનું પ્રખર તેજ અજય્ય છે એવો હતો તેનો નિષ્કપટ વિશ્વાસ, સ્ત્રીઓએ તેના તરફ તિરસ્કાર બતાવ્યો છે. પુરુષોએ ભયનો અગ્નિ સળગાવી તેને બાળી મૂકવાની ઇચ્છા રાખી છે. પણ આ માણસ એવો નથી. આજે આ માણસ આગળ પોતે તુચ્છતાથી ભોંય ભેગી થઈ હોય એવું તેને લાગ્યું. શિવનાથ તેને છેતરી ગયો હતો, પરંતુ આવી રીતે દીનતાનો ધાગો તેના શરીરે વીંટાળ્યો નહોતો. આગળ ઉપર આશુબાબુ કહે છે કે કમલ અને રાજેન્દ્ર એક જ ડાળ ઉપર બે પુષ્પો છે. કમલની બીજી સામી બાજુ છે આશુબાબુ. બહુ મોડી આશુબાબુને ખબર પડે છે કે વિધવા નીલિમા એમને પ્રેમ કરે છે. આશુબાબુ કમલને કહે છે, ‘કેવું અજબ છે સ્ત્રીઓનું મન! આ માંદલું જીર્ણ શરીર, આ અશક્ત થાકેલું મન, જીવનની ઊતરતી અવસ્થાએ જેના જીવનની ફૂટી બદામની પણ કિંમત નથી તેની તરફ પણ સુંદર યુવતીનું મન આકર્ષાઈ શકે એનાથી મોટું આશ્ચર્ય જગતમાં બીજું કયું છે?’ પણ નીલિમાના પ્રેમને પ્રતિસાદ દેવાની આશુબાબુની મનોવૃત્તિ જ નથી. મૃત પત્નીના સ્મરણમાં જીવવાનું જ એમને માટે સહજ છે. ભૂતકાળની આ આસક્તિનો મેળ કમલની વિચારધારામાં બેસે એવો નથી. છતાં કોઈક વ્યક્તિ માટે જીવનનું આ પણ એક સહજ સત્ય છે. શરદબાબુ દૃઢપણે માનતા કે લેખકનું કામ પ્રશ્નો ઊભા કરવાનું છે, પણ એનું સમાધાન આપવાનું નથી. એ કહેતાં કે હું માત્ર વાર્તા લેખક છું. વળી શરદબાબુ કહેતા, ‘મારી નવલકથા વાંચતી વખતે કૃપા કરીને ઘટના અને પરિસ્થિતિ ઉપર ભાર ન દેશો. હું ઘટનાને અસલી વસ્તુ નથી માનતો. મારો એક માત્ર ઉદ્દેશ ચરિત્રસૃષ્ટિ છે. એની સાથે સાથે ઘટના સ્વયં ચાલી આવે છે. પ્રયત્ન નથી કરવો પડતો. મારાં ચરિત્રો માટે કયા કયા સ્થળ યથાર્થ હોઈ શકે એ ચિત્રની પૃષ્ઠભૂમિ રૂપમાં જ છે, એથી વધારે નહીં.’ શરદબાબુ બાળવયે ખૂબ તોફાની હતા. ભણવા-ફરવાના નિયમો તોડવામાં અગ્રેસર રહેતા. ત્યારથી જ એમનામા એક પ્રકારનો વિદ્રોહ હતો. પિતાની માફક એમનામાં પ્રચુર માત્રામાં સૌન્દર્યબોધ હતો. એ વખતે પણ સમજવાની અને આસપાસના વાતાવરણનું સૂક્ષ્મ અધ્યયન કરવાની એમનામાં પ્રતિભા હતી. એ દરેક વસ્તુ પાસેથી જોતા હતા. વારંવાર સ્થાનો બદલવાથી એમના ભણતરમાં નડતર આવ્યું, આવારાપણું પણ વધવા લાગ્યું, પણ અનુભવો પણ કંઈ ઓછા થતા નહોતા. માના મૃત્યુ બાદ યાયાવર પિતા પૈસા કમાવાનું નહોતા જાણતા એટલે ભણવાનું સમાપ્ત થઈ ગયું. નાટક, થિયેટર, ગાવું-વગાડવું અને સાહિત્ય સર્જનમાં એમનું ૦મન રમમાણ રહેવા લાગ્યું. નર્તકી કાલિદાસીને ઘેર જવાનું પણ એમને વર્જિત નહોતું. કણ્ઠનું માધુર્ય અને વાક્પટુતાને કારણે નારીઓમાં એમની તરફ વિશેષ આકર્ષણ રહ્યું હતું. પણ કહેવાતાં કુકર્મોને કારણે કુલીન સમાજમાં આવકાર મર્યાદિત કે નહિવત્ બની ગયો. એટલે અકુલીનોમાં એમને શરણું લેવું પડ્યું; ત્યાં જ એમણે મનુષ્યત્વની ખોજ કરી અને જાણ્યું કે મનુષ્યત્વ સતીત્વથી મોટી વસ્તુ છે. એ દિવસોમાં ૧૭ વર્ષની ઉંમરે છૂપાછૂપા દેવદાસનું સર્જન ચાલી રહ્યું હતું. પ્રૌઢાવસ્થામાં પ્રસિદ્ધ લેખક શરદબાબુએ આ રચનાની નિંદા કરી છે. વારંવાર કહ્યું છે કે આ સારી નથી, અશ્લીલ છે. બાળપણની મારી આ કથાને છાપશો નહીં. રાધેશ્યામ શર્માએ એમના અનોખા કહી શકાય એવા ‘શરદબાબુનો એક અ-નાયક’ લેખમાં કહ્યું છે કે ‘દેવદાસ જેવા અ-નાયકમાં લેખક એવું તે શું ભાળી ગયા કે દેવદાસના જીવનપ્રવાહમાં કુમાર નારસિસની જેમ આત્મપ્રતિબિંબ નિહાળી આત્મરતિમગ્ન બને છે? શરદબાબુ પોતે અત્યંત પ્રવૃત્તિગ્રસ્ત, પરોપકારી માનવતા-ચાહક લેખક હતા, પણ એમની અંદર રહેલો આત્મા એક નિરુપદ્રવી, નિષ્કર્મ, ઉદાસીન, સાધુનો હોવો જોઈએ. દેવદાસ જેવો નાયક તેમનો સમભાવ, સદ્ભાવ પામી શકે છે એનું કારણ દેવદાસને તેમણે જે રીતે કૃતિમાં રોપ્યો છે એમાં દેવદાસની ભોળપભરી નિખાલસતા, સહજ જીવનનો સંકેત આપતી અવિચારશીલ બાલચેષ્ટા, કોઈને પણ ઊંડી હાનિ પહોંચાડવાની અનિચ્છા અને કશા પણ પ્રયોજન વિનાની અસ્થિર ગતિ ભાવી ગઈ હશે.’ પ્રમથેશ બરુઆ જ્યારે ‘દેવદાસ’ ઉપર ફિલ્મ કાઢવાની પરવાનગી માંગવા આવે છે ત્યારે શરદબાબુ કહે છે કે મારો દેવદાસ તો બહુ ભાવુક છે. મીનાક્ષી મુકર્જીનો શરદબાબુ ઉપરનો લેખ ‘Novelist for all seasons’ ચબરાકીભર્યા સામન્યીકરણોનો મહદ્ અંશે નમૂનો છે. કોઈ કૃતિને વિસ્તૃત રીતે, અંદરની પ્રક્રિયાની સાથે સાથે જઈ તપાસી નથી, પણ લેખક વિશે સામાન્ય વિધાનો કરવામાં પાછી પાની કરી નથી. જેમ કે શરદબાબુ એમની નવલકથાઓ કે વાર્તાઓમાં વિધવાને પરણાવતા નથી; એમનો વાર્તાનો પરિવેશ ભદ્રલોકનો, જમીનદાર વર્ગનો છે, શ્રીકાન્તના અમુક ભાગમાં વૈષ્ણવ સંપ્રદાયની અસર દેખાય છે, એમનાં મધ્યમવર્ગીય મૂલ્યો છે; ‘શેષપ્રશ્ન’માં કમલને સમાજઅસમ્મત, વિદ્રોહી બતાવી છે ખરી, પણ પરંપરાગત રીતે પુરુષોને માટે કેટલીય વાનીવાળું ભોજન બનાવે છે; પોતાને છોડી ગયેલા બીમાર પતિની સેવા કરે છે, વગેરે. મીનાક્ષી મુકર્જીની જેમ ચબરાકીભરી રીતે કહી શકાય કે તો શું નિર્મલ વર્માની નાયિકાઓની જેમ શરાબની પ્યાલી પુરુષ-પાત્રોને આપે તો આધુનિક કહેવાય? છતાં આ જ લેખિકાને શરદબાબુની બે વાર્તાઓ ‘મહેશ’ અને ‘અભાગીનું સ્વર્ગ’ ઉત્તમ લાગી છે. (એમાં મધ્યમવર્ગીય મૂલ્યો નથી?) મારો વાંધો માત્ર લેબલો લગાડી દેવા સામે છે. થોડા વખત પહેલાં જયવંત દળવીની કથા લઈને વિજયા મહેતાએ દિગ્દર્શિત કરેલી ‘રાઉસાહેબ’ ફિલ્મ ટીવી ઉપર જોઈ. એમાં નાયિકા નીચલા વર્ગની, અભણ જમીનદારનાં નોકરની પત્ની છે જે પાછળથી વિધવા બને છે; પણ એનામાં આધુનિકતાનું બીજ પડેલું છે એટલે જમીનદાર તરફથી પ્રોત્સાહન મળતાં એ ખીલી ઊઠે છે. જમીનદારના બધા ઉદારમતવાદી વિચારો છતાં આ વિધવા નારીને પરણવા તૈયાર થતો નથી એટલે એ નાયિકા ફરી વિધવાના લેબાસમાં કેશ કપાવતી નજરે પડે છે. આપણે આઘાતથી જોઈ રહીએ છીએ. આ જમાનામાં પણ દળવીસાહેબ પુરુષપ્રેમથી ઉપરવટ જઈ નાયિકાને સ્વમાનભેર બહારની દુનિયામાં મોકલી શકતા નથી – મોકલી હોત તો અંત વધુ કલાત્મક હોત – જ્યારે ખાસ કરીને લેખકે બતાવ્યું જ છે કે નાયિકામાં આધુનિક બનવાનો ઉત્સાહ હતો. જ્યારે શરદબાબુના જમાનામાં હિંદુ સમાજનાં દ્વાર વિધવાવિવાહ માટે બંધ હતાં. છતાં ‘શ્રીકાન્ત’માં અભયા જેવું પાત્ર પણ છે. પતિના અત્યાચારો સહન ન થવાથી, અને એ સહન કરવાનું યોગ્ય પણ ન માનીને અભયા એના પ્રેમી સાથે રહેવા જાય છે. આની નોંધ મીનાક્ષી મુકર્જીએ પણ લીધી છે. શરદબાબુએ કહ્યું છે, “લોકો મને મારી રચનાઓમાં શોધે છે. કોઈ કહે છે હું કટ્ટર હિંદુ છું, કોઈ કહે છે હું નાસ્તિક છું, કોઈ કહે છે ‘ચરિત્રહીન’ મારી જ કથા છે, કોઈ માને છે કે ‘શ્રીકાન્ત’ મારી આત્મકથા છે. મને લઈને આ બધે વિતન્ડાવાદ ચાલે છે અને હું દૂર ઊભો હસું છું.” આ અવતરણ લઈને વિષ્ણુ પ્રભાકર ‘આવારા મસીહાં’માં લખે છે, દરેક પ્રાણવાન વ્યક્તિની આ જ નિયતિ હોય છે. જે ગાંધીને લોકોએ સંત ક્હ્યા એ જ ગાંધીને ઢોંગી, દંભી, ધોખેબાજ સુધ્ધાં કહ્યા. ગાંધી જ એવી વ્યક્તિ હતી જે બધું કંઈ બની શકતી હતી. બધું કંઈ બનવા માટે હિમ્મત, છાતી જોઈએ. આ હિમ્મત, છાતી શરદની પાસે પણ હતી. એમણે જીવનમાં બહુ દુઃખ ભોગવ્યું હતું, બહુ પાપ પણ કર્યાં હતાં, પણ એનાથી ઉપર ઊઠીને એને અભિન્નતામાં રૂપાંતરિત કરવાની પ્રાણશક્તિ પણ એમનામાં હતી, કારણ કે એ માત્ર ભોક્તા જ નહીં, દ્રષ્ટા પણ હતા... જે પરંપરાઓનો કોઈ ને કોઈ રીતે વિરોધ કરે છે એ અંતરની અજ્ઞાત શક્તિઓને મુક્ત કરી દે છે. કોઈ નથી જાણતું એનું પરિણામ શું આવશે. સ્વતંત્રતા શક્તિશાળી માટે છે, યોગ્યને માટે જ સારી છે. શરદમાં એ અસીમ શક્તિ હતી, એ માટે એ સ્રષ્ટા બની શક્યા.’ વિષ્ણુ પ્રભાકરની આ અંજલિ સાથે હાથ મિલાવી વિરામ.

[ઑગસ્ટ ૧૯૮૭