નીરખ ને/ધૂર્ત શબ્દો : હર્બર્ટ રીડની મૂંઝવણ અને મથામણ: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 02:23, 11 February 2024
{{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|
નિર્ભ્રાન્ત કરનારી મારી શોધ એ હતી કે યુદ્ધ દરમ્યાન જે આદર્શ અત્યંત જરૂરી સાબિત થયો એ શાંતિને સમયે નકામો ઠર્યો. વફાદારી અને પરસ્પર સહાય રાજકીય સ્થાપિત હિતો સામે અશક્તિશાળી હતા... આ નિર્ભ્રાન્તિ અડધી સદીથી યે વધુ સમયથી ચાલી આવી છે, બીજા વિશ્વયુદ્ધે એને વળી ગાઢ બનાવી છે, અને હવે જેને આપણે ઠંડું યુદ્ધ કહીએ છીએ એથી તો એ ગાઢતર બની છે. અનેક પ્રકારનાં આંદોલનો અને વિદ્રોહોમાં એ અભિવ્યક્ત થઈ છે, અને ગાંધી, રસેલ અને કેમ્યૂ જેવી રોષે ભરાયેલી વ્યક્તિઓ પાસેથી ઉદાત્ત ઉદ્ગારો કઢાવ્યા છે. પણ શું સિદ્ધ થયું છે? ભારતની ભ્રામક આઝાદી પણ માત્ર ગાંધીજીની શહીદી, ધાર્મિક-કોમી રમખાણો, રાજકીય અરાજકતા અને દુકાળમાં પરિણમી. વફાદારી જેવો સાદો વિચાર પ્રચલિત નથી બન્યો, ભારતમાં તો ઓછામાં ઓછો. હું કડકમાં કડક પાઠ એ શીખ્યો છું કે મારી વ્યક્તિગત મહેચ્છાને હળવી કરી નાખવી. મારી સૌથી મોટી મહેચ્છા કવિ તરીકે ઓળખાવવાની હતી. પણ તરત જ મને પાઠ મળ્યો કે આધુનિક વિશ્વને સામાન્યપણે કવિઓનો ખાસ ઉપયોગ નથી, અને મારો તો ખાસ નહીં. આ વિધાન સામે સાબિતી તરીકે યેટ્સ, વૅલરી, રિલ્કે, ફ્રૉસ્ટ કે એલિયટની કારકિર્દીઓ લાવવામાં આવે – આ એવા કવિઓ છે જેમને આખા વિશ્વે આદર આપ્યો છે અને વધાવ્યા છે. પણ આ કવિઓ પોતે પોતાની કહેવાતી સફળતા માટે શું કહે છે? એ લોકો અંગત કડવાશ, સમાજ પ્રત્યે તિરસ્કાર અને આધ્યાત્મિક નિર્ભ્રાન્તિથી ભરેલા હતા. એ જાણતા હતા કે એમની નામના પોલી અને બિનમહત્ત્વનો દેખાવ હતો; એમની જનતા મોટે ભાગે ખુશામતખોર અને દંભી હતી, અને એમનો લોકો ઉપરનો પ્રભાવ (દાન્તે, મિલ્ટન કે વડ્ર્ઝવર્થના પ્રભાવની તુલનામાં) નહિવત્ હતો. એ ખરું છે કે એમની કવિતા આગળના કવિઓનો મેં જે નિર્દેશ કર્યો છે એમના જેવી ઊંચે લઈ જનારી નહોતી. એ જો એવી ઉન્નતિસાધક હોત તો જૂઠી હોત, કારણ કે આજે કવિએ લોકોને ઊંચે લઈ જવાનું નથી કરવાનું, પણ પ્રગટ કરવાનું છે – આધુનિક માણસની કરુણ પરિસ્થિતિને પ્રગટ કરવાની છે. આવું કરુણ દર્શન સમૃદ્ધ સમાજના નાગરિકોને આવકારપાત્ર નથી અને આ બધા કવિઓની સમાજે અવગણના કરી છે. એમની કીર્તિ વિદ્યાકીય છે, અને વધુમાં વધુ કહેવું હોય તો એ શિષ્ટશાસિત (એરિસ્ટોક્રેટિક) છે; આધુનિક વિશ્વના રચનાર તંત્રજ્ઞોને કે એવા વિશ્વમાં સંતૃપ્તિથી રહેનારાઓ માટે એ નિરર્થક છે.
હર્બર્ટ રીડ
ધૂર્ત શબ્દો : હર્બર્ટ રીડની મૂંઝવણ અને મથામણ
લંડનની વચ્ચોવચ્ચ એક લગભગ ભુલાઈ ગયેલી વીરાંગના, એડિથ કેવેલનું પૂતળું છે; એની નીચે કોતરાયેલા શબ્દો છે – ‘દેશપ્રેમ પૂરતો નથી.’ હર્બર્ટ રીડ લખે છે કે “નર્સ કેવેલનો ૧૯૧૫માં જર્મનોએ દેશદ્રોહના ગુનાસર વધ કર્યો એ પહેલાં એણે બોલેલા આ શબ્દો છે, પણ એની પ્રમાણભૂતતા વિશે શંકા છે. આ ઉક્તિનો કદાચ એ અર્થ છે કે દેશપ્રેમ માનવજાત પ્રત્યેના પ્રેમ કરતા ઊતરતો છે. પેટ્રિયોટિઝમ – દેશપ્રેમ એટલે શું? પોતાના દેશ પ્રત્યે અને પોતાનાં દેશવાસીઓ માટે પ્રેમ. પણ આપણા સમયમાં દેશપ્રેમને રાષ્ટ્રવાદ (નેશનાલિઝમ) સાથે ગૂંચવી માર્યો છે. રાષ્ટ્રવાદ એટલે વિદેશીઓ માટે ધિક્કાર અને યેનકેન પ્રકારેણ પોતાના દેશના સ્વાર્થી દાવાઓ, જરૂર પડ્યે લશ્કરી તાકાતથી પણ પ્રતિપાદિત કરવા. આવા બધા શબ્દોનો અવિશ્વાસ કરવાનું હું શીખ્યો છું, અને આ પાઠ શીખવાનો આરંભ લગભગ નર્સ કેવેલ જ્યારે પોતાનું જીવન હોેમી રહી હતી ત્યારે થયો હતો. એ જ યુદ્ધમાં મેં પણ લગભગ મારા જીવનનું બલિદાન આપ્યું હતું. જેમ જેમ યુદ્ધ આગળ વધતું ગયું અને મારા લાખો સાથીદાર સૈનિકો મૃત્યુને શરણે થયા ત્યારે મને એ સૂત્રો – જે વડે રાજકારણીઓ અને પત્રકારો યુદ્ધને ન્યાયી ઠરાવતા હતા – પ્રત્યે પ્રબળ ધિક્કાર થયો. એ વખતે હજી હું એવા અનુભવમાંથી પસાર નહોતો થયો કે એ સૂત્રોની અવેજીમાં બીજાં એટલાં જ છેતરામણાં સૂત્રો અથવા રસ્કિન જેમને ધૂર્ત શબ્દો (Rough Words) કહે છે એ હોય છે – જેમનાથી પણ સાવધ રહેવુ મારે જરૂરી હતું. એ સમયે જે રાજકીય ધ્યેયો મારી સમક્ષ હું ઊભા કરતો હતો એને સમાજવાદ, સામ્યવાદ કે અરાજકતાવાદ કહેવામાં હું ખચકાટ અનુભવતો હતો. પણ એક શબ્દ હતો જેનો ઉપયોગ કરવામાં મેં ખચકાટ ન અનુભવ્યો અને તે શબ્દ છે શાંતિવાદ (પેસિફિઝમ).” અહીં આપણને આશ્ચર્ય થાય કે ડૂબતો માણસ જેમ તરણું પકડે એમ રીડ આ શાંતિવાદ શબ્દને પકડે છે. વિચાર કરતાં એમ પણ થાય કે પ્રકૃતિથી જે માણસ ઊંડા ધિક્કારને વશ થવા છતાં આશાવાદી હતા. બીજું એ કે વિશ્વયુદ્ધની દારુણ ભયાનકતામાંથી એ પસાર થયા છે. વિશ્વયુદ્ધની આપણા ઉપર આડકતરી અસરો થઈ હશે, થઈ છે, પણ પ્રત્યક્ષ યુદ્ધ આપણા અનુભવની બહાર છે. આપણા દરેક ઘરમાંથી અઢાર વર્ષ કે એની ઉપરની ઉંમરના યુવકોને ફરજિયાત યુદ્ધમાં જવું પડે અને એમનાં આપણને હણાયાંના કે ઘાયલ થયાંના સમાચારો આવતા રહે એવા ભયજનક ત્રસ્ત અનુભવમાંથી પસાર થવાનો વારો આપણને નથી આવ્યો. એટલે શાંતિનું એમને કેટલું બધું મૂલ્ય છે એનો ખ્યાલ આપણને બરાબર નથી આવતો. રીડ લખે છે, “મારી આખી જિંદગી હું શાંતિવાદી રહ્યો છું અને મને જો એમ કહેવામાં આવે કે શાંતિવાદ માત્ર બીજો એક વાસ્તવિકતા વગરનો, નિર્દોષ માણસોને છેતરી શકનારો ધૂર્ત શબ્દ છે તો મારો જવાબ છે કે આ શાંતિવાદ શબ્દ ઊંડું જ્ઞાન ધરાવનારા વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકો-લાઓ ત્સે, કન્ફ્યુશિયસ, ઈશુ, સંત ફ્રાન્સિસ, કોમેનિયસ, કેન્ટ, તૉલ્સ્ટૉય, ગાંધી અને બીજાં ઘણાંનાં તાત્ત્વિક મન્તવ્યોનું પ્રતિનિધાન કરે છે. શાંતિવાદ નકારાત્મક સિદ્ધાંત નથી. એ આક્રમક વૃત્તિઓને સર્જનાત્મક વહેણમાં વાળવાનું વિજ્ઞાન છે. આવું વિજ્ઞાન આજે સારી રીતે સમજાયું છે. વિલિયમ જેમ્સ, ફ્રોઇડ, યુંગ અને કોન્રેડ લોરેન્ઝ જેવા વિજ્ઞાનીઓએ શાંતિવાદ શબ્દમાંથી ધૂર્તપણું કાઢી નાખ્યું છે. શાંતિ આજે યુદ્ધનો વાસ્તવિક વિકલ્પ છે.” આગળ લખતાં હર્બર્ટ રીડ કહે છે કે “એક સૂત્ર છે કે ‘વિશ્વને લોકશાહી માટે સલામત બનાવો.’ તો તરત જ એના વિરોધમાં સૂત્ર આવ્યું કે ‘વિશ્વને સામ્યવાદ માટે સલામત બનાવો.’ અડધી સદીની રાજકીય અરાજકતાએ આપણને શીખવ્યું છે આ બન્ને સૂત્રો અર્થ વગરનાં છે. આપણી કહેવાતી પશ્ચિમ-દેશી લોકશાહીઓ અલ્પજનશાસિત (એલિગાર્કી) છે અને તત્ત્વતઃ સામ્યવાદી ઓલિગાર્કીઓથી જુદી નથી પડતી. વિશ્વ ઉપર રાજ્ય ચલાવે છે ઉદ્યોગ, નાણાં, યંત્રોદ્યોગનાં પ્રતિનિધિઓ અને નોકરશાહી કે જે આ શક્તિશાળી જૂથોની સેવામાં છે. આ રાજ્યસત્તાનો ઇસ્તમાલ સમસ્ત પ્રજાના હિતમાં થતો નથી, અને આજકાલ તો અંગત નફા માટે પણ નહીં. મુખ્યત્વે તો સત્તા ચલાવવી, તૃપ્ત કરનારી સત્તા ચલાવવી એ જ ઉદ્દેશ હોય છે.” હર્બર્ટ રીડ માત્ર આશાવાદી નહીં, પણ પ્રકૃતિ કરીને એમનો અભિગમ હકારાત્મક રહ્યો હતો. એ કહે છે કે “યુદ્ધના અનુભવને કારણે મારા કંઈક આદર્શોનો ખાત્મો થયો, પણ કેટલુંક મેં આ જ યુદ્ધના અનુભવમાંથી મેળવ્યું પણ ખરું – શાંતિવાદ ઉપરાંત પણ. માણસની મૂળભૂત સારપમાં વિશ્વાસ પ્રાપ્ત થયો અથવા તો એ માન્યતાને પુષ્ટિ મળી. આ વાત અત્યાર સુધી રાજકીય લોકશાહીઓ માટે મેં જે લખ્યું એથી વિરુદ્ધની લાગે, પણ સામાન્ય માણસ આ રાજકારણમાં હોતો નથી. સામાન્ય માણસનું તો રાજકારણીઓ દ્વારા દરેક દેશમાં શોષણ જ થતું હોય છે. જે માણસો સાથે ખભો મિલાવી હું લડ્યો એ માણસો કોણ કોણ હતા? – એ હતા ખાણોમાં કામ કરતા કામદારો, ખેતમજૂરો, થોડાંઘણાં કારકુનો, શિક્ષકો અને ધંધાદારી માણસો, ખાણોથી ટેવાયેલી વ્યક્તિઓ માટે યુદ્ધની હાડમારીઓ વધુ નહોતી. થોડીક વિકૃત માનસવાળી વ્યક્તિઓ બાદ કરતાં આમાંનાં મોટા ભાગનાં લોકોએ આવતાં જોખમો અને મૃત્યુને સ્વસ્થતાપૂર્વક સ્વીકારી લીધાં હતાં. એવું નહોતું કે એમને મરવું હતું, પણ એ જાણતા હતા કે મૃત્યુ એમની નિયતિ છે. હિમ્મત કે બહાદુરી જેવા શબ્દો એમણે નકાર્યા હોત. સાદીસીધી વાત એ છે કે એ લોકો નિયતિવાદી (ફેટેલિસ્ટ) હતા. કોઈકે કોન્રેડના એક પુસ્તકના વિધાન પ્રત્યે મારું ધ્યાન દોર્યું : ‘Those who read me know my conviction that the world, the temporal world rests on a few very simple ideas; so simple they must be as old as hills. It rests notably among others on the idea of fidelity.’ શાંતિવાદની જેમ વફાદારી (ફિડેલિટી) શબ્દ પણ રીડ માટે ઘણો મહત્ત્વનો બન્યો હતો. પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન વફાદારી જેવા સરળ વિચારનો એમણે પ્રત્યક્ષ અનુભવ કર્યો – એક માણસની બીજા માણસ પ્રત્યે વફાદારી, સંકટ સમયે જૂથમાં એકબીજા પ્રત્યે અને સમસ્ત જૂથ પ્રત્યે વફાદારી. રીડ કહે છે કે “ક્રોપોટક્રિનના સમાજના તત્ત્વજ્ઞાનમાં વફાદારી પાયાનું મહત્ત્વ ધરાવે છે. પણ નિર્ભ્રાન્ત કરનારી વસ્તુ એ હતી કે યુદ્ધ દરમ્યાન જે આદર્શ ખૂબ જરૂરી હતો એ શાંતિના કાળમાં બિલકુલ કામ લાગતો નહોતો.” અહીં લેખના આરંભમાં લેવાયેલા અવતરણનું સીધું અનુસંધાન છે. આપણે પહેલા રીડના આશાવાદ અને હકારાત્મક અભિગમની વાત કરી. રીડ એકરાર કરે છે કે જીવન પ્રત્યેનો કરુણ અભિગમ એમને સ્વભાવગત નહોતો. એ લખે છે કે “મારું ધ્યેય કવિતાને ઊજવવાનું હતું; પ્રકૃતિ એકલી જ નહીં, પ્રકૃતિ ઉપર માણસનો વિજય પણ. એલિયટ અને બીજાં મારાં સમકાલીનો સાથે જીવન પ્રત્યેની કરુણ કૃતિની જરૂરિયાતના પ્રશ્ન વિશે ઘણી ચર્ચાઓ થયેલી મને યાદ છે. બૌદ્ધિક સ્તરે આ જરૂરિયાત મેં સ્વીકારી હતી. પણ મારી કાવ્યપ્રેરણાને હું એ તરફ વાળી શક્યો નહીં. હું એ પાઠ શીખ્યો કે કવિ તરીકે પ્રવર્તતા યુગ સાથે મારો મેળ ખાતો નહોતો. ટેક્નિકમાં શું આધુનિક હતો અને લાગણીઓને અનુરૂપ શબ્દો માટેની તીવ્ર શોધ અને મથામણમાં હું કદી મોળો નહોતો પડ્યો. મારી બાબતમાં એમ કહેવામાં આવશે કે મારી લાગણીઓમાં પૂરતું ઊંડાણ નહોતું; મને એવું માનવું ગમે કે એ પૂરતા પ્રમાણમાં ફેશનેબલ નહોતી.” બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન રીડને એક એવું કામ કરવાનું આવ્યું કે એક બીજો કેન્દ્રસ્થ સરળ વિચાર એમને સર કરી ગયો. બ્રિટનમાં બ્રિટિશ કળાને પરદેશમાં પ્રોજેક્ટ કરવા માટે એક લલિતકલા સમિતિ રચવામાં આવી. પણ યુદ્ધ દરમ્યાન મૂલ્યવાન કળાકૃતિઓ પરદેશ મોકલવાનું શક્ય નહોતું. એમ નક્કી કરવામાં આવ્યું કે નાનાં હળવાં પાર્સલોમાં મોકલી શકાય એવા બ્રિટિશ બાળકોનાં ચિત્રોના સંગ્રહો મોકલવા. રીડને આવાં ચિત્રો પસંદ કરવાનું કામ સોંપવામાં આવ્યું. ઘણાં બાળકોનાં ચિત્રોના પ્રદર્શનો પરદેશમાં ભરાયાં. રીડ લખે છે કે “પેરિસમાં જ્યારે આવું એક પ્રદર્શન યોજાયું ત્યારની એક ઘટના નોંધવા જેવી છે. પિકાસો એક વખત આ પ્રદર્શન જોવા આવ્યા; એમણે ચિત્રો જોવા પાછળ ખૂબ લાંબો સમય ગાળ્યો. જ્યારે જોવાનું પૂરું થયું ત્યારે એ મારી તરફ ફર્યા અને કહ્યું, “જ્યારે હું આ બાલચિત્રકારોની ઉંમરનો હતો ત્યારે રાફાયેલની જેમ દોરી શકતો હતો. આ બાળકોની જેમ ચિત્રો દોરવાનું શીખતા તો મને ઘણાં વર્ષો લાગ્યાં.” બાળકોનાં ચિત્રો એકઠાં કરવાના આ કાર્યથી રીડને ખૂબ નજીકથી આ વિષયનો અભ્યાસ કરવાની તક મળી, અને ૧૯૪૩માં એમણે ‘એજ્યુકેશન થ્રૂ આર્ટ’ પુસ્તક બહાર પાડ્યું. બાળકની સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ચેતનાનો વિકાસ અને બુદ્ધિ અને સંવેદનશીલતાનું જરૂરી સંયોજન થઈ શકે એવી એમને ચોક્કસ પ્રતીતિ થઈ. એટલે કલા દ્વારા શિક્ષણ એમનું કેન્દ્રસ્થ સૂત્ર બની ગયું. રીડ લખે છે કે વીસ વર્ષમાં તો આ વિચારે સારી પ્રગતિ કરી છે. પણ આ વિચાર ઉચ્ચ ઉદ્યોગીકરણ પામેલા દેશોના યંત્રવિજ્ઞાન-આશયી શિક્ષણ સાથે સંઘર્ષમાં જ આવે. આમ છતાં શ્રદ્ધાવાન રીડને આશા છે કે કદાચ એ વિશ્વને જીતે. પણ પછી કહે છે કે “હું ‘કદાચ’ કહું છું કારણ કે આજે તો માનવજાત પોતાના ડાહ્યા માણસોએ જે કહ્યું છે એ બધાંની તદ્દન અવગણના કરીને સીધી પોતાના વિનાશને માર્ગે જઈ રહી છે. આપણને પૂર્વનું ડહાપણ, બુદ્ધનાં અને ઈશુનાં પ્રવચનો, લાઓ ત્સેનો સરળ માર્ગ કે કન્ફયુશિયસનાં બોધવચનો – એ તરફ પાછા જવાની જરૂર નથી. આપણને આપણાં પયગંબરો છે – તૉલ્સ્ટૉય, ગાંધી, સ્ક્વીટ્ઝર, ફ્રોઇડ, યુંગ, બ્યુબર. આપણને ખબર છે કે આપણે શું કરવું જોઈએ, પણ આપણે કરતા નથી. આપણે બહારના અંધકારમાં એટલું રહેવા માંગતા નથી, કારણ કે ત્યાં ડહાપણના દીવાઓ આપણી આજુબાજુ ઝળહળે છે; પણ આપણે તો રહેવું છે ભૌતિક પ્રગતિની જડ સુખભ્રાન્તિમાં, જે મનુષ્યને આધ્યાત્મિક મુક્તિના બદલામાં ઉચ્ચ ધોરણ ઑફર કરે છે.” રીડ હવે એમના લખે, ‘The Truth of Simple Idlas’-માં વિશિષ્ટ વાતો પરથી સામાન્ય ચિંતન ઉપર આવી લાગ્યા છે. એ કહે છે, “મારી સાથે અને મારા જેવા અનેક આદર્શવાદીઓ સાથે જીવનમાં મોટામાં મોટી છેતરપિંડી હોય તો સમાજવાદની (એમાં સામ્યવાદનો સમાવેશ છે) નિષ્ફળતાનો છે. આ નિષ્ફળતા માત્ર એક જ ભૂલમાંથી, પ્રાણઘાતક ભૂલમાંથી ઊભી થઈ છે – રાજકીય વિજ્ઞાન અને નૈતિક વિજ્ઞાનનું વિખૂટાપણું. તૉલ્સ્તૉયે વ્યક્તિની કે રાજ્યની સત્તા પાછળની દોટ જ બધાં અનિષ્ટોનું મૂળ છે એ વાતને પિછાણી હતી, અને સત્તાની સામે માત્ર આધ્યાત્મિક ઓજાર જ ફાવે એમ કહ્યું હતું. માણસને આ જ ઓજાર જૂના કાળથી જાણીતું છે – એ હમેશાં સત્તાને ખતમ કરતું આવ્યું છે. આ ઓજાર છે જીવન વિશેની ભાવિક સમજણ એટલે કે માણસ પોતાની પૃથ્વી ઉપરની હસ્તીને માત્ર સંપૂર્ણ જીવનનું ખંડિત પ્રગટીકરણ તરીકે જુએ, પોતાના જીવનને અનંત જીવન સાથે જોડે અને અનંત જીવનના કાનૂનોનો અમલ કરવામાં પોતાનું સૌથી વધુ કલ્યાણ પિછાણે; આ કાનૂનોને કોઈ પણ માનવીય કાનૂન કરતા પોતાને માટે વધારે બંધનકારક માને – માત્ર આવી ધાર્મિક સંકલ્પના સત્તાને ખતમ કરી શકે.” “પણ આટલું પૂરતું નથી એમ તૉલ્સ્તૉય તરફ સદ્ભાવ ધરાવનારા પણ કડક વિવેચક નિકોલસ બર્દયેવને લાગ્યું : ‘an awareness of the significance of the irrational processes of life that permeate us, get hold of us, imperil us, and thereby transcend our rational and moral aims and ends... True no one perhaps had experienced the horror of evil, particularly when it parades in the guise of the Good, with such intensity as Tolstoy, but he remained blind to the dark, irrational, meta-physical source of evil.’ યુંગનો પણ આવો જ મત હતો, ખાસ તૉલ્સ્તૉય માટે એમ નહીં, પણ બધા જ સમાજસુધારકો માટે જેમને એમ લાગે છે કે બુદ્ધિવાદ વડે દુનિયામાં પરિવર્તન લાવી શકાય.” “આપણે મનોવિજ્ઞાન તરફ વળીએ તો એ પણ એ જ પાઠ શીખવે છે કે તર્ક (રીઝન) પૂરતો નથી – ખાસ કરીને અનિષ્ટના પ્રશ્નને તર્ક હલ કરી શકતું નથી. ગુન્હાઓની બાબતમાં આપણાં કહેવાતા સુધારા સરિયામ નિષ્ફળતાને વર્યા છે. તર્ક બળની સાથે પણ કામ પાર પાડી શકતું નથી. તર્કથી હતાશ થઈ આપણે એની જગ્યાએ ભયને લાવ્યા છીએ – સંગઠિત ગુન્હાનો ભય, અણુયુદ્ધનો ભય. આપણને લાગે છે કે આપણે પૂરતા પ્રમાણમાં ભયભીત રહીશું તો આપણે અનિષ્ટ પરિબળોને નિયંત્રિત કરી શકીશું. પણ એ હકારાત્મક વૃત્તિ નથી. એ આપણી બધી સાહજિક વૃત્તિઓનો – સારી તેમજ નરસીનો – નિષેધ છે. આપણને જરૂર છે મનની શાંતિની; એ આત્મજ્ઞાન સાથે આવે. આત્મજ્ઞાન જે અચેતન પ્રક્રિયાઓ ભય, આક્રમકતા, ઈર્ષા અને ગુન્હાનું કારણ છે એના જ્ઞાનને સૂચિત કરે છે. આ આત્મજ્ઞાન વિરલ વ્યક્તિઓમાં આંતરિક પ્રકાશથી આવે એમ બને, પણ મોટા ભાગની માનવજાતને જેને આપણે શિક્ષણ કહીએ છીએ એ દ્વારા મળવું જોઈએ; એવું શિક્ષણ જે સૌ પ્રથમ અચેતનની પ્રતીકાત્મક જરૂરિયાતોને ધ્યાનમાં લે; એટલે કે કળા દ્વારા શિક્ષણ હોવું જોઈએ.” અંતમાં રીડ લખે છે : “માનવજાતની મુક્તિ માટે કદાચ શિક્ષણ એ નબળી અને ગેરસમજ પામેલી પ્રક્રિયા છે, પણ મને બીજું કંઈ દેખાતું નથી. હું યુંગ સાથે સમ્મત થાઉં છું કે શિક્ષણની પ્રક્રિયા (યુંગ એને inviduation કહે છે) વ્યક્તિને ફરી ઈશ્વર તરફ દોરી જાય કે ઈશ્વરને વ્યક્તિ તરફ લઈ આવે. પણ આ પ્રશ્નો ભવિષ્ય માટે છે અને મહદ્અંશે પારિભાષિક સંજ્ઞાના પ્રશ્નો છે. પણ વર્તમાન તાત્કાલિક જરૂરિયાત આત્માની બીમારીની કબૂલાતની છે, અને એના ઉપચાર માટે વ્યાવહારિક ઉપાયો કરવાની છે – કારણ કે આજે પ્રશ્ન નૈતિક બોધનો કે ધાર્મિક પુનરુત્થાનનો રહ્યો નથી; થોડા સાદા વિચારોમાં શ્રદ્ધા રાખવાની વાત છે – કારણ કે આવા સાદા વિચારો વિશ્વનું રૂપાંતર કરવાની તાકાત ધરાવે છે.” હા, રીડ કહે છે એ સાદા સરળ વિચારો – ક્યાંક તો શ્રદ્ધા રાખવી પડે. પણ એથી પણ સરળ આપણે થઈ જઈએ, અને આપણી આજુબાજુનું વાસ્તવ, આપણી પોતાની પ્રકૃતિ જેવી છે એવી જોતા થઈએ તો આ સાવ નાની લાગતી વાત સ્ફોટક બને. આ ટમટમતો દીવો વિશ્વના અત્યાચારોના ભયાનક ઘટાટોપ વચ્ચે ઝીણું ઝીણું ઝળહળ્યા કરે. આ આપણા હાથની વાત છે. બાકી તો ગાંધીજી આજે પ્રસ્તુત છે એવા ક્યારેય નહોતા. હર્બર્ટ રીડ અરાજકતાવાદી હતા. અરાજકતાવાદનો સાદો-સીધો અર્થ હતો – A way life without government. ગાંધીજીની કલ્પનાનું વિકેન્દ્રિત અર્થતંત્ર અને આજની પર્યાવરણ-પ્રશ્ન પ્રત્યેની સજગતા – રીડ આપણને ત્યાં જ લાવે. ગાંધીજીના દર્શન પ્રત્યે ગતિશીલ અભિગમની આવશ્યકતા છે. રીડે શબ્દોમાં ધૂર્તતા કેવી પેસી જાય છે એ આપણને તાદૃશ કરી બતાવ્યું. આજના આપણા ગુજરાતી સાહિત્યને સંદર્ભે આ વાત વિચારવા જેવી છે. નિષ્ઠાવાન ચિંતકોના ધબકાર સમાન હોય છે – એમાં રીડનો સમાવેશ છે. [મે, ૧૯૮૯
[નવેમ્બર, ૧૯૮૭