નીરખ ને/‘સ્વર્ગની લગોલગ’ : ટાગોરનું પ્રતિબિંબિત થતું મનોજગત
...જીવન માત્ર નિયત માર્ગે ચાલવામાં સમાઈ જતું નથી, જીવન તો રસ્તો શોધી કાઢવામાં રહેલું છે... લાખ્ખો માર્ગોમાંથી માત્ર એક જ માર્ગ એવો છે જે મારો છે – મારી બધી શક્તિ ખરચીને નાનાવિધ પ્રયોગો કરી કરીને મારે તે શોધી કાઢવાનો છે. આજ સુધી ફક્ત એ જ કામ કરતો આવ્યો છું; એમાં હું દુઃખ પણ પામ્યો છું, આનંદ પણ પામ્યો છું – હજી હું સંશયમુક્ત થઈ શક્યો નથી. પરંતુ ભય ચાલ્યો ગયો છે... બરાબર સમજ્યો છું કે આમ રસ્તો શોધવામાં જ જીવનનું સૌથી મોટું શિક્ષણ રહેલું છે – જો રસ્તો શોધવો ન પડતો હોત તો બીજું ગમે તે મળત પણ હું મને પોતાને પામત નહીં. ગુરુ મળે એથી લાભ શો? શાસ્ત્ર જાણવાથી યે વળી લાભ શો? ....કર્મનો માર્ગ જેમ સાચો છે તેમ ત્યાગનો માર્ગ પણ સાચો છે. દરેકને માટે એનું સૂક્ષ્મ ઔચિત્ય ચોક્કસ ક્યાં રહેલું છે તે બહારથી કોઈ પણ ઉપાયે જોઈ શકાતું નથી. અનેક પ્રયોગોને અંતે પેદા થતું એ એક એવું નૈપુણ્ય છે, જે કોઈને હાથમાં પકડાવી દઈ શકાતું નથી, નથી શીખવી શકાતું. એનું એક મુખ્ય કારણ એ છે કે દરેકની સમજશક્તિની ખાસ વિશેષતા હોય છે... દરેકનું ‘ફોક્સ’ ચોક્કસ એક બિંદુએ હોતું નથી. એ બિંદુને નિશ્ચિતપણે પકડવાના પ્રયત્નમાં છું – તેથી કોઈ વાર કામ કરું છું, કોઈ વાર કામ છોડી દઉં છું, કોઈ વાર સહેજ આગળ વધુ છું તો કોઈ વાર સહેજ પાછળ હઠું છું... આ એક રમત ચાલે છે... એ રમતમાં બધું જ છે – ભાવ પણ છે, રૂપ પણ છે, આનંદ પણ છે, તપસ્યા પણ છે, છટકવાનું પણ છે ને પકડાવાનું પણ છે.
રવીન્દ્રનાથ ટાગોર
‘સ્વર્ગની લગોલગ’ : ટાગોરનું પ્રતિબિંબિત થતું મનોજગત
‘ન હન્યતે’ નવલકથાથી ગુજરાત મૈત્રેયીદેવીને જાણતું થયું – જાણતું થયું એટલું જ નહીં, પણ અત્યંત ઉષ્માભર્યો આવકાર મળ્યો – લોકોના હૃદયમાં વસી ગયાં. ક્યારેક એવું બને છે કે જે કૃતિ ઉચ્ચ કોટિની હોય એ લોકપ્રિય પણ બની જાય છે. થવું તો હંમેશ એમ જોઈએ, પણ વો દિન કહાં? ‘ન હન્યતે’માં એક તીવ્ર ઘનીભૂત અનુભૂતિ રૂપબદ્ધ થઈ છે. મૈત્રેયીદેવીનું આત્મવિશ્લેષણ જેટલું બુદ્ધિયુક્ત નથી એટલું પ્રામાણિક અને સંવેદનશીલ છે. આવી લેખિકાને દાદ દેવી ઘટે. માત્ર ગુજરાતમાં લોકપ્રિય થયાં (કહે છે કે બંગાળમાં એમને આટલો આવકાર નથી મળ્યો) માટે કંઈક ખોટું હશે એમ માની એમનો કાંકરો કાઢી દેવાથી તો વિદગ્ધ માનસ એકાંગીપણાનો, પક્ષઘાતનો જ ભોગ બનશે. ‘સ્વર્ગની લગોલગ’ મેં ઉત્સુકતાપૂર્વક હાથમાં લીધી. મૈત્રેયીદેવીનો સ્પષ્ટ એકરાર છે કે રવીન્દ્રનાથને એમણે પહેલાં ઓળખ્યાં એમનાં કાવ્યો મારફતે નહીં, નાની વયે ટાગોરના તેજસ્વી વ્યક્તિત્વ જ એમને વિચલિત કરી મૂક્યાં હતાં. લેખિકા લખે છે : ‘થોડી વાર પછી રવીન્દ્રનાથ દાખલ થયા. સભાનાં બધાં માણસો સ્તબ્ધ, મંત્રમુગ્ધ થઈ ગયાં. ભગવા રંગનો ઝભ્ભો પહેર્યો હતો. વાળ થોડા કાળા ને થોડા સફેદ હતા, પરંતુ બધાંને વ્યાપી લઈને કોઈક અદ્ભુત મહિમા ઝળહળતો હતો. લાંબા સમય સુધી તેઓ બોલ્યા હતા; શું બોલ્યા હતા તે મને યાદ રહેવાનો સંભવ હોય જ નહીં, હું તે સમજી પણ શકી નહોતી – પરંતુ તેમને જોતાંજોતાં એક પ્રકારની અવ્યક્ત વેદનાથી મારું શિશુમન વ્યાકુળ થઈ ગયું અને આંખમાંથી આંસુ પડવા માંડ્યાં. આગળ જતાં ૧૯૨૩માં ટાગોર અમેરિકા ગયા હતા ત્યારનો એક કિસ્સો આ સંદર્ભમાં જોવો યોગ્ય છે. કોઈક અમેરિકન ઘરમાં પાંચેક વર્ષની બાલિકા દોડતી આવી ટાગોરના ખોળામાં બેસી પડી, અને પછી પોતાના પિતાના કાનમાં કહેવા લાગી, ‘Father, I have seen God.’ મૈત્રેયીદેવી લખે છે, ‘એ બાળા રવીન્દ્રનાથના ગુણો વિશે કશું જ જાણતી નહોતી. તેથી હું ફરીથી પણ કહું છું કે તેમનાં કાવ્યો, ચિત્રો અને ગીતો એક પ્રકારની અનિર્વચનીય કલાસત્તાને વ્યક્ત કરીને વાચકોને સ્પર્શ કરે છે તેમ તેમની ઉપસ્થિતિ, શરીરી સત્તા, વાચનભંગ બધું જ પ્રેક્ષકને એક ગભીરતર રૂપનો પરિચય આપતું, જે કેવળ આકૃતિમાં જ નહોતું સમાઈ જતું. સર્જનહારે તેમનું એ વિશેષ રૂપ ક્ષણસ્થાયી બનાવ્યું એટલે ઘણાં તે જોવા ન પામ્યાં.’ મૈત્રેયીદેવીની ટાગોર પ્રત્યેની અસીમ સ્નેહાસિક્ત ભક્તિ આપણને rationality સિવાય પણ એક બીજું પરિમાણ માનવચેતના પાસે પહોંચવાનું છે એ તાદૃશ કરે છે. મૈત્રેયીદેવીએ એક જગ્યાએ લખ્યું છે કે રવીન્દ્રનાથમાં ત્રુટિઓ હતી. કદાચ આ કારણે જ એમની મહાન પ્રતિભા લેખિકા માટે સહ્ય બની અને એ એમની ઉપર આટલો પ્રેમ વરસાવી શક્યાં. ટાગોરનો એમના સમયમાં જે ખૂબ વ્યાપક impact રહ્યો એમાં એમની વ્યક્તિ-પ્રતિભાનો જરાય ઓછો ફાળો નહોતો એ વાત લક્ષમાં લેવી પડે. ટાગોર ભલે શાસ્ત્રાલોચક નહોતા – કે પોતે કહે છે એમ આધ્યાત્મિક ઉત્કર્ષ વિશે એમનામાં કોઈ ઘોષણા કદી પ્રગટ થઈ નથી; મૂળે તો એમનામાં કવિત્વશક્તિ જ હતી. છતાં આપણને એમની વૈશ્વિક ચેતનાનો સંસ્પર્શ થયા વિના રહેતો નથી. એ બને કે એમની તેજ કલ્પનાશીલતા અને સર્જકત્વથી એમણે બ્રહ્માંડના રહસ્યને પામવાનો યત્ન કર્યો હતો. છતાં એમનો ઠોસ આધ્યાત્મિક અભિગમ એમના મૈત્રેયીદેવી ઉપરના પત્રોમાં અંગત સર્જનાત્મક અભિવ્યક્તિ પામ્યો છે. ટાગોર એક જગ્યાએ પત્રમાં લખે છે, “આપણો નાનો ‘હું’ જન્મ-મૃત્યુના તરંગોથી ઝોલાં ખાતો હોય છે, આપણા અંતરતમ નિત્ય ‘હું’થી તેને અભિન્ન કલ્પીએ છીએ માટે જ આપણે બંધાઈએ છીએ, પિડાઈએ છીએ, મલીન થઈએ છીએ એ વાત આપણા શાસ્ત્રમાં કહેલી છે અને હું એ વાત માનું છું.” એટલે કે દેખીતા વાસ્તવ સિવાય એ બીજું વાસ્તવ – આત્મા – છે એ વાતની ટાગોરને પ્રતીતિ હતી, અને સંભવ છે કે ઝાંખી એવી અનુભૂતિ પણ એમને થઈ હોય. પછી બીજી જગ્યાએ એઓ લખે છે, “મારું મન સદાસર્વદા પથિક હોય છે. આ પથિકવૃત્તિ કદાચ મારો સ્વભાવ હશે. ચાલવામાં ધ્વનિ રહેલો છે... સદા મારે બાધામાં થઈને ચાલવું પડ્યું છે. એ ચાલવામાં જ મારો સૂર રહેલો છે; રસ્તો વાંકો થઈ જાય છે, વાવાઝોડાથી દીવો હોલવાઈ જાય છે. આકરા તાપથી રસ્તાનું ભાથું સુકાઈ જાય છે; ધક્કો જ્યારે લાગે છે, તાપ અસહ્ય બની જાય છે, ત્યારે હું શોધવા નીકળી પડું છું અંતરમાં. વારે વારે જોવા મળે છે કે ત્યાં સ્તબ્ધતામાં પણ અન્ન છે, આરોગ્ય છે, શાંતિ છે; એક સમય એવો આવે છે જ્યારે બહારની નિંદા, કઠોરતા અને ગંદકી પહોંચી શકતી નથી. પરંતુ એ ‘ના’ના કોઠામાં જવા માત્રથી ખાસ લાભ નથી; પોતાની અંદર જે અભિમાન, જે રાગદ્વેષનું ચાંચલ્ય રહેલું છે તેને અતિક્રમી જઈએ ત્યારે એક સહજ આનંદ આવે છે. તે આનંદ કેવળ મુક્તિનો નથી. તે આનંદ સત્ય ઉપલબ્ધિનો, વિશુદ્ધ પ્રીતિનો આનંદ છે. એમાં પહોંચી જઈને એમાં જ સ્થિર થવું મુશ્કેલ છે. એને માટે જ મથવું જોઈએ, એને જ મેળવવો જોઈએ એ વાત મન વારે વારે ભૂલી જાય છે. પૂર્વસંસ્કાર સાધનાના સંકલ્પને ઢાંકી દે છે. તેમ છતાં એને નિશ્ચિતપણે જાણી શકીએ તો જ શક્તિ મળે છે – એ જ્ઞાન આ છે કે અંતરની સ્તબ્ધતાની સાથે બહારના ચાલવાનો મેળ સાધી શકીએ ત્યારે સાર્થકતા મળે. એ સ્તબ્ધ વીણાની સાથે ગતિશીલ ગીતના સંબંધ જેવું છે. તને મારી પાસેથી શક્તિ મળશે એવી તું આશા રાખે છે. પણ એવો ગુરુનો અધિકાર હું ધરાવતો નથી. તારું કલ્યાણ ઇચ્છું છું. પરંતુ કલ્યાણ કરવા જેટલું ઐશ્વર્ય મારામાં છે ક્યાં?” ટાગોરના એક અનોખા અભિગમમાં એમની ગહનશીલતાનાં દર્શન થાય છે. એઓ કહે છે કે “એક વાત ખૂબ યાદ રાખવા જેવી છે અને કદી ભૂલી જવા જેવી નથી કે બાળકો માટે કોઈ સત્ય તેને લાયક ભાષામાં સરળ કરીને કહેવું એ સત્યને જ હલકું પાડવા જેવું છે. બધું કદાચ તે તે વખતે સમજી ન શકે તોપણ જે સમજની શરૂઆત થાય છે તે સાચી હોય છે.’ આવું આપણા બધાના અનુભવમાં પણ વત્તેઓછે અંશે આવ્યું હોય છે. નાની વયે શરદબાબુ વાંચ્યા હોય કે અઢાર-ઓગણીસ વર્ષે દાસ્તોએવસ્કી, ફ્રોઇડ કે ટ્રોટ્સ્કી વાંચ્યા હોય, ઘણું માથા ઉપરથી ચાલ્યું ગયું હોય – છતાં એક એવું અગોચર ભાથું એમાંથી મળી ગયું હોય છે કે એ જીવનભર ટકી રહે છે. લેખિકા લખે છે એમ ‘ટાગોરનું સદાય શોધક મન વિજ્ઞાનના સત્યમાં નિરંતર મુક્તિ શોધતું, પણ પ્રત્યક્ષ પ્રમાણ એ જ એમને મન સંપૂર્ણ સત્ય નહોતું.’ આ એમણે એક પત્રમાં લખ્યું છે એનાથી ખૂબ સુપેરે છતું થાય છે. એમણે હોવુંના કેટલાય પ્રકારો ગણાવ્યા છે અને ઇન્દ્રિયના પુરાવાની સામે આકાંક્ષાનો પુરાવો એવો શબ્દ વાપર્યો છે. મૈત્રેયીદેવીની મિત્ર બુલા મૃત્યુ પામી છે. એમનું મન કોઈ રીતે એ મૃત્યુને માનવા ઇચ્છતું નથી. ત્યારે ટાગોર લખે છે, ‘ત્યારે તેને માનવાની જરૂર શી? હોવું એ ઘટનાના કેટલાય પ્રકાર છે. કોઈ વાર ઊંઘતાં હોઈએ છીએ તો કોઈ વાર જાગતાં હોઈએ છીએ, કોઈ વાર પાસ હોઈએ છીએ તો કોઈ વાર દૂર હોઈએ છીએ, કોઈ વાર દૃશ્ય હોઈએ છીએ તો કોઈ વાર અદૃશ્ય – એની સાથે બીજી એક વસ્તુ ઉમેરી દેવામાં દોષ શો? – અર્થાત્, કોઈ વાર આ લોકમાં તો કોઈ વાર પરલોકમાં – કોઈ વાર મર્ત્ય શરીરની સ્થિતિમાં તો કોઈ વાર શરીરની પારની સ્થિતિમાં. તું કહેશે, હું ચોક્કસ જાણતી નથી. એટલા માટે જ ઇન્દ્રિયોના પુરાવાને જ બળવાન ન બનાવતાં આકાંક્ષાના પુરાવાને જ માનવો એ સારું છે. પૃથ્વીમાં બધી આકાંક્ષાઓ સાર્થક થતી નથી એ વાત સાચી, એમ એ વાત પણ સાચી કે બધાં સત્યોની દલીલ આપણા હાથમાં નથી, તેથી જેને નિશ્ચિત તરીકે જાણીએ છીએ તે પણ ભ્રાન્તિ હોઈ શકે છે. આપણે મૃત્યુને વિલય માનીએ છીએ તેનું કારણ સંભવતઃ એ છે કે વિલોપન નથી એના પુરાવા આપણને હાથવગા નથી – કદાચ આપણે નકામા વિલાપ કરીને મરતા હઈશું... મારું કહેવું એ છે કે જો આપણે દ્વન્દ્વની સ્થિતિમાં જ છીએ તો ‘ના’ના કરતાં ‘હા’ને માનવું એ જ સારું. મૃત્યુ જો અંતિમ સત્ય જ હોય તો દુઃખ કરવું નકામું છે, અને જો એ સત્ય ન હોય તો તેથી પણ વધારે નકામું છે.’ જેમ સર્જનમાં તેમ જીવન જીવવાની કળામાં ટાગોરે કલ્પનાશક્તિનું ઘણું મહત્ત્વ માન્યું છે. પરિણિત સ્ત્રીની સંસારી ભૂમિકા અંગે પણ એમની વિશિષ્ટ દૃષ્ટિ છે. એક પત્રમાં લખે છે, ‘... તારામાં કલ્પનાશક્તિ છે, એ શક્તિ એટલે જ સર્જનશક્તિ. પરિસ્થિતિના હાથમાં નિષ્ક્રિયપણે પોતાને સોંપી દઈને તું રહી શકવાની નથી – પોતાને પૂર્ણતર બનાવી તું સર્જન કરી શકશે. હું જાણું છું કે આપણા દેશની સ્ત્રીઓ માટે ઉદાર શક્તિપૂર્વક આત્મવિકાસ કરવો સહેલું નથી – બહારની બાજુએ વિસ્તરવાનું ક્ષેત્ર રૂંધાયેલું છે – અંતર્લોકમાં પ્રવેશ કરવાની જે સાધના હોય તેને અંગે પણ અનુકૂળતા તેમને દુર્લભ છે. તેમ છતાં તું હતાશ ન થઈશ – પોતા ઉપર શ્રદ્ધા રાખજે, ચારેકોરથી પોતાને વિચ્છિન્ન કરી લઈને તે ગભીર એકાંતમાં પોતાને સ્થિર કરજે, જ્યાં તારો મહિમા તારા ભાગ્યને પણ અતિક્રમી જાય.’ મૈત્રેયીદેવી લખે છે કે જે યંત્રણાના બાણથી વીંધાઈને હું તડફડતી હતી તેમાંથી તે ક્ષણે આ પત્ર મને બચાવી ન શક્યો. મેં ધાર્યું કે ગુરુએ મારો ત્યાગ કર્યો છે. બીજી જગ્યાએ ટાગોર પત્રમાં લખે છે, ‘સૌથી મોટા સર્જનની જવાબદારી સ્ત્રીઓ ઉપર કોઈ હોય તો તે તેમનો પોતાનો સંસાર રચવાની છે. એમાં સાચી શક્તિની જરૂર પડે છે – ક્લ્પના વડે, પ્રેમ વડે, સેવા વડે, અંતર્દષ્ટિ વડે, ઊંડા સ્નેહના ધૈર્ય વડે એક નાનુંસરખું આત્મીય જગત સુંદર ભાવે રચવું એ કંઈ સહેલું કામ નથી. સહેલું નથી માટે એમાં આનંદ છે, ગૌરવ છે. બધી સ્ત્રીઓ એ કરી શકતી નથી કેમ કે તેમનામાં ઔચિત્યબુદ્ધિનો અભાવ હોય છે. આ સંસારમાં સર્જનના કેન્દ્રમાં રહીને જે સ્ત્રી પોતાના પ્રભાવને ચારેકોર વિસ્તારવા માગતી હોય – તેનામાં ગભીર શાંતિ અને સહજ આત્મત્યાગની શક્તિ હોવી જોઈએ... તારામાં ચારિત્ર્યની ગભીરતા અને કલ્પનાનો પ્રકાશ છે.’ ટાગોરના સર્જન અંગેના પ્રતિભાવો એમના સમગ્ર જીવનદર્શનના અંગરૂપ છે. અથવા વધુ સાચું એ છે કે એમના જીવનદર્શનના પાયામાં સતત વહેતો સર્જન-સ્રોત છે. ૧૯૧૧માં સુરેન્દ્રનાથ દાસગુપ્તાએ ટાગોરને પોતાનો કાવ્યગ્રંથ ‘નિવેદન’ મોકલ્યો હતો એના સંદર્ભમાં ટાગોર સહૃદયપૂર્વકની નિખાલસતાથી લખે છે, ‘ભાવો રૂપ પામી શક્યા નથી, એમ જ વારે વારે મનમાં થતું હતું... પરંતુ કવિતામાં અને બધા જ સર્જનમાં જોવું એ જોઈએ કે રૂપ સુરેખ પ્રગટ થયું છે કે નહીં. એટલા માટે જ રૂપમાં આપણને આનંદ આવે છે. કવિતામાં ભાવ કરતાં એ આનંદનું મૂલ્ય જ વધુ હોય છે. આપના ગદ્યનિબંધમાં પણ ભાવનું પુષ્કળ પ્રાચુર્ય છે. જો કે સુવિન્યસ્ત અને સુસંશ્લિષ્ટ રૂપની સુષમા જોવા ન મળતાં મારું મન સતત ડોકું ધુણાવતું રહ્યું છે. હું મારા પૂરા અંતરથી એવી આશા સેવી રહ્યો છું કે આપના ભાવસર્જનના કાર્યમાં ક્રમે ક્રમે સંહત થવાનો સમય – રૂપ પ્રગટ કરવાનો સમય આવશે – જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આપના કવિતાજગતમાં તેજ હોઈ શકે છે, તાપ હોઈ શકે છે, ઉદ્યમ હોઈ શકે છે, પરંતુ તે ધનધાન્યથી, જીવનથી, સૌંદર્યથી વૈચિત્ર્યમય બની સાચી પ્રતિષ્ઠા નહીં પામી શકે. લેખકની લાગણી હું સમજું છું. એટલે જ આપના કાવ્ય વિશે મારો આ અભિપ્રાય લખતાં મને દુઃખ થાય છે; બીજો કોઈ હોત તો હું લખત નહીં, પણ આપની આગળ મારો મત છૂપો રાખવો મને યોગ્ય લાગતું નથી, કારણ કે આપના પ્રત્યે મને આદર છે. ટાગોરની ખ્યાતિ સર્વોચ્ચ શિખરે પહોંચી હતી છતાં નિંદા – કુથલી – અન્યાયી ટીકાઓના પણ એ ઓછા ભોગ નહોતા બન્યા. મૈત્રેયીદેવી લખે છે કે એ સમયમાં સજનીકાન્ત દાસ-સંપાદિત ‘શનિવારેર ચિઠિ’ બહાર પડતું હતું. એનું કામ જ અકથ્ય ગાળાગાળી કરવાનું અને કોની ક્યાં ભૂલ છે એ શોધી શોધીને બહાર પાડવાનું હતું. આધુનિક કવિઓ અને લેખકોના મનની વાત સમજવી તો આઘી રહી – રવીન્દ્રનાથને પણ તેઓ સમજતા નહોતા. કદાચ કેટલીક કવિતા સમજતા હશે. પણ તેમની આંતરરાષ્ટ્રીયતા, માનવતા, વિશ્વબોધ, તેમની જીવનચર્યા એ બધું જ સજનીકાન્તના મંડળના ગજા બહારનું હતું. સહશિક્ષણ શરૂ કરવું, છોકરાછોકરી એકસાથે નાચગાન કરે, એ બધાં દૂષિત કાર્યોની ટીકા ઉપરાંત કવિની રચનાથી અને ચરિત્રના ટીકા-વ્યંગ અને ઉપહાસથી ‘શનિવારેર ચિઠિ’ ભરેલું હતું, એક અંક જોતાં કવિએ મૈત્રેયીદેવીને કહ્યું, ‘જો તારા સ્વદેશવાસીનું પરાક્રમ. આઘાત કરવાના આનંદમાં તેઓ મત્ત છે.’ એક વખત કવિ ખૂબ બીમાર હતા અને ઘેનમાં પડ્યા હતા. સોમેન્દ્રનાથ ટાગોર (જાણીતા માર્ક્સવાદી અને ટાગોરના સગા) ત્યાં આવી પહોંચ્યા અને કવિને ઉઠાડી એમને કહે છે, ‘રવિદા! તમે યંત્રની વંદના કરી છે – ‘નમોયંત્ર નમોયંત્ર’ લખ્યું છે, હવે માણસની વંદના કરો, માણસનાં વિજયગીત ગાઓ.” લેખિકા લખે છે કે હું તો સાંભળીને સ્તબ્ધ બની ગઈ. આ માણસ કહે છે શું? એમણે જીવનભર માણસનાં વિજયગીત જ તો ગાયાં છે. મૈત્રેયીદેવીના એક પુસ્તકની પ્રસ્તાવનામાં ટાગોરની ખૂબ રસપ્રદ અને નવા કોણથી કહેલી કેટલીક વાતો આપણે માટે જોવા જેવી છે. ટાગોર લખે છે, ‘વાંચીને થયું કે ઉંમર કરતાં લખાણ ઘણું આગળ વધી ગયું છે. સ્વાભાવિક શક્તિની ઝાંખી થતી હતી. કવિતા ઉંમરના પ્રમાણમાં નિપુણતાવાળી હતી, પણ સાહિત્યના શાશ્વત માપદંડે જોતાં કાચી હતી. મારે મતે એ દોષ નથી. કાચા કહેવું એ જ સ્વાસ્થ્યનું લક્ષણ છે. જ્યાં સુધી વધવાની ઉંમર હોય ત્યાં સુધી હાડ નરમ હોય છે. તે જો કઠણ થઈ ગયું તો વધવાનું અટકી જાય છે. તે જ રીતે લખવાની શક્તિ હોવા છતાં નાની ઉંમરના લખાણમાં ભાવિ વિકાસની પૂરતી અપેક્ષા રહે એ આશાજનક અને ઉત્સાહપ્રેરક વસ્તુ છે... નાની ઉંમરમાં મન બહારની વસ્તુઓને અડતા ફરવામાં જ મશગૂલ રહે છે. ત્યારે સંબંધ વગરના અનુભવોને મેળમાં આણી તેને રૂપ આપવા જેટલી ધ્યાનશક્તિ હોતી નથી... માત્ર વિચાર કરવો એ પૂરતું નથી, વિચાર કરતાં જો રસ ન મળે તો કાવ્યનો વિષય ન બની શકે... મૈત્રેયીનાં કાવ્યોને અત્યારે જ સાહિત્યની જાહેર સભાની ભીડની વચ્ચે ખડી કરી તે સારું થયું કે નહીં એની મને ખબર નથી. આ તેનાં કાવ્યોની દૃષ્ટિએ નથી કહેતો, પણ તેને પોતાને દૃષ્ટિમાં રાખીને કહું છું... મારા મોઢામાં આ શબ્દો શોભે કે નહીં, એ ચર્ચાનો વિષય થઈ શકે, કારણ કે મેં પણ કાચાં લખાણ કાચી ઉંમરે જ પ્રગટ કર્યાં છે... આજકાલ કોઈ પત્ર લખાણને યોગ્ય મુહૂર્તની રાહ જોવી પડતી નથી. ભીડમાં હડસેલા-હડસેલી કરી પેસી જવાય છે... તે જમાનામાં બંગાળી સાહિત્યની સભામાં આટલી ભીડ નહોતી, જગ્યા ખાલી હતી. પરંતુ તેમ છતાં બહારનો નિષેધ ન હોવા છતાં અંદર કાળનો (પહેરો) હોય છે... ભાગ્યવશાત્ તે વખતના વિવેચકોએ મને ખોટા લાડ લડાવ્યા નહોતાં. મારાં લખાણની અસ્પષ્ટતા, અપક્વતા વગેરે વિવિધ દોષો ખાતર મને છેલ્લી પાટલીએ બેસાડી રાખવામાં આવ્યો હતો; એમાં ભૂલ થઈ હતી એમ હું નથી કહેતો. છેલ્લી પાટલી પર અવહેલાએ રચેલા અવકાશની ખોટ નથી હોતી, ત્યાં બેઠાં બેઠાં મેં મારા લખાણની ઢબ બનાવી લીધી હતી. પરંતુ મારા મનમાં આજે પણ પસ્તાવો થાય છે કે જેનું નેપથ્યવિધાન કરવામાં આવ્યું નહોતું તેને રંગમંચ ઉપર હજાર દીવાઓ સામે ખડું કરવામાં આવ્યું, એ સારું ન થયું. તે આજે સફેદ કાગળ ઉપર શાહીના નૃત્યમાં જોડાઈ ગયું છે, તેને રોકી શકાય એમ નથી... લોકોની સામે બેસીને પણ લખી શકાય, જો લોકોને બિલકુલ ભૂલી જવાની શક્તિ હોય... રચનાની ત્રુટિ તે અશક્તિની ત્રુટિ છે, એ નૈતિક અપરાધ નથી એવો મત મને લાગે છે કે તે વખતે ભદ્ર સમાજમાં પ્રચલિત હતો... સાહિત્યમાં આજકાલ સિવિલકોડ લગભગ વપરાતો જ નથી, જોઉં છું કે બધા જ પોલીસકેસ ગણાય છે.’ ૬૭ની વર્ષ ટાગોરની સર્જનશક્તિ ચિત્રો દોરવા તરફ વળી. કવિ લેખિકાને કહેતા, ‘જોતાં જોતાં આંખ તૈયાર થાય છે. જ્યારે તું મારાં ચિત્રો જોતી થશે ત્યારે હું નહીં હોઉં. અત્યારે તું આંખ માંડી રહી છે, પણ જોતી નથી, કારણ કે આંખ કંઈ જોતી નથી, જુએ છે મન.’ મૈત્રેયીદેવી લખે છે કે ‘કંઈ કહેવાની જરૂર નથી કે તે વખતે હું તેમનાં ચિત્રો જોવા પામી નહોતી, અને શઠતા કરવાની કદી જ ઇચ્છા નહોતી એટલે એ વાત વારેવારે કહીને તેમને મેં દુઃખી કર્યા છે. હવે જોઈ શકું છું – હવે સમજું છું - કે ચિત્રના જગતમાં પણ તેઓ આ યુગના એકચક્રી સમ્રાટ છે,’ ટાગોરે ૧૯૩૦માં પોતાનાં ચિત્રો માટે લખ્યું છે : ‘My pictures are my versification in lines. If by chance they are entitled to claim recognition it must be primarily for some rhythmic significance of form which is ultimate, and not for any interpretation of an idea, or representation of a fact.’ ટાગોર ક્યા ક્ષેત્રે પ્રયોગશીલ નથી રહ્યા? સતત પ્રયોગ કરતા રહ્યા છે શિક્ષણક્ષેત્રે, કલાક્ષેત્રે, સંગીતક્ષેત્રે, જીવનક્ષેત્રે. લોકકળાને પણ ટાગોરે જ્યારે બંગાળમાં ઉચ્ચ શિક્ષિત મધ્યમ-શ્રીમંત વર્ગમાં પશ્ચિમીકરણની બોલબાલા હતી ત્યારે પોતાની આગવી રીતે ઉત્તેજન આપ્યું હતું. લેખિકાના પિતાને એઓ આટંગા તરફની સ્ત્રીઓના ક્લાના નમૂના ભેગા કરવાનું લખે છે. જુદા જુદા માટીના ઘરના ફોટા મોકલવાની વાત પણ લખે છે. સારું-નરસું જે હોય તે વગરવિચારે ભેગું કરજો એવી સિફારસ કરે છે. ટાગોર લોકકલા વિશે લખે છે, ‘એને સમજવાની રુચિ આપણે નવેસરથી કેળવવી પડે, કારણ કે તે આદિમ સૌંદર્યચેતનાથી આપણે ઘણા દૂર નીકળી ગયા છીએ.’ આજે આપણે ટાગોરના જમાનાના ભાવજગત(આશાવાદ, આસ્તિકતા, રંગદર્શીપણું)થી ઘણા દૂર નીક્ળી ગયા છીએ એ ખરું, પણ હમણાંની પેઢી ગુણાત્મક રીતે આપણાથી દૂર ખસી રહી છે એની પ્રતીતિ પણ આપણે સતત અનુભવી રહ્યા છીએ. દિલીપ પડગાંવકર આને Audio-visual explosion કહે છે. પુસ્તકો નહીં, હવે telenovellaની વાતો થઈ રહી છે. અને છતાં ‘સ્વર્ગની લગોલગ’માંના ટાગોરના પત્રો વાંચતાં, મૈત્રેયીદેવીની તે પત્રો પરની ટિપ્પણો વાંચતાં ભક્તિપ્રેમની ઉષ્માથી આર્દ્ર થયેલી વ્યક્તિ-પ્રતિભા આપણને મુગ્ધ કરે છે, અને એક પ્રકારની અતીતઝંખના આપણામાં જગાડે છે. શ્રી નગીનદાસ પારેખ આવા અનુવાદો આપતા રહ્યા છે – ગુજરાત હમેશાં ઋણી છે.
[ફેબ્રુ., ૧૯૮૬